શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (આમુખ) 1


આમુખ

પાનખર, ૧૯૪૩ :

પોલેન્ડમાં એ સમય પ્રખર પાનખરનો હતો. મોંઘોદાટ ઓવરકોટ પહેરેલો એક ઊંચો યુવાન, અંદર ડબલ-બ્રેસ્ટેડ જેકેટ અને કોલર પર કાળા મીના પર સોનેરી રંગે મઢેલા સ્વસ્તિકના ચિહ્ન સાથે, ક્રેકોવના જુના ચોકની એક તરફ આવેલી સ્ત્રેસ્કિગો સ્ટ્રીટ પર આવેલા એક આધુનિક એપાર્ટમેન્ટમાંથી બહાર આવ્યો. અંધારામાં પણ ચળકતી વિશાળ એડલર લિમુઝિનના ખુલ્લા દરવાજા પાસે ઊભા રહીને મોમાંથી ધુમાડા કાઢી રહેલા પોતાના શોફર પર તેની નજર પડી. “ફૂટપાથ પર ચાલતાં સંભાળજો, શિન્ડલર સાહેબ!” શોફરે તેને ચેતવ્યો. “કોઈ વિધવા સ્ત્રીના હૃદયની માફક એ પણ લપસણી થઈ ગઈ છે!” શિયાળાની રાતનું આ દૃશ્યને દૂરથી જોતી વેળા, એ કોઈ જોખમી જગ્યા હોય એવું લાગતું ન હતું. એ ઊંચો યુવાન માણસ આખી જિંદગી ડબલ-બ્રેસ્ટેડ જેકેટમાં જ સજ્જ રહેવાનો હતો. પોતે ઇજનેર હોવાને કારણે, આ પ્રકારના ભવ્ય અને મોટા વાહનોની સગવડ તો તેને હંમેશા મળતી જ રહેવાની હતી. ઇતિહાસનો આ એવો તબક્કો હતો, જ્યારે કારના વગદાર જર્મન માલીક સાથે તેનો પોલિશ શોફર કોઈ જ ડર વગર, મૈત્રિભાવે આવી સસ્તી મજાક કરી શકતો હતો. અને એ યુવાનનું વ્યક્તિત્વ પણ કંઈક એવું જ હતું!

પરંતુ, આવા સરળ ચારિત્ર્યના ઓથારમાં લપાઈને બેઠેલું એ યુવકનું પૂરેપૂરું ચિત્ર નિહાળવાની તક આપણને મળે જ, એવું હંમેશા ન પણ બને! કારણ કે આ કહાણી તો અનિષ્ટ પર ઇષ્ટે મેળવેલી વ્યવહારુ જીતની છે; સ્પષ્ટ શબ્દોમાં કહીએ, તો આ એક એવી જીતની વાત છે જેને આપણે સાદા આંકડાના માપદંડે અંદાજી શકીએ. આપણે જ્યારે અનિષ્ટનો સામનો કરી રહ્યા હોઈએ, અનિષ્ટોને બહુધા મળી રહે તેવી, જેને માપી શકાય, જેની આગાહી પણ કરી શકાય એવી સફળતાની તવારીખ આપણે જ્યારે નોંધી રહ્યા હોઈએ, ત્યારે લાગણીશીલ બનવા કરતાં, ડહાપણ વાપરીને, નિરાશા અનુભવીને, ઘા સહન કરી લઈને ચૂપચાપ એક તરફ બેઠા રહેવું બહુ સરળ બની જતું હોય છે. વાસ્તવિકતાની ભૂમી પર અનિષ્ટો જે કોઈ પરિબળોના આધારે કબજો કરી લેતા હોય, એ પરિબળોને આગળ ધરીને નાસી જવું બહુ સહેલું હોય છે; અને તે છતાં, ગૌરવ અને આત્મજ્ઞાન જેવી કહેવાતી નાની-નાની, ક્ષુલ્લક ગણાતી ચીજો જ આખરે તો ઇષ્ટના ફાળે આવતી હોય છે! ભયાનક ઘટનાઓનું વર્ણન કરનાર લોકો તો માનવજાતની વિધ્વંસક દુષ્ટબુદ્ધિને દોષ દઈને બેસી રહેશે, અને ઇતિહાસકારો પણ આવી ઘટનાઓમાંથી પોતાને જોઈતી માહિતી મેળવી લેશે, પરંતુ મૂલ્યોની વાત કરવાનું કામ ખરેખર બહુ જોખમી હોય છે.

હકીકતે, ‘મૂલ્ય’ એ પોતે જ એટલો જોખમી શબ્દ છે કે તેને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ખૂબ જ મથામણ કરવી પડે. લપસણી પગદંડી પર ચાલતી વેળાએ, પોતાનાં ચમકતાં જુતાં ખરડાય તેની પરવા કર્યા વગર ક્રેકોવના આ પ્રાચીન અને મનોહર સ્થળે ઊભેલો હેર ઓસ્કર શિન્ડલર, પરંપરાગત શબ્દોમાં વર્ણવી શકાય તેવા નૈતિક મુલ્યોને વરેલો યુવાન હતો જ નહીં! પોતાની જર્મન પ્રેયસી માટે આ શહેરમાં એણે એક અલગ મકાન રાખ્યું હતું, અને પોતાની પોલિશ સેક્રેટરી સાથે પણ એ છેલ્લા કેટલાયે સમયથી પ્રેમસંબંધ નિભાવી રહ્યો હતો. તેની પત્ની એમિલી તેને મળવા ક્યારેક-ક્યારેક પોલેન્ડ આવી જતી હતી, પરંતુ મોટાભાગનો સમય એ મોરાવિયા ખાતે આવેલા પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરતી હતી! ઓસ્કર માટે એટલું તો કહેવું જ પડશે, કે આ બધી જ સ્ત્રીઓ સાથે તે એક સભ્ય અને અત્યંત દિલદાર પ્રેમીને છાજે એવું વર્તન કરતો હતો. પરંતુ ‘મૂલ્ય’ શબ્દનો પ્રચલિત અર્થ જોવા જઈએ, તો તેની એ આ સભ્યતા અને દિલદારીને ધ્યાનમાં ન જ લઈ શકાય!

એ જ રીતે, ઓસ્કર એક શરાબી માણસ હતો. ક્યારેક માત્ર પોતાના શોખને ખાતર, તો ક્યારેક મિત્રો, સરકારી અમલદારો અને એસએસના માણસોને સાથ આપવા ખાતર પણ એ શરાબની રંગત માણી લેતો હતો, પરંતુ બીજા શરાબીઓની માફક, નશો તેના મગજ પર ક્યારેય સવાર થઈ જતો નહોતો! જો કે ફરી એક વખત નૈતિકતાના રૂઢ માપદંડે માપવા જઈએ, તો શરાબની લત સામે, તેના સ્વસ્થ વર્તનની દલીલ ટકી ન શકે! હા, હેર શિન્ડલરના સદ્ગુણો અંગે ઘણી નોંધો મળી આવે છે, પરંતુ તેના આ વિરોધાભાસનું જ એક પાસું એ પણ હતું, કે ભ્રષ્ટ અને નિર્દય વ્યવસ્થાતંત્રની અંદર રહીને, કે પછી તેને આધારે જ એ માણસ પોતાનું કામકાજ ચલાવતો હતો! એ જડબેસલાક વ્યવસ્થાતંત્રની આડમાં જ તો આખું યુરોપ ઘાતકી છાવણીઓથી ખદબદી રહ્યું હતું, અને કેદીઓથી ભરેલી એક એવી છૂપી દુનિયાનું નિર્માણ થઈ ચૂક્યું હતું, જેના વિશેની કોઈ જ વાત યુરોપની બહાર આવી શકતી ન હતી! એટલે, યોગ્ય તો એ જ રહેશે, કે હેર શિન્ડલર સાથે જ ઘટેલી અને તેની નૈતિકતા સાથે સંકળાયેલી એક ઘટનાથી, એક ચોક્કસ સ્થળેથી અને તેના એ જ સાથીદારોથી જ આપણી આ કહાણીની શરૂઆત કરીએ.

સ્ત્રેસ્કિગો સ્ટ્રીટના છેડે પહોંચીને ઓસ્કરની કાર વેવેલ કેસલની અંધારી વિશાળતાની નીચે સરકી ગઈ. નેશનલ સોશ્યાલિસ્ટ પાર્ટીના માનીતા વકીલ હેન્સ ફ્રેંક આ સ્થળેથી જ પોલેન્ડની ગવર્મેન્ટ જનરલ (જર્મન કબજા હેઠળના પોલેન્ડના વિસ્તારની સરકાર) ચલાવતા હતા. એ વિરાટ શયતાની મહેલમાં અત્યારે એક પણ બત્તી ચાલુ ન હતી.

કારે દક્ષિણ-પૂર્વે નદીની દિશાએ સડસડાટ વળાંક લીધો, ત્યારે રસ્તાની આજુબાજુએ ઊભી કરવામાં આવેલી આડશો સામે હેર શિન્ડલર કે તેના ડ્રાઇવર, બેમાંથી કોઈનું ધ્યાન ગયું નહીં. કેદમાંથી નાસી છૂટેલા ગુનેગારો કે કર્ફ્યુનો ભંગ કરીને આવ-જા કરી રહેલા લોકોની અવરજવરને રોકવા માટે, પોજોર્ઝ અને ક્રેક્રોવ વચ્ચેના રસ્તા પર વિસ્તુલા નદીના ઉપરવાસે પોજોર્ઝ બ્રિજ પાસે કડકડતી ઠંડીમાં ઊભેલા સંત્રીઓ આ વાહનથી, શિન્ડલરના ચહેરાથી અને શોફરે બતાવેલા ઓળખપત્રથી પરિચિત જ હતા. આ ચોકી પરથી શિન્ડલરને ઘણી વખત પસાર થવાનું બનતું. પોતાની ફેક્ટરીમાં જ તેણે એક એપાર્ટમેન્ટ બનાવ્યો હતો, જ્યાંથી શહેરમાં ધંધાર્થે આવતી વેળાએ, કે પછી સ્ત્રેસ્કિગો સ્ટ્રીટના પોતાના એપાર્ટમેન્ટથી ઝેબ્લોસી ખાતેના પોતાના પ્લાન્ટમાં જતી વેળાએ એ અહીંથી જ અવરજવર કરતો હતો. સંત્રીઓને પણ ખબર હતી, કે અંધારું વળી ગયા પછી પણ આ રસ્તા પર ઓસ્કરની અવરજવર રહેતી હતી. ક્યારેક સાદા કપડાંમાં, ક્યારેક પાર્ટીના પોશાકમાં સજ્જ થઈને કોઈકની સાથે ભોજન લેવા જતી વેળાએ, તો ક્યારેક કોઈના શયનગૃહની મુલાકાતે જતાં કે વળતાં શિન્ડલર અહીંથી જ આવ-જા કરતો હતો. આજનો જ દાખલો લઈએ તો, શહેરથી દસેક કિલોમિટરના અંતરે પ્લાઝોવમાં આવેલી વેઠીયા મજૂરોની છાવણીમાં, એસએસના અત્યંત વિષયાસક્ત કેપ્ટન એમોન ગેટે સાથે એ ભોજન લેવા જઈ રહ્યો હતો. ક્રિસમસના સમયે લોકોને ભેટમાં શરાબની બોટલો આપવા માટે હેર શિન્ડલર બહુ જાણીતો હતો; અને આ કારણે જ, પોજોર્ઝમાં પ્રવેશતી વેળાએ તેની કારને વિના વિલંબે પસાર થઈ જવા દેવામાં આવી હતી.

એક વાત ચોક્કસ હતી. આમ તો શિન્ડલર ઉત્તમ ભોજન અને શરાબનો ખૂબ જ શોખીન હતો. પરંતુ ઇતિહાસના આ તબક્કે, કમાન્ડન્ટ ગેટે સાથેના આજના આ ભોજન સમારંભ તરફથી તેને ખાસ કોઈ અપેક્ષા ન હતી. એથી ઉલટું આ ભોજન સમારંભને એ કંઈક અણગમા સાથે નિહાળી રહ્યો હતો! હકીકતે, એમોન સાથે બેસીને શરાબપાન કરવાની બાબત તેને આટલી અણગમાજનક ક્યારેય લાગી ન હતી! અને છતાંયે શિન્ડલરે અનુભવેલો આ અણગમો થોડો રોચક હતો! તિરસ્કારની પરાકાષ્ટા સમો તેનો અણગમો ઘણો જૂનો હતો, મધ્યયુગી પેઇન્ટિંગમાં ચિતરેલા કોઈ શાપિત આત્મા જેવો! એ એક એવો અનુભવ હતો, જે ભય પમાડવાને બદલે ઓસ્કરને તીવ્ર વેદના આપતો હતો! હજુ હમણાં સુધી જ્યાં યહૂદીઓની વસાહત હતી, ત્યાં નવા જ નાખવામાં આવેલા ટ્રોલી-ટ્રેક પાસે થઈને ઓસ્કરની કાળા ચામડે મઢેલી બેઠકોથી સુશોભિત એડલર કાર પસાર થઈ, ત્યારે હંમેશની માફક એ ચેઇન-સ્મોકિંગ કરી રહ્યો હતો. જો કે, આમ ચેઇન-સ્મોકિંગ કરતી વેળાએ પણ એ સાવ સ્વસ્થ જ હતો. એના હાથમાં ક્યારેય ચિંતાની ધ્રુજારી દેખાતી નહીં; તેને બદલે તેના વર્તનમાં હંમેશા એક છટા વરતાતી! હવે પછીની સિગરેટ ક્યાંથી આવશે અથવા હવે પછીની કોગ્નેકની બોટલ ક્યાંથી આવશે, એ હંમેશા તેના વર્તન દ્વારા ધ્વનિત થતું રહેતું! લ્વાવ જવાના રસ્તે પ્રોકોસિમના બાળી મૂકાયેલા કાળામેશ ગામડાઓ પાસેથી પસાર થતી વેળાએ હંમેશા સામા મળતાં ગાડાં મોટાભાગે સૈનિકો અને કેદીઓ ભરેલા રહેતાં, તો કવચિત્‌ પશુઓથી ભરેલા પણ હોય! પરંતુ એ દૃશ્યો નિહાળતી વેળાએ, શરાબના નશાની સહાય લેવાની જરૂરિયાત શિન્ડલરે અનુભવી હશે કે કેમ, એ તો માત્ર એ જ કહી શકે!

શહેરની મધ્યથી દસેક કિલોમિટરના અંતરે, જંગલમાં જમણી બાજુએ જેરોઝોલિમ્ઝ્કા સ્ટ્રીટ તરફ એડલરે વળાંક લીધો. શેરીનું નામ પણ કેવું વક્રોક્તિભર્યું હતું, જેરોઝોલિમ્ઝ્કા! રાતના અંધારામાં પણ બરફાચ્છાદિત ખડકોની સ્પષ્ટ કળી શકાય એવી તીક્ષ્ણ રેખાકૃતિઓ વચ્ચે ટેકરીની તળેટીમાં ઊભેલા સિનાગોગના ભગ્નાવશેષો પર શિન્ડલરની નજર આજે સૌથી પહેલી વખત પડી; અને એ પછી, આજે આપણે જેને જેરૂસલેમ શહેરના નામે ઓળખીએ છીએ એ સ્થળની બચી ગયેલી રૂપરેખાઓ, પ્લાઝોવનો લેબર કેમ્પ અને વીસ હજાર વિક્ષુબ્ધ યહૂદીઓની છાવણીનું બનેલું આખું ગામ તેની નજરે પડ્યાં! યુક્રેનિયનો, અને ‘વેફન’ જેવા નામથી ઓળખાતા એસએસના જવાનોએ મહેલના દરવાજે શિન્ડલરનું અભિવાદન કર્યું, કારણ કે પોજોર્ઝના બ્રિજની માફક અહીં પણ બધા જ તેને ઓળખતા હતા!

વહીવટીભવન સુધી પહોંચીને એડલરે એ રસ્તા પર વળાંક લીધો, જેના પર યહૂદીઓની કબરોને ખોદીને કાઢેલા પત્થરો જડેલા હતા. બે વર્ષ પહેલાં આ જગ્યાએ એક યહૂદી કબ્રસ્તાન હતું. પોતાને કવિ તરીકે ઓળખાવતા કમાન્ડન્ટ ગેટેએ કેમ્પના બાંધકામ વખતે હાથ લાગ્યાં એ બધાં જ સંસાધનોને છાવણીની સજાવટ માટે ઉપયોગમાં લઈ લીધા હતા! પૂર્વ દિશામાં આવેલા કમાન્ડન્ટના બંગલે જતા રસ્તાને છોડીને આખાયે કેમ્પમાં કબરના પત્થરોના બબ્બે ટુકડા કરીને બીછાવી દેવામાં આવ્યા હતા. જમણી તરફ સંત્રીઓના બેરેકથી આગળ જતાં, યહૂદીઓના મૃતદેહોને જાળવવા માટેનું જૂનું મકાન હતું. જર્મનોએ આ મકાનને એટલા માટે જાળવી રાખ્યું હતું, કે જેથી એવું દર્શાવી શકાય, કે અહીં જે કોઈનાં મરણ થયાં હતાં એ બધાં જ કુદરતી અને ઉંમર થઈ જવાને કારણે થયાં હતાં, અને અહીં મૃત્યુ પામનાર દરેક વ્યક્તિની અંતિમવિધિ કરવામાં આવતી હતી! હકીકતે તો, એ મકાન હવે કમાન્ડન્ટના તબેલા તરીકે વપરાતું હતું. શિન્ડલરને આમ તો આ દૃશ્ય જોવાની આદત પડી ગઈ હતી. અને આજે, આ દૃશ્ય જોતી વેળાએ પણ માર્મિક રીતે ગળું ખોંખારીને એણે પોતાનો પ્રત્યાઘાત આપ્યો હોય, એ બનવાજોગ હતું. એક વાત તો સ્વીકારવી જ પડશે, કે નવા યુરોપની પ્રત્યેક નાની-નાની વક્રોક્તિઓ પર પ્રતિક્રિયા આપવા બેસીએ, કે તેની સાથે થોડો વધારે ઘરોબો કેળવીએ, તો ચોક્કસ એ આપણા મન પર હાવી થઈ જાય! જો કે, શિન્ડલરમાં આવા બોજ સહન કરવાની અસીમ શક્તિઓ ભરી પડી હતી.

એ સાંજે પોલ્દેક ફેફરબર્ગ નામનો એક કેદી પણ કમાન્ડન્ટના બંગલા તરફ જઈ રહ્યો હતો. એસએસના એક અધિકારીની સહીવાળા પાસ લઈને કમાન્ડન્ટનો ઓગણીસ વર્ષનો ઓર્ડરલી લિસીક, ફેફરબર્ગના બેરેકમાં આવ્યો હતો. બન્યું હતું એવું, કે કમાન્ડન્ટના બાથટબની ફરતે એક મજબુત રિંગ હતી જેમાં ડાઘ પડી ગયા હતા, અને સાફ થતા ન હતા. લિસીકને ડર હતો, કે સવારે કમાન્ડન્ટ ગેટે નહાવા માટે બાથરૂમ જશે અને એ ડાઘ જોશે, તો જરૂર એને માર પડવાનો! પોજોર્ઝની હાઇસ્કુલમાં ફેફરબર્ગ લિસીકનો શિક્ષક હતો, અને અહીં છાવણીના ગેરેજમાં તેણે કામ કરેલું હોવાથી તેની પાસે સફાઈ માટેનું દ્રાવણ પણ હાજર હતું. એટલે લિસીક સાથે ગેરેજમાં જઈને, છેડે પોતું બાંધેલી એક લાકડી અને સફાઈ માટેનું દ્રાવણ એણે પોતાની સાથે લઈ લીધા. આમ તો કમાન્ડન્ટના બંગલાની અંદર પ્રવેશવાનું કામ હંમેશા કંઈક અનિશ્ચિતતાઓથી ભરેલું રહેતું. પરંતુ સાથે-સાથે, હેલન હર્શની મહેરબાનીથી કંઈક ખાવાનું મળી જવાની શક્યતા પણ રહેતી હતી! હેલન, ગેટેની યહૂદી કામવાળી હતી. ગેટે તેની સાથે બહુ ખરાબ વર્તન કરતો હતો, પરંતુ એ છોકરી પોતે બહુ જ માયાળુ સ્વભાવની હતી. સાથે-સાથે એ ફેફરબર્ગની વિદ્યાર્થીની પણ હતી.

શિન્ડલરની એડલર કાર બંગલાથી સોએક મિટર દૂર હશે, ત્યાં જ એમોને રાખેલા ગ્રેટ ડેન નામના શિકારી કુતરાએ, અને તેની સાથે બીજા કુતરાઓએ પણ મકાનની પાછળના ભાગેથી ભસવાનું શરૂ કરી દીધું. ચોરસ આકારનું એ મકાન માળિયાંવાળું હતું. ઉપરના માળની બારીઓ એક બાલ્કનીમાં ખૂલતી હતી. દિવાલોની ચોતરફ થાંભલીઓ સાથેનો છાપરાવાળો વરંડો હતો. એમોન ગેટેને ઉનાળામાં દરવાજાની બહાર આવીને બેસવાનું ખુબ પસંદ હતું. પ્લાઝોવમાં આવ્યો ત્યારથી તેનું વજન વધી ગયું હતું. આવતા ઉનાળા સુધીમાં જરૂર કોઈ એને જાડિયો કહેવાનું હતું, પરંતુ જેરુસલામના આ ભાગમાં તો કોઈની હિંમત ન હતી કે તેની ઠેકડી ઉડાડે!

એસએસના એક અન્ટરસ્કારફ્યૂહરરને આજે સફેદ હાથમોજા પહેરાવીને દરવાજા પર ચોકીપહેરો દેવા માટે ઊભો રાખી દેવામાં આવ્યો હતો. સન્માનપૂર્વક સલામ કરીને એણે શિન્ડલરને આવકાર્યો. પરસાળમાં ઊભેલા યુક્રેનિઅન ઓર્ડરલી ઈવાને તેનો કોટ અને ટોપી લઈ લીધા. આ તબક્કે શિન્ડલરે પોતાના કોટના ખિસ્સા પર હાથ ફેરવીને, યજમાનને ભેટ આપવા માટે પોતે લાવ્યો હતો એ, માત્ર કાળાબજારમાં જ ઉપલબ્ધ એવું સોને મઢેલું સિગરેટ કેસ હાથવગું હોવાની ખાતરી કરી લીધી. યહૂદીઓના સામાનની જપ્તી દરમ્યાન હાથ લાગેલા ઝવેરાત વડે એમોન એટલો તો સમૃદ્ધ થઈ ગયો હતો, કે ભેટમાં સોને મઢેલી વસ્તુથી કંઈ ઓછું આપવામાં આવે તો એને અપમાન જેવું લાગી જતું હતું. ભોજનકક્ષમાં ખુલતા વિશાળ દરવાજે ઊભા રહીને રોસનર બંધુ હેનરી અને લિઓ, વાયોલિન અને એકૉર્ડિઅન વગાડી રહ્યા હતા. દિવસે છાવણીના પેઇન્ટ-શોપમાં કામ કરતી વેળાએ પહેરેલાં ફાટ્યાં-તૂટ્યાં કપડાં તેમણે બદલાવી નાખ્યાં હતાં, અને ગેટેની મરજીને વશ થઈને, આવા પ્રસંગે પહેરવા માટે બેરેકમાં ખાસ સાચવીને મૂકી રાખેલાં સુઘડ વસ્ત્રો બંનેએ પહેરી લીધા હતા. ઓસ્કર શિન્ડલર જાણતો હતો, કે કમાન્ડન્ટને આ બંધુઓનું સંગીત ગમતું હોવા છતાં, આ બંગલાની અંદર રોસનર બંધુ ક્યારેય સહજતાપૂર્વક વગાડી શકતા ન હતા. એમોનને એ બરાબર ઓળખતા હતા. બંને જાણતા હતા, કે એમોન ધૂની માણસ હતો, પળવારમાં મૃત્યુદંડની સજા કરી દેવા માટે કુખ્યાત! ખૂબ કાળજીપૂર્વક વગાડતા હોવા છતાં બંને હંમેશા એવું ઇચ્છતા, કે એમણે પીરસેલા સંગીતને કારણે અચાનક કોઈ અણધાર્યું નારાજ ન થઈ જાય!

એ રાત્રે ગેટેના ટેબલ પર સાત વ્યક્તિ એકઠી થવાની હતી. શિન્ડલર અને યજમાન એમોન પોતે, એ સિવાય ક્રેકોવ વિસ્તારના એસએસના વડા જુલિઅન સ્કર્નર, અને સ્વર્ગસ્થ હેડરિચની સુરક્ષા સંસ્થા એસડીની ક્રેકોવ શાખાના વડા રોલ્ફ ઝરદા સામેલ હતા.

સ્કર્નર એક ઓબરફ્યુહરર હતો. એસએસમાં આ પદવી કર્નલ અને બ્રિગેડિઅરની વચ્ચેની ગણાતી હતી. આર્મીમાં તેની સમકક્ષ ગણાય તેવી કોઈ જ પદવી ન હતી, જ્યારે ઝરદા ઓબરસ્તર્મ્બેન્ફ્યુહરરની પદવી પર હતો, જે લેફ્ટેનન્ટ-કર્નલની સમકક્ષ પદવી હતી. એમોન ગેટે પોતે હોપ્ટસ્ટર્મફ્યુહરર, અથવા તો કેપ્ટનની પદવી પર હતો. સ્કર્નર અને ઝર્દાને મુખ્ય સન્માનનીય અતિથી બનાવવામાં આવ્યા હતા, કારણ કે આ છાવણી એ બંનેની હકુમત હેઠળ હતી. કમાન્ડન્ટ ગેટે કરતાં ઉંમરમાં એ બંને ઘણા મોટા હતા. ચશ્માં, માથા પર ટાલ અને થોડા ભારે શરીરને કારણે એસએસનો પોલીસવડો સ્કર્નર તો મધ્યવયનો લાગતો જ હતો. પરંતુ તેના હાથ નીચે કામ કરતા એમોનની સ્વૈરાચારી જીવનપદ્ધતિ જોતાં, તેની અને એમોનની વચ્ચેનો ઉંમરનો તફાવત એટલો વધારે દેખાતો ન હતો. આ બધામાં, પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવી અને પ્લાઝોવમાં આવેલા કાયદેસર-ગેરકાયદેસર એવાં કેટલાયે વર્કશોપનો વ્યવસ્થાપક એવો હેર ફ્રાન્ઝ બૉસ ઉંમરમાં સૌથી મોટો હતો. તે ઉપરાંત તે જુલિઅન સ્કર્નરનો ‘આર્થિક સલાહકાર’ પણ હતો, આ શહેરમાં એ કેટલાક ધંધાદારી હિતો પણ ધરાવતો હતો!

બંને પોલીસવડા, સ્કર્નર અને ઝરદા પ્રત્યે પોતાને નફરત હોવા છતાંયે, ઓસ્કર જાણતો હતો, કે ઝેબ્લોસીમાં આવેલા પોતાના એક પ્લાન્ટને ટકાવી રાખવા માટે એ બંનેનો સહકાર અનિવાર્ય હતો. અને એટલે જ ઓસ્કર એ બંનેને નિયમિતપણે ભેટ મોકલાવી આપતો હતો. એમોનના બંગલે હાજર મહેમાનોમાં, પ્લાઝોવની છાવણીમાં આવેલી ‘મેડ્રિટ્ઝ યુનિફોર્મ ફેક્ટરી’નો માલીક જુલિઅસ મેડ્રિટ્ઝ, અને તેનો વ્યવસ્થાપક રેમન્ડ ટીસ, આ બે જ એવી વ્યક્તિ હતી, જેમની સાથે ઓસ્કર કંઈક મૈત્રીભાવ અનુભવતો હતો. ઓસ્કર અને કમાન્ડન્ટ ગેટે કરતાં મેડ્રિટ્ઝ એકાદ વર્ષ નાનો હતો.

મેડ્રિટ્ઝ એક વેપારી જરૂર હતો, પરંતુ થોડો માણસાઈવાળો હતો. પોતાની નફો કરતી ફેક્ટરી તેણે કેદીઓની છાવણીમાં નાખી હોવાના ઔચિત્ય બાબતે કોઈ પ્રશ્ન ઊભો કરે તો તેના જવાબમાં, લગભગ ચાર હજાર કેદીઓને રોજગારી આપીને તેમને મૃત્યુના મોંમાંથી બચાવ્યા હોવાની દલીલ એ ચોક્કસ રજુ કરી શકે તેમ હતો! ચાળીસેકની વય ધરાવતો એકવડિયા બાંધાનો, અને આ બધાથી થોડો અતડો રહેતો રેમન્ડ ટીસ, આજે આ પાર્ટીમાંથી થોડી વહેલી વિદાય લેવા માગતો હતો. મેડ્રિટ્ઝનો આ મેનેજર, કેદીઓની સહાય કરવા માટે વધારાની ખાવા-પીવાની ચીજોને ટ્રકોમાં ભરી-ભરીને ચોરીછુપીથી જેલ-છાવણીમાં ઘુસાડી દેતો હતો. આમ કરવા બદલ એસએસની મોન્ટેલ્યુપિક જેલમાં કે પછી ઓસ્વિટ્ઝની છાવણીમાં આજીવન પુરાઈ રહેવાની સજા તેને થઈ શકે તેમ હતી! રેમન્ડ મેડ્રિટ્ઝનો મદદનીશ હતો. તો, આ થયો કમાન્ડન્ટ ગેટેના નિવાસસ્થાને ભોજન માટે કાયમ એકઠા થનારા મહાનુભાવોનો પરીચય.

પાર્ટીમાં હાજર ચાર મહિલા મહેમાનો આ બધા જ પુરુષો કરતાં ઉંમરમાં નાની હતી. કાળજીપૂર્વક કેશગુંફન કરીને આવેલી  એ ચારેય સ્ત્રીઓ મોંઘા ગાઉનમાં સજ્જ હતી. ક્રેકોવથી આવેલી એ ચારેય સ્ત્રીઓ જર્મન અને પોલિશ ઉચ્ચ વર્ગની ગણિકાઓ હતી. એમાંની અમુક તો નિયમિતપણે અહીંની મહેમાન બનતી હતી. પાર્ટીમાં સ્ત્રીઓની સંખ્યા, બંને ઉચ્ચ પદવીધારી અધિકારીઓની મરજીના આધારે નક્કી થતી હતી. ગેટેની પ્રેયસી મેજોલા તો આવી પાર્ટીઓના સમયે શહેરમાં આવેલા પોતાના એપાર્ટમેન્ટમાં જ રહેતી હતી. આ પ્રકારના ભોજન સમારંભોને તે પુરુષોની અંગત બાબત ગણાવતી હતી. પોતાના જેવી સંવેદનશીલ સ્ત્રી માટે આવા ભોજન સમારંભો તેને અપમાનજનક લાગતા હતા.

બંને પોલીસ વડા અને કમાન્ડન્ટ, આમ તો પોતપોતાના અંગત કારણોસર ઓસ્કરને પસંદ કરતા હતા, એ વાતમાં બેમત નહીં! તે છતાં, ઓસ્કરમાં કંઈક અસાધારણ એવું કોઈક તત્વ હતું ખરું, જેને ત્રણેય અધિકારીઓ ઓસ્કરના વડવાઓ તરફથી વારસામાં મળેલું લક્ષણ ગણીને ભુલી જવા માગતા હોય એવું લાગતું હતું! ઓસ્કર એક સ્યૂડટેન જર્મન (ચેકોસ્લોવેકિયાના જર્મનભાષી પ્રદેશનો વતની, ચેક-જર્મન) હતો. ઓસ્કર અને તેમની વચ્ચે આરકાન્સાસ અને મેનહટ્ટન વચ્ચે, કે પછી લિવરપુલ અને કેમ્બ્રિજ વચ્ચે હોય એટલું અંતર હતું. જર્મન અધિકારીઓ પાછળ સારી એવી રકમ ખરચતો હોવા છતાં, એવું લાગતું હતું કે ઓસ્કરને સાચા-ખોટાની પરખ ન હતી. અધિકારીઓને ભેટ આપવા માટે બજારમાં અછત ધરાવતી કેટલીયે વસ્તુઓનો બંદોબસ્ત એ ગમે ત્યાંથી કરી લેતો હતો! નશો ક્યારેય તેના પર હાવી થઈ શકતો ન હતો, અને એ હળવી અને કેટલેક અંશે તોફાની રમુજવૃત્તી ધરાવતો માણસ હતો. સામે મળી જાય તો હળવું સ્મિત આપીને ડોકું નમાવી શકાય તેવો સદ્ગૃહસ્ત એ જરૂર હતો, પરંતુ તેની વિરુદ્ધમાં ઉતાવળે કંઈક બોલાઈ ન જાય તેનું ધ્યાન પણ રાખવું પડે એટલું ચોક્કસ! છેવટે, એવું કરવું હિતાવહ તો નહોતું જ ગણાતું. આજે મહદ્‌અંશે તો એવું જ બન્યું, કે ચારેય યુવતીઓને ઉત્સાહપૂર્વક કંઈક ગુસપુસ કરતી જોઈને જ એસએસના અધિકારીઓને ઓસ્કર શિન્ડલરના આગમનની જાણ થઈ! એ સમયગાળામાં, શિન્ડલરને ઓળખનારા લોકો, તેના સરળ અને ચુંબકીય વ્યક્તિત્વ વિશે, ખાસ કરીને સ્ત્રીઓ પરના તેના પ્રભાવ વિશે ઘણી બધી વાતો કરતા રહેતા હતા. સ્ત્રીઓની બાબતમાં એ હંમેશા અને કંઈક અસાધારણ રીતે સફળ રહેતો હતો. અને એટલે જ, કદાચ સ્ત્રીઓનું ધ્યાન આકર્ષવાના ઈરાદે જ બંને પોલીસવડા, ઝરદા અને સ્કર્નરે શિન્ડલર તરફ ધ્યાન દેવાનું શરુ કર્યું. ગેટે પોતે પણ શિન્ડલરનું સ્વાગત કરવા માટે આગળ આવ્યો. કમાન્ડન્ટ ગેટે શિન્ડલર જેટલો જ ઊંચો હતો, અને ઊંચાઈને કારણે, ત્રીસીની શરૂઆતમાં જ અસામાન્ય રીતે જાડા હોવાની તેની છાપ વધારે દૃઢ બની ગઈ હતી. કોઈક એથલીટ જેવી ઊંચાઈ સાથે તેની આ સ્થૂળતા કંઈક અસામાન્ય લાગતી હતી. લાલાશભરી શરાબી આંખો સિવાય તેના ચહેરા પર ભાગ્યે જ કોઈ ખામી શોધી શકાય! હા, દેશી બ્રાન્ડી એ કંઈક વધારે પડતા પ્રમાણમાં પીતો રહેતો હતો.

પરંતુ પ્લાઝોવ અને એસએસના આર્થિક-જાદુગર એવા હેર બૉસના દેખાવ સામે તો કમાન્ડન્ટની કોઈ વિસાત જ ન હતી! તેનું નાક જાંબુડિયા રંગનું હતું. ચહેરાની નસોમાં ખરેખર તો ઓક્સિજનનો આવાસ હોવો જોઈતો હતો, તેને બદલે તેમાં શરાબના જાંબુડિયા રંગે વર્ષોથી અડ્ડો જમાવી દીધો હતો. બૉસની સામે જોઈને મોં હલાવી રહેલા શિન્ડલરને અંદાજ હતો જ, કે હંમેશની માફક આજે પણ બૉસ તેની પાસે કોઈને કોઈ ચીજવસ્તુની માંગણી જરૂર કરશે!

‘આપણા ઉદ્યોગપતિનું સ્વાગત છે,’ ઉત્સાહપૂર્વક ગેટેએ બધાને સંબોધીને કહ્યું, અને પછી કમરામાં હાજર યુવતીઓનો ઔપચારિક પરીચય બધાને આપ્યો. આ દરમ્યાન, રોસનર બંધુઓ સ્ટ્રોસની સ્વરરચનાઓ વગાડતા રહ્યા. હેનરીની આંખો માત્ર વાયોલીનના તાર અને કમરાના ખાલી ખુણાઓ વચ્ચે ફરતી રહેતી હતી. લિઓ પોતાના એકૉર્ડિઅનની કી સામે જોઈને સ્મિત કરતો રહેતો હતો.

એ પછી શિન્ડલરની ઓળખાણ સ્ત્રીઓ સાથે કરાવવામાં આવી. પોતાની સામે ધરવામાં આવેલા હાથને ચુમતી વેળા શિન્ડલરને ક્રેકોવની આ ધંધાદારી સ્ત્રીઓ પ્રત્યે થોડી કરુણા થઈ આવી. કારણ કે એ જાણતો હતો, કે આગળ જતાં જ્યારે આ છોકરીઓના ગાલ પર તમાચા પડવાનું અને ગલીપચી કરવાનું શરુ થશે, ત્યારે તેમની ચામડી પર તમાચાના સોળ ઊઠી આવવાના હતા, અને પાશવી ગલીપચી એમની ચામડી સોંસરી ઊતરી જવાની હતી! જો કે શરાબ પીધા પછી એકદમ ક્રુર બની જતો હોપ્ટસ્ટર્મફ્યુહરર એમોન ગેટે અત્યારે તો એક આદર્શ સદ્ગૃહસ્ત વિયેનાવાસી બનીને તેમની સાથે વર્તી રહ્યો હતો.

હંમેશની માફક ભોજન પહેલાં વાતચીત ચાલી રહી હતી. વાતો યુદ્ધના વિષય પર થઈ રહી હતી. એસડીનો વડો ઝરદા એક લાંબી જર્મન યુવતી સાથે જર્મનોએ ક્રિમીયા પર કબજો કરી લીધો હોવાની વાત ખાતરીપૂર્વક કરી રહ્યો હતો, ત્યારે એસએસનો ઉપરી સ્કર્નર, બીજી એક સ્ત્રી સાથે, હેમ્બર્ગના દિવસોથી તેના પરિચયમાં આવેલા અને એસએસના ઓબરસ્કારફ્યુહરર એવા એક તરવરિયા યુવાને પોતાના બંને પગ, ઝેસ્ટોચોવાના એક રેસ્ટોરન્ટમાં બાગીઓ દ્વારા બોમ્બ ફેંકાવાની ઘટનામાં ગુમાવ્યા હોવાની વાત કરી રહ્યો હતો. શિન્ડલર ફેક્ટરી અને ધંધા અંગે મેડ્રિટ્ઝ અને તેના મેનેજર ટીસ સાથે વાતો કરી રહ્યો હતો. આ ત્રણે વ્યવસાયીઓ વચ્ચે ખરેખર એક આદર્શ મિત્રતા હતી. શિન્ડલર જાણતો હતો, કે બાંઠિયો ટીસ અને મેડ્રિટ્ઝ યુનિફોર્મ ફેક્ટરીમાં કામ કરતા કેદીઓ માટે પ્રતિબંધિત એવી મોટી સંખ્યામાં કાળાબજારની બ્રેડ ખરીદીને લાવતા હતા, અને મેડ્રિટ્ઝ તેને માટે સારી એવી રકમ ફાળવતો હતો. આમ જોવા જઈએ તો માનવતા પ્રતિ આ એક બહુ નાનકડું કામ હતું; કારણ કે શિન્ડલરના મતે, પોલેન્ડમાં નફાનું પ્રમાણ એટલું ઊંચું હતું, કે ગમે તેવા પાક્કા મુડીવાદી પણ ધરાઈ જાય એટલી આવક થાય, અને તે ઉપરાંત પણ આ પ્રકારના વધારાની બ્રેડના ખર્ચને પણ જરૂર પહોંચી વળાય. શિન્ડલરના કિસ્સામાં એવું હતું, કે ‘રસ્ટંગસિન્સપેક્ટિઅન’ જેવા નામે ઓળખાતી શસ્ત્રસરંજામ નિરીક્ષકની કચેરીએ જર્મન સેના માટે જરૂરી ચીજવસ્તુઓના શિન્ડલરને આપેલા કોન્ટ્રાક્ટ એટલા તો મોટા હતા, કે પોતાના પિતાની દૃષ્ટિએ એક સફળ વ્યક્તિ થવાની ઇચ્છાને તો શિન્ડલર ક્યારનોયે વટાવી ગયો હતો! પરંતુ તેને એક જ વાતનું દુઃખ હતું, કે મેડ્રિટ્ઝ, ટીસ અને ઓસ્કર શિન્ડલર પોતે, તેમના પરિચિતોમાં માત્ર આ ત્રણ લોકો જ નિયમિત રીતે કેદીઓ માટેની કાળાબજારની બ્રેડ પાછળ આટલો ખર્ચ કરતા હતા.

ભોજનના સમયે ગેટે બધાને ટેબલ પર આવવાનું આમંત્રણ આપે તે પહેલાં, બૉસ શિન્ડલર પાસે ગયો, અને બધાની હાજરીમાં જ તેનું બાવડું પકડીને બંને સંગીતકારો જ્યાં વગાડી રહ્યા હતા ત્યાં બારણાં પાસે લઈ ગયો, જાણે રોસનર બંધુઓની સુંદર સુરાવલીઓને આડે એમની વાતચીત કોઈ સાંભળી ન શકે એવું ઇચ્છતો ન હોય! “ધંધો સારો ચાલતો લાગે છે, નહીં!” બૉસે કહ્યું. શિન્ડલરે તેની સામે સ્મિત આપ્યું. “તમે જાણો જ છો, ખરુંને, હેર બૉસ!”

“હા, હું જાણું જ છું.” બૉસે કહ્યું. મુખ્ય શસ્ત્રસરંજામ નિગમ દ્વારા શિન્ડલરની ફેક્ટરીને કોન્ટ્રાક્ટ આપવાના અધિકૃત અહેવાલો બૉસે ચોક્કસ વાંચ્યા જ હશે.

“મારા ખ્યાલથી,” બૉસે માથું નમાવીને કહ્યું, “યુદ્ધ મોરચે આપણને જે શ્રેણીબદ્ધ સફળતાઓ મળી છે તેનાથી પ્રેરાઈને આજકાલ તો બજારમાં બહુ તેજી આવી ગઈ છે, નહીં! હું એમ વિચારતો હતો, કે તમે કદાચ થોડું દાન-પુણ્ય કરવા ઇચ્છતા હો… કંઈ ખોટું નથી કરવાનું, માત્ર થોડી સખાવત કરવાની વાત છે….”

“ચોક્કસ,” શિન્ડલરે જવાબ આપ્યો. કોઈ પોતાનો ઉપયોગ કરી જતું હોય એ સમયે સહજ રીતે થઈ આવે એવી ધૃણા, અને એક પ્રકારનો આનંદ, બંનેની લહેરખીઓનો અનુભવ શિન્ડલરને એક સાથે થયો. પોલીસવડા સ્કર્નરની ઑફિસ દ્વારા પોતાની વગ વાપરીને ઓસ્કર શિન્ડલરને બે વખત જેલમાંથી છોડાવવામાં આવ્યો હતો. હવે એ જ ઓફિસનો સ્ટાફ ફરી એક વખત મદદ કરવાની તૈયારી રૂપે તેના પર અહેસાન ચડાવવા માગતો હતો.

“બર્મન ખાતે મારાં આન્ટીના ઘર પર બોમ્બવર્ષા થઈ હતી, બીચારાં ઘરડાં આન્ટી!” બૉસે કહ્યું. “એમનું જે કાંઈ હતું એ બધું જ ફુંકાઈ ગયું. પલંગ, કમરા, વાસણો, ઘરવખરી… બધું જ! હું વિચારતો હતો, કે તમે તેમના રસોડા માટે જો થોડાં વાસણો દાનમાં આપી શકો તો સારું… અને ‘ડેફ’માં તમે બનાવો છો તેવાં સુપ બનાવવા માટેનાં એકાદ બે મોટાં વાસણો…” શિન્ડલરની ધમધોકાર ચાલતી વાસણો બનાવવાની ‘જર્મન એનેમલ ફેક્ટરી’નું ટુંકું નામ ‘ડેફ’ હતું. જર્મનો ટુંકમાં તેને ‘ડેફ’ કહેતા હતા, જ્યારે પોલેન્ડવાસીઓ અને યહૂદીઓ તેને બીજા એક ટૂંકા નામ ‘એમિલિયા’ વડે ઓળખતા હતા.

શિન્ડલરે કહ્યું, “મને લાગે છે કે હું જરૂર એ કરી શકીશ. બધો સામાન હું સીધો તેમને જ પહોંચાડું, કે પછી તમારા દ્વારા મોકલાવું?” બૉસે તેમની સામે ગંભીર ચહેરે જોતાં કહ્યું, “મારા દ્વારા જ મોકલાવજો, ઓસ્કર! સામાન સાથે હું એકાદ નાનકડો શુભેચ્છા-પત્ર પણ મોકલવા ઇચ્છું છું.”

“ચોક્કસ”

“તો પછી… નક્કી સમજું! એમ કરજો, બધી જ વસ્તુઓ અડધો ગ્રોસ મોકલી આપજો… સુપ બાઉલ, પ્લેટ, કોફી મગ, વગેરે. અને અડધો ડઝન પેલા મોટા વાસણો.” મોં પહોળું કરીને કંટાળો બતાવતાં શિન્ડલર મોટેથી હસી પડ્યો, પરંતુ મોઢે તો એણે બૉસની બધી જ માંગણીઓને કબૂલ રાખી. અને ખરેખર અંદરથી પણ એ આવું જ કંઈક ઇચ્છતો હતો! ભેટ આપવાની બાબતમાં એ હંમેશા ઉદાર રહેતો હતો. માત્ર એટલું જ, કે બૉસના સગાં-વહાલાંઓ પર સતત બોમ્બમારો થઈ રહ્યો હોય એવું તેને લાગતું હતું!

ઓસ્કરે હળવેથી પૂછ્યું, “તમારાં આન્ટી અનાથાશ્રમ ચલાવે છે કે શું?”

બૉસે ફરીથી તેની આંખોમાં તાકીને જોયું; શરાબી ઓસ્કરના પ્રશ્નમાં તેને કંઈ શંકાસ્પદ તો ન લાગ્યું! “ના રે, એ બીચારી વૃદ્ધા પાસે બીજી કોઈ જ મિલકત નથી. વધારાની વસ્તુઓની બીજા સાથે એ આપ-લે કરી લેશે.”

“હું મારી સેક્રેટરીને વ્યવસ્થા કરવા માટે કહી દઈશ.”

“કોણ, પેલી પોલિશ છોકરીને?” બૉસે કહ્યું. “પેલી રૂપાળી…?”

“હા, એ રૂપાળી જ.” શિન્ડલરે હામી ભરી.

બૉસે સીટી વગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વધારે પડતી બ્રાન્ડીને કારણે તેના હોઠ એટલા કડક રહી ન શક્યા, અને કંઈક અણગમાભર્યા અવાજે એ બોલી ગયો. “તમારી પત્ની તો…” એણે પુરૂષોની આગવી ભાષા વાપરતાં કહ્યું, “એ તો કોઈ સાધ્વી હોય એવું લાગે છે.”

“એ સાધ્વી જ છે.” શિન્ડલરે થોડી તોછડાઈ સાથે સ્વીકાર કરતાં કહ્યું. બૉસ રસોડાનાં વાસણો માગે ત્યાં સુધી તેને સહન કરી શકાય તેમ હતું. પરંતુ પોતાની પત્ની વિશે વાત કરવા માટે શિન્ડલર તેને યોગ્ય વ્યક્તિ સમજતો ન હતો.

“મને પણ કહોને,” બૉસે કહ્યું. “તમે પત્નીથી પીછો કઈ રીતે છોડાવો છો? એને બધી ખબર તો હશે જને… અને તે છતાંયે તમે એને બહુ સારી રીતે વશમાં રાખી શકતા હોય એવું લાગે છે.” શિન્ડલરના ચહેરા પરથી સ્મિત હવે તદ્દન ગાયબ થઈ ગયું.

આ તબક્કે શિન્ડલરના ચહેરા પર પ્રગટ થયેલા સ્પષ્ટ અણગમાને સૌ કોઈ જોઈ શક્યું હતું. સામાન્ય અવાજથી થોડો અલગ, અણગમાભર્યો ધીમો, પરંતુ એક પ્રભાવી ઉદ્‌ગાર શિન્ડલરના મોંમાંથી નીકળી ગયો.

“હું અંગત વાતોની ચર્ચા નથી કરતો.” એણે જવાબ આપ્યો.

બૉસ ગેંગેંફેંફેં થવા લાગ્યો, “માફ કરજો, મારો અર્થ એ ન હતો કે…” અસંબદ્ધ શબ્દોમાં એ માફી માગતો રહ્યો. બૉસ સાથે શિન્ડલરને એવા કોઈ મૈત્રિભર્યા સંબંધો ન હતા, કે આટલી મોડી રાત્રે એ તેને એવી વાત સમજાવવા બેસે, કે આમાં કોઈને વશમાં રાખવાની બાબત હતી જ નહીં. અને હકીકતે, શિન્ડલરના લગ્નજીવનની નિષ્ફળતાનું કારણ તો શિન્ડલરનો સ્વચ્છંદી સ્વભાવ જ હતો. તેની પત્ની એમિલીના સંયમી સ્વભાવને લીધે જ બંને એકમેક સાથે સ્વેચ્છાએ જોડાયેલાં રહ્યાં હતાં. પરંતુ બૉસ પ્રત્યે ઓસ્કરનો ગુસ્સો તેના પોતાના ધાર્યા બહારનો તીવ્ર હતો. એમિલી સ્વભાવે ઓસ્કરની સ્વર્ગસ્થ માતા લ્યુસિયા શિન્ડલર જેવી જ હતી. બાપે ઓસ્કરની મા લ્યુસિયાને ૧૯૩૫માં જ ત્યજી દીધી હતી. એટલે બૉસ સાથે વાત કરતી વેળાએ, એમિલી અને ઓસ્કરના લગ્નજીવનની વાતની આડમાં, બૉસ ઓસ્કરના પિતાના લગ્નજીવન પર કાદવ ઉછાળી રહ્યો હોવાનું ઓસ્કર અંદરથી અનુભવી રહ્યો. બૉસ તો હજુ પણ માફીવચનો બોલી રહ્યો હતો. ક્રેકોવ ખાતે ચાલી રહેલા બધા જ વ્યવસાયોમાં જેના હાથ ખરડાયેલા રહેતા હતા એવો આ બૉસ, શિન્ડલરની નારાજગીને કારણે પોતાને રસોડાના વાસણોના છ ડઝન સેટ નહીં મળે એ ડરે, ગભરાટમાં પરસેવે રેબઝેબ થઈ ગયો હતો!

મહેમાનોને ટેબલ પર આવવા માટે આમંત્રણ અપાઈ ગયું હતું. નોકરો દ્વારા ઓનીયન સુપ પીરસાઈ રહ્યો હતો. મહેમાનો ભોજન લેતાં-લેતાં વાતચીત કરી રહ્યા હતા. રોસનર બંધુઓનું વાદન ચાલી રહ્યું હતું. ધીરે-ધીરે ખસતાં બંને બંધુઓ ભોજન લેનારાઓની નજીક આવી ગયા હતા, પરંતુ એટલા નજીક પણ નહીં, કે નોકરોને કે ગેટેના બે યુક્રેનિયન ઓર્ડરલી ઈવાન અને પેત્રેને આવ-જા કરવામાં અડચણ પડે. સ્કર્નરે ગોઠવણ કર્યા પ્રમાણે, પેલી લાંબી યુવતી અને બીજી એક રૂપાળી, એમ બબ્બે નમણી જર્મનભાષી પોલિશ યુવતીઓની વચ્ચે શિન્ડલર બેઠો હતો. તેણે જોયું કે બંને યુવતીઓ, પીરસવા માટે આવેલી છોકરી સામે વારંવાર જોયા કરતી હતી. ભોજન પીરસતી છોકરીએ ઘરમાં પહેરવાનો, પરંપરાગત કાળો પહેરવેશ અને તેની ઉપર સફેદ રંગનો એપ્રન પહેર્યો હતો. તેના બાવડા પર યહૂદીઓની ઓળખ સમો સ્ટાર તો લગાવેલો ન હતો, કે પીઠના ભાગે પીળો પટ્ટો પણ તેણે પહેર્યો ન હતો. તે છતાંયે એ યહૂદી હતી એ તો સ્પષ્ટ હતું! બંને મહેમાન યુવતીઓનું ધ્યાન એ છોકરી તરફ ખેંચાવાનું કારણ એ યુવતીના ચહેરાની હાલત હતી! યુવતીના જડબા પાસે ઘસરકાનાં નિશાન હતાં. કોઈને એવો પણ વિચાર આવે, કે ક્રેકોવથી પધારેલા મહેમાનોની સામે પોતાની નોકરાણીને આવી હાલતમાં રજુ કરતાં ગેટેને ઘણી શરમ આવતી હશે! છોકરીના ચહેરા ઉપર ઉઝરડાં અને ગાલ પર જાંબલી ડાઘ પડી ગયા હતા. તે ઉપરાંત, તેની પાતળી ડોક અને ખભાની વચ્ચેના ભાગમાં થયેલા બીજા વધારે ગંભીર દેખાતા જખ્મો પણ બંને સ્ત્રીઓ અને શિન્ડલરને દેખાતા હતા. ઘા દેખાય નહીં એ માટે છોકરીએ પોતાના કોલર ઊંચા કરી રાખ્યા હતા, તો પણ એ ડાઘને એ છૂપાવી શકતી ન હતી. કોઈની પાસે ખુલાસો કરવો ન પડે તે માટે એમોને છોકરીને ઘરમાં છુપાવી તો ન રાખી, પરંતુ ઉલટાની પોતાની ખુરશી તેના તરફ ફેરવીને, આંગળી ચીંધી-ચીંધીને મહેમાનોનું ધ્યાન તેના તરફ દોર્યું. છ એક અઠવાડિયાથી શિન્ડલર અહીં આવ્યો ન હતો, પરંતુ તેના ખબરીઓએ, એમોન અને એ છોકરી વચ્ચેના સંબંધોમાં આવેલા આ વળાંક અંગે તેને જાણ કરી હતી. પોતાના મિત્રોને મળતી વેળાએ એમોન એ છોકરીનો ખાસ ઉલ્લેખ જરૂર કરતો હતો. હા, માત્ર ક્રેકોવની બહારથી કોઈ ઉપરી અધિકારી આવે, ત્યારે તે આ છોકરીને છુપાવી રાખતો હતો.

“સજ્જનો અને સન્નારીઓ,” મહેફિલોમાં દારૂના નશામાં છાકટા થયેલા કોઈ કેબરે આર્ટિસ્ટની અદામાં એમણે કહ્યું, “આવો, હું તમારી ઓળખાણ લેના સાથે કરાવું. મારી સાથે પાંચ મહીના રહ્યા બાદ, આજે રસોઈકળામાં અને ચાલવાની અદાઓમાં એ માહેર બની ગઈ છે.”

“હા, એ તો એના ચહેરા પરથી જ દેખાઈ આવે છે!” પેલી ઊંચી છોકરીએ કહ્યું, “કે પછી… ચાલતાં-ચાલતાં એ રસોડાના ફરનીચર સાથે અથડાઈ ગઈ હતી.”

“એવું તો હજુ પણ બની શકે છે,” આનંદભર્યો સીસકારો કરતાં એમોને કહ્યું. “હં, હજુ પણ થઈ શકે છે, નહીં લેના?”

“સ્ત્રીઓ સાથે એમોન બહુ જ સખ્તાઈ કરે છે,” એસએસ વડા સ્કર્નરે પોતાની પાસે બેઠેલી છોકરી પાસે શેખી મારતાં કહ્યું. તેનો કોઈ બદઇરાદો નહીં હોય, કારણ કે એનો ઈશારો પેલી યહૂદી છોકરી પ્રત્યે નહીં, પરંતુ અન્ય સામાન્ય સ્ત્રીઓ પ્રત્યે હતો. આ અગાઉ લેના યહૂદી હોવાનું કોઈએ ગેટેને યાદ દેવડાવ્યું, ત્યારથી લેનાએ વધારે પડતી સજા સહન કરવી પડતી હતી. ભોજન માટે આવેલા મહેમાનોની હાજરીમાં જ, કે પછી મહેમાનો વિદાય લે તે પછી તેની મારપીટ કરવામાં આવતી હતી. એમોન ગેટેનો ઉપરી હોવાના નાતે, સ્કર્નર ગેટેને એ છોકરીની મારપીટ બંધ કરવાનો હુકમ જરૂર આપી શક્યો હોત, પરંતુ એમ કરવાથી નુકસાન તો સ્કર્નરને પોતાને જ ખમવું પડે તેમ હતું! એવું કરવાથી એમોનના બંગલે થતી આવી પાર્ટીઓમાં કંઈક ખટાશ જરૂર આવી જાત! આમ પણ સ્કર્નર અહીં એક ઉપરી અમલદાર તરીકે નહીં, પરંતુ એક મિત્ર તરીકે, એક સાથીદાર તરીકે, શરાબની મહેફિલના એક પાર્ટનર તરીકે અને સ્ત્રીઓનો આશિક બનીને આવતો હતો. એમોન ભલે આમ એક વિચિત્ર વ્યક્તિ હોય, પણ તેના જેવી પાર્ટી કોઈ આપતું ન હતું!

લેનાએ બનાવેલો સ્વાદિષ્ટ અને સુગંધિત માછલીનો સુપ અને બીફ પીરસાયાં. સાથે કડક હંગેરીઅન લાલ વાઇનની મજા પણ બધાં માણી રહ્યાં હતાં. રોસનર બંધુઓ સંવેદનાભર્યા સૂરો વગાડતાં થોડા નજીક આવ્યા, એ સાથે જ કમરાની હવા જાણે બોઝિલ બની ગઈ. અધિકારીઓએ પોતપોતાના જાકીટ ઊતારી નાખ્યા. યુદ્ધના કોન્ટ્રાક્ટ અંગે થોડી વધારે ગપસપ થતી ગઈ. ગણવેશ બનાવનાર મેડ્રિટ્ઝને તેની ટાર્નોવ ખાતેની ફેક્ટરી અંગે પુછપરછ કરવામાં આવી. તેની ફેક્ટરી પ્લાઝોવની છાવણીની અંદર હોવાને કારણે લશ્કરી કચેરી દ્વારા કોન્ટ્રાક્ટ મળવાથી તેને ફાયદો તો થયો હતો કે નહીં? શરીરે એકવડિયા અને સંયમી સ્વભાવના પોતાના મેનેજર ટીસ સાથે મેડ્રિટ્ઝે મસલત કરી. ગેટે અચાનક જ કંઈક કામમાં રોકાઈ ગયો હોય એમ લાગ્યું. સાંજે જ પૂરું કરવાનું કોઈ કામ ભોજનની મધ્યમાં અચાનક જ એને યાદ આવી ગયું હતું! ઓફિસના અંધારામાંથી જાણે અચાનક જ કોઈ તેને બોલાવી રહ્યું ન હોય?

ક્રેકોવથી આવેલી યુવતીઓ કંટાળી રહી હતી. નાજુક બાંધાની પેલી પોલિશ યુવતી તો કદાચ વીસેક વર્ષની, કે પછી અઢારની જ હતી. હેર શિન્ડલરના જમણા હાથ પર પોતાનો હાથ રાખીને એ બેઠી હતી. “તમે સૈનિક નથી?” ધીમા અવાજે એ બોલી. “લશ્કરી ગણવેશમાં તમે બહુ જ શોભી ઊઠશો.” બધાં જ હસી પડ્યાં, મેડ્રિટ્ઝ પણ! શિન્ડલરે ૧૯૪૦માં થોડો સમય લશ્કરની નોકરીમાં કાઢ્યો હતો, પરંતુ આ યુદ્ધમાં તો એક વ્યવસ્થાપક તરીકેની તેની પ્રતિભા વધારે ઉપયોગી થાય તેમ હતી. શિન્ડલરની પહોંચ એટલી ઊંડી હતી, કે નાઝીઓ ક્યારેય તેને ડરાવી શક્યા ન હતા. મેડ્રિટ્ઝ હસી પડ્યો. “તમે સાંભળ્યું કે?” ઓબરફ્યુહરર સ્કર્નરે ટેબલ પાસે બેઠેલા બધાંને સંબોધીને કહ્યું, “આ નમણી છોકરી, મનોમન આપણા આ ઉદ્યોગપતિને એક સૈનિકના સ્વાંગમાં કલ્પી રહી છે. પ્રાઇવેટ શિન્ડલર, બરાબરને? વિચાર કરો, કે ખભે ધાબળો ઓઢીને, મેસમાંથી આવેલા ટીફિનમાંથી શિન્ડલર ભોજન લઈ રહ્યા છે, ખારકોવના મોરચે!”

સુઘડ કપડામાં સજ્જ શિન્ડલરના વ્યક્તિત્વની સામે આ કંઈક અસાધારણ ચિત્ર હતું. શિન્ડલર પોતે પણ આ વાત પર હસી પડ્યો. “આવું જ બનેલું…” બૉસે પોતાની આંગળીઓ વડે ચપટી વગાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું; “આવું જ બનેલું… વૉરસામાં જ, શું નામ હતું એમનું?”

“ટોબેન્સ,” અચાનક પોતાની હાજરી નોંધાવતાં ગેટેએ કહ્યું. “ટોબેન્સ સાથે લગભગ આવું જ બનેલું.”

એસડીના વડા ઝરદાએ પણ કહ્યું. “અરે, હા. આ તો ટોબેન્સ જેવું જ બન્યું.” ટોબેન્સ વૉરસાનો એક ઉદ્યોગપતિ હતો, શિન્ડલર કરતાં પણ મોટો! બહુ સફળ જ વ્યક્તિ હતો! “હેઇની જ્યારે વૉરસો ગયા, (હેઇની એટલે કે હેઇનરિક હિમલર) ત્યારે ત્યાંના લશ્કરને એમણે હુકમ કર્યો હતો, કે ટોબેન્સની ફેક્ટરીમાંથી નાલાયક યહૂદીઓને કાઢી મૂકો, અને ટોબેન્સને પણ આર્મિમાં ભરતી કરી દો, અને… અને તેને મોરચા પર મોકલી આપો, મોરચા પર! અને પછી હેઇનીએ મારા મિત્રને કહેલું, કે તેની ફેક્ટરીના હિસાબો પણ બરાબર ઝીણવટથી તપાસજો!”

ટોબેન્સ શસ્ત્રસરંજામ કચેરીનો માનીતો હતો. લશ્કરી કોન્ટ્રાક્ટ આપીને તેના પર ઉપકાર ચડાવવામાં આવ્યો હતો. અને વળતી ભેટો આપીને ટોબેન્સે પણ સામી સદ્ભાવના બતાવી હતી. આથી શસ્ત્રસરંજામ કચેરીએ ટોબેન્સના મોરચે જવા સામે વિરોધ નોંધાવ્યો, જેને કારણે ટોબેન્સનો છૂટકારો થયો હતો. સ્કર્નરે ગંભીરતાપૂર્વક બધાને આ વાત કરી, અને પછી શિન્ડલર તરફ ઈશારો કરવા માટે પોતાની થાળી સામે ઝૂક્યા. “ક્રેકોવમાં આવું ક્યારેય ન બને, ઓસ્કર. અમે બધા જ તમારા મિત્રો છીએ.”

ટેબલ પાસે હાજર હતા એ બધા વતી શિન્ડલર પ્રત્યેની શુભેચ્છા વ્યક્ત કરવા માટે, અચાનક જ ગેટે ઊભો થઈ ગયો અને કંઈ પણ બોલ્યા વગર એક ધુન ગણગણવા લાગ્યો. ‘મેડમ બટરફ્લાય’ પર આધારીત એક ધુન પર ઉત્સાહી રોસનર બંધુઓ ખંતથી કામ કરી રહ્યા હતા, સંકટમાં ફસાયેલી વસાહતના કોઈ બંદીવાન કારીગરોની માફક! એમોનનો ગણગણાટ એ ધૂનને ઘણો મળતો આવતો હતો!

બરાબર એ જ સમયે, ફેફરબર્ગ અને ઓર્ડરલી લિસીક ઉપરના માળે એમોન ગેટેના બાથરૂમમાં જઈને બાથટબની વજનદાર રિંગ સાફ કરી રહ્યા હતા. રોસનરનું સંગીત, અને તેની સાથોસાથ ચાલતા હસવાના અને વાતચીતોના અવાજ તેમને છેક ઉપર સુધી સંભળાતા હતા. નીચે અત્યારે કોફીનો સમય થઈ ગયો હતો, અને સદ્ભાગ્યે પેલી ઘાયલ યુવતી લેના કોઈ પ્રકારની છેડતી થયા વગર રસોડામાં પાછી ફરી હતી.

મેડ્રિટ્ઝ અને ટીસ ઝડપથી કૉફી પીને નીકળી ગયા. શિન્ડલરે પણ જવાની તૈયારી કરી. પેલી નાજુક પોલિશ યુવતીએ તેને રોકાવાનો આગ્રહ કર્યો, પરંતુ શિન્ડલર સમજતો હતો, કે આ જગ્યા એવા કામ માટે યોગ્ય ન હતી! આમ તો ગેટેના બંગલે કંઈ પણ કરવાની છૂટ હતી, પરંતુ પોલેન્ડમાં એસએસની પહોંચ કેટલે ઊંડે સુધી હતી, તેની અંદર સુધીની ધૃણાસ્પદ બાતમી ઓસ્કરને હતી જ. અને એ બાતમીએ, આવા પ્રસંગે અહીં બોલાયેલા એક-એક શબ્દ પર અને અહીં પીવાયેલી એક-એક પ્યાલી પર પુરતો પ્રકાશ ફેંક્યો હતો. તો પછી શારીરિક સંબંધોના પ્રસ્તાવો બાબતે તો વાત જ શું કરવી! ઓસ્કર કોઈ યુવતી સાથે ઉપરના કમરામાં જાય તો પણ, એ એક વાત ભૂલી શકે તેમ ન હતો, કે બૉસ, સ્કર્નર અને ગેટે પણ આનંદપ્રમોદની આ યાત્રામાં તેના સહભાગી હતા જ! તેઓ પણ અહીં જ, કોઈક સીડી પર, કોઈક બાથરૂમમાં કે બેડરૂમમાં આ જ આનંદયાત્રામાં સામેલ હશે. શિન્ડલર કોઈ સાધુ તો ન હતો. પરંતુ ગેટેના બંગલામાં સ્ત્રી-સંગાથ માણવા કરતાં એણે સાધુ બની જવાનું પસંદ કર્યું હોત! સ્કર્નર સામે બેઠેલી યુવતી સાથે એ યુદ્ધ, પોલિશ બહારવટીયાઓ, કપરો શિયાળો આવવાની શક્યતા, વગેરે વિષય પર વાતો કરતો રહ્યો, અને વાત કરતાં-કરતાં એણે એ યુવતી પાસે એટલું સ્પષ્ટ થઈ જવા દીધું, કે સ્કર્નર તેમનામાંનો જ એક હતો, અને સ્કર્નરની પસંદની યુવતી સામે એ ક્યારેય નજર નહીં બગાડે! જો કે, ‘શુભ રાત્રી’ કહેતી વેળાએ તેણે એ યુવતીનો હાથ જરૂર ચૂમ્યો. એ સમયે એણે જોયું, કે એમોન ગેટે શર્ટભેર જ ભોજનકક્ષની બહાર સરકી ગયો હતો, અને ભોજન વખતે તેની બાજુમાં ચોંટીને બેઠેલી યુવતીના ટેકે દાદર ચડી રહ્યો હતો. અન્ય લોકોની વિદાય લઈને ઓસ્કર કમાન્ડન્ટની પાસે ગયો. હાથ લાંબો કરીને એણે કમાન્ડન્ટના ખભે મૂક્યો. ગેટેની આંખો તેના તરફ ફરીને સ્થિર થવા મથી રહી. “ઓહ,” એ બબડ્યો. “જાય છે, ઓસ્કર?”

“મારે ઘેર પહોંચવું પડશે.” ઓસ્કરે કહ્યું. ઘેર ઓસ્કરની જર્મન સ્ત્રી-મિત્ર ઇન્ગ્રીડ તેની રાહ જોતી હતી.

“કેમ, તું તો બહુ તાકાતવાન પુરૂષ છો!” ગેટેએ કહ્યું.

“તમારા જેટલો નહીં!” શિન્ડલરે જવાબ વાળ્યો.

“ના, તારી વાત સાચી છે. હું તો ખતમ થઈ ગયો છું. તો… અમે જઈએ… … ક્યાં જઈએ છીએ આપણે?” એણે યુવતી તરફ ચહેરો ફેરવ્યો, પરંતુ પ્રશ્નનો જવાબ પોતે જ વાળ્યો. “લેના બરાબર સફાઈ કરે છે કે નહીં એ જોવા અમે રસોડામાં જઈએ છીએ.”

“ના,” યુવતીએ હસતાં કહ્યું. “અમે ત્યાં નથી જતાં.” એણે ગેટેને દાદર તરફ દોર્યો. એમોનને લેનાથી દૂર લઈ જવાનું આ બહુ ઉમદા કાર્ય એ યુવતીએ કર્યું હતું, રસોડામાં ઉભેલી ઘાયલ છોકરી જાણે તેની સખી હોય તેમ તેને બચાવવા એ સદ્ભાવ દર્શાવી રહી હતી. શિન્ડલર બંનેને જતાં જોઈ રહ્યો. ભારેખમ શરીરવાળો એ અમલદાર, અને તેને ટેકો આપીને દોરી જતી એક એકવડી યુવતી, બંને કઢંગી રીતે લથડિયાં ખાતાં દાદર ચડી રહ્યાં હતાં. ગેટેની હાલત જોતાં તો એમ જ લાગે, કે બીજા દિવસે બપોર સુધી એ સુતો જ રહેવાનો! પરંતુ કમાન્ડન્ટના આશ્ચર્યજનક શરીર-બંધારણની અને તેની અંદર ચાલતી આગવી ઘડિયાળની ઓસ્કરને જાણ હતી. વહેલી સવારે ૩ વાગ્યે ઊઠીને ગેટે વિએનામાં રહેતા પોતાના પિતાને પત્ર લખવા પણ બેસી જાય! એવું પણ બને, કે એકાદ કલાકની ઊંઘ લઈને સાત વાગ્યામાં તો પોતાની બાલ્કનીમાં બેસીને હાથમાં ઇન્ફન્ટ્રી રાયફલ લઈને કોઈક ઢીલા-પોચા કેદીને વીંધી નાખવા એ તૈયાર હોય!

યુવતી અને ગેટેને પહેલા રમણા સુધી પહોંચી ગયેલા જોયા પછી શિન્ડલર હોલમાં થઈને હળવેકથી મકાનના પાછળના ભાગે સરકી ગયો.

ફેફરબર્ગ અને લેસિકે કમાન્ડન્ટના આવવાનો અવાજ સાંભળ્યો. તેમની ધારણા કરતાં કમાન્ડન્ટ ઘણા વહેલા આવી ગયા હતા. બેડરૂમમાં પ્રવેશીને પોતાની સાથે આવેલી યુવતી સામે જોતાં એમોન કંઈક ગણગણી રહ્યો હતો. ફેફરબર્ગ અને લેસિકે સફાઈનાં સાધનો ઉઠાવી લીધાં, અને ચોર પગલે બાથરૂમમાંથી બેડરૂમમાં પ્રવેશીને બાજુના દરવાજામાંથી બહાર સરકી જવાનો પ્રયાસ કર્યો. ગેટે હજુ કમરામાં ઊભો જ હતો, અને એમને છટકી જવાનો પ્રયત્ન કરતાં જોઈ શકે તેમ જ હતો. તેમના હાથમાં પકડેલી સફાઈ કામની લાકડીઓ જોઈને, એ બંને પોતાની હત્યા કરવાના ઈરાદે આવ્યા હોવાની શંકાએ એ ખચકાઈ ગયો. પરંતુ લેસિકે આગળ આવીને ધ્રુજતા અવાજે તેને હકીકત જણાવી દીધી, એટલે કમાન્ડન્ટને ખ્યાલ આવ્યો કે આ તો માત્ર કેદીઓ જ હતા.

“હેર કમાન્ડન્ટ,” ડરના માર્યા હાંફતાં-હાંફતાં લેસિકે કહ્યું, “હું આપને જણાવવા માગું છું કે આપના બાથટબમાં એક રિંગ છે જે…”

“ઓહ,” એમોને કહ્યું. “એટલે કે તું કોઈ જાણકારને બોલાવી લાવ્યો છે.” એણે એ છોકરાને બોલાવ્યો. “આવ-આવ, અહીં આવ જરા.”

લેસિક જરા નજીક આવ્યો, પરંતુ અણઘડ રીતે ચાલતાં એણે એવું ઠેબું ખાધું, કે ફેલાયેલા હાથે-પગે એ અડધો પલંગ નીચે ઘુસી ગયો. તો પણ એમોન લેસિકને બોલાવતો જ રહ્યો. આવું કરીને એ પેલી યુવતી પર એવી છાપ પાડવા માગતો હતો, કે પોતે કેદીઓ સાથે કેટલી સરસ રીતે વાતો કરે છે! યુવાન લેસિક ઊભો થઈને લથડિયું ખાતો કમાન્ડન્ટની પાસે ગયો, પરંતું ફરીથી જમીન પર લપસી ગયો. એ ફરીથી ઊભો થયો ત્યારે જુના કેદી ફેફરબર્ગને ખાતરી થઈ ગઈ, કે હવે કંઈ પણ અજુગતું બની શકે છે. એવું પણ બને, કે બંનેને કુચ-કદમ કરાવીને નીચે બગીચામાં લઈ જઈને ઈવાનની બંદુકની ગોળીએ દઈ દેવામાં આવે! તેમના સદ્ભાગ્યે, આવું કંઈ થવાને બદલે, માત્ર થોડા ગુસ્સે થઈને એમોને તેમને ત્યાંથી ચાલ્યા જવાનું જ કહ્યું. બંને તરત જ કમરાની બહાર નીકળી ગયા.

થોડા દિવસો પછી ફેફરબર્ગને ખબર પડી કે એમોને લેસિકને ગોળી મારીને મારી નાખ્યો છે! પહેલાં તો એણે એમ જ માની લીધું, કે જરૂર પેલી બાથરૂમવાળી ઘટનાના અનુસંધાને જ આવું બન્યું હશે! પરંતુ હકીકત સાવ જુદી જ હતી. કમાન્ડન્ટની મંજૂરી લીધા વગર લેસિકે બૉસ માટે ઘોડાગાડી જોડી આપી હતી!

બંગલાના રસોડાની નોકરાણી લેનાનું મૂળ નામ હેલન હર્શ હતું. (જો કે, હેલન હંમેશા એમ જ કહેતી, કે આખું નામ બોલવાની આળસે જ એમોન ગેટે એને લેના કહે છે.) હેલને માથું ઊંચું કરીને જોયું કે એક મહેમાન રસોડાના બારણામાં ઊભા હતા. પોતાના હાથમાંથી એંઠી થાળીને એણે નીચે મૂકી દીધી, અને સાવધાનની મુદ્રામાં સ્થિર થઈને એ ઊભી રહી ગઈ. “હેર…” શિન્ડલરના ડિનર જેકેટ સામે જોઈને એ શબ્દો શોધવા લાગી. “હેર ડિરેક્ટર, કમાન્ડન્ટના કુતરાઓ માટે હું હાડકા એક તરફ મૂકી રહી હતી.”

“તું જે કરતી હોય એ કરતી રહે,” શિન્ડલરે કહ્યું. “મને બધું કહેવાની કોઈ જરૂર નથી, હર્શ.”

ઓસ્કર ટેબલની સામેની તરફ ગયો. લેના પર એ કોઈ રૂઆબ છાંટવા નહોતો માગતો, તો પણ લેનાને તેના ઇરાદાનો ડર લાગતો હતો. એમોનને લેનાને માર મારવામાં તો આનંદ આવતો જ હતો, પરંતુ એક યહૂદી સ્ત્રી હોવાને કારણે વધુ પડતા જાતીય અત્યાચારોથી તે હંમેશા બચી જતી હતી. પરંતુ એવા જર્મનો પણ મોજુદ હતા, જે વંશીય બાબતોમાં એમોન જેટલા ચોખલિયા ન હતા! મૂળ વાત એમ હતી, કે ઓસ્કરના અવાજમાં વરતાતી અનુકંપાને સાંભળવાની લેનાને આદત ન હતી. એસએસના કે અન્ય અધિકારીઓ રસોડામાં આવી-આવીને ઘણી વખત એમોન પ્રત્યેનો અસંતોષ વ્યક્ત કરતા રહેતા હતા, પરંતુ એમાંના કોઈ લેના સાથે આ રીતે વાત કરતા ન હતા.

“તું મને ઓળખતી નથી?” લેના કોઈ ફૂટબોલ સ્ટાર કે વાયોલિન વાદક હોય એ રીતે તેની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે તે રીતે ઓસ્કરે પુછ્યું. “હું શિન્ડલર છું.”

લેનાએ ડોકું ઝુકાવ્યું. “હેર ડિરેક્ટર,” એ બોલી. “ચોક્કસ ઓળખું છું આપને! સાંભળ્યું છે મેં આપનું નામ… અને આપ તો અહીં આવી પણ ગયા છો અગાઉ. મને યાદ છે…”

ઓસ્કરે પોતાનો હાથ લેનાના ખભે વિંટાળ્યો. લેનાના ગાલને પોતાના હોઠ વડે સ્પર્શ કરતી વેળાએ લેનાના શરીરને તંગ થતું ઓસ્કરે સ્પષ્ટ અનુભવ્યું.

ઓસ્કરે ધીમેથી કહ્યું, “આ કોઈ એવું ચુંબન નથી… તારા પ્રત્યેની કરૂણાને કારણે હું તને ચુમું છું, જો તું સમજી શકે તો…”

લેના પોતાના આંસુઓને ખાળી ન શકી. શિન્ડલરે તેના કપાળે એક ગાઢ ચુંબન ચોડ્યું, રેલ્વે સ્ટેશન પર કોઈ પોલિશ કુટુંબના વિદાયપ્રસંગે કરવામાં આવે એવું, પૂર્વ યુરોપિઅન લોકોની માફક બુચકારાના અવાજ સાથે એણે લેનાને ચુંબન કર્યું. લેનાએ જોયું કે ઓસ્કરની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. “આ ચુંબન હું તને કોઈ બીજા લોકો વતી કરી રહ્યો છું…”. છાવણીના બંક-બેડના પાટિયા પર સુઈ રહેતા, અથવા જંગલોમાં નાસી જઈને સંતાઈ ગયેલા એ નિષ્કપટ વંશના લોકો તરફ ઈશારો કરતાં ઓસ્કરે દૂર અંધારા તરફ હાથ ચીંધ્યો! લેના પણ અહીં રહીને એ લોકો વતી જ તો હોપ્ટસ્ટર્મફ્યુહરર એમોન ગેટેની સજાઓ ખમી રહી હતીને!

શિન્ડલરે લેનાને મુક્ત કરી. પોતાના ખિસ્સામાંથી એણે એક મોટી ચોકલેટ કાઢીને તેને આપી. ચોકલેટના દેખાવ પરથી જ દેખાતું હતું, કે એ યુદ્ધ પહેલાના સમયની ચોકલેટ હતી.

“ક્યાંક છુપાવી દે આને,” ઓસ્કરે લેનાને સલાહ આપી.

“અહીં મને પુરતું ખાવાનું મળી રહે છે.” લેનાએ કહ્યું. એ જાણે એવું કહેવા માગતી હતી, કે ઓસ્કર એમ ન સમજે, કે એ અહીં ભૂખે મરતી હતી! અને સાચ્ચે જ, પેટ ભરવું એ અહીં તેના માટે ચિંતાનો વિષય હતો પણ નહીં. લેના એટલું જાણતી હતી, કે એમોનના ઘરમાં પોતાનું મોત નિશ્ચિત છે જ, પરંતુ એ ભૂખના માર્યા નહીં જ હોય!

“તારે ન ખાવી હોય તો કોઈની સાથે અદલાબદલી કરી લેજે,” શિન્ડલરે કહ્યું. “અથવા શા માટે પૂરતું ખાઈને તું તારું શરીર નથી સાચવતી?” પાછા હઠીને એમણે લેના સામે ધ્યાનથી જોયું. “ઇત્ઝાક સ્ટર્ને મને તારા વિશે વાત કરી હતી.”

“હેર શિન્ડલર,” યુવતી ધીમેથી બોલી. માથું નીચું કરીને એણે થોડી ક્ષણો માટે રડી લીધું. “હેર શિન્ડલર, આ બધી સ્ત્રીઓની સામે મને મારવામાં એમને આનંદ આવે છે. હું અહીં આવી તેના પહેલા જ દિવસે, ભોજનમાં બચેલા હાડકા ફેંકી દેવાના કારણે એમણે મને માર માર્યો હતો. અડધી રાતે ભોંયતળીયે આવીને એમણે કુતરા માટે હાડકા માગેલા. માર ખાવાનો એ પહેલો પ્રસંગ હતો મારા માટે! મને ખબર નથી કે મેં શા માટે એવો જવાબ આપેલો, અને હવે ક્યારેય એમને એવો જવાબ આપીશ પણ નહીં… પરંતુ મેં એમને એવું પૂછેલું, કે તમે મને શા માટે મારો છો? એમણે કહેલું કે, તેં આ સવાલ કર્યો એટલા માટે હું તને મારું છું.”

હેલને માથું હલાવીને ખભા ઉછાળ્યા, જાણે પોતે આટલી વાતો કરી એ પણ તેને ગમ્યું ન હતું! એ વધારે કંઈ કહેવા માગતી ન હતી. પોતાને મળેલી સજાઓની કથની અને હોપ્ટસ્ટર્મફ્યુહરરના મુક્કાઓનો અનુભવ એ વારંવાર વર્ણવવા માગતી ન હતી. તેના ભોળપણ પ્રત્યે શિન્ડલરે માથું ઝૂકાવી દીધું. “તારી પરિસ્થિતિ બહુ આઘાતજનક છે, હેલન.” ઓસ્કરે તેને કહ્યું.

“કંઈ વાંધો નહીં,” એણે કહ્યું. “મેં તો આ સ્વીકારી જ લીધું છે.”

“શું સ્વીકારી લીધું છે?”

“કે એક દિવસ એ મને ગોળી મારી દેશે!”

શિન્ડલરે અસહમતી દર્શાવતાં માથું ધુણાવ્યું. હેલનને લાગ્યું, કે એને સધિયારો આપવા ખાતર ઓસ્કર આવો ડોળ કરી રહ્યો હતો. હેર શિન્ડલરના સદ્ભાવ પ્રત્યે અચાનક જ એ ચિડાઈ ગઈ. “ઈશ્વરને ખાતર, હેર ડિરેક્ટર, હું બધું જ સમજું છું. સોમવારે અમે અગાસી પર પડેલો બરફ સાફ કરી રહ્યા હતા, બીચારો લેસિક અને હું! મુખ્ય દરવાજેથી બહાર આવીને ઓસરીનાં પગથિયાં ઊતરીને આવતા કમાન્ડન્ટને અમે જોયા. અને પગથિયાં પર જ ઊભા રહીને એમણે બંદુક કાઢી, અને ત્યાંથી પસાર થતી એક સ્ત્રીને એમણે ગોળી મારી દીધી… સામાન ઊંચકીને જતી એક સામાન્ય સ્ત્રી… એ ગોળી… એ સ્ત્રીના ગળા સોંસરી ગોળી ઊતરી ગઈ! ક્યાં જઈ રહી હશે બીચારી! તમે સમજો છો કે? નહોતી એ જાડી કે નહોતી પાતળી! નહોતી ધીમી કે નહોતી ઉતાવળી! બીજા લોકો કરતાં એ કોઈ રીતે જુદી ન હતી! એણે શું કર્યું હશે એ જ હું તો કલ્પી નથી શકતી! જેમ-જેમ કમાન્ડન્ટને જાણતા જઈએ, તેમ-તેમ ખબર પડે છે કે અહીં કોઈ જ કાયદો અનુસરી શકાય તેમ નથી. કોઈ એમ કહી શકે તેમ નથી, કે આટલા નિયમો પાળું તો હું સુરક્ષિત રહીશ જ!”

શિન્ડલરે તેનો હાથ પકડી લીધો અને વજન સાથે દબાવ્યો. “જો, હેલેન હર્શ, આ બધું જ હોવા છતાંયે, મેજનેક કે ઓસ્વિટ્ઝ કરતાં આ સારું છે. “તારી તબીયતનો તું જો ખ્યાલ રાખી શકે…!”

હેલન બોલી, “મને હતું કે કમાન્ડન્ટના રસોડામાં કામ કરવાના કારણે એ શક્ય બનશે. છાવણીના રસોડેથી મારી અહીં નિમણૂક થઈ ત્યારે બીજી છોકરીઓ મારી ઈર્ષા કરતી હતી.” દયાજનક સ્મિત તેના હોઠ પર ફરકી રહ્યું.

શિન્ડલરે હવે થોડા ભાર સાથે બોલ્યો. ભૌતિક વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત સમજાવતો હોય એમ એણે હેલનને સમજાવતાં કહ્યું, “એ તને મારી નહીં નાખે, કારણ કે એને બહુ મજા આવે છે, હેલન! એને તારી સાથે એટલી મજા આવે છે, કે એ તને સ્ટાર પણ પહેરવા નથી દેતો! એ કોઈને જણાવવા પણ નથી માગતો, કે એને એક યહૂદીનો સાથ ગમે છે. પેલી સ્ત્રીને એણે પગથિયા પાસે મારી નાખી, કારણ કે એ સ્ત્રીની એને કોઈ કિંમત ન હતી, બીજી કેટલીયે સ્ત્રીઓની જેમ એ એક સામાન્ય સ્ત્રી જ હતી. એણે એને નાખુશ નહોતો કર્યો, એમ ખુશ પણ નહોતો કર્યો. તું એ સમજે છે, પણ તું… ભલે આ બહુ સારું તો નથી, હેલન! પણ આ જ જીવન છે.”

બીજા કોઈએ પણ હેલનને આવું જ કહ્યું હતું. કમાન્ડન્ટના મદદનીશ લીઓ જોહન! જોહન એસએસનો એક અન્ટર્સ્ટર્મફ્યુહરર – સેકન્ડ લેફ્ટેનન્ટની સમકક્ષ હતો. “એ તને મારી નહીં નાખે,” જોહને તેને કહેલું. “છેક સુધી નહીં મારે લેના! કારણ કે એને તારી સાથે બહુ જ મજા આવે છે.” જોહન પાસેથી આ વાક્ય સાંભળતી વેળા હેલન પર આવી કોઈ જ અસર થઈ ન હતી! પરંતુ શિન્ડલરે તો તેને આ પીડા સહન કરતાં-કરતાં આખી જિંદગી જીવી જવાની જાણે સજા જ ફરમાવી દીધી હતી! એને લાગેલો આઘાત શિન્ડલર સમજી શકતો હતો. હેલનને ધીરજ બંધાવતાં એણે કહ્યું પણ ખરું, કે ફરીથી મળવા આવીને એ હેલનને અહીંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરશે… બહાર? હેલને પ્રશ્ન કર્યો. બંગલાની બહાર? ઓસ્કરે ખુલાસો કર્યો. “ના, મારી ફેક્ટરીમાં લઈ જઈશ તને,” એણે કહ્યું. “મારી ફેક્ટરી વિશે તો તું જાણતી જ હોઈશ. વાસણો બનાવવાની મારી એક ફેક્ટરી છે.”

“અરે, હા,” ઝુંપડપટ્ટીનું કોઈ બાળક આનંદમાં આવી જઈને દરિયા કિનારા વિશે વાત કરે એમ હેલન બોલી. “શિન્ડલરની એમેલિઆ… મેં સાંભળ્યું છેને!”

“તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે,” એણે ફરીથી કહ્યું. એને ખબર હતી કે સ્વાસ્થય સારું રહેશે તો જ હેલનને લાભ થશે. આમ કહેતી વેળાએ જો કે ઓસ્કર, હિમલર અને ફ્રેંકના ભવિષ્યના ઈરાદાઓ પર આધાર રાખી રહ્યો હતો. “ભલે.” હેલને હકારમાં જવાબ આપ્યો.

શિન્ડલર તરફ પીઠ ફેરવીને એ કપ-રકાબીના એક કબાટ પાસે ગઈ, અને દિવાલ પાસેના એક કબાટને ખેંચીને એણે ખસેડ્યો. હતપ્રભ થઈ ગયેલી આવડી છોકરીના શરીરમાં આટલી તાકાત જોઈને શિન્ડલરને પણ નવાઈ લાગી! કબાટ પાછળની ભીંતમાંથી એક ઈંટ ખેંચી કાઢીને ખાંચામાંથી હેલને ચલણી નોટોની એક થપ્પી બહાર કાઢી.

“છાવણીના રસોડામાં મારી એક બહેન છે,” એ બોલી. “મારા કરતાં નાની છે. હું ઇચ્છુ છું, કે ક્યારેક જો એવો સમય આવે, કે જાનવરોના ડબ્બામાં પૂરીને મારી એને લઈ જવામાં આવે, તો આ રકમ ખરચીને તમે એને બચાવી લેજો. હું માનું છું કે આવી બાબતોની આગોતરી જાણકારી તમને હોય છે.”

“હું ચોક્કસ એ કામ કરીશ,” શિન્ડલરે વચન આપવા જેવું તો ન કર્યું, પરંતુ થોડી ધરપત આપતાં તેને પૂછ્યું, “કેટલાં છે?”

“ચાર હજાર ઝ્લોટી છે.”

નોટો તરફ ખાસ ધ્યાન આપ્યા વગર, હેલનની જીવનભરની એ બચતને ઓસ્કરે પોતાના ખિસ્સામાં મૂકી દીધી. ઓસ્કરની ઉપેક્ષા છતાં, હેલનને લાગતું હતું, કે એમોનના ઘરમાં કપ-રકાબીના કબાટ પાછળના ગોંખલા કરતાં ઓસ્કર પાસે એ રકમ વધારે સુરક્ષિત હતી.

આમ ઓસ્કર શિન્ડલરની આ આખી કહાણી કંઈક જોખમ સાથે જ શરૂ થઈ હતી, જેમાં તેની સાથે બર્બર નાઝીઓ હતા, એસએસનો ઉપભોગવાદ હતો, અને સાથે-સાથે ઘવાયેલી દુબળી-પાતળી એક છોકરી પણ તેમાં તેની સાથે સંકળાયેલી હતી; અને અમુક હદે, મુલાયમ હૃદય ધરાવતી પેલી ગણિકા જેટલું પ્રસિદ્ધ અને કલ્પનાના પ્રતિક જેવું સુંદર જર્મની પણ તેમાં સામેલ હતું!

આમ, એક તરફ નોકરીશાહીની આમન્યાના પડદા પાછળ છુપાયેલા વ્યવસ્થાતંત્રના નિરંકુશ ચહેરાને સંપૂર્ણ રીતે ઓળખવાનું બીડું ઓસ્કરે ઝડપ્યું હતું. અંદરની માહિતી મેળવવાની હિંમત ધરાવતા કોઈ પણ વ્યક્તિ કરતાં પહેલાં ઓસ્કરને એ જાણ થઈ ચૂકી હતી, કે “ખાસ દેખભાળ” શબ્દનો અર્થ શો હતો! ભૂરી પડી ગયેલી ચામડીઓવાળા મૃતદેહોના પિરામિડ સમા ઢગલા! બેલ્ઝેક, સોબીબોર, ટ્રેબ્લિંકા અને ક્રેકોવના જટિલ પશ્ચિમી વિસ્તારોને પોલેન્ડવાસીઓ ઓસ્વિઝિમ-બ્રેઝિન્કાના નામે ઓળખતા હતા, પરંતુ પશ્ચિમના દેશો જેને ઓસ્વિટ્ઝ-બર્કેનાવ જેવા જર્મન નામે ઓળખતા હતા એવા લાશોના ઢગલા, એ હતો “ખાસ દેખભાળ”નો અર્થ!

જ્યારે બીજી તરફ, ઓસ્કર એક ઉદ્યોગપતિ પણ હતો, સ્વભાવે એક વેપારી! અને એટલે જ એ પ્રણાલીની સામે ખુલ્લે આમ પડી શકે તેમ ન હતો. હા, લાશોના પિરામિડની સંખ્યામાં એણે ઘટાડો જરૂર કર્યો હતો. જો કે એ જાણતો ન હતો, કે વર્તમાન વર્ષે અને એ પછીના આવતા વર્ષે પણ એ ઢગલાની સંખ્યા કે ઊંચાઈમાં કેટલો વધારો થશે, કે પછી એ ઢગલો મેટનહોર્ન પર્વતની ટોચથી પણ મોટો થઈ જશે કે નહીં! પરંતુ તેને એટલી ખબર હતી, કે એ ઢગલા મસમોટા પહાડ જેવડા જરૂર થઈ જવાના! લાશોના ઢગલા ખડકાવાની સાથે, અમલદારશાહીમાં કયા-કયા ફેરફારો થશે તેની તો ધારણા એ કરી શકતો ન હતો, પરંતુ તેને ધારણા હતી, કે યહૂદી મજુરોની તાતી જરૂરિયાત ઊભી થવાની જ! એટલે જ, હેલન હર્ષને મળતી વેળાએ એણે આગ્રહપૂર્વક કહ્યું હતું, “તારી તબિયતનો ખ્યાલ રાખજે.” તેને ખાતરી હતી, અને પ્લાઝોવની અંધારી છાવણીઓમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવીને રહેતા યહૂદીઓ પણ એટલું ખાતરીપૂર્વક જાણતા હતા, કે કસોટી સામે ઝઝૂમી રહેલા કોઈ પણ તંત્રને, આટલા વિપુલ પ્રમાણમાં અને સાવ નિશુલ્ક મળી રહેલા શ્રમિકોને એમને એમ હાથમાંથી જવા દેવા ન જ પોસાય! બધી જગ્યાએ આ શ્રમિકવર્ગ જ મજૂરી કરીને તૂટી જતો હોય છે, પોતાનું લોહી રેડતો હોય છે. અને અહીં પણ આખરે ઓસ્વિટ્ઝ જતા વાહનોમાં વિષ્ટા પર ઢળી પડનારા પણ આ મજૂરો જ હતાને! પ્લાઝોવ લેબર કેમ્પમાં સવારની હાજરી પૂરાવવા માટે એકઠા થયેલા કેદીઓને એવું બબડતાં શિન્ડલરે પોતે સાંભળ્યા હતા કે, “ગમે તેમ પણ હજુ મારી તબિયત સારી છે.” સામાન્ય રીતે કોઈ ઘરડો માણસ જ આટલા નબળા ધ્વનિ સાથે આ શબ્દો બોલે!

એટલે, શિયાળાની એ રાતે, થોડાક માનવ જીવોને બચાવવાના કામમાં સક્રિય રીતે કંઈક કરવા માટે, આમ જોઈએ તો થોડું વહેલું પણ હતું, અને આમ જોઈએ, તો ઘણું મોડું પણ થઈ ગયું હતું! ઓસ્કર એમાં બહુ ઊંડો ઊતરી ચૂક્યો હતો. જર્મન કાયદાઓનો એ એટલી હદે ભંગ કરી ચૂક્યો હતો, કે તેની સામે કામ ચલાવવામાં આવે, તો આ ગુના સબબ ફાંસીના માંચડે લટકાવવાની, તેનો શિરચ્છેદ કરી નાખવાની, કે પછી ઓસ્વિટ્ઝ કે ગ્રોસ-રોઝન ખાતેની કાચી-પાકી ઝુંપડીઓમાં સબડવા માટે રવાના કરી દેવાની બધી જ સજા તેને એક સાથે ફરમાવી દેવામાં આવે! ઓસ્કર હજુ એ વાત જાણતો ન હતો, કે આ બાબત તેને ખરેખર કેટલી મોંઘી પડવાની હતી! આ કામ પાછળ એ ખાસ્સી રકમ તો ખરચી ચૂક્યો હતો, છતાંયે હજુ પણ કેટલું ચૂકવવું પડશે તેની એને ખબર ન હતી!

આપણે વધારે પડતી ધારણાઓ નહીં બાંધીએ, પરંતુ આવી પ્રેમભરી એક સામાન્ય ઘટનાની સાથે આ કહાણીની શરૂઆત થાય છે. એક ચુંબન, લાગણીભર્યો એક સ્વર, એક ચોકલેટ…! હેલન હર્ષ પોતાની ચાર હજાર ઝ્લોટીની એ રકમ ફરી ક્યારેય જોવા પામવાની ન હતી, ગણી શકાય કે હાથમાં પકડી શકાય તેવા સ્વરૂપે તો નહીં જ! ઓસ્કરને એ ચોક્કસ કેટલી રકમ હતી તેની પણ ખબર ન હતી! અને છતાં હેલન માટે એ બાબતનું  ખાસ કોઈ મહત્વ ન હતું!


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (આમુખ)