મહેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૧ માં ભાવનગરમાં એક શિક્ષણ પ્રેમી કુટુંબમાં થયો હતો. મહેન્દ્રભાઈના પિતા ઈલેક્ટ્રીકલ-મિકેનીકલ એંજીનીઅર હતા. પોતે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોવાથી સ્વભાવિક રીતે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે શક્ય તે બધું જ કર્યું.
મહેન્દ્રભાઈનો શાળાનો અભ્યાસ મહદ અંશે ભાવનગરમાં થયો હતો. ૧૯૫૩ માં એમના પિતાને બોમ્બે પોર્ટ ટ્ર્સ્ટમાં નોકરી મળવાથી, છેલ્લા ત્રણ વર્ષનો અભ્યાસ મુંબઈની શાળામાં થયો. ૧૦મા અને ૧૧મા ધોરણમાં જાણીતા કવિ જગદીશ જોષી એમના ગુજરાતીના શિક્ષક હતા. જગદીશ જોષી એ જમાનામાં સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એની ડીગ્રી લઈ આવેલા, તેમ છતાં ઉચ્ચ હોદ્દાવાળી અનેક નોકરીઓની ઓફર ઠુકરાવીને કુટુંબ દ્વારા ચલાવાતી શાળામાં ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક બની રહ્યા. જગદીશભાઈની મહેન્દ્રભાઈ પર આની જે અસર થઈ એ એમના શબ્દોમાં કહું તો, “જીવન માં પૈસા કે હોદ્દો કરતા નિષ્ઠા વધારે અગત્યના છે એ ઉપદેશથી નહિ પણ પોતાના વર્તનથી જગદીશભાઈએ શીખવ્યું.” મહેન્દ્રભાઈનો સાહિત્ય પ્રેમનો મજબૂત પાયો અહીં નખાયો.
એસ. એસ. સીમાં ઉત્તિર્ણ થઈ, મહેન્દ્રભાઈએ મુંબઈની જયહિંદ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ઘણાં ઉચ્ચ માર્કસ સાથે, ૧૯૬૦માં ઈન્ટર સાયન્સ પાસ કર્યું. મુંબઈની ત્રણ પ્રતિષ્ઠિત કોલેજો એટલે V.T.T.I, I.I.T અને U.D.C.T – આમાંથી કોઈપણ એક કોલેજમાં એડમીશન મળે એટલે સમજવું કે એ વિદ્યાર્થી મુંબઈ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાંથી ટોપ બે ટકામાંથી છે. મહેન્દ્રભાઈને આ ત્રણે કોલેજમાં એડમિશન મળ્યું. મહેન્દ્રભાઈએ I.I.T માં સિવિલ એંજીનીઅરીંગમાં એડમિશન લીધું. ૧૯૬૪માં બી.ટેક (સિવિલ)ની ડીગ્રી મેળવી અને વધારે અભ્યાસ કરવા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. ૧૯૬૪ માં એમને સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં અમુક રકમની સ્કોલરશિપ સાથે એડમીશન મળ્યું. અહીં એમણે રેકોર્ડ સમયમાં – માત્ર નવ મહિનામાં એમ.એસ (સ્ટ્રક્ચર) ની ડિગ્રી મેળવી લીધી.
૧૯૬૫ માં મહેન્દ્ર્ભાઈ પાસે એમ.એસની ડીગ્રી અને ખીસ્સામાં માત્ર ૧૪ ડોલર રોકડા હતા. તરત નોકરી ન મળે તો ઘરેથી પૈસા મંગાવવા પડે જે કરવાની એમની ઈચ્છા ન હતી. ૧૪ ડોલરમાં ત્રણ અઠવાડિયા ગુજારો કર્યા બાદ એમણે સધર્ન પેસિફિક રેલ્વેમાં નોકરી મળી. એના બ્રીજ વિભાગમાં આઠ વર્ષ નોકરી કરી પણ પછી ભેદભાવથી નારાજ થઈ આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. નોકરી છોડવાના ત્રણ દિવસમાં જ વિશ્વ વિખ્યાત, ભૂકંપ વિજ્ઞાનમાં નિષ્ણાંત John Blume & Associateમાં નોકરી મળી ગઈ. આ કંપનીમાં સાત વર્ષ કામ કર્યું એ દરમ્યાન એમને આ ક્ષેત્રનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો, એટલું જ નહિં એમને સ્ટ્રક્ચરલ એન્જીનિયર તરીકે સ્વતંત્ર રીતે કામ કરવાનું લાયસન્સ પણ મળ્યું. ત્યારબાદ એક વર્ષ માટે સાન ફ્રાન્સિસ્કોની એક કંપનીમાં ચીફ એન્જીનિઅર તરીકે કામ કર્યું.
આ દરમ્યાન ૧૯૭૦ માં મહેન્દ્રભાઈના લગ્ન કુટુંબે પસંદ કરેલી મીરાં સાથે થયા. મીરાંબહેન ગુજરાતના ખૂબ જ જાણીતા જસ્ટિસ બાલકૃષ્ણ ત્રિવેદી અને સમાજ સુધારક શાન્તિલાબહેનના પુત્રી હતા. મીરાબહેન એમ. એ, એલ.એલ.બી ઉપરાંત જર્નાલીઝમમાં ડિપ્લોમા થયેલ હતા. એમણે શાસ્ત્રીય સંગીત, કથક અને મણીપુરીના શિક્ષણ ઉપરાંત સાહિત્ય શોખ પણ નાનપણથી જ કેળવેલો. ૧૮ વર્ષની ઉમ્મરમાં જ કેટલીક કવિતાઓ ઉપરાંત “કલાપ્રણય” નામે એક નવલકથા લખી ક. મા. મુનશીના હાથે ઈનામ મેળવેલું. આમ મહેન્દ્રભાઈ અને મીરાબહેનના લગ્ન “રબને બનાઈ જોડી” જેવા સાબિત થયા. મહેન્દ્રભાઇની ત્યારબાદની બધી સામાજીક પ્રવૃત્તિઓમાં મીરાં બેનનો ખૂબ જ મોટો ફાળો હતો.
૧૯૭૨માં એમની એકમાત્ર પુત્રી કલાનો જન્મ થયો. કુટુંબની શિક્ષણ પરંપરા જાળવી રાખીને કલાબહેને પણ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ મેળવી.
મહેન્દ્રભાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં એક વર્ષ કામ કર્યા બાદ, લોસ એન્જેલેસની એક કંપનીમાં મેનેજર તરીકે આઠ વર્ષ કામ કર્યું. ૧૯૮૮માં આ કંપનીમાંથી સ્વેચ્છાએ છૂટા થયા, અને કેલિફોર્નિઆ સરકારના સ્ટેટ આર્કિટેક્ટ વિભાગની સેક્રેમેન્ટો ઑફિસમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કરી, પ્રમોશન મેળવી સાન ડિએગો ઓફીસના વડા તરીકે ગયા. અહીં એમણે પ્રચલિત કાર્યપધ્ધતિમાં ફેરફાર કરી, કોઈપણ પ્રોજેકટમાં કામ કરતા બધા જ વિભાગો જેવા કે School Districts, Architects અને Contractors વચ્ચે સમન્વય સાધી, સાથે મળીને પ્રોજેકટને સફળ બનાવવાનું કાર્ય કર્યું. ૨૦૦૬ માં એમણે કામકાજમાંથી નિવૃતિ લીધી અને પૂરો સમય સામાજીક પ્રવૃતિઓમાં ગાળવાનું શરૂ કર્યું.
એમણે અને મીરાંબેને સાથે મળીને જે અનેક કામો કર્યા છે એમાંથી થોડાનો ઉલ્લેખ કરવો હોય તો, Indians For Collective સંસ્થા શરૂ કરવામા સક્રીય મદદ કરી. આ સંસ્થાએ ૫૦ વરસમાં જે જે કામો કર્યા છે એનું વર્ણન કરવા એક પુસ્તક લખવું પડે. અન્ય કામમાં Ali Akabar College of Music ને મદદ અને એના બોર્ડમાં સક્રીય સેવા, ૧૯૮૪ માં Indian Counsel General ને Festival of India ના આયોજનમાં સક્રીય મદદ, સાહિત્ય અને સંગીતના ૨૦૦ થી વધારે કાર્યક્રમોનું આયોજન, India Currents છાપું અને બીજી સંગીત, સાહિત્ય અને કળા સંસ્થાઓને પ્રોત્સાહન અને આર્થિક મદદ વગેરેનો સમાવેશ કરી શકાય.
સંગીતના કાર્યક્રમોમાં નોંધપાત્ર, ઉસ્તાદ અલી અકબરખાન, પંડિત રવિશંકર, નિખિલ બેનરજી, હરિપ્રસાદ ચોરસિયા, ઝાકીર હુસેન, સ્વપન ચોધરી, પુરષોત્તમ ઉપાદ્યાય, રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ અને બીજા અનેક કલાકારોના કાર્યક્રમ યોજ્યા. સાહિત્યના કાર્યક્રમોમાં, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, મકરંદ દવે, નિરંજન ભગત, સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર, ઉદયન ઠક્કર અને બીજા અનેક સાક્ષરોને નોતર્યાં અને તેમના કાર્યક્રમ યોજ્યા.
સ્થાનિક કલાકારો માટે તેમને હમેશ કુણી લાગણી રહી, કલાકરો ને પોતાના ગણી તેમને સહાયભૂત થવા અને પ્રોત્સાહન આપવા હમેશાં તત્પર રહ્યા. કલાકાર મહિલાઓને એમણે પિતા અને ભાઈનો પ્રેમ આપ્યો.
૨૦૧૩માં મહેન્દ્રભાઈ દ્વારા આયોજીત “સભા ગુર્જરી” કાર્યક્રમમાં, અમેરિકામાં વાર્તાલાપ આપવાનો સર્વપ્રથમ અવસર મને મહેન્દ્રભાઈએ જ આપેલો. એ વાર્તાલાપ પછી જ બે એરિયામાં લોકો મને ઓળખતા થયા. ત્યારબાદ મહેન્દ્રભાઈ દ્વારા આયોજીત એકે એક કાર્યક્રમમાં મને અચૂક આમંત્રણ મોકલતા.
૫ એપ્રીલ, ૨૦૧૪ ના રોજ મીરાબહેનનું અવસાન થતાં, મહેતા-દંપતી દ્વારા ચાલતી, કેલિફોર્નિયાના બે એરિયાના ગુજરાતીઓ માટેની સાહિત્ય અને સંગીતની પ્રવૃતિને મોટી ક્ષતિ થઈ, પણ મહેન્દ્રભાઈ થોડા સમયમાં જ સ્વસ્થ થઈ, મીરાબેનની સક્રીયતાની યાદોને સહારે ફરી કાર્યાન્વિત થઈ ગુજરાતીઓની સેવામાં લાગી ગયા.
મીરાંબહેનની વિદાયના થોડા સમયબાદ મહેન્દ્રભાઈ કેન્સરગ્રસ્ત થયા. જે દિવસે એમનું નિદાન થયું ત્યારથી જ એમણે નિર્ણય કરી લીધો કે જે સમય બચ્યો છે એ સમયમાં સમાજને વધારેમાં વધારે આપી જવું. એમના ઘરના પ્રવેશદ્વારની બહાર એક ટેબલ ઉપર અનેક મોંધા મોંઘા પુસ્તકો મૂકી રાખતા. એમને મળવા આવનાર એમાંથી જે ગમે તે પુસ્તક ભેટ તરીકે લઈ જઈ શકે. છેલ્લા છ મહિના જ્યારે એ પથારીવશ હતા, ત્યારે ચેકબુક અને પેન તકીયા પાસે રાખતા. મન ભરીને યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય મદદ આપતા ગયા. એમને મળવા આવનાર વ્યક્તિઓમાંથી એક્પણ વ્યક્તિ એવી ન હતી, જેમણે મહેન્દ્રભાઈની આ બિમાર હાલત ઉપર આંસુ ન સાર્યા હોય.
૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સૌને આપનાર આ માણસ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોના ભરપૂર પ્રેમ અને માન સાથે, એમના માનસમાં અમીટ છાપ છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા.
– પી. કે. દાવડા
નોંધ – મહેન્દ્રભાઈ સાથે મારો પહેલો પરિચય પણ શ્રી દાવડાસાહેબને આભારી હતો. આ એમનો પ્રથમ ઈ-મેલ જે તેમણે મને ૨૦૧૩માં કરેલો. તે પછી પણ ચારેક વખત અમારી ઈ-મેલ દ્વારા વાતચીત થઈ હતી અને એમણે સતત એવો ભાવ વ્યક્ત કરેલો કે ક્યાંય પણ જરૂર હોય, અક્ષરનાદનું ગાડું ક્યાંય અટકે તો તેમને યાદ કરવા. આજે એમને શ્રદ્ધાંજલી આપતા યાદ કરીએ છીએ ત્યારે એમનો પ્રથમ ઈ-મેલ અહીં ફરી મૂકી રહ્યો છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે.
* *
3 Aug 2013, 08:40
Hello Jigneshbhai,
Our sincere thank you to you for doing the pioneering work. Your work will form basis for large volume of useful improvements to users of Gujarati literature and music on Internet. I often read “Aksharnaad”, in fact with your help we are now in contact with Dawda saheb.
Let us continue discussion on how to make Gujarati material available on Internet most useful to all.
Thank you again for your service.
Sent from my iPhone
Mahendra & Mira Mehta
3375 Louis Road
Palo Alto, Ca. 94303
me subscribe karavelu hatu mane chhello aa mail malyo hato pachhi mane mail malta nathi krupa kari mane navi kruti o na email moklso. aabhar.
એક પૂરી ન શકાય એવી ખોટ.
ૈઇશ્વર એમના આત્માને ચિર શાન્તિ અર્પે.
અમારા ભાવનગરના સાહિત્ય અને સંગીતના ચાહકને શ્રધ્ધાંજલી
“અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,
ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે.”મકરંદ દવે
“ ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,
દિલમેં જગહ કર લેતે હૈ,
ઈસ જહાંસે કૂચ કરકે ભી,
દિલમેં બસર કરતે હૈ .”શ્રી અરવિંદ
Bay Area has lost gem of a person, always ready to help in any situation,without any return expectation, you can always get support from Mahendrbhai