અર્પણ
ઓસ્કર શિન્ડલરની યાદને,
અને લિઓપોલ્દ ફેફરબર્ગને
જેણે ઉત્સાહ અને આગ્રહ સાથે
આ પુસ્તક લખવાની પ્રેરણા આપી.
શિન્ડ્લર્સ લિસ્ટઃ હમ લાયેં હૈ તૂફાનસે કશ્તી નિકાલ કે.. – કીરિટ દુધાત
આપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જન્મે છે. એ રીતે કોઈ પ્રજાને જો પોતાનું સહિયારું નસીબ પણ હોય એમ માનીએ, તો કહેવું પડે કે યહૂદીઓ જેવી કાઠા નસીબની બીજી કોઈ પ્રજા આ દુનિયામાં થઈ નથી. ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં આ પ્રજા ઇતિહાસના પાના પર પેહેલીવાર દેખા દે છે, એ પછી એવો કોઈ દિવસ નથી ઉગ્યો કે જ્યારે દુશ્મનોએ કોઈ યહૂદીનું લોહી ન વહેવડાવ્યું હોય કે યહૂદીઓએ પોતાના બચાવમાં બીજા કોઈનું લોહી વહેવડાવવું ન પડ્યું હોય! યહૂદીઓના પ્રથમ વડવા મોઝીસે દરિયો ફાડી, રેગિસ્તાનમાં વરસો સુધી ભટકીને જે દેશમાં પોતાના બાંધવોને વસાવ્યા પણ ઇશ્વરના ફરમાનને લીધે પોતે ત્યાં પગ ન મૂકી શક્યા, તે પ્રદેશમાંથી પણ યહૂદીઓને દેશવટો મળ્યો અને એવો મળ્યો, કે ઇ.સ. ૧૯૪૮ સુધી યહૂદીઓના નસીબમાં ઘરઝુરાપો જ રહ્યો! કચ્છથી અર્ધો પ્રદેશ કે જેને દુનિયા ઈઝરાયેલ તરીકે ઓળખે છે એ ફરીથી મેળવવા માટે યહૂદીઓને એવો તુમુલ સંઘર્ષ કરવો પડ્યો, કે એ પ્રજા રાનરાન અને પાનપાન થઈને હજારો વરસ સુધી દુનિયાના ૧૪૮ દેશોમાં નિર્વાસિતો જેવું જીવન જીવી. કોઈ કાલ્પનિક કે સાચાં કારણોસર એમણે સદીઓ સુધી ખ્રિસ્તી અને મુસ્લિમ પ્રજાના કાતિલ ધિક્કારનો સામનો કરવો પડ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં આની ચરમસીમા ત્યારે આવી, જ્યારે હિટલરે જર્મની અને તેના તાબાના પ્રદેશોમાં ૬૦ (સાંઠ) લાખ યહૂદીઓની સરેઆમ કત્લ કરીને તેમને મોતના મુખમાં ધકેલી દીધાં! આ કત્લેઆમ ઇતિહાસમાં holocaust -હોલકોસ્ટ તરીકે ઓળખાવાય છે. આમાંથી જર્મનીના કબજાવાળા પોલેન્ડમાં જ ૩૩ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવેલાં. અને પોલેન્ડમાં જે યહૂદીઓ બચી ગયાં એનો આંકડો વધારીને ગમે તેટલો છૂટથી મૂકો તો પણ એ કોઈ રીતે સવા લાખથી વધતો નથી. આખી દુનિયા જ્યારે નિઃસહાય થઈને મોતનું આ તાંડવ નિહાળી રહી હતી, ત્યારે ગણ્યા ગાંઠ્યા વીરલાઓએ આ પ્રજાને જીવતી બચાવવા કમર કસેલી. આમાંથી એક હતો સ્વીડનનો રાઉલબર્ગ, જેના પ્રયત્નોથી એક લાખ યહૂદીઓ બચી ગયેલાં! પણ ખુદ જર્મન હોવા છતાં દેશદ્રોહના સંભવિત આક્ષેપો સામે ઝઝૂમીને સામ, દામ, દંડ અને ભેદથી ૧૩૦૦ જેટલાં યહૂદીઓને બચાવનાર ઓસ્કર શિન્ડલરની કથા આપણી ઉંઘ ઉડાડી દે તેવી છે. શિન્ડલરના આ સાહસો પર ટોમસ કીનિલીએ લખેલી નવલકથાને ઇ.સ. ૧૯૮૨નું શ્રેષ્ઠ અંગ્રેજી નવલકથાને દર વરસે મળતું બુકર પ્રાઇઝ મળેલું. આ નવલકથાએ દુનિયાને એટલી બધી હચમચાવી મૂકી, કે હોલીવુડના સર્વકાલીન દિગ્દર્શકો પૈકીના એક સ્ટીવન સ્પીલબર્ગે તેના પરથી એક ફિલ્મ બનાવી, જેને ઇ.સ. ૧૯૯૩માં સાત ઓસ્કર એવોર્ડ મળ્યા! આ ફિલ્મ બનાવી તે પહેલાં સ્પીલબર્ગની ગણતરી ‘ઈ.ટી.’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી બાળકથાઓ અને હળવી કલ્પના મિશ્રિત વિજ્ઞાનકથાઓના ધંધાકીય રીતે સફળ, પણ કળાની દૃષ્ટિએ સામાન્ય દિગ્દર્શક તરીકે થતી હતી. ‘શિન્ડલર્સ લિસ્ટે’ તેનો સિક્કો એક ગંભીર દિગ્દર્શક તરીકે જમાવ્યો. બીજી બાજુ આ કથાના લેખક ટોમસ કીનિલીએ લગભગ ૩૦ જેટલી નવલકથાઓ લખી છે, પણ દુનિયા તેમને ‘શિન્ડલર્સ લિસ્ટ’ના લેખક તરીકે વધારે જાણે છે! આવી એક ઉત્કૃષ્ટ નવલકથાને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અવતારવા બદલ ભાઈશ્રી અશ્વિન ચંદારાણાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પરંતુ એ વાત આગળ ઉપર. અત્યારે તો કીનિલીના હાથમાં આ નવલકથાનું થીમ કેવી રીતે આવી ચડ્યું એ જોઈએ.
‘શિન્ડલર્સ લિસ્ટ’ લખાયા પહેલાં કીનિલી એક લેખક તરીકે અમેરિકામાં અલ્પ છતાં ખ્યાત ખરા. એમના કોઈ પુસ્તકના પ્રચાર માટે તેઓ અમેરિકાના બેવરલી હિલ્સ વિસ્તારમાં ગયેલા. ઓસ્ટ્રેલિયા પાછા ફરતાં એમના ધ્યાને આવેલું કે પોતાની સુટકેસ તૂટી ગઈ છે. એટલે એ નવી સુટકેસ લેવા તેઓ એક સ્ટોરમાં ગયા. નસીનજોગે એ સ્ટોરના માલિક હતા પિફરબર્ગ નામના યહૂદી, જે પેલા ૧૩૦૦ જણ પૈકી શિન્ડલરે બચાવેલા યહૂદીઓમાંના એક નીકળ્યા! એ દિવસોમાં ઓસ્ટ્રેલિયનો બનાવટી ક્રેડિટકાર્ડના આધારે અમેરિકામાંથી ખરીદી કરીને છૂ થઈ જવા માટે કુખ્યાત થઈ ગયેલાં. એ દિવસો આટલા ઝડપી ઇન્ટરનેટના નહીં, એટલે ઓસ્ટ્રેલિયન એવા કીનિલી સાહેબે રજુ કરેલું ક્રેડિટકાર્ડ અસલી છે કે નકલી એની ખાતરી કરવામાં અરધો કલાક જાય તેમ હતો. એટલે ગ્રાહક કીનિલીનું મન બહેલાવવા માટે સ્ટોરના માલિક પિફરબર્ગ કીનિલી સાથે વાતોએ વળગ્યા. એણે જાણ્યું કે કીનિલી લેખક છે એટલે એમના કાન ચમક્યા. શિન્ડલરે યહૂદીઓના જીવ બચાવવા માટે કરેલા પ્રયત્નોના પુરાવારૂપ અસંખ્ય દસ્તાવેજી કાગળો પિફરબર્ગે કાળજીથી એકઠા કરેલા હતા. આમ તો અગાઉ પિફરબર્ગ આ કાગળો લઈને અમેરિકાના ફિલ્મ સ્ટુડિયોમાં ઘણું રખડેલો અને ‘શિન્ડલરના આ ભાગીરથી કારનામાઓની ફિલ્મ બનાવો’ એવી ગુહાર તેણે દ્વારે-દ્વારે નાખેલી. એકવાર વિશ્વ વિખ્યાત એમ.જી.એમ. સ્ટુડિયોએ એ માટે તૈયારી પણ બતાવેલી! ત્યારે તો શિન્ડલર સાહેબ સદેહે વિદ્યમાન પણ હતા! પણ સમય જતાં એ દરખાસ્તનું બાળમરણ થયેલું. હવે આજે સામે ચાલીને એક નવલકથાકાર પોતાના બારણે આવેલો જોઈને પિફરબર્ગે એક પછી એક કાગળ કીનિલીને બતાવ્યા, અને કલાકેકની ચર્ચા પછી એ કીનિલી પાસેથી વચન મેળવીને જ ઝંપ્યો, કે લેખક શિન્ડલરના પરાક્રમોની એક નવલકથા લખશે! પણ પિફરબર્ગ પાસેના કાગળો આખી કથા રચવા માટે પૂરતા નહોતા. વળી શિન્ડલરે બચાવેલા યહૂદીઓ દુનિયાના ખુણે-ખાંચરે છૂટક વસેલાં હતાં. પિફરબર્ગની નિસ્વાર્થ મદદ, હજારો કિલોમીટરની કીનિલીની રઝળપાટ, અને સેંકડો માણસોના ઇન્ટર્વ્યૂ બાદ જે હકીકતો મળી તેમાં કલ્પનાના રંગો પૂરીને કીનિલીએ જે નવલકથા લખી તેનો ગુજરાતી અવતાર તમારા હાથમાં છે.
શિન્ડલરનું ભાગીરથી સાહસ ભલભલા વીરનાયકોને ઝાંખા પાડી દે તેવું છે. પણ શિન્ડલર પોતે આવા વીરનાયકોને હરોળમાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન લેખકે આપણને ફેરવી-ફેરવીને પૂછ્યો છે. ભારતીય પ્રજા કે જેને યુદ્ધનો જાત અનુભવ નથી, તે એમ જ માને કે યુદ્ધ એટલે દેશભક્તિ અને પવિત્ર ફરજનો પર્યાય! પરંતુ હકીકત સાવ અલગ છે! યુદ્ધ એક મોટો ઉદ્યોગ છે. બીજા ઉદ્યોગોમાં જે પ્રકારની અનૈતિકતા આચરવામાં આવતી હોય છે, તે રીતે બીજા વિશ્વાયુદ્ધમાં પણ કાળાબજાર, લૂંટફાટ અને લાંચ-રુશ્વતના ઉપયોગથી પૈસા પેદા કરવાનું કામ પુરજોશમાં ચાલતું હતું. ઇ.સ. ૧૯૩૯માં જર્મન સૈન્યે પોલેન્ડમાં બળજબરીથી કબજો જમાવી દીધો ત્યારે સૈન્યની પાછળ જર્મન વેપારીઓનું એક ધાડું પણ પોલેન્ડમાં ઘુસેલું. આ ધાડાના એક ભાગ તરીકે એક લેભાગુ, તે આ કથાનો નાયક ઓસ્કર શિન્ડલર પણ હતો. એને મન આ યુદ્ધ આડા-અવળા રસ્તે પૈસા પેદા કરવાનું સાધન માત્ર હતું. પણ એણે સગી આંખે જોયું કે પોતાના જર્મન દેશવાસીઓ યહૂદીઓની બેફામ હત્યામાં દિવસ-રાત સંડોવાયેલા હતા. આ હોલકોસ્ટ જોયા પછી કઈ ક્ષણે તેનું હૃદય પરિવર્તન થયું તેનો ફોડ પાડીને નવલકથામાં કહેવાયું નથી. જો કે ફિલ્મમાં સ્પીલબર્ગે તે બતાવ્યું છે. ઘોડા પર બેઠેલો શિન્ડલર એક ઊંચી પહાડી પરથી તેની સ્ત્રી-મિત્ર સાથે નીચે શહેરની શેરીઓમાં યહૂદી સ્ત્રી-પુરુષ અને બાળકોને ઘેટાં-બકરાંની જેમ કતલખાને લઈ જવાતાં જૂએ છે. જેણે ફિલ્મ જોઈ છે એ જાણે છે કે આખી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. પણ આ શ્વેત-શ્યામ દૃશ્યાવલીમાં આખી ફિલ્મમાં ફક્ત આ એક જ વાર એક બાળકી લાલ કોટ પહેરીને જીવ બચાવવા આમ તેમ દોડે છે તે શિન્ડલરની નજરે પડે છે. થોડીવાર પછી મરણાસન્ન યહૂદીઓના ઢગલા વચ્ચે લાલ કોટ પહેરેલી એ બાળકીના મૃતદેહને પણ શિન્ડલર ફિલ્મમાં લીધેલા લોંગ શોટમાં જૂએ છે. ફિલ્મમાં શિન્ડલર માટે આ ક્ષણ epiphany સાક્ષાતકારની બની રહે છે. એ ક્ષણ પછીનો શિન્ડલર પહેલાંનો શિન્ડલર નથી રહ્યો. તો, નવલકથા કે કવિતામાં જે ક્ષણો સંદિગ્ધ રાખીને સર્જક વાચકને અંગત અર્થઘટનની મોકળાશ આપતો હોય છે એવી મોકળાશ કીનિલીએ પણ આપણને આપી છે; હૃદયપરિવર્તન ઉપરાંત, શિન્ડલર નાયક છે કે કેમ તેવી વધુ એક સંદિગ્ધતાની ક્ષણ કીનિલીએ આપણને આપી છે. ફરીથી ફિલ્મને યાદ કરીએ તો સ્પીલબર્ગે શિન્ડલરનો રોલ કરવા માટે એક એવા આયરિશ અભિનેતા લિયમ નેસનને પસંદ કર્યો કે જેનો દેખાવ અને કદ-કાઠી હિરો કે વિલનની સ્થાપિત વ્યાખ્યામાં બંધ બેસે એવો નથી. કીનિલી શિન્ડલરની દરેક યશગાથા વખતે તેનું વર્ણન કરવા માટે જે વિશેષણો વાપરે છે તે બધાં બાઇબલમાંથી લીધેલાં છે અને એ વાર્તામાં આવતા વીરનાયકો માટે વપરાયેલાં છે; જેમ કે એક સ્થળે શિન્ડલર માટે Judge વિશેષણ વપરાયું છે જેનો બાઇબલદત્ત અર્થ થાય છે શુરવીર, છતાં એ જ શ્વાસે લંપટ, દારુડિયા અને લાંચ આપવામાં માહેર શિન્ડલરને જર્મનો જે પ્રજાને ધિક્કારે છે તેવા યહૂદીઓના બચાવ માટે એક ક્ષણના વિલંબ વિના ગમે તેવો દેશદ્રોહ આચરી શકે તેવો પણ બેધડક ચિતર્યો છે! હકીકતમાં નવલકથાનું મૂળ શિર્ષક હતું ‘શિન્ડલર્સ આર્ક’! અહીં આર્ક શબ્દનો સંકેત બાઇબલના ‘જેનેસિસ’ પુસ્તકના પ્રકરણ નં. ૬થી ૯માં આવતી નોહના આર્કની કથા સાથે છે. એ કથામાં પૃથ્વીનો વિનાશ જળપ્રલયથી થવાનો હોય છે તે અગાઉ, ઇશ્વર નોહને એક વહાણ -આર્ક -બનાવી તેમાં તેના કુટુંબીજનો અને ઢોરઢાંખરને ચડી જઈને બચવાની પ્રેરણા આપે છે. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે યહૂદીઓના સંહારનું તાંડવ ચાલતું હતું ત્યારે શિન્ડલરની ‘ડેફ’ ફેક્ટરી યહૂદીઓ માટે પોતાના પુરાણપુરુષ નોહના વહાણ જેવી સલામત સાબિત થઈ હતી. અહીં પણ શિન્ડલર એક મહાનાયક છે એવો ઇશારો હતો. યાદ રહે કે યુદ્ધ પહેલાં કે પછી શિન્ડલરે દુનિયાની નજરે કોઈ ધાડ નથી મારી! ઉલટાનું યુદ્ધ દરમ્યાન મહાનાયકને છાજે તેવાં કામો કર્યાં પછી એણે જુદા-જુદા દસેક ધંધાઓ કરી જોયા છે જેમાં એણે દેવાળાં કાઢ્યાં છે. યુદ્ધ પછી શિન્ડલર ૨૯ વર્ષ જીવ્યો છે પરંતુ સાવ સામાન્ય રીતે! એટલે કે વીરપુરૂષોના જન્મ સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય અને મૃત્યુ સમયે દિશાઓ રડી પડે તેવી પરંપરાગત માન્યતાઓથી શિન્ડલરનું જીવન અલગ છે. યુદ્ધના છ વરસ દરમ્યાન એ મુઠ્ઠી ઊંચેરો બની રહે છે અને જિંદગીનાં છેલ્લાં વરસોમાં તો એણે બચાવેલાં યહૂદીઓની આર્થિક સહાય લઈને બે છેડા ભેગા કરવા પડ્યા હોય એવું પણ જીવ્યો છે! નવલકથાને રોમાંચક બનાવનાર આ પણ એક સર્જનાત્મક પાસું છે. હોલકોસ્ટનો હત્યાકાંડ જેટલો રૂંવાડાં ખડાં કરી દે તેવો છે, તેટલો જ રોમહર્ષક શિન્ડલરનો યુદ્ધ દરમ્યાનનો અને એ પછીનો કાર્યકાળ પણ છે.
મૂળે તો ઈ.સ. ૧૯૬૬માં અમેરિકન નવલકથાકાર ટ્રૂમેન કેપોતેએ ‘In the Cold Blood’ નામની એક નવલકથા લખીને ડોક્યુમેન્ટરી નોવેલનો એક નવો જ પ્રયોગ કરીને હલચલ પેદા કરેલી. આ બનાવની પણ એક ફિલ્મ તાજેતરમાં જ ‘કેપોલે’ નામે આવી છે. કેંસાસ નામના શાંત પ્રદેશમાં એક રાતે બે ખૂનીઓએ એક કુટુંબના ચાર જણાની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. આથી આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયેલો. કેપોતે એ સ્થળની મુલાકાત લઈને ત્યાંના લોકોના ઇન્ટર્વ્યૂ કરી, તેમાં કલ્પનાના રંગો ઉમેરીને આ પ્રકારની નવલકથા લખી, એ પછી નજીકના ભૂતકાળની અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓમાં જરૂર જેટલી કાલ્પનિકતા ઉમેરીને નવલકથા લખવાનો એક ઉદ્યોગ વિકસ્યો. આમાં પણ બે ફાંટા પડે છે. એક તો ફ્રેડરિક ફોરસાઇથ જેવા બેસ્ટસેલર લેખકે આવી નવલકથાઓને થ્રીલરનું સ્વરૂપ આપ્યું અને ‘ઓડેસા ફાઇલ’ અને ‘ડે ઓફ ધ જેકાલ’ જેવી નવલકથાઓ લખી. જ્યારે બીજો ફાંટો ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી નવલકથાઓમાં વિકસ્યો, જેમાં માનવ ઇતિહાસની શકવર્તી ક્ષણો પર કેમેરા ગોઠવીને એ ક્ષણોને આખી માનવજાતનો સહિયારો ઇતિહાસ બની શકે એવી કથા નિપજાવવામાં આવી. આથી નવલકથાઓમાં ‘શિન્ડલર્સ લિસ્ટ’નું સ્થાન આગળ પડતું છે અને કીનિલીએ આવી જુદી-જુદી ઐતિહાસિક ક્ષણોની એકથી વધારે નવલકથાઓ આપી છે.
આજે ગુજરાતીમાં પોચટ પ્રેરણામય પુસ્તકો, નકલી પુરાણકથાઓ અને બજારુ થ્રિલરના અનુવાદોમાં રાચતી એક આખી જમાત પનપી રહી છે. મર્યાદિત સફળતા મળવાનો પણ પૂરો ખ્યાલ હોવા છતાં, આવી બેનમુન નવલકથાના અનુવાદ માટે હિંમતભેર નિર્ણય કરવા બદલ અશ્વિનભાઈ આપણી પ્રશંસાના વિશેષાધિકારી બને છે. નહીંતર એમનો ખંત જોતાં એ પણ કોઈ સુદિર્ઘ બજારુ નવલકથાનો અનુવાદ કરીને નામ અને દામ કમાઈ શક્યા હોત! પણ મીનાક્ષીબહેન અને અશ્વિનભાઈનું દંપતિ એવા સસ્તા પ્રપંચમાં રાચે એવું નથી.
પ્રસ્તાવના લખવાની આવી એટલે મૂળ નવલકથા અને એનો અનુવાદ બાજુ-બાજુમાં રાખીને હું તપાસી ગયો છું. અનુવાદમાં હું મૂળ ભાવને જાળવીને વાક્યરચનાઓ કરવાના સંપ્રદાયનો છું, તો અશ્વિનભાઈ શબ્દશઃ અનુવાદ પર વધારે ભાર મૂકતા લાગે છે. અલબત્ત, એમણે પણ ક્યાંક ફકરાઓ તોડ્યા-જોડ્યા હોય અને એ રીતે કથારસ જળવાય એવા પ્રામાણિક પ્રયત્નો પણ કર્યા છે. તો ક્યાંક શબ્દશઃ અનુવાદ કરવા જતાં એ મૂળ ભાવથી થોડા દૂર પણ ગયા છે. પણ આવું બહુ ઓછું બનવા પામ્યું છે. આ પ્રસ્તાવના મૂળ કથાનો દરવાજો વાચક માટે સહેલાઈથી ખોલી આપવાના પ્રયત્નરૂપે છે, છતાં તેમના સારા અનુવાદના બે-ત્રણ પ્રયત્નો જોઈએ.
૧. “Watch the pavement, Herr Schindler” said the Chauffer. it is icy like a window’s heart.”
“ફૂટપાથ પર ચાલતાં સંભાળજો શિન્ડલર સાહેબ!” શોફરે તેને ચેતવ્યો. “કોઈ વિધવાના હૃદયની માફક એ પણ લપસણી થઈ ગઈ છે.”
અહીં Icyનો પર્યાય ‘લપસણી’ જુઓ.
૨. “There’ll be time to do something more positive,” said stern. “But not yet.”
“કંઈક સારું કરી શકાય તે માટે આપણી પાસે પુરતો સમય હશે.” સ્ટર્ન બોલ્યો. “હમણાં તો કંઈ જ નહીં થઈ શકે!”
અહીં લેખકના સઘનવાક્યને ગુજરાતીમાં પણ એટલું જ સઘન બનાવવાનો પુરતો પ્રયત્ન છે.
૩. He looked like a man whom it was profit all the way.
ચારેબાજુથી તે સમૃદ્ધિમાં આળોટતો માણસ હોય એવું લાગતું.
અહીં All the wayનું ‘ચારેબાજુ’ ઘણું સરસ થયું છે.
મૂળ તો આપણને ઇંગ્લેંડના અંગ્રેજીનો સૌથી વધારે મહાવરો છે. એ પછી અમેરિકન અંગ્રેજીનો પણ ઠીક-ઠીક ઘરોબો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન અંગ્રેજી તો ઘરથી ત્રીજી-ચોથી શેરી જેટલું આઘું ગણાય! ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટની રમતમાં જે ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયન અંગ્રેજીની કોમેન્ટ્રી સાંભળી હશે તેને મારી વાત સહેલાઈથી સમજાઈ જશે. એ રીતે અશ્વિનભાઈનો આ પ્રયત્ન ‘હમ લાયે હૈં તુફાનસે કસ્તી નીકાલકે’ જેવો છે. આમ પણ શિન્ડલરના આર્ક સાથે કશ્તી બંધ બેસે છે! એ રીતે તેમના આ પ્રયત્નની સરાહના, અને જગત સાહિત્યની એક સમર્થ કૃતિનો અનુવાદ દર વરસે આપે એવી ગુજારીશ પણ.
– કિરીટ દૂધાત
અમદાવાદ તા. ૮/૧/૨૦૧૬
આ લેખ લખવામાં નીચેના પુસ્તકો અને સંદર્ભોની મદદ લીધી છે તેની વિગતો.
(૧) ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના જાસુસી મિશનોઃ લેખક નગેન્દ્ર વિજય, પ્રકાશકઃ મોર્ય મિડિયા, અમદાવાદ, પ્રકાશન સાલઃ પુસ્તકમાં આપી નથી.
(૨) The Oxford Essential Guide to the World War-II, Writer: William L. O’neill, Publisher: Oxford University Press, New York, Publication Year: 2002.
(3) The New Biographical Dictionary of Film (Sixth Edition), Writer: David Thomson, Publisher: Alfred A. Khopf, New York, Publiction Year: 2014.
(4) Encyclopedia Britanica, 2015. Digital Edition.
(5) Wikipedia અને Googleમાં આ નવલકથા, ફિલ્મ, સ્પીલબર્ગ, ટોમસ કીનિલી અને આ પ્રકારના અન્ય વિષયોની માહિતી.
(૬) Schindler’s List: (1993) Director: Steven Spilberg.
* * * *
લેખકની નોંધ
૧૯૮૦માં એક દિવસ હું કેલિફોર્નિઆના બિવરલી હિલ્સ ખાતે આવેલા એક લગેજ સ્ટોરમાં જઈ ચડ્યો. એ સ્ટોર શિન્ડલરે બચાવેલા યહૂદીઓમાંથી હયાત એવા લિઓપોલ્દ ફેફરબર્ગની માલિકીનો હતો. ઇમ્પોર્ટેડ ઈટાલિઅન લેધરની ચીજ-વસ્તુઓના વિભાગમાં હું ઊભો હતો, ત્યારે પહેલી જ વખત ઓસ્કર શિન્ડલરનું નામ મારા કાને પડ્યું. એક જર્મન ઐયાશ અને નફાખોર વેપારી, મોહક અદાઓ અને વિરોધાભાસી વ્યક્તિત્વના સ્વામી હોવાની સાથે-સાથે, ‘હૉલૉકાસ્ટ’ નામે ઓળખાતા મહાવિનાશના એ વર્ષો દરમ્યાન, એક તિરસ્કૃત જાતીના પ્રતિનિધિ જુથને બચાવવા માટે એણે કરેલા કાર્યોની વાતો પણ મને ત્યારે જ જાણવા મળી હતી.
ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, પશ્ચિમ જર્મની, ઓસ્ટ્રિયા, ધ યુનાઇટેડ સ્ટેટ્સ, આર્જેન્ટિના અને બ્રાઝીલ જેવાં સાત રાષ્ટ્રોમાં સ્થાયી થયેલા, શિન્ડલરના એ પચાસ હયાત યહૂદીઓની મુલાકાતો, ઓસ્કર શિન્ડલરે કરેલા અચંબામાં નાખી દે તેવા ઐતિહાસિક કાર્યના આ વિવરણ માટેનો સૌથી પહેલો આધાર બની રહી! આ પુસ્તકમાં વારંવાર જેનો ઉલ્લેખ આવે છે તેવા સ્થળો… વ્યવસાય માટે ઓસ્કારે પસંદ કરેલા શહેર ક્રેકોવ ઉપરાંત ગ્લાસ્ગો, અને એમોન ગેટેના ચાર લેબર કેમ્પના સ્થળો, લિપોવા સ્ટ્રીટ, ઓસ્કરની ફેક્ટરી આજે પણ જ્યાં ધબકે છે એ ઝેબ્લોસી, ઓસ્કરે જ્યાંથી સ્ત્રી કેદીઓને મુક્ત કરાવેલી એ ઓસ્વિટ્ઝ-બર્કેનાવની છાવણીઓ… આ બધાં જ સ્થળોની લિઓપોલ્દ ફેફરબર્ગ સાથે લીધેલી મુલાકાતોએ આ પુસ્તકને સમૃદ્ધ બનાવવામાં મારી મદદ કરી છે. પરંતુ, પુસ્તકમાં કરવામાં આવેલા વર્ણનો માટે, દસ્તાવેજી ચિત્રણો અને અન્ય જાણકારીઓ ઉપરાંત, યુદ્ધકાળના ઓસ્કરના કેટલાક મિત્રોએ આપેલી માહિતી પર મેં આધાર રાખ્યો છે! ઓસ્કરના આ મિત્રોનો સંપર્ક આજે પણ કરી શકાય તેમ છે. તે ઉપરાંત, યુદ્ધોત્તર સમયના ઓસ્કરના અનેક મિત્રોએ પણ મને ઘણી બધી માહિતી પૂરી પાડી છે. ‘ધ માર્ટિર એન્ડ હીરોઝ’ના નામ હેઠળ, ‘યદ વાશેમ’ ખાતે ‘રિમેમ્બ્રન્સ ઑથૉરિટિ’ નામની સંસ્થામાં શિન્ડલરના લિસ્ટમાંના યહૂદીઓએ જમા કરાવેલી અઢળક જુબાનીઓમાંથી કેટલીક જુબાનીઓએ પણ આ અહેવાલને સમૃદ્ધ બનાવ્યો છે. તે ઉપરાંત કેટલાક ખાનગી સ્ત્રોત, શિન્ડલરના દસ્તાવેજો અને પત્રો સંભાળતી સંસ્થા, ‘યદ વાશેમ’ સંસ્થા અને ઓસ્કરના કેટલાક મિત્રો પાસેથી સાંપડેલા પત્રો પણ મેં અહીં ઉપયોગમાં લીધા છે.
સત્યઘટનાને વર્ણવવા માટે આધુનિક લખાણોમાં અનેકો વખત નવલકથાનાં પોત અને સંરચનાને પ્રયોજવામાં આવ્યાં છે. અહીં મેં પણ આ બંને ઘટકોનો ઉપયોગ કર્યો છે, કારણ કે નવલકથાકાર તરીકેનો માત્ર એક જ હુન્નર મને હસ્તગત છે! તે ઉપરાંત, ઓસ્કર જેવા સંદિગ્ધ અને વિધ-વિધ પરિમાણો ધરાવતા પાત્રને રજુ કરવા માટે નવલકથાની પ્રયુક્તિ જ મને યોગ્ય લાગી છે. અને તે છતાં, અહીં કલ્પનાઓની ઉડાનથી દૂર રહેવાનો પ્રયત્ન પણ મેં કર્યો છે, કારણ કે કલ્પનાઓ ઉમેરવાથી સત્યનું મૂલ્ય ઓછું થઈ જવાનો મને ડર લાગતો હતો! ઓસ્કર જેટલી મહત્તા ધરાવતી વ્યક્તિની સાથે સહજપણે જોડાઈ જતી દંતકથાઓ, અને વાસ્તવિકતાઓ વચ્ચે ભેદરેખા દોરવા માટે પણ મને આ જરૂરી લાગ્યું છે. ઓસ્કર કે અન્યો વચ્ચેના કેટલાક વાર્તાલાપો, કે જેની બહુ ઓછી વિગતો સાચવવામાં આવી છે, તેના માટે મારે ક્યારેક વ્યાજબી ભૂમિકાઓ પણ બાંધવી પડી હતી. પરંતુ મોટાભાગના આદાનપ્રદાનો અને વાર્તાલાપો, તથા અહીં વર્ણવવામાં આવેલી બધી જ ઘટનાઓ, શિન્ડલરની પોતાની, શિન્ડલરની સૂચીમાંના યહૂદીઓની અને આ અદ્ભૂત બચાવકાર્યના સાક્ષીઓની વિસ્તૃત સ્મૃતિઓ પર આધારિત છે.
નાઝી હત્યાકાંડમાંથી ઉગરી શકેલા શિન્ડલરના યહૂદીઓમાંથી સૌ પ્રથમ હું ખાસ આભાર માનવા માગું છું ત્રણ વ્યક્તિઓનો! લિઓપોલ્દ ફેફરબર્ગ, ઇઝરાયલ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મશ બેજ્સ્કી, અને મિઝીસ્લોવ પેમ્પર… જેમણે ઓસ્કરની સ્મૃતિઓ ઉપલબ્ધ કરાવીને, પોતે વર્ણવેલી બાબતો સાચી હોવાની ખાતરી કરી શકાય એવા કેટલાક દસ્તાવેજો પણ પૂરા પાડ્યા. તે ઉપરાંત, આ પુસ્તકની કાચી નકલ વાંચી જઈને જરૂરી સુધારા પણ સૂચવ્યા.
ઓસ્કર શિન્ડલરના અન્ય ઘણા યહૂદીઓએ અને યુદ્ધોત્તર સાથીઓએ મુલાકાતો આપીને અને પત્રો તેમજ દસ્તાવેજો દ્વારા માહિતી પૂરી પાડીને આ પુસ્તક માટે મને ઉદારતાપૂર્વક મદદ કરી છે. શ્રીમતી એમિલી શિન્ડલર, શ્રીમતી લ્યુડમિના ફેફરબર્ગ, ડૉ. સોફિયા સ્ટર્ન, શ્રીમતી હેલન હોરોવિત્ઝ, ડૉ. જૉનસ ડ્રેન્સર, શ્રી અને શ્રીમતી હેનરી અને મેરિયાના રોઝનર, લિઓપોલ્દ રોસનર, ડૉ. એલેક્સ રોઝનર, ડૉ. આઈડેક શિન્ડેલ, ડૉ. દનુટા શિન્ડેલ, શ્રીમતી રેજિના હોરોવિત્ઝ, શ્રીમતી બ્રોનિઝ્લાવા કારાકુલ્સ્કા, શ્રી રિચાર્ડ હોરોવિત્ઝ, શ્રી શ્મએલ સ્પ્રિંગમેન, સ્વ. શ્રી જેકોબ સ્ટેનબર્ગ, શ્રી. જર્ઝી સ્ટેનબર્ગ, શ્રી અને શ્રીમતી લેવિસ ફેગન, શ્રી હેનરી કિન્સ્ટ્લિંગર, શ્રીમતી રેબેકા બાઉ, શ્રી એડવર્ડ હ્યુબર્ગર, શ્રી અને શ્રીમતી એમ. હેર્શફેલ્ડ, શ્રી અને શ્રીમતી ઇરવિંગ ગ્લોવિન અને અન્ય ઘણાંનો હું આભારી છું. મારા પોતાના શહેરનાં શ્રી અને શ્રીમતી ઈ. કોર્ન, ઓસ્કર અંગેની તેમની સ્મૃતિઓ વિશે વાત કરવા ઉપરાંત મને સતત સહાય કરતાં રહેતાં હતાં. ‘યદ વાશેમ’ના ડૉ. જોસેફ કર્મિઝ, ડૉ. સ્મુએલ કારાકોવ્સ્કી, વેરા પ્રાઉઝ્નિત્ઝ, ચાના એબેલ્સ અને હદાસાહ મોદલિંગરે, શિન્ડલરના યહૂદીઓની સાહેદીઓ, ચલચિત્રો અને તસવીરો ઉદારતાથી ઉપલબ્ધ કરાવી આપેલા.
છેલ્લે, ઓસ્કર શિન્ડલરના નામ પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચવાના શ્રી માર્ટિન ગોશના પ્રયાસોનું હું સન્માન કરવા ઇચ્છું છું. તેમના પત્ની શ્રીમતી લ્યુકિલા ગેઇન્સે આ પુસ્તકના આયોજન માટે સહાયતા કરવા બદલ મેં તેમના સુધી મારાં આભારવચનો પહોંચાડ્યાં જ હતાં. આ બધાં લોકોની સહાયતા દ્વારા જ, ઓસ્કર શિન્ડલરનો આ આશ્ચર્યકારક ઇતિહાસ પૂર્ણ સ્વરૂપે સૌ પ્રથમ વખત જગત સામે રજુ થઈ રહ્યો છે.
– થોમસ કીનિલી
અક્ષરનાદ પર દર રવિવારે શ્રેણીબદ્ધ પ્રસ્તુત થશે.. ‘શિન્ડલર્સ લિસ્ટ’, મૂૂૂળ લેખક – થોમસ કીનિલી, ગુજરાતી અનુવાદ – અશ્વિન ચંદારાણા
How can I buy this novel Schindler’s List translated by Shri Ashwin Chandarana. Kindly let me know from where can I buy this book. Thanks.
Ishwarbhai Prajapati
e-mail id : iaprajapati@yahoo.com
અશ્વિનભાઈ અને અક્ષરનાદ નો ખુબ ખુબ આભાર..રવિવારની રાહ માં
Thank you so much for bringing this to us
શિન્ડલર્સ લિસ્ટ જેવા જબરા પુસ્તકોનો અનુવાદ અક્ષરનાદ પર પસ્તુત કરવા બદલ તમને અઢળક અભિનંદન. તમારી ક્ષમતા જબરદસ્ત છે!
Vah heartli Thanks intjar………..
અશ્વિન ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. દિલ સે
Looking forward eagerly
વાહ, “યાતનાઓનું અભ્યારણ્ય” બાદ ફરી એક વાર દિલચસ્પ નવલકથા માણવા મળશે એનો રોમાંચ છે. અક્ષરનાદ અને શ્રી અશ્વિનભાઈનો દિલથી અઢળક આભાર.