ચાલવું – રીના મહેતા 1


આજે પ્રસ્તુત છે એક સુંદર કાવ્યરચના. ચાલવાની આપણને કોઈ નવાઈ નથી, પણ આ ઝડપથી દોડતા યુગમાં જ્યારે ખરેખર થોડાક ડગલાંથી વધારે ‘ચાલવું’ પડે ત્યારે સમજાય છે એ ક્રિયાનું સાર્થક્ય. કવિનું વાહન બગડ્યું છે, અને એટલે જે સડક પરથી પૈડાને પગે કંઈ કેટલીય વખત પસાર થઈ ચૂક્યા છે, એ જ રસ્તા પર ચાલવાથી એક આખું અનોખું વિશ્વ સજીવ થઈ ઉઠે છે, રસ્તો, વૃક્ષો, પક્ષીઓ, ઝાડીઓ, ખરેલા પાંદડા અને રસ્તા પરની ઝીણી કાંકરીનીય નોંધ લેવાઈ. ચાલવાને લીધે વાહનની બંધ કાચબારીઓમાંથી અછૂત રહી જતું એક આખુંય વિશ્વ જાણે નવા સ્વરૂપે પ્રસ્તુત થયું. રીના મહેતાની પ્રસ્તુત કાવ્યરચના શબ્દસૃષ્ટિ સામયિકના નવેમ્બર ૨૦૧૬ના દીપોત્સવી અંકમાંથી સાભાર લીધી છે.

* * *

ચાલવું એટલે
એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું,
એમ કહી શકો,
પણ, તે દહાડે વાહન ખોટકાયું ને
ચાલતા નીકળવું પડ્યું
બાકી તો પૈડાં જ પગ!
ઉતાવળે પસાર થઈ શકાય બધેથી.
પહેલાં તો ટેવવશ ચાલવા માંડ્યું ઝટ-ઝટ,
પણ પછી શું થયું તે
ચાલતા ચાલતા
એ જ રસ્તો
જ્યાંથી હજારો વાર પસાર થઈ’તી
તે શ્વાસ લેવા માંડ્યો
પહેલી વાર.
ચાલતા ચાલતા
મારા બહેરા બની ગયેલા કાન
સાંભળવા લાગ્યા પંખીઓની પાંખો ભેળો
ઊડી જતી સાંજનો ફડફડાટ.
ચાલતા ચાલતા જ
આંધળી બની ગયેલી આંખોને
દેખાવા લાગ્યા
સૂર્યના નમતાં કિરણોની મુલાયમ રતાશને
પી રહેલા ઊંચા વૃક્ષો
ચાલતા ચાલતા જ ચિતરાવા લાગી
ઉપર વાદળ ને
નીચે માણસોની જીવંત હરફર.
ચાલતા ચાલતા જ
અડવા લાગ્યું
સડકને કિનારે ઊગી નીકળેલા
નકામાં છોડવાના ઝુંડનું સાર્થક્ય,
ખરેલા પર્ણોનું
સાદું
છતાં અપ્રતિમ સૌંદર્ય
ને પગ નીચે કચડાતી
ઝીણી ઝીણી
એક-એક કાંકરીનુંય
અર્થપૂર્ણ જીવન
ચાલતા ચાલતા થંભતા જવાયું
ભીતર પ્રત્યેક ડગલે
ચાલવું એટલે
કહી શકો કે –
પોતાની બહારથી
પોતાની ભીતર પહોંચવું.

– રીના મહેતા

બિલિપત્ર

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ચાલવું – રીના મહેતા

  • સુરેશ જાની

    કાવ્યની શરૂઆત વાહન ખોટકાવાથી થાય છે ! અંતરયાત્રા પણ જીવનમાં કશુંક ખૂટતું હોય તેમ લાગે, ત્યારે જ શરૂ થતી હોય છે ને?