શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૯)
માલગાડીમાં બેસીને બૂડાપેસ્ટથી પાછા ફરતી વેળાએ ઓસ્કર શિન્ડલરે એવી ધારણા રાખી હતી, કે જર્મનો દ્વારા હવે વસાહતને બહુ ઝડપથી સમેટી લેવામાં આવશે. એ જ સમયે વસાહતની સાફસૂફી કરવાનું કામ પૂરું કરવા માટે, અને પ્લાઝોવની વેઠિયા મજૂરોની છાવણીમાં બાકી બચેલા કેદીઓનો હવાલો સંભાળવા માટે એમોન ગેટે નામનો એસએસનો અંટર્સ્ટર્મફ્યૂહરર લ્યૂબિનથી આવી રહ્યો હતો. ગેટે શિન્ડલર કરતાં આઠ મહિના જ નાનો હતો, પરંતુ ઉંમરની સાથે-સાથે તેમની વચ્ચે ઘણી સમાનતા હતી. ઓસ્કરની માફક એ કૅથલિક કુટુંબમાં ઉછર્યો હતો અને તેની જેમ છેક ૧૯૩૮ પહેલા જ, પોતાના લગ્ન-વિચ્છેદ પછી ચર્ચની વિધિઓમાં ભાગ લેવાનું એણે બંધ કરી દીધું હતું. ઓસ્કરની માફક એ પણ ‘રિઅલજિમ્નેશ્યમ’ હાઇસ્કૂલમાંથી ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતક બન્યો હતો. આમ એ એક વ્યવહારુ માણસ હતો, કોઈ વિચારક નહીં; પરંતુ પોતાને તે એક દાર્શનિક માનતો હતો!