નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૫ – ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી, મુર્તઝા પટેલ 2


પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની અંંતિમ ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી અને મુર્તઝા પટેલ.

૧૭. ભટકારો

આજે પાંચ વરસ પછી ગામમાં પાછો આવ્યો. પ્લેટફોર્મ છોડી બહાર આવ્યો. સાથે સામાનમાં એક બેગ હતી. સ્ટેશનથી દોઢેક કિલોમીટર અંદરની તરફ ગામ ને સાંજનો સમય. કોઈ ગાડાવાળો દેખાયો નહીં. એટલે રાહ જોયા વિના હું ચાલી નીકળ્યો.

થોડુંક ચાલ્યો હોઈશ ને સામેથી પાંચ વરસ પહેલાના આવળ બાવળથી ખરડાયેલા આ ધૂળિયા રસ્તા જેવો ભીખુડો આવતો દેખાયો. મોટી મૂછો નીચે પીળાચટ્ટ દાંત વચ્ચે બીડીનું ઠૂંઠું સળગવાની આશ લઈ બેઠું હતું. મને જોઈ એ દોડતો આવ્યો,

“લ્યા મગન તું? તું તો જબરો બદલાઈ જ્યો, એકદમ સા’બ લાગ સ ભઈ!”

“પણ તું તો હજીય એવોને એવો જ છે ભીખુડા!”

“ના મગન, કોય એવું નઈ રે’તું. અંઈ તો મનય બદલાય ન શરીરે બદલાય!” એની આંખોમાં ગંભીરતા દેખાઈ. ધીરે ધીરે ફેલાતા અંધારા સાથે વાતો કરતા અમે પાદર પાસે પહોંચવા થયા.

“મગન, બાક્સ સ?” દાંતના છેડે બીડી દબાવતા એ બોલ્યો.

“છે તો ખરી..!” એણે બીડી સળગાવી માચીસ પરત કરી.

“હારું તાણ, આવજે મગન!”

“તું નહીં આવે ઘરે?”

“મગન, આ ભટકારો પતાઈન આઉ!” બીડીના ધુમાડામાં અટ્ટહાસ્ય ભેળવી એ અંધારામાં ઓગળી ગયો ને ઓગળતા અંધારા મને ઘેરી વળ્યા.

– અનુજ સોલંકી

૧૮. મેળો

પચીસ વર્ષ બાદ આજે હું મેળામાં આવી; આવવું પડ્યું. મેં ચુટકી ભણી એક નજર નાખી. મેળાનો શોરબકોર, ધક્કામુક્કી, ઉપરથી વરસતો તાપ-ઉકળાટ… આ બધું મને અકળાવી નાખતું. આ ભીડ જાણે કે એક ખોફ પેદા કરતી હતી! ચુટકીએ મારો હાથ કસોકસ પકડી રાખ્યો હતો.

હું પણ આવી જ અબુધ હતી જ્યારે મા મને પહેલીવાર મેળામાં તેડી લાવેલી. અમે સજીધજીને, ઘણાં બધાં પૈસા થેલીમાં લઈને હરખભેર મેળે આવી પહોંચેલાં. પણ, હજુ તો અમે ચગડોળમાં ઘૂમીએ, રમકડાં ખરીદીએ – એ પહેલાં તો માનો હાથ…

મેં ચુટકીને કુલ્ફી અપાવી. મારો હાથ છોડીને એ બંને હાથે કુલ્ફીની લહેજત માણવા લાગી. મેં ચોતરફ નજર દોડાવી. લાગ જોઈને હું ભીડમાં ભળી રહી હતી. એ સાથે જ મારો અતીત મને પચીસ વર્ષ પહેલાંના મેળામાં ઢસડી ગયો – માએ પણ આમ જ મને કુલ્ફી અપાવી હતી. લાગ જોઈને મા ભીડમાં ભળી ગઈ હતી. પછી તો ત્યાં એકલી પડેલી હું અને વધી ગયેલો કોલાહલ!
હું કંપી ઊઠી. ભીડ ચીરીને મને ખોળતા આવી રહેલા સાહિલ પર મારી આંખ ઠરી ગઈ. બીજી જ ક્ષણે મેં મારો ચહેરો બુરખામાં સંતાડી દીધો. ને ચુટકીનો છૂટી ગયેલો હાથ ફરીથી પકડી લીધો, કસોકસ. મેં હાથમાં ચીકણાઈ અનુભવી!

– ધર્મેશ ગાંધી

૧૯. બેડશીટ

સેલ.. સેલ.. સેલ..

૩૦૦ રૂપિયામાં બે બેડશીટ.

જલદી કરો.. ફરી આવો મોકો નહીં મળે.

ઊર્મિલાબેન હિંચકે બેસીને શાક સમારી રહ્યાં હતાં, એટલામાં જ પડોશના કરુણાબેન ડોકાયાં, “ચાલોને ઊર્મિબેન, જોઈએ તો ખરાં કે બેડશીટ ને ચાદર કેવાક છે.”

“તમે તો હમણાં જ લીધી’તી ને. મારે તો હજુ પડી છે. કચ્છી ચાદર એટલે બે વર્ષથી ચાલે છે. તમારે લેવાની હોય તો જ જોઈએ.”

“હા બેન, મારે ચાદર બહુ ઘસાય, કચ્છી હોય કે બોમ્બે ડાઈંગ, મહીને – બે મહીને ફાટી જ જાય. કંટાળી જવાય, કેટલીક નવી લાવવી?”

ઊર્મિલાબેનની નજર સામે તેમનો એક પણ સળ વિનાની ચાદર સાથેનો બેડ તરવરી રહ્યો. બંને એકબીજાની આંખોમાં નિઃશબ્દ વેદના વાંચી રહી.

– પ્રિયંકા જોશી.

૨૦.

એ ઝેન સાધુની પાસે ‘જિંદગી શું છે?’ તે જાણવા એક બાદશાહ આવ્યો.

ધ્યાનમગ્ન સાધુ એ માત્ર થોડી ક્ષણો માટે આંખો ખોલીને એક સ્મિત આપી પાછી મીંચી દીધી.

…ને બાદશાહ પણ સાધુ બની ગયો.

– મુર્તઝા પટેલ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૫ – ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી, મુર્તઝા પટેલ