શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૩)


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૩

એમેલિયાની માફક બ્રિનલિટ્ઝની છાવણી પણ ઓસ્કરના ખર્ચે જ ચાલતી હતી. અમલદારશાહીના નિયમો પ્રમાણે ફેક્ટરીની અંદર ચાલતી બધી જ છાવણીઓ માલિકના ખર્ચે જ બાંધવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે મોટાભાગના ઉદ્યોગપતિઓને તારની વાડ અને પરચુરણ ચીજવસ્તુઓ જેવા નાના-મોટા ખર્ચ જેટલી કમાણી તો કેદીઓની સસ્તી મજુરીમાંથી જ થઈ જતી હતી! હકીકતે ક્રપ્પ અને ફાર્બન જેવા જર્મનીના માનીતા ઉદ્યોગપતિઓ તો એસએસની સંસ્થાએ પૂરી પાડેલી ચીજવસ્તુઓ અને તેમણે ફાળવેલા મજૂરોની મદદથી જ પોતાની છાવણી બાંધતા હતા. ઓસ્કર એસએસનો માનીતો ન હતો, એટલે તેને ખાસ કંઈ મળતું ન હતું! એસએસ દ્વારા તેને  સિમેન્ટના થોડા વેગનો બૉસ મારફતે અને બૉસે ઠરાવેલી ઘટાડેલી કાળાબજારની કિંમતે મળ્યા હતા. ફેક્ટરીના ઉત્પાદનમાં વાપરવા અને ચીજવસ્તુઓની હેરફેર માટે બે-ત્રણ ટન પેટ્રોલ અને બળતણનું તેલ પણ બૉસે જ તેને આપ્યું હતું. છાવણી ફરતે વાડ કરવા માટે થોડો તાર તો એ એમેલિયામાંથી લઈ આવ્યો હતો.

પરંતુ હોફમેન એનેક્સની ફરતે આવેલા ખાલી વિસ્તારની અંદર ઉચ્ચ વીજભારવાળી જાળી, શૌચાલય, સો વ્યક્તિ સમાય એવી ચોકીદારોની એક બેરેક, તેની સાથે જોડાયેલી એસએસની ઑફિસો, એક દવાખાનું અને રસોડાની સગવડ ઓસ્કરે પોતાની રીતે કરવાની હતી! લેફ્ટેનન્ટ કર્નલ હેસીબ્રોએક છેક ગ્રોસ રોસેનથી છાવણીનું નિરીક્ષણ કરવા માટે આવી ગયા હતા, અને કોગ્નેક, પોર્સેલિનના વાસણો, અને ઓસ્કરના શબ્દોમાં કહીએ તો “કિલોના હિસાબે” ચાનો ખાસ્સો જથ્થો લઈને પાછા ગયા હતા. ઉપરાંતમાં તેઓ નિરીક્ષણની ફી અને સેક્સન ‘ડી’ દ્વારા લાદવામાં આવેલ “શિયાળુ સહાય કર” પણ લઈને ગયા હતા, જેની કોઈ પહોંચ આપવામાં આવી ન હતી. “તેમની કારમાં આવી વસ્તુઓ માટે ખાસ્સી જગ્યા હતી.” પાછળથી ઓસ્કરે જાહેર કરતાં કહેલું. ઓક્ટોબર ૧૯૪૪માં ઓસ્કરને ખાતરી થઈ ચૂકી હતી, કે બ્રિનલિટ્ઝના હિસાબોમાં હેસીબ્રોએકે ખાસ્સા ગોટાળા કર્યા હતા.

ઓરેઇનબર્ગથી સીધા જ મોકલવામાં આવેલા ઈન્સ્પેક્ટરોને પણ સંતુષ્ટ કરવાના હતા. ડેફનો સામાન અને મશીનોની વાત કરીએ, તો મોટાભાગનો સામાન તો હજુ રસ્તામાં જ હતો. પૂરેપૂરો સામાન લાવવા માટે ટ્રેઇનના ૨૫૦ ડબ્બાઓની જરૂર પડવાની હતી. ઓસ્કર કહેતો હતો, કે આવી ભાંગીતૂટી પરિસ્થિતિમાં ઓસ્ટબાહ્નના અધિકારીઓને ગમે તેટલા ખુશ કરવામાં આવે, તો પણ તેઓ આટલી મોટી સંખ્યામાં ડબ્બા કઈ રીતે શોધશે એ જ આશ્ચર્યની વાત હતી!

અને આ બધાનું એક બેજોડ પાસું એ હતું, કે ભેજથી ભરેલા મેદાનમાં, એ દિવસે માથા પર માઉન્ટેઇન હેટ પહેરીને ઉમંગભેર હાજર થયેલા ઓસ્કરે ક્રપ્પ, ફાર્બન, કે યહૂદી ગુલામોને નોકરીએ રાખનારા અન્ય ઉદ્યોગપતિઓની માફક ક્યાં કોઈ ઔદ્યોગિક લક્ષ્ય પાડવું હતું! ઉત્પાદન બાબતે તો તેને કોઈ જ આશા ન હતી! વેચાણના કોઈ આલેખો તેના મગજમાં રમતા ન હતા! ક્રેકોવની અંદર માત્ર ચાર વર્ષ પહેલાં જ પોતે સમૃદ્ધ થવાનું સપનું લઈને આવ્યો હોવા છતાં, અત્યારે તેના મગજમાં ઉત્પાદનની કોઈ જ મહત્ત્વકાંક્ષાઓ બચી ન હતી!

બ્રિનલિટ્ઝની એ સમયની ઔદ્યોગિક પરિસ્થિતિ બહુ આવેશમય હતી. પ્રેસ, ડ્રિલ અને લેથમાંની મોટાભાગની વસ્તુઓ હજુ આવી ન હતી, અને મશીનોનું વજન ખમી શકે એ માટે સિમેન્ટની ફરસ પણ બનાવવાની હતી. આખાયે એનેક્સમાં હોફમેનની જૂની મશીનરી હજુ પણ ઠેર-ઠેર પડી હતી. અને છતાંયે, સામે દેખાતા દરવાજામાંથી છાવણીની અંદર પ્રવેશી ચૂકેલા એ ૮૦૦ કેદી કામદારો માટે, એક કુશળ કારીગર દીઠ ૭.૫ જર્મન માર્ક, અને એક મજૂર દિઠ ૬ જર્મન માર્કની કિંમત ઓસ્કર ચૂકવી રહ્યો હતો! દર અઠવાડિયે ૧૪,૦૦૦ અમેરિકન ડોલર પુરુષ કામદારો માટે ખર્ચાઈ રહ્યા હતા. સ્ત્રી કેદીઓ આવે એ પછી તો આ આંકડો ૧૮,૦૦૦ ડોલરે પહોંચી જવાનો હતો. આમ ઓસ્કર ધંધાની દૃષ્ટિએ મૂર્ખતા જ કરી રહ્યો હતો, અને તે છતાંયે હેટ પહેરીને એ પોતાની મુર્ખતાનો પણ ઉત્સવ ઉજવી રહ્યો હતો! શ્રીમતી એમિલિ શિન્ડલર ઝ્વિતાઉથી બ્રિનિલિટ્ઝ આવીને નીચેના માળે આવેલા એપાર્ટમેન્ટમાં ઓસ્કરની સાથે રહેવા આવી ગઈ હતી, કારણ કે ક્રેકોવની માફક અહીંનું રહેઠાણ ફેક્ટરીથી એટલું દૂર નહોતું, કે તેને ઓસ્કરથી અલગ રહેવા માટેના બહાના તરીકે વાપરી શકાય. તેના જેવી કેથલિક સ્ત્રી માટે કાં તો કાયદેસર અલગ થવું, અથવા તો પછી ફરીથી પતિની સાથે રહેવા લાગવું જરૂરી બની ગયું હતું. અને આમ પણ હવે બંને વચ્ચે એક પ્રકારના સમાધાન જેવું, એકબીજા માટે આદર જેવું વાતાવરણ સ્થપાઈ ગયું હોય તેવું લાગતું હતું. પહેલી દૃષ્ટિએ તો એ એમિલિનું પરીણિત જીવન કદાચ એક કોયડારૂપ જ લાગે! એ કોઈ એવી શોષિતા લાગે, જેને પોતાને જ ખબર પડતી ન હોય કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું! કેટલાક પુરુષો એવું પણ વિચારતા હતા કે ઓસ્કર ફેક્ટરી અને છાવણીને જે રીતે નિભાવે છે, તેના વિશે એ શું વિચારતી હશે? પરંતુ લોકો એ જાણતા ન હતા કે એમિલિ આ છાવણીની અંદર પોતાનું એવું છુપું પ્રદાન નોંધાવવાની હતી, કે જે પોતે ઓસ્કરની પત્ની હોવાના નાતે નહીં, પરંતુ તેના પોતાના વિચારો મુજબનું હતું!

ઇનગ્રીડ પણ ઓસ્કરની સાથે બ્રિનલિટ્ઝના નવા પ્લાંટમાં કામ કરવા આવતી હતી, પરંતુ પોતાનું રહેવાનું તો એણે છાવણીની બહાર જ રાખ્યું હતું. ઑફિસના કામકાજના કલાકો પૂરતી જ એ ફેક્ટરીની અંદર રહેતી હતી. ઓસ્કર સાથેના તેના સંબંધોમાં એક ખાસ પ્રકારનું ઠંડાપણું આવી ગયું હતું, અને ભવિષ્યમાં પણ એ ઓસ્કરની સાથે રહેવાની ન હતી! પરંતુ સાથે-સાથે ઓસ્કર પ્રત્યે એ કોઈ કિન્નાખોરી પણ રાખવા માગતી ન હતી, અને ઓસ્કર પણ આવનારા મહિનાઓમાં ઘણી વખત તેના એપાર્ટમેન્ટની મુલાકાત લેવાનો હતો. પોલિશ દેશભક્ત અને ઉત્સાહી એવી ક્લોનોવ્સ્કા ક્રેકોવમાં જ રહી ગઈ હતી, પરંતુ તેણે પણ ઓસ્કર સાથેના સંબંધોમાં કોઈ દેખીતી કડવાશ દર્શાવી ન હતી. ક્રેકોવની મુલાકાત દરમ્યાન ઓસ્કર તેને મળતો રહેતો હતો, અને એસએસ કોઈ સમસ્યા ઊભી કરે તો તેમાં એ પણ ઓસ્કરને મદદ કરતી હતી. છતાં પણ સચ્ચાઈ એ હતી, કે ક્લોસ્નોવ્સ્કા અને ઇનગ્રીડ સાથેના તેના સંબંધો બહુ જ સહજ રીતે અને કોઈ જ કડવાશ વગર સંકેલાઈ જરૂર રહ્યા હતા, પરંતુ આ કારણે એમ સમજવું ભૂલ ભરેલું હતું, કે પોતાના વૈવાહિક સંબંધો તરફ ઓસ્કર પાછો વળી રહ્યો હતો.

પુરુષ કેદીઓ બ્રિનલિટ્ઝમાં આવ્યા તે દિવસે જ ઓસ્કરે તેમને વાત કરેલી કે સ્ત્રી કેદીઓ પણ થોડા સમયમાં ચોક્કસ પહોંચી આવી જશે! ઓસ્કરનું માનવું હતું, કે પુરુષ કેદીઓને આવવામાં જેટલી વાર લાગી તેટલી વાર સ્ત્રી કેદીઓને નહીં લાગે! જો કે સ્ત્રીઓની મુસાફરી પુરુષો કરતા થોદી જુદી રહેવાની હતી. પ્લાઝોવથી નીકળીને થોડા જ અંતરે તેમની ટ્રેઇન પ્લાઝોવની બીજી સેંકડો સ્ત્રી કેદીઓની સાથે ઓસ્વિટ્ઝ-બર્કેન્યુના દરવાજામાં પ્રવેશીને અટકી ગઈ હતી! ડબ્બાના દરવાજા ખૂલ્યા એટલે સ્ત્રીઓએ જોયું તો છાવણીને બે ભાગમાં વહેંચી દેતા એક વિશાળ મેદાનમાં તેઓ આવી પહોંચ્યાં હતાં, અને એસએસના અનુભવી સ્ત્રી-પુરુષો શાંતિથી વાતો કરતા-કરતા કેદી સ્ત્રીઓને અલગ પાડી રહ્યા હતા. એક બિહામણી અલિપ્તતા સાથે બધી સ્ત્રીઓને અલગ પાડવાનું કામ ચાલી રહ્યું હતું. ચાલવામાં ધીમી પડતી સ્ત્રીઓને ચાબુક વડે ફટકારવામાં આવતી હતી, પરંતુ તેમના ચાબુકના ફટકામાં કોઈ અંગત અદાવત દેખાતી ન હતી. બધું જ જાણે સંખ્યા પૂરી કરવાના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું હતું. બર્નેક્યુની રેલવેલાઈનના એસએસના વિભાગ માટે બધું જ કામ જાણે ફરજના ભાગરૂપ કંટાળાવશ કરવામાં આવતું હતું! એક-એક વ્યક્તિની અંગત આજીજી, એક-એકની કહાણી તેમણે સાંભળી લીધી હતી. કોણ શું કરવાનું છે એ પણ તેઓ જાણી ચૂક્યા હતા.

ફ્લડલાઇટોના અજવાળામાં ઊભેલી બધી જ સ્ત્રીઓ ભાવશૂન્ય હાલતમાં એકબીજાને અહીં રોકાવાનો અર્થ પૂછી રહી હતી! પરંતુ બર્કેન્યુની ઓળખ સમા કાદવથી ખરડાયેલાં જૂતાં પહેરીને ઊભેલી એ કેદી સ્ત્રીઓ ગમે તેટલા આઘાત વચ્ચે પણ એસએસની સ્ત્રી-સૈનિકો પ્રત્યે જરા પણ બેધ્યાન ન હતી! સ્ત્રી-સૈનિકો તેમની સામે આંગળી ચીંધી-ચીંધીને ગણવેશધારી ડૉક્ટરોને કહી રહી હતી, “જુઓ આ રહી શિન્ડલરની ટોળકી!” અને એ ફૂર્તિલા યુવાન ડૉક્ટરો સ્ત્રીઓ કેદીઓની પાસેથી ખસી જઈને તેમનાથી દૂર ચાલ્યા જતા હતા!

પગમાં ચોંટી જતા કાદવ વચ્ચે કૂચ કરાવીને એ સ્ત્રીઓને જંતુનાશક પ્લાન્ટમાં લઈ જવામાં આવી રહી હતી. હાથમાં દંડૂકો લઈને ઊભેલી એસએસની એક યુવાન હટ્ટીકટ્ટી સૈનિક સ્ત્રી તેમનાં કપડાં ઊતરાવી નાખતી હતી. આ પ્રકારના સ્નાનાગારના ફુવારાઓમાંથી પાણીને બદલે ગેસ નીકળતો હોવાની અફવા જર્મનોએ બંદી બનાવેલા કેદીઓમાં ખાસ્સી ફેલાઈ ગઈ હતી. આવી અફવાથી મિલા ફેફરબર્ગને ખુબ જ ડર લાગતો હતો.

જો કે ફુવારામાંથી માત્ર બરફ જેવું ઠંડું પાણી નીકળવાને કારણે એ ખુશ હતી.

નહાઈ લીધા પછી કેટલીક સ્ત્રીઓના શરીર પર ટેટ્ટૂ ચીતરવામાં આવી રહ્યું હતું. ઓસ્વિટ્ઝ બાબતે  બધાને આટલી જ જાણ હતી! એસએસને ઉપયોગી લાગતા લોકોના શરીર ઉપર જ ટેટ્ટૂ લગાડવામાં આવતા હતા. જેમને મશીનમાં જ નાખી જ દેવાના હોય તેમની તો એસએસને કંઈ જ પડી ન હતી! લિસ્ટમાંની સ્ત્રીઓને લઈને અહીં આવેલી ટ્રેઇનમાં અન્ય ૨,૦૦૦ સ્ત્રીઓ પણ અહીં આવી હતી, જે “શિન્ડલરની સ્ત્રીઓ” ન હોવાને કારણે પસંદગીની સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી. પડછંદ શરીર ધરાવતી રેબેકા બાઉની માતાને પણ બર્કેન્યુની એ લોટરીમાં ખોટી રીતે ટેટ્ટૂ મળી ગયું હતું. પ્લાઝોવની પંદર વર્ષની એક અન્ય છોકરી પોતાને મળેલા ટેટ્ટૂને જોઈને ખુબ જ ખૂશ થતી હતી, કારણ કે તેમાં ૫૫૩૭૭ નંબર છાપેલો હતો, જે યહૂદી કેલેન્ડર પ્રમાણે બહુ જ પવિત્ર ગણાતો હતો! ટેટ્ટૂ મળી જાય તેને બર્કેન્યુમાંથી બહાર નીકળીને ઓસ્વિટ્ઝના લેબર કેમ્પમાં જવા મળતું હતું, જ્યાં બચી જવાની એક વધુ તક તેમને મળતી હતી!

પરંતુ શિન્ડલરની સ્ત્રીઓને ટેટ્ટૂ લગાવ્યા વગર ફરીથી કપડાં પહેરી લેવાનું કહેવામાં આવ્યું હતું, અને તેમને સ્ત્રીઓની છાવણીમાં આવેલા બારી વગરના એક ઝુંપડામાં લઈ જવામાં આવી. ઝુંપડાની અંદર ફરસની વચ્ચોવચ્ચ પડેલી ઈંટોની વચ્ચે પતરાનો એક ચૂલો પડ્યો હતો. એ ગરમ ચૂલો જ તેમનો એક માત્ર સહારો હતો. પથારીની કોઈ જ વ્યવસ્થા ત્યાં ન હતી! સાવ પાતળા લાકડાના એક પાટિયા દિઠ બે-ત્રણ સ્ત્રીઓએ સુવું પડે તેમ હતું! માટીની ફરસ ભેજવાળી હતી, અને ભરતીના સમયની રેતીની ઉપર જે રીતે પાણી ધસી આવે, એ રીતે તેમાંથી પણ બહાર આવીને પાણી એ પાટિયાં અને ડૂચા જેવા ધાબળાને ભીનાં કરી મૂકતું હતું. બર્કેન્યુની બરાબર મધ્યમાં આવેલું એ ડેથ હાઉસ હતું! વિશાળ ક્ષેત્રફળમાં એકઠા થયેલા કાદવની વચ્ચે એ સ્ત્રીઓ ઝોકા ખાતી, ઠરી જતી, અસ્વસ્થ અવસ્થામાં પડી રહી.

મોરેવિયા નામના એક મનગમતા સ્થળની એ સ્ત્રીઓએ કરેલી કલ્પનાને આ જગ્યાએ બહાવરી બનાવી દીધી હતી! ભલે ભાંગ્યું-તૂટ્યું, પરંતુ મોરાવિયા એક ભવ્ય શહેર હતું. સમયના કોઈપણ તબક્કે, અઢી લાખ જેટલા પોલિશ, જિપ્સી અને યહૂદી લોકો થોડા-થોડા સમય માટે અહીં રહેતા હતા. ઓસ્વિટ્ઝ-૧ છાવણીમાં તેનાથી અનેક ગણી વધારે સંખ્યામાં લોકો રહેતા હતા, જે સૌથી પહેલી પરંતુ એક નાનકડી છાવણી હતી. કમાન્ડન્ટ રુડોલ્ફ હોસ ત્યાં જ રહેતા હતા. અને બીજા હજારો લોકો ઓસ્વિટ્ઝ-૩ નામના વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા હતા અને શરીર સાથ આપે ત્યાં સુધી કામ ખેંચતા રહેતા હતા. શિન્ડલરની સ્ત્રીઓને બર્કેન્યુ કે પછી ઓસ્વિટ્ઝ વિસ્તારના આ આંકડાઓ બાબતે ખાસ જાણ નહોતી કરવામાં આવી. તો પણ, બર્ક વૃક્ષોની પેલે પાર વિશાળ મકાનોના પશ્ચિમ છેડે આવેલા ચાર સ્મશાનો અને કેટલીયે ચીતાઓમાંથી સતત નીકળી રહેલા ધુમાડા એ સ્ત્રીઓને દેખાતા જ હતા! સ્ત્રીઓને લાગ્યું કે હવે તેઓ સાવ અસહાય બની ગયા હતા, અને એકાદ ભરતીની સાથે ચોક્કસ તેમનો પણ અંત આવી જવાનો! પરંતુ જે કાલ્પનિક અફવાઓના સહારે જેલનું જીવન ચાલતું રહેતું હતું તેના સહારે તેઓ એ જાણી શકવાના ન હતા, કે બધું બરાબર ચાલતું હોય ત્યારે આ સ્મશાનગૃહોમાં એક દિવસમાં કેટલા લોકોનો ગેસથી ગુંગળાવીને સંહાર કરી શકાય તેમ હતું! હોસની ધારણા અનુસાર આ આંકડો નવ હજારનો હતો. એ સ્ત્રીઓ તો એ પણ નહોતી જાણતી, કે તેઓ ઓસ્વિટ્ઝમાં એવા સમયે આવી પહોંચી હતી જ્યારે યુદ્ધની પ્રગતિ, તથા હિમલર અને સ્વિડિશ કાઉન્ટ ફોલ્ક બર્નાડોટ વચ્ચે આકાર લઈ રહેલા કેટલાક ચોક્કસ ગુપ્ત સોદા, ઓસ્વિટ્ઝની નવ હજાર વ્યક્તિ પ્રતિ દિનની ક્ષમતાને નવા આયામો આપી રહ્યા હતા! જર્મન સંહારકેન્દ્રોની ગુપ્તતા જળવાઈ શકી ન હતી, કારણ કે રશિયનોએ લ્યુબિનના કેમ્પને ખોદી નાખ્યો હતો અને તેમણે જમીનની નીચેથી માણસોના હાડકાવાળી ભઠ્ઠીઓ અને પાંચ હજારથી વધારે ડ્રમ ભરીને ઝાયક્લોન બી રસાયણ શોધી કાઢ્યાં હતાં!

વિશ્વભરમાં આ સમાચારો છપાયા હતા, અને પોતાને યુદ્ધ પછીનો ફ્યૂહરરનો સ્પષ્ટ વારસદાર ગણાવતો હિમલર હવે સાથી રાષ્ટ્રોને ખાતરી આપવા માગતો હતો કે યહૂદીઓને ગેસ વડે મારી નાખવાનું બંધ કરી દેવામાં આવશે. જો કે ઓક્ટોબરના એક ચોક્કસ દિવસ પહેલાં તેણે એ બાબતે કોઈ જ હુકમ જારી કર્યો ન હતો. એ દિવસે ચોક્કસ કઈ તારીખ હતી તેની કોઈ જાણકારી તો ઉપલબ્ધ નથી. તેના હુકમની એક નકલ ઓરેનબર્ગમાં જનરલ પોહ્લ સુધી પહોંચી હતી; જ્યારે બીજી નકલ જર્મન સુરક્ષા અધ્યક્ષ કાલ્ટેનબ્રનરને મળી હતી. બંને દ્વારા એ હુકમની અવગણના કરવામાં આવી હતી, અને એ જ રીતે એડોલ્ફ એઇકમેને પણ તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. પ્લાઝોવ, થેરેસાઇનસ્ટેડ્ટ અને ઇટાલીએ નવેમ્બરના મધ્ય સુધી યહૂદીઓને ગેસથી ગુંગળાવીને મારી નાખવાનું ચાલુ જ રાખ્યું હતું. એવું માનવામાં આવે છે કે ગેસ ચેમ્બરોનો આખરી ઉપયોગ ઓક્ટોબર ત્રીસના દિવસે કરવામાં આવ્યો હતો!

શિન્ડલરની સ્ત્રીઓ ઓસ્વિટ્ઝમાં આઠ દિવસ રોકાઈ તે દરમ્યાન, તેમના માથા પર ગેસથી ગુંગળાવીને મારી નાખવાનો ભય સતત ઝળુંબતો હતો. અને તે પછી પણ ગેસ ચેમ્બરના છેલ્લા-છેલ્લા શિકારો આખા નવેમ્બર દરમ્યાન જ્યારે બર્કેન્યુના પશ્ચિમ છેડે કતારમાં જોડાઈ રહ્યા હતા, અને મૃતદેહોના ભરાવાને ઓછો કરવા માટે ભઠ્ઠીઓ અને ચિતાઓ રાત-દિવસ કામ કરી રહી હતી, ત્યારે એ છાવણીમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ જાણકારી એ સ્રીઓને ન હતી. પરંતુ આખરે તો તેમની બધી ચિંતાઓનું નિરાકરણ આવી જ જવાનું હતું, કારણ કે ગેસનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી અને સ્મશાનગૃહ બંધ થયા પછી ત્યાંના કર્મચારીઓ સાથે કરવામાં આવ્યું હતું તેમ, બચી ગયેલા લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવવાના હતા, અથવા રોગને કારણે મરવા માટે છોડી દેવામાં આવવાના હતા!

ત્યાંની પરિસ્થિતિ જે હતી તે, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં શિન્ડલરની સ્ત્રીઓએ કેટલીયે સામુહિક આરોગ્ય પરીક્ષાઓમાંથી પસાર થવાનું આવ્યું હતું. કેટલીક સ્ત્રીઓને તો શરૂઆતના દિવસોમાં જ અલગ તારવીને ગંભીર બીમારી ધરાવતી સ્ત્રીઓ માટેની અલગ ઝૂંપડીમાં મોકલી આપવામાં આવી હતી. ઓસ્વિટ્ઝના ડૉક્ટરો જોસેફ મેન્ગલ, ફ્રિટ્ઝ ક્લેઇન, કોઇંગ અને થિલો માત્ર બર્કેન્યુમાં જ નહીં, પરંતુ આખાએ કેમ્પમાં ફરી વળ્યા હતા! હાજરીના સમયે કે નાહવાના સ્થળે અચાનક આવી ચડીને તેઓ સ્ત્રીઓને પૂછી લેતા હતા, “માજી, તમે કેટલાં વર્ષનાં થયાં?” શ્રીમતી ક્લેરા સ્ટર્નબર્ગને વૃદ્ધ સ્ત્રીઓ સાથે અલગ ઝૂંપડીમાં રાખવામાં આવ્યા. એ જ રીતે સાઠ વર્ષના શ્રીમતી લોલા ક્રમહોલ્ઝને પણ શિન્ડલરના જુથથી અલગ તારવીને વૃદ્ધો માટેની બેરેકમાં મૂકી દેવામાં આવ્યાં, જ્યાં તેઓ વહીવટી તંત્રને કોઈ જાતનો ખર્ચમાં ઉતાર્યા વગર જ મૃત્યુ પામવાનાં હતાં. શ્રીમતી હોરોવિત્ઝને લાગેલું, કે તેમની અગીયાર વર્ષની માસુમ પુત્રી નિયુસિયા સ્નાનગૃહમાં થતા નિરીક્ષણમાંથી હેમખેમ પસાર થઈ નહીં શકે! એટલે એમણે નિયુસિયાને એક ખાલી સોના બોઇલરમાં ઘુસાડી દીધી. પરંતુ શિન્ડલરની સ્ત્રીઓ ઉપર નજર રાખવા માટે નિમવામાં આવેલી સોનેરી વાળવાળી એક સુંદર એસએસ સ્ત્રીએ તેમને આમ કરતાં જોઈ લીધાં. એણે ત્યારેને ત્યારે તો એમને પકડ્યાં નહીં! એ સ્ત્રી સૈનિક ફરેલ મગજની મુક્કાબાજ હતી. પાછળથી તેણે શ્રીમતી હોરોવિત્ઝ પાસે લાંચની માંગણી કરી, ત્યારે રેજિનાએ પોતાની પાસે અત્યાર સુધી સંતાડી રાખેલું એક બ્રોચ, નિયુસિયાને બચાવવાના બદલામાં બહુ જ સરળતાથી એ સ્ત્રીને આપી દીધું હતું! એ સિવાયની બીજી એક થોડી જાડી સ્ત્રી-સૈનિક જરા કોમળ સ્વભાવની હતી. રેજિનામાં તેને સજાતિય રસ પડ્યો હોવાથી એ તેની સાથે અંગત સંબંધોની અપેક્ષા રાખતી હતી. મેડીકલ ટીમ હાજરીના સમયે અચાનક જ બેરેકની સામે આવી ચડતી હતી. તેમને જોઈને સ્ત્રીઓ માટીથી ઘસી-ઘસીને પોતાના ચહેરાનો રંગ બદલી નાખતી હતી. આવા એક પરીક્ષણ દરમ્યાન રેજિનાએ પોતાની પુત્રી નિયુસિયાની ઉંચાઈ વધારે બતાવવા માટે, એક મોટા પત્થર પર તેને ઊભી રાખી દીધી હતી. એ સમયે રૂપેરી વાળવાળી મેંગેલ તેની પાસે આવી, અને હળવેથી રેજીનાની પુત્રીની ઊંમર પૂછેલી, અને ખોટી ઊંમર બતાવવા બદલ તેના પેટમાં એક મુક્કો જમાવી દીધો હતો. આ રીતે બેવડ વળીને નીચે પડી જતી સ્ત્રીઓ માટે છાવણીમાં એક જ નીયમ હતો! સ્ત્રીઓની છાવણીની સીમા સુધી ઊંચકીને લઈ જઈને સૈનિકો તેને વીજળીના તારની વાડ પર ફેંકી દેતા હતા! રેજિનાને ઊંચકીને સૈનિકો હજુ અડધે રસ્તે જ પહોંચ્યા હતા, ત્યાં ભાનમાં આવી ગયેલી રેજિનાએ પોતાને વાડ પર ન નાખી દેવા આજીજી કરી. ચોકીદારોએ તેને છોડી દેતાં ધીમે-ધીમે ચાલતાં પોતાની કતારમાં આવીને એણે જોયું, તો તેની ડરી ગયેલી નાજુક પુત્રી પત્થરોના ઢગલા વચ્ચે પડી હતી!

આ પ્રકારનાં નિરીક્ષણો તો ગમે ત્યારે આવી પડતાં હતાં! એક વખત બેરેકની તપાસના સમયે શિન્ડલરની સ્ત્રીઓને બહાર કાદવમાં ઊભી રાખવામાં આવી. શ્રીમતી ડ્રેસનર પોતાની કિશોરવયની પુત્રી ડેન્કાને લઈને બહાર આવીને ઓસ્વિટ્ઝમાં ફેલાયેલા કાદવમાં તેઓ ઊભા હતા. ડેન્કાને એક વખત બચાવી લેનાર યહૂદી પોલીસનો પેલો છોકરો હજુ હમણાં જ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. ફ્લેન્ડરની દંતકથામાં વર્ણવવામાં આવેલા કાદવની માફક, રસ્તા, છાપરાં, કે પછી આવતા-જતા માણસો… બધું જ ઠરી જાય તો પણ એ કાદવ ઠરે તેમ ન હતો! ડેન્કા અને શ્રીમતી ડ્રેસનરે પ્લાઝોવ છોડતી વખતે પોતાની પાસે હતાં એ એકમાત્ર સુતરાઉ વસ્ત્રો પહેર્યાં હતાં. ડેન્કાએ બ્લાઉઝ, હળવું જેકેટ અને મરૂન રંગનું સ્કર્ટ પહેર્યાં હતાં. સાંજે બરફવર્ષા સહેજ જલદી ચાલુ થઈ ગઈ હતી, ડેન્કાને ઠંડી ન લાગે એટલે શ્રીમતી ડ્રેસનરે પોતાના ધાબળામાંથી એક પટ્ટો ફાડીને ડેન્કાને તેના સ્કર્ટની નીચે પહેરી લેવા માટે આપ્યો હતો. પરંતુ બેરેકના નિરીક્ષણ સમયે પેલો ફાટેલો ધાબળો એસએસના હાથમાં આવી ગયો!

શિન્ડલરની સ્ત્રીઓની સામે ઊભેલા અધિકારીએ, બેરેકની સૌથી વૃદ્ધ એવી એક ડચ સ્ત્રીને આગળ બોલાવી. એ સ્ત્રીને હજુ કાલ સુધી કોઈ ઓળખતું ન હતું! અધિકારીએ કહ્યું, કે આજે એ વૃદ્ધ સ્ત્રીને, અને જેના ડ્રેસની નીચે ફાટેલા ધાબળાની પટ્ટો મળી આવશે, એ બંનેને મારી નાખવાનાં હતાં!

તેની વાત સાંભળીને શ્રીમતી ડ્રેસનરે હળવેથી ડેન્કાના કાનમાં કહ્યું, “પટ્ટો કાઢી નાખ, હું એને બેરેકમાં પાછો નાખી આવું છું.” તેમણે બહુ યોગ્ય સમયે આ નિર્ણય લીધો હતો. તેમની બેરેક નીચેના માળે જ આવેલી હતી જેમાં પાછા જવા માટે તેમણે એક પણ પગથિયું ચડવું પડે તેમ ન હતું. છેલ્લી કતારમાં ઊભેલી સ્ત્રી માટે પાછળ ખસીને બારણું વટાવવું એકદમ સહેલું હતું. ક્રેકોવની ડેબ્રોવ્સ્કી સ્ટ્રીટમાં કર્યું હતું એમ, ડેન્કાએ ફરી વખત માતાની આજ્ઞાનું પાલન કરીને ડ્રેસની નીચે પહેરેલો, આખાયે યુરોપના સૌથી દુર્ભાગી ધાબળાનો એ પટ્ટો કાઢી નાખ્યો! પટ્ટાને બેરેકમાં પાછો મૂકવા માટે ગયેલાં શ્રીમતી ડ્રેસનર હજુ ઝૂંપડીમાં જ હતાં ત્યાં જ પેલો એસએસનો અધિકારી ત્યાંથી પસાર થયો, અને શ્રીમતી ડ્રેસનર જેવડી જ અન્ય એક સ્ત્રીને છાવણીની સૌથી દુર્ભાગ્યપૂર્ણ ગનાતી જગ્યાએ લઈ ગયો, જ્યાં મોરાવિયા જેવી કોઈ આશાનું અસ્તિત્વ મોજુદ ન હતું! એ સ્ત્રી, કદાચ શ્રીમતી સ્ટર્નબર્ગ હતાં.

કતારમાં ઊભેલી એ સ્ત્રીઓ કદાચ એ છટણીનો અર્થ સમજવા જ માગતી ન હતી! છટણીનો અર્થ જો કે માત્ર એટલો જ હતો, કે ઓસ્વિટ્ઝની અંદર આવ્યા પછી કહેવાતા “ઔદ્યોગિક કેદીઓ”નુ કોઈ જ જુથ સુરક્ષિત ન હતું! “શિન્ડલરની સ્ત્રીઓ”ના કોઈ બુમ-બરાડા લાંબા સમય સુધી તેમને સલામત રાખી શકે તેમ ન હતા! કેટલાયે “ઔદ્યોગિક કેદીઓ”નાં જુથો ઓસ્વિટ્ઝમાં એક વખત પ્રવેશ્યા એ પછી સદાને માટે ક્યાંય ખોવાઈ ગયાં હતાં! હજુ ગયા વર્ષે જ જનરલ પોહ્લના સેક્શન ‘ડબ્લ્યુ’ દ્વારા કુશળ યહૂદી કારીગરોથી ખચાખચ ભરેલી કેટલીક ટ્રેઇનોને છેક બર્લિનથી અહીં મોકલી આપવામાં આવી હતી. આઈ. જી. ફાર્બનને મજૂરો જોઈતા હતા, અને બર્લિનથી આવેલી એ ટ્રેઇનોમાંથી પોતાને જોઈતા કામદારોને પસંદ કરી લેવા માટે સેક્સન ‘ડબ્લ્યુ’ દ્વારા તેને પરવાનગી પણ આપવામાં આવી હતી. હકીકતે, સેક્શન ‘ડબ્લ્યુ’એ કમાન્ડન્ટ હોસને આપેલી સૂચના મુજબ  ટ્રેઇનોને ઓસ્વિટ્ઝ-બર્કેન્યુના સ્મશાનગૃહ પાસે નહીં, પરંતુ આઇ. જી. ફાર્બન વર્ક્સ પાસે ખાલી કરવાની આપી હતી! પરંતુ પહેલી ટ્રેઇનમાં આવેલા ૧૭૫૦ પુરુષ કેદીઓમાંથી ૧૦૦૦ને તાત્કાલિક ધોરણે ગેસ વડે ગુંગળાવીને મારી નાખવામાં આવ્યા હતા. એ પછી આવેલી ચાર ટ્રેઇનોમાંથી ઉતરેલા ૪૦૦૦માંથી ૨૫૦૦ કેદીઓને એક સાથે ‘બાથહાઉસ’માં મોકલી દેવાયેલા! ઓસ્વિટ્ઝનું વહીવટીતંત્ર જો આઈ. જી ફાર્બન અને વિભાગ ‘ડબ્લ્યુ’ને પણ દાદ દેતું ન હોય, તો એક અજાણ્યા વાસણ બનાવનારા જર્મન ઉદ્યોગપતિની સ્ત્રી કામદારો બાબતે તો એ ખાસ કંઈક જ કરવાનું ન હતું! શિન્ડલરની સ્ત્રીઓ માટે બેરેકની અંદર પણ સાવ ખુલ્લામાં રહેવા જેવી જ પરિસ્થિતિ હતી! બેરેકની બારીઓને કાચ જ ન હતા! રશિયા તરફથી ફૂંકાતા ઠંડા ગાર પવનોને એ બારીઓ વધારે તેજ બનાવવાનું કામ કરતી હતી! મોટા ભાગની યુવતીઓને મરડો થઈ ગયેલો હતો. પેટના દુખાવાની મારી બેવળ વળી ગયેલી યુવતીઓ લાકડાના ચંપલ પહેરીને ખોડંગાતા પગે ચાલતી કાદવમાં પડેલા લોખંડના ડ્રમ પાસે જતી રહેતી હતી. એકાદ બાઉલ સૂપ ખાતર સ્ત્રીઓ ડ્રમ ખાલી કરવાનું કામ કરી આપતી હતી. એક સાંજે મરડાથી પીડાતી મિલા ફેફરબર્ગ લથડિયાં ખાતા પગે ડ્રમ પાસે, ત્યારે ફરજ પર એક માયાળુ સ્વભાવની સ્ત્રી સૈનિક હતી. મિલાને એ નાનપણથી ઓળખતી હતી. એણે એ ડ્રમ વાપરવાને બદલે બીજી યુવતી શૌચાલયમાંથી બહાર આવે તેની રાહ જોવાનું અને પછી ડ્રમ ખાલી કરાવા જવાનું સૂચન મિલાને કર્યું. મિલાએ પહેલાં તો દલિલ કરી પરંતુ પછી તેને અવગણી ન શકી! ભૂખની મારી સ્ત્રીઓ માટે ડ્રમ ખાલી કરવું એ જાણે ફરજ થઈ પડી હતી. અહીંયાં તો આ જ કાયદો હતો! ડ્રમના બહાને સ્ત્રીઓને માની લીધું હતું શિસ્ત, આરોગ્ય અને સ્વચ્છતા જાળવવું શક્ય હતું.

એટલામાં એક ભયભીત છોકરી મિલાની પાસે આવી. હાંફની મારી એ વાંકી વળી જતી હતી. ઊંમરમાં એ મિલા કરતાં યુવાન હતી. શાંતિના દિવસોમાં એ લોડ્ઝમાં રહેતી હતી. એ જાણતી હતી કે ફરજ પરની પેલી પરણિત સ્ત્રી-સૈનિક માયાળુ સ્વભાવની હતી. બંને સ્ત્રીઓ કામગરી હોવાને કારણે ડ્રમ ઊંચકીને ત્રણ સો મિટર દૂર કાદવમાં ખેંચી ગઈ. મદદ કરનાર છોકરીએ મિલાને કટાક્ષમાં પૂછ્યું, “ક્યાં ગયો પેલો શિન્ડલર? હવે એ ક્યાં ગુમ થઈ ગયો છે!?”

બેરેકની અંદર પણ બધાં જ હવે આ પ્રશ્ન પૂછી રહ્યાં હતાં, ગુસ્સાભરી વક્રોક્તિ સાથે! જો કે, એમેલિયાની જ ૨૨ વર્ષની વિધવા યુવતી લ્યુસિયા વારંવાર કહી રહી હતી, “તમે જો જો, અંતે બધું સારુ થઈને રહેશે! આ બધું પૂરું થઈ જશે ત્યારે ચોક્કસ આપણે કોઈક જગ્યાએ શિન્ડલર સાથે બેસીને સુપની મજા માણતા હોઈશું!” પરંતુ એ પોતે પણ જાણતી ન હતી કે શા માટે એ વારંવાર આવું બોલતી હતી! એમેલિયામાં હતી ત્યારે તો એ ક્યારેય આવી કોઈ કલ્પના કરતી ન હતી! ત્યારે તો પોતાની શિફ્ટનું કામ પતાવીને, સૂપ પીને એ સુઈ જ જતી! મોટી-મોટી ઘટનાઓ બાબતે પણ એ ક્યારેય કોઈ પ્રકારની કલ્પના કરતી ન હતી! સાંજ પડ્યે પોતાની જાતની સલામતી સિવાય તેને ક્યારેય કોઈ ફિકર રહેતી ન હતી! પરંતુ હવે એ ઘણી બીમાર થઈ ગઈ હતી. પરિસ્થિતિ જ એવી હતી, કે કોઈ આવા વિચારો ન કરે તો જ નવાઈ! ઠંડી અને ભૂખે તેને હેરાન-પરેશાન કરી દીધી હતી, ભૂખે તેના મન ઉપર કબજો જમાવી દીધો હતો! અને છતાંયે ઓસ્કરના વાયદાઓને ફરી-ફરીને યાદ કરીને એ પોતાને આશ્વાસન આપી રહી હતી!

ઓસ્વિટ્ઝમાં તેમના રોકાણ દરમ્યાન, ફરી એક વખત તેમને સ્મશાનગૃહની નજીકના ઝૂંપડામાં ખસેડવામાં આવ્યા. તેમને એ સમજાતું ન હતું, કે જર્મનો ખરેખર તેમને ગેસના ફૂવારા કે ચેમ્બરોમાં લઈ જવાનાં હતાં કે નહીં? લ્યુસિયા તો એ સમયે પણ એનું એ જ ગાણું ગાતી રહેતી હતી! નવાઈની વાત તો એ હતી, કે છાવણીમાં આવેલી કેદીઓની ભરતીએ પૃથ્વીની આ હદ સુધી, છેવાડાના આ ધ્રુવ પર આવેલી ઊંડી ખીણમાં લાવીને તેમને મૂકી દીધા હતા, અને ત્યારે પણ શિન્ડલરની સ્ત્રીઓમાં એટલી હદે નિરાશા વ્યાપી નહોતી ગઈ! અવનવી વાનગીઓ બનાવવાની રીત અને યુદ્ધ પહેલાની રસોડાની વાતો કરતી સ્ત્રીઓ હજુ પણ છાવણીમાં જોવા મળી જતી હતી!

પુરુષો બ્રિનલિટ્ઝમાં પહોંચ્યા ત્યારે તો હજુ છાવણીનો ઢાંચો જ તૈયાર થયો હતો. પથારીઓની વ્યવસ્થા થઈ શકી ન હતી. ઉપરના માળે આવેલા સામુહિક શયનગૃહોની અંદર પલંગ ઉપર ઘાસની પથારીઓ પાથરી દેવામાં આવી હતી. પરંતુ બોઈલરોમાંથી છૂટતી વરાળને કારણે વાતાવરણમાં ગરમાવો જળવાઈ રહેતો હતો. પહેલા દિવસે કોઈ રસોઈયો હાજર ન હતો. રસોડામાં સલગમ ભરેલી બેગો આમતેમ પડી હતી, અને માણસો કાચા સલગમ ખાઈ રહ્યા હતા. એ દિવસે મોડેથી સૂપ ઉકાળીને બ્રેડ શેકવામાં આવી, અને ઈજનેર ફાઇન્ડરે એ પછી જ બધાને કામ સોંપવાનું શરુ કર્યું હતું. પરંતુ બ્રિનલિટ્ઝમાં કામદારો પર એસએસની કોઈ દેખરેખ ન હતી, એટલે કામકાજ ઘણું ધીમું થતું હતું! આશ્ચર્યની વાત તો એ હતી, કે કેદીઓ પણ સમજી ગયા હતા કે તેમના ડાયરેક્ટર ખુદ યુદ્ધમાં મદદરૂપ થવા ઇચ્છતા ન હતા! બ્રિનલિટ્ઝમાં કામની ઝડપ અત્યંત ધીમી હતી. ઓસ્કર પોતે જ ઉત્પાદન પ્રત્યે બેફિકર બની ગયો હોવાને કારણે કેદીઓ ધીમુ કામ કરીને જાણે બદલો વાળીને પોતાની નામરજી વ્યક્ત કરી રહ્યા હતા!

અહીં મજૂરોને કાબુમાં રાખવા ઘણી અઘરી બાબત હતી. આખાયે યુરોપમાં અન્ય જગ્યાઓએ કેદીઓ પ્રતિદિન ૬૦૦ કેલરી જેટલું કામ કરતા હતા, જેથી ફોરમેનને પ્રભાવિત કરીને ડેથ-કેમ્પમાં પોતાની બદલી થવાનું શક્ય એટલું દૂર ટાળી શકાય! પરંતુ અહીં બ્રિનલિટ્ઝમાં તો સાવ અડધી ગતીએ પાવડો ચલાવીને પણ જીવતા રહી શકાય એવી અમર્યાદ સ્વતંત્રતા હતી!

કેદીઓએ કરેલા આવા કોઈ વણકહ્યા નિર્ણયો શરૂઆતમાં સ્પષ્ટ દેખાતા ન હતા. હજુ કેટલાયે લોકો સ્ત્રીઓના આગમનને લઈને ચિંતિત હતા. દોલેક હોરોવિત્ઝની પત્ની અને પુત્રી હજુ ઓસ્વિટ્ઝમાં હતાં. રોસનર બંધુઓની પત્નીઓ પણ ત્યાં જ હતી. ઓસ્વિટ્ઝ જેવા ભયાનક અને ઊંડી અસર કરે તેવા ઘા આપે તેવી તલવાર મિલા ઉપર લટકતી હતી તેનાથી ફેફરબર્ગ વાકેફ હતો. જેકોબ સ્ટર્નબર્ગ અને તેનો કિશોરવયનો પુત્ર પણ શ્રીમતી સ્ટર્નબર્ગ બાબતે ચિંતિત હતા. ફેક્ટરીના ફ્લોર પર એકઠા થઈને બધા કેદીઓ તેમની સ્ત્રીઓ ક્યાં છે એ બાબતે શિન્ડલરને પૂછી રહ્યા હતા એ દૃશ્ય ફેફરબર્ગને બરાબર યાદ હતું!

“હું તેમને બહાર કાઢી જ રહ્યો છું.” શિન્ડલરે મોટા અવાજે કહ્યું. એણે વધારે કોઈ ખુલાસા ન કર્યા. જાહેરમાં એણે એ પણ ન કહ્યું કે ઓસ્વિટ્ઝમાં પણ લાંચ આપવાની જરૂર પડી શકે છે! એણે એ પણ ન કહ્યું કે એણે કર્નલ એરિક લેન્જને સ્ત્રીઓનું લિસ્ટ મોકલી આપ્યું હતું, અને લેન્જ સાથે મળીને, લિસ્ટ પ્રમાણેની સ્ત્રીઓને ઓસ્વિટ્ઝથી અહીં લાવવાનો પ્રયત્ન એ કરી જ રહ્યો હતો! એણે આવું કંઈ જ ન કહ્યું ન હતું! એ તો બસ એટલું જ કહેતો હતો, “હું એમને બહાર કાઢી જ રહ્યો છું.” એ દિવસોમાં બ્રિનલિટ્ઝ આવેલી એસએસની ટૂકડીને કારણે ઓસ્કરને થોડી આશા બંધાઈ હતી. એસએસના યુવાન સૈનિકો યુદ્ધમોરચે જઈને આગલી હરોળમાં રહીને લડી શકે તે માટે, અનામત રખાયેલા મધ્યવયના સૈનિકોને અહીં બ્રિનલિટ્ઝમાં મોકલવામાં આવ્યા હતા. એ ટૂકડીમાં પ્લાઝોવ જેવા પાગલ સૈનીકોની સંખ્યા વધારે ન હતી. બ્રિનલિટ્ઝના અંગત રસોડે બનતી વાનગીઓથી ઓસ્કર તેમને હંમેશા ખુશ રાખતો હતો. ભોજન ભલે સાદું હોય, પણ સૈનિકોને અહીં પેટ ભરાય એટલું પૂરતું ભોજન મળી રહેતું હતું. સૈનિકોના બેરેકમાં એક વખત જઈને ઓસ્કરે પોતાના કેદીઓની ખાસ આવડત અને ફેક્ટરીમાં થતા ઉત્પાદનની વાતો પણ કરી હતી. પોતાની ફેક્ટરીમાં બનતા તોપ વિરોધી ગોળા અને તેના કવર હજુ પણ ઉત્પાદનોની ગુપ્ત યાદીમાં સામેલ હોવાનું કહીને એણે લશ્કરી ટૂકડીને ફેક્ટરીની અંદર ન આવવા તાકીદ કરેલી, કારણ કે તેનાથી કામદારો પર અવળી અસર થાય તેમ હતું!

સૈનિકોને પણ એ શાંત ગામ અનુકુળ આવી ગયું હતું. તેમની આંખોમાં જ એ વાત વાંચી શકાતી હતી. વર્તમાન રાજકીય હલચલ સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેવા માગતા હતા. એમોન ગેટે કે હુજરની માફક તેઓ વર્કશોપનું સત્યાનાશ વાળી નાખવા ઇચ્છતા ન હતા.

જો કે તેમનો કમાન્ડિંગ ઓફિસર હજુ આવ્યો ન હતો. બદઝાઇનની છાવણીથી અહીં આવવા માટે એ રવાના થઈ ચૂક્યો હતો. ઓસ્કરની જાણકારી પ્રમાણે એ યુવાન, એક તેજસ્વી અને જરા વધારે પડતો ઘૂસણખોર માણસ હતો. છાવણીની અંદર એસએસને પ્રવેશવાની મનાઈને એ સહજતાથી સ્વીકારી લે તેવું ઓસ્કરને લાગતું ન હતું! એક તરફ ભોંયતળિયામાં સિમેન્ટ પૂરવામાં આવી રહ્યો હતો, પહોળા હિલો મશીનોને જમીન પર ફીટ કરવા માટે કાણાં પાડવામાં આવી રહ્યાં હતાં, સૈનિકો થાળે પડી રહ્યા હતા; અને બીજી તરફ એમિલિ સાથેના તેના લગ્નજીવનમાં સમજૂતી થવાની અંગત બેચેની તેને સતાવી રહી હતી! આ બધાની વચ્ચે ત્રીજી વખત ઓસ્કરની ધરપકડ કરવામાં આવી.

બપોરે ભોજનના સમયે ગેસ્ટાપો આવી ટપક્યા હતા. ઓસ્કર તેની ઑફિસમાં હાજર ન હતો. હકીકતમાં કોઈક કામ અંગે સવારથી જ કાર લઈને એ બર્નો ગયો હતો. ક્રેકોવથી ઓસ્કરનો અંગત સામાન લઈને એક ટ્રક મોરાવિયા આવી હતી, જેમાં સિગરેટો, વોડકા, કોગ્નેક અને શેમ્પેઇનની પેટીઓ, વગેરે ભરેલું હતું. કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો, કે એ સામાન વાસ્તવમાં ગેટેનો હતો, અને બ્રિનલિટ્ઝની યોજનાને ટેકો આપવાની કિંમત રૂપે ગેટેની એ સંપત્તિને મોરાવિયામાં લઈ આવવા માટે ઓસ્કર કબુલ થયો હતો. હવે જ્યારે ગેટે એક મહિનાથી બંદી અવસ્થામાં હતો અને તેની પાસે કોઈ જ સત્તા રહી ન હતી, ત્યારે એ ટ્રકમાં રહેલો સુખ-સુવિધાનો સામાન ઓસ્કરની માલિકીનો હતો એવું માની શકાય તેમ હતું.

સામાન ખાલી કરી રહેલા લોકો આવું જ કંઈક વિચારી રહ્યા હતા, ત્યાં મેદાનમાં આવી પહોંચેલા ગેસ્ટાપો પર નજર પડતાં તેઓ ગભરાઈ ગયા. પોતને મળેલા ખાસ અધિકારોને કારણે મેકૅનિકોને એ ટ્રકો લઈને ટેકરીની નીચે નદી સુધી જવાની પરવાનગી મળી હતી, એટલે નદીના પતમાં જઈને તેમણે શરાબની આખેઆખી પેટીઓ નદીમાં પધરાવી દીધી. ટ્રકમાં રાખેલી બે લાખ સિગરેટોને તો તેમણે પાવરપ્લાંટમાં એક મોટા ટ્રાન્સફોર્મરની નીચે એવી રીતે સંતાડી દીધી, જેથી પછીથી સરળતાથી બહાર કાઢી શકાય!

દેખીતી રીતે જ ટ્રકની અંદર ભરેલો સિગરેટ અને શરાબનો જથ્થો બહુ મોટો હતો. માલસામાનની લે-વેચ પર થોડું ખાસ ધ્યાન આપીને કાળાબજારમાંથી કમાણી કરવાનું ઓસ્કરે નક્કી કર્યું હોય તેની આ બધી નિશાનીઓ હતી.

છેક બપોરના સુપ માટેની સાયરન વાગી ત્યારે તેઓ ટ્રકો લઈને ગેરેજમાં પાછા આવ્યા. ભૂતકાળમાં હેર ડિરેક્ટર ઘણી વાર કેદીઓની સાથે ભોજન લેતા હતા, એટલે મિકેનિકોએ વિચાર્યું, કે આજે પણ ઓસ્કર એવું જ કરશે, અને ટ્રક ભરીને આવેલા મોંઘા ભાવના સામાનની શી હાલત થઈ એ બાબતે તેઓ ત્યારે ઓસ્કરને જાણ કરી દેશે. અને ઓસ્કર ખરેખર એ દિવસે બર્નોથી ઘણો જલદી પાછો આવી ગયો, પરંતુ દરવાજાની અંદરના ભાગે એક હાથ ઊંચો કરીને ઊભેલા ગેસ્ટાપોના એક માણસે તેને ત્યાં જ રોકી લીધો અને તેને કારમાંથી તરત જ બહાર આવી જવા માટે હુકમ કર્યો.

“આ મારી ફેક્ટરી છે,” મોટા અવાજે ઓસ્કરને આવું બોલતાં એક કેદીએ સાંભળ્યો. “તમારે મારી સાથે વાત કરવી હોય તો મારી કારમાં આવી તમે બેસી શકો છો. નહીં તો મારી પાછળ-પાછળ ઑફિસમાં આવો.” કાર હંકારીને એ મેદાનમાં આવ્યો. ગેસ્ટાપોના બે માણસો કારની સાથે-સાથે ઝડપથી ચાલવા લાગ્યા. ઑફિસમાં પહોંચીને તેમણે ગેટે સાથેના ઓસ્કરના સંપર્કો બાબતે અને ગેટેના ચોરીના સામાન બાબતે પૃછા કરી. “મારી પાસે અહીં થોડી સૂટકેસો છે.” એણે ગેસ્ટાપોને કહ્યું. “એ સૂટકેસો હેર ગેટેની છે. તેઓ જેલમાંથી છૂટીને પાછા આવે ત્યાં સુધી સાચવવા માટે તેમણે મને આપી છે.”

ગેસ્ટાપોએ એ સૂટકેસો જોવાની માગણી કરી, અને ઓસ્કર તેમને પોતાના એપાર્ટમેન્ટમાં લઈ ગયો. શ્રીમતી એમિલી શિન્ડલર સાથે ઓસ્કરે બ્યુરો ‘વી’ના માણસોની ઔપચારિક ઓળખાણ કરાવી. પછી એ સૂટકેસ લઈ આવ્યો અને તેમની સામે ખોલી બતાવી. સૂટકેસોમાં એમોનના સિવિલિઅન પોશાકો હતા, અને ભૂતકાળમાં એમોન જ્યારે દૂબળો-પાતળો એસએસનો સૈનિક હતો ત્યારના જૂના લશ્કરી ગણવેશ હતા. સૂટકેસ ચકાસીને તેમાંથી કંઈ જ ન મળતાં ગેસ્ટાપોએ ઓસ્કરની ધરપકડ કરી.

એમિલી હવે ગુસ્સે થઈ હતી. “તેમને લઈ જવાનું કારણ ન કહો ત્યાં સુધી મારા પતિને લઈ જવાનો તમને કોઈ જ અધિકાર નથી,” એણે વિરોધ કરતાં કહ્યું. “બર્લિનના અધિકારીઓ આ સાંભળીને તમારા પર જરા પણ ખુશ નહીં થાય!” ઓસ્કરે તેને શાંત રહેવાની સલાહ આપીને એમિલીને કહ્યું. “પરંતુ મારી મિત્ર ક્લોનોવ્સ્કાને વાત કરીને તારે મારી મુલાકાતો રદ્દ કરાવવી પડશે.”

એમિલી આનો અર્થ સમજતી હતી. ક્લોનોવ્સ્કાએ ફરી એક વખત બ્રેસલાઉમાં માર્ટિન પ્લેથને, જનરલ શિન્ડલરના માણસોને અને બધાં જ મોટાં માથાંને ફોન કરીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો હતો. બ્યૂરો ‘વી’ના એક માણસે હાથકડી કાઢીને ઓસ્કરના કાંડે પહેરાવી. તેની જ કારમાં બેસાડીને તેઓ ઓસ્કરને ઝ્વિતાઉના સ્ટેશન સુધી લઈ જઈને ત્યાંથી ટ્રેન દ્વારા તેને ક્રેકોવ લઈ જવામાં આવ્યો.

આ ઘટનાની અસર કંઈક એવી પડી, કે આગલી બે ધરપકડ કરતાં ઓસ્કર આ વખતે વધારે ડરી ગયો હતો. આ વખતની ધરપકડમાં કોટડીમાં તેની સાથે કોણ હતું, કે આગળની જેમ પ્રેમભંગ થયેલા કોઈ એસએસ કર્નલ સાથે તેણે વોડકા પીધી કે નહીં, એ બાબતે કોઈ જ કહાણી બહાર આવી નથી. જો કે પાછળથી ઓસ્કરે થોડી વિગતો આપી હતી ખરી! બ્યૂરો ‘વી’ના માણસો તેને લઈને ક્રેકોવના છાપરા વગરના રેલવે સ્ટેશન પરથી પસાર થયા ત્યારે હથ નામના એક માણસે તેમનો સંપર્ક કર્યો. પ્લાઝોવમાં એ એક સિવિલિ ઇજનેર હતો. આમ તો તે એમોનનો માનીતો માણસ હતો, પરંતુ તેનામાં થોડી ભલમનસાઈ હોવાની છાપ ઓસ્કર પર પડી હતી. હથ સાથેની એ મુલાકાત કદાચ આકસ્મિક પણ હોય, પરંતુ કહેવાય છે કે એ ક્લોનોવ્સ્કાનો સાથીદાર હતો. હથે હાથકડી પહેરેલા ઓસ્કર સાથે હાથ મિલાવવાનો આગ્રહ રાખ્યો. બ્યૂરોના એક માણસે તેનો વિરોધ કર્યો. “તને ખરેખર કેદીઓ સાથે હાથ મિલાવવાનો શોખ છે કે?” એણે હથને પૂછ્યું. ઇજનેર હથે તરત જ એક ભાષણ ઝાડી દીધું, જે ઓસ્કર માટે પ્રમાણપત્રરૂપ હતું. “આ શ્રીમાન ડાયરેક્ટર શિન્ડલર છે, આખાયે ક્રેકોવમાં તેમની પ્રતિષ્ઠા છે, એ એક મહત્ત્વના ઉદ્યોગપતિ છે. એક કેદી તરીકે તેમની હું કલ્પના પણ કરી શકતો નથી.” હથે કહેલું

આ મુલાકાતનું જે પણ મહત્ત્વ હોય, કારમાં બેસાડીને ઓસ્કરને તેના સંપર્કોથી ઊભરાતા આ શહેરમાંથી બહાર પોમોર્સ્કા સ્ટ્રીટમાં લઈ જવામાં આવ્યો. પહેલી વખતની ધરપકડ વખતે તેને બેસાડેલો, એવા જ એક કમરામાં તેને બેસાડવામાં આવ્યો. કમરામાં એક પલંગ, એક ખુરસી અને એક વોશબેસિન તો હતાં, પરંતુ બારી સાથે સળિયા જડી દીધેલા હતા. ઓસ્કરની રીતભાત ઉપર-ઉપરથી કોઈ રીંછની માફક શાંત હોવા છતાં અંદરથી એ અસ્વસ્થ થઈ ગયો હતો. ૧૯૪૨માં તેના ચોંત્રીસમા જન્મદિવસ પછી તેની ધરપકડ કરવામાં આવી, એ સમયે પોમોર્સ્કા સ્ટ્રીટના ભોંયતળિયે આવેલી ટોર્ચર ચેમ્બરો વિશે બહુ ભયાનક પરંતુ અસ્પષ્ટ વાતો તેણે સાંભળી હતી. પરંતુ હવે કંઈ જ અસ્પષ્ટ રહ્યું ન હતું.

એ જાણતો હતો,કે બ્યૂરો ‘વી’ જો એમોનને ફસાવવા જ માગતો હશે, તો જરૂર તેને ટોર્ચર કરવામાં આવશે જ!

એ સાંજે હેર હથ એક મુલાકાતી તરીકે ઓસ્કરને મળવા આવ્યો. પોતાની સાથે એ ભોજનની થાળી અને વાઇનની બોટલ પણ લઈને આવ્યો હતો. હથે ક્લોનોવ્સ્કા સાથે વાત કરી હતી. ઓસ્કર પોતે તો એ બાબતનો ખુલાસો ક્યારેય કરવાનો ન હતો, કે હથ સાથે રેલ્વે સ્ટેશને થયેલી પેલી આકસ્મિક મુલાકાત ક્લોનોવ્સ્કાએ અગાઉથી ગોઠવી રાખી હતી કે નહીં! અને એ જે હોય તે, પરંતુ હથે ઓસ્કરને એટલી જાણ કરી દીધી, કે ક્લોનોવ્સ્કા ઓસ્કરના જૂના મિત્રોનો સંપર્ક કરી જ રહી હતી.

બીજા દિવસે એસએસના બાર તપાસકર્તાઓ દ્વારા ઓસ્કરની પૂછપરછ કરવામાં આવી, જેમાં એક એસએસ કોર્ટનો જજ પણ સામેલ હતો. એમોના કેસના દસ્તાવેજો મુજબ, “યહૂદીઓ તરફ રહેમ નજર રાખવા માટે” પોતે કમાન્ડન્ટને કોઈ પ્રકારની રકમ ચૂકવી હોવાનો ઓસ્કરે પોતાની જુબાનીમાં ઈનકાર કર્યો હતો. “હા, એવું બને, કે એમોનને ઉધાર તરીકે મેં જરૂર કોઈ રકમ આપી હોય.” ઓસ્કરે એક તબક્કે આવું સ્વીકારી પણ લીધું. “તમે  એ રકમ ઉધાર શા માટે આપી હતી?” તપાશકર્તાઓ જાણવા માગતા હતા. “જુઓ, હું એક યુદ્ધોપયોગી ઇન્ડસ્ટ્રી ચલાવું છું.” ઓસ્કરે જૂનું ગાણું ચાલુ રાખતાં જવાબ આપ્યો હતો. “મારી પાસે કેટલાક કુશળ કારીગરો છે. જો તેમને કંઈ પણ નુકસાન પહોંચે તો તેમાં મને અને યુદ્ધ મંત્રાલયને, અને એ દ્વારા યુદ્ધ જીતવાના આપણા પ્રયત્નોને પણ નુકસાન જાય તેમ હતું! પ્લાઝોવના કેદીઓમાંથી જો કોઈ મારી જરૂરિયાત મુજબના પ્રથમ પંક્તિના મેટલવર્કર હોવાનું મારા ધ્યાનમાં આવે, તો મેં ચોક્કસપણે એ વ્યક્તિ અંગે હેર કમાન્ડન્ટ સાથે વાત કરી હોય! મારે એ કારીગરને બહુ ઝડપથી અને કોઈ પ્રકારના બંધન વગર લઈ જવો હોય! મારો રસ ઉત્પાદન વધારવા સંદર્ભે જ હોય! મારા માટે અને યુદ્ધ મંત્રાલય માટે પણ એ કારીગર કિંમત હોય જ! આ બધી બાબતે મદદ કરવા માટે મેં હેર કમાન્ડન્ટને ઉધાર રકમ આપી પણ હોય!”

આવું કહેવામાં, ભૂતકાળમાં ઓસ્કરની ઉત્કૃષ્ટ મહેમાનગતી કરનાર એમોન પ્રત્યે થોડો દ્રોહ જરૂર થતો હતો, પરંતુ એવું કરવામાં ઓસ્કર જરા પણ અચકાયો નહીં હોય! આંખોમાં પારદર્શી નિખાલસતા, ધીમો અવાજ, અને ચોક્કસ શબ્દો પર ભાર… શબ્દોની જરા પણ વધારે ભરમાર વિના ઓસ્કરે તપાસકર્તાઓને એ જણાવી દીધું કે તેના તરફથી એમોનને રકમ આપવામાં આવી હતી! જો કે તપાસકર્તાઓ આથી કંઈ પ્રભાવિત નહોતા થયા! એમણે ઓસ્કરને ફરી વખત જેલમાં પૂરી દીધો.

બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ તપાસ ચાલુ રહી. કોઈએ તેને કંઈ નુકસાન તો ન પહોંચાડ્યું, પરંતુ એ લોકો પૂરતા મક્કમ હતા! છેવટે ઓસ્કરે એમોન સાથે કોઈ પ્રકારની મિત્રતા હોવાનો ઈનકાર પણ કરવો પડ્યો! એ કંઈ એટલું મોટું કામ ન હતું! આમ પણ અંદરથી એ એમોનને નફરત જ કરતો હતો. ગેટે અને તેના યુવાન કર્મચારીઓ બાબતે ફેલાયેલી અફવાઓ બાબતે બ્યૂરો ‘વી’ના માણસ સાથે વાત કરતી વેળાએ પીછેહઠ કરતાં એણે જવાબ આપ્યો હતો “હું કોઈ દેવદૂત નથી.”

ઓસ્કર ખરેખર તેને નફરત કરતો હતો, અને તેની વિરુદ્ધમાં ચાલતા કેસમાં બ્યૂરો ‘વી’ને એ મદદ પણ કરવા ઇચ્છતો હતો એ બાબત, એમોનને ક્યારેય નહીં સમજાઈ હોય! અંગત સંબંધોની બાબતે એમોનને હંમેશા ગેરસમજ જ રહી હતી! ભાવુકતામાં ખેંચાઈને એ તો હંમેશા એવું જ માનતો રહ્યો હતો, કે મિતિક પેમ્પર અને હેલન હર્ષ જેવા નોકરો પણ તેને બહુ જ ચાહતાં હતાં! તપાસકારોએ કદાચ એમોનને એ જાણવા પણ નહીં દીધું હોય, કે એ જેલમાં હતો ત્યારે ઓસ્કર પણ પોમોર્સ્કા સ્ટ્રીટમાં જ હાજર હતો! એ તો એમોનની વિનંતીઓ સામે આંખ આડા કાન જ કરી રહ્યા હશે, કે “મારા જૂના મિત્ર શિન્ડલરને બોલાવીને પૂછો, એ પણ મારી તરફેણમાં સાહેદી પૂરશે.”

તપાસકર્તાઓની સામે ઊભા રહેતી વેળાએ ઓસ્કરને કોઈ બાબતે જો સાચે જ મદદ કરી હોય તો તે એ, કે એણે એમોન સાથે ખરેખરા ધંધાકીય સંબંધો ભાગ્યે જ ક્યારેક રાખ્યા હતા! કામકાજ બાબતે એણે એમોનને કોઈક સલાહ જરૂર આપી હશે, પરંતુ તેના એકપણ ધંધામાં એણે ક્યારેય ભાગ રાખ્યો ન હતો, કે એમોન દ્વાર જેલનું રાશન, જ્વેલરીની દુકાનમાંની વીંટીઓ, સિલાઈ પ્લાંટનું કાપડ વેચી મારવાના કે પછી તેના ફરનીચરના ધંધામાંથી ઓસ્કરે એક ઝ્લોટીની પણ કમાણી કરી ન હતી! ઓસ્કર જો જુઠું બોલે ત્યારે પોલીસના માણસો ઉઘાડા પડી જતા હતા, અને એ સાચું કહે ત્યારે તપાસકર્તાઓ તેના પર ભરોસો મૂકવા લલચાઈ જતા હતા! ઓસ્કરે એવી છાપ ક્યારેય પડવા દીધી ન હતી કે તેની વાત પર ભરોસો મૂકવા માટે એ તપાસકર્તાઓનો ઋણી હતો! દાખલા તરીકે, વ્યૂરો ‘વી’ના તપાસકર્તાએ ૮૦,૦૦૦ જર્મન માર્કની રકમને ‘ઉધાર’ ગણવાની, અથવા તો ઓસ્કર પાસેથી એ રકમ પડાવી લેવામાં આવી હોવાની ઓસ્કરની વાત સાચી માનવાની તૈયારી બતાવી, ત્યારે કોઈ નિર્દોષ ઉદ્યોગપતિની માફક ઓસ્કરે સામે ચાલીને તેમને એ પૂછી પણ લીધેલું, કે કંપનીના હેર ડાયરેક્ટર તરીકે તેને એ રકમ પાછી મળશે કે નહીં?

ઓસ્કરની તરફેણમાં એક ત્રીજું પાસું એ હતું, કે તેની લાયકાત પૂરવાર થઈ ચૂકી હતી! બ્યૂરો ‘વી’ દ્વારા કર્નલ એરિક લેન્જને ટેલીફોન કરવામાં આવ્યો, ત્યારે તેમણે યુદ્ધના ક્ષેત્રે શિન્ડલર કેટલો અગત્યનો માણસ હતો એ બાબત પર અત્યંત ભાર મૂક્યો હતો. સસ્મથે ટ્રોપાઉમાં ફોન કરીને જણાવેલું, કે ઓસ્કરનો પ્લાન્ટ “ગુપ્ત હથિયારો”ના ઉત્પાદનમાં સામેલ હતો! આપણે આગળ જોઈશું, કે આ વાત સાવ ખોટી રીતે પણ કહેવામાં આવી ન હતી! પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો એ વાત થોડી ગેરમાર્ગે દોરનારી જરૂર હતી! અને તેના મહત્ત્વને થોડું મારી-મચડીને રજુ કરવામાં આવ્યું હતું! ફ્યૂહરરે પોતે જ જર્મન લશ્કરને “ગુપ્ત હથિયારો”નો વાયદો આપ્યો હતો. આ શબ્દપ્રયોગ પોતે જ આકર્ષક હતો, અને હવે ઓસ્કરને એ શબ્દપ્રયોગનું રક્ષણ મળી ગયું હતું. “ગુપ્ત હથિયાર” જેવા શબ્દપ્રયોગની સામે ઝ્વિતાઉની સામાન્ય પ્રજા ગમે તેટલા રંગો ચડાવીને રજુઆત કરે, તો પણ તેમના વિરોધનું કંઈ જ ઉપજે તેમ ન હતું!

પરંતુ ઓસ્કરને પણ લાગતું હતું કે આ વખતનો જેલવાસ એટલો સરળ નહીં હોય. ચોથા દિવસે તપાસકર્તાઓમાંનો એ માણસ પાછો તો આવ્યો. પરંતુ એ ઓસ્કરની પુછપરછ કરવા માટે નહીં, પરંતુ તેના પર થુંકવા માટે આવ્યો હતો! તેનું થુંક ઓસ્કરના ડાબા કોલર પર પડ્યું. થુંકનારાએ તેની સામે બરાડા પાડ્યા, તેને યહૂદી પ્રેમી અને યહૂદી સ્ત્રી સાથે સંબંધો રાખનાર કહીને ભાંડ્યો! પુછપરછની વિચિત્ર કાયદેસરતાને અહીં સાવ કોરે મૂકી દેવામાં આવી હતી. પરંતુ ઓસ્કરને ખાતરી ન હતી કે આ પણ એસએસની યોજનાનો જ એક ભાગ નહીં હોય, અને તેના જેલવાસ પાછળ પણ તેને જ ફસાવવાનો ઉદ્દેશ નહીં હોય! એક અઠવાડિયા બાદ ઓસ્કરે હથ અને ઓબરફ્યૂહરર સ્કર્નરને એક સંદેશો મોકલ્યો. એ સંદેશામાં એણે કહેવડાવ્યું, કે બ્યૂરો ‘વી’ દ્વારા ઓસ્કર પર એટલું બધું દબાણ કરવામાં આવી રહ્યું છે, કે પોતે વધારે સમય સુધી ભૂતપુર્વ પોલિસવડાનો બચાવ કરી શકે તેમ નથી. બળવાખોરો વિરુદ્ધની પોતાની કાર્યવાહી પડતી મૂકીને સ્કર્નર એક જ દિવસમાં ઓસ્કરની કોટડીમાં આવી પહોંચ્યો! આમ પણ બળવાખોરો થોડા જ દિવસોમાં તેને મારી નાખવાના હતા. “આ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે એ નિંદનીય છે,” સ્કર્નરે કહ્યું. “એમોન કેમ છે?” ઓસ્કરે તેને પૂછ્યું. તેને એમ હતું, કે સ્કર્નર એવું જ કહેશે, કે એમોન સાથે પણ આ લોકો ખોટું વર્તન કરી રહ્યા છે. પરંતુ એને બદલે સ્કર્નરે કહ્યું, “એ તો એને જ લાયક હતો.” એમ લાગતું હતું, કે બધા જ એમોનનો સાથ છોડી રહ્યા હતા. “તમે ચિંતા ન કરશો,” જતાં પહેલાં સ્કર્નરે ઓસ્કરને કહ્યું. “અમે તમને બહાર કાઢવાના જ છીએ!”

આઠમા દિવસની સવારે એમણે ઓસ્કરને જેલમાંથી બહાર કાઢ્યો. ત્યાંથી રવાના થવામાં ઓસ્કરે ન તો જરા પણ વાર કરી, કે ન આ વખતે તેમની પાસે કોઈ વાહન માગ્યું! ઠંડી ફૂટપાથ પર તેને બહાર કાઢવામાં આવ્યો એ જ તેના માટે પૂરતું હતું.

ભાડાની ગાડીમાં ક્રેકોવમાંથી પસાર થઈને, ઝેબ્લોસીની જૂની ફેક્ટરી સુધી એ પગપાળા પહોંચ્યો. થોડા પોલિશ રખેવાળો હજુ પણ ત્યાં હાજર હતા. ઉપરના માળે આવેલી પોતાની ઑફિસમાંથી એણે બ્રિનલિટ્ઝમાં ફોન કર્યો અને પોતે જેલમાંથી મુક્ત થઈ ગયો હોવાની એમિલીને જાણ કરી. ઓસ્કર જેલમાં હતો એ સમયે બ્રિનલિટ્ઝમાં નિર્ણાયો લેવામાં પડતી મુશ્કેલીઓ, છાવણીમાં ફેલાતી અફવાઓ અને તેના અર્થ બાબતે ઊભા થતા વિવિધ પ્રશ્નો વિશેની બધી જ વાતો મોશે બેજસ્કી નામના બ્રિનલિટ્ઝના એક ડ્રાફ્ટ્સમેનને બરાબર યાદ છે! સ્ટર્ન, મોરિસ ફાઇન્ડર, એદમ ગારદે અને બીજા લોકોએ ભોજનસામગ્રી, કામકાજની વહેંચણી, પથારીની સગવડ, વગેરે બાબતે એમિલીનો સંપર્ક કર્યો હતો. એમિલી હવે અહીંની માત્ર મુલાકાતી ન હતી તેનો અહેસાસ આ ચાર લોકોને સઓથી પહેલો થયો હતો. એક તો, એમિલી પહેલેથી જ ખાસ આનંદમાં ન હતી, અને એમાં બ્યૂરો ‘વી’ દ્વારા ઓસ્કરની ધરપકડ થવાને કારણે એ વધારે દુઃખી થઈ ગઈ હતી! ઓસ્કર સાથે તેનું પુનઃમિલન હજુ બરાબર શરુ થાય એ પહેલાં જ એસએસે કરેલી દખલ એમિલીને અસહ્ય થઈ પડી હતી. પરંતુ સ્ટર્ન અને અન્યો કેદીઓને એક વાત સ્પષ્ટ દેખાતી હતી, કે એમિલી અહીં ભોંયતળિયાના એ નાનકડા ઘરની સંભાળ રાખવા માટે, અને એક પત્નીની ફરજો બજાવવા માટે અહીં આવી ન હતી! તેના અહીં આવવા પાછળ તેની આદર્શવાદી પ્રતિબદ્ધતા પણ કામ કરી રહી હતી. આગની જ્વાળાઓ વચ્ચે લપેટાયેલા ખુલ્લા હૃદયવાળા જીસસનું ચિત્ર એપાર્ટમેન્ટની દિવાલ પર લટકતું હતું. પોલિશ કેથલિક ઘરોમાં આવી જ ડિઝાઈન સ્ટર્ને જોઈ હતી, પરંતુ એ ઘરો જેવી ઝાકઝમાળ ઓસ્કરના એક પણ ઘરમાં ન હતી. પોલિશ રસોડામાં જોવા મળતા ખુલ્લા હૃદયવાળા જીસસ એમિલીને હંમેશા એક શાંતિની અનુભૂતિ કરાવતા હતા! એમિલીના રસોડામાં એ ચિત્ર એક વિશ્વાસના પ્રતિક રૂપે લટકી રહ્યું હતું, એમિલીના પોતાના અંગત વિશ્વાસ તરીકે!

નવેમ્બરની શરૂઆતના દિવસોમાં તો ઓસ્કર ટ્રેન દ્વારા મોરાવિયામાં પાછો પણ આવી ગયો હતો. જેલવાસને કારણે તેની દાઢી વધી ગઈ હતી, અને શરીરમાંથી દુર્ગંધ પણ આવતી હતી. સ્ત્રી-કેદીઓ હજુ પણ ઓસ્વિટ્ઝ-બર્કેન્યુમાં જ હતી એ જાણીને તેને પણ આશ્ચર્ય થયું.

કોઈ પારકા ગ્રહ જેવા ઓસ્વિટ્ઝમાં શિન્ડલરની સ્ત્રીઓ અવકાશયાત્રીઓ જેવી જ દહેશત સાથે જાળવી-જાળવીને રહેતી હતી. અહીં ઓસ્વિટ્ઝના હોશિયાર સંસ્થાપક અધ્યક્ષ રુડોલ્ફ હોસની હકુમત ચાલતી હતી. વિલિયમ સ્ટાયરનનું પુસ્તક ‘સોફીની પસંદ’ વાંચ્યું હોય તેને હોસમાં સોફીના માલિકનાં દર્શન થતાં હતાં. હેલન હર્ષ પ્રત્યે એમોનને જેવી ભાવના હતી , તેના કરતાં સાવ જુદા જ પ્રકારનો માલિક એ હતો. અલિપ્ત રહેતો, એક શિષ્ટ અને બુદ્ધિમાન માણસ! અને છતાંયે નરભક્ષી વિસ્તારના કોઈ ઉત્સાહી પાદરી જેવો! જો કે ૧૯૨૦માં, રહર વિસ્તારના એક જર્મન ચળવળકારી અંગેની બાતમી જાહેર કરવા બદલ એણે એક શિક્ષકને મારી નાખ્યો હતો, અને એ ગુના બદલ એ જેલમાં પણ જઈ આવ્યો હતો! પરંતુ ઓસ્વિટ્ઝમાં એણે એક પણ કેદીને પોતાના હાથે માર્યો ન હતો. એ પોતાને હંમેશા એક સામાન્ય કર્મચારી જ માનતો હતો! હવા સાથે સંપર્કમાં આવતાં જ ધુમાડો ઓકતા હાઈડ્રોજન સાઇનાઇડના પેલેટ ઝાયક્લોન ‘બી’નો એ નિષ્ણાત હતો. ક્રિમિનાલ્કોમિસાર ક્રિસ્ચિયન વર્થ નામના પોતાના હરીફ સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા અંગત અને વૈજ્ઞાનિક મતભેદો બાબતે તેણે ઘણી વાર ઘર્ષણમાં ઊતરવું પડતું હતું. બેલઝેક એ વર્થના કાર્યક્ષેત્રનો હિસ્સો હતું, અને કાર્બન મોનોક્સાઈડ શાખાનો ઉપરી પણ એ જ હતો. એક દિવસ એવું બન્યું, કે વર્થની પદ્ધતિ વાપરીને એક ચેમ્બરમાં ભરેલા યહૂદી પુરુષોને કાર્બન ડાયોક્સાઈડ વડે મારી નાખવામાં ત્રણ કલાક વેડફાઈ ગયા હતા! એ ઘટનાના સાક્ષી હતા એવા એસએસના કેમિકલ અધિકારી કર્ટ જર્સ્ટેઇન માટે બેલઝેકનો એ દિવસ બહુ ભારે વિત્યો હતો! ઓસ્વિટ્ઝના સતત વિકાસ અને બેલઝેકની નિષ્ફળતાને કારણે હોસ પ્રમાણિત અને વધારે કાર્યદક્ષ ગણાયેલી અન્ય કોઈ પદ્ધતિને ટેકો આપતો હતો. ૧૯૪૩માં, રુડોલ્ફ હોસે ઓર્નેઇનબર્ગમાં સેક્સન ‘ડી’ના નાયબ વડા તરીકે જોડાવા માટે ઓસ્વિટ્ઝ છોડ્યું, ત્યારે ઓસ્વિટ્ઝનું મહત્ત્વ કોઈ સામાન્ય કેદી છાવણી કરતાં ઘણું વધી ગયું હતું! કોઈક ચમત્કારિક સંસ્થા કરતાં પણ એ છાવણીની પ્રતિષ્ઠા ઘણી આગળ નીકળી ગઈ હતી! કોઈ અસાધારણ ઘટના જ જોઈ લો! અહીંની નૈતિકતા સાવ તળીયે જ બેસી ગઈ હતી એટલું કહેવું પુરતું થાય એમ ન હતું! હકીકતે નૈતિકતાનું વહેણ અહીં સાવ ઊલટી દિશામાં જ વહેતું હતું! પૃથ્વિ પરના બધા જ ખરાબ તત્ત્વોના દબાણને કારણે જુદી-જુદી જાતિઓ અને તેમના ઇતિહાસો કોઈ બ્લેક હોલની માફક શોષાઈ ગયા હતા, વરાળ બનીને ઊડી ગયા હતા; અને ભાષાનું તો અહીં સાવ નિકંદન નીકળી ગયું હતું! ‘ડિસઇન્ફેક્શન સેલર’ના નામે ઓળખાતી ભૂગર્ભ ચેમ્બરો, ‘બાથહાઉસ’ નામે ઓળખાતી જમીન પરની ચેમ્બરો, અને ઓબર્સ્કારફ્યૂહરર મોલ, જેમની પાસે માત્ર એક જ કામ હતું! “ચાલો આપણે આ કેદીઓને ચાવવા માટે કંઈક આપીએ” આવું કહીને, બૂમો પાડી-પાડીને એ વાદળી રંગના ઝેરી સ્ફટિકો પેલાં ‘સેલર’ અને ‘બાથહાઉસ’ની છતમાં રાખેલાં કાણાંમાં નાખવાના હુકમો પોતાના મદદનીશોને કરતો રહેતો હતો! શિન્ડલરની સ્ત્રીઓને બર્કેન્યુના આ પાગલ ઓબરસ્કારફ્યૂહરર મોલની બેરેકની બરાબર બાજુની જ એક બેરેકમાં રાખવામાં આવી હતી, અને એ જ સમયે હોસ પણ ૧૯૪૪ના મે મહિનામાં ઓસ્વિટ્ઝ ખાતે પાછો ફર્યો હતો! શિન્ડલર વિશે ખ્યાત થયેલી એક કથા મુજબ, પોતાની એ ત્રણ સો સ્ત્રીઓ માટે ઓસ્કરે પોતે જ હોસનો સંપર્ક પણ કરવો પડ્યો હતો. હોસને અનેક વાર ફોન કરવા ઉપરાંત ઓસ્કરે અન્ય વ્યવહારો પણ કર્યા હતા. તે ઉપરાંત ઓસ્વિટ્ઝ-૨, એટલે કે ઓસ્વિટ્ઝ-બર્કેન્યુના કમાન્ડન્ટ સ્ટમ્બેનફ્યૂહરર ફ્રિટ્ઝ હર્ટજેન્સ્ટેઇન, અને આ વિશાળ શહેરમાં સ્ત્રીઓના વિભાગનો હવાલો સંભાળતા યુવાન અન્ટરસ્ટર્મફ્યૂહરર ફ્રાન્ઝ હોસલરના સંપર્કમાં તેણે રહેવું પડ્યું હતું.

એક વાત ચોક્કસ છે, કે આ બધા જ અધિકારીઓ સાથે સોદો કરવા માટે એક સુટકેસની અંદર શરાબ, હેમ અને હીરા ભરીને ઓસ્કરે એક યુવાન સ્ત્રીને મોકલી હતી! કોઈ એવું પણ કહે છે, કે સ્ટર્મેબ્ટેઈલંગના નામથી ઓળખાતા સ્ટોર્મ ટ્રૂપરના એક વગદાર અધિકારી સ્ટેન્ડેર્ટેનફ્યૂહરર પેલ્ટ્ઝને પોતાની સાથે રાખીને ઓસ્કર પોતે એ યુવતી જ્યાં-જ્યાં જાય ત્યાં તેની પાછળ-પાછળ ફરતો હતો. ઓસ્કરે પાછળથી તેના મિત્રોને કહેલું એ પ્રમાણે પેલ્ટ્ઝ એક બ્રિટિશ એજન્ટ હતો. બીજા કોઈકના કહેવા મુજબ એક યોજનાના ભાગ રૂપે ઓસ્કર પોતે તો ઓસ્વિટ્ઝથી દૂર જ રહ્યો હતો, પરંતુ હોસ અને તેના મળતિયાઓ પર સામા છેડેથી દબાણ લાવવા માટે તે ઓર્નેઇનબર્ગ અને બર્લિનના યુદ્ધ મંત્રાલયમાં જઈ આવ્યો હતો. વર્ષો પછી તેલ અવીવમાં જાહેરમાં ભાષણ આપતી વેળાએ સ્ટર્ને કહેલી વાત કંઈક આ પ્રમાણે છેઃ ઓસ્કર જેલમાંથી મુક્ત થયો એ પછી સ્ટર્ને તેનો સંપર્ક કર્યો હતો અને “કેટલાક સહકર્મચારીઓના દબાણને વશ થઈને” ઓસ્ટવિટ્ઝમાં ફસાઈ ગયેલી સ્ત્રીઓ બાબતે કંઈક નક્કર કાર્યવાહી કરવા માટે તેણે ઓસ્કરને વિનંતી કરી હતી. એ મુલાકાત વેળાએ ઓસ્કરની એક મદદનીશ સ્ત્રી તેની ઑફિસમાં આવી હતી, જેને સ્ટર્ન ઓળખતો ન હતો. એ યુવતીની વાત સાંભળીને ઓસ્કરે સોનાની મોટી વીંટી પહેરેલી પોતાની આંગળી ઊંચી કરીને, એ ખાસ્સી મોટી અને કિંમતી વીંટી તેને ગમે છે કે નહીં એવું પોતાની એ મદદનીશ યુવતીને પૂછેલું! સ્ટર્નના કહેવા મુજબ, વીંટી જોઈને એ છોકરી ખુબ જ ઉત્સાહમાં આવી ગઈ હતી! ઓસ્કરના શબ્દો વાપરીને સ્ટર્ને કહેલું, “એ સ્ત્રીઓનું લિસ્ટ લઈ લે; મારા રસોડામાંથી મળે એટલી ખાવાપીવાની બધી જ શ્રેષ્ઠ વાનગીઓ અને શરાબ એક સુટકેસમાં ભરી લે! સૂટકેસ લઈને તું ઓસ્વિટ્ઝ જા. તું જાણે જ છે કે કમાન્ડન્ટને સુંદર સ્ત્રીઓનો શોખ છે! તું આ કામ કરી શકે તો આ હીરો તારો! અને તે ઉપરાંત બીજું પણ ઘણું બધું તને મળશે!”

વર્ષો પહેલાં બનેલી ઘટનામાં, સમસ્ત જાતીના ભલા માટે એક સ્ત્રીને જ્યારે કોઈ આક્રમણખોરને સમર્પિત કરી દેવામાં આવી હતી, ત્યારે આવું જ એક દૃશ્ય રચાયું હશે! ત્યારે પણ આવું જ કોઈ વક્તવ્ય આપવામાં આવ્યું હશે, જેને જૂના કરારમાં વર્ણવવામાં આવેલી એ ઘટનાની સાથે વણી લેવા જેટલું કિંમતી ગણાયું હશે! મધ્ય યુરોપમાં પણ આ પ્રકારની એક ઘટના નોંધાઈ છે જેમાં એક મોટો શાપિત હીરો, આવા કહેવાતા શરીરના સોદા માટે એક સ્ત્રીને સોંપવામાં આવ્યાની વાત આવતી હતી! સ્ટર્નના કહેવા મુજબ, એ મદદનીશ છોકરી બધું લઈને ત્યાંથી રવાના પણ થઈ હતી. અને બે દિવસમાં એ પાછી ન ફરી, એટલે પેલા અજાણ્યા પેલ્ટ્ઝને સાથે લઈને આ વાતનો અંત લાવવા માટે ઓસ્કર પોતે પણ કમાન્ડન્ટ પાસે ગયો હતો!

શિન્ડલર સાથે જોડાયેલી દંતકથા મુજબ, ઓસ્કરે પોતાની એક સ્ત્રી-મિત્રને મોકલીને તેને કમાન્ડન્ટ સાથે સંબંધ બાંધ્યા પછી તેના ઓશીકા પર હીરા મૂકીને આવવા કહેલું! એ કમાન્ડન્ટ  કદાચ હોસ હોય, હર્ટજેન્સ્ટેઇન હોય કે પછી હોસલર પણ હોય! સ્ટર્ન એવું કહે છે કે એ યુવતી ઓસ્કરની ‘સેક્રેટરીઓમાંની એક’ હતી; ત્યારે બીજા લોકો એ યુવતી એસએસની એક સોનેરી વાળાવાળી અફસહર નામની છોકરી હોવાનું કહે છે, જે ઓસ્કરની સ્ત્રી-મિત્ર હોવા ઉપરાંત બ્રિનલિટ્ઝની સૈનિક ટૂકડીની એક સભ્ય પણ હતી! પરંતુ એવું લાગે છે કે એ છોકરી એ સમયે કોઈક રીતે ઓસ્વિટ્ઝમાં સ્કન્ડેલર્ફ્યૂહરરની સાથે જોવા મળી હતી! એમિલી શિન્ડલરના કહેવા પ્રમાણે એ જાસૂસ છોકરી બાવીસ-ત્રેવીસ વર્ષની હતી. ઝ્વિતાઉની રહેવાસી એ છોકરીના પિતા શિન્ડલરના કુટુંબના જૂના મિત્ર હતા. જર્મની દ્વારા કબજે કરાયેલા રશિયામાંથી એ હજુ હમણાં જ અહીં આવી હતી, અને જર્મન વહીવટીતંત્રમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી! એમિલીની એ બહુ સારી સખી હતી અને આ કામમાં એણે સામે ચાલીને સહમતી બતાવી હતી. એવું લાગતું તો નથી, કે ઓસ્કર પોતાના કૌટુંબિક મિત્રની પુત્રીને આ રીતે જાતીય ઘટનામાં સંડોવે! ઓસ્કર પોતે આવી બાબતમાં છૂટછાટ લેનારો હોવા છતાં, વાતનો આ હિસ્સો ચોક્કસપણે કાલ્પનિક લાગે છે! ઓસ્વિટ્ઝના અધિકારીઓ સાથે એ છોકરીએ કેટલા સંબંધો બાંધ્યા હતા એ આપણે જાણતા નથી. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ, કે એ છોકરીએ એક ભયાનક જગતનો સંપર્ક કર્યો હતો અને ખુબ જ હિંમતપૂર્વકનાં પગલાં એણે ભર્યાં હતાં!

ઓસ્કરે પાછળથી કહેલું કે ઓસ્વિટ્ઝના કબ્રસ્તાનના વહીવતકર્તાઓ સાથે વાટાઘાટો કરતી વેળાએ ઓસ્કરને સામેથી તેને પસંદ એવી જૂની લાલચ આપવામાં આવી હતી. ખાસ્સા અઠવાડિયાંઓથી શિન્ડલરની સ્ત્રીઓ ઓસ્વિટ્ઝમાં હતી. “મજૂર તરીકે એ સ્ત્રીઓ હવે ભાગ્યે જ કામ આપી શકે તેમ હશે! તમે એ ત્રણસો સ્ત્રીઓને ભૂલી કેમ નથી જતા? આટલા મોટા ટોળામાંથી બીજી ગમે તે ત્રણ સો સ્ત્રીઓને કાઢીને અમે તમને આપીએ…” આ પહેલાં ૧૯૪૨માં પણ એસએસના એક અધિકારીએ પ્રોકોસિમ સ્ટેશને આવી જ એક દરખાસ્ત ઓસ્કર સામે મૂકી હતી, “તમે આ રીતે એ જ નામોને લઈને બેસી ન રહેશો, હેર ડિરેક્ટર!” અને આજે પ્રોકોસિમમાં પણ ઓસ્કર પોતાનું એ જ જુનું રટણ કર્યે રાખતો હતો. “એ સ્ત્રીઓ એવી કુશળ કારીગર છે, જેની ખોટ પૂરી ન શકાય. આટલા વર્ષો સુધી મેં પોતે એમને તાલીમ આપેલી છે. તેમની કુશળતાની ખોટ હું જલદી પૂરી શકું તેમ નથી. મારે એ નામો પ્રમાણેના માણસોની જ જરૂર છે!”

“ઊભા રહો,” પેલા શયતાને કહ્યું. “આ લિસ્ટમાં મને ફિલા રેથની નવ વર્ષની પુત્રીનું નામ દેખાય છે! આમાં તો રેજિના હોરોવિત્ઝની અગીયાર વર્ષની પુત્રીનું નામ પણ છે! તમે શું મને એમ કહેવા માગો છો કે આ નવ વર્ષની અને અગીયાર વર્ષની છોકરીઓ શસ્ત્રો બનાવતી કુશળ કારીગર છે?”

“હા, એ છોકરીઓ પીસ્તાળીસ મીલીમિટરની ગોળીઓની ખોલીને પોલિશ કરવાનું કામ કરે છે. તેમની લાંબી આંગળીઓને કારણે જ તેમને પસંદ કરવામાં આવી છે. ખોલીની અંદર જ્યાં મોટી ઉંમરના લોકોની આંગળીઓ ન પહોંચે, છેક ત્યાં સુધી એ નાનકડી છોકરીની આંગળીઓ પહોંચી શકે છે!”

પોતાની પરિચિત છોકરીઓને બચાવી લેવા માટે ઓસ્કર આ પ્રકારની વાતો રૂબરૂમાં કે ફોન પર કરતો રહેતો હતો! આ બધી વાટાઘાટો બાબતે ઓસ્કર પોતાની નજીકના પુરુષ કેદીઓને જાણ કરતો, અને એ કેદીઓ વર્કશોપ ફ્લોર પર કામ કરતા અન્ય કેદીઓને બધી વાતો પહોંચાડી દેતા! તોપ-વિરોધી ગોળીની ખોલીને પોલિશ કરવા માટે બાળકોની જરૂરિયાત બાબતે ઓસ્કરનો અતિશયોક્તિ ભર્યા દાવા તેની મૂર્ખામી પણ હોય એવું બને! પરંતુ આવું તેણે એકાધિક વખત કર્યું હતું. ૧૯૪૩માં અનિતા લેમ્પેલ નામની એક અનાથ બાળકીને એક રાત્રે પ્લાઝોવમાં હાજરીસ્થળે ઊભી કરી દેવામાં આવી હતી. એ સમયે સ્ત્રીઓની છાવણીની ચોકિયાત સ્ત્રી સાથે ઓસ્કરે દલીલો કરી હતી. એ ચોકિયાત સ્ત્રી જેવી જ દલીલો આગળ જતાં ઓસ્ટવિટ્ઝમાં હોસ અને હોસલર પણ કરવાના હતા. “તમે એવું કહેવા માગો છો કે એક ચૌદ વર્ષની છોકરીને તમે એમિલિયામાં લઈ જવા માગો છો? તમે મને એવું સમજાવવા માગો છો કે કમાન્ડન્ટ ગેટેએ એમિલિયાના કર્મચારીઓમાં આ ચૌદ વર્ષની છોકરીને સામેલ કરવાની તમને પરવાનગી આપી છે?” ચોકીદાર સ્ત્રીને તો એ વાતની ચિંતા હતી કે એમિલિયા મોકલવા માટેના કેદીઓના લિસ્ટ સાથે જો ચેડા કરવામાં આવશે તો તેનું પરીણામ એણે પોતે ભોગવવું પડશે. ૧૯૪૩ની એ રાતે અનિતા લેમ્પેલ પોતે પણ આશ્ચર્યમૂઢ બનીને ઓસ્કરની વાત સાંભળી રહી હતી! આ તે કેવો માણસ છે! એણે તો ક્યારેય મારી લાંબી આંગળીઓ જોઈ નથી! અને છતાંયે એ એવું કહી રહ્યો હતો કે એણે આ છોકરીને તેના ઔદ્યોગિક મુલ્યને કારણે પસંદ કરી હતી, અને હેર કમાન્ડન્ટે તેની મંજૂરી પણ આપી હતી!

જો કે એ અનિતા લેમ્પેલ પણ આજે તો ઓસ્વિટ્ઝમાં પહોંચી ગઈ હતી! હવે તો એની ઊંચાઈ વધી ગઈ હતી, અને લાંબી આંગળીઓ હોવાની ચાલ હવે ચાલી શકે તેમ ન હતી! પરંતુ હવે એ જ ચાલનો ઉપયોગ શ્રીમતી હોરોવિત્ઝ અને શ્રીમતી રેથની પુત્રીઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો હતો!

શિન્ડલરના બાતમીદારોની એ વાત સાવ ખોટી પણ ન હતી, કે ઓસ્વિટ્ઝમાં ફસાયેલી શિન્ડલરની સ્ત્રીઓ પોતાનું ઔદ્યોગિક મુલ્ય ગૂમાવી બેઠી હતી. ઇન્સ્પેક્શનના સમયે મિલા ફેફરબર્ગ, હેલન હર્ષ અને તેની બહેન પણ મરડાના દુખાવાને કારણે બેવડ વળી જતી હતી હતી. શ્રીમતી ડ્રેસનરને તો સાવ પાતળો સૂપ પી શકે એટલી ભૂખ પણ લાગતી ન હતી. ડેંકા ઇચ્છતી હતી, કે તેની માતા ભલે થોડો સુપ પીએ, પરંતુ તેનાથી તેને થોડી-ઘણી હૂફ તો પહોંચે! અને તે છતાં પોતાની માતાને એ પરાણે થોડોક સૂપ પણ પાઈ શકતી ન હતી! થોડા સમયમાં જ એ ‘મુસલમાન’ બની જશે એ નિશ્ચિત હતું! મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓની હાલત દર્શાવતા ન્યૂઝરીલને કારણે આ શબ્દ, છાવણીમાં રહેતા ભૂખ ગૂમાવી બેઠેલા અને જીવતા-મરેલા માણસો વચ્ચેની ભેદરેખા પાર કરી ચૂક્યા હોય એવા કેદીઓ માટે આ શબ્દ અપમાનજનક રીતે વપરાતો હતો.

ચાળીસીની શરૂઆતથી જ, ક્લેરા સ્ટર્નબર્ગને શિન્ડલરના મૂખ્ય જૂથમાંથી અલગ કરીને, કહેવાતી ‘મુસલમાન ઝૂંપડી’માં રાખવામાં આવી હતી. દરરોજ સવારમાં બારણાની સામે એક કતારમાં ઊભી રાખીને મૃત્યુના આરે આવેલી આ સ્ત્રીઓમાંથી પસંદગી કરવામાં આવતી હતી. ક્યારેક ડૉ. મેન્જિલ જાતે જ આવીને ચકાસણી કરવા ઊભો રહી જતો હતો. ક્લેરા સ્ટર્નબર્ગ જેવી પાંચસો સ્ત્રીઓના જુથમાંથી ચકાસણી દરમ્યાન ક્યારેક સો તો ક્યારે પચાસ જેટલી સ્ત્રીઓને અલગ પાડવામાં આવતી હતી! એવા સમયે કેતલીક સ્ત્રીઓ પોતાના શરીર પર ઓસ્ટવિટ્ઝની ધૂળ ચોળી લઈને પોતાના વાંસાને શક્ય હોય એટલો સીધો રાખવાનો પ્રયત્ન કરતી. ખાંસી આવે તો તેને પણ અટકાવીને તેઓ પોતાનો શ્વાસ રોકી રાખતી! આવી જ એક ચકાસણીના સમયે ક્લેરાને લાગેલું, કે આ રોજિંદા જોખમ સામે હવે એ વધારે નહીં ટકી શકે! તેનો પતિ અને કિશોરવયનો પુત્ર તો બ્રિનલિટ્ઝમાં પહોંચી ગયા હતા. એ બંને તો હવે તેને મંગળ ગ્રહ પરની ખીણો જેટલા દૂર ભાસતા હતા! બ્રિનલિટ્ઝ કે પછી પોતાના પતિ અને પુત્રની કલ્પના પણ એ કરી શકતી ન હતી! વીજળીનો કરંટ ધરાવતી વાડની શોધમાં એ સ્ત્રીઓની છાવણીમાં આમ-તેમ ભટકવા લાગી હતી! અહીં એ નવી-નવી આવી ત્યારે આ છાવણી ચારે બાજુ વીજળીનો કરંટ ધરાવતી વાડથી ઘેરાયેલી હતી. પરંતુ આજે જ્યારે તેને એ વાડની તાતી જરૂર હતી ત્યારે એક પણ વાયર તેની નજરે ચડતો ન હતો! દરેક વખતે એ કાદવભરી કોઈ નવી જ ગલીમાં પહોંચી જતી હતી, અને એક સરખા ઝૂંપડાંનું દૃશ્ય જોઈને નિરાશ થઈ જતી હતી! તેની જેમ જ ક્રેકોવથી અહીં આવેલી તેને ઓળખતી એક સ્ત્રી સામે મળી જતાં એ તેની પાસે ઊભી રહી ગઈ. “વીજળીના કરંટવાળી વાડ ક્યાં છે?” ક્લેરાએ એ સ્ત્રીને પૂછ્યું. તેના વિહ્વળ થઈ ગયેલા મન માટે આવો પ્રશ્ન પૂછવો એકદમ સહજ બાબત હતી! ક્લેરાને હતું કે તેની સખીના મનમાં તેના માટે જરા પણ ભગીનીભાવ બચ્યો હશે તો ચોક્કસ એ વાયરોનું ઠેકાણું તેને ચીંધી બતાવશે! પેલી સ્ત્રીએ આપેલો જવાબ ભલે ગાંડોઘેલો હોય, પરંતુ એ જવાબમાં એક ચોક્કસ દૃષ્ટિકોણ હતો, એક સમતોલન હતું! ભલે અનુચિત લાગતું, પરંતુ સચ્ચાઈથી ભરેલું કોઈક તત્વ તેની વાતમાં જરૂર હતું.

“વાડને અડીને મૃત્યુને ન વહોરતી, ક્લેરા!” એ સ્ત્રીએ આજીજી કરી. “એવું કરીશ, તો તને ખબર પણ નહીં પડે આખરે કે તારું શું થયું!”

આપઘાત કરવા બેબાકળી થયેલી વ્યક્તિ માટે કદાચ આ સૌથી શક્તિશાળી સલાહ હશે! મરી જઈએ, તો આપણને ખબર જ ન પડે કે આ આખીયે બાબતના અંતે થયું શું? ક્લેરાને જો કે એ સ્ત્રીની વાતમાં એવો કોઈ ઊંડો રસ ન હતો, છતાં તેને મળેલો જવાબ કદાચ તેના માટે પૂરતો હતો! એ પાછી ફરીને બેરેકમાં ચાલી ગઈ. વાડ શોધવા નીકળી તેના કરતાં હવે એ કંઈક વધારે અસ્વસ્થતા એ અનુભવી રહી હતી, પરંતુ સખીએ આપેલા જવાબને કારણે આપઘાતના વિચારોથી તો એ સાવ વિમુખ થઈ ગઈ હતી.

આ તરફ બ્રિનલિટ્ઝ ખાતે જરૂર કંઈક અજુગતું બની ગયું હતું! મોરેવિયન ટ્રાવેલર ઓસ્કર એ સમયે બ્રિનલિટ્ઝમાં હાજર ન હતો. આખાયે વિસ્તારમાં રખડીને વાસણો, હીરા, શરાબ અને સિગરેટનો વેપાર કરવામાં એ મશગુલ હતો. આમાંના અમુક વ્યવસાય ખુબ મહત્ત્વના હતા. બાઇબરસ્ટેઇને આપેલી જાણકારી મુજબ બ્રિનલિટ્ઝના ક્રેન્કેન્સ્ટ્યૂબમાં કેટલીક દવાઓ અને મેડિકલના જાત-જાતના સાધનો લાવવામાં આવ્યા હતા. આ બાબત સાધારણ ન હતી. જર્મન લશ્કરના ડેપોમાંથી, અથવા બર્નોની કોઈ મોટી હોસ્પિટલની ફાર્મસીમાંથી ઓસ્કરે દવાઓની ખરીદી કરી હોય એવું લાગે છે.

ઓસ્કરની ગેરહાજરીનું કારણ જે હોય તે, પરંતુ નવા કમાન્ડન્ટ અન્ટર્સ્ટર્મફ્યૂહરર જોસેફ લિપોલ્ડને સાથે લઈને ગ્રોસ-રોસેનના ઇન્સ્પેક્ટરો બ્રિનલિટ્ઝના વર્કશોપમાં તપાસ કરવા આવ્યા ત્યારે ઓસ્કર બ્રિનલિટ્ઝની બહાર હતો. જ્યારે-જ્યારે તક મળી જાય ત્યારે ફેક્ટરીની અંદર ઘુસી આવવામાં જોસેફને હંમેશા બહુ આનંદ આવતો હતો. ઇન્સ્પેક્ટરના હાથમાં આવેલા, મૂળ ઓરેઇનબર્ગથી મોકલાયેલા હુકમોમાં લખેલું હતું, કે ડૉ. જોસેફ મેન્જિલ દ્વારા બાળકો પર કરવામાં આવનારા મેડિકલ પ્રયોગો માટે ગ્રોસ-રોસેનની પેટા છાવણીઓને સાફસુફ કરીને તૈયાર રાખવી! બ્રિનલિટ્ઝમાં આવી ગયા પછી બાળકોને જર્મન સૈનિકોથી છુપાઈને રાખવાની જરૂર કોઈને જણાતી ન હતી. આથી ફેક્ટરીના મકાનની અને ત્યજી દેવાયેલા જૂના સ્પિનિંગ મશીનોની આજુબાજુ એકબીજાની પાછળ દોડીને ચડ-ઉતર કરતાં રમી રહેલા ઓલેક રોસનર અને તેનો નાનો પિતરાઈ રિચાર્ડ હોરોવિત્ઝ ઇન્સ્પેક્ટરોની નજરે ચડી ગયા! થોડા સમય પહેલાં જ એમોનને ડાયાબિટીસ થયાનું બહાર આવ્યું, ત્યારે તેની સારવારમાં ડૉ. બ્લેંકને મદદ કરનાર, અને અનેક ગુનાઓ માટે જવાબદાર યહૂદી ડૉક્ટર લિઓન ગ્રોસનો પુત્ર પણ તેમની સાથે જ રમતો હતો! ઇન્સ્પેક્ટરોએ અન્ટરસ્ટર્મફ્યૂહરર લિઓપોલ્ડને કહી દીધું, કે આ બાળકો શસ્ત્રો બનાવતા આવશ્યક કામદારો નથી એ તો સ્પષ્ટ રીતે દેખાય છે!

બટકો ઘઉંવર્ણો લિઓપોલ્ડ એમોન જેવો પાગલ તો ન હતો. પરંતુ આ બાબત સાથે તો એ પણ સહમત હતો, એટલે તપાસકર્તા સામે તેણે કોઈ જ દલીલ ન કરી.

વધારે તપાસ કરતાં ઇન્સ્પેક્ટરોને રોમન જિંટરની નવ વર્ષની પોત્રી પણ મળી આવી! જિંટર વસાહતના શરૂઆતના દિવસોથી જ ઓસ્કરને ઓળખતો હતો. ડેફમાં એકઠા થયેલા ભંગારમાંથી એણે જ તો પ્લાઝોવને લોખંડ પૂરું પાડ્યું હતું! પરંતુ અન્ટરસ્ટર્મફ્યૂહરર લિઓપોલ્ડ અને ઇન્સ્પેક્ટરોએ એવી અંગત ઓળખાણો તરફ કોઈ જ ધ્યાન ન આપ્યું. બીજા બાળકોની સાથે જિંટરના પુત્રને પણ ચોકીદાર સાથે દરવાજા પાસે મોકલી આપવામાં આવ્યો! ફ્રાન્સિસ સ્પાયરાનો પુત્ર સાડા દસ વર્ષનો હતો, પરંતુ ચોપડામાં તેને ચૌદ વર્ષનો હોવાનું કહેવામાં આવ્યું હતું. એ દિવસે એ એક લાંબી સીડીની ટોચ ઉપર ચડીને બારીઓને પોલિશ કરવાનું કામ કરતો હતો, એટલે એ દિવસની ધાડમાં એ બચી જવા પામ્યો.

હુકમ મુજબ બાળકોની સાથે-સાથે તેમના માતા-પિતાને પણ પકડી લેવા જરૂરી હતા, કારણ કે એમ ન કરવાથી એમાનું કોઈ જુસ્સામાં આવી જઈને છાવણીના વિસ્તારમાં બળવો ફેલાવે તેવો ભય રહેતો હતો. આથી વાયોલિનવાદક રોસનર, હોરોવિત્ઝ અને રોમન જિંટરને પણ પકડી લેવામાં આવ્યા હતા. ડૉ. લિઓન ગ્રોસ એસએસ સાથે વાતચીત કરવા માટે દોડી ગયા હતા. એ તો ખુબ જ ગુસ્સે થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરોના મનમાં એ એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, કે જર્મન સૈનિકો એક એવા જવાબદાર કેદી સાથે કામ પાડી રહ્યા હતા જે તેમના જ તંત્રનો મિત્ર હતો! પરંતુ તેના એ પ્રયાસોની કોઈ કિંમત થઈ રહી નહોતી! ઓટોમેટિક હથિયાર લઈને ફરી રહેલા એક અન્ટરસ્કારફ્યૂહરરને બાળકોને પકડીને તેમને ઓસ્વિટ્ઝ લઈ જવાની કામગીરી સોંપી દેવામાં આવી.

પિતા-પુત્રોને પકડી લઈને જઈ રહેલી ટૂકડી સાદી પેસેન્જર ટ્રેઇનમાં બેસી ઝ્વિતાવથી નીકળીને અપ્પર સિલેસિયાના કેટોવાઇસ સુધી પહોંચી. હેનરી રોસનરને હતું કે તેની સાથેના બીજા મુસાફરો તેમની સામે અનગમો બતાવશે! પરંતુ તેને બદલે, સૈનિકોની અવગણના કરીને એક સ્ત્રીએ ઓલેક અને અન્ય બાળકોને બ્રેડનો એક-એક ટુકડો અને સફરજન આપ્યાં, અને સારજન્ટની સામે તાકીને જોઈ રહીને એ કંઈક પ્રતિક્રિયા આપવા માટે તેને ઉકસાવતી ઊભી રહી! અન્ટરસ્કારફ્યૂહરરે જો કે તેના પ્રત્યે નરમાશ દાખવતાં ઔપચારિકતાથી હકારમાં મોઢું પણ હલાવ્યું. ટ્રેઇન ઉસ્તી પહોંચી ત્યારે કેદીઓને પોતાના મદદનીશની દેખરેખ હેઠળ સોંપીને એ સ્ટેશનના કાફેટેરિયામાં ગયો, અને બધા કેદીઓ માટે પોતાના ખર્ચે બિસ્કિટ અને કોફી ખરીદી લાવ્યો. રોસનર અને હોરોવિત્ઝ સાથે એ વાતે પણ વળગ્યો. જેમ–જેમ અન્ટરસ્કારફ્યૂહરર વાતો કરતો ગયો તેમ-તેમ બધાને લાગ્યું, કે એ એમોન, હુજર, જોહ્ન અને પોલીસ ફોર્સના બીજા બધા કરતાં અલગ હતો!

“તમને બધાને લઈને હું ઓસ્વિટ્ઝ જઈ રહ્યો છું,” એણે કહ્યું. “અને એ પછી, ઓસ્વિટ્ઝમાંથી કેટલીક સ્ત્રીઓને લઈને મારે પાછા બ્રિનલિટ્ઝ જવાનું છે.”

કેવી કરૂણતા હતી, કે શિન્ડલરની સ્ત્રીઓને પણ કદાચ બ્રિનલિટ્ઝમાં લઈ જવામાં આવશે એ વાતની જાણ બ્રિનલિટ્ઝના લોકોમાંથી સૌથી પહેલી રોસનર અને હોરોવિત્ઝને જ થઈ હતી, જે પોતે ઓસ્વિટ્ઝ જવાના પંથે હતા!

રોસનર અને હોરોવિત્ઝ લાગણીવશ થઈ ગયા હતા. તેમણે પોતપોતાના પુત્રોને પણ કહી દીધું, કે આ સદ્‌ગૃહસ્ત તેમની માતાને લઈને પાછા બ્રિનલિટ્ઝ જવાના છે. રોસનરે મેન્સીને એક પત્ર આપવા માટે અન્ટરસ્કારફ્યૂહરરને પૂછ્યું, અને હોરોવિત્ઝે પણ રેજીનાને ચીઠ્ઠી પહોંચાડવા માટે આજીજી કરી. અન્ટરસ્કારફ્યૂહરરે આપેલા કાગળના ટૂકડા ઉપર બે પત્રો લખવામાં આવ્યા. એ પત્રોમાં એક પતિ પોતાની પત્નીને જે લખે એ જ બધું લખાયું હતું! રોસનરે પોતાના પત્રમાં લખી જણાવ્યું, કે જો બંને જીવતા રહે તો ભવિષ્યમાં પોજોર્ઝમાં ચોક્કસ જગ્યાએ મળવું.

રોસનર અને હોરોવિત્ઝ પત્ર લખી રહ્યા, એટલે એસએસના એ અધિકારીએ બંને પત્રો લઈને પોતાના જેકેટમાં મૂકી દીધા. “તમે આટલા વર્ષો સુધી ક્યાં હતા?” તેને જોઈને રોસનરને આશ્ચર્ય થતું હતું. ‘પહેલાં તમે પાગલ તો નહોતાને? તમારા એ કહેવાતા ઈશ્વરે જ્યારે મંચ પરથી ચીસો પાડીને કહેલું કે, આ યહૂદીઓ આપણું દુર્ભાગ્ય છે, ત્યારે શું તમને આનંદ થયો હતો?”

મુસાફરીમાં આગળ જતાં નાનકડો ઓલેક પિતા હેનરી રોસનરના બાવડા સાથે પોતાનું માથું દબાવીને રડી પડ્યો! પોતાને શું થતું હતું એ એણે રોસનરને જલદી ન કહ્યું. છેલ્લે એ બોલ્યો ત્યારે તેણે માત્ર એટલું કહ્યું, કે તેને કારણે જ રોસનરને પણ ઓસ્ટવિટ્ઝ જવાનો વારો આવ્યો હતો! “માત્ર મારા કારણે જ તમારે મરવું પડે છે,” એણે હેનરી રોસનરને કહ્યું. કોઈક વાત ઉપજાવી કાઢીને હેનરી તેને શાંત પાડવાનો પ્રયત્ન કરી શક્યો હોત, પરંતુ તેનો એ પ્રયત્ન સફળ રહ્યો ન હોત! ગેસ ચેમ્બર વિશે બધાં જ બાળકોને ખબર હતી. છેતરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ બાળકો ચીડાઈ જતાં હતાં.

અન્ટરસ્કારફ્યૂહરર નીચું જોઈ ગયો હતો.

ઓલેક અને હેનરી વચ્ચેની વાત તેણે સાંભળી તો ન હતી, પરંતુ તેમને જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા હતા. સર્કસના પ્રાણીને સાયકલ ચલાવતાં જોઈને કોઈ બાળકને થાય એવું આશ્ચર્ય ઓલેકને થતું હતું. એ અન્ટરસ્કારફ્યૂહરર સામે જોઈ રહ્યો. ચોંકાવી દે તેવી વાત તો એ હતી કે એ આંસુ ભાઈચારાનાં, કોઈ સહકેદીના હોય એવું લાગતું હતું. “તમે કોઈ પ્રકારે ચિંતા ન કરો. હું જાણું છું કે હવે શું થવાનું છે.” અન્ટરસ્કારફ્યૂહરરે કહ્યું. “અમે યુદ્ધ હારી ચૂક્યા છીએ. હવે તમારા બધા પર ટેટ્ટૂ લગાવવામાં આવશે. તમે જીવી જશો…”

હેનરીને લાગ્યું કે આવો વાયદો કરીને એ માણસ પેલા બાળકોને નહીં પણ પોતાની જાતને પટાવી રહ્યો હતો, પોતાની જાતને જ સાધીયારો આપી રહ્યો હતો, જેથી કદાચ થોડાંક વર્ષો પછી, ભવિષ્યમાં તેને આ ટ્રેઇનની મુસાફરી યાદ આવી જાય તો કોઈક રીતે એ પોતાની જાતને દિલાસો આપી શકે.!

વીજળીના તાર શોધવાના પ્રયત્નોમાં સાંજ સુધી ભટકેલી ક્લેરા સ્ટેઇનબર્ગને શિન્ડલરની સ્ત્રીઓની બેરેકો તરફથી કોઈકના નામો પોકારાવાના અને સ્ત્રીઓના હસવાના અવાજો આવતા સંભળાયા! પોતાના ભેજભર્યા ઝૂપડામાંથી ધીમે-ધીમે બહાર આવીને એણે જોયું તો સ્ત્રીઓના કેમ્પની અંદરની વાડ પાસે બધી સ્ત્રીઓ કતારબંધ ઊભી હતી. કેટલીક સ્ત્રીઓએ તો માત્ર બ્લાઉઝ અને લાંબા પાયજામા જ પહેરેલાં હતાં. સાવ નિરાધાર અને હાડકાના માળા જેવી લાગતી હતી એ સ્ત્રીઓ! અને છતાંયે નાનકડી કિશોરીઓની માફક ખડખડાટ હસતી હતી! પેલી ગોરી એસએસની સૈનિક યુવતી પણ આજે તો ખુશખુશાલ હતી, કારણ કે જો આ સ્ત્રીઓ મુક્ત થશે, તો એ પોતે પણ ઓસ્વિટ્ઝમાંથી મુક્ત થઈ શકશે એ નક્કી!

“શિન્ડલરની ટૂકડી,” ગોરી સૈનિક યુવતીએ બૂમ પાડી. “તમે લોકો સોના બાથ લેવા જઈ રહ્યા છો, અને એ પછી ટ્રેઇનમાં.” આજે જે અભૂતપૂર્વ ઘટના ઘટી રહી હતી તેના વિશે એ પૂરતી જાગૃત હતી. તારની વાડની પેલે પાર બેરેકની બારીઓમાંથી ડોકાઈ રહેલી અભાગી સ્ત્રીઓ ભાવ વગરના ચહેરે, આનંદથી ઉછળકુદ કરતી શિન્ડલરની આ સ્ત્રીઓને તાકી રહી હતી! કહો કે, લિસ્ટમાંની એ સ્ત્રીઓ તેમને પોતાના તરફ જોવાની ફરજ પાડી રહી હતી, કારણ કે અહીંના રહેવાસીઓથી સાવ અલગ પડી જઈને એ સ્ત્રીઓ અચાનક જ પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી. જો કે એવું કરવાનો કોઈ અર્થ ન હતો! આ તો એક અસામાન્ય ઘટના હતી. છાવણીના બહુમતી લોકોને આની સાથે કંઈ જ લાગતું-વળગતું ન હતું. છાવણીના કેદીઓ સાથે જે બની રહ્યું હતું તે આ એક ઘટનાથી બદલાઈ જવાનું ન હતું, કે પછી હવામાં ફેલાઈ ગયેલો પેલો ધુમાડો ઓછો થઈ જવાનો હતો! પરંતુ ક્લેરા સ્ટેઇનબર્ગ માટે આ દૃશ્ય અસહ્ય હતું. અને એ દૃશ્ય સાઇઠ વર્ષના શ્રીમતી ક્રમહોલ્ઝ માટે પણ એટલું જ અસહ્ય હતું, જેમને અર્ધમૃત અવસ્થામાં વૃદ્ધ સ્ત્રીઓની સાથે ધકેલી દેવામાં આવ્યાં હતાં! બારણે ચોકી કરી રહેલી ડચ સ્ત્રી-સૈનિક કેપો સાથે શ્રીમતી ક્રમહોલ્ઝે બેરેકના બારણામાં જ દલીલો કરવાનું શરૂ કરી દીધું. “હું તેમની સાથે જોડાવા માટે જઈ રહી છું.” એણે કહ્યું. ડચ કેપોએ તેની સામે ઘણી દલીલો કરી. આખરે એણે કહ્યું, “તારા માટે અહીં જ સારું છે. તું ત્યાં જઈશ તો જાનવરોના ડબ્બામાં જ મરી જઈશ. અને એ સાથે તું અહીંયાં ન હોવા બાબતે મારે જવાબ આપવો પડશે!” “તો તું એમને કહી દેજે,” શ્રીમતી ક્રમહોલ્ઝે કહ્યું. “કે મારું નામ શિન્ડલરના લિસ્ટમાં હતું જ! હિસાબ સરભર થઈ જશે… એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.” પાંચ મિનિટ સુધી તેઓ ચર્ચા કરતા રહ્યા. અને ચર્ચા દરમ્યાન બંને વચ્ચે પોતપોતાના કુટુંબો વિશે પણ વાત થઈ. ઝગડાની ઉગ્રતામાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવા માટે કદાચ બંનેએ એકબીજાના વતનની વાત પણ કરી જોઈ! બન્યું એવું કે એ ડચ સ્ત્રીનું નામ પણ ક્રમહોલ્ઝ જ હતું. બંને સ્ત્રીઓ પોતપોતાના કુટુંબના વતન બાબતે વાતો કરવા લાગી. “હું માનું છું કે મારો પતિ સાચેનહોસેનમાં છે.” ડચ ક્રમહોલ્ઝે કહ્યું. ક્રેકોવ ક્મહોલ્ઝે કહ્યું કે મારો પતિ અને મોટો પુત્ર બંને ક્યાંક વિખૂટા પડી ગયા છે.

“મને લાગે છે કે તેઓ મૌથૌસેનમાં, એટલે કે મોરાવિયામાં શિન્ડલરની છાવણીમાં છે. વાડની પેલે પારની આ બધી જ સ્ત્રીઓ પણ ત્યાં જઈ રહી છે.” જવાબમાં ક્રેકોવની ક્રમહોલ્ઝે કહ્યું, “એ સ્ત્રીઓ ક્યાંય નથી જઈ રહી. મારી વાત માન, કોઈ ક્યાંય નથી જઈ રહ્યું, સિવાય કે એક જ દિશામાં…!” ક્રેકોવ ક્રમહોલ્ઝે કહ્યું, “પણ તેઓ તો કહે છે કે એ ક્યાંક જઈ રહી છે. મહેરબાની કરીને મને જવા દે…” શિન્ડલરની સ્ત્રીઓ જો ભ્રમમાં રાચતી હોય, તો ક્રેકોવની ક્રમહોલ્ઝ પણ એ જ ભ્રમમાં રાચવા માગતી હતી!  ડચ કેપો આ વાત સમજતી હતી, અને એટલે જ છેવટે એણે બેરેકના દરવાજા ખોલી નાખ્યા, ભલે જે થવાનું હોય એ થાય!

હવે શ્રીમતી ક્રમહોલ્ઝ તથા શ્રીમતી સ્ટર્નબર્ગ, અને શિન્ડલરની બાકીની સ્ત્રીઓ વચ્ચે માત્ર એક વાડ જ બચી હતી. એ વાડ વીજકરંટવાળી ન હતી. સેક્સન ‘ડી’ના કાયદાઓ મુજબ એ વાડ અઢાર તારની બનાવવામાં આવી હતી. ઉપરની દિશાએ વાડના તાર એકબીજાની નજીક-નજીક હતા, જ્યારે નીચેની દિશાએ તારની વચ્ચે છ-છ ઈંચનું અંતર આવેલું હતું. પરંતુ તારના એવા બે જુથની વચ્ચે એક ફૂટ જેટલું અંતર છોડી દેવામાં આવ્યું હતું! એ ઘટનાના સાક્ષીઓએ અને બંને સ્ત્રીઓએ પોતે આપેલી સાહેદી મુજબ, શ્રીમતી ક્રમહોલ્ઝ અને શ્રીમતી સ્ટર્નબર્ગ, બંને કોઈક રીતે એ વાડ વટાવીને, શિન્ડલરની સ્ત્રીઓ મુક્તિના જે કોઈ પણ દિવાસ્વપ્નોમાં રાચતી હતી, તેમની સાથે ભળી ગઈ! નવ ઈંચની જગ્યામાંથી પોતાને ખેંચીને, તાર પહોળા કરીને, કાંટાળા તારથી ફાટી રહેલાં કપડાંની સાથે-સાથે છોલાઈ રહેલી ચામડીને પણ અવગણીને તેમણે પોતાને શિન્ડલરની સ્ત્રીઓની ટોળી સાથે એકાકાર કરી દીધી! ઓસ્ટવિટ્ઝની અન્ય સ્ત્રીઓ માટે તો જો કે આ દાખલો અપ્રસ્તુત હતો. અન્ય કોઈ નાસી જનારા માટે તો એક વાડ પસાર કરો તો બીજી નડે અને પછી ત્રીજી અને પછી વિજદબાણવાળી વાડ આવી પડે! પરંતુ સ્ટર્નબર્ગ અને ક્રમહોલ્ઝે તો આ એક માત્ર વાડ વટાવવાની કરવાની હતી! જે કપડાં પહેરીને તેઓ વસાહતમાંથી છાવણીમાં આવ્યાં હતાં એ પહેલાં પ્લાઝોવના કાદવમાં રગદોડાઈ ચૂક્યાં હતાં, અને હવે તો  તારની વાડ સાથે તેના લીરા લટકી રહ્યાં હતાં. લોહીલુહાણ અવસ્થામાં બંને સ્ત્રીઓ તદ્દન નગ્નાવસ્થામાં શિન્ડલરની સ્ત્રીઓની વચ્ચે પાગલની જેમ દોડી રહી હતી!

પીસ્તાળીસ વર્ષનાં શ્રીમતી રાચેલા કોર્નને હોસ્પિટલના એક ઝૂંપડીમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. તેમની પુત્રીએ ઝૂંપડીની બારીમાંથી તેમને ખેંચી કાઢ્યાં, અને હવે એ પણ શિન્ડલરની કતારમાં ઊભા રહી ગયા હતા! આ ત્રણેય સ્ત્રીઓ માટે આજના દિવસે તેમનો નવો જન્મ થયો હતો! કતારમાં ઊભેલી બધી જ સ્ત્રીઓ તેમને અભિનંદન આપી રહી હતી!

વોશહાઉસમાં શિન્ડલરની બધી જ સ્ત્રીઓના વાળ ઊતારી લેવામાં આવ્યા. લેટવિયન છોકરીઓએ બધી જ સ્ત્રીઓના માથામાં જૂની દવા બરાબર નાખીને શરીર પરના બધા જ વાળ ઊતારી લીધા. સ્નાન કરી લીધા પછી નગ્ન અવસ્થામાં જ તેમને ચાલીને ક્વાર્ટર-માસ્ટરના ઝુંપડા પાસે લઈ જવામાં આવી, જ્યાં તેમને અન્ય મૃતક સ્ત્રીઓનાં કપડાં આપવામાં આવ્યાં. કપાયેલા વાળ અને નાન-મોટાં માપનાં કપડાંમાં પહેરેલી સ્ત્રીઓ એકબીજા સામે જોઈને સાવ નાનકડી બાળકીઓની માફક આનંદમાં આવીને ખડખડાટ હસી રહી હતી. ૭૦ પાઉન્ડ વજન ધરાવતી દુબળી-પાતળી મિલા ફેફરબર્ગને કોઈ જાડી સ્ત્રીનાં કપડાંમાં જોઈને બધી જ સ્ત્રીઓ હસી પડી હતી. અર્ધમૃત અવસ્થામાં આવાં ગાભા જેવાં કપડાં પહેરેલી સ્ત્રીઓ શાળામાં ભણતી કિશોરીઓની માફક ઠેકડા મારી-મારીને પોતાના દેખાવનું પ્રદર્શન કરીને ચેનચાળા કરતી હસી રહી હતી.

“શિન્ડલર આ બુઢ્ઢી સ્ત્રીઓને લઈ જઈને શું કરવાનો છે?” એસએસની એક છોકરી બીજીને આમ પૂછતી હતી એ ક્લેરા સ્ટર્નબર્ગે સાંભળ્યું.

“આપણે શું જોવાનું એમાં.” બીજી સ્ત્રીએ જવાબમાં કહ્યું. “એ ઇચ્છતો હોય તો ભલેને વૃદ્ધાશ્રમ ખોલે!”

ગમે તેવી સારી જગ્યાએ પહોંચવાની આશા હોય, પરંતુ એ ટ્રેનોમાં બેસવું ખરેખર બહુ જ ભયાનક હતું. ઠંડા ગાર વાતાવરણમાં પણ ટ્રેનની અંદર ગુંગળામણનો અનુભવ થતો હતો. અને વાતાવરણની કાળાશને કારણે એ ગુંગળામણ વધારે સઘન થઈ જતી હતી. ડબ્બામાં પ્રવેશતાં સાથે જ દિવાલના કાંણામાંથી ડબ્બામાં પ્રવેશતા પ્રકાશના પુંજ તરફ બાળકો દોડી જતાં હતાં. એ સવારે નિયુસિયા હોરોવિત્ઝે પણ એમ જ કર્યું. ડબ્બાની દિવાલને એક જગ્યાએ અઢેલીને એ બરાબર એવી જગ્યાએ ઊભી રહી, જ્યાં દિવાલ પરની ધાતુની એક પટ્ટી ઢીલી થઈ ગઈ હતી. તીરાડમાંથી એણે બહાર જોયું તો રેલવે લાઈનની સાવ સામે થોડે જ દૂર પુરુષોની છાવણીની વાડ હોય એવું તેને દેખાયું. વાડની પેલે પાર ઊભેલા બાળકો ધક્કામુક્કી કરીને તેમની ટ્રેન સામે તાકી રહેતાં હાથ હલાવી રહ્યાં હતાં. એમની હલનચલનમાં કંઈક ખાસ પોતીકો ઉમળકો દેખાતો હતો. નિયુસિયાને આશ્ચર્ય એ વાતનું થયું, કે એમાંના એક બાળકને જોઈને તેને પોતાનો છ વર્ષનો ભાઈ રિચાર્ડ યાદ આવી ગયો, જે શિન્ડલર પાસે સુરક્ષિત હતો! એ છોકરાની બાજુમાં ઊભેલો છોકરો તેને પોતાના પિતરાઈ ઓલેક રોસનર જેવો લાગ્યો. પછી અચાનક જ તેને ખ્યાલ આવ્યો, કે એ ખરેખર રિચાર્ડ અને ઓલેક જ હતા!

પાછળ ફરીને એણે પોતાની માતાને શોધી કાઢી અને તેનાં કપડાં ખેંચીને ડબ્બાની દિવાલ પાસે લઈ ગઈ. રેજિનાએ પણ એ તિરાડમાંથી ત્યાં જોયું, અને એ પણ બાળકોને ઓળખી જવાની એ ક્રૂર પ્રક્રિયામાંથી પસાર થઈ, અને પછી મોટે-મોટેથી રડવા લાગી! ડબ્બાના દરવાજા અત્યાર સુધીમાં બંધ થઈ ગયા હતા એટલે અંદર લગભગ અંધારું થઈ ગયું હતું, અને બધાંના ચહેરાના હાવભાવ કે આશા અને હતાશાની લહેરો પણ એકમેકનો ચેપ લાગ્યો હોય એટલાં સરખાં હતાં! તેમની સાથે બીજી સ્ત્રીઓ પણ રડવા લાગી. રેજિનાની બાજુમાં જ ઊભેલી મેન્સી રોસનર રેજિનાને તિરાડ પાસેથી હટાવીને પોતે પણ રેજિનાના પુત્ર સામે જોઈને પોતાનો હાથ હલાવીને તેને આવજો કહેતી રડવા લાગી!

અચાનક ડબ્બાનો દરવાજો સરકીને ખૂલી ગયો, અને એક ખડતલ સૈનિકે આવીને તેમને પૂછ્યું, “કોણ આટલો અવાજ કરી રહ્યું છે?” બીજા કોઈએ તો આગળ આવવાનું કોઈ કારણ ન હતું, પરંતુ મેન્સી અને રેજિના બંને ગડમથલ કરતી ભીડ વચ્ચેથી એ માણસ સુધી પહોંચી અને એક સાથે બોલી ઊઠી. “ત્યાં મારો દિકરો ઊભો છે.” મેન્સી આગળ બોલી, “મારે મારા દિકરાને કહેવું છે, કે હું હજુ જીવતી છું.”

સૈનિકે હુકમ આપીને બંનેને આગળ બોલાવ્યાં. બંને સ્ત્રીઓ તેની સામે ઊભી રહી, અને મનોમન તેમને આગળ બોલાવવા માટેના કારણો અંગે વિચારવા લાગી. “તારું નામ?” સૈનિકે રેજિનાને પૂછ્યું. રેજિનાએ નામ કહ્યું, એટલે સૈનિકે પાછળ પોતાના વાંસા પાસે હાથ નાખ્યો, અને ચામડાના પટ્ટાની નીચે કંઈક શોધવા લાગ્યો. રેજિનાને લાગ્યું કે પાછા આવી રહેલા એ હાથમાં જરૂર પિસ્તોલ હોવાની! પરંતુ સૈનિકના હાથમાં તો રેજિનાના પતિએ લખેલો પત્ર હતો! તેની પાસે હેનરી રોસનરનો પત્ર પણ હતો! એ સૈનિકે બંને સ્ત્રીઓને, પોતે તેમના પતિ સાથે થોડી મુસાફરી કરી હોવાની વાત કરી. મેન્સીએ ડબ્બાની નીચે ઉતરીને પેશાબ કરવાના બહાને બે ડબ્બાની વચ્ચે જવા દેવાની પરવાનગી માગી. ટ્રેન બહુ મોડી પડી હોય તો ઘણી વખત આવી પરવાનગી આપવામાં આવતી હતી. સૈનિકે તેમને હા પાડી.

મેન્સીને યાદ આવ્યું, કે પ્લાઝોવમાં હાજરીના સ્થળે હોય ત્યારે ઓલેક અને હેનરીને પોતાની પાસે બોલાવવા માટે એ સીટી વગાડતી હતી. ડબ્બાની નીચે ઉતરીને મેન્સી એવી જ તીણી સીટી વગાડવા લાગી. દૂર ઊભેલો ઓલેક એ સીટી સાંભળી ગયો, અને જવાબમાં એ પણ હાથ હલાવવા લાગ્યો. ઓલેકે પોતાની આંગળી વડે રિચાર્ડનું મોં ઊંચું કર્યું, અને આંગળી ચીંધીને દૂર તેની માતા ઊભી હતી એ દિશામાં ટ્રેનના પૈડાં વચ્ચે નિર્દેશ કર્યો. ઓલેકે ખૂબ જોર-જોરથી હાથ હલાવ્યા પછી પોતાનો હાથ ઊંચો કરીને પોતાની બાંય ઉપર ચડાવી, અને બાવડા પર ફૂલેલી નસ જેવી નીશાની બતાવી. તેમને જોઈને સ્ત્રીઓએ પણ પોતાના હાથ હલાવીને હકાર સાથે ખુશી વ્યક્ત કરી. નાનકડા રિચાર્ડે પણ હાથ ઊંચો કરીને પોતાનું ટેટ્ટૂ બતાવીને બધાને ખુશ કરી દીધા. “જુઓ!” બાંય ચડાવેલા હાથ બતાવીને બાળકો કહી રહ્યા હતાં, “અમને જીવતદાન મળી ગયું છે.”

પરંતુ પૈડાં વચ્ચે ઊભેલી સ્ત્રીઓ તો સાવ ચિત્તભ્રમ થઈ ગઈ હતી.

“એમના હાથે શું થયું છે?” બંને સ્ત્રીઓ એકબીજાને પૂછતી હતી. “હે ઈશ્વર, એ લોકો શું કરી રહ્યા છે અહીં?” તેમને ખ્યાલ આવી ગયો, કે પત્રની અંદર પૂરો ખુલાસો જરૂર લખ્યો હશે. તેમણે પત્ર ખોલી નાખ્યો અને વાંચ્યો, પછી પત્રને બાજુ પર મૂકીને ફરીથી બંને હાથ હલાવવા લાગ્યાં.

ઓલેકે પોતાનો હાથ ઊંચો કરીને હથેળીમાં પકડેલાં થોડાં બટાટાં બતાવ્યાં.

“જુઓ,” ઓલેકે દૂરથી સ્પષ્ટ સંભળાય એ રીતે બૂમ પાડીને કહ્યું, “અમે ભૂખ્યા નહીં રહીએ, તમે હવે ચિંતા ન કરશો.”

“તમારા પિતા ક્યાં છે?” મેન્સીએ બૂમ પાડીને કહ્યું.

“કામ પર ગયા છે.” ઓલેકે કહ્યું. “હમણાં જ એ કામ પરથી પાછા આવશે. આ બટાટાં મેં એમના માટે જ રાખ્યાં છે.”

“હે ઈશ્વર!” મેન્સીએ તેની દેરાણીને કહ્યું. “આટલાં ભોજન માટે કેટલું બધું કરવું પડે છે એણે.” નાનકડા રિચાર્ડે તેને સીધું જ કહી દીધું. “મા, મા, મા, મને ભૂખ લાગી છે!”

તેના હાથમાં પણ થોડાં બટાટાં હતાં.

એણે કહ્યું, કે એ બટાટાં પોતે દોલેક માટે રાખવાનો હતો. દોલેક અને વાયોલિનવાદક રોસનર બંને પત્થરની ખાણમાં સાથે કામ કરી રહ્યા હતા.

થોડીવારમાં હેનરી રોસનર આવી ગયો. એણે પણ વાડ પાસે ઊભા રહીને પોતાનું ઉઘાડું બાવડું ઊંચું કરીને બતાવ્યું. “ટેટ્ટૂ…” એણે ઉત્સાહથી કહ્યું. જો કે એ જોઈ શકતી હતી કે હેનરી થરથર ધ્રુજતો હતો. પરસેવો અને ઠંડી બંનેનો અનુભવ એ એકસાથે કરી રહ્યો હતો. પ્લાઝોવની જિંદગી સહેલી ન હતી, પરંતુ કામના કલાકોમાંથી સમય કાઢીને જેટલો સમય એ વિલાની અંદર લહર વગાડીને કમાન્ડન્ટનું મનોરંજન કરે, એટલો સમય તેને પેઇન્ટ સ્ટૂડિયોમાં શાંતિથી સૂવા મળતું હતું. રોસનરના બેંડના સાથી કલાકારોએ ઘણી વખત “બાથહાઉસ” જઈ રહેલા લોકોની સાથે કૂચ કરતાં વગાડતાં જવું પડતું હતું, પરંતુ એ સંગીતમાં રોસનરની પોતાની કોઈ આગવી છાપ રહેતી ન હતી!

દોલેક આવી ગયો એટલે રિચાર્ડ તેને પણ વાડની પાસે લઈ આવ્યો. ડબ્બાની નીચે ઊભી રહીને દૂરથી ઝાંકી રહેલી એ દેખાવડી પરંતુ ઊંડા ઊતરી ગયેલા ચહેરાવાળી સ્ત્રીને દોલક તાકી રહ્યો. તેને અને હેનરીને ડર હતો કે એ સ્ત્રીઓ ક્યાંક એમની સાથે ત્યાં જ રોકાઈ જવાની વાત ન કરે! એ સ્ત્રીઓ પુરુષોની છાવણીમાં પોતાના પુત્રો સાથે રાત પસાર કરી શકે તેમ ન હતી. આખાયે ઓસ્વિટ્ઝની સૌથી આશાભરી એક માત્ર જગ્યાએ અત્યારે તેઓ ઊભા હતા…  ટ્રેઇનની નીચે સ્ત્રીઓ ઊભા પગે બેઠી હતી. સાંજે તો એ સ્ત્રીઓએ નિશ્ચિત અહીંથી નીકળી જવાનું હતું. આ સ્થળે કુટુંબનું પુનર્મિલન થાય એવી આશા તો ઠગારી જ નીવડવાની હતી, પરંતુ બર્કેન્યુમાં વાડની પેલે પાર ઊભેલા પુરુષોને ડર એ વાતનો હતો કે સ્ત્રીઓ અહીં રહેવા માટે ક્યાંક સામે ચાલીને મૃત્યુને ગળે વળગાડી ન લે! આથી દોલેક અને હેનરી પોતાના ચહેરા પર બનાવટી આનંદ દર્શાવવા લાગ્યા, જાણે શાંતિના સમયમાં ઉનાળામાં તેઓ બાળકોને લઈને બાલ્ટિકના કાર્લ્સબેડ સુધી પ્રવાસે જતા ન હોય! “ધ્યાન રાખજે નિયુસિયા,” કહીને, તેમને બીજુ પણ એક બાળક હતું અને એ છોકરી ડબ્બામાં રેજિનાની પાસે જ ઊભી હતી એ વાત દોલેક પોતાની પત્નીને યાદ દેવડાવી દીધી!

આખરે, બધાંને આ હૃદયદ્રાવક પરિસ્થિતિમાંથી છોડાવતી સાઇરનો પુરુષોની છાવણીમાં ગુંજવા લાગી. પુરુષો અને બાળકોએ હવે વાડ પાસેથી જવું પડે તેમ હતું. મેન્સી અને રેજિના ખોડંગાતી ચાલે ડબ્બામાં ચડ્યાં અને ડબ્બાને ફરીથી તાળું મારી દેવામાં આવ્યું. ડબ્બાની અંદર તેઓ સ્તબ્ધ ઊભાં હતાં. હવે કોઈ જ બાબત તેમને રાહત આપી શકે તેમ ન હતી.

સાંજ પડ્યે ટ્રેઇન ચાલવા લાગી. હંમેશાની માફક ધારણાઓ વહેવા લાગી. મિલા ફેફરબર્ગ માનતી હતી, કે તેમની ટ્રેન જો શિન્ડલરની ફેક્ટરીએ નહીં પહોંચે તો ટ્રેનમાંથી અડધી સ્ત્રીઓ તો એક અઠવાડિયું પણ નહીં જીવે! પોતાના જીવનના પણ બહુ થોડા દિવસો બચ્યા હોવાનું એ કહેતી હતી. લ્યુસિયાને સ્કાર્લેટ ફિવર હતો. શ્રીમતી ડ્રેસનરને ડેન્કાનો સહારો હતો, પરતુ મરડાને કારણે એ ખૂબ જ નબળાં પડી ગયાં હતાં, અને મરવાના વાંકે જ જીવી રહ્યાં હતાં!

પરંતુ અચાનક, નિયુસિયા હોરોવિત્સના ડબ્બામાંની તૂટેલી પટ્ટીવાળી તડમાંથી બહાર જોતાં પહાડ અને પાઇનના વૃક્ષો સ્ત્રીઓની નજરે પડ્યાં! ડબ્બામાંની કેટલીક સ્ત્રીઓ બચપણમાં ક્યારેકને ક્યારેક આ પહાડોમાં આવી ગઈ હતી. ટેકરીઓની એ આછેરી ઝાંખીએ ગંધાતા ડબ્બાની ભોંય પર પડેલી એ સ્ત્રીઓમાં ઉત્સાહની લહેરખી ફેલાવી દીધી. મોઢું ફૂલાવીને બેઠેલી છોકરીઓને તેમણે ઢંઢોળીને ઉઠાડી. “હવે બસ, આપણે પહોંચવામાં જ છીએ ત્યાં…” સ્ત્રીઓ તેમને ખાતરીપૂર્વક કહી રહી હતી. પરંતુ ક્યાં? બસ, વધુ એક ખોટી જગ્યાએ ઉતરાણ થાય, તો ડબ્બામાંની એક પણ સ્ત્રી બચવાની ન હતી.

બીજા દિવસની ઠંડી ગાર સવારે તેમને ડબ્બામાંથી બહાર નીકળવાનો હુકમ કરવામાં આવ્યો. ગાડીનું એન્જિન દૂર ક્યાંક ધુમ્મસમાં છુપાઈને હિસ્સ… અવાજ કરી રહ્યું હતું. ટ્રેઇન ઉપરથી ગંદા બરફના રેસા ઝૂકી રહ્યા હતા, અને હવા એ રેસાને ચીરતી પસાર થઈ રહી હતી. પરંતુ આ હવા… આ તો ઓસ્વિટ્ઝની ભારેખમ અને તીક્ષ્ણ હવા ન હતી! આજુબાજુમાં વધારાના પાટા દેખાતા હતા. કૂચ કરતાં- કરતાં તેઓ આગળ વધવા લાગ્યાં. લાકડાની સલાટો પહેરેલા તેમના પગ ખોટા પડી ગયા હતા અને બધાને ખાંસી આવતી હતી. તરત જ તેમને સામે એક મોટો દરવાજો દેખાયો. દરવાજાની પાછળ ફેક્ટરીનું એક મોટું મકાન હતું અને મકાનની ઊપર નીકળતી એક ચિમની પણ તેમને જોવા મળી. આમ તો હજુ હમણાં જ જેને પાછળ છોડીને આવ્યા હતા એ ઓસ્વિટ્ઝ જેવું જ એ દૃષ્ય હતું! ઠુંઠવતી ઠંડીમાં, તાળીઓ પાડતી એસએસની એક ટૂકડી દરવાજા પર જાણે એમની રાહ જોઈને જ ઊભી હતી! દરવાજે ઊભેલી એ ટૂકડી, એ ચિમની, આ બધું જ ઓસ્વિટ્ઝના ઘૃણાજનક ઇતિહાસનું પુનરાવર્તન જ કરતું હોય એવું લાગતું હતું! મિલા ફેફરબર્ગની પાસે ઊભેલી એક છોકરી રડવા લાગી. “આટલે દૂર આખરે તો એમણે આપણને આ ચિમનીમાં નાખવા માટે જ અહીં મોકલ્યાને!”

“ના,” મિલાએ કહ્યું, “એ લોકો પોતાનો આટલો સમય ન જ વેડફે! એવું જ કરવું હોત તો એમણે ઓસ્વિટ્ઝમાં જ કરી નાખ્યું હોત.” મિલાનો આશાવાદ પણ છેવટે તો લ્યુસિયા જેવો જ હતો! એ પોતે પણ જાણતી ન હતી કે એ આટલી આશાવાદી કઈ રીતે બની શકતી હતી! તેઓ દરવાજાની નજીક પહોંચ્યાં એ સાથે જ તેમને ખ્યાલ આવ્યો, કે એસએસના સૈનિકોની સાથે ધુમ્મસની વચ્ચે હેર શિન્ડલર પણ ઊભા હતા! બધાને બરાબર યાદ રહી જાય તેવી ઊંચાઈ, અને ભારેખમ શરીર પરથી જ સ્ત્રીઓ એને ઓળખી ગઈ! પહાડોની વચ્ચે, તેમની વતનવાપસીની ઉજવણી કરી રહેલા ટાયરોલિનની હેટ પહેરીને ઊભેલા ઓસ્કરના ચહેરાને બધી સ્ત્રીઓ નીહાળી રહી! ઓસ્કરની બાજુમાં જ એક બટકો અને શ્યામવર્ણી એસએસ અધિકારી ઊભો હતો. એ બ્રિનલિટ્ઝનો કમાન્ડન્ટ અન્ટર્સ્ટર્મફ્યૂહરર લિઓપોલ્ડ હતો. બ્રિનલિટ્ઝની ફરજ પર મૂકાયેલી મધ્યવયી ટૂકડીની માન્યતાની વિરુદ્ધ, “ધ ફાઇનલ સોલુશન”ના નામે ઓળખાતી દરખાસ્ત પરથી લિઓપોલ્ડ પોતે હજુ વિશ્વાસ ગુમાવી બેઠો ન હતો. ઓસ્કરને તો એ વાતની ખાતરી ક્યારનીયે થઈ ચૂકી હતી, અને આ સ્ત્રીઓને પણ બહુ જલદી એ વાતની ખાતરી થઈ હવાની હતી! લિઓપોલ્દ, સ્ટર્મ્બાહ્નફ્યૂહરર હેસીબ્રોએકનો એક કહ્યાગરો મદદનીશ હતો. આ જગ્યાનો કહેવાતો સર્વેસર્વા અધિકારી હતો, પરંતુ સ્ત્રીઓની કતાર સામે આવીને એ ઊભો રહે તે પહેલાં જ ઓસ્કર પોતે જ સ્ત્રીઓની સામે ઊભો રહી ગયો. સ્ત્રીઓ ઓસ્કર સામે તાકી રહી. ધુમ્મસમાં ઘેરાયેલી આ એક ઐતિહાસિક પળ હતી. એમાંની કેટલીક સ્ત્રીઓ જ એ ક્ષણે સ્મિત કરી શકી હતી! એ સવારે કતારમાં ઊભેલી અન્ય કિશોરીઓની માફક મિલા ફેફરબર્ગ એ પળોને તાજી કરતાં કહે છે, કે એ ક્ષણ તદ્દન સાચી અને ખરા દિલની કૃતજ્ઞતાથી સભર અને અકથનીય હતી! એ કતારમાં ચાલેલી એક સ્ત્રી એ સવારને યાદ કરીને વર્ષો પછી જર્મન ટેલીવિઝનને મુલાકાત આપતી વેળાએ એ પળનું વર્ણન કરવાનો પ્રયત્ન કરતાં કહેલું કે, “અમારા પિતા કહો કે માતા, એ એક જ તો હતા! અમારી તો આસ્થા હતા એ! એમણે અમને ક્યારેય નિરાશ ન થવા દીધા!”

ઓસ્કરે સ્ત્રીઓની સાથે વાતો કરવી શરૂ કરી. તેના અનેક આક્રમક વક્તવ્યોમાં ઉમેરો કરતું એ વક્તવ્ય ઝમકદાર વચનોથી સભર હતું. “અમે જાણતા જ હતા, કે તમે લોકો આવી રહ્યા છો!” એણે કહ્યું. ઝ્વિતાઉથી અમને જાણ કરી દેવામાં આવી હતી! તમે તમારી બેરેકમાં પહોંચશો એટલે સુપ અને બ્રેડ તમારી રાહ જોતાં હશે.” અને પછી કોઈ ધર્મગુરુ તેમને વચન આપતો હોય એમ હળવાશથી બોલ્યો, “હવે તમારે કોઈ જ વાતની ચિંતા કરવાની રહેતી નથી. હવે તમે મારી સાથે છો.”

તેણે આપેલા ભાષણની સામે અન્ટર્સ્ટર્મફ્યૂહરર પોતે પણ અસમર્થ હતો! લિઓપોલ્ડ ગુસ્સે થઈ ગયો હોવા છતાં ઓસ્કરને તેની પડી ન હતી. હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલર કેદીઓને લઈને ફેક્ટરીની અંદર જવા માટે ચાલતો થયો, ત્યારે એ સત્યને નકારવા માટે લિઓપોલ્દ કંઈ જ કરી શકે તેમ ન હતો!

પુરુષોને વસાહતમાં સ્ત્રીઓના આગમનની વાતની જાણ થઈ ચૂકી હતી. પોતપોતાના રહેઠાણોની બાલ્કનીમાંથી નીચે ઝૂકીને બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. સ્ટર્નબર્ગ અને તેમનો પુત્ર ક્લેરા સ્ટર્નબર્ગને શોધી રહ્યા હતા, જ્યારે પ્રૌઢવયના ફિગનબમ અને લ્યુટેક ફિગનબમ નોચા ફિગનબમને અને તેમની રૂપાળી પુત્રીને શોધી રહ્યા હતા. જ્યુડા ડ્રેસનર અને તેનો પુત્ર જેનેક, વૃદ્ધ જેરેથ, રેબી લેવાર્તોવ, જિંટર, ગારદે અને માર્સેલ ગોલ્ડબર્ગ પણ… બધા જ પુરુષો પોતપોતાની સ્ત્રીઓની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. મન્ડેક કોર્ન, પોતાની માતા અને બહેન ઉપરાંત, પોતાને જેમાં રસ જાગ્યો હતો એ આશાવાદી લ્યુસિયાને પણ શોધી રહ્યો હતો. બાઉ એવા વિષાદમાં ખોવાઈ ગયો હતો, જેમાંથી એ કદાચ ક્યારેય પાછો ફરી શકે તેમ ન હતો! પહેલી વાર તેને ખાતરી થઈ, કે તેની માતા અને પત્ની બ્રિનલિટ્ઝમાં હવે ક્યારેય નહીં આવે! પરંતુ ફેક્ટરીના મેદાનમાં ચાજા વલ્કનને જોઈને ઝવેરી વલ્કન આશ્ચર્ય સાથે હવે જાણી ચૂક્યો હતો, કે કેટલાક લોકોની મધ્યસ્થીને કારણે બહુ આશ્ચર્યજનક એવું એ બચાવકાર્ય પાર પડી શક્યું હતું!

ફેક્ટરીનો મૂળ માલિક હોફમેન જે બોક્સ છોડીને ગયો હતો, તેમાંથી ઊનની એક આંટી ફેફરબર્ગે ચોરી લીધી હતી, અને વેલ્ડિંગ વિભાગમાં જઈને એક લોખંડની એક મોટી સોય બનાવી લીધી હતી! મિલા આવે ત્યારે તેને આપવા માટે સાચવીને મૂકી રાખેલ વસ્તુઓનું પેકેટ ફેફરબર્ગે તેને બતાવ્યું. ફ્રાન્સિસ સ્પાઇરાનો દસ વર્ષનો પુત્ર પણ બાલ્કનીમાંથી નીચે જોઈ રહ્યો હતો. પોતે બૂમ ન પાડી બેસે એ માટે ફાન્સિસે પોતાના મોંમાં આંગળા નાખી દીધા હતા, કારણ કે મેદાનમાં એસએસના કેટલાયે માણસો આંટા મારી રહ્યા હતા! ઓસ્વિટ્ઝનાં જ જૂના કપડાં પેહેરેલી સ્ત્રીઓ મેદાનમાં પડેલાં પત્થરો પર આમતેમ ફરી રહી હતી. વાળ કાપી નાખવામાં આવ્યા હોવા ઉપરાંત તેમાંની. કેટલીક સ્ત્રીઓ એટલી હદે બીમાર હતી, કે સહેલાઈથી ઓળખાઈ પણ નહીં! અને છતાં પણ આ સ્નેહમિલન હેરત પમાડે એવું હતું! આગળ જતાં જો કે કોઈને એ જાણીને આશ્ચર્ય નહોતું થયું, કે આખાયે વિપત્તિગ્રસ્ત યુરોપમાં આવું પુનર્મિલન બીજે ક્યાંયે શક્ય બન્યું ન હતું! ઓસ્વિટ્ઝનું આ બચાવકાર્ય ન ભૂતો ન ભવિષ્યતી હતું!

સ્ત્રીઓને એ પછી તેમના અલગ સામુહિક રહેઠાણમાં લઈ જવામાં આવી. સુવા માટે પલંગની વ્યવસ્થા હજુ થઈ ન હતી, પરંતુ તેમને પથારી જરૂર આપવામાં આવી હતી. દરવાજે ઊભા રહીને ઓસ્કરે જેનો ઉલ્લેખ કર્યો હતો એ સુપ તૈયાર થઈ ગયો હતો. ડેફથી મગાવેલા એક મોટા વાસણમાંથી કાઢીને એસએસની એક છોકરીએ તેમને સુપ પીરસ્યો. અત્યંત ઘાટ્ટા એ સુપમાં પૌષ્ટિક વસ્તુઓનો છૂટથી તરતો હતો. સુપમાંથી નીકળતી સુગંધ આવનારા ઉજળા ભવિષ્ય વિશેનાં અનેક વચનોની ખાતરી આપી રહી હતી! “હવે તમારે કોઈ જ વાતની ચિંતા કરવાની રહેતી નથી.” પરંતુ હજુ એ સ્ત્રીઓ પોતાના પુરુષોને સ્પર્શ કરી શકે તેમ ન હતી. હાલ પુરતું સ્ત્રીઓના રહેઠાણને ફરજીયાત અલગ રાખવામાં આવ્યું હતું. મેડિકલ કર્મચારીઓની સલાહ મુજબ સ્ત્રીઓ ઓસ્વિટ્ઝમાંથી કયો રોગ લઈને આવી હશે એ બાબતે ખુદ ઓસ્કર પોતે પણ ચીંતિત હતો!

જો કે, તેમને અલગ રાખવાની બાબતમાં ત્રણ જગ્યાએ છૂટછાટ મળી જાય તેમ હતી! નાનકડા મોશે બેજસ્કીના પલંગ ઉપરની એક ઈંટ ઢીલી હતી! બેજસ્કીની પથારી પર ભાંખોડીયે પડીને પુરુષો રાતોની રાતો દિવાલની આરપાર સંદેશાની આપ-લે કરતા હતા. એ જ રીતે ફેક્ટરીમાં દિવાલની ઉપર એક નાનકડી હવાબારી  હતી, જે સ્ત્રીઓના શૌચાલયમાં પડતી હતી. ફેફરબર્ગે એ બારી નીચે ખોખાં ગોઠવીને બેસી શકાય એવી જગ્યા બનાવી લીધી હતી, જ્યાં બેસીને સંદેશાઓની આપ-લે કરી શકાતી હતી. અને છેલ્લે, પુરુષો અને સ્ત્રીઓની અગાસીની વચ્ચે તારની એક જાડી જાળી મૂકેલી હતી. વહેલી સવારે અને મોડી સાંજે જેરેથ દંપતિ અહીં આવીને મળી લેતું હતું; જેમણે આપેલા લાકડાની મદદથી એમેલિયાનું પહેલું બેરેક બંધાયું હતું એ વૃદ્ધ જેરેથ અને વસાહતમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન જેમણે એમેલિયામાં શરણ માગેલું એ શ્રીમતી જેરેથ! આ અગાસીમાં મળતી વખતે જેરેથ દંપતી એકબીજાને શું પુછતું હશે એ બાબતે કેદીઓ વચ્ચે મજાક ચાલતી હતી. “આજે તને પેટ સાફ આવ્યું કે, ડિઅર?” બર્કેન્યુથી હજુ હમણાં જ આવેલાં, અને મરડાથી પરેશાન શ્રીમતી જેરેથને શ્રીમાન જેરેથ પણ એકબીજાને કંઈક આવું જ કંઈ પુછતા હશેને!

પરંતુ અહીં કોઈ વ્યક્તિ દવાખાનામાં દાખલ થવા ઇચ્છતું ન હતું. પ્લાઝોવમાં તો દવાખાનું એટલે એવી ભયાનક જગ્યા હતી જ્યાં દરદીને ડૉ. બ્લેન્કની ખતરનાક બેન્ઝિન સારવાર આપવામાં આવતી હતી. અને અહીં બ્રિનલિટ્ઝમાં પણ એવી આકસ્મિક તપાસની શક્યતા હંમેશા રહેતી હતી! એવી જ એક આકસ્મિક તપાસે તેમના બાળકોને તેમની પાસેથી ખૂંચવી લીધા હતાને! ઓરેઇનબર્ગથી આવેલા પત્રો મુજબ, ગંભીર બીમારી ધરાવતા દરદીઓને લેબર-કેમ્પના દવાખાનામાં દાખલ કરવાની મનાઈ હતી. છાવણીનું દવાખાનું એ કંઈ કેદીઓ પર મહેરબાની કરવાનું સ્થળ ન હતું. દવાખાનામાં માત્ર પ્રાથમિક ઔદ્યોગિક સારવાર જ આપવાની હતી. પરંતુ કોઈ ઇચ્છે કે નહીં, બ્રિનલિટ્ઝનું દવાખાનું સ્ત્રીઓથી ભરેલું જ રહેતું હતું. કિશોરવયની જાન્કા ફિજેનબમને દવાખાનામાં જ રાખવામાં આવી હતી. તેને કેન્સર હતું, અને ગમે તેવી ઉત્તમ જગ્યાએ પણ તેની કોઈ સારવાર શક્ય ન હોવાને કારણે તેનું મૃત્યુ નિશ્ચિત જ હતું. તેના માટે શ્રેષ્ઠ હતી એ જગ્યાએ તો એ આવી જ ગઈ હતી! શ્રીમતી ડ્રેસનરને પણ તેમના જેવી બીજી ઘણી સ્ત્રીઓ સાથે દવાખાનામાં રાખવામાં આવ્યાં હતાં. એ સ્ત્રીઓ કાં તો ખોરાક લઈ શકતી ન હતી, અથવા તો ખોરાક તેમના પેટમાં ટકી શકતો ન હતો. આશાવાદી લ્યુસિયા અને અન્ય બે છોકરીઓ સ્કાર્લેટ ફિવરથી પીડાતી હતી અને તેમને દવાખાનામાં રાખી શકાય તેમ ન હતી. તેમને બોઈલરોની ગરમીની નીચે ભોંયરામાં પથારી કરીને રાખવામાં આવી હતી. ટાઢિયા તાવમાં પણ ભોંયરામાં મળી રહેલી અસાધારણ હુંફ લ્યુસિયા અનુભવી શકતી હતી!

એમિલી કોઈ સાધ્વીની માફક એકાગ્રતાથી દવાખાનામાં કામ પર લાગી ગઈ હતી. બ્રિનલિટ્ઝના જે કેદીઓ સારું સ્વાસ્થ્ય ધરાવતા હતા, અને હોફમેનના મશીનો ખોલીને રસ્તાના છેવાડે આવેલા સ્ટોરહાઉસમાં મૂકવાનું કામ કરી રહ્યા હતા, તેમની નજરે તો એમિલી ભાગ્યે જ ચડતી હતી! એમાંના એકે તો પાછળથી કહેલું કે એમિલી તો જાણે સાવ શાંત અને કહ્યાગરી પત્ની બની ગઈ હતી. બ્રિનલિટ્ઝના સ્વસ્થ લોકો તો ઓસ્કરથી અત્યંત પ્રભાવિત હતા. ઓસ્કરે તેમને જે આત્મવિશ્વાસ આપ્યો હતો તેને કારણે તેઓ ઓસ્કરના ગુલામ બની ગયા હતા! હજુ પોતાના પગ પર માંડ ઊભી થઈ રહેલી સ્ત્રીઓની નજર પણ પ્રભાવી કિમીયાગર અને સર્વથા સાવધ એવા ઓસ્કર પર જ રહેતી હતી.

દાખલા તરીકે મેન્સી રોસનરની વાત કરીએ! બ્રિનલિટ્ઝમાં આવ્યાના થોડા સમય પછી રાતપાળીમાં કામ કરતી મેન્સીના લેથ પાસે જઈને ઓસ્કર તેને હેનરીનું વાયોલિન આપી આવ્યો હતો. ગ્રોસ-રોસેનમાં ઓસ્કર હેસીબ્રોએકને મળવા ગયો, ત્યારે કોઈક રીતે વેરહાઉસની અંદર જવાનો સમય કાઢીને એણે હેનરીનું એ ફિડલ શોધી કાઢ્યું હતું. એ ફિડલ તેને ૧૦૦ જર્મન માર્કમાં પડ્યું હતું! મેન્સીના હાથમાં વાયોલિન સોંપતી વેળાએ એણે એ રીતે સ્મિત કર્યુ હતું, જાણે વાયોલિન સાથે એ વાયોલિનના વાદકને પણ પાછો લાવી આપવાનો વાયદો ન કરી રહ્યો હોય!. “આ એ જ વાદ્ય છે,” એ ગણગણ્યો હતો. “પરંતુ આ ક્ષણે તેના સુરો જરા જુદા છે!”

ઓસ્કર અને એ અલૌકિક વાયોલિનની સામે ઊભેલી મેન્સી માટે હેર ડાયરેક્ટરની પાછળ તેનો સહારો બનીને ઊભેલી તેની શાંત પત્ની એમિલી પર નજર પડવી અઘરી હતી. પરંતુ મૃત્યુના ખોળે સુતેલા દરદીઓને તો એમિલિ જ દેખાતી હતી! દરદીઓને એ પોતાના હાથે થુલી ખવડાવતી હતી. ઈશ્વર જાણે, એ ક્યાંથી થુલી લઈ આવતી હતી! પોતાના રસોડે રાંધીને એ બધું ક્રેંકેન્સ્ટ્યુબ સુધી લઈ આવતી હતી. ડૉ. એલેકઝેન્ડર બાઇબર્સ્ટેઇને તો શ્રીમતી ડ્રેસનર મરી ગયા હોવાનું જાહેર કરી દીધું હતું! પરંતુ સતત સાત દિવસ સુધી થુલી પીવડાવીને એમિલીએ તેમને મરડામાંથી બહાર કાઢ્યા હતા!

બર્કેન્યુમાંથી બચાવીને એ સ્ત્રીઓને અહીં લઈ આવવામાં ઓસ્કર જો નિષ્ફળ ગયો હોત, તો મોટાભાગની સ્ત્રીઓ એક અઠવાડિયું પણ જીવી શકે તેમ ન હતી, એવા મિલા ફેફરબર્ગના દાવાને ચકાસવા માટે શ્રીમતી ડ્રેસનરનો કિસ્સો જ પર્યાપ્ત હતો!

હાડકાના કેન્સરથી પીડાતી ઓગણીસ વર્ષની જેન્કા ફિજેનબમને પણ એમિલિએ જ સહારો આપ્યો હતો. પોતાના એપાર્ટમેન્ટમાંથી, પોતાના રસોડે ઉકાળેલા સુપનું વાસણ લઈને મરણ પથારીએ પડેલી જેન્કા પાસે જતી એમિલીને ફેક્ટરીમાં કામ કરતા જેન્કાના ભાઈ લ્યુટેક ફિજેનબમે પણ જોઈ હતી. “ઓસ્કરથી એ જરૂર પ્રભાવિત હતી,” લ્યુટેકે કહેલું. “જે રીતે અમે બધા જ તેનાથી પ્રભાવિત હતા! અને તે છતાં પણ, તે પોતે એક અલગ જ પ્રકારની સ્ત્રી હતી.”

ફિજેનબમના ચશ્માં તૂટી ગયાં ત્યારે, એમિલિએ જ તેના સમારકામની તજવીજ કરી આપી હતી. વસાહતમાં રહેતા હતા એથી પણ જૂનું એક પ્રિસ્ક્રિપ્શન ક્રેકોવના કોઈક ડૉક્ટરની ઑફિસમાંથી જ મળી શકે તેમ હતું. એમિલીએ ક્રેકોવ જતા કોઈની સાથે એ પ્રિસ્ક્રિપ્શન મગાવીને એ પ્રમાણે ચશ્માં બનાવડાવી આપ્યાં હતાં! નાનકડો ફિજેનબમ આ બાબતને સામાન્ય ભલમનસાઈ કરતાં ઘણી ઊંચી બાબત તરીકે ગણાવે છે! ખાસ કરીને એવા તંત્રમાં, કે જે કેદીઓ લાંબુ જોવા જ ન પામે એવું ઇચ્છતું હતું! તંત્રનો ઈરાદો તો એવો હતો કે આખાયે યુરોપના યહૂદીઓનાં ચશ્માં ઉતરાવી નાખવા! જો કે ઓસ્કરે કેદીને નવાં ચશ્માંની જોગવાઈ કરી આપી હોય એવા ઘણા કિસ્સા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે, કે જે રીતે આર્થર કે રોબીનહુડ જેવા મહાન લોકોની આડે નાના-નાના લોકોએ બતાવેલી વીરતા દબાઈ ગઈ હતી, એ રીતે ઓસ્કરની ભવ્યતા પાછળ એમિલિની આવી નાની-નાની ભલમનસાઈ છૂપાઈ નહોતી રહી!

આપનો પ્રતિભાવ આપો....