તડકો – લાભશંકર ઠાકર


પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતી આવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટરે બેઠુ
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

– લાભશંકર ઠાકર
(‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’)

પરોઢના ઝાકળછાયા તડકાની આરપાર દેખાતી સૃષ્ટિ અદ્ભુત બની જાય છે. એમાં સ્થિર પદાર્થો ગતિશીલ ભાસે છે, કવિએ આ રચનામાં એનું ચંચળ પ્રવાહી રૂપ ઝીલ્યું છે. ઝાકળથી આચ્છાદિત તડકામાં કવિને સવારમાં લાંબા પડછાયાના પ્હાડ પીગળતા લાગે છે, થોરની કાંટાળી વાડ તરતી ડૂબતી સમીપ આવતી દેખાય છે, ઝાંખાપાંખા દેખાતા બટેરની પાંખનો અવાજ માત્ર જ સંભળાય છે. દ્રશ્યો ઝાંખા છે. પણ અવાજ સ્પષ્ટ છે. કવિ એ અવાજોને સહારે શૈશવના સંસ્મરણોમાં તલ્લીન બની જાય છે.

આપનો પ્રતિભાવ આપો....