આજે વર્લ્ડ ઓર્ગન ડૉનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસ છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં – એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે.
અક્ષરનાદ શ્રાવણનો આ પવિત્ર સોમવારનો દિવસ અંગદાનને લગતી જાગૃતિ ફેલાવવામાં અને એ માટે વધુને વધુ લોકોને પ્રેરીત કરવાના હેતુથી અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવા ધારે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં – શ્રાવણના આખા મહીનામાં દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા થયો છે. ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય, ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું, સમાજની વાડીઓ વગેરેમાં સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કુંવારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય, દાન ડાબા હાથે થાય તો જમણા હાથને ખબર ન પડે એ રીતે કરવાનો મહિમા થયો છે.
આજના અપાર અનિશ્ચિત્તતાઓથી ભરેલા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એ આપણને મર્યા પછી પણ જીવતા રહેવાનો અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનો અનોખો અવસર આપે છે. જીવતેજીવ કંઈ દાન કરી શકીએ કે નહીં એ અલગ વાત છે, પણ મૃત્યુ પછી આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વાત વિચારવી જે કેટલી આશા જન્માવનારી છે!
આ વાતને વધુ સ્પષ્ટ કરવા આંખોના કોર્નિયાનું ઉદાહરણ લઈએ. વર્ષે બે લાખ કોર્નિયાની જરૂરત રહે છે, એની સામે ચોથા ભાગના, એટલે કે ફક્ત પચાસ હજાર જ કોર્નિયા દાન મારફત મળી રહે છે. ભારતમાં કુલ પાંચ લાખ લોકોને વાર્ષિક ધોરણે અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, ૨૧૦૦૦ કિડનીની જરૂરત સામે ફક્ત ૫૦૦૦, પાંચ હજાર હ્રદયની સામે ફક્ત ૭૦, ૨૦૦૦૦૦ લીવરની સામે ફક્ત ૭૫૦ લીવર જ ઉપલબ્ધ થાય છે. એનો અર્થ એમ કે અંગની જરૂરિયાતવાળી વ્યક્તિઓ અંગદાનની અછત; એ વિશેની યોગ્ય જાણકારી કે પૂરતી સમજણના અભાવે મૃત્યુ પામે છે. આ એવા લોકો છે જેમનું જીવન બચી શક્યું હોત.
આ આખાય પરિદ્રશ્યમાં મને જે વાત સૌથી વધુ સ્પર્શે છે એ છે અંગોની ઉપલબ્ધતા. અંગો માણસના મૃત્યુ પછી જ આપવાના છે, એનો અર્થ એમ કે એ જે તે માણસ માટે આમ પણ નકામાં જ છે, એને અગ્નિને હવાલે કરવા કે જમીનમાં દફનાવવાને બદલે જો એ કોઈકને જીવવામાં ઉપયોગી થાય તો એથી વધુ રૂડું શું? પોતાના મૃત્યુ પછી કામ કરતા અંગોને લીધે દાતા એક સાથે લગભગ આઠ લોકોના જીવ બચાવી શકે છે. ભારતની અંગદાનની સરેરાશ વિશ્વમાં સૌથી ઓછી છે, લગભગ ચાલીસ લાખે ફક્ત એક માણસ અંગદાન કરે છે, અમેરિકામાં દસ લાખે છવ્વીસ લોકો અને સ્પેનમાં દસ લાખે છત્રીસ લોકો અંગદાન કરે છે. એ હિસાબે અને સૌથી વધુ વસ્તીમાં અગ્રસ્થાને હોવાને લીધે આપણે ત્યાં અંગદાન વિશે વધુ જાગૃતિ અને જાણકારી ફેલાવવાની જરૂર છે.
અક્ષરનાદ આ અંતર્ગત શું કરવા ધારે છે?
– લોકોને અંગદાન વિશે વધુ જાગૃત કરવા અનેે એ વિશે માહિતી ઉપલબ્ધ કરાવવી.
– એ વિશે લોકોમાં પ્રવર્તતા ખચકાટ અને ખોટી ધારણાઓ દૂર કરી લોકોના પ્રશ્નોના જવાબો શોધવા, તજજ્ઞો પાસેથી એ માટે માહિતી મેળવી ઉપલબ્ધ કરાવવી.
– અંગદાન કરનાર મિત્રોને જાહેરમાં આવવા આમંત્રણ આપવું, એમના વિચારોનો વધુ પ્રસાર થાય એ માટે પ્રયત્ન કરવા
– સાહિત્યના ક્ષેત્રના મિત્રોને, અક્ષરનાદના વાચકમિત્રોને અંગદાન માટે પ્રેરણા આપવી, પ્રોત્સાહન આપવું અને એ માટેની પ્રક્રિયા સર્વસામાન્યને જાણ થાય એ માટે ઉપલબ્ધ કરાવવી.
જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશિર્વાદ છે. આ પ્રક્રિયામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગો તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી કાઢીને જરૂરતમંદ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્રષ્ટિએ માન્યતાપ્રાપ્ત છે અને એ માટેની જવાબદાર સંસ્ત્યા અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે.
દાન કરી શકીએ એવા અંગોમાં –
કિડની
ફેફસા
હ્રદય
આંખો
લીવર
પેન્ક્રિઆસ
કોર્નિયા
નાનું આંતરડું
ચામડીના કોષો
હાડકાના કોષો
હ્રદયના વાલ્વ
નસ
વગેરે આવે છે.
ભારતમાં અંગદાન માટેનો કાયદો એ જરૂરી બનાવે છે કે મૃત્યુ પછી માણસના પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે અન્ય જવાબદાર સંબ્ંધી અંગદાન માટે તૈયાર થાય. એટલે તમે આવો નિર્ણય કરો તે તમારા કુટુંબીજનો અને નજીકના સંબંધીઓ સાથે ચર્ચા કરી, તમારી ઈચ્છા મુજબ જ કરવા તેમને સમજાવવા. તમારા મૃત્યુના કિસ્સામાં તમારા અંગો વિશેની અંતિમ નિર્ણય પ્રક્રિયા તેમને પૂછીને તેમનિ લેખિત સંમતિ પછી જ થતી હોય છે.
આ માટે NOTTO – National Organ and Tissue Transplant Organization, Directorate General of Heath Services, Ministry of Health & Family Welfare, Govt. of India ની વેબસાઈટ http://www.notto.gov.in/donor-pledge.htm પર જઈને ફોર્મ ભરી શકો છો.
‘અંગદાન’ અંગેના ૫ લેખો, ૧૪ સાચા કીસ્સા, ‘દેહદાન’નું વિલ અને એક કવિતા સહીત ૧૮૨ પેજની નાનકડી અને રુપકડી ઈ.બુક ‘અંગદાનથી જીવનદાન’નો ચાંગા, આણંદમાં લોકાર્પણ સમારંભ તા. ૧૦ ઓગસ્ટના રોજ યોજાઈ ગયો. એ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.
આપના પ્રતિભાવ, દાતા તરીકેની નોંધણી અને આ વાતની વધુ લોકો સુધી પહોંચે એ માટેની કાળજી આ આખીય પ્રક્રિયાને એક માનવતાવાદી અભિગમ તરીકે મદદરૂપ થશે એ ચોક્કસ. જો આપે અંગદાન કરવા નામ નોંધાવ્યું હોય તો કે નોંધાવવા ઈચ્છુક હોવ તો પ્રતિભાવમાં અવશ્ય લખશો.
– સંપાદક
અક્ષરનાદ.કોમ
નમસ્તે…
મેં ૨ વર્ષ પહેલા દેહદાન કર્યું છે ભાવનગર ફોર્મ મોકલ્યું હતું પણ એનો કોઈ આધાર નથી મારી પાસે.
યોગ્ય જાણકારી આપશો..
આભર…
રાકેશ નાકરાણી (માણસ)
૯૪૨૬૨૮૧૬૮૦
અમરેલી
આદરણીય જીગ્નેશભાઈ,
અતિ ઉત્તમ કાર્યને અક્ષરનાદ દ્વારા લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આપે આદર્યું છે / વિસ્તાર્યું
છે તે ચોક્કસ ખુબજ સરાહનીય છે ..
આશા રાખું કે અક્ષરનાદના વાચકમિત્રો આ વાત ને શક્ય એટલા બહોળા સમુદાય સુધી પહોંચાડે ..!
ખુબ ખુબ અભિનંદન ..!
પીયૂષ
વહાલા જીજ્ઞેશભાઈ,
‘અક્ષરનાદ’ વેબસાઈટના દેશ–વીદેશના ગુજરાતી વાચકમીત્રોને ઈ.બુક ‘અંગદાનથી નવજીવન’થી લાભાંવીત કરી લોકજાગૃતીના મારા અભીયાનને વેગવાન બનાવવા બદલ ખુબ ખુબ આભાર…
–ગોવીન્દ મારુ