નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૧ – અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી, પ્રિયંકા જોશી. 2


આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ વીસેક માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજના સર્જકો છે અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી અને પ્રિયંકા જોશી.

૧. ખાલીપો

નદી માંહે પડેલો ઘડો જાણે એનું બધુંયે સત્વ છીનવી ગયો. બંને કાંઠાએ ભીના થઈ એને વિદાય આપી, પણ એનું આક્રંદ કોઈને સંભળાયું નહીં. છલોછલ ભરેલા નદીના જળથી ઘડાનું મોઢુંયે બંધ રહ્યું.

કોતરોમાં છાંયે ચાલતી પનિહારીના માથે એને તડકો ડંખવા લાગ્યો; કલરવ એને ઘોંઘાટ લાગ્યો; આખાય રસ્તામાં એ વિચારતી રહી.

ઘરનો ઉંબરો ઓળંગી એ પાણીયારે પહોંચી. એક ધારે કાળી માટલીમાં ઠલવાઈ. એને માથે માટીનું મોટું કોડિયું મૂકીને એ પનિહારી ઘરના બીજા કામમાં વળગી. ગાઢ અંધકાર વચ્ચે નદી ઓશિયાળી થઈ ચુપચાપ પડી રહી. ખાલી થયેલો ઘડો ઊંધો મુકાયો ને મહીં બાજેલા જળબિંદુઓ નીચે સરકવા લાગ્યા.

– અનુજ સોલંકી

૨. દીકરો

“સાહેબ, સાહેબ, બચાવી લ્યો મારા રઘુને, સાહેબ.”

‘અરે પણ, તું કાં નથી સમજતો ભાઈ એની બંન્ને કીડની ફેઈલ છે, મેચિંગ કીડની મળે તો જ એ બચે.’ ડૉ. ભટ્ટ બોલ્યા.

‘પણ મારો એકનો એક દીકરો, સાવ નાનો મૂકી એની મા મોટા ગામતરે હાલી ગઈ, સાહેબ કૈક કરો.

‘એવું હોય તો મારી બેય કીડની લઇ લ્યો પણ મારા રઘુનું…’

“અરે ભાઈ તારી કીડની મેચ ના થઇ એટલે તો આ રામાયણ છે બધી.”

“હે ભગવાન, શું થશે રઘુનું ?“ એણે બે દિવસથી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં પડેલા રઘુ તરફ જોઈ નિસાસો નાખ્યો, એના ગળે ડૂમો બાઝ્યો. ભારે હૃદયે એ ઘરે જવા નીકળ્યો. રસ્તામાં હઠીલા હનુમાનનું મંદિર જોઈ રઘુ માટે પ્રાર્થના કરવા દોડી ગયો.

“એ દિવસો પણ ચાલ્યા જશે, એ… દિવસો….. પણ….” શબ્દો સાંભળી એણે પાછળ જોયું તો મંદિરના ઓટે પડ્યો પાથર્યો રે’તો નકો ગાંડો બેઠો બેઠો રટણ કરતો’તો. નકાગાંડાને જોઈ એક વિચાર મનમાં ઝબકયો. બે હાથ જોડી હનુમાનજીની માફી માગી એ ચાલતો થયો. સવારે હોસ્પીટલમાં લોકોના ટોળા વચ્ચે નકાગાંડાનો મૃતદેહ જોઈ એની આંખો ચમકી.

ડૉ. નકાના મૃતદેહના પીએમની તૈયારી કરતા હતા. “આત્મહત્યા.” કોઈએ કહ્યું, તો કોઈકે કહ્યું નકાને ઓશિકા નીચે ગૂંગળાવીને હત્યા.

એ દોડીને ડૉ પાસે પહોચ્યો.. “સાહેબ,સાહેબ, નકાની કીડની તો.. મેચિંગ.. હશેને.?”

ફાટી આંખે ડૉ. એની સામે જોઈ રહ્યા.

– શૈલેષ પંડ્યા

૩. જવાબદારી

“વહુબેટા! બેનબા સાસરેથી પાછાં આવે છે! પાછળ જમાઈ પણ આવી પુગશે!”

“બાપા! ઘરની અને ફેક્ટરીની, બબ્બે લોન ચાલુ છે. ફેક્ટરીમાંથી આવક થતાં સમય લાગશે. મારી એકની આવકમાં સાત-સાત જણ. સાજે-માંદે તમારુંય કામ પહોંચે.”

“સાસરેથી પાછી આવતી છોડી ઘરનું અને અમારું કામ નહીં ઊપાડે? તમારે ખાલી બહારનું કામ કરવાનું. પણ ઘરનો ભાર તમારે માથે છે તે કોઈને કહેશો નહીં, મારા દીકરાને પણ નહીં.”

“બાપા! મારાથી ઘરમાં ચોરી ના થાય. મારે એમને તો કહેવું પડે. મા-બાપ વગરની હું, બીજા કોને કહેવાની?”

“ભલે!” દીકરીના સુખ માટે સસરાએ સિફતથી વહુનું બલિદાન લઈ લીધું.

વર્ષો સુધી દીકરો-વહુ તનતોડ મહેનત કરતાં રહ્યાં. નણંદબા પગભર શું કામ થાય? ઘર કેમ ચાલે તે ખાલી સસરો-વહુ જાણે.

સસરા માંદા પડ્યા. માંદગી લાંબી ચાલી. જીવ છૂટે નહીં. વહુ સમજી ગઈ કે દીકરીના મોહમાં જીવ અટવાયો છે. વહુએ બધી મિલકત નણંદબાના નામે કરાવી. માસિક ખાધાખોરાકીના પૈસાની સગવડ કરી. કાગળિયાં સસરાને બતાવ્યા. કાનમાં કહ્યું : “બાપા, હજુય ભાર મારા માથે જ છે, ખાલી તમારા દીકરાને ખબર છે.” સસરાએ શાંતિથી આંખો મીંચી દીધી.

– દર્શા કિકાણી

૪. અમાસ

વાતાવરણમાં દારૂગોળાની તીવ્ર વાસ પ્રસરેલી હતી. આ ગંધથી એનું માથું ફાટી રહ્યું હતું. આજુબાજુ રહી રહીને ઉઠતા વિસ્ફોટના અવાજોથી એનું હ્રદય ફફડતું હતું. ચોતરફ નિતાંત અને અભેદ્ય અંધકારમાં લોકોની ચિચિયારીઓ વિચિત્ર આભાસ સર્જતી હતી. લોકોની વધારે પડતી ચહલપહલ તેના મનને વિચલિત કરી રહી હતી. સતત ગુંજતા ધડાકાઓએ તેના કાન સુન્ન થઈ ગયા હતા. એ વિચારોના ઘમસાણથી અત્યંત ભીંસ અનુભવઈ રહ્યો હતો. એહ ચીસ જાણે ગળામાં ડૂમો બનીને અટકી ગઈ હતી.

અને ત્યાં જ અચાનક બારણાં પર ટકોરા પડ્યા.

કોઈ બારણું ખખડાવી રહ્યું હતું, બહાર આવવાની તાકીદ… અને પછી બારણું ધણધણવા લાગ્યું.

એના ગાત્રો ઠંડા પડી ગયા, હથેળીમાં પરસેવો વળી ગયો. આવી ભયત્રસ્ત હાલતમાં જ ધીમે ધીમે એણે બારણાં તરફ ડગ ભર્યા. રસ્તામાં ટેબલ સાથે અથડાયો, માંડ સંતુલન જાળવતો એ બારણાં સુધી આવ્યો છતાં બારણું ખોલવાની હિંમત ન કરી શક્યો.

થોડી ક્ષણો એમ જ વીતી.

“કોણ?”

બારણાંની બહારથી માનો વહાલભર્યો મૃદુ સ્વર સંભળાયો.

“બેટા, પ્લીઝ બારણું ખોલ, આજે તહેવારના દિવસે આમ..”

ાત્યાર સુધી રોકી રાખેલા આંસુ આક્રોશ સાથે તૂટી પડ્યાં,

“દુનિયા માટે દિવાળી પણ મારે તો આજીવન અમાસ..”

– પ્રિયંકા જોષી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૧ – અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી, પ્રિયંકા જોશી.