શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૪)
ડૉ. હિલ્ફ્સ્તેઇન, હેન્ડલર, લેવ્કોવિક્ઝ અને બાઇબર્સ્તેઇમે ક્રેંકેન્સ્ટ્યૂબમાં ડૉક્ટર તરીકે કામ કર્યું હતું. ટાઇફસ ફાટી નીકળવાની શક્યતાઓથી તેઓ સારી પેઠે પરિચિત હતા. આરોગ્ય માટે ટાયફસ જોખમરૂપ હોવા ઉપરાંત, ઉપરથી આવેલા હુકમ પ્રમાણે બ્રિનલિટ્ઝને બંધ કરી દેવા માટેનું એક કારણ પણ બની શકે તેમ હતો! ચેપ લાગ્યો હોય તેવા કેદીઓને બળદગાડામાં ભરી-ભરીને બર્કેન્યુમાં બનાવેલી ટાયફસ માટેની ખાસ બેરેકમાં નાખી આવીને ત્યાં જ મરવા માટે છોડી દેવાના આદેશો આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ બ્રિનલિટ્ઝ પહોંચી તેના, એક અઠવાડિયા પછી, ઓસ્કર એક દિવસ સવાર-સવારમાં દવાખાનાની મુલાકાતે ગયો, તે દરમ્યાન બાઇર્બેસ્તેઇને તેને બે સ્ત્રીઓમાં ટાયફસ હોવાની શક્યતા અંગે જાણ કરી! માથાનો દુખાવો, તાવ, બેચેની, આખાયે શરીરમાં સામાન્ય કળતર, વેગેરે જેવાં લક્ષણો શરૂ થઈ ગયાં હતાં. થોડા જ દિવસોમાં ટાઇફસના લાક્ષણિક ચાઠા દેખાવાની બાઇબર્સ્ટેનની ધારણા હતી. બંને સ્ત્રીઓને ફેક્ટરીથી ક્યાંક અલગ રાખવી પડે તેમ હતી.