શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૧)


પ્રકરણ ૨૧

જોસેફાઇન્સ્કા સ્ટ્રીટના છેડે ઓગણીસમી સદીના એક જૂના મકાનના બીજા માળે આવેલા એક કમરામાં પોલદેક ફેફરબર્ગ અન્ય યહૂદીઓની સાથે રહેતો હતો. કમરાની બારીઓ વિસ્તુલાના કિનારે વસાહતની દિવાલની ઉપરની બાજુએ ખૂલતી હતી. વસાહતના છેલ્લા દિવસો વિશે અજાણ એવી નૌકાઓ વિસ્તુલાના વહેણમાં થઈને પસાર થઈ રહી હતી. એસએસની પેટ્રોલબોટ પણ કોઈ સહેલનૌકાની માફક, કંઈ જ બન્યું ન હોય એમ અકારણ આવ-જા પસાર થતી રહી હતી, જર્મન કમાન્ડો આવીને બધાંને શેરીમાં બહાર આવી જવાનો હુકમ કરે તેની રાહ જોઈને ફેફરબર્ગ પોતાની પત્ની મિલાની સાથે અહીં સંતાયો હતો. બેઠા કદની બાવીસ વર્ષની ગભરુ મિલા લોડ્ઝથી આવેલી એક શરણાર્થી યુવતી હતી. વસાહત સ્થપાવાની શરૂઆતના દિવસોમાં જ ફેફરબર્ગે તેની સાથે લગ્ન કર્યા હતા. ડૉક્ટરોના કુટુંબમાંથી આવેલી મિલાના પિતા એક સર્જન હતા અને ૧૯૩૭માં ભરયુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા. તેની માતા એક ચર્મરોગ-નિષ્ણાત હતી. રોસેલિયા બ્લાઉની માફક તેની માતા પણ ગયા વર્ષે ટાર્નોવની વસાહતોમાં લશ્કરી કાર્યવાહી દરમ્યાન પોતાના દરદીઓ સાથે ઊભી હતી ત્યારે એક ઑટોમેટિક રાયફલના ગોળીબારમાં વિંધાઈ ગઈ હતી.

લોડ્ઝના યહૂદી-વિરોધી વાતાવરણમાં પણ મિલાનું બાળપણ બહુ સરસ રીતે વિત્યું હતું. યુદ્ધ શરૂ થયાના એક વર્ષ પહેલાં એણે વિયેનામાં મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૩૯માં લોડ્ઝની યહૂદી પ્રજાને ક્રેકોવમાં ધકેલી દેવામાં આવી ત્યારે એ પોલદેકને મળી હતી. એ વખતે મિલા અને પોલદેકને એક જ એપાર્ટમેન્ટમાં જગ્યા ફાળવામાં આવી હતી.

અને હવે તો પોલદેક પણ મિલાની માફક પોતાના કુટુંબમાં એકલો જ બચ્યો હતો. એક સમયે શિન્ડલરના સ્ટ્રેઝકીગો સ્ટ્રીટના એપાર્ટમેન્ટની સજાવટનું કામ કરનાર તેની માતાને પોલદેકના પિતાની સાથે જ ટર્નોવ મોકલી આપવામાં આવી હતી. આગળ જતાં પોલદેકને એટલી જાણ થયેલી, કે તેનાં માતા-પિતાને બેલઝેક મોકલીને મારી નાખવામાં આવ્યાં હતાં. તેનાં બહેન અને બનેવી આર્યન દસ્તાવેજોના સહારે વૉરસોની પેવિયાક જેલમાંથી ગાયબ થઈ ગયા હતા. ફેફરબર્ગ અને મિલાનું અન્ય કોઈ સગું બચ્યું ન હતું. બંનેના સ્વભાવમાં આભ-જમીનનું અંતર હતું. પોલદેક બહુ જ મળતાવડો યુવક હતો! કોઈ નેતા કે આગેવાન જેવો! કોઈ સત્તાધારી પણ આવીને એને પૂછે કે શું કરે છે, તો ભીડમાંથી આગળ આવીને ઊભો રહે અને જવાબ આપે! જ્યારે મિલા તો, દુર્ભાગ્યવશ પોતાના કુટુંબને ખોઈ બેસવાને કારણે સાવ શાંત સ્વભાવની થઈ ગઈ હતી. શાંતિભર્યા દિવસોમાં તો બંનેના સ્વભાવનું મિશ્રણ ઉત્તમ બની રહેતું હતું. મિલા માત્ર ચાલાક જ નહીં, પરંતુ બુદ્ધિશાળી પણ હતી. શાંતિનું કેન્દ્ર, અને ડહાપણનો ભંડાર હતી! અને પોલદેક ફેફરબર્ગની સતત ચાલુ જ રહેતી બક-બકને એ જ રોકી શકે તેમ હતી. પરંતુ આજે અચાનક જ બંને વચ્ચે મતભેદો ઊભા થઈ ગયા હતા. મિલાની ઇચ્છા હતી કે તક મળે તો વસાહત છોડીને નાસી જવું! પોલદેકની સાથે કોઈ બળવાખોર સૈનિકોના વેશમાં જંગલમાં નાસી જવા એ તૈયાર હતી, પરંતુ તેને ગટરની બહુ બીક લાગતી હતી! જ્યારે પોલદેક તો વસાહતની બહાર જવા માટે એકાધિક વખત ગટરનો ઉપયોગ કરી ચૂક્યો હતો. ક્યારેક તો ગટરના એકાદ કોઈક છેડે તેને પોલીસ પણ ભેટી જતી હતી! નાસી જવા માટે ગટરનો ઉપયોગ કરવાનો ઉપાય પોલદેકના મિત્ર અને ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડૉ. એચે તેને બતાવ્યો હતો, કારણ કે જર્મન કમાન્ડો વસાહતમાં પ્રવેશે, એ સમયે ગટરના સામા છેડે કોઈ સૈનિક ભટકાઈ જવાની શક્યતા તેને લાગતી ન હતી. શિયાળાની શરૂઆતનું ધુમ્મસ ઉતરી આવે તેની જ માત્ર રાહ જોવાની હતી! ડોક્ટરના ઘરનો દરવાજો ગટરના ઢાંકણાથી થોડા જ મિટરના અંતરે હતો. એક વખત ગટરમાં ઊતરી જઈએ એટલે ડાબી બાજુની ટનલમાં થઈને પોજોર્ઝની શેરીના વસાહત સિવાયના ભાગની નીચે થઈને ઝેતોર્સ્કા સ્ટ્રીટના છેડે વિસ્તુલાના કિનારે નીકળી શકાય તેમ હતું! હજુ ગઈ કાલે જ ડૉ. એચે તેને પાક્કા સમાચાર આપ્યા હતા. ડૉક્ટર અને તેમની પત્ની ગટરમાં થઈને છટકી જવાનો પ્રયાસ કરવાનાં હતાં, અને એમણે ફેફરબર્ગને પણ તેમની સાથે આવી જવા કહેલું હતું. એ તબક્કે તો પોલદેક પોતાની કે મિલાની ખાતરી આપી શકે તેમ ન હતો. મિલાને ડર લાગતો હતો, અને એનો એ ડર વ્યાજબી પણ હતો, કે એસએસ ક્યાંક ગટરમાં પણ ઝેરી વાયુ છોડી દે તો! અથવા તો બંને ગટર સુધી પહોંચે એ પહેલાં જ એસએસ જોસેફાઇન્સ્કા સ્ટ્રીટના ફેફરબર્ગના કમરામાં આવી ચડે, અને બંનેનું કામ તમામ કરી દે તો!

કઈ બાજુએ કુદી પડવું તેનો વિચાર કરતાં, ચિંતાગ્રસ્ત અવસ્થામાં માળિયામાં બેઠાં-બેઠાં જ દિવસ એકદમ ધીમે-ધીમે પસાર થઈ રહ્યો હતો. તેમના પડોશીઓ પણ કદાચ તેમની રાહ જોઈ રહ્યા હશે! એવું પણ બને, કે રાહ જોઈને મોડું કરવા માગતાં ન હોય એવા લોકો તો પોતપોતાનો સામાન અને આશાભરી સૂટકેસો લઈને સડક પર કૂચકદમ કરતાં ચાલ્યા પણ ગયા હોય! કારણ કે બહારથી આવી રહેલા છેતરામણા અવાજો કોઈને પણ ઘરમાંથી બહાર નીકળી જવા મજબૂર કરી દે તેવા હતા! એકાદ બ્લોક દૂર દબાયેલા સ્વરે બોલાતા કરૂણ અવાજો આવી રહ્યા હતા, ત્યારે ફેફરબર્ગ સંતાયો હતો ત્યાં સ્મશાનવત્‌ ચૂપકિદી છવાઈ ગઈ હતી. ઘરની ફરસ પર સાક્ષીભાવે પડેલા પૂરાણા પાટિયા પર ચાલવાના કિચુડાટના અવાજો, રહેવાસીઓની છેલ્લી-છેલ્લી આતંકિત ક્ષણોને પોતાની સાથે લઈને જઈ થઈ રહ્યા હોય એમ સ્પષ્ટપણે સંભળાતા હતા. અંધારી બપોરે પોલદેક અને મિલાએ પાસે બચેલી છેલ્લી ૩૦૦ ગ્રામ બ્રાઉન બ્રેડ ખાઈ લીધી. સૈનિક કાર્યવાહીના સતત સંભળાતા અવાજો એક બ્લોક દૂર વેજર્સ્કા સ્ટ્રીટના ખૂણા સુધી આવીને, બપોર પછી હળવા પડી ગયા હતા. ફરીથી સ્મશાનવત્‌ શાંતિ છવાઈ ગઈ હતી. પહેલા માળના રવેશમાં કોઈ વિના કારણ ટોઇલેટને ફ્લશ કરી રહ્યું હતું. શાંત વાતવરણમાં આવા અવાજો થવાથી તેમના તરફ કોઈનું ધ્યાન ન જાય એ શક્ય જ ન હતું.

અંધારું થઈ ચૂક્યું હોવા છતાં નંબર ૨, જોસેફાઇન્સ્કા સ્ટ્રીટની એ નિસ્તેજ સાંજ પૂરી થવાનું નામ લેતી ન હતી! હકીકતે પ્રકાશ એટલો ઝાંખો હતો, કે પોલદેકને લાગ્યું, કે ગટરમાં ઊતરી જવાનો પ્રયાસ સાંજ પડે એ પહેલાં જ કરી જોવો જોઈએ! ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હોવાને કારણે એ ડૉ. એચ પાસે જઈને એ પાક્કુ કરી લેવા માગતો હતો. મિલાએ તેને વિનંતી કરતાં કહ્યું, “મહેરબાની કરીને તું અહીંથી ન જા…” પરંતુ એણે મિલાને સાંત્વના આપી.

“એક મકાનથી બીજામાં જવા માટે બાંકોરા પાડેલાં છે તેમાંથી જ હું જઈશ, એટલે શેરીઓથી દૂર જ રહીશ!” એણે મિલાને હિંમત બંધાવતાં કહ્યું. “શેરીઓના આ છેડે તો કોઈ ચોકીદાર દેખાતો નથી. ચાર રસ્તે કોઈ એકલદોકલ યહૂદી પોલીસ કે એસએસનો માણસ ભટકતો દેખાશે તો હું છુપાઈ જઈશ, અને પાંચ મિનિટોમાં તો પાછો આવી જઈશ, વહાલી, પ્રિયે…” એણે મિલાને કહ્યું. “ડૉ. એચ સાથે મારે વાત કરવી જ પડશે.”

પાછલી સીડી ઊતરીને એ ફળિયામાં ગયો અને ત્યાંથી તબેલાની દિવાલના બાંકોરામાં થઈને છેક લેબર ઑફિસ સુધી પહોંચતા સુધી એ શેરીમાં બહાર ન દેખાયો. લેબર ઑફિસ પાસે વાહનો માટેનો પહોળો રસ્તો પસાર કરવાનું જોખમ એણે લેવું પડ્યું, પરંતુ તરત જ એ સામે દેખાતા મકાનોમાં, ઝાડી-ઝાંખરાવાળા એક ત્રિકોણિયા બ્લોકમાં એ ઘુસી ગયો. રસ્તામાં મુંઝાયેલા લોકોનાં ટોળાં, રસોડામાં, છાપરા નીચે, ફળિયામાં અને પરસાળોમાં ઊભા રહીને અફવા ફેલાવતાં, અહીંથી છટકવાના જુદા-જુદા વિકલ્પો વિશે વિચારતાં જોવા મળ્યાં. ક્રેકુસા સ્ટ્રીટમાં એ ડૉક્ટરના ઘરની બરાબર સામે બહાર નીકળ્યો. તેનાથી માત્ર ત્રણ જ બ્લોક દૂર વસાહતની દક્ષિણે, પહેરો ભરી રહેલા એક ચોકીદારની નજરે ચડ્યા વિના, એ રસ્તો પસાર કરી ગયો. આ એ જ રસ્તો હતો જેની ઉપર પ્રદર્શિત થયેલી જર્મન વંશીય નીતિની જલદતાનો સાક્ષી શિન્ડલર પણ બન્યો હતો!

ડૉ. એચનું મકાન ખાલી નીકળ્યું, પરંતુ મકાનના ફળિયામાં બહાવરો બની ગયેલો એક મધ્યવયનો માણસ પોલદેકને મળ્યો. એણે જર્મન કમાન્ડો અહીં આવીને ચાલ્યા ગયાના સમાચાર આપ્યા. એણે કહ્યું, કે ડૉક્ટર અને તેમનાં પત્ની પહેલાં તો છૂપાઈ રહેલાં, પરંતુ પછી ગટર માર્ગે જવા માટે નીકળી ગયા હતા. “કદાચ એમણે બરાબર જ કર્યું છે.” પેલા માણસે કહ્યું. “કારણ કે એસએસના માણસો અહીં જરૂર પાછા આવવાના.” પોલદેકે માથું ધુણાવ્યું. પોતે આટલી બધી વખત બચતો રહ્યો હોવાને કારણે, લશ્કરી કાર્યવાહીના દાવપેચ હવે એ સમજી ચૂક્યો હતો.

આવ્યો હતો એ જ માર્ગે એ પાછો ફરી ગયો, અને આ વખતે પણ પેલો પહોળો રસ્તો વળોટી ગયો. પરંતુ પાછા ફરીને જોયું તો પોતાનું બે નંબરનું મકાન એને ખાલીખમ મળ્યું! મિલા બંનેનો સામાન લઈને ચાલી ગઈ હતી, ઘરના બધા જ દરવાજા ખૂલ્લા હતા, બધા જ કમરા ખાલી હતા! એક વખત તો એને એવો વિચાર આવી ગયો, કે ડૉ. એચ, તેમની પત્ની અને મિલા, બધાં ક્યાંક હોસ્પિટલમાં તો છૂપાઈ તો નહીં ગયા હોયને! ડૉ. એચને કદાચ મિલાની ફિકર થતી હોય, અને મેડિકલ ક્ષેત્રના જૂના સંબંધોને કારણે તેને બોલાવી ગયા હોય!

તબેલામાં થઈને પોલદેક ઝડપભેર બહાર નીકળી ગયો, અને એક બીજો માર્ગ પકડીને સીધો જ હોસ્પિટલના ફળિયામાં પહોંચી ગયો. શરણાગતિના સફેદ ઝંડાનું અપમાન કરતી લોહીયાળ સફેદ ચાદરો હોસ્પિટલના ઉપરના બંને માળના ઝરોખામાંથી લટકતી હતી. નીચે ફૂટપાથ ઉપર ભોગ બનેલા લોકોના શરીરોનો મોટો ઢગલો પડ્યો હતો. કોઈનાં માથાં ફૂટીને ખુલ્લાં થઈ ગયાં હતાં, તો કોઈનાં અંગો બેવડ વળી ગયાં હતાં! એ બધા જ કંઈ ડૉ. એચ કે ડૉ. બીના દરદીઓની માફક કોઈ જીવલેણ રોગથી પીડાતા ન હતા! એમને તો આખો દિવસ અહીં ગોંધી રાખવામાં આવ્યા હતા અને પાછળથી મારી નાખવામાં આવેલા! તેમાંના કેટલાક લોકોને ઉપર પૂરી રખાયા હશે, અને પછી તેમને મારીને બારીમાંથી નીચે ફળિયામાં ફેંકી દેવાયા હશે! એકમેકમાં ગૂંચવાયેલા મૃતદેહોના એ પિરામિડમાં કોણ જાણે કેટલા લોકોના મૃતદેહો પડ્યા હશે તેની ગણતરી કરવાનો સમય તો પોલદેક પાસે ન હતો! પરંતુ પાછળથી તેને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે એ ૬૦-૭૦નો આંકડો ગણાવતો હતો! ક્રેકોવ આ પ્રાંતનું એક મુખ્ય શહેર હતું, અને પોલદેક પહેલાં પોજોર્ઝમાં અને પછીથી સેન્ટ્રમમાં એક મળતાવડા કિશોર તરીકે ઉછર્યો હતો. પોતાની માતાની સાથે આ શહેરના અનેક ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત માણસોને મળવા જતો હોવાને કારણે મૃતદેહોના ઢગલાની અંદર પડેલા કેટલાયે લોકોના ચહેરાને એ ઓળખી ગયો હતો! તેમાંથી કોઈએ તેની માતા પાસે સજાવટનું કામ કરાવ્યું હતું, તો કોઈએ નાનપણમાં પોલદેકને તેની કોશિઝ્કો હાઈસ્કૂલ કેવી હતી એ પૂછ્યું હતું! જવાબમાં પોલદેકે તેમને ડાહ્યા-ડમરા જવાબો પણ આપ્યા હતા! તેના દેખાવ પર મોહી જઈને એ ઢગલામાંના કોઈકે તેને કેક અને કેન્ડી પણ ખવડાવ્યાં હતાં! આજે એ બધા જ માણસો એ ઢગલામાં સાવ બેશરમ રીતે નગ્ન થઈને રક્તરંજિત ફળિયામાં પડ્યા હતા…!

ગમે તેમ પણ, પોલદેક ફેફરબર્ગને એ ઢગલામાં પોતાની પત્ની મિલાનું કે ડૉ. એચનું શરીર શોધવાનું સુઝ્યું નહીં. એ જાણતો હતો, કે પોતે શા માટે આ વિકટ પરિસ્થિતિમાં મૂકાયો હતો! આવનારો સમય જરૂર સારો હશે, ન્યાયપૂર્ણ હશે… અત્યાર સુધી એ આશાવાદી બનીને આવું જ માનતો રહ્યો હતો. રેકાવ્કાની પેલે પાર ટેકરી પરથી શિન્ડલરે એક સમયે જે અનુભવ્યું હતું, એ જ અનુભવ અત્યારે એ પણ કરી રહ્યો હતો!

ફળિયાની પેલે પાર વેજર્સ્કા સ્ટ્રીટમાં એકઠા થયેલા લોકોના ટોળા તરફ તેનું ધ્યાન ખેંચાયું. ટોળામાંના લોકો નિસ્તેજ જરૂર લાગતા હતા, પરંતુ જિજીવિષા સાવ મરી પરવારી ન હોય એવા ફેક્ટરીના કામદારો કે હારેલી ફૂટબોલ ટીમના ટેકેદારો જેવા એ લોકો સોમવારની એ સવારે રેકાવ્કા ગેટ તરફ જઈ રહ્યા હતા. ટોળામાં એણે જોસેફિન્સ્કા સ્ટ્રીટના પોતાના પડોશીઓને પણ જોયા. બાંયમાં સંઘરેલા કોઈ હથિયારની માફક સામે દેખાઈ રહેલા એ દૃશ્યને હૃદયમાં સંઘરીને એ મેદાનની બહાર નીકળી ગયો. મિલાનું શું થયું હશે? એમાંના કોઈને મિલાની ભાળ હશે કે કેમ? પડોશીઓ તો કહેતા હતા કે એ જતી રહી હતી! જર્મન કમાન્ડોએ તો બરાબર તપાસ કરી જ હશે! ચોક્કસ તેઓ મિલાને વસાહતની બહાર લઈ ગયા હશે, પ્લાઝોવ લઈ જવા માટે જ…

ભવિષ્યમાં આવી પરિસ્થિતિ આવી પડે તો શું કરવું, તેનું આકસ્મિક આયોજન તેણે અને મિલાએ સાથે મળીને કરી રાખ્યું હતું. બંનેએ નક્કી કર્યું હતું, કે બેમાંથી કોઈ એક પણ જો પ્લાઝોવમાં પહોંચી જાય, તો બીજાએ તેની પાછળ-પાછળ પ્લાઝોવમાં પહોંચી જવાને બદલે બહાર રહેવાનો પ્રયત્ન કરવો, એ તેમને હિતાવહ લાગતું હતું. કોઈની પણ આડા ન આવવું, એ મિલાની ખાસિયત હતી. એક કેદી માટે આ બાબત જરૂર સારી હતી. પરંતુ ભૂખની મારી એ બિચારી જરૂર ત્યાં હેરાન થવાની, એવું પોલદેકને લાગતું હતું. બહાર રહીને એ મિલા માટે ભોજનનો બંદોબસ્ત કરવા માગતો હતો. તેને ખાતરી હતી કે એ કામ એ ચોક્કસ કરી શકશે. આવો નિર્ણય લેવો કોઈ રીતે સરળ ન હતો! પરંતુ મૂંઝાયેલાં યહૂદીઓનાં ટોળેટોળાં તેની નજરની સામે જ એસએસ દ્વારા ચોકી કરાતા દક્ષિણી દરવાજામાં થઈને પ્લાઝોવની ફેક્ટરીઓ તરફ જઈ રહ્યાં હતાં. પ્લાઝોવમાં પહોંચી જવાનો રસ્તો જ લોકોને લાંબાગાળાનું સુરક્ષાકવચ લાગી રહ્યું હતું! કદાચ તેમની માન્યતા સાચી પણ હોય, કોને ખબર!

મોડું થઈ ગયું હોવા છતાં, પ્રકાશ હજુ પણ તેજ હતો. બરફવર્ષા થવાની હોય એવું લાગતું હતું. રસ્તો પસાર કરીને પોલદેક સામેના ખાલી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. એ સમજી શકતો ન હતો કે ખરેખર એ એપાર્ટમેન્ટ ખાલી હતું, કે પછી ચાલાકીથી કે પોતાની નાદાનીને કારણે વસાહતીઓ ત્યાં છુપાઈ ગયા હતા! લોકોને એવી ખાતરી થઈ ગઈ હતી કે અત્યારે એસએસ ભલે તેમને ક્યાંય પણ લઈ જાય, આખરે તો તેમને મોતની પેલી ચેમ્બરમાં જ લઈ જવાના હતા!

છુપાવા માટેની કોઈ સરસ જગ્યા પોલદેક શોધી રહ્યો હતો. મકાનની પાછલી પરસાળમાં થઈને જોસેફિન્સ્કા સ્ટ્રીટ પર આવેલી એક લાતીમાં એ જઈ પહોંચ્યો. એ સમયે લાકડાંની ભારે અછત હતી. કાપેલાં લાકડાંના કોઈ જ ઢગલા ત્યાં પડ્યા ન હતા જેની પાછળ છૂપાઈ શકાય! છુપાવા માટે સારામાં સારી જગ્યા તેને મેદાનના પ્રવેશદ્વાર પાસેના લોખંડના દરવાજાની પાછળ જ લાગતી હતી. દરવાજાનું કદ અને કાળાશ જોતાં આજની રાત પૂરતી તો એ જગ્યા ઉત્તમ જ લાગતી હતી. જો કે, આગળ જતાં એ સમજી શકવાનો ન હતો, કે આટલા ઉત્સાહપૂર્વક આ જગ્યા એણે સાથે શા માટે પસંદ કરી હશે?

ખાલીખમ પડેલી એક ઑફિસની દિવાલને ટેકે મૂકેલા એક લાકડાની પાછળ એ સરકી ગયો. દરવાજા અને તેની બાજુના થાંભલાની વચ્ચેની જગ્યામાંથી, પોતે જ્યાંથી આવ્યો હતો એ જોસેફિન્સ્કા સ્ટ્રીટ ઉપર એ અહીંથી નજર રાખી શકે તેમ હતો. દરવાજાના ઠંડાગાર પતરાની પાછળ બેસીને હીમની માફક ચળકી રહેલી ભૂખરી ઠંડી સાંજના વિસ્તારને તાકી રહેતાં એણે પોતાના કોટને છાતી સરસો લપેટી લીધો. સામેથી એક પુરુષ અને એક સ્ત્રી ઝડપથી ચાલીને નીકળી ગયા. જમીન પર વેરવિખેર પડેલા સામાનની વચ્ચે જાળવીને ચાલતી વેળાએ સૂટકેસો પર મોટા-મોટા અક્ષરે લખાયેલાં નામોને એ દંપતી મોટા અવાજે બોલતું હતું. ક્લિનફિલ્ડ, લેહરર, બાઉમે, વેઇનબર્ગ, સ્મોલર, સ્ટ્રાઉસ, રોસેન્થલ, બર્મેન, ઝેટલિન…

આ એવાં નામો હતાં, જેની સામે કોઈ જ રસીદ આપવામાં આવી ન હતી! “સ્મૃતિઓથી લથપથ સામાનના ઢગલા,” યુવાન કળાકાર જોસેફ બાઉએ એ દૃશ્યોનું વર્ણન આ શબ્દોમાં કરેલું! “ક્યાં છે મારા અમુલ્ય ખજાનાના એ ભંડાર?”

કોઈ મોટા યુદ્ધક્ષેત્ર જેવા વિશાળ મેદાનમાં વિખરાઈને પડેલા સામાનની પેલે પારથી કુતરાના ભસવાના આક્રમક અવાજો આવી રહ્યા હતા. એસએસના ત્રણ માણસો ફૂટપાથ પર લાંબી ડગ ભરતાં અચાનક જ જોસેફાઇન્સ્કા સ્ટ્રીટમાં આવી ચડ્યા! તેમાંના એક માણસને પોલીસના બે મોટા કૂતરા આગળ-આગળ ખેંચી રહ્યા હતા. અચાનક જ બંને કુતરા જોસેફાઇન્સ્કા સ્ટ્રીટના ૪૧ નંબરના મકાનની અંદર પોલીસને ખેંચી ગયા. અન્ય બે સૈનિકો બહાર ફૂટપાથ પર તેમની રાહ જોતાં ઊભા રહ્યા. પોલદેકનું ધ્યાન મહદઅંશે કુતરા તરફ જ હતું. કુતરા ડાલ્મેશ્યન અને જર્મન શેફર્ડની સંકરજાતીના લાગતા હતા. ફેફરબર્ગ ક્રેકોવને હજુ પણ બહુ સીધું-સાદું શહેર જ માનતો હતો. આ કુતરાં તો બહારથી જ અથવા કોઈ બીજી આધુનિક વસાહતમાંથી લાવવામાં આવ્યા હોય એવું તેને લાગ્યું! સડક પર વેરવિખેર પડેલા સામાનની વચ્ચે લોખંડના દરવાજા પાછળ છેલ્લા એક કલાકથી સંતાઈને બેઠેલો ફેફરબર્ગ હજુ આ ક્ષણ સુધી તો આ શહેર પ્રત્યે આભારવશ હતો! મનોમન એમ જ વિચારતો હતો કે આ તો કંઈ જ નથી! ખરેખર તો… આનાથી પણ વધારે અત્યંત ભયાનક પરિસ્થિતિ તો બીજે જ ક્યાંક, અન્ય કોઈક ખરાબ સ્થળે જ પ્રવર્તતી હશે! પરંતુ એ પછીની અડધી જ મિનિટમાં તેના મનમાંથી એ છેલ્લો વિચારો ભૂંસાઈ ગયો. એ ક્ષણે તેની સામે જે બની ગયું, એ ક્રેકોવમાં તેણે જોયેલી સૌથી ખરાબ ઘટના હતી! દરવાજાની ફાંટમાંથી એણે જોયેલી એ ઘટનાએ એ ક્ષણે જ પૂરવાર કરી આપ્યું, કે પોલિશ લોકોમાં જો ખરેખર કોઈ શેતાન હોય, તો જૂની માન્યતા પ્રમાણે તાર્નોવ, ચેકોસ્લોવેકિયા, લ્વોવ કે વૉરસોમાં નહીં, પરંતુ જોસેફાઇન્સ્કા સ્ટ્રીટથી માત્ર એકસોને વીસ કદમ દૂર અહીં જ એ શેતાન વસતો હતો! ૪૧ નંબરના મકાનમાંથી એક સ્ત્રી અને તેનું બાળક ચીસો નાખતાં બહાર આવ્યાં. તેની પાછળ-પાછળ બહાર ધસી આવેલા કુતરાના મોમાં એ સ્ત્રીના ફ્રોકના ટૂકડાની સાથે-સાથે તેના સાથળમાંથી ખેંચી લીધેલો માંસનો એક લોચો પણ હતો! કુતરાનું ધ્યાન રાખી રહેલા એસએસના સૈનિકે પેલા બાળકને પોતાના હાથમાં ઊંચકી લીધું, અને સામેની દિવાલ સાથે જોરથી અફળાવ્યું! તેના ‘ધડામ’ અવાજે ફેફરબર્ગને આંખો મીંચી દેવા મજબૂર કરી દીધો! બંધ આંખે ગોળી છૂટવાનો એક અવાજ તેને સંભળાયો, જેણે પેલી સ્ત્રીના ચિસોભર્યા વિરોધને પણ સાવ શાંત કરી દીધો.

હોસ્પિટલના યાર્ડમાં પડેલા શરીરો વિશે વિચાર કરતી વખતે ૬૦ કે ૭૦નો આંકડો જે રીતે તેને હંમેશા યાદ આવી જવાનો હતો, બરાબર એ જ રીતે પેલા બાળકની ઉંમર પણ બે કે ત્રણ વર્ષ હોવાની સાહેદી એ હંમેશા આપવાનો હતો!

એ સ્ત્રી મૃત્યુ પામે, અને પોતે જ્યાં છૂપાયો હતો ત્યાંથી બહાર નીકળે એ પહેલાં જ, મગજની કોઈ શક્તિશાળી ગ્રંથીએ નિર્ણય લઈ લીધો હોય એમ પોલદેક ફેફરબર્ગ, ઠંડા પતરાના દરવાજાની પાછળથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવી ગયો! એ સમજી ચૂક્યો હતો, કે પતરાનો દરવાજો કુતરા સામે એને કોઈ રક્ષણ આપવાનો ન હતો. પોલિશ આર્મિમાં શીખેલા મિલિટરી વ્યૂહને તરત જ તેણે કામે લગાડ્યો. પોતે કોઈ મજૂર હોય એ રીતે લાતીમાંથી એ બહાર આવ્યો, અને વાંકો વળીને રસ્તામાં પડેલો સામાન ઊંચકી-ઊંચકીને મેદાનની બહાર ભીંત સરસો ગોઠવવા લાગ્યો. એસએસના ત્રણેય માણસોના નજીક આવવાનો અવાજ એને સંભળાયો. કુતરાઓના ઘુરકાટનો અવાજ એ અનુભવી રહ્યો હતો. આખેઆખી સાંજ જાણે એ કુતરા સાથે બાંધેલી દોરીના તાણ વડે ખેંચાઈને તેના પર તૂટી પડવા મથી રહી હતી! લશ્કરના ત્રણેય માણસો તેનાથી માંડ દસેક ડગલાં દૂર રહ્યા હશે એમ લાગ્યું, એટલે એ ઊભો થઈ ગયો, અને પોતે કોઈ કહ્યાગરો યુરોપિઅન યહૂદી હોય એમ એણે ત્રણેયની સામે જોયું. ત્રણેય સૈનિકોનાં બૂટ અને ચોરણી લોહીથી ખરડાઈ ગયાં હતાં, પરંતુ કોઈની સામે લોહીભીના કપડે જતાં પણ તેમને શરમ આવતી ન હતી.વચ્ચે ચાલી રહેલો અધિકારી સહુથી ઊંચો હતો. દેખાવમાં તો એ કોઈ ખૂની જેવો લાગતો ન હતો! તેના પહોળા ચહેરા પર સંવેદનાભર્યા ભાવો અને કુશાગ્ર બુદ્ધિની એક ઝલક જોવા મળતી હતી.

મેલાઘેલા સૂટમાં સજ્જ ફેફરબર્ગે, પોલિશ લશ્કરની અદાથી બૂટની એડીઓ ટકરાવીને વચ્ચેના માણસને સલામ મારી. એસએસની પદવિઓનું કોઈ જ્ઞાન તો તેને હતું નહીં, અને આ અધિકારીને શું કહીને બોલાવવો એ પણ એ જાણતો ન હતો. એટલે એ બોલ્યો, “હેર… હેર કમાન્ડન્ટ!”

મૃત્યુના ઓથાર હેઠળ, તેના મગજે વીજળિક વેગે જે શબ્દ ફેંક્યો તે આ હતો! અને એ શબ્દ એકદમ યોગ્ય પૂરવાર થયો! કારણ કે એ ઊંચો માણસ, સમી સાંજે ઉત્સાહની ચરમસીમાએ પહોંચી ચૂકેલો એમોન ગેટે હતો! દિવસ આખાની પ્રગતિથી પોરસાતો અને શક્તિનો ત્વરિત અને મક્કમ ઉપયોગ કરી લેવાની શક્તિ ધરાવતો એમોન! પોલદેક ફેફરબર્ગની માફક પ્રપંચ કરવામાં એ પણ ત્વરિત અને સહજ હતો.

“હેર કમાન્ડન્ટ, આદર સાથે હું આપને હેવાલ આપું છું કે મને આ બધો સામાન એકઠો કરીને રસ્તાની એક તરફ ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આ રસ્તેથી પસાર થતાં કોઈને અડચણ ન પડે.”

કોલરના પટ્ટા સાથે કૂતરા તેના તરફ ખેંચાઈ રહ્યા હતા. તેમને મળેલી તાલીમ અને આજની કાર્યવાહીના લયને કારણે કુતરાઓને લાગતું હશે, કે હમણાં તેમને ફેફરબર્ગ પર તૂટી પડવાનો આદેશ આપવામાં આવશે. તેમનો ઘૂરકાટ માત્ર હિંસક જ નહીં, પરંતુ પરીણામ વિશે ભયાનક આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો. સવાલ માત્ર એટલો જ હતો, કે કમાન્ડન્ટની ડાબી બાજુએ ઊભેલા એસએસના સૈનિકમાં કુતરાઓને પકડી રાખવાની તાકાત હતી કે નહીં? ફેફરબર્ગને એ બાબતે બહુ અપેક્ષાઓ ન હતી. કુતરા એને ફાડી નાખે, અને તે પછી પણ તેને ગોળીઓથી ચાળણી કરી નાખવામાં આવે તો એને નવાઈ લાગવાની ન હતી! પેલી સ્ત્રી જો પોતાના માતૃત્વની ભીખ માગીને પણ બચી શકતી ન હોય, તો માણસની અવરજવરનું નામોનિશાન ખતમ થઈ ગયું હોય એવા આ વેરાન રસ્તા પર વેરવિખેર પડેલો સામાન ગોઠવવાની વાર્તા કહીને બચી શકવાનું એનું તો શું ગજું!

પરંતુ કમાન્ડન્ટને પેલી માતા કરતાં ફેફરબર્ગમાં વધારે રસ પડ્યો હતો. કમાન્ડન્ટની સામે ઊભેલો આ વસાહતી, કોઈ સૈનિકની અદામાં એક એસએસ આધિકારી સામે ઊભો રહીને અહેવાલ આપતો હતો! તેની વાત સાચી હોય, તો ચોક્કસ એ સોંપાયેલું કામ કરતો હશે! પરંતુ જો એ ખોટો હોય તો પણ, એને જોઈને ત્રણેયને બહુ મજા પડી ગઈ! અને એ બધાથી ઉપર, એની રીતભાત પેલા શોષિત યહૂદીઓથી થોડી અલગ જ હતી! આજે શિકાર બનેલા આટલા બધા યહૂદીઓમાંથી કોઈએ આ રીતે બૂટની એડી ટકરાવવાનો પ્રયત્ન કર્યો ન હતો! આથી હેર કમાન્ડન્ટને તેનું વર્તન ભલે કંઈક અતાર્કિક લાગ્યું હોય, પરંતુ આજે તો તેને આ અણધાર્યા મનોરંજનનો રાજસી હક્ક વાપરવા મળી ગયો હતો. એણે પોતાનું માથું ઊંચું કર્યું. તેનો ઊપરનો લાંબો હોઠ મોંમાં ખેંચાયો, અને એ ખડખડાટ હસી પડ્યો. તેના સહકર્મીઓએ પણ હળવા સ્મિત સાથે જોરથી પોતાનું માથું હલાવ્યું.

પ્રભાવશાળી ઘેરા અવાજમાં કમાન્ડન્ટ ગેટેએ કહ્યું, “અમને બધી જ ખબર છે. છેલ્લા-છેલ્લા લોકો આજે વસાહત છોડી રહ્યા છે, તું પણ ભાગ અહીંથી!” એડી ટકરાવીને સલામી આપનારા એ બટકા સૈનિકને અહીંથી ચાલ્યા જવાનો એણે આદેશ આપ્યો.

ફેફરબર્ગ પાછું જોયા વગર દોડવા લાગ્યો. પાછળથી ગોળી મારીને કોઈએ એને પાડી દીધો હોત તો એને આશ્ચર્ય થયું ન હોત! દોડતાં-દોડતાં વેજર્સ્કા સ્ટ્રીટના ખૂણે પહોંચીને એ વળી ગયો, અને હજુ થોડા કલાક પહેલાં જ બનેલી ઘટનાનો એ જ્યાં સાક્ષી બન્યો હતો એ હોસ્પિટલના મેદાનને પણ એ વળોટી ગયો. વસાહતના દરવાજા સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો અંધારું ઊતરી આવ્યું હતું, અને વસાહતની છેલ્લી ગલીઓ તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી. પોજોર્ઝના ચોકમાં એસએસ અને યુક્રેનિયનોના શિથિલ ઘેરા વચ્ચે કેદીઓનો છેલ્લો કાફલો ઊભો હતો.

“આજે છેલ્લો જીવતો માણસ કદાચ હું જ હોઈશ!” ટોળામાંના લોકો તરફ જોઈને એ બબડ્યો.

છેલ્લો જીવતો માણસ જો એ ન હોય, તો ઝવેરી વલ્કન, તેની પત્ની અને પુત્રની તકો ઘણી ઉજળી હતી! છેલ્લા કેટલાક મહિનાઓથી વલ્કન પ્રોગ્રેસ ફેક્ટરીમાં કામ કરતો હતો. ભવિષ્યમાં શું બનવાનું છે તે એ બરાબર જાણતો હોવાથી પોતાના કોટની સિલાઈમાં બે વર્ષથી સંઘરી રાખેલા એક હીરા સાથે એણે ફેક્ટરીના જર્મન નિરીક્ષક અંકલબાકનો સંપર્ક સાધ્યો હતો. “હેર અંકલબાક,” વલ્કને નિરીક્ષકને વિનંતી કરતાં કહેલું, “મને તો જ્યાં મોકલે ત્યાં જવા માટે હું તૈયાર છું, પરંતુ મારી પત્ની આ બધી ધમાલ અને હિંસા ખમી શકે તેમ નથી. એટલે અમે ત્રણેય આજની રાત યહૂદી પોલીસ સ્ટેશનમાં મારા ઓળખીતા કોઈ યહૂદી પોલીસના સંરક્ષણ હેઠળ રહીએ, અને આવતી કાલે દિવસે તમે આવીને કોઈક રીતે, અમને ઈજા ન પહોંચે એ રીતે પ્લાઝોવ મોકલી શકો તો તમારી ખુબ-ખુબ મહેરબાની!”

આમ, એ સવારથી તેઓ યહૂદી પોલીસ સ્ટેશનમાં બેઠા હોવા છતાં પોતાના ઘરના રસોડામાં બેઠા હોય એમ ફફડતાં હતાં. રાહ જોવાની એ પળો બહુ જ ભયાનક હતી. તેનો નાનકડો પુત્ર ક્યારેક ડરી જતો હતો તો ક્યારેક કંટાળી જતો હતો; અને તેની પત્ની સિસકારા કરી-કરીને તેના પર ગુસ્સે થતી હતી. અંકલબાક ક્યાં હતો? એ આવવાનો હતો કે નહીં? કેવા છે આ લોકો! સાંજ પડવાને થોડી વાર હતી ત્યારે છેક અંકલબાક દેખાયો ખરો, પરંતુ એ તો પોલીસ સ્ટેશનના શૌચાલયનો ઉપયોગ કરવા અને કોફી પીવા માટે જ આવ્યો હતો! પોલીસ સ્ટેશનમાં બેસીને વલ્કન જેની રાહ જોઈ રહ્યો હતો એ અંકલબાકને આજે એણે ક્યારેય ન જોયો હોય એવા વેશમાં જોયોઃ એસએસના એક અધિકારીના ગણવેશમાં! સિગરેટ પીતાં-પીતાં એ એસએસના અન્ય એક માણસ સાથે ઉશ્કેરાઈને વાતો કરતો હતો; એક હાથે પકડેલા ગ્લાસમાંથી અકરાંતિયાની માફક કોફીનો મોટો ઘૂંટ ભરીને ઉપર સિગરેટનો ઊંડો કશ ખેંચતો અને જાનવરની માફક બ્રાઉન બ્રેડનું બટકું તોડી રહ્યો હતો! અને ત્યારે પણ, પિસ્તોલ પકડેલો તેનો ડાબો હાથ, આરામ ફરમાવી રહેલા કોઈ હિંસક પશુની જેમ કાઉન્ટર પર પડ્યો હતો! ગણવેશ પર છાતીના ભાગે લોહીના છાંટા ઊડેલા હતા. વલ્કનની સામે જોતી તેની આંખો જાણે તેને ઓળખતી જ ન હતી! વલ્કન તરત જ સમજી ગયો, કે બંને વચ્ચે જે નક્કી કર્યું હતું તેમાંથી એ ફરી તો નહોતો ગયો! એ તો બધું ભૂલી જ ગયો હતો! અંકલબાક નશામાં હતો, અને તે પણ શરાબના નશામાં નહીં! વલ્કને તેને બોલાવ્યો હોત તો પણ એ અજાણ્યો થઈને તેની સામે તાકી રહ્યો હોત! કે પછી કદાચ કોઈક ભયાનક પગલું પણ ભરી બેઠો હોત!

તેની આશા છોડીને વલ્કન પત્ની પાસે પાછો ફરી ગયો. તેની પત્ની તેને કહેવા લાગી, “તમે તેની સાથે વાત કેમ નથી કરતા? એ હજુ પણ ત્યાં હોય તો હું એને વાત કરું.” પણ પછી એણે વલ્કનની આંખોમાં નિરાશાની ઝાંય જોઈ લીધી. એણે દરવાજાની પેલે પાર નજર દોડાવી. અંકલબાક જવા માટેની તૈયારી કરી રહ્યો હતો. નાના-નાના વેપારીઓ અને તેમની પત્નીઓના લોહીથી છાતીના ભાગે ખરડાયેલો અંકલબાકનો અપરિચિત ગણવેશ એણે જોયો, અને કંઈક બબડીને એ પોતાની જગ્યાએ પાછી ફરી ગઈ. પતિની માફક એ પણ એક સ્પષ્ટ નિરાશામાં સપડાઈ ગઈ. રાહ જોવાનું તેમના માટે હવે સરળ બની ગયું. પોતાના જ પરિચિત એવા એક યહૂદી પોલીસે ફરી એક વખત તેમને આશા અને ચિંતા વચ્ચે ઝૂલતાં કરી મૂક્યાં. પરંતુ ત્યાં જ અંકલબાકે આવીને તેમને જણાવ્યું કે સ્પાઇરાના કુટુંબ સિવાય યહૂદી પોલીસના બધા જ માણસોએ સાંજના છ વાગ્યા પહેલાં વસાહતની બહાર નીકળી જઈને પ્લાઝોવ જતા વેલિક્ઝા રોડ પર પહોંચી જવાનું હતું! શક્ય હશે તો કોઈક વાહનમાં વલ્કન કુટુંબનો સમાવેશ કરી આપવાનું તેણે વચન આપ્યું.

ફેફરબર્ગ વેજર્સ્કા સ્ટ્રીટ પહોંચ્યો ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી. પોજોર્ઝ ચોકમાં કેદીઓની છેલ્લી ટૂકડીને એકઠી કરી લેવામાં આવી હતી. ડૉ. એચ અને તેમની પત્ની, ધમાલ કરી રહેલા પોલિશ દારૂડિયાઓની ટોળકીની સાથે અને તેમની ઓથે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યા હતા. બચી ગયેલા રહેવાસીઓને શોધવા માટે નીકળતા પહેલાં આરામ ફરમાવી રહેલી જર્મન કમાન્ડૉની ટૂકડીઓ ધુમ્રપાનનો આનંદ લઈ રહી હતી. બરાબર એ જ સમયે, બે ઘોડા જોડેલી એક બગી પોલીસ સ્ટેશનના દરવાજે આવીને ઊભી રહી. બગીની અંદર મૂકેલાં કપડાં અને કાગળોનાં ખોખાં વચ્ચે યહૂદી પોલીસના માણસોએ વલ્કન કુટુંબને સંતાડીને દીધું. સાઇમક સ્પાઇરા અને તેના સાથીદારો અત્યારે ક્યાંય નજરે ચડતા ન હતા. તેઓ તો શેરીઓમાં ક્યાંક પોતાની ફરજ બજાવતાં, લશ્કરી અધિકારીઓ સાથે કોફી પીતાં-પીતાં, જર્મન વ્યવસ્થાતંત્ર સાથે ગોઠવાઈ ગયેલા પોતાના સંબંધોની ઉજવણી કરી રહ્યા હતા.

બગી વસાહતના દરવાજાની બહાર નીકળે એ પહેલાં જ, બગીના પાટિયા સાથે ચપ્પટ થઈને છૂપાયેલા વલ્કન કુટુંબે પાછળની શેરીઓમાંથી સતત આવી રહેલા રાઇફલ અને પિસ્તોલના અવાજો સાંભળ્યા. એ અવાજોનો અર્થ એ હતો કે એમોન ગેટે, વિલિ હેસ, એલ્બર્ટ હુજર, હોર્સ્ટ પિલારઝિક અને બીજા સેંકડો જર્મનો વસાહતના માળિયા, ફૉલ્સ સિલિંગ અને ભોંયરામાં પડેલા કરંડિયા જેવી જગ્યાઓ પર તૂટી પડ્યા હતા. આખો દિવસ આશાભરી શાંતિ જાળવીને સંતાઈને બેઠેલા લોકોને શોધવાના કામમાં તેઓ લાગી પડ્યા હતા.

એ એક રાતમાં ચાર હજારથી વધારે લોકોને શોધી કાઢી, તેમને શેરીઓમાં ખેંચી લાવીને ખતમ કરી નાખવામાં આવ્યા. એ પછીના બે દિવસોમાં તેમના નિશ્ચેત શરીરોને પ્લાઝોવ લઈ જઈને નવી છાવણીની પાછળ ખોદેલી બે મોટી સામુહિક કબરોમાં દાટી દેવામાં આવ્યા..

આપનો પ્રતિભાવ આપો....