શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩)
બરાબર એ જ સમયે, એક બીજો યહૂદી પણ ક્રેકોવમાં હતો, જે એ જ પાનખરમાં શિન્ડલરને મળ્યો હોવાની, અને એક તબક્કે પોતે ઓસ્કરને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો હોવાની વાત પણ કહે છે! એ માણસનું નામ હતું લિઓપોલ્દ (પોલ્દેક) ફેફરબર્ગ. તાજેતરમાં જ અમલમાં મૂકાયેલા એક કરૂણ લશ્કરી અભિયાનમાં એ પોલિશ આર્મિનો કંપની કમાન્ડર હતો. સાન નદીના વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માટે જર્મન અને પોલિશ સૈન્ય વચ્ચે લડાયેલા યુદ્ધ દરમ્યાન, લિઓપોલ્દનો એક પગ જખ્મી થઈ ગયો હતો. બસ ત્યારથી એક પોલિશ હોસ્પિટલમાં લંઘાતા પગે ફરતો રહીને એ બીજા ઘવાયેલાની સેવા કરતો રહેતો હતો!