દલિત સાહિત્યના કાવ્યો – જયન્ત પરમાર, કરસનદાસ લુહાર, ચંદુ મહેસાનવી, રાજેશ મકવાણા 2


A school of untouchables near Bangalore, by Lady Ottoline Morrell.

ગુજરાત સાહિત્ય પરિષદના ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર ૨૦૦૩ના દલિતસાહિત્ય વિશેષાંકમાંથી આ ચાર પદ્યરચનાઓ સાભાર લીધી છે. ગુજરાતીમાં છેલ્લા ત્રણેક દાયકાથી દલિત સાહિત્યનો ઉત્કર્ષ જોવા મળે છે, દલિત સાહિત્યની વિધવિધ પત્રિકાઓ અને સંચયો પ્રગટ થવા ઉપરાંત સાહિત્યિક ગુણે પણ ટકે એવી વાર્તાઓ, કવિતાઓ અને નવલકથાઓ ગુજરાતીમાં લખાઈ છે અને એ રીતે દલિત સાહિત્યે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.. જે ચાર કવિવર્યની પદ્યરચનાઓ એ વિશેષાંકમાંથી અહીં લીધી છે તેઓ છે શ્રી જયન્ત પરમાર, શ્રી કરસનદાસ લુહાર, શ્રી ચંદુ મહેસાનવી અને શ્રી રાજેશ મકવાણા.

૧. દલિત કવિનું વસિયતનામું – જયન્ત પરમાર

દલિત કવિ પોતાની પાછળ
શું શું મૂકી જાય છે –

રક્તથી ખરડાયેલ કાગળ
રાત્રિના માથા પર કાળો સૂર્ય
કલમની નિબ પર આગનો દરિયો
પૂર્વજોએ રક્તમાંં સળગાવેલી ચિંગારી

એ નથી કરતો તમારા પર આક્રમણ
રૂપકોનાંં
ઉપમાઓનાં
વ્યક્તિત્વના
ગંદર્ભની પીઠ પરનો ભાર એ
પોતે જ છે ઘાયલ પડછાયો
કોઈ અસ્તિત્વ નથી એનું
કોઈ ફર્ક નથી
તૂટેલા કપમાં અને એનામાં

ગોબર માટીની તસવીર બનાવનાર
એટલી સમજ તો છે એનામાં
રેતઘડીમાં, શરણાર્થી માટીની ગંધમાં
વિદ્રોહના સૂર્યમુખીમાં
કલમની અણી અને ખડિયાની કાળી સ્યાહીમાં
કળા છે સહીસલામત

પરંતુ હવે એને શોધ છે પોતાની
બહુ ગર્વથી કહે છે :
પોતાને દલિત!

૨. ગિરિજનોની ગઝલ – કરસનદાસ લુહાર

પહાડો વચ્ચેથી નીકળી નગરમાં આવશું એ ભય હજી તમને,
નગરનાં શ્વેત સુરજ ધૂળથી ખરડાવશું એ ભય હજી તમને.

બહુમાળી મકાનોની અડોઅડ આવીને ઊભા હશે પહાડો;
અમે કાળા, ઠીંગુજી કારસા સરજાવશું એ ભય હજી તમને.

અમોને ઝાડવાનાં છાલ, પર્ણો આપે છે ખોરાક ને વસ્ત્રો,
છતાંયે પેટ ખાલી શહેરમાં ખવડાવશું એ ભય હજી તમને.

અમે અમનેય પણ અહીંથી કશે કાઢી નથી શક્તા,
અને તમને ઉચાળા કો’ક દિ’ બંધાવશું એ ભય હજી તમને.

અમે આદિમ ઉપેક્ષિતો અમોને કોઈ ભય કેવો કદીયે પણ,
છતાં ક્યારેક ભયભીત થઈ નગર ધ્રુજાવશું એ ભય હજી તમને.

૩. શુદ્ર – ચંદુ મહેસાનવી

અને
એણે મને કહ્યું
હું શુદ્ર છું
તે છતાંય મને
પેલી પરોઢની ઠંડી હવા
કે
સૂરજનો માસુમ તડકો
સ્પર્શી શકે છે,
મને
કોઈ પણ ગુલશનનાં ફુલોની ખુશબો
સ્પર્શી શકે છે.
મને આકાશમાં ફરતા ચંદ્રની ચાંદની
સ્પર્શી શકે છે.
મને
આકાશમાં દૂર દૂર ફરતા પેલા પંખીનો
ટહુકો સ્પર્શી શકે છે.
માત્ર પેલો બ્રાહ્મણ નહીં.

૪. તિતિક્ષા – રાજેશ મકવાણા

મૌન તરફડે
રગદોળાય
આકાશથી ઉપર અને
પૃથ્વીથી નીચે
વચ્ચે પરપોટાની ભીનાશ
અહીં
સુખ છે – ખીલતાં કુંપણનું
દુઃખ છે – ખરતા પાનનું
સવારનો સૂરજ
લાવે છે
દફનાવેલી ચિસોનો ચિત્કાર
ભરબપોરે
ઘૂંટાય ખાલીપો
સાંજ પડે ને
વલુરાયા કરે બારીબારણાં
પછી
આથમે અજવાળું અને ઉગે અંધારું.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “દલિત સાહિત્યના કાવ્યો – જયન્ત પરમાર, કરસનદાસ લુહાર, ચંદુ મહેસાનવી, રાજેશ મકવાણા

  • Chiman Patel'chaman'

    ચન્દુ મહેસાનવીનું આજનુ કાવ્ય ‘શુદ્ર’ વાંચી મને મારુ હાઈકુ યાદ આવી ગયું;….રસોડું ધોયું/ અછૂત પ્રવેશતાં!/દિલ ના કદી!-‘ચમન (હું મહેસાણા જીલ્લાનો ખરો!)