ડૉ. સેદલસેકે ઓસ્કરને અગવડભરી મુસાફરીની જે વાત કરેલી, એ સાચી જ ઠરી! મોંઘો ઓવરકોટ પહેરેલો ઓસ્કર પોતાની સૂટકેસમાં સુખસુવિધાઓના એવા-એવા સામાનની સાથે મુસાફરી કરી રહ્યો હતો, જેની મુસાફરીના અંત સુધી કોઈ જરૂર ન પડી. મુસાફરી માટે જરૂરી દસ્તાવેજો તો તેની પાસે હતા જ, પરંતુ એ દસ્તાવેજોનો એ ઉપયોગ કરવા માગતો ન હતો. સરહદ પાર કરતી વેળાએ એ દસ્તાવેજો રજુ કરવા ન પડે તો સારું એવું તેને લાગતું હતું. આમ કરવાથી જરૂર પડ્યે પોતે ક્યારેય હંગેરી ગયો હોવાનો ઇનકાર કરી શકાય.
હંગેરીમાં વેચાણ માટે મોકલવામાં આવી રહેલા પાર્ટીના વર્તમાનપત્ર ‘વોલ્કેશર બેઓબેક્તર’ના થપ્પા ભરેલા માલગાડીના ડબ્બામાં એ ચડ્યો હતો. છાપખાનાની શાહીની ગંધથી ભરેલા ડબ્બામાં જર્મનીના અધિકૃત સમાચારપત્રની મોટા-મોટા અક્ષરોવાળી શૈલીમાં છપાયેલા છાપાંની સાથે પૂરાઈને ઝોલા ખાતો ઓસ્કર, સ્લોવેકિયાના શિયાળુ અણીદાર શિખરો પરથી હંગેરિયન સરહદ પસાર કરીને ડેન્યૂબની ખીણમાં ઊતરી ચૂક્યો હતો.
યુનિવર્સિટી નજીક પેનોનિયામાં તેના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પહોંચ્યાની સાંજે જ બટકો સામુ સ્પ્રિંગમેન અને તેના સહકર્મી ડૉ. રેઝો કેસ્ટનર તેને મળવા આવ્યા. ઍલિવેટરમાં બેસીને શિન્ડલરના કમરામાં જઈ રહેલા બંનેએ અગાઉ શરણાર્થીઓના મોંએ વાતો સાંભળી હતી, પરંતુ શરણાર્થીઓ તો તેમને તુટક-તુટક માહિતીના તાંતણા જ આપી શકે તેમ હતા. હજુ સુધી તેમને સાચા જોખમનો પરીચય થયો ન હતો તેનો અર્થ એ જ હતો કે ત્યાંની ભૂગોળ, તેમની આંતરિક કાર્યપદ્ધતિ અને તેમની સંખ્યા બાબતે તેમને ખાસ કશી જાણ ન હતી. કેસ્ટનર અને સ્પ્રિંગમેનને ઓસ્કર તરફથી ખૂબ જ અપેક્ષાઓ હતી, કારણ કે સેદલસેકની વાત પર ભરોસો મૂકવામાં આવે, તો હોટલના ઉપરના માળે એક કમરામાં બેઠેલો આ સ્યૂટન, તેમને પૂરતી માહિતી અને પોલેન્ડના અત્યાચારો પર પહેલો સંપૂર્ણ અહેવાલ આપી શકે તેમ હતો.
કમરાની અંદર બહુ ટૂંકમાં એકબીજાની ઓળખાણો આપવામાં આવી, કારણ કે સ્પ્રિંગમેન અને કાસ્ટનર વાત સાંભળવા માટે આવ્યા હતા અને શિન્ડલર વાત કરવા માટે અધીર હતો! કોફી પાછળ પાગલ એ શહેરમાં રૂમ સર્વીસને બોલાવીને કોફી અને કેક મંગાવવાની ઔપચારીકતા પણ કરવામાં ન આવી! એ મહાકાય જર્મન સાથે હાથ મિલાવીને કાસ્ટનર અને સ્પ્રિંગમેન બેઠા. પરંતુ શિન્ડલર તો કમરામાં આંટા જ મારતો રહ્યો. ક્રેકોવ અને ત્યાં ચાલી રહેલી કાર્યવાહીની વાસ્તવિકતાઓ ઉપરાંત તેની પાસે જે જાણકારી હતી, એ તેને વસાહતથી આટલે દૂર રહીને પણ વધારેને વધારે પરેશાન કરી રહી હતી. અગાઉ સેદલસેકને ટૂંકમાં માહિતી આપતી વખતે પણ એ આટલો પરેશાન થયો ન હતો! પગ પછાડતાં એ કારપેટ પર આમ-તેમ ચાલતો રહ્યો. નીચેના કમરામાં તેના પગલાનો અવાજ આવતો હશે! ક્રેકુસામાં હત્યાકાંડ કરી રહેલી ટૂકડીના એસએસના પેલા સૈનિકના પગલાં જેવો જ એ અવાજ હતો! કતારના છેડે કૂચ કરતી જઈ રહેલી લાલ બાળકીની નજર સામે બૂટની નીચે બાળકના માથાને કચડી નાખવાનો એ અવાજ…
યહૂદીઓ અને એસએસ તરફથી તેને સાંભળવા મળેલી વાતો, શેરીઓમાં પોતાની સગ્ગી આંખે જોયેલી ઘટનાઓ અને વસાહતની દિવાલની અંદર અને બહાર સાંભળેલી વાતો… ક્રેકોવના એ ક્રૂર પરગણા વિશેની પોતાની અંગત જાણકારીથી એણે વાતની શરૂઆત કરી. સાથોસાથ ડૉ. લિઓન સેલપિટર, ઇત્ઝાક સ્ટર્ન, ડૉ. હિલ્ફ્સ્ટેઇન જેવા વસાહતના રહેવાસીઓના પત્રો પણ પોતાને સાથે લાવ્યો હોવાનું ઓસ્કરે જણાવ્યું. ડૉ. હિલ્ફ્સ્ટેઇનના પત્રમાં ભૂખમરા વિશેનો અહેવાલ હોવાનું જણાવતા શિન્ડલરે કહ્યું, કે “શરીરની ચરબી ખતમ થઈ જાય, પછી ભૂખ માણસના મગજ પર અસર શરૂ કરી દે છે!”
ઓસ્કરે તેમને જણાવ્યું, કે વસાહતોને સમેટી લેવામાં આવી રહી હતી. લોડ્ઝ અને ક્રેકોવની માફક વૉરસો માટે પણ આ બાબત સાચી હતી. વૉરસોની વસાહતમાં પાંચમા ભાગની, લોડ્ઝમાં ત્રીજા ભાગની અને ક્રેકોવમાં અડધી વસ્તી સાફ કરી નાખવામાં આવી હતી. આ બધી વસાહતોમાંથી ઊઠાવી જવામાં આવેલા લોકો આજે ક્યાં હતા? એમાંના કેટલાક મજૂર છાવણીઓમાં હતા, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ ધરાવતી એ છાવણીઓમાંથી ઓછામાં ઓછા ત્રણ પંચમાંશ લોકો ગુમ થઈ ગયા હતા. આવી છાવણીઓ કંઈ અપવાદરૂપ ન હતી! એસએસ દ્વારા તો આવી છાવણીઓને ડેથ કેમ્પનું અધિકૃત નામ જ આપી દેવામાં આવ્યું હતું!
ઓસ્કરે તેમને જણાવ્યું કે પાછલાં કેટલાંક અઠવાડિયાંમાં ક્રેકોવના બે હજાર જેટલા વસાહતીઓને પકડી લઈને, બેલઝેકની ચેમ્બરોને બદલે શહેરની નજીકની મજૂર છાવણીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમાંની એક છાવણી વેલિક્ઝામાં અને એક છાવણી પ્રોકોસિમમાં હતી જે બંને, રશિયન યુદ્ધ મોરચે જતી ઓસ્ટબેહ્ન રેલવેલાઇન ઉપરનાં સ્ટેશન હતાં. વેલિક્ઝા અને પ્રોકોસિમથી આ બંદીઓને કૂચ કરાવીને દરરોજ શહેરના સીમાડે પ્લાઝોવ નામના ગામડામાં લઈ જવામાં આવતા હતા જ્યાં નવી મજૂર છાવણીના પાયા નખાઈ રહ્યા હતા.
શિન્ડલરે જણાવ્યું, કે આવી મજૂર છાવણીમાં રજાનો કોઈ દિવસ હોતો નથી. વેલિક્ઝા અને પ્રોકોસિમની બેરેકો એસએસ અધિકારી હોર્સ્ટ પિલાર્ઝિકની હકૂમત હેઠળ હતી, જેણે ગયા જૂનમાં વસાહતમાંથી સાત હજાર લોકોનો સફાયો કરી નાખીને સારી એવી નામના મેળવી હતી! એ સાફસૂફીમાંથી માત્ર એક કેમિસ્ટ જ પરત ફર્યો હતો. આ બધી મજૂર છાવણીઓ અંગે એક જ વાત સારી હતી, કે તેમાં માણસોની પદ્ધતિસરની હત્યા કરવા માટે કોઈ યાંત્રિક સુવિધાઓ રાખવામાં આવી ન હતી! તેની પાછળ પણ તેમની પાસે એક તાર્કિક આધાર હતો. કેદીઓને જીવતા રાખવા પાછળ ત્યાં આર્થિક કારણ જવાબદાર હતું. વેલિક્ઝા અને પ્રોકોસિમમાંથી કૂચ કરાવીને કેદીઓને વસાહત બનાવવા જેવા જુદી-જુદી યોજનાના કામો કરાવવા માટે લઈ જવામાં આવતા હતા.
વેલિક્ઝા, પ્રોકોસિમ અને પ્લાઝોવ ખાતેની સૂચિત છાવણીઓ ક્રેકોવના પોલીસવડા જ્યુલિઅન સ્કર્નર અને રોલ્ફ ઝરદાની હકૂમત હેઠળ આવતી હતી, જ્યારે ડેથ કેમ્પનું સંચાલન બર્લિન પાસેના ઓરેનિયનબર્ગ ખાતેના એસએસ વહીવટીતંત્ર અને મુખ્ય આર્થિક કચેરી દ્વારા કરવામાં આવતું હતું. ડેથ કેમ્પોમાં પણ કેદીઓને મજૂરની માફક ઉપયોગમાં લેવામાં આવતા હતા, પરંતુ એ કેમ્પોનું મુખ્ય કાર્ય તો તેમની ઘાતકી રીતે હત્યા કરવા ઉપરાંત, તેમના કપડાં, ઝવેરાત કે ચશ્માં, રમકડાં, વગેરે એકઠાં કરવાનું, અને તે ઉપરાંત મૃતકોની ચામડી અને માથાંના વાળનો પણ ઉપયોગ કરી લેવાનું વધારાનું કામ પણ તેઓ કરી લેતા હતા.
હત્યા-છાવણીઓ અને મજૂર-છાવણીઓ વચ્ચેનો ભેદ સમજાવતાં-સમજાવતાં અચાનક શિન્ડલર દરવાજા ભણી ગયો અને ધક્કો મારીને દરવાજો ખોલી નાખીને બહારના ખાલી ખંડને ઉપર-તળે તાકી રહ્યો. “ચોરી-છૂપીથી વાત સાંભળવાની આ શહેરની છાપ હું જાણું છું…” એણે ખુલાસો કર્યો. બટકા સ્પ્રિંગમેન ઊભા થયા અને ઓસ્કર પાસે આવીને તેનો હાથ પકડી લીધો. “પેનોનિયામાં હજુ એટલી ખરાબ પરિસ્થિતિ નથી આવી,” એમણે ધીમા અવાજે ઓસ્કરને જણાવ્યું. “હા, વિક્ટોરિયામાં ગેસ્ટાપોનું પૂરેપૂરું નિયંત્રણ જરૂર છે.”
શિન્ડલરે ફરી એક વખત એ ખંડમાં નજર ફેરવી, દરવાજો બંધ કર્યો, અને કમરાના બીજા છેડે પાછો ફર્યો. બારી પાસે ઊભા રહીને તેણે પોતાનો સંતાપકારી અહેવાલ આગળ વધાર્યો. વસાહતની સફાઈમાં કડકાઈ અને કાર્યદક્ષતા બતાવી શકનાર માણસોને જ વેઠિયા છાવણીઓનું સંચાલન સોંપવામાં આવતું હતું. હત્યાઓ અને મારઝૂડના બનાવો તો અહીં અવારનવાર બનતા રહેતા હતા. ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હતો, અને તેને કારણે કેદીઓ માટેના રાશનમાં પણ કપાત કરવામાં આવતી હતી. પરંતુ ડેથ કેમ્પોમાં જે પ્રકારે મોત નિશ્ચિત હતું, તેના કરતાં તો આ બધી અગવડો ઘણી સારી હતી. મજૂર છાવણીમાં રહેતા લોકોને તો હજુયે થોડી-ઘણી સગવડો મળી રહેતી હતી, અને લોકોને છુટક-છુટક બહાર કાઢીને ચોરીછૂપીથી હંગેરી પણ મોકલી શકાતા હતા.
“એટલે કે, એસએસના માણસો પણ અન્ય પોલીસની માફક જ ભ્રષ્ટાચારી છે, એમ?” બૂડાપેસ્ટ બચાવ સમિતિના સદ્ગૃહસ્થે ઓસ્કરને પૂછ્યું. ઓસ્કરે ગુસ્સા સાથે જવાબ આપ્યો. “મારા અનુભવ પ્રમાણે તો એમાંનો એક પણ માણસ શુદ્ધ નથી.”
ઓસ્કરે વાત પૂરી કરી એ પછી સ્તબ્ધતા ફેલાઈ ગઈ. જો કે કાસ્ટનર અને સ્પ્રિંગમેન તેની વાત સાંભળીને એટલો આઘાત પામ્યા ન હતા! પોતાની આખી જિંદગી એમણે છૂપી પોલીસનાં ધાકધમકી સહન કર્યાં હતાં. તેમની હાલની કામગીરીને પણ કદાચ હંગેરીની પોલીસ દ્વારા શંકાસ્પદ ગણવામાં આવતી હતી, અને સામુના સંપર્કોની મદદ અને લાંચના સહારે જ તેઓ આજ સુધી સુરક્ષિત રહ્યા હતા! તો સાથે-સાથે એ જ સમયે પ્રતિષ્ઠિત યહૂદીઓ પણ તેમની પ્રવૃત્તિઓને ધૃણાની નજરે જોતા હતા. દાખલા તરીકે, યહૂદી સમિતિના પ્રમુખ અને હંગેરિયન સેનેટના સભ્ય સેમ્યુઅલ સ્ટર્ન તો ઓસ્કર શિન્ડલરે આપેલા આ અહેવાલને માત્ર એક વિઘાતક કલ્પના, જર્મન સંસ્કૃતિનું અપમાન અને હંગેરિયન સરકારના ઇરાદાઓની શુદ્ધતા પર ઘા ગણાવીને ફેંકી જ દેવાના હતા! તેઓ એમ જ ગણાવવાના હતા, કે કાસ્ટનર અને સ્પ્રિંગમેનને તો ખરાબ વાતો સાંભળવાની આદત પડી ગઈ છે!
આથી, શિન્ડલરની આ સાહેદી બાદ, સ્પ્રિંગમેન અને કાસ્ટનરના મનની અંદર જે વેદના થઈ રહી હતી, તે તેમના ચહેરા પર દેખાતી ન હતી. પોતે કોની સામે જંગ છેડ્યો છે એ જાણી લીધા પછી પોતાની પાસેના સ્ત્રોતો હવે તેમને વામણા ભાસી રહ્યા હતા. તેઓ સમજી ગયા હતા, કે તેમનો પનારો જેમના વિશે કંઈક ધારણા બાંધી શકાય તેવા જંગલી, કે પછી કોઈ સીધા-સાદા મનુષ્યો સાથે નહીં, પરંતુ સ્વયં મહાદાનવ સાથે પડ્યો હતો. બંને મનોમન વિચાર કરી રહ્યા હતા, કે આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે આગળના પગલા ભરવાની તાતી જરૂર હતી! છાવણી માટે થોડા વધારે ભોજનની વ્યવસ્થા કરવી, બુદ્ધિજીવીઓને બચાવી લેવા, એસએસ તરફથી થોડીક સહાનુભૂતિ મેળવવાના બદલામાં લાંચ આપવી, વગેરે જેવી વ્યક્તિગત આપ-લેની બાબતોથી આગળ વધીને ભલે મોટો ખર્ચ કરવો પડે, તો પણ હવે તો કોઈ ખરેખર મોટી સંગઠિત બચાવ યોજનાનું આયોજન કરવું પડે તેમ હતું!
શિન્ડલર એક ખુરસીમાં બેસી પડ્યો. પોતાની સામે આમ થાકીને સામે બેસી ગયેલા આ ઉદ્યોગપતિની સામે સામુ સ્પ્રિંગમેને જોયું. સ્પ્રિંગમેને તેને સંબોધીને કહ્યું, “તમે તમારી વાત કહીને અમને ખરેખર વિચારતા કરી મૂક્યા છે! તમે જે કંઈ કહ્યુ છે તેનો અહેવાલ અમે ઇસ્તંબૂલ મોકલીશું. પેલેસ્ટિનિઅન ઝિઓનિસ્ટ લોકો અને સંયુક્ત વિતરણ સમિતિ બંનેને આ અહેવાલ જરૂર કોઈક કઠોર પગલાં ભરવા માટે પ્રેરણા આપશે. સાથોસાથ અમારો અહેવાલ ચર્ચિલ અને રૂઝાવેલ્ટની સરકારોને પણ મોકલવામાં આવશે.” સ્પ્રિંગમેને એ પણ જણાવ્યું કે, “તમારી વાતને લોકો માનશે કે નહીં એ બાબતે તમારી ચિંતા એકદમ યાજબી છે. તમે બરાબર જ કહેલું કે આ અકલ્પનીય છે! માટે હું તમને વિનંતી કરું છું કે તમે રૂબરુ ઇસ્તંબૂલમાં આવો, અને ત્યાંના લોકોને આ બધી જ વાતો કહો.” એનેમલવેરના ધંધામાં પોતાની હાજરીની જરૂરિયાતને કારણે, કે પછી આટલા બધા દેશોની સરહદોને વટાવીને જવા બાબતે શિન્ડલર પહેલાં તો થોડું અચકાયો, પરંતુ પછી એ ઇસ્તંબૂલ જવા સહમત થઈ ગયો. વર્ષના અંતે ઇસ્તંબૂલ જવાનું નક્કી કરીને સ્પ્રિંગમેને તેને કહ્યું, “તે દરમ્યાન તમે ક્રેકોવમાં ડૉ. સેદલસેકના નિયમિત સંપર્કમાં રહેજો.”
મુલાકાત પૂરી કરીને ઊભા થતી વેળાએ ઓસ્કરે નોંધ્યું, કે બધાના મોં પરના ભાવો બદલાઈ ગયા હતા. ઓસ્કરનો આભાર માનીને બધા પગથિયાં ઊતર્યા. બુડાપેસ્ટના બે વેપારીઓ, પોતાની પેઢીમાં ચાલતા ગેરવહીવટના સમાચાર સાંભળીને વિચારમાં પડી ગયા હોય એવા મોં સાથે તેઓ છૂટા પડ્યા.
એ રાત્રે ડૉ. સેદલસેકે ઓસ્કરની હોટેલ પર ફોન કર્યો, અને ખીચોખીચ ભરેલી શેરીમાં થઈને તેને હોટેલ ગેલર્ટમાં ભોજન માટે લઈ ગયા. ટેબલ પરથી સામે જ ડેન્યૂબ નદી દેખાતી હતી. નદીની સપાટી પર તરતી પ્રકાશિત નૌકાઓ અને પાણીની પેલે પાર ચમકતા શહેરને પણ તેઓ અહીં બેઠે જોઈ શકતા હતા. યુદ્ધ પહેલાના દૃશ્ય જેવું જ શહેર ભાસતું હતું. શિન્ડલર પણ ફરી એક વખત પોતે કોઈ ટુરિસ્ટ હોવાનું અનુભવી રહ્યો. બપોરથી લઈને છેક રાત સુધી ભૂખ્યા રહેલા ઓસ્કરે, ધીમી-ધીમી ચૂસ્કીઓ સાથે હંગેરીની બૂલ્સ બ્લડ નામથી ઓળખાતી ઘટ્ટ લાલ શરાબ પીતાં-પીતાં ટેબલ પર ખાલી બોટલોની હારમાળા ઊભી કરી દીધી.
અડધું ભોજન પૂરું થયા પછી ડૉ. સ્મિડ્ટ નામનો ઓસ્ટ્રીયન પત્રકાર, પોતાની અત્યંત સુંદર હંગેરિયન સ્ત્રી-મિત્રને લઈને આવ્યો. શિન્ડલરે પહેલાં તો એ યુવતીએ પહેરેલાં ઘરેણાંનાં વખાણ કર્યાં, અને પોતે પણ રત્નોનો મોટો પ્રશંસક હોવાનું કહ્યું. પરંતુ એપ્રિકોટ બ્રાંડી પી લીધા પછી એ થોડો સંકોચશીલ બની ગયો. થોડી ગમગીની સાથે બેઠાં-બેઠાં એ સ્મિડ્ટની રિઅલ એસ્ટેટના ભાવની, ઓટોમોબાઇલની લે-વેચ અને ઘોડાની રેસની વાતો સાંભળતો રહ્યો. પેલી યુવતી પણ સ્મિડ્ટની વાતો તન્મયતાથી સાંભળી રહી હતી, કારણ કે સ્મિડ્ટના વ્યવસાયનું પરિણામ એ પોતાની ડોકમાં અને કાંડા પર પહેરીને બેઠી હતી! પરંતુ ઓસ્કરનો તેની સામેનો અણગમો ભલે અણધાર્યો, પરંતુ એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એ જોઈને ડૉ. સેદલસેક અંદરથી તો ખુશ થતા હતા, કારણ કે ઓસ્કર કદાચ ભવિષ્યની પોતાની સંપત્તિનું આંશિક પ્રતિબિંબ તેનામાં જોઈ રહ્યો હતો. પૈસાપાત્ર હોવાના આનુષંગિક ફાયદાઓ તરફનું ઓસ્કરનું પોતાનું વલણ તેને સ્મિડ્ટમાં દેખાઈ રહ્યું હતું.
ભોજન પૂરું થયા બાદ, સ્મિડ્ટ અને તેની સ્ત્રી-મિત્ર કોઈક નાઇટક્લબમાં જવા માટે ચાલ્યા ગયા, એટલે સેદલસેક પણ શિન્ડલરને ખાસ ધ્યાન રાખીને કોઈક બીજી જ નાઇટક્લબમાં લઈ ગયા. ત્યાં જઈને પણ બંનેએ બરાબર શરાબ ઢીંચ્યો, અને પછી ફ્લોર-શો જોતાં બેઠાં.
“પેલો સ્મિડ્ટ,” શિન્ડલરે આ ક્ષણોનો આનંદ ઉઠાવવા માટે વાતનો અંત લાવતાં કહ્યું, “તમારા કામમાં તમે તેની મદદ લો છો કે?”
“હા”
“મને એવું લાગે છે, કે આ પ્રકારના માણસની મદદ લેવાનું તમારે ટાળવું જોઈએ,” ઓસ્કરે કહ્યું. “એ તો ચોર છે.”
ડૉ. સેદલસેકે પોતાનો ચહેરો ઓસ્કર તરફ ફેરવ્યો. તેમના ચહેરા પરથી અડધું સ્મિત ઊડી ગયું હતું. ઓસ્કરે તેમને પૂછ્યું “તમે તેને આપેલી રકમ એ યોગ્ય જગ્યાએ પહોંચાડે છે કે નહીં તેની તમને ખાતરી કેવી રીતે થાય છે?”
“એ રકમમાંથી એક ચોક્કસ હિસ્સો અમે તેમને રાખી લેવા દઈએ છીએ,” ડૉ. સેદલસેકે કહ્યું.
ખાસ્સી અડધી મિનિટ સુધી ઓસ્કર એ બાબતે વિચાર કરતો રહ્યો. પછી બબડ્યો, “હું તો તેમાંથી એક ટકો પણ લેવા ઇચ્છતો નથી. કોઈ મને કંઈ આપવાનો પ્રયાસ કરે એ પણ મને પસંદ નથી.”
“તમારી મરજી.” સેદલસેકે જવાબ આપ્યો.
“ખેર, આપણે આ છોકરીઓનો ડાન્સ જોઈએ,” કહીને ઓસ્કરે વાત પૂરી કરી.