શિવત્વ – ચિરાગ ડાભી 3


શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે.

દુનિયાની આ ભીડમાં, ખોવાયા હું ને તું,
તું શોધે મને આતમમાં ને હું શોધું તને મંદિરમાં.

એક ઘરેડ છે, દરેક ધાર્મિક તહેવારમાં મંદિરોમાં ભીડ કરવી, તેની પાસે આપણી કંઈકને કંઈક મહત્ત્વાકાંક્ષાઓ લઈને માંગણી કરવા જવું. એ દિવસે તેના વ્રત-નિયમો કરવા; તેનાં જપ-તપ કરવા; તે ઈશ્વરની ઉપાસના કરવી. સ્વાભાવિક છે, માણસે આ દુનિયામાં જન્મ લીધો છે, સાથેસાથે તેની આગળ-પાછળ મોહમાયાનું જાળું પણ રચાયું છે અને તેણે આ જન્મારો પાર પણ પાડવાનો છે. તેથી કરીને તે પોતાનું અને પોતાના પરિવારનું જીવન હેમખેમ, સુખશાંતિપૂર્વક પસાર થાય તેની માંગણી કરે, એમાં ખોટું પણ કશું નથી. પરંતુ જ્યારે માણસના જીવનમાં આમાંનું કશું પોતાના ધાર્યા પ્રમાણેનું થતું નથી, ત્યારે તે વિચલીત થઈ જાય છે. તેના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, એમ માની નિરાશ થઈ જાય છે. મેં ભગવાન આગળ મારી સુખાકારીની માંગણી કરી તો પણ ભગવાને મારું સાંભળ્યું નહીં એવું તે મનોમન વિચારતો થઈ જાય છે.

શિવરાત્રિ – ભગવાન શિવનો તહેવાર. એટલે ભગવાન શિવનાં મંદિરોમાં હકડેઠઠ ભીડ જામે. લોકો ભગવાન શિવને બિલિપત્ર ચઢાવી, દૂધની ધારાથી તેમનો અભિષેક કરી, તેઓનું પૂજાર્ચન કરે. પણ મોટાભાગના લોકો તેને આ મોટો દેવ છે. તેની પાસે અલૌલિક અને ચમત્કારિક શક્તિઓ પણ છે, વળી તે ભોળાનાથ છે, એટલે જલદી પ્રસન્ન પણ થઈ જશે એમ માનીને તેની આરાધના કરશે. પણ ખરેખર શિવને અને શિવત્વને જાણવાની કોશિશ ઓછા લોકો કરશે.

દુનિયાની આ ભીડમાં સૌને ઘેટાંની ચાલ ચાલવી છે, કોઈને અલગ રસ્તો શોધવો નથી અને તેના પર ચાલવું નથી, કારણ કે સૌને ડર છે – નવો રસ્તો ક્યાં લઈ જશે? નવા રસ્તામાં શું મુશ્કેલીઓ આવશે? નવો રસ્તો આપણને આપણી મંઝિલે પહોંચાડશે કે કેમ? આવી જાતજાતની શંકા કુશંકાઓ માનવીના મગજમાં ઘેરાયેલી હોય છે. પણ તે એ જાણતો નથી કે એ જે કોઈના દોરવાયા દોરાઈને જે રસ્તે ચાલી રહ્યો છે, તે રસ્તો પણ ક્યાં તેનો કે તેના દોરવણીકારનો જાણીતો છે? કંઈક આવું અધ્યાત્મના રસ્તે પણ છે. હું અહીં અધ્યાત્મના રસ્તાની વાત કરી રહ્યો છું, ધર્મના રસ્તાની નહીં. ધર્મ અને અધ્યાત્મ મારા મતે તદ્દન જુદી બાબતો છે. ધર્મ માણસને આ ભગવાનના આદેશ છે, તેમની સ્પષ્ટ માર્ગદર્શિકા છે અને આ જ સત્ય છે તેમ જણાવી એક ચોકઠામાં પૂરે છે, જ્યારે અધ્યાત્મ માણસને આભાસી દુન્વયી સત્યને પડકારવાનું અને મુળ સત્યની ખોજ કરવા પ્રેરે છે. સત્યનો રસ્તો કાંઈ એકલા સૌદર્યથી ભરપૂર બાગ-બગીચા તરફ જતો નથી. સત્ય તો સ્મશાનમાં પણ એટલું જ શાશ્વત છે. સ્મશાન એટલે માણસના જિંદગીનું અંતબિંદુ. આ જગ્યા આપણને જીવનની નશ્વરતા સમજાવે છે. દુનિયામાં જન્મેલી અને સર્જાયેલી દરેક વસ્તુનો નાશ નિશ્ચિત છે એ વાત આપણને બાગબગીચા કરતાં સ્મશાનમાં જલદીથી સમજાય, એ તો દેખીતી વાત છે. એટલે જ માં પાર્વતી સાથે દારુકવનમાં વિહાર કરતા ભગવાન શિવ, ક્યારેક અંતિમ સત્યની ખોજ માટે સ્મશાનમાં પણ વિચરણ કરે છે.

શિવ સમાન કોઈ સાંસારિક નથી અને શિવ સમાન કોઈ વૈરાગી પણ નથી. આ બંને વચ્ચેનો ભેદ પાડી, તેવું આચરણ તો આ શિવ જ કરી શકે. તેઓ મોટાભાગનો સમય તો તપ અને સાધનામાં જ વિતાવે છે, પરંતુ સાથેસાથે પોતાના કુટુંબનું પાલન-પોષણ તેમજ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન પણ કરે છે. પણ આ શિવ કોનું તપ કરે છે? કોનું ધ્યાન ધરે છે? તેઓ કહે છે, ‘આ હરિ મારો ઈશ્વર અને હું તેમનો દાસ.’ જ્યારે હરિ કહે છે, ’હું હરનો દાસ અને હર મારા ઈશ્વર.’ આમ જ આ હરિહર, આ બ્રહ્માંડના પાલનકર્તાઓ દાસત્વની ભાવનામાં પોતાનું ‘હું’ પણું ઓગાળી દે છે. એટલે જ તો તેઓ અહંકાર વિના આ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે. અહંકારી મનુષ્ય પોતાની જ બનાવેલી વસ્તુઓનો ક્યારેક નાશ કરી દે છે અને સાથેસાથે પોતાનો પણ તે નાશ કરે છે. આ દુનિયામાં આવી કંઈક અહંકારી વ્યક્તિઓનાં ઉદાહરણો ભરેલાં પડ્યાં છે.

આજના મનુષ્યની મહત્ત્વકાંક્ષાઓ આસમાને આંબે છે. તેને સુખી થવું છે, સમૃદ્ધ થવું છે, પણ આત્મકામ થવું નથી. જીવનમાં સંતોષી બની; પ્રભુએ આપણને જે આપ્યું છે, તેના માટે પ્રભુનો હંમેશાં આભાર માનવો જોઈએ. સાચો ભક્ત ગળામાં સોનાની માળા પહેરે કે તુલસીની માળા પહેરે; તેને મન બંને સમાન હોય છે. ભગવાન શિવ સમાન કોઈ આત્મકામ નથી. તેઓને આ સંસારમાં કોઈ અમૃત પીવાની એષણા નથી, પણ સંસારના કલ્યાણ માટે ઝેર પીવા તેઓ હંમેશાં તૈયાર હોય છે. બીજા દેવો ગળામાં સોનાના દિવ્ય આભૂષણો ધારણ કરે છે, જ્યારે ભગવાન શિવ પોતાના ગળામાં સર્પમાળા ધારણ કરે છે. અન્ય દેવો શરીર પર સુગંધી દ્રવ્યો, ચંદન વગેરેનો લેપ કરે છે, જ્યારે ભોળો ભગવાન ભસ્મનો લેપ કરે છે. તેઓ સંસારી હોવા છતાં નિસ્પૃહ તથા વૈરાગી છે. આત્માર્થીએ ભગવાન શિવનું અનુસરણ કરી સાચા અર્થમાં આત્મકામ બનવું જોઈએ.

ભગવાન શિવ જેવું કોઈ જ્ઞાની પણ આ સંસારમાં નથી. તેઓ પોતાના શિરે ચંદ્રમા અને જટાઓમાં માં ગંગાને ધારણ કરે છે. બંને શીતળતા પ્રદાન કરનાર છે, અને બંનેએ સ્વેચ્છાએ ભગવાન શિવની શરણાગતી સ્વીકારેલ છે. તે પણ ભગવાન શિવના મસ્તક પાસે; જે મસ્તકમાં અસીમ જ્ઞાન છે. આ અસીમ જ્ઞાનને ગ્રાહ્ય કરી, તેનું વહન આ બંને તત્વો પૃથ્વીલોક પર કરે છે. આ જ્ઞાનની સરવાણી પરમ આનંદ અને શીતળતા પ્રદાન કરે છે. એટલે જ તો ચંદ્રની ચાંદનીમાં અને ગંગા નદીના પાણીના પ્રવાહમાં સ્નાન કરનાર લોકોને તેમાં કંઈક અલૌલિક, અદકેરું તત્વ હોય તેવો ભાસ થાય છે. જ્ઞાન શીતળતા પ્રદાન કરે છે. જ્યારે અજ્ઞાનતા દાહ પેદા કરે છે. જો તમારે આ દાહમાં શેકાવું નથી, તો ભગવાન શિવના શરણાગત એવા આ પરમ તત્વોના શરણે જાઓ.

આ ભગવાન શિવ સમય આવ્યે કામને જીતી; તેને ભસ્મ કરી શકે છે, અને સમય આવ્યે કામનાને આધિન પણ થાય છે. મનુષ્યે પણ જીવનમાં કયા સમયે, કઈ પરિસ્થિતિમાં પોતાને ઢાળવો તેનું જ્ઞાન મેળવી પોતાનું આત્મભાન કરવું જોઈએ. સંસારની સૌથી સુંદર સ્ત્રી માં પાર્વતી ભગવાન શિવ જેવા વૈરાગીનું વરણ કરે છે, કારણ કે માં પાર્વતીએ શિવ માટે ઉગ્ર તપ કર્યું છે, અને તપ કરતાંકરતાં તેઓએ શિવને જાણ્યા છે, શિવત્વને જાણ્યું છે. અત્યારની સ્ત્રીઓ અને પુરુષો મોટેભાગે એકબીજાના બાહ્ય દેખાવને અને એકબીજાની આડંબરરૂપી રીતભાતોથી મોહિત થઈને એકબીજાનું વરણ કરે છે, ત્યારે શિવ-પાર્વતીના અદ્ભૂત મિલન અંગેનો પ્રસંગ યાદ કરી, તેને પોતાના જીવનમાં આત્મસાત કરી, એ રીતે આચરણ કરવું જોઈએ.

જીવનમાં સુખી થવાની ચાવી એક જ છે. એક નિશ્ચયથી અને પૂરી દૃઢતાથી ભગવાન શિવને અને તેઓના શિવત્વને જાણવા. તે માટે તેના શરણાગત થવું. તે માટે એકાંતમાં તેઓની પાસે જાઓ, તેઓની પાસે થોડો સમય વિતાવો, તેની સાથે વાર્તાલાપ કરો. તેમની સાથે જ્ઞાનગોષ્ઠિ કરો. જો તેઓની પાસેથી મેળવેલા જ્ઞાનથી એક કબૂતર-કબૂતરીનું જોડું અમર થઈ શકતું હોય, તો આપણા માટે શું અશક્ય નથી?

હરહર મહાદેવ.

– ચિરાગ ડાભી
ઈ / ૫, સરદાર પટેલ નગર, જી.એસ.ટી – ચેનપુર રોડ, સહજાનંદ કોમ્પલેક્ષ સામે, ચેનપુર, અમદાવાદ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “શિવત્વ – ચિરાગ ડાભી

  • smdave1940

    શિવ કે હરિ કે અન્ય દેવ જેવા વર્ણનમાં આવે છે તેવું કશું છે નહીં. આપણે હિન્દુઓ કુદરતી તત્ત્વોને ઈશ્વરીય શક્તિઓ માની તેમને કાલ્પનિક પ્રતિકાત્મક પ્રતિમાઓ બનાવી ગુણો આપી પૂજીએ છીએ. વેદ પ્રમાણે જોઇએ તો શિવ એ વેદમાં વર્ણિત વિશ્વદેવ છે. હરિ, કે વિષ્ણુ કે બ્રહ્મા એ સૂર્ય છે. બ્રહ્મા ઉગત સૂર્યદેવ છે. અને વિષ્ણુ આથમતા સૂર્ય દેવ છે. રુદ્ર પણ મધ્યાન્હ કાળના સૂર્યદેવ છે. અગ્નિ દેવ મુખ્ય દેવ છે. જેને વિશ્વદેવ માન્યા પણ છે. પણ જો સૌથી જુનું પુરાણ વાયુ પુરાણ વાંચીએ તો અગ્નિ રુદ્ર અને શિવની એક રુપતા અનુભવી શકાય છે. વિશ્વ વિસ્તરી રહ્યું છે. પણ તે એનાર્કી તરફ જઈ રહ્યું છે કે હેરાર્કી તરફ તે વિદ્વાનોની (ભૌતિકશાસ્ત્રીઓની) સમસ્યા છે. ભારતીય માન્યતા પ્રમાણે હેરાર્કી તરફ જઈ રહ્યું છે. પણ બીજી અનેક પૃથ્વીઓ છે. ઇશ્વર પાસે અનેક પૃથ્વીઓ છે. આપણી પૃથ્વી વિષે શું હોઈ શકે તે આપણે જાણતા નથી. વિશ્વના ગર્ભમાં સત્ય છૂપાઈને પડ્યું છે. પણ કોઈ ભવિષ્ય ભાખી શકે નહીં.
    શિવરાત્રી એ કદાચ બીગબેંગ નો દિવસ હોય તેવી માન્યતા હોઈ શકે. બીગ બેંગના બે લાખ વર્ષ સુધી રાત્રી જ હતી. જ્યારે અણુઓ બન્યા ત્યારે પ્રકાશ અસ્તિત્ત્વમાં આવ્યો.

    • સુરેશ જાની

      હા. ઈશ્વર અને ભગવાન વચ્ચે આ જ ફરક છે. જે કાંઈ પણ ચીજ કે વ્યક્તિમાં પરમ ચેતનાનો અંશ સામાન્ય કરતાં અનેક ગણો વધારે હોય – તે ભગવાન ગણાયા અને પૂજાયા.
      ઈશ્વર એ તો પરમ ચેતનાની પણ ઉપરનું સર્વવ્યાપી તત્વ – જેને ઈસ્લામ ખુદા કહે છે તે.

  • hdjkdave

    મહાશિવ રાત્રીએ સમાયોચિત અને સંતુલિત લેખ. માનવ જીવનને સાચી રીતે સમૃદ્ધ કરવાનો રસ્તો દર્શાવી ભક્તિ અને શક્તિનું મહાત્મ્ય આપ્યું છે. સંક્ષેપમાં, એ માર્ગે ચાલવાની પ્રેરણા અને સામર્થ્ય સહુને મળે એ જ મંગલ કામના.
    અભિવંદન.