આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા 2


શીર્ષક વાંચ્યું..? ફરીથી એક વખત વાંચી જુઓ.

આપણો, આપણી જાત સાથેનો સંબંધ…

આવો પણ કોઇ સંબંધ અસ્તિત્વ ધરાવે છે આ વિશ્વમાં? આપણી ખુદની જાત સાથે શેનો સંબંધ? તો તેનો જવાબ છે – હા.. આવો સંબંધ હોય. દરેક વ્યકિતનો પોતાની જાત સાથેનો, પોતાના હ્રદય સાથેનો, પોતાના અંતરાત્મા સાથેનો સંબંધ હોય છે. જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત કે સંજોગ પછી પોતાની જાત સાથે તે ઘટના, પરિસ્થિત, સંજોગનું પૃથક્કરણ કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, સમસ્યા હોય તો સમાધાન પૂછે છે, ભૂલ થઇ હોય તો પસ્તાવો પણ કરે છે. અમુક લોકોનો તો પોતાની જાત સાથે એટલો ગાઢ સંબંધ હોય છે કે તે જાહેરમાં પણ કોઇની પરવા કર્યા વિના પોતાના હ્રદય સાથે ચર્ચામાં ઉતરી પડે છે. આપણે તેને ક્યારેક પાગલની ઉપમા પણ આપી દઇએ છીએ. પરંતુ આજના વિજ્ઞાને સાબિત કર્યું છે કે જે વ્યકિત પોતાની જાતની વધુ નજીક હોય છે, એટલો જ તે બુદ્ધિશાળી અને આનંદી હોય છે. કોઇપણ નાના-મોટા પડકાર ઝીલતી વખતે અથવા તો નવું સાહસ કરતી વખતે દરેક વ્યકિત પોતાની જાતને નિ:સંકોચ એકવાર તો જરૂર પૂછે જ કે – “આ નિર્ણય યોગ્ય દિશામાં તો છે ને..?” જો તે સાચી દિશામાં હોય તો ત્યારે તેને અંતરનાં ઊંડાણમાંથી આટલો ઈશારો જરૂર મળે કે, “તું તારે બિંદાસ આગળ વધ. પછી જે થશે તે જોયું જશે.. નિર્ણય ખોટો નથી.”

આપણી દરેકની અંદર એક બીજો માણસ રહેલો છે! આપણા બહારના વ્યક્તિત્વ કરતાં તેનું વ્યક્તિત્વ બિલકુલ અલગ છે. તે હંમેશા સારું વિચારે છે, સારું જુએ છે, સારું વર્તન કરવાની પ્રેરણા આપે છે. તે આપણા જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત, સંજોગોને જાણે છે અને નિઃસ્વાર્થભાવે પોતાની જાતને, પોતાની શાંતિ અને સુખને પ્રાધાન્ય પણ આપે છે. બહાર આપણે કોઇની સાથે અણગમતું વર્તન કરીએ તો એ આપણને અંદરથી ધમકાવે છે, કોઇને ગમે-તેમ જવાબો આપીએ તો એ આપણા પર અંદરથી ચિડાય પણ ખરો, શાળા – કોલેજના દિવસોમાં પરિક્ષા કે રિઝલ્ટના આગળના સમયે એ હિંમત અને ધીરજ પણ આપે છે. ક્યારેક ક્યારેક તો એ જીવનનાં અગત્યનાં નિર્ણયો વિશે લાંબુ ભાષણ પણ સંભળાવે છે.

હું માનું છું કે આપણી જાત અથવા હ્રદયે લીધેલા નિર્ણયો મહદંશે સાચી દિશાના હોય છે તેથી કોઇપણ નિર્ણય લેતાં પહેલા અેકવાર પોતાની જાત સાથે વાત જરૂર કરવી જોઇએ કે શું આપણે જે કરવા જઇ રહ્યા છીએ તે યોગ્ય છે ખરું? ચોક્કસ તમને સાચી દિશા મળશે. સાથે-સાથે પડકારો, સમસ્યાને પહોંચી વળવાની શક્તિનો સ્ત્રોત તમને ત્યાંથી મળી રહેશે. અમુક સમયે આપણી જાત આપણને કેટલાંક કાર્યો કરવાનું સૂચન કરતી હોય છે પરંતુ, આપણે તેની અવગણના કરીને તેના પર ધ્યાન આપતા નથી. પાછળથી સમય જતા સમજાય કે જો એ સમયે ખુદની જ, જાતની વાત માની હોત તો આ સમય જોવાનો વખત ન આવત.

આપણી આજુબાજુ ઘણાં એવા લોકો જોવા મળે કે તેમને પોતાની જાત સાથે સંવાદ કરવાની આદત હોય, દરેક પ્રસંગે જેમ આપણે બીજા સાથે વાતો કરીએ તેમ તે પોતાની જાત સાથે ચર્ચા કરે. આપણે તેને જોઇએ તો એવું જ લાગે કે આ તો પાગલ છે કે શું? પરંતુ તે પોતાની જાત સાથે એટલાં ભાવનાત્મક સંબંધોથી જોડાયેલો હોય કે તેને સલાહ માટે બીજા કોઇની જરૂર જ નથી. તમે જ્યારે પણ જુઓ, હંમેશા પ્રસન્ન અને કશીય ફરિયાદ નહિં. તમે બારીકાઇથી તેને નિહાળો તો તમે પણ તમારી સમસ્યા ભૂલી જાવ. બીજી બાજુ એવા પણ ઘણાં લોકો હોય છે કે તેઓ પોતાની જાતને પણ છેતરતાં હોય, પોતાની જ જાત સાથે, પોતાના મન સાથે પણ કપટ કરતાં હોય.

અત્યારના અતિઆધુનિક સમયમાં વિજ્ઞાને અત્યંત લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ એવો રોબોટ બનાવ્યો છે. હમણાં તાજેતરમાં જ આઈ.આઈ.ટી મુંબઈમાં સોફિયા નામના આધુનિક રોબોટે પ્રવચન પણ આપ્યું. છતાં તેનામાં અને માનવમાં અંતર છે. માણસ કોઇપણ રીતે પોતાની જાત સાથે ભાવનાત્મક સંબંધોથી જોડાયેલો છે. રોબોટ માણસની દરેક પ્રવૃતિ કરી શકે છે પણ પોતાની જાત સાથે સંબંધ કેળવી શક્તો નથી. આ વૃતિ માણસોને જ મળી છે તો તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. દરેક પ્રથમ પંક્તિની હસ્તિઓમાં આ ગૂણ જોવા મળ્યો છે. તેઓ પોતાને અનુસરે છે, પોતાની જાત સાથે વાતો કરે છે, પોતાના અંતરાત્માની વાત – સલાહ માને છે. પોતાની જાત સાથે સંબંધ ધરાવતાં વ્યકિતની પ્રતિભા જ કંઇક જુદી હોય છે. કદાચ આ સોશિયલ નેટવર્કના જમાનામાં માનવીનું પોતાની સાથેનું અંતર વધ્યું છે. જેટલો માણસ આધુનિકતાની નજીક આવ્યો છે તેટલો જ પોતાની જાતથી દૂર થયો છે. તો વર્ચ્યુઅલ બે મિત્રો ઓછાં બને તો ચાલશે પણ પોતાના મન – પોતાની જાત સાથેનો ગાઢ સંબંધ કેળવવાની અને જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે. આપણો સાચો રાહબર – આપણો સાચો સલાહકાર આપણી જ અંદર છે.

– અક્ષય દેવગાણીયા

બિલિપત્ર

आपदाम् कथितः पन्था इन्द्रियाणामसंयमः ।
तज्जय: संपदाम् मार्गो येनेष्टम् तेन गम्यताम् ॥


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા