પ્રકરણ ૨
૧૯૩૯ના ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં, બે યુવાન જર્મન સેનાધિકારીઓ ક્રેકોવની સ્ટ્રેડમ સ્ટ્રીટમાં આવેલી જે. સી. બકાઇસ્ટર એન્ડ કંપનીના શો-રૂમમાં પ્રવેશ્યા, અને પોતાને ઘેર મોકલવા માટે થોડુંક મોંઘું કાપડ ખરીદવા માટે રકઝક કરવા લાગ્યા. છાતી પર પીળો સ્ટાર સીવેલાં કપડાં પહેરીને કાઉન્ટર પર બેઠેલા યહૂદી કારકૂને ખુલાસો કરતાં એમને જણાવ્યું કે બકાઇસ્ટર કંપની લોકોને સીધું વેચાણ નથી કરતી, કપડાંની ફેક્ટરી અને મોટા વિક્રેતાઓને જ વેચાણ કરે છે. પરંતુ સેનાધિકારીઓ એમ માને તેમ ન હતા! કાપડની ખરીદી કરી લીધા પછી, બીલ ચૂકવતી વેળાએ, કોઈ પાગલની માફક, ૧૮૫૮ની બાવેરિઅન ચલણી નોટો અને જર્મન આર્મિ દ્વારા ક્રેકોવનો કબજો મેળવ્યાનો ૧૯૧૪ની સાલનો એક કાગળ આપીને તેઓ ઊભા રહ્યા!
“આ નોટો સાચી જ છે,” બે માંથી એક અધિકારીએ યહૂદી હિસાબનીશને કહ્યું. બંને યુવાન અધિકારીઓ શરીરે હૃષ્ટપુષ્ટ હતા. આખી વસંત અને ઉનાળો એમણે યુદ્ધમોરચે કાઢ્યો હતો. પાનખરની શરૂઆતમાં એમને બહુ સરળતાથી ક્રેકોવ પર વિજય મળી ગયો હતો, એટલે વિજયી સેનાને આ સુંદર શહેરમાં જેમ ફાવે તેમ કરવાની જાણે છૂટ મળી ગઈ હતી! હિસાબનીશે એ નોટોની ચૂકવણીને કબૂલ તો રાખી, પરંતુ રોજમેળમાં આ વેચાણની નોંધ કરતા પહેલાં બંને અધિકારીઓને શો-રૂમમાંથી રવાના કરી દીધા. પોલેન્ડમાં યહૂદીઓના વ્યવસાયોને જર્મનોએ ચાલાકીપૂર્વક હસ્તગત કરી લીધા હતા, અને તેમના પર ઇસ્ટ ટ્રસ્ટ એજન્સીના નામે, દેખરેખ રાખવા માટે એકાઉન્ટ્સ મેનેજર તરીકે જર્મનોને નીમી દેવામાં આવ્યા હતા. બન્યું એવું, કે બરાબર એ જ દિવસે મોડેથી, ઇસ્ટ ટ્રસ્ટ એજન્સીના એક યુવાન જર્મન એકાઉન્ટ્સ મેનેજર, આ જ શો-રૂમની મુલાકાતે આવી ચડ્યો. બકાઇસ્ટર કંપનીમાં એકાઉન્ટ્સ મેનેજર તરીકે નિમાયેલા બે જર્મન અધિકારીઓમાંનો તે એક હતો. મધ્ય-વયનો પહેલો મેનેજર જે સુપરવાઇઝર હતો, તેનું નામ સેપ આઓ હતું. એ તો સાવ સીધો લાગતો હતો. પરંતુ આ બીજો યુવાન ખણખોદ કરે તેવો હતો. તેણે બકાઇસ્ટરના હિસાબો અને ગલ્લો ચકાસ્યા. ગલ્લામાંથી પેલું મૂલ્યહીન બાવેરિઅન ચલણ બહાર કાઢ્યું. “આ બધું શું છે? રમત રમો છો કે શું?”
યહૂદી હિસાબનીશે તેમને માંડીને વાત કરી; એકાઉન્ટ્સ મેનેજરે તો હિસાબનીશે ઝ્લોટીને બદલે સ્વીકારેલી એન્ટીક નોટો માટે તેને જ આરોપી ગણાવી દીધો. બકાઇસ્ટરના વેરહાઉસમાં ઉપરના માળે જઈને તેણે સેપ આઓને પોલીસને બોલાવવાની જાણ કરી!
હેર આઓ અને યુવાન એકાઉન્ટન્ટ, બંને જાણતા હતા કે પોલીસ તો ચોક્કસ આ યહૂદી હિસાબનીશને એસએસની અથવા મોન્ટેલ્યૂપીક સ્ટ્રીટની જેલમાં ધકેલી દેશે. યુવાન એકાઉન્ટન્ટના મત પ્રમાણે તો પોલીસને બોલાવવાથી બકાઇસ્ટરના અન્ય યહૂદી સ્ટાફ પર દાખલો બેસી જાય તેમ હતું! પરંતુ એ વિચારે આઓ થોડો ગમગીન બની ગયો. મનોમન તેને લાગતું હતું, કે આ બાબતે કોઈક ઉપાય શોધવાની તેની પોતાની જવાબદારી હતી! તેનું કારણ એ હતું, કે તેનાં પોતાનાં દાદીમા યહૂદી હતા. જોકે તેની સાથે કામ કરતાં લોકોમાંથી બીજું કોઈ હજુ સુધી આ બાબતે જાણતું ન હતું.
આઓએ ઓફિસના એક નોકર સાથે કંપનીના મૂળ યહૂદી હિસાબનીશ ઇત્ઝાક સ્ટર્નને સંદેશો મોકલ્યો. ઇત્ઝાક એ દિવસે ઇન્ફ્લ્યૂએન્ઝાને કારણે પોતાને ઘેર હતો. એકાઉન્ટિંગનું બહુ સાધારણ જ્ઞાન ધરાવતો આઓ તો રાજકીય રીતે નિયૂક્ત થયેલો માણસ હતો. તેની ઇચ્છા એવી હતી, કે સ્ટર્ન ઓફિસમાં આવીને આ અણધારી આવી પડેલી મડાગાંઠ ઉકેલી આપે! પોજોર્ઝ ખાતે આઓએ સ્ટર્નને ઘેર હજુ સંદેશો રવાના કર્યો જ હતો. ત્યાં તેના સેક્રેટરીએ ઓફિસમાં આવીને જણાવ્યું કે બહાર હેર ઓસ્કર શિન્ડલર તેની રાહ જોઈ રહ્યા છે, અને તેમની એપોઇન્ટમેન્ટ હોવાનું જણાવે છે. આઓએ બહારના કમરામાં જઈને જોયું, તો એક ઊંચો યુવાન બહુ જ સૌમ્ય મુખમુદ્રા સાથે ધુમ્રપાન કરતો ગંભીરતાપૂર્વક બેઠો હતો. આગલી રાત્રે જ એક પાર્ટીમાં આઓની મુલાકાત ઓસ્કર સાથે થઈ હતી. ઓસ્કર બકાઇસ્ટરની ઑફિસમાં ઇન્ગ્રીડ નામની એક ચેક-જર્મન છોકરી સાથે બેઠો હતો. જે રીતે આઓ બકાઇસ્ટર કંપનીમાં જર્મન નિરીક્ષક હતો, તે જ રીતે એ છોકરી પણ અન્ય એક યહૂદી હાર્ડવેર કંપનીમાં જર્મન નિરીક્ષક હતી. શિન્ડલર અને ઇન્ગ્રીડ એકબીજાના પ્રેમમાં હતાં. તેમની આકર્ષક જોડી બહુ જ મોહક લાગતી હતી. એબવરમાં બંનેના ઘણા બધા મિત્રો હતા.
હેર ઓસ્કર શિન્ડલર ક્રેકોવમાં કોઈક વ્યવસાયની શોધમાં હતો. આગલી રાત્રે પાર્ટીમાં મળ્યા ત્યારે આઓએ તેમને કાપડ ઉદ્યોગમાં પડવાની ભલામણ કરી હતી. “આમાં માત્ર લશકરના યુનિફોર્મ બનાવવાની વાત નથી. પોલેન્ડનું ઘરગથ્થુ બજાર પણ ખૂબ મોટું અને આપણને બધાને મદદ કરી શકે એટલું તેજીમાં છે. તમારી ઈચ્છા હોય, તો બકાઇસ્ટરમાં જોવા માટે આવવાનું તમને આમંત્રણ છે,” એણે ઓસ્કરને આગ્રહ તો કરી દીધો હતો, પરંતુ તેને ખબર ન હતી, કે શરાબના નશામાં થયેલી એ વાતચીતને કારણે ઓસ્કર બીજા દિવસે બપોરે બે વાગ્યે જ તેની સામે હાજર થઈ જશે!
પોતાને આમંત્રણ આપીને બોલાવ્યા પછી, હેર આઓને અવઢવમાં પડી ગયેલા શિન્ડલર જોઈ શકતો હતો. એણે તો એવું સૂચન પણ કરી જોયું, કે અત્યારે અનુકુળ ન હોય, તો… પરંતુ આઓએ ના પાડી, અને તરત જ વેરહાઉસમાં થઈને ફળિયાની સામેની બાજુએ આવેલા સ્પિનિંગ ડિવિઝનમાં શિન્ડલરને લઈ ગયો, જ્યાં મશીનમાંથી સોનેરી રંગના કાપડના મોટા-મોટા રોલ નીકળી રહ્યા હતા. શિન્ડલરે તેને પૂછ્યું, કે જર્મન નિરીક્ષકોને અહીં યહૂદીઓ તરફથી કોઈ અડચણ તો ન હતીને? જવાબમાં આઓએ તેને કોઈ જ અડચણ ન હોવાનું અને યહૂદીઓ બહુ જ સહકાર આપતા હોવાનું કબુલ્યું.
શિન્ડલર માટે આ આશ્ચર્યજનક બાબત હતી! કારણ કે આ કંઈ શસ્ત્રો બનાવતી ફેક્ટરી તો હતી નહીં, કે જેને કોઈ જ અગવડ ન પડે! શિન્ડલરની છાપ કંઈક મોટી ઓળખાણો ધરાવતી એવી વ્યક્તિ તરીકેની હતી, કે આઓ દાણો દબાવ્યા વગર રહી શકતો ન હતો. મુખ્ય શસ્ત્ર નિગમમાં ઓસ્કરની કોઈ ઓળખાણ છે કે કેમ? જનરલ જુલિયસ શિન્ડલર સાથે ઓસ્કરની ઓળખાણ છે કે? કદાચ જનરલ શિન્ડલર તેનાં સગા થતા હોય…!
“એથી શો ફરક પડે છે?” હેર શિન્ડલરે શાંતિથી કહ્યું. (હકીકતમાં તો જનરલ શિન્ડલર તેમના સગપણમાં હતા જ નહીં!) ઓસ્કરે આઓને જણાવ્યું, કે બીજા અધિકારીઓની માફક જનરલ પોતે ખરાબ માણસ નથી. આઓ ઓસ્કરની વાત સાથે સહમત તો થયો, પરંતુ એક વાત એ સમજતો હતો, કે જનરલ શિન્ડલરને મળવાની કે તેમની સાથે ભોજન લેવાની તક આઓને ક્યારેય મળવાની ન હતી; શિન્ડલર અને આઓ વચ્ચે એટલો ફરક તો રહેવાનો જ હતો!
બંને ઓફિસમાં પાછા ફર્યા, ત્યારે આઓના સેક્રેટરીએ આપેલી ખુરસીમાં બેઠેલો બકાઇસ્ટરનો યહૂદી એકાઉન્ટન્ટ ઇત્ઝાક સ્ટર્ન નાક સાફ કરતાં જોર-જોરથી ખાંસતો બેઠો હતો. તેમને આવેલા જોઈને સ્ટર્ન ઊભો થઈને છાતી પાસે પોતાના બંને હાથ ભેગા કરીને ઊભો રહ્યો, અને વિજેતા વંશના બંને મહાનુભાવોને પોતાની પાસેથી પસાર થઈને ઓફિસમાં પ્રવેશતાં એ ફાટી આંખે જોતો રહ્યો. ઓફિસમાં બેસીને આઓએ શિન્ડલરને એક ડ્રિંક બનાવી આપ્યું, તેને તાપણા પાસે બેસાડ્યો, અને તેની રજા લઈને પાછો બહાર સ્ટર્નને મળવા ચાલ્યો ગયો. સ્ટર્ન એકવડિયા બાંધાનો, બુદ્ધિજીવી જેવા કઠોર હાવભાવવાળો માણસ હતો. તેનો ચહેરો કોઈ યહૂદી ધર્મશાસ્ત્રી અને યુરોપિઅન બુદ્ધિજીવીના મિશ્રણ જેવો લાગતો હતો. આઓએ તેને હિસાબનીશ, જર્મન સૈનિકો અને પેલા યુવાન એકાઉન્ટન્ટે કરેલી વાત કરી. તિજોરીમાંથી ૧૮૫૮નું બાવેરિઅન ચલણ અને ૧૯૧૪ના કબજાના કાગળો પણ તેણે કાઢીને બતાવ્યા. “મને થયું કે આવા કિસ્સામાં શું કરવું તેનો કોઈ રસ્તો તમે કાઢ્યો હશે…” આઓએ કહ્યું. “આજકાલ તો ક્રેકોવમાં આવું ઘણું-બધું બનતું હશે…”
ઇત્ઝાક સ્ટર્ને ચલણી નોટો હાથમાં પકડીને તેનો બરાબર અભ્યાસ કર્યો. તેણે નિરીક્ષકોને જણાવ્યું, કે આવું બને, ત્યારે શું કરવું તેની ચોક્કસ પદ્ધતિ સાચે જ તેણે વિકસાવી હતી! મોં પર સ્મિત કે દુઃખના કોઈ જ હાવભાવ વગર કમરાના એક ખૂણે સળગતી આગ પાસે જઈને તેણે બંને કાગળો તેમાં હોમી દીધાં.
“આવી લેવડદેવડને હું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ‘ફ્રી સેમ્પલ’ ખાતે લખી નાખું છું.” તેણે કહ્યું. સપ્ટેમ્બર પછી આવાં કેટલાંયે ફ્રી સેમ્પલો આપવામાં આવ્યાં હતાં. કાયદાકીય સલાહની સાથોસાથ, સ્ટર્નનું આ રૂક્ષ અને અસરકારક સ્વરૂપ આઓને ગમ્યું. ક્રેકોવ જેવા નાનકડા ગામમાં ઊભા થતા ગુંચવાડા અને તેના ઉકેલ માટેની સ્થાનિક હોશિયારીની ઝલક એકાઉન્ટન્ટના કૃશ ચહેરા પર નિહાળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. માત્ર સ્થાનિક લોકોને જ આવા ઉકેલની સુઝ હોઈ શકે!
અંદર ઓફિસમાં હેર શિન્ડલર સ્થાનિક ધંધાકીય જાણકારી મેળવવાની અપેક્ષાએ બેઠો હતો. આઓ શિન્ડલર સાથે સ્ટર્નની મુલાકાત કરાવવા માટે તેને મેનેજરની ઓફિસમાં લઈ આવ્યો. તાપણાની આગ સામે તાકતો શિન્ડલર, એક હાથમાં શરાબની ખુલ્લી બોટલ લઈને શુન્યમનસ્ક ઊભો હતો. તેને જોઈને, એ કોઈ સાધારણ જર્મન ન હોવાનો વિચાર સ્ટર્નના મનમાં ઝબકી ગયો! આઓએ તો પોતાના બાવડે કોઈક સાયકલિંગ ક્લબના ચિહ્ન જેવડો સાવ નાનકડો સ્વસ્તિક પહેર્યો હતો. જ્યારે ઓસ્કરના બાવડે પહેરેલો કાળા એનેમલમાં જડેલો મોટો સ્વસ્તિક તાપણાના પ્રકાશમાં એકદમ ચળકતો હતો. ઓસ્કરનું પોતાનું વ્યક્તિત્વ, અને તેણે પહેરેલા તેજસ્વી સ્વસ્તિકનો સંયુક્ત પ્રભાવ, શરદીથી પ્રભાવિત પોલિશ યહૂદી સ્ટર્નની તકલીફ પર હાવી થઈ રહ્યા હતા! આઓએ બંનેની ઓળખાણ એકબીજા સાથે કરાવી. સ્ટર્ને ઓસ્કર સામે જોઈને કહ્યું, “ગવર્નર ફ્રેંક દ્વારા જારી થયેલા આદેશ મુજબ, મારે સૌથી પહેલાં તમને એ જાણ કરવી જોઈએ, કે હું એક યહૂદી છું.”
“ભલે,” હેર શિન્ડલરે તેની સામે ગંભીર અવાજે કહ્યું. “હું એક જર્મન છું. જે છે, તે છે!”
“એવું હોય તો ભલે!” સ્ટર્ન પોતાના ભીના થઈ ગયેલા હાથરૂમાલને મોં પાસે રાખીને ઝડપથી બોલી ગયો. જાણે કહેતો હોય, કે જો એમ જ હોય તો આદેશ રદ્દ કરી નાખોને!
ઇત્ઝાક સ્ટર્ન પોલેન્ડની નવી રાજ્યવ્યવસ્થાનું હજુ તો સાતમું અઠવાડિયું જોઈ રહ્યો હતો. આ સમય દરમ્યાન એક નહીં, અનેક આદેશો તેમની ઉપર લાદી દેવામાં આવ્યા હતા.
પોલેન્ડના ગવર્નર જનરલ હેન્સ ફ્રેંક, છ પ્રતિબંધક આદેશો પર સહી કરીને તેને અમલમાં મૂકી ચૂક્યા હતા. એ સિવાયના અન્ય આદેશોનો અમલ, તેમણે મેજર જનરલની સમકક્ષ એવા એસએસના ગૃપેનફ્યૂહરર અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉ. ઓટ્ટો વોચર પર છોડ્યો હતો. તેના આદેશ મુજબ, સ્ટર્ને પોતાના વંશની જાણકારી જાહેર કરવા ઉપરાંત, પીળી પટ્ટી દોરેલું એક ખાસ રજીસ્ટ્રેશન કાર્ડ હંમેશા પોતાની સાથે રાખવું જરૂરી હતું. ખાંસી ખાતો સ્ટર્ન શિન્ડલરની સામે ઊભો હતો, એ સમયે યહૂદી ધર્મશાસ્ત્રમાં લખેલી વિધી મુજબ માંસ રાંધવા ઉપર પ્રતિબંધ મૂકાયાને, અને યહૂદીઓને વેઠિયા મજૂર તરીકે રાખવાના કાઉન્સિલના આદેશો જાહેર થયાને ત્રણ અઠવાડિયાં વિતી ચૂક્યાં હતાં. એક તો પોલિશ લોકોને પહેલેથી જ ઓછું રાશન મળતું હતું, એમાં વળી સ્ટર્ન તો પોલિશ યહૂદી હતો! એટલે તેને સાવ જાનવર જેવો ગણીને, બીન-યહૂદી પોલેન્ડવાસીને મળતા રાશન કરતાં અડધી માત્રા બાંધી આપવામાં આવી હતી. છેલ્લે-છેલ્લે ૮ નવેમ્બરે જાહેર કરાયેલા એક આદેશ પ્રમાણે ક્રેકોવમાં રહેતા યહૂદીઓની નોંધણી શરૂ થઈ ચૂકી હતી, જેને ૨૪ તારીખ સુધી પૂરી કરી નાખવાની હતી.
સ્ટર્ન અંદરથી અત્યંત શાંત અને શૂન્યમનસ્ક રહેતો હતો. આવા આદેશો થવાના છે એ વાત તે જાણતો હતો, અને તેને કારણે પોતાના જીવન પર અસર થવાની જ હતી, પોતાની આઝાદી પર પણ નિયંત્રણો મૂકાઈ જવાનાં હતાં એ પણ એ જાણતો હતો! ક્રેકોવના મોટાભાગના યહૂદીઓને આવા અવિચારી આદેશોની અપેક્ષા હતી જ! તેમના જીવનમાં થોડી અંધાધુંધી તો ફેલાવાની જ હતી…
કોલસો ખોદી કાઢવા જેવા મજૂરીના કામ માટે ગામડાના યહૂદીઓને શહેરમાં લાવવામાં આવતા હતા, અને શહેરના યહૂદી બુદ્ધિજીવીઓને જમીનમાંથી બીટ કાઢવા માટે ગામડામાં લઈ જવામાં આવતા હતા. એમાં ક્યારેક છૂટાછવાયા હિંસાના કિસ્સા પણ બની જતા હતા. દાખલા તરીકે, ટર્સ્ક નામના એક નાનકડા ગામ પાસેના પૂલ ઉપર, લોકોની એક ટૂકડી પાસે આખો દિવસ કામ કરાવ્યા પછી, એસએસના તોપદળે ગામડાના સિનાગૉગમાં લઈ જઈને બધાને ગોળી મારીને મારી નાખ્યા હતા! વચ્ચે-વચ્ચે આવા કિસ્સાઓ બનતા જ રહેતા હતા. પરંતુ પરિસ્થિતિ છેવટે થાળે પડી જતી હતી; યહૂદીઓનો વંશ તો જીવતો રહેવાનો જ હતો, અરજ કરી-કરીને, કે પછી સત્તાધારીઓને ખરીદી લઈને…! લાંચ આપીને જીવન ટકાવી રાખવાની રીત તો યહૂદીઓ માટે બહુ જૂની હતી, અને છેક રોમન સામ્રાજ્યના સમયથી સફળતાપૂર્વક ચાલી આવતી હતી, અને હજુ પણ સફળ થવાની જ હતી! આખરે જર્મન સત્તાધિશોને યહૂદીઓની ગરજ પડવાની જ હતી, ખાસ કરીને એ કારણે, કે દર અગિયારે એક માથું એમનું જ તો હતું!
જોકે, સ્ટર્ન એવા આશાવાદીઓમાંનો એક ન હતો. પોલેન્ડનું સ્થાનિક ન્યાયતંત્ર, આક્રમણકારીઓ સાથે વાટાઘાટો કરવા જેટલી મજબૂત સ્થિતિમાં એટલું જલદી આવી જશે, એવી કોઈ ભ્રમણા તેના મનમાં ન હતી.
આથી, આવનારી આગ કેવી જલદ અને કેટલી તીવ્ર હશે તેની પાકી ખબર ન હોવા છતાં, ભવિષ્યના વિચારે એ રોષમાં તો હતો જ! ભલે ત્યારે હેર શિન્ડલર! આપણે બંને સમાન છીએ એવું બતાવવાના તમારા આ ઉમદા પ્રયાસો તમને જ મુબારક હો!
આઓએ ઇત્ઝાક સ્ટર્નની ઓળખ આપતાં શિન્ડલરને જણાવ્યું, કે સ્ટર્ન બકાઇસ્ટરનો બહુ મહત્ત્વનો માણસ હતો, અને ક્રેકોવના વ્યાવસાયિક વર્તુળમાં તેના સારા સંપર્કો હતા.
આઓએ કહેલી વાતોનો ઇનકાર કરી શકવાની પરિસ્થિતિમાં સ્ટર્ન ન હતો. તે છતાં, તેણે એ વિચારી જોયું, કે આવી વાત કરીને આઓ ક્યાંક આ મહાનુભાવ મુલાકાતીને ગેરમાર્ગે તો નથી દોરવા માગતોને! એટલામાં આઓ તેમની રજા લઈને ક્યાંક બહાર ચાલ્યો ગયો.
સ્ટર્ન સાથે એકલા પડેલા શિન્ડલરે ધીમા અવાજે, અહીંના સ્થાનિક વ્યવસાય બાબતે કંઈક માહિતી આપવા માટે સ્ટર્નને વિનંતી કરી. ઓસ્કરને ચકાસવા ખાતર સ્ટર્ને કહ્યું, કે એ માહિતી માટે તો હેર શિન્ડલરે કદાચ ટ્રસ્ટ એજન્સીના અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.
“એ બધા તો ચોર છે,” શિન્ડલરે હળવાશથી કહ્યું. “અને વળી પાછા એ રહ્યા અમલદાર! મારે તો કંઈક નક્કર માહિતી જોઈએ છે.” એણે ખભા ઉછાળ્યા. “સ્વભાવે હું મૂડીવાદી છું, અને કોઈ મને નિયંત્રણમાં રાખે તે મને પસંદ નથી.”
આમ, સ્ટર્ન અને આ બની બેઠેલા મૂડીવાદી વચ્ચે વાતચીત શરૂ થઈ. સ્ટર્ન પાસે તો માહિતીનો ખજાનો હતો. ટેક્સ્ટાઇલ, તૈયાર કપડાં, ચોકલેટ, સુતારી કે લુહારીકામ… ક્રેકોવની એકેએક ફેક્ટરીમાં તેના મિત્રો કે સગાં કામ કરતાં હોય એવું લાગતું હતું. શિન્ડલર તેનાથી પ્રભાવિત થયો હતો. સુટના બ્રેસ્ટ-પોકેટમાંથી એક કવર કાઢીને એણે પૂછ્યું, “રેકોર્ડ નામની કોઈ કંપનીની તમને ખબર છે?”
ઇત્ઝાક સ્ટર્ન ‘રેકોર્ડ’ કંપની વિશે જાણતો જ હતો. “નાદારી નોંધાવી છે એ કંપનીએ.” એણે તરત જ જણાવ્યું. એ કંપનીમાં એનેમલનો ઢોળ ચડાવેલાં વાસણો બનતાં હતાં. નાદારી નોંધાવવાને કારણે કંપનીની કેટલીક મેટલ-પ્રેસ મશિનરી સરકારે જપ્ત કરી લીધી હતી. બાકી બચેલા માળખામાં, હાલ તો કંપનીના જૂના માલિકના સગાં દ્વારા, કંપનીની મૂળ ગુંજાશના પ્રમાણમાં અત્યંત ઓછું ઉત્પાદન થઈ રહ્યું હતું. સ્ટર્ને જણાવ્યા મુજબ, તેનો એક ભાઈ, રેકોર્ડના મોટા લેણદારોમાંની એક સ્વિસ કંપનીનો પ્રતિનિધિ હતો. સ્ટર્નને ખબર હતી, કે સંબંધોની શરમ રાખીને, કંપનીની શાખ જાળવવા ખાતર કંપનીને ફડચામાં લઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી. “કંપનીનો વહીવટ બહુ જ બેદરકારીપૂર્વક થતો હતો એ ચોક્કસ.” સ્ટર્ને જણાવ્યું.
શિન્ડલરે સ્ટર્નના ખોળામાં કવર મૂકી દીધું. “આ એની બેલેન્સ-શીટ છે. તમારો અભિપ્રાય મને જણાવશો?”
ઇત્ઝાકે શિન્ડલરને કહ્યું, કે “મારો અભિપ્રાય તો ઠીક છે, તમારે બીજા લોકોનો અભિપ્રાય પણ લેવો જોઈએ.” “ચોક્કસ લઈશ.” ઓસ્કરે તેને જવાબ આપ્યો. “પરંતુ મારા માટે તમારો અભિપ્રાય મહત્વનો છે.” સ્ટર્ને ઝડપથી બેલેન્સશીટ પર નજર ફેરવી લીધી; ત્રણેક મિનિટ અભ્યાસ કર્યા પછી, ઑફિસની સ્તબ્ધતાને એકી શ્વાસે અનુભવી લેતાં એણે ઊંચું જોયું, તો શિન્ડલરની આંખો તેના પર જ મીટ માંડીને એકધારું જોઈ રહી હતી.
જંગલી લોકોની નિર્દયતા સામે, થોડું-ઘણું પણ રક્ષણ આપી શકે તેવા માણસને સુંઘી લેવાની પૂર્વજપ્રેરિત શક્તિ સ્ટર્નમાં મોજુદ હતી! સંકટ સમયે કયા સ્થળે આશ્રય મળી શકશે એ શોધી કાઢવા જેવી જ એ સહજવૃત્તિ હતી. અને આવનારા ભવિષ્યમાં ઓસ્કર શિન્ડલર પોતાનું રક્ષણ કરે તેવી શક્યતા સ્ટર્ન જોઈ શકતો હતો. પાર્ટીમાં કોઈ સ્ત્રીને કામુક ઈશારા કરતી જોયા પછી પુરુષ સાથેની તેની વાતચીત પર જે અસર પડે, એવી જ અસર શિન્ડલર સાથે સ્ટર્નની વાતચીત પર પણ પડી હતી. આ બાબતે શિન્ડલર કરતાં સ્ટર્ન વધારે સચેત હતો. બંને વચ્ચેના નાજુક સંબંધોને હાની ન પહોંચે એ માટે કોઈએ સ્પષ્ટ શબ્દોમાં કંઈ જ કહ્યું ન હતું.
“બહુ જ સારો ધંધો છે,” સ્ટર્ને કહ્યું. “તમે મારા ભાઈ સાથે પણ વાત કરી જુઓ. અને હા, હવે તો મિલિટરી કોન્ટ્રેક્ટ મળી જાય એવી પણ શક્યતાઓ છે…”
“હું પણ એમ જ વિચારું છું.” શિન્ડલરે હળવેકથી કહ્યું.
ક્રેકોવના ધ્વંસ પછી તરત જ, અને વૉરસોનો ઘેરાવ પૂરો થયો તેની પહેલાં, ગવર્નર્મેન્ટ જનરલ ઓફ પોલેન્ડમાં શસ્ત્ર વિભાગ શરૂ થઈ ગયો હતો, અને આર્મિની જરૂરિયાતો પૂરી પાડવા માટે યોગ્ય ઉત્પાદકો સાથે કોન્ટ્રેક્ટ કરવાના આદેશો બહાર પડી ચૂક્યા હતા. લશ્કરી રસોડામાં અને મોરચા પર વાપરી શકાય તેવા વાસણો રેકોર્ડ જેવા પ્લાન્ટમાં બનાવી શકાય તેમ હતા. સ્ટર્ન જાણતો હતો, કે નાઝી મેજર જનરલ જુલિઅસ શિન્ડલર શસ્ત્ર વિભાગના વડા હતા. “આ જનરલ શિન્ડલર, તમારા કંઈ સગા થાય છે?” સ્ટર્ને તેને આવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓસ્કરે તો જવાબમાં તેને એમ જ કહેલું, કે એ પોતાના સગા થતા ન હતા. પરંતુ એ જવાબ એણે એ રીતે આપેલો, જાણે એ જનરલ સાથેનું તેનું સગપણ ખાનગી રાખવા માટે સ્ટર્નને કહેતો ન હોય!
સ્ટર્નના કહેવા મુજબ, કે પાંખી ક્ષમતા સાથે પણ રેકોર્ડનું ઉત્પાદન વર્ષે દહાડે નહીં-નહીં તોયે પાંચેક લાખ ઝ્લોટીનું તો હશે જ! વળી એમાં નવાં મેટલ-પ્રેસિંગ પ્લાન્ટ અને ભઠ્ઠીઓ પ્રમાણમાં સહેલાઈથી નાખી શકાય તેમ હતું. આ બધી બાબતોનો આધાર શિન્ડલર પાસે કેટલી મૂડી છે તેના પર હતો.
શિન્ડલરે તેને જણાવ્યું, કે ટેક્સ્ટાઇલની સરખામણીએ એનેમલના વાસણો બનાવવા, એ તેના પોતાના વ્યવસાયને મળતી આવે તેવી બાબત હતી. શિન્ડલરને ખેતીકામની મશિનરીનો અનુભવ હોવાને કારણે સ્ટીમ પ્રેસ જેવી ચીજોની જાણકારી પણ તેની પાસે હતી.
સ્ટર્નના મનમાં એવો પ્રશ્ન ઊભો થતાં બહુ વાર ન લાગી, કે શિન્ડલર જેવો એક સમૃદ્ધ જર્મન વેપારી, ધંધો પસંદ કરવાના વિકલ્પો બાબતે પોતાની સાથે શા માટે વાત કરવા ઇચ્છતો હતો! સ્ટર્નના પૂર્વજોના ઇતિહાસમાં આ પ્રકારની મુલાકાતોની એક મોટી તવારીખ હતી. અને આ કોઈ સામાન્ય ધંધાકીય મુલાકાતો તો હતી નહીં! આ પ્રકારની નાદાર સંપત્તિઓને ભાડાપટ્ટે આપવા માટે વ્યાપારી કોર્ટ કઈ રીતે ફી નક્કી કરશે તેની વિગતવાર વાતો એણે શિન્ડલર સાથે કરી. ફેક્ટરીના માત્ર નિરીક્ષક બનવા કરતાં, ભાડાપટ્ટા સાથે ફેક્ટરીને ખરીદી જ લેવી એ વધારે સારો રસ્તો હોવાનું પણ એણે જણાવ્યું. તેની સલાહ મુજબ, નિરીક્ષક બનીને છેવટે તો આર્થિક મંત્રાલયના નિયંત્રણમાં જ રહેવું પડે તેમ હતું!
સાવ ધીમા અવાજે, જોખમ લેતો હોય એમ સ્ટર્ને કહ્યું, “માત્ર નિરીક્ષક બનવાથી તો લોકોને નોકરીએ રાખવા જેવી બાબતમાં પણ તમારા હાથ બંધાયેલા રહેશે!”
શિન્ડલરે આશ્ચર્ય પામતાં પૂછ્યું. “તમને આ બધી કઈ રીતે ખબર છે? જર્મનોના આખરી ઈરાદા બાબતે?”
“બર્લિનર ટેજીબ્લેટમાં મેં આ બધું વાંચેલું. યહૂદીઓને હજુ જર્મન છાપું વાંચવાની છૂટ છે ખરી!”
શિન્ડલરે હસતાં-હસતાં હાથ લાંબો કર્યો, અને સ્ટર્નના ખભે મૂક્યો. “ખરેખર?” એણે પૂછ્યું.
હકીકતમાં, આર્થિક મંત્રાલયના જર્મન સેક્રેટરી ઓફ સ્ટેટ એબરહાર્ડ વાન જેગવિટ્ઝ તરફથી આઓને મળેલા એક આદેશને કારણે જ સ્ટર્નને આ બાબતે જાણ થઈ હતી. એ આદેશોમાં વ્યવસાયોના આર્યનીકરણમાં અમલ કરવા યોગ્ય નીતિઓની એક યાદી આપવામાં આવી હતી. એ આદેશોમાંથી તારવીને એક સંક્ષિપ્ત યાદી બનાવવાનું કામ આઓએ સ્ટર્નને સોંપેલું. વાન જેગવિટ્ઝે ગુસ્સા કરતાં વધારે દુઃખ સાથે દર્શાવ્યું હતું, કે હેડરીકની જર્મન મુખ્ય સુરક્ષા કચેરી જેવી સંસ્થાઓ તથા અન્ય સરકારી એજન્સીઓ દ્વારા, માત્ર કંપનીઓની માલિકી જ નહીં, પરંતુ કંપનીઓના વહીવટદારો અને કામદારોનું પણ આર્યનીકરણ કરવા માટે દબાણ કરવામાં આવવાનું હતું. યહૂદીઓ ગમે તેટલા કુશળ કારીગર હોય, પરંતુ જર્મન નિરીક્ષકોએ તેમને જેમ બને તેમ જલદી છૂટા કરવાના હતા. હા, ઉત્પાદન એક ચોક્કસ સ્તરે જળવાઈ રહે તેની કાળજી રાખવાની હતી!
છેવટે શિન્ડલરે રેકોર્ડના હિસાબો પાછા પોતાના ખિસ્સામાં મૂકી દીધા, અને ઊભો થઈને એ સ્ટર્ન સાથે ઑફિસના સ્વાગતકક્ષમાં આવ્યો. બહાર બેઠેલા ટાઇપિસ્ટ અને ક્લર્કની હાજરીમાં, અજાણ્યા બનીને થોડી વાર બંને ઊભા રહ્યા. ઓસ્કરને આવું કરવું ગમતું હતું. ત્યાં ઊભા-ઊભા ઓસ્કરે ખ્રિસ્તીધર્મના મૂળમાં યહૂદીધર્મ જ હોવાની વાત કરી. આ કારણસર જ બાળપણમાં તેનું કુટુંબ ઝ્વિતાઉમાં રહેતું હતું ત્યારે કેન્ટર કુટુંબ સાથે સંબંધો બાંધવામાં પણ શિન્ડલરને રસ પડ્યો હતો. સ્ટર્ને કોઈ વિદ્વાનની માફક ધીમે-ધીમે લંબાણપૂર્વક ઓસ્કર સાથે વાતો કરી. ધાર્મિક સમાનતાના સામયિકોમાં સ્ટર્નના લેખો પ્રકાશિત થયા હતા. આમ તો ભલે ખોટી રીતે, પરંતુ શિન્ડલર પોતાની જાતને એક દાર્શનિક માનતો હતો! આજે તેને એક ખરેખરા વિદ્વાનનો ભેટો થઈ ગયો હતો! કેટલાક લોકોને સ્ટર્ન પંડિતાઈનો ડોળ કરતો હોય એવું લાગતું. અને એ જ સ્ટર્નને ઓસ્કરના વિચારો બહુ છીછરા લાગતા હતા. સ્ટર્નની નજરે ઓસ્કર ભલે એક મિલનસાર માણસ હોય, પરંતુ વૈચારિક દૃષ્ટિએ તેને એ કોઈ પ્રતિબદ્ધતા વગરનો માણસ લાગતો હતો. જો કે, સ્ટર્ન આ બાબતે કોઈને ફરિયાદ કરવા જઈ શકવાનો ન હતો. બંને વચ્ચે, સાવ અસંભવ લાગે એવી મજબૂત આત્મિયતા બંધાઈ ચૂકી હતી. ઓસ્કરના પિતાએ અગાઉના રાજ્યકર્તાઓના દાખલા આપીને, હિટલર શા માટે સફળ નહીં થાય તેના કારણોની વાત તેને કરી હતી. ઓસ્કર સાથેની નવી-નવી દોસ્તીને કારણે, પોતાને સભાનતાપૂર્વક રોકી શકે એ પહેલાં જ સ્ટર્નના મોંમાંથી પણ આજે કંઈક એવી જ વાત નીકળી ગઈ! સ્ટર્નના મોઢે હિટલર નિષ્ફળ જશે એવી વાત સાંભળીને ઓફિસમાં કામ કરી રહેલા અન્ય યહૂદીઓ મોં નીચું કરીને પોતપોતાના કામમાં પડી જવાનો દેખાવ કરવા લાગ્યા. પરંતુ શિન્ડલર પર એની કોઈ જ અસર થઈ નહીં.
વાતના અંતે, ઓસ્કરે એક એવી વાત કરી, જેમાં કંઈક નવીનતા હતી! એણે કહ્યું કે, આજના આ સમયમાં ચર્ચ માટે લોકો પાસે એવી વાત કરવી અઘરી હતી, કે ઈશ્વર એક નાનકડી ચકલીના મૃત્યુનો પણ હિસાબ રાખતો હોય છે! એણે કહ્યું, કે જીવનનું મુલ્ય આજે જ્યારે સિગરેટના એક પેકેટ જેટલું પણ નથી રહ્યું, ત્યારે તે પોતે પાદરી બનવાનું તો પસંદ નહીં જ કરે! વાતના જોમમાં આવીને, શિન્ડલર સાથે સહમત થતાં સ્ટર્ને કહ્યું, કે શિન્ડલર બાઇબલના જે સંદર્ભની વાત કરે છે તેવી જ વાત યહૂદીઓના તાલમુદમાં પણ એક શ્લોક દ્વારા ટૂંકમાં કહેવામાં આવી છે, જેમાં કહેવાયું છે, કે તમે એક માણસને બચાવી શકો, તો એ આખા વિશ્વને બચાવ્યા બરાબર છે.
“સાવ સાચી વાત છે, ખરેખર!” ઓસ્કર શિન્ડલરે સ્વીકાર્યું. આ વાત સાચી હોય કે ખોટી, ઇત્ઝાક હંમેશા એવું માનતો રહ્યો, કે આ જ એ ક્ષણ હતી જ્યારે તેણે શિન્ડલરના ચાસમાં એક બીજ રોપ્યું હતું!