આજે અને આવતીકાલે પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના વિજેતાઓની કૃતિઓ. આજે પ્રસ્તુત છે પ્રોત્સાહન ઈનામ વિજેતા લીનાબેન વછરાજાની રચિત ત્રણ માઈક્રોફિક્શન અને તૃતિય ઈનામ વિજેતા પાર્થ ટોરોનીલની ચાર માઈક્રોફિક્શન. આવતીકાલે પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે વિજેતા ભારતીબેન ગોહિલ અને મિતલબેન પટેલની માઈક્રોફિક્શન માણીશું. સમગ્ર સ્પર્ધાની સફળતા માટે મહેનત કરનાર વોલન્ટિયર મિત્રો, ઉત્સાહભેર આટલી મોટી સંખ્યામાં ભાગ લેનાર સ્પર્ધકો અને સમયાવધિમાં નિર્ણય આપનાર આદરણીય નિર્ણાયકો સહ સંકળાયેલા સૌનો ખૂબ આભાર.
૧. ફરી
“એક તો કામચોરી કરવી, નાની નાની વાતમાં રજા પાડવી. અને મફતનો પગાર લેવો છે.”
“પણ આજે પગમાં વાગ્યું છે એટલે નાળિયેરી પર નહીં ચડાય સાહેબ.”
“બધા બહાના મને ખબર છે. તમારી જાત જ એવી. હું વીસ વર્ષથી અહીયાં મુકાદમ છું. હું ન હોત તો શેઠનો નાળિયેરનો વેપાર આટલો વધ્યો જ ન હોત. આ જો પેલો નાહર. ઉપરથી નાળિયેર પડાતાં હોય ત્યારે એનું કામ નીચેની અવરજવરને સાબદું કરવાનું છે. પણ એ જો ક્યાંય મોબાઇલમાં મસ્ત છે અને પાછા તમે લોકો વફાદારીના દાવા કરો છો!”
બાલો સમસમીને રહી ગયો.
રોજનાં આ અપમાન સહન કરવા કરતાં તો એક વાર…
ફરી બાલો ઉપરથી નાળિયેર તોડીને ફેંકી રહ્યો હતો. ફરી મુકાદમ એની તોછડી ભાષામાં રજાકને ખખડાવતો બાલો જે નાળિયેરી ઉપર હતો એની તરફ આવતો હતો. ફરી નીચે નાહર મોબાઇલમાં મસ્ત હતો.
૨. પાછલી સીટ
“આ આજકાલની આવેલીને જરાય મર્યાદા નથી. હું ઘરનો વડીલ અને મને પૂછ્યા વગર ગાડીની આગલી સીટ પર બેસી ગઈ? એય મનોજ, તારી ઘરવાળીને ખાનદાનની મર્યાદા સમજાવી દેજે.”
“બાપુ,અમને એમ કે હવે તમે અને બા સાથે નિરાંતે પાછલી સીટ પર બેસો. તમે વર્ષો સુધી બહુ જવાબદારી નિભાવી. બા સાથે સમય મળ્યો જ નથી તો..”
“ડાહ્યો ન થા. મને બધી ખબર છે. તારી બા ક્યાં અને હું ક્યાં!”
બા ની આંખમાં વાદળ છવાયું.
“મનોજને શું ખબર કે ખાનદાનની મર્યાદાની મોટી મોટી વાતો કરતા તારા બાપુએ ક્યારેય બાજુનું સ્થાન મને આપ્યું જ નથી. ઓલી નખરાં કરતી રંભાને જ ગાડીમાં આગલી સીટમાં બાજુમાં બેસાડે છે.”
રંભા આજે ગુસ્સાથી લાલચોળ હતી. બાપુ પરસેવે રેબઝેબ મનાવવામાં પડ્યા.
“શું થયું મારી અપ્સરાને?”
“હવે આ મીઠી વાતોથી મને પટાવવાનું બંધ કરો. ‘બીજી સ્ત્રી’નું ઉપનામ ગળી ખાધું. તમે મારા નામે મિલકતનો અરધો ભાગ કરવાના સોગંધ ખાધા અને હવે ફરી ગયા? આ જુઓ તમારા વસિયતનામાની નકલ. સારું થયું મારી આંખ ઉઘડી ગઈ.”
અને બાપુને બહાર કાઢીને રંભાએ હંમેશ માટે બારણું બંધ કરી દીધું. થોડા દિવસ પછી બાપુના જન્મદિવસે પરિવાર મંદિર જવા નીકળ્યો. પાછલી સીટમાં બા ની બાજુમાં બાપુ હજી સુધી ગહન વિચારમાં હતા, “પણ મેં હજી વસિયત બનાવી જ નથી તોય…”
૩. “મસાણનો માલિક”
“સરકાર, થોડી મદદ કરી આપો.”
“ભીલા, નક્કામી વાત ન કર. મડદાં માટે સગવડતાની શું જરુર?”
“સરકાર, મડદાં માટે નથી કહેતો. સગાંઓ તો જરા વાર પછી ચાલ્યાં જાય છે. પછી મારે જ રાખ થાય એની રાહ જોવી પડે છે. ત્યારે માથે એક છત હોય તો ઠંડી, ગરમી, વરસાદમાં મારે આડશ રહે. આ વાવાઝોડામાં એક છત હતી એય પડી ગઈ. એ ફરી ઉભી કરી આપો તો રાહત રહે.”
મંત્રીમહોદયે વ્યંગમાં કહ્યું, “અરે ભીલા તું એક છતની વાત કરે છે? તું તો આખા મસાણનો માલિક છો.”
અને નેતાઓની મહેફિલમાં હાસ્યની છોળ પ્રસરી ગઈ. ભીલો સરકારના ઉપાલંભને ગળીને દર વખતની જેમ નિરાશ થઇને પાછો ફર્યો. થોડા સમય બાદ હાડ ગાળી નાખે એવી ઠંડીમાં સરકારની યુવાન પુત્રવધૂના અંતિમ સંસ્કાર થયા..
“સરકાર, અસ્થિ લાવ્યો છું.”
ભીલાની આંખમાં અજબ ચમક જોતાં સરકારે આંખથી જ સવાલ કર્યો. ભીલાએ પણ સરકારના જમણા હાથની ત્રીજી આંગળી પર નજર ખોડીને કહ્યું, “સરકાર, છોટી બહુરાનીની મુઠ્ઠીમાં મારી અને આપની બંનેની છત મળી આવી છે.”
– લીના વછરાજાની
* * *
૧. દ્રષ્ટિકોણ
બે વ્યક્તિઓ ખુરશીમાં બેઠા હતા. બન્નેની વચ્ચોવચ “6” નંબરનું બોર્ડ પડ્યું હતું.
એક વ્યક્તિએ કહ્યું, “નંબર 6–નું બોર્ડ અહીં કેમ પડ્યું છે?”
બીજાએ કહ્યું, “નંબર 6–નું બોર્ડ નથી. નંબર 9–નું બોર્ડ છે, આંધળા!”
પહેલા વ્યક્તિએ ઊંચા અવાજે કહ્યું, “આંધળો તું હોઈશ અને અભણ પણ! આટલું ચોખ્ખું દેખાતું નથી નંબર 6–નું બોર્ડ છે.”
“તારી હિંમત કેવી રીતે થઈ મને અભણ કહેવાની?” બીજો વ્યક્તિ તરત જ ગુસ્સામાં ભભૂકી ઉઠ્યો, હાથની નસોમાં ખુન્નસ ભરાઈ આવ્યું. મજબૂત મુઠ્ઠી બાંધી ખુરશીમાંથી ઊભો થયો એટલામાં જ ત્રીજા વ્યક્તિએ આવીને કહ્યું, “અરે ભાઈ શાંત થઈ જા.. શાંત થઈ જા..” ખભા ઉપર હાથ મૂકી એને શાંત પાડ્યો. પછી એ વ્યક્તિએ બન્ને સામે જોઈને કહ્યું, “એક કામ કરો. તમે બન્ને એકબીજાની જગ્યાએ બેસી જાવ. પછી બોર્ડ જુઓ.”
૨. ટાઈપ કર્યું, I Love You
એણે એની પત્ની માટે બ્રાન્ડ ન્યુ સ્માર્ટ ફોન ખરીધ્યો. પોતે ક્યારેક બહાર હોય ત્યારે કેવી રીતે મેસેજ કરવો, ફોન કરવો એ બધા બેઝિક ફીચર્સ તેની પત્નીને શીખવાડ્યા. થોડાક દિવસોમાં તે સ્માર્ટ ફોનના ફીચર્સ શીખી ગઈ.
સાંજનું ભોજન કર્યા બાદ, બંને ટીવી જોતા હતા. તેણીએ તેનો ફોન હાથમાં લઈ, કી-બોર્ડ પર પહેલીવાર ટાઈપ કર્યું : “I Love You”; મલકાતા હોઠ પર હથેળી દાબી દઈ તેણે સેન્ડ બટન પ્રેસ કરી દીધું…
બીજી જ સેકન્ડે તેના ફોનમાં મેસેજની ટોન રણકી…!
તે ચોરીછૂપી આંખના ખૂણેથી એમને જોઈ રહી હતી, અને બંધ હોઠમાં મલકાતી હતી.
તેણે તેનો ફોન લઈને મેસેજ વાંચ્યો.
પત્ની તરફથી “I Love You”નો મેસેજ જોઈને તેના હોઠ પણ મીઠું સ્મિત મલકી પડ્યું. તેણે “I Love You too”ની સાથે ચૂમ્મી છોડતા હાર્ટ શેપનો ઇમોજી સેન્ડ કરી, તેની તરફ જોઈને બંને ભ્રમરો રોમેન્ટિક અંદાજમાં ઉછાળી…
તેણીના ચહેરા પર મલકાતા અને શરમાતા મુખભાવ રમી રહ્યા હતા.
તે એની પત્નીની બાજુમાં સરક્યો, એનો કરચલીવાળો હાથ બંને હથેળી વચ્ચે સ્નેહથી દબાવી લીધો. એંસીની ઉંમરનો ઉંબરો વટાવી ચૂકેલા બંને વૃદ્ધ હૈયા એ પળમાં યુવાન બની, શુદ્ધ પ્રેમના સમુદ્રમાં ગરકાવ થઈ ગયા.
સમય જરૂર બદલાયો હતો, પણ એ વૃદ્ધ યુગલનો પ્રેમ નહીં…
૩. દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?
એકવાર એક જીજ્ઞાસુ શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, “ગુરુજી, દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?”
ગુરુજીએ શિષ્યનો પ્રશ્ન સાંભળી થોડીકવાર મૌન સેવ્યું. પછી વિચારીને જવાબ આપ્યો. “સાધુ, સંત, મહાત્મા આ બધા દુનિયાના સૌથી મોટા ઠગ છે.”
ગુરુજીનો જવાબ સાંભળતા જ શિષ્યના ચહેરા પર મૂંઝવણના ભાવ ખેંચાયા. એણે મનમાં વિચાર્યું : ‘ગુરુએ મારા પ્રશ્નને મજાકમાં લીધો હશે એટલે જ કદાચ એમણે આવો જવાબ મજાકમાં આપી દીધો હશે.’
પણ ગુરુજીના ચહેરા પર કોઈ મજાકના ભાવ દેખાતા નહોતા. એમના ચહેરા પર શાંત–સ્થિર ભાવ હતા. એટલે શિષ્યને જવાબમાં રહેલું ગૂઢસત્ય જાણવા સ્વભાવગત જિજ્ઞાસા જાગી.
“સાધુ, સંત, મહાત્મા.. આ બધાને ઠગ કેવી રીતે કહેવાય ગુરુજી? આપનો જવાબ મને કંઈ સમજાયો નહીં. જરા સ્પષ્ટ સમજાવશો!” શિષ્યે નમ્રતાથી ઝુકીને કહ્યું.
“આખી દુનિયાને ઠગનારી આ મોહ–માયાને જેણે ઠગી લીધી હોય, એનાથી મોટો ઠગ બીજો કોણ હોઇ શકે?”
૪. આઈ એમ પ્રેગ્નન્ટ!
આયેશાએ ગભરાયેલા અવાજમાં તેના બોયફ્રેન્ડ રોમિલને કોલ કર્યો, “રોમિલ, આઈ એમ પ્રેગ્નન્ટ!!”
આ સાંભળી રોમિલની છાતીમાં ફાળ પડી…! તે ભારે આંચકો અનુભવતા બોલી ઉઠ્યો, “વ્હોટ…?? ધેટ્સ ઇમ્પોસિબલ…!”
આયેશાએ ડરેલા અવાજમાં પૂછ્યું, “તે લાસ્ટ ટાઈમ કોન્ડોમ…”
“ઓફ કોર્સ યાર…!” રોમિલે તત્ક્ષણ જવાબ આપ્યો, “આપણે પ્રોટેક્શન વિના ક્યારેય નથી કર્યું. ઓહ ગોડ…!! શીટ…! શીટ…! શીટ…!”
આયેશાએ ગંભીર અવાજમાં કહ્યું, “હવે આપણે શું કરીશું? મારા પેરેન્ટ્સને ખબર પડશે તો હું એમને શું જવાબ આપીશ? રોમિલ, મને બહુ ડર લાગે છે!”
“આયેશા, તું ડરીશ નહીં. હું તારી સાથે છું. તું બિલકુલ ચિંતા ન કરીશ,” વિશ્વાસપૂર્ણ સ્વરે તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “હું તને ક્યારેય દુ:ખદ અવસ્થામાં નહીં છોડું. હું વચન આપું છું.” તેણે પ્રસ્તાવ મૂકતાં કહ્યું, “આયેશા, વિલ યુ મેરી મી…?”
તેના શબ્દો સાંભળી આયેશાનું હૈયું પ્રેમની લાગણીથી ભરાઈ ગયું. ભાવુક અવાજમાં તેણે કહ્યું, “યસ. આઈ વિલ મેરી વિથ યુ…! આઈ લવ યુ, રોમિલ…”
“આઈ લવ યુ ટુ, આઇશા…” તેના અવાજમાં લાગણીની ભીનાશ વર્તાતી હતી.
“બાય ધ વે, આજે કઈ તારીખ થઈ…?”
રોમિલે મોબાઇલની સ્ક્રીન પરની તારીખ વાંચી.
૧ એપ્રિલ..
અચાનક મગજમાં લાઇટ થતાં જ રોમિલ ગુસ્સાભર્યા અવાજમાં ચીલ્લાઇ ઉઠ્યો, “ઓહ ગોડ ડેમ ઈટ આઇશા…!! આઈ હેટ યોર પ્રેન્ક્સ…!!”
સામેના છેડે ખડખડાટ હાસ્યનો ફૂવારો છૂટી પડ્યો.
– પાર્થ ટોરોનીલ
વાહ વાહ
ત્રણેય ખૂબ સરસ
અભિનંદનને પાત્ર છે
બહુ સુંદર વાર્તાઓ છે.