શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૯)


પ્રકરણ ૧૯

માલગાડીમાં બેસીને બૂડાપેસ્ટથી પાછા ફરતી વેળાએ ઓસ્કર શિન્ડલરે એવી ધારણા રાખી હતી, કે જર્મનો દ્વારા હવે વસાહતને બહુ ઝડપથી સમેટી લેવામાં આવશે. એ જ સમયે વસાહતની સાફસૂફી કરવાનું કામ પૂરું કરવા માટે, અને પ્લાઝોવની વેઠિયા મજૂરોની છાવણીમાં બાકી બચેલા કેદીઓનો હવાલો સંભાળવા માટે એમોન ગેટે નામનો એસએસનો અંટર્સ્ટર્મફ્યૂહરર લ્યૂબિનથી આવી રહ્યો હતો. ગેટે શિન્ડલર કરતાં આઠ મહિના જ નાનો હતો, પરંતુ ઉંમરની સાથે-સાથે તેમની વચ્ચે ઘણી સમાનતા હતી. ઓસ્કરની માફક એ કૅથલિક કુટુંબમાં ઉછર્યો હતો અને તેની જેમ છેક ૧૯૩૮ પહેલા જ, પોતાના લગ્ન-વિચ્છેદ પછી ચર્ચની વિધિઓમાં ભાગ લેવાનું એણે બંધ કરી દીધું હતું. ઓસ્કરની માફક એ પણ ‘રિઅલજિમ્નેશ્યમ’ હાઇસ્કૂલમાંથી ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતક બન્યો હતો. આમ એ એક વ્યવહારુ માણસ હતો, કોઈ વિચારક નહીં; પરંતુ પોતાને તે એક દાર્શનિક માનતો હતો!

વિયેનાનો વતની ગેટે ૧૯૩૦માં રાષ્ટ્રીય સમાજવાદી પક્ષમાં જોડાયો હતો. ગભરાયેલા ઓસ્ટ્રિયન પ્રજાસત્તાકે ૧૯૩૩માં તેના પક્ષ પર પ્રતિબંધ લાદી દીધો ત્યાં સુધીમાં તો તે રાષ્ટ્રીય સમાજવાદી પક્ષના એસએસના નામે ઓળખાતા સુરક્ષાદળનો સભ્ય બની ચૂક્યો હતો. પ્રતિબંધ બાદ તે ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. છેક ૧૯૩૮માં, ઓસ્ટ્રિયાને જર્મની સાથે ભેળવી દેવાયા પછી, એસએસના અનૌપચારિક અધિકારીના ગણવેશમાં વિયેનાની શેરીઓમાં એ ફરીથી જોવા મળ્યો હતો. ૧૯૪૦માં તેને એસએસ ઓબરસ્કારફ્યૂહરરની પદવી મળી ગઈ, અને ૧૯૪૧માં કમિશન્ડ અધિકારીની પદવી આપીને તેનું સન્માન કરવામાં આવ્યું. જર્મન સૈન્યની સરખામણીએ એસએસમાં આ પદવી મળવી અત્યંત અઘરી ગણાતી હતી. લશ્કરી દાવપેચોની તાલીમ પૂરી કર્યા બાદ, લ્યુબિનની ગીચ વસાહતમાં જર્મન લશ્કરી કાર્યવાહી દરમ્યાન તેને કમાન્ડો યુનિટના વડા તરીકે મૂકવામાં આવ્યો હતો, અને ત્યાં તેણે સંતોષકારક કામગીરી બજાવી હોવાને કારણે ક્રેકોવનો સફાયો કરવાના ખાસ અધિકાર તેને આપવામાં આવ્યા હતા.

કમાન્ડોના વડા તરીકેનો કાર્યભાર સંભાળવા માટે લ્યુબિનથી જર્મન સ્પેશ્યલ ટ્રેન દ્વારા ક્રેકોવ આવી રહેલો અન્ટર્સ્ટર્મફ્યૂહરર એમોન ગેટે, માત્ર જન્મનું વર્ષ, ધર્મ અને શરાબ પ્રત્યેની નબળાઈ જેવી બાબતે જ નહીં, પરંતુ અન્ય પણ ઘણી રીતે ઓસ્કર સાથે શારીરિક સામ્યતા ધરાવતો હતો. ગેટેનો ચહેરો બહુ જ નિખાલાસ અને હસમુખો હતો, શિન્ડલર કરતાં થોડો લાંબો પણ ખરો. તેના હાથ મોટા અને સ્નાયુબદ્ધ હોવાની સાથે તેની આંગળીઓ પણ લાંબી હતી. પોતાના બાળકો પ્રત્યે તેને ખૂબ જ માયા હતી, ખાસ કરીને બીજા લગ્નથી થયેલા બાળકો પ્રત્યે; નોકરી દરમ્યાન વિદેશોમાં ફરતો રહેવાને કારણે છેલ્લા ત્રણ વર્ષો દરમ્યાન બાળકોને એ ખાસ મળી શક્યો ન હતો. એ કારણે પોતાના બાળકોની જગ્યાએ ઘણી વખત એ સાથી અધિકારીઓના બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપાતો હતો. એક લાગણીશીલ પ્રેમી બની શકે તેમ હોવા છતાં, અને જાતીય તૃષ્ણા બાબતે ઓસ્કર સાથે સમાનતા ધરાવતો હોવા છતાં, સ્ત્રીઓ અંગે તેની પસંદગી અન્ય સાથી એસએસ અધિકારીઓની જેમ ઓછી રૂઢિગત હતી. સ્ત્રીઓને માર મારીને જાતિય આનંદ લેવામાં તેને વધારે આનંદ આવતો હતો. પહેલા આકર્ષણની ઉત્તેજના એક વખત પૂરી થઈ જાય પછી એ અત્યાચારી બની જતો હોવાની સાહેદી તો તેની તેની બંને પત્નીઓ પણ આપી શકે તેમ હતી! એ પોતે તો પોતાને એક લાગણીશીલ માણસ જ ગણાવતો હતો, અને પોતાનો કૌટુંબિક વ્યાપાર એની સાબિતીરૂપ હોવાનું પણ એ માનતો હતો. તેના પિતા અને દાદા, વિયેનાના મિલિટરી અને આર્થિક ઇતિહાસના પુસ્તકોનું પ્રિન્ટિંગ અને બાઇન્ડિંગ સંભાળતા હતા. પોતાના અધિકૃત લશ્કરી પત્રવ્યવહારમાં પણ પોતે ભણેલ-ગણેલ અને પત્રવ્યવહારનો શોખીન માણસ હોવાનું દર્શાવવાનું એ પસંદ કરતો હતો. અને છતાંયે, આ ક્ષણે તો એ એવું કહેવાનું જ પસંદ કરતો હતો, કે પોતાના હાથે જ એ ક્રેકોવનો સફાયો કરી નાખવાનો હતો! તેની કારકિર્દીની આ બહુ મોટી તક હતી, સાથે-સાથે કદાચ તેને પ્રમોશન પણ મળી જાય તેમ હતું! અગાઉ ‘ખાસ લશ્કરી કાર્યવાહી’ના સમયે તેણે ભજવેલી ભૂમિકાએ તેના ચેતાતંત્રમાં શક્તિનો સંચાર વધારી દીધો હતો. છેલ્લા બે વર્ષથી એ અનિદ્રાથી પીડાતો હતો. ક્યારેક રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી એ જાગતો રહેતો, અને છેક વહેલી સવારે જ સૂતો! તે બેફામ શરાબી બની ગયો હતો, અને એમ જ માનતો હતો, કે જવાનીની સરખામણીએ અત્યારે એ શરાબ પીધા પછી વધારે નિયંત્રણમાં રહેતો હતો. ઓસ્કરની માફક, એને પણ શરાબની અસર બીજા દિવસે ક્યારેય નડતી ન હતી. તેનો યશ પણ એ પોતાની મજબૂત કિડનીને જ આપતો હતો.

વસાહતનો સફાયો કરીને પ્લાઝોવની છાવણીનો કબજો લેવા માટેનું જે હુકમનામું એમોનને મળ્યું હતું, તેના પર ફેબ્રુઆરી ૧૨, ૧૯૪૩ની તારીખ લખેલી હતી. હુકમનામુ મળ્યાના એકાદ મહિનાની અંદર, અને વસાહતના એસએસ ગાર્ડ કમાન્ડર વિલહેમ કુન્દે ઉપરાંત, સ્કર્નરના મદદનીશ વિલિ હેસે જેવા પોતાના અનૌપચારીક ઉપરી અધિકારીઓ સાથે મસલત કર્યા પછી તરત જ વસાહતની સફાઈનું કામ શરૂ કરી શકાશે, એવી તેની ધારણા હતી.

કમાન્ડન્ટ ગેટે ક્રેકોવ સ્ટેશને ઊતર્યો ત્યારે ખુદ કુન્દે અને પ્રોકોસિમ તથા વેલિક્ઝાની છાવણીઓના કાર્યકારી વડા, એસએસના ખાસ્સા ઉંચા અને યુવાન હોર્ટ્ઝ પિલાર્ઝિક પોતે પણ, સામે ચાલીને એમોનને મળવા ગયેલા. મર્સીડીઝની પાછલી સીટમાં બેસાડીને એમોનને વસાહતની અને નવી છાવણીની ઉડતી વ્યૂહાત્મક મૂલાકાતે લઈ જવામાં આવ્યો. એ દિવસ એકદમ આકરી ઠંડીભર્યો હતો, અને વિસ્તુલા નદી પાર કરતાં જ બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી.

કારની અંદર પિલાર્ઝિક પોતાની સાથે શરાબની બોટલ લાવ્યો હતો. અન્ટર્સ્ટર્મફ્યૂહરર ગેટેએ બોટેલ આંચકી લીધી અને કારમાં જ ખોલીને પીવા લાગ્યો. પૂર્વ દિશાએ ઊભા કરવામાં આવેલા દરવાજા વટાવીને, વસાહતને બરફાચ્છાદિત બે ભાગમાં વહેંચી દેતી લ્વોવ્સ્કા સ્ટ્રીટની ટ્રોલી લાઈનો તરફ તેઓ આગળ વધ્યા. લશ્કરમાં જોડાતાં પહેલાં એક કસ્ટમ એજન્ટ તરીકે કામ કરતો ઉત્સાહી કુન્દે પોતાના ઉપરીઓને અહેવાલ આપવામાં ઉસ્તાદ હતો. વસાહતનો વ્યવસ્થિત નકશો તેણે ગેટેને બતાવ્યો. “આપણી ડાબી બાજુનો વિભાગ વસાહત બી છે,” કુન્દેએ સ્થાનની ઓળખ આપતાં કહ્યું.

“અહીં રહેતા લગભગ બે હજાર જેટલા લોકો કાં તો આ પહેલાની કાર્યવાહી દરમ્યાન બચી ગયા છે અથવા તો કોઈને કોઈ ઉદ્યોગોમાં કામ કરી રહ્યા છે. તેમને યોગ્ય ચિહ્ન સાથેનાં નવાં ઓળખપત્રો આપવામાં આવ્યાં છે, લશ્કરી કર્મચારીઓ માટે ડબલ્યુ, નાગરીક ઓથોરિટીના કર્મચારીઓ માટે ઝેડ, અને આવશ્યક ઉદ્યોગો માટેના કર્મચારીઓને આર. અહીંયાં બી વસાહતના લોકો પાસે આવા ઓળખપત્રો નથી, એટલે તેમને ‘ખાસ જગ્યાએ’ મોકલી આપવાના છે.”

“વસાહતની સાફસુફી કરતી વેળાએ આ બાજુએથી શરૂ કરવું સારું રહેશે. જો કે આ પ્રકારના વ્યૂહાત્મક નિર્ણયો આપ હેર કમાન્ડરશ્રીની મરજી મુજબ જ લેવાના હોય છે.”

“વસાહતનો મોટો હિસ્સો જમણી બાજુએ છે અને તેમાં હજુ પણ લગભગ દસ હજાર લોકો રહે છે, જેઓ શરૂઆતમાં પ્લાઝોવ છાવણીની ફેક્ટરીઓમાં મજૂર તરીકે કામ કરશે. બૉસ, મેડ્રિટ્સ, બેકમેન અને ઓસ્કર શિન્ડલર જેવા સ્યૂટન વ્યાવસાયીકો અને નિરીક્ષકો, પોતપોતાની ફેક્ટરીઓને આંશિક કે પૂર્ણરૂપે ગામની બહારની છાવણીમાં જ લઈ જવા ઇચ્છશે. તેની સાથોસાથ, કેબલ બનાવવાનો એક પ્લાન્ટ સૂચિત છાવણીથી અડધાએક માઇલ જેટલો જ દૂર છે, અને મજૂરોને દરરોજ ત્યાં લઈ જવા અને પાછા લાવવામાં આવશે.”

કુન્દેએ પૂછ્યું, “હેર કમાન્ડન્ટ, હજુ થોડા કિલોમિટર આગળ આવેલી છાવણીની જગ્યા આપ જોવા માગો છો કે?”

“હા, હા!” એમોને કહ્યું. “મને લાગે છે કે એ જગ્યા જોઈ લઈએ તો સારું રહેશે.”

કેબલ ફેક્ટરીના મેદાનમાં પડેલાં કેબલનાં મોટા-મોટા ફિંડલાં પર બરફ છવાઈ ગયો હતો. મુખ્ય રસ્તા પરથી ફેક્ટરીની બાજુની ‘ઝેરોઝોલિમ્સ્કા સ્ટ્રીટ’ લખેલા રસ્તા પર તેઓ વળી ગયા. ખભેથી વાંકી વળી ગયેલી અને ચહેરા પર જખમોવાળી કેટલીક સ્ત્રીઓ, તૂટેલા મકાનના કાટમાળમાંથી બારી, માળિયા, વગેરે જેવા ભાગોને ઊઠાવીને, ક્રેકોવ-પ્લાઝોવના રેલવે સ્ટેશનથી ઝેરોઝોલિમ્સ્કા તરફ જતા મુખ્ય રસ્તા પર ચાલી રહી હતી. એમોન ગેટેની નજર એ સ્ત્રીઓ પર પડી. પિલાર્ઝિકે ખુલાસો કરતાં તેને જણાવ્યું, “આ બધી પ્રોકોસિમ છાવણીની કેદી સ્ત્રીઓ છે. પ્લાઝોવની છાવણી તૈયાર થઈ ગયા બાદ પ્રોકોસિમને તો વિખેરી નાખવમાં આવશે, અને ત્યારે આ મજૂર સ્ત્રીઓ આપ હેર કમાન્ડન્ટના સીધા વહીવટ હેઠળ આવી જશે.” એમોન ગેટેએ અંદાજ લગાવ્યો, કે લાકડાની બારીઓ ઊંચકીને એ સ્ત્રીઓએ એક કિલોમિટરના લગભગ ત્રીજા ભાગ જેટલું અંતર કાપવું પડતું હશે. “બધો સામાન છેક ઉપર સુધી ચઢાવાય છે,” કહીને કુન્દેએ પોતાનું માથું, પહેલાં એક ખભા પર અને પછી બીજા ખભા પર ટેકવ્યું, જાણે કહેવા માગતો હોય, કે આમ તો બધું શિસ્તબદ્ધ ચાલે છે, પરંતુ આ રીતે કામ કરવાથી બાંધકામ બહુ ધીમે-ધીમે થઈ રહ્યું છે.

“છાવણી માટે રેલ્વેલાઈનની જરૂર પડશે,” અન્ટર્મસ્ટર્નફ્યૂહરર ગેટેએ કહ્યું. “તેને માટે હું ઓસ્ટબાહનો સંપર્ક કરીશ.”

રસ્તામાં આવતા એક સિનાગોગ અને તેની સાથેના કબ્રસ્તાન પાસેથી તેઓ પસાર થયા. અડધી પડી ચૂકેલી એક દિવાલની પાછળથી, શિયાળાના ક્રૂર ખુલ્લા મોંમાં ઊગેલા તીક્ષ્ણ દાંત જેવા કબ્રસ્તાનના પત્થરો દેખાઈ રહ્યા હતા. છાવણીની જગ્યાનો થોડો હિસ્સો છેક હમણાં સુધી યહૂદીઓના કબ્રસ્તાન તરીકે વપરાતો હતો. “આ કબ્રસ્તાન તો બહુ મોટું છે.” વિહેલ્મ કુન્દે બોલ્યો. જવાબમાં કમાન્ડન્ટ ગેટેએ મશ્કરી કરતાં જે વાક્ય કહ્યું, એ પ્લાઝોવના તેના વસવાટ દરમ્યાન વારંવાર તેના હોઠ પર આવવાનું હતું. “જમીનમાં દટાવા માટે એમણે આટલે દૂર આવવાની કોઈ જરૂર નથી!”

જમણી બાજુએ આવેલું એક મકાન કમાન્ડન્ટ માટે કામચલાઉ રહેઠાણ તરીકે કામ લાગે તેમ હતું. તેની બાજુમાં આવેલું મોટું મકાન વહીવટી કેન્દ્ર તરીકે કામ લાગે તેમ હતું. ડાયનેમાઇટ વડે લગભગ અડધું ઊડાવી દેવાયેલું સિનાગોગનું કબ્રસ્તાન છાવણીની ઘોડાર તરીકે કામ લાગે તેવું હતું. કુન્દેએ જણાવ્યું, કે છાવણી વિસ્તારમાં આવેલી ચૂનાની બે ખાણો છેક અહીંથી દેખાતી હતી. એક નાની ખાણ ખીણના છેક તળીયે આવેલી હતી, જ્યારે બીજી ખાણ સિનાગોગની પાછળની ટેકરી પર આવેલી હતી. ટ્રોલી માટે બીછાવવામાં આવી રહેલા પાટા કદાચ કમાન્ડન્ટને દેખાયા જ હશે. ભવિષ્યમાં એ પાટા પત્થરોને લઈ જવા માટે વપરાવાના હતા. એક વખત વાતાવરણમાં સુધારો થાય કે તરત જ પાટા નાખવાનું કામ ફરીથી શરૂ થઈ જવાનું હતું.

કાર લઈને તેઓ નવી બંધાઈ રહેલી છાવણીના દક્ષિણ-પૂર્વ છેડા સુધી પહોંચી ગયા. બરફમાં બની ગયેલી એક કામચલાઉ કેડી પર થઈને તેઓ ક્ષિતિજની સમાંતરે આગળ ચાલ્યા. એક સમયે ઓસ્ટ્રિયન મિલિટરી અર્થવર્ક તરીકે વપરાતી જગ્યાએ પહોંચીને એ કેડી પૂરી થઈ ગઈ. અહીં એક પહોળા-ઊંડા ખાડાની ફરતે એક ગોળાકાર ટેકરો હતો. કોઈ તોપચીની નજરે જોતાં એ જગ્યા કોઈ મહત્વની મોરચાબંધી જેવી લાગતી હતી, જ્યાંથી તોપમારો કરીને રશિયા તરફ જતા રસ્તાનો વિનાશ કરી શકાય તેમ હતું! પરંતુ અન્ટર્સ્ટર્મફ્યૂહરર ગેટેને તો એ જગ્યા, ગેરશિસ્ત કરવા બદલ કોઈ કેદીને સજા દેવા માટે વધારે યોગ્ય લાગતી હતી. અહીંથી છાવણીનો આખો વિસ્તાર જોવા મળતો હતો.

બે ટેકરીઓની વચ્ચે આવેલા યહૂદી કબ્રસ્તાનની એ જગ્યા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હતી. દૂરથી જોતાં, કોઈ વિશાળ પુસ્તકના કોરા પૃષ્ઠોમાંથી બે પૃષ્ઠો ખોલીને, પુસ્તકને એક ચોક્કસ ખૂણે આડું પાડીને લોકોને દેખાય એ રીતે ગોઠવવામાં આવ્યું હોય એવું દૃશ્ય બનતું હતું. ભૂખરા રંગના પત્થરોનું બનેલું એક કાચું મકાન ખીણના પ્રવેશમાં જ ખોડાયેલું ઊભું હતું, અને તેનાથી આગળ ઢોળાવને છેડે તૈયાર થઈ ગયેલા કેટલાક લશ્કરી આવાસોની નજીક, બરફાચ્છાદિત સાંજના અદ્ભુત લાગતા ઝાંખા અજવાળામાં સંગીતનાં કાળાં સ્વરચિહ્નો સમી ભાસતી સ્ત્રીઓનું એક જૂથ જઈ રહ્યું હતું. એ જૂથ જેરોઝોલિમ્સ્કાની પેલે પારની સાંકડી કેડીઓ પરથી આવી રહ્યું હતું. ઉતાવળ કરાવી રહેલા યુક્રેનિયન ચોકિયાતોની દોરવણી હેઠળ, મહામહેનતે સફેદ ઢોળાવને પાર કરીને એ સ્ત્રીઓ, પોતાના ગંતવ્યસ્થાને પહોંચીને વાંકી કિનારવાળી લશ્કરી હેલમેટ અને સિવિલ ડ્રેસ પહેરેલા એસએસ ઇજનેરોની સૂચના મુજબ બારીના ચોકઠા ઠાલવી રહી હતી. પરંતુ તેમના કામ કરવાની ઝડપની એક મર્યાદા હતી. ગેટેએ વિચાર્યું, કે જ્યાં સુધી સૈનિકો માટેની બેરેકો, ચોકી માટેના બુરજો અને અને વાડ તૈયાર થઈ ન જાય થાય, ત્યાં સુધી વસાહતના માણસોને અહીં ખસેડી શકાય તેમ ન હતું. પોતાની સાથેના લોકોને વિશ્વાસમાં લેતાં ગેટેએ કહ્યું, કે કેદીઓ જે ઝડપે કામ કરી રહ્યા છે તેના તરફ તેને કોઈ ફરિયાદ નથી! આવા સખત ઠંડા દિવસોમાં અને આવા ઢોળાવો પર એસએસના માણસો અને યુક્રેનિયનો થાકી જતા હતા; તે છતાં, ભોજન માટે કે પછી પોતપોતાના ઘરની હુંફમાં પાછા પહોંચી જવા ખાતર કેદીઓ પોતાનું કામ પડતું મૂકી દે અથવા બાંધકામની ઝડપ ધીમી પાડી દે એ તેઓ ચલાવી લેતા ન હતા. એમોન એ જોઈને અંદરથી તેમનાથી પ્રભાવિત પણ થયો હતો.

હોર્સ્ટ પિલાર્ઝિકે ગેટેને ખાતરી આપી, કે દેખાતું હતું તેના કરતાં કામ ઘણું પૂરું થઈ ગયું હતું. જમીન સપાટ કરી દેવામાં આવી હતી, ઠંડી હોવા છતાં પાયા ખોદાઈ ગયા હતા, અને સેક્શનો પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈને રેલવે સ્ટેશનથી આવી ગયા હતા. અંટર્મસ્ટર્મફ્યૂહરર ઈચ્છે તો આવતી કાલે વેપારીઓને પણ મળી શકશે, કારણ કે આવતીકાલે સવારે દસ વાગ્યે મિટિંગ નિશ્ચિત થઈ હતી. પરંતુ જો શ્રમિકોનો મોટો જથ્થો મળી જાય, નવી પદ્ધતિઓને અમલમાં મૂકવામાં આવે, અને વાતાવરણ પણ સારું રહે, તો આ જગ્યા રાતોરાત ઊભી થઈ શકે તેમ હતી. પિલાર્ઝિકને લાગ્યું કે ગેટે તેની વાત સાંભળીને નિરાશ થઈ જશે! પરંતુ ગેટે ખૂબ જ આનંદિત થઈ ગયો હતો. એ જે કંઈ જોઈ રહ્યો હતો, તેના પરથી તો એમ જ લાગતું હતું કે આ જગ્યાનો આખરી દેખાવ કેવો હશે તેની કલ્પના એ બરાબર કરી શકતો હશે! તે ઉપરાંત વાડ બનાવવાની પણ તેને કોઈ ચિંતા હોય એવું લાગતું ન હતું. તેની દૃષ્ટિએ, અહીંની વાડ કેદીઓને કોઈ ખાસ સલામતી આપવા કરતાં, તેમને માટે માત્ર માનસિક રાહત જેવી પૂરવાર થવાની હતી! કારણ કે સફાયો બોલાવવાની એસએસની કુખ્યાત રીતને પોજોર્ઝની વસાહત ઉપર અમલમાં મૂક્યા પછી ત્યાંના લોકો એટલા ત્રાસી જવાના હતા, કે પ્લાઝોવમાં બની રહેલા આ લશ્કરી આવાસોમાં આશ્રય મળવા બદલ એ લોકો એમોનના આભારી બની જશે! લીલાછમ હિમાચ્છાદિત વૃક્ષોવાળી આ જગ્યાએ આર્યન દસ્તાવેજો ધરાવતા યહૂદીઓ પણ માથું ઢાંકવા માટે જગ્યા શોધતાં ધુંટણિયે પડીને આવશે! એ બધા માટે તારની વાડ માત્ર એક જ ગરજ સારશે! વાડને કારણે ભવિષ્યમાં તેઓ પોતાની જાતને એવું બહાનું આપી શકશે, કે તેમને પોતાની મરજી વિરૂદ્ધ કેદ પકડવામાં આવ્યા હતા!

બીજા દિવસે ક્રેકોવમાં આવેલી જુલિયન સ્કર્નરની ઑફિસમાં ફેક્ટરીઓના યહૂદી માલીકો અને જર્મન નિરીક્ષકો વચ્ચે મુલાકાત યોજાઈ. ખાસ પોતાના કદ-કાઠી મુજબ સીવાઈને આવેલા જર્મન એસએસ યુનિફોર્મમાં સજ્જ થઈને ભાઈચારાભર્યા સ્મિત સાથે એમોન મુલાકાતના સમયે આવી પહોંચ્યો. તેના દેખાવથી કમરામાં તદ્દન જુદો જ પ્રભાવ પડી રહ્યો હતો. ફેક્ટરીઓમાં કામ કરતા યહૂદી કર્મચારીઓને વસાહતમાંથી કાઢીને વાડાબંધ લશ્કરી છાવણીઓમાં મોકલી આપવા માટે બૉસ, મેડરિટ્સ અને શિન્ડલર જેવા સ્વતંત્ર વ્યાવસાયિકોને મનાવી શકાશે તેવો તેને વિશ્વાસ હતો. ઉપરાંતમાં વસાહતમાં રહેતા યહૂદીઓની કુશળતા બાબતે તપાસ કર્યા પછી તો તેને ખાતરી થઈ ગઈ હતી, કે પ્લાઝોવની છાવણીમાં જ બહુ નફાકારક ધંધો થઈ શકે તેમ હતો! અહીં તો ઝવેરી, સુતાર, દરજી, વગેરે જેવા કેટલાયે કારીગરો મોજુદ હતા, જેને કમાન્ડન્ટની સીધી દોરવણી હેઠળ, ખાસ-ખાસ વ્યવસાયો માટે કામે લગાડીને એસએસ, જર્મન લશ્કર અને સમૃદ્ધ જર્મન અધિકારીગણની માંગ પૂરી કરી શકાય તેમ હતું. મેડરિટ્સનો કપડા સીવવાનો વ્યવસાય, શિન્ડલરની એનેમલ ફેક્ટરી, નવી બની રહેલી એક ધાતુની ફેક્ટરી, એક બ્રશની ફેક્ટરી, રશિયન મોરચેથી પરત મોકલવામાં આવેલા જર્મન લશ્કર દ્વારા વપરાયેલા, નુકસાન થયેલા, કે ડાઘવાળા યુનિફોર્મનો પુનઃ ઉપયોગ કરવાનું વેરહાઉસ, વસાહતમાંથી મળેલા યહૂદીઓના કપડાંને અલગ પાડીને બોમ્બમાં ઘવાયેલા કુટુંબો માટે પાછા મોકલવા માટેનું અલાયદું વેરહાઉસ, વગેરે કેટલાયે કામો આ છાવણીઓમાં કરી શકાય તેમ હતા. જ્વેલરીના અને ચામડાના વેરહાઉસનો અનુભવ લ્યુબિનમાં એમોનને હતો જ. એ અનુભવના આધારે, અને એસએસની એ કમાણીમાંથી પોતાનો હિસ્સો સેરવી લેતાં પોતાના ઉપરીઓને જોઈને એ એટલું સમજી ચૂક્યો હતો, કે જેલની અંદર થતાં આ બધા જ કામકાજમાંથી તેને અંગત ફાયદો થઈ શકે તેમ હતો. કારકિર્દીના એક બહુ જ મજાના તબક્કે એ પહોંચી ગયો હતો, જ્યાં ફરજ બજાવવાની સાથે-સાથે તેના માટે આર્થિક ફાયદાની તકો પણ ઉપલબ્ધ હતી. મજાકિયા સ્વભાવના એસએસ પોલીસવડા જુલિયન સ્કર્નરે હજુ આગલી રાત્રે ભોજન વેળાએ જ, એમોન જેવા યુવાન અધિકારીઓ માટે પ્લાઝોવ કેવડી મોટી તક હોવાની વાત તેની સાથે કરી હતી! સ્કર્નરે ફેક્ટરી માલીકો સાથે મિટિંગ શરૂ કરી. એસએસ અધિકારીઓએ કોઈ નવો જ સિદ્ધાંત શોધી કાઢ્યો હોય એ રીતે એ મિટિંગમાં બહુ જ ગંભીરતાપૂર્વક તેણે “કેદીઓના કોન્સન્ટ્રેશન” અંગે વાત કરી. “તમારા મજૂરો તમને કામની જગ્યાએ જ મળી રહેશે,” સ્કર્નરે જણાવ્યું. તમારી ફેક્ટરીઓનું સમારકામ કોઈ પ્રકારના ખર્ચ લીધા વિના જ કરી આપવામાં આવશે, અને છાવણીની આ જગ્યાનું પણ કોઈ જ ભાડું લેવામાં નહીં આવે.” બધા જ ફેક્ટરી માલીકોને પ્લાઝોવની છાવણીમાં બનાવેલા વર્કશોપનું નિરીક્ષણ કરવા એ સાંજે જ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.

એ પછી ફેક્ટરી માલિકો સાથે નવા કમાન્ડન્ટની ઓળખાણ કરાવવામાં આવી. યુદ્ધમાં વેપારીઓએ જે કિંમતી ફાળો આપ્યો હતો તેની વાત બધા જ અધિકારીઓ સારી રીતે જાણતા હતા. કમાન્ડન્ટે વેપારીઓને એ પણ જણાવ્યું કે તેમને મળીને પોતાને કેટલો આનંદ થયો હતો.

એમોને ફેક્ટરીઓ માટે અલગ રાખેલી જગ્યાઓ છાવણીના નકશા પર ચીંધી બતાવી. પુરૂષોના રહેઠાણની છાવણીની બાજુમાં જ ફેક્ટરીઓ માટે જગ્યા ફાળવવામાં આવી હતી. હળવાશભર્યા મોહક સ્મિત સાથે એણે કહ્યું, “સ્ત્રીઓએ વર્કશોપ પહોંચવા માટે ટેકરીઓ પરથી બસો-ત્રણસો મિટર જેટલું વધારે ચાલવું પડશે.” એણે બધા મહેમાનોને જણાવ્યું, “મારું પોતાનું મુખ્ય કામ તો છાવણીનું સંચાલન સરળતાથી ચાલે એ જોવાનું જ રહેશે. વેપારીઓની ફેક્ટરીઓની નીતિઓમાં માથુ મારવાનો અથવા ક્રેકોવમાં સંચાલનના જે અધિકારો તેઓ ભોગવી રહ્યા છે તેમાં ફેરફાર કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી. મને જે હુકમો મળ્યા છે, તેમાં આ પ્રકારના અતિક્રમણ વિરુદ્ધ વિગતવાર લખેલું હોવાની સાહેદી ઓબરફ્યૂહરર સ્કર્નર આપી શકશે. પરંતુ ઓબરફ્યૂહરરે જણાવ્યું એમ, ઉદ્યોગોને છાવણીની સરહદની અંદર લઈ આવવાથી બંને પક્ષને ફાયદો થશે એ હકીકત છે. ફેક્ટરીના માલીકો જો પોતાની ફેક્ટરી આ લશ્કરી છાવણીની અંદર લઈ આવવા તૈયાર હોય, તો ફેક્ટરીની જગ્યાનું કોઈ જ ભાડું તેમણે ચૂકવવાનું રહેશે નહી, અને અમારે ગામમાં આવેલી તમારી ફેક્ટરીઓ સુધી કેદીઓને લાવવા-લઈ જવાના સમયે ચોકીદાર આપવાની જરૂર નહીં રહે! એક તો કેદીઓ સાથે આવ-જા કરવા માટે એ રસ્તો ઘણો લાંબો છે, અને ઉપરાંતમાં, પોલિશ લોકોની યહૂદીઓ પ્રત્યેની દુશ્મનાવટને કારણે કામના કેટલાયે કર્મચારીઓને તમારે ગુમાવવા પડ્યા છે, તે તો તમે પણ જાણતા જ હશો.” આખાયે ભાષણ દરમ્યાન કમાન્ડન્ટ ગેટે, વારંવાર મેડરિટ્સ અને શિન્ડલર તરફ જોઈ લેતા હતા, જેમને સહમત કરવાની તેમને ખાસ ઇચ્છા હતી. બૉસની સ્થાનિક જાણકારી અને તેની સલાહ પર આધાર રાખી શકવાની એમોનને ખાતરી હતી. પરંતુ હેર શિન્ડલર પાસે હતો એ વિભાગ ભલે નાનકડો અને હજુ તો પ્રાયોગિક ધોરણે ચાલતો હોય, પરંતુ છેવટે એ યુદ્ધસામગ્રી બનાવવાનો વિભાગ હતો. એ વિભાગને પ્લાઝોવમાં લઈ આવવામાં જો સફળતા મળે, તો યુદ્ધસામગ્રી મંત્રાલય પાસે પ્લાઝોવ છાવણીની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી જાય તેમ એમોનને લાગતું હતું.

તેની વાત સાંભળતી વેળાએ મેડરિટ્સના ચહેરા પર થોડી નાખુશી દેખાઈ આવતી હતી, જ્યારે શિન્ડલર ગર્ભિત સ્મિત સાથે તેની વાત સાંભળી રહ્યો હતો. પોતાનું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં જ, કમાન્ડન્ટ ગેટે સહજ રીતે કહી શકે તેમ હતો, કે મેડરિટ્સ ચોક્કસ તેની સાથે આવી જશે, અને શિન્ડલર અસહમત થશે! આ બંને અલગ-અલગ નિર્ણયો વચ્ચે એ કળવું મુશ્કેલ હતું, કે બેમાંથી કોને યહૂદીઓ પ્રત્યે પૈતૃકભાવ હતો? પોતાના યહૂદી કારીગરો સાથે પ્લાઝોવની જેલ છાવણીમાં આવી જવા ઇચ્છુક મેડરિટ્સ? કે પછી યહૂદીઓ પોતાની સાથે એમિલિયામાં જ રહે એવું ઇચ્છનાર શિન્ડલર?

એ જ ઉત્સુક અને સહિષ્ણુ ચહેરા સાથે ઓસ્કર શિન્ડલર ટોળાની સાથે છાવણીના સ્થળ નિરીક્ષણ માટે ગયો. પ્લાઝોવની રૂપરેખા હવે સ્પષ્ટ રીતે કોઈ લશ્કરી છાવણી જેવી દેખાતી હતી… વાતાવરણમાં સુધારો થવાને કારણે લશ્કરી આવાસોના બાંધકામમાં થોડી સરળતા થઈ ગઈ હતી. બરફ પીગળી જવાને કારણે શૌચાલય અને વાડ બનાવવા માટે ખાડા ખોદવાનું શક્ય બન્યું હતું. એક પોલિશ બાંધકામ કંપનીએ માઈલો લાંબી વાડ બાંધી દીધી હતી. છાવણીના દૂરના છેડે અને તેઓ ઊભા હતા એ ઉપરના ભાગે, ક્રેકોવ અને વેલિક્ઝા તરફ પડતી નીચેની ખીણના પ્રવેશદ્વારના રસ્તે પૂર્વીય ટેકરી પર બનાવેલા જાડા-જાડા થાંભલાવાળા નિરીક્ષણ બૂરજ ક્ષિતિજને આંબી રહ્યા હતા. ટેકરી પરના ઓસ્ટ્રિયન કિલ્લાના પડછાયે ઊભેલું આ મુલાકાતી જૂથ ઝપાટાબંધ ચાલી રહેલા કામકાજને નીરખી રહ્યું હતું. ઓસ્કરે નોંધ્યું, કે જમણી દિશામાં દૂર-દૂર, કાદવથી ખરડાયેલા પાટાને ઊંચકીને સ્ત્રીઓ રેલવેની દિશા ભણી જઈ રહી હતી. પાટાની સાથે આવાસ બાંધકામ માટેની વજનદાર ચીજવસ્તુઓ લટકતી હતી. નીચેની દિશામાં, ખીણની છેક તળેટીથી લઈને ઉપર દૂર-દૂર સુધી પુરૂષ કેદીઓ મકાનો ચણી રહ્યા હતા. બાંધકામના, અને જબરદસ્ત તાકાત સાથે હથોડા પડવાના દૂર-દૂરથી આવી રહેલા અવાજો જાણે આ કામમાં પોતાની સહમતીનો આભાસ આપી રહ્યા હતા!

એ જગ્યાની બરાબર નજીક, લાકડાના તૈયાર મકાનો ઉદ્યોગો સ્થાપવા માટે તૈયાર હતા. ભારે મશીનરીની સ્થાપના કરવા માટે જમીન પર સિમેન્ટ પાથરવો પડે તેમ હતો. પ્લાન્ટની મશીનરીની હેરફેર એસએસ પોતે જ કરી આપવાની હતી. અહીં સુધી આવવા-જવા માટેનો રસ્તો ગામડાના નાનકડા ચીલાથી થોડોક જ મોટો હતો, પરંતુ છાવણી માટે પહોળો રસ્તો બાંધવા માટે ક્લગની એક ઇજનેરી કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો; અને છાવણીથી જમણી બાજુએ નીચે છેક ખાણ સુધી રેલવેના પાટા નાખી આપવાની ખાતરી ઓસ્ટબાહ્ને આપી હતી. ખાણમાંથી નીકળતા ચુનાના પત્થરો અને ગેટે જેને ‘પોલિશ કુરૂપતા’ કહેતો હતો તે કબરના પત્થરોને ભાંગીને છાવણીની અંદર રસ્તાઓ બનાવવામાં આવવાના હતા. ગેટેના કહેવા મુજબ, રસ્તાઓ બાબતે ઉદ્યોગમાલિકોએ ચીંતા કરવાની કોઈ જરર ન હતી, કારણ કે ખાણમાં કામ કરવા માટે, અને રસ્તા બનાવવા માટે કાયમી કામદારો રોકવાનું આયોજન તેમણે વિચારી લીધું હતું.

પત્થરોની હેરફેર માટેની ટ્રોલી ચલાવવા એક નાનકડો રેલ રોડ તો તૈયાર પણ થઈ ગયો હતો. ખાણમાંથી નીકળીને, વહીવટી મકાન પાસે થઈને એસએસ અને યુક્રેનિયન ટૂકડી માટે બંધાનારી બેરેકો પાસેથી એ રેલ રોડ પસાર થતો હતો. ચુનાના પત્થર માટેની છ ટન વજનવાળી ટ્રોલીને પાંત્રીસ-ચાળીસ સ્ત્રીઓની ટોળી ધકેલતી હતી. ઊંચી-નીચી રેલવેલાઈનની સમતુલા જાળવવા માટે, પત્થરોથી ભરેલી ટ્રકની બંને બાજુએ બાંધેલા તારને સ્ત્રીઓ ખેંચી રાખતી હતી. એમ કરવા જતાં કોઈ સ્ત્રી પડી જાય, તો કાં તો બીજી સ્ત્રીઓના પગ નીચે કચડાઈ જતી હતી, અથવા તો તેને રસ્તામાંથી હટાવી દેવામાં આવતી હતી! કારણ કે એ જુથમાં એક પ્રકારનો એવો આગવો જૈવિક આવેગ હતો જેને કોઈ રોકી શકે તેમ ન હતું! ધીમે-ધીમે ચાલતી ઈજિપ્સિયન જેવી લાગતી એ સ્ત્રીઓને જોઈને ઓસ્કરને ફરીથી એ જ ધૃણાનો ઉભરો આવવાનો અને લોહી ઉકળી ઉઠવાનો અનુભવ થયો, જેવો અનુભવ તેને ક્રેકુસા સ્ટ્રીટની ઉપરવાસની ટેકરી પર ઊભા-ઊભા થયો હતો! ગેટે તો આ વેપારીઓને પોતાના આધ્યાત્મિક પ્રવચનના શ્રોતા જ માનતો હતો, અથવા તો પોતાના ધંધાભાઈ! નીચે ચાલી રહેલી એ ઘાતકી ખેંચતાણની એમોનને કોઈ જ શરમ ન હતી. ક્રેકુસા સ્ટ્રીટની માફક જ અહીં પણ એક પ્રશ્ન ઉદ્ભવતો હતોઃ એસએસને કઈ બાબતે શરમ આવે તેમ હતી? એમોનને કઈ બાબતની શરમ આવે તેમ હતી?

આવાસો બાંધી રહેલા મજૂરોનો ઉત્સાહ ઉપર-ઉપરથી તો પોતાની સ્ત્રીઓ માટે મકાન બનાવવા માટે તનતોડ મહેનત કરતા પુરુષો જેવો લાગતો હતો! ઓસ્કર જેવા અંદરની વાતો જાણનારને પણ બહારથી તો એવો જ આભાસ થતો હતો! પરંતુ ઓસ્કરે હજુ સુધી જે અફવા સાંભળી ન હતી તે પ્રમાણે, એમોને કામ કરવાવાળા મજૂર યહૂદીઓ પર દાખલો બેસાડવા માટે એ દિવસે સવાર-સવારમાં જ એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી, જેને કારણે કેદીઓ અહીં મજૂરી કરવાની શરતો બરાબર સમજી ગયા હતા! એ દિવસે વહેલી સવારે ઇજનેરોની મુલાકાત લીધા પછી, જેરોઝોલિમ્સ્કા તરફ ટહેલવા જતી વેળાએ એમોન એસએસના આવાસો તરફ જઈ પહોંચ્યો. અહીં એક નિષ્ણાત જર્મન નિરીક્ષક એલ્બર્ટ હુજરના નિરીક્ષણ હેઠળ કામ ચાલી રહ્યું હતું. થોડા સમયમાં તેને અધિકારી તરીકેનું પ્રમોશન પણ મળવાનું હતું. હુજરે કૂચ કરતાં એમોન પાસે જઈને પોતાના કામનો અહેવાલ રજુ કર્યો. આવાસોના પાયાનો એક ભાગ તૂટી પડ્યાના સમાચાર એણે એમોનને નીચા મોંએ આપ્યા. બરાબર એ જ સમયે એમોને એક યુવતીને અડધા બનેલા મકાન પાસે ચાલતી જોઈ. પોતાની પાસે ઊભેલા કામદારોને એક જગ્યાએ આંગળી ચીંધીને કંઈક બતાવતાં એ યુવતી વાત કરી રહી હતી. “એ કોણ છે?” એણે હુજરને પૂછ્યું. હુજરે જવાબ આપ્યો, કે એ આર્કિટેક ઇજનેર ડાયેના રિટર નામની એક યહૂદી કેદી હતી, અને આવાસોના બાંધકામનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. યુવતીના કહેવા મુજબ પાયાનું ખોદકામ બરાબર થયું ન હતું. યુવતી ઇચ્છતી હતી, કે બધા જ પત્થરો અને સિમેન્ટ હટાવી દઈને, મકાનના એ ભાગનું બાંધકામ ફરીથી શરૂ કરવામાં આવે. હુજરના ચહેરાના રંગ પરથી ગેટેને ખ્યાલ આવી ગયો, કે એ યહૂદી યુવતી સાથે હુજરને ખાસ્સી દલીલો થઈ હશે. અને હકીકતે હુજરે છોકરી સામે ગુસ્સામાં બરાડા નાખીને કહ્યું હતું, “તું લશ્કરી આવાસો બનાવી રહી છે, આધુનિક હોટેલ યુરોપા નહીં!”

હુજરની વાત સાંભળીને એમોને તેની સામે સ્મિત કર્યું. “આપણે આ યહૂદીઓ સાથે દલીલો કરવાની કોઈ જરૂર નથી,” હુજરને સધિયારો આપતાં એણે કહ્યું. “બોલાવ એ છોકરીને મારી પાસે.”

યુવતીને પોતાની પાસે આવતી જોઈને એમોનને લાગ્યું, કે જે છીછરા સંસ્કારો સાથે મધ્યમવર્ગી યહૂદી મા-બાપે તેને ઉછેરીને યુરોપિયન સંસ્કારોનો રંગ ચડાવ્યો હતો તે જોતાં, પોલેન્ડના એક પણ પ્રામાણિક માણસે પોતાની યુનિવર્સિટીમાં તેને દાખલ નહીં કરી હોય; અને એટલે જ જરૂર તેના મા-બાપે તેને વિયેના કે મિલાન મોકલીને આ ઊંચી ડીગ્રી તેને અપાવી દીધી હશે જેથી તેને આ વ્યવસાયનો ટેકો મળી રહે! અને આ વ્યવસાયે વળી તેના ગુમાનમાં એક ઓર રંગ ચડાવ્યો હશે! યુવતી એમોન તરફ એવા ભાવ સાથે આવી રહી હતી, જાણે તેની ડીગ્રીને કારણે એમોન હમણાં તેના વખાણ કરશે, અને આ ગમાર લશ્કરી અધિકારી હુજર, અથવા જે કોઈ એસએસ અધિકારીએ પાયાના ખોદકામનું નબળું નિરીક્ષણ કર્યું હશે તેની ખબર લઈ નાખશે! પરંતુ તે નહોતી જાણતી, કે એમોનને તો તેના તરફ નફરત જ હતી! એમોન એવા દરેક માણસને ધિક્કારતો હતો, જેઓ એસએસનો ગણવેશ અને પોતાની નજર સામે ઊભા થઈ રહેલા આવા વિશાળ બાંધકામ જેવા પુરાવાઓ જોવા છતાંયે, જર્મન અધિકારીને મદદ કરીને પોતાના યહૂદી હોવા પ્રત્યે સહાનુભૂતી મેળવવા માગતા હોય, પોતાના બચાવનો રસ્તો શોધી રહ્યા હોય!

“તારે ઓબર્સ્કાર્ફ્યૂહરર હુજર સાથે ઝગડો થયો છે,” ગેટેએ એ યુવતી સાથે સીધી જ વાત કરી. યુવતીએ માથું હલાવીને હા પાડી! તેને આશા હતી, કે મૂર્ખ હુજર ભલે ન સમજતો હોય, પરંતુ કમાન્ડન્ટ જરૂર તેની વાતનો અર્થ સમજશે! “આ મકાનનો પાયો ફરીથી આખો ખોદાવવો પડે એમ છે,” ઉત્સાહપૂર્વક એણે કમાન્ડન્ટને સમજાવ્યું. પરંતુ એમોન તો એમ જ માનતો હતો, કે યહૂદીઓને કામ ધીમુ થાય તેમાં જ રસ હોય છે! પ્રોજેક્ટ ચાલે ત્યાં સુધી મજૂરોની જિંદગી સલામત રહે એ જ તેમનું લક્ષ્ય છે! યુવતી હજુ પણ તેને કહી રહી હતી, “બધું જ ખોદકામ ફરીથી કરવામાં નહીં આવે તો છેવટે આવાસોનો દક્ષિણી ભાગ તો નમી જ જવાનો, કદાચ તૂટી પણ પડે…” એ દલીલો કરતી રહી, અને એમોન તેની સામે માથું હલાવતાં એવું વિચારતો રહ્યો, કે એ કદાચ જુઠ્ઠું બોલી રહી છે! એમોનનો પહેલો સિદ્ધાંત તો એ જ હતો, કે યહૂદી નિષ્ણાતની વાત ક્યારેય માનવી નહીં. યહૂદી નિષ્ણાતો કાર્લ માર્કસના ઢાંચામાં ઢળેલા હતા, જેમના સિદ્ધાંતોનું લક્ષ્ય, જર્મન સરકારની ન્યાયનિષ્ઠાનો વિરોધ કરવાનું હતું! તેમના પર ફ્રોઇડની અસર હતી, જેણે આર્યન માનસની ન્યાયનિષ્ઠાનું અપમાન કર્યું હતું! યુવતીની દલીલો એમોનને પોતાની અંગત ન્યાયનિષ્ઠા સામેના પડકાર જેવી લાગી.

એણે હુજરને બોલાવ્યો. હુજર સંકોચ સાથે એમોન પાસે આવ્યો. તેને લાગ્યું કે એમોન તેને એ યુવતીની સલાહ માનવાનું કહેશે. પેલી યુવતીને પણ એમ જ લાગ્યું. “એને શૂટ કરી દે.” એમોને હુજરને કહ્યું. હુજરને તેનો હુકમ સમજતાં ખાસ્સી વાર લાગી. “એને શૂટ કરી દે.” એમોને ફરીથી કહ્યું. હુજરે છોકરીનું બાવડું પકડ્યું, અને ગોળી મારવા માટે કોઈક અજ્ઞાત સ્થળે લઈ જવા માટે તેને આગળ કરી. “અહીં જ…” એમોને કહ્યું. “એને અહીં જ શૂટ કર, મારી નજર સામે જ!”

હુજર જાણતો હતો કે એણે શું કરવાનું છે. એણે યુવતીને બાવડેથી પકડીને ધક્કો મારીને પોતાની સામે થોડે દૂર ઊભી રાખી, પોતાના હોલ્સ્ટરમાંથી મોઝર પિસ્તોલ કાઢી અને નાળચું યુવતીની ડોક પર મૂક્યું, અને ગોળી છોડી દીધી!

ડાયેના રિટર અને તેને મારનારા સિવાયના બધા જ લોકો ગોળીબારના અવાજથી ફફડી ઊઠ્યા. ડાયેના નીચે ગબડી પડી, અને છેલ્લે-છેલ્લે એક વખત એણે પોતાની નજર ઊંચી કરી. જાણે એમોનને કહી રહી હોય, કે આનો બદલો તને જરૂર મળશે! તેની આંખોમાં ચમકતી પ્રતિભાથી એમોનના મનમાં ડરનો ફફડાટ તો જરૂર થયો, પરંતુ મનોમન એ પોતાના કાર્યને ઉચિત ઠેરવતાં ગર્વ અનુભવતો રહ્યો. તેને કોઈ અંદાજ પણ ન હતો, કે તેણે માન્યું પણ ન હોત, ડાયેનાના આવા પ્રતિભાવોનો એક ચોક્કસ અર્થ થતો હતો! એ તો જાણે એવું માનતો હતો, કે આવું કરવાની અનિવાર્ય અને આનંદોલ્લાસભરી એક તક તેને મળી ગઈ હતી! અને સાથો-સાથ રાજકીય, વંશીય અને સામાજિક ન્યાયનું કોઈક મહાન કાર્ય પોતે કરી રહ્યો હોવાનો તેને ગર્વ હતો! જોકે, પગારના બદલામાં આવાં કાર્યો કરતી વેળાએ તો તે એ એ પળોને મન ભરીને માણી લેતો હતો, પરંતુ પછી એક ખાલીપો તેને એવો ભીંસી નાખતો હતો, જેના ઝપાટામાં તૃણની માફક ઊડી જવાનો ડર તેને ઘેરી વળતો હતો. એ ડરથી બચવા માટે, એ ખાલિપાના ભાર અને તેની શાશ્વતતા હેઠળ દબાઈ જવાથી બચવા માટે તેણે સાંજ ઢળ્યે ઠાંસી-ઠાંસીને ભોજન, શરાબ અને સ્ત્રીસંગનો સહારો લેવો જ પડતો હતો!

આ બધી જ બાબતો પર વિચાર કરી લીધા પછી, ડાયેના રિટરની હત્યા કરી નાખવાનો, પશ્ચિમથી આયાત કરેલી તેની સનદનો છેદ ઊડાડી દેવાનો એક વ્યવહારુ ફાયદો એમોનને એ મળ્યો, કે પ્લાઝોવમાં રસ્તા કે મકાન બનાવવાના કામમાં લાગેલો કોઈ પણ મજૂર પોતાને જર્મન તંત્ર માટે આવશ્યક માણસ માનવાની ભૂલ ન કરવાનો ન હતો! કારણ કે ડાયેના રિટર જેવી યુવતીને તેનું વ્યાવસાયીક જ્ઞાન પણ બચાવી શક્યું ન હતું! પ્લાઝોવમાં બચીને રહેવા માટેનો એક માત્ર ઉપાય હતો ઝડપભેર અને ચૂપચાપ મજૂરી કર્યા કરવાનો! અને એટલે જ, સ્ત્રીઓએ ક્રેકોવ-પ્લાઝોવ સ્ટેશનેથી મકાન બનાવવા માટેના પડખાં ઊંચકીને ઉપર સુધી પહોંચાડવાનું કામ અને ખાણના પુરુષ મજૂરોએ એ પડખાં જોડી-જોડીને ઝૂંપડાં બનાવવાનું કામ, ડાયેના રિટરની હત્યામાંથી શીખવા મળેલા પાઠ જેટલા જ ભારોભાર જુસ્સા સાથે ચાલુ રાખ્યું હતું!

હુજર અને તેના સાથીદારો હવે જાણતા હતા, કે પ્લાઝોવમાં યહૂદીઓ પાસે કામ કરાવવાની હવે માત્ર એક જ રીત હતી, તત્કાલ હત્યા!

.

આપનો પ્રતિભાવ આપો....