ફાડી નથી શકાતું પાનું, વીત્યા વરસોનું
મનને છે કેવું ઘેલું, જર્જરિત આ જણસનું?
પૂરા ચાર દાયકા પછી અનાયાસે શૈશવની એ કુંજગલીમાં ઘૂમવાનું ભાગ્ય ફરી એકવાર મળ્યું ત્યારે આજનો લ્હાવો લીજિયે, કાલ કોણે દીઠી છે ની જેમ એ લહાવો કેમ ચૂકાય ? અંતર દાબડીમાં તળિયે છૂપાઇને બેસેલા સમયની એ ક્ષણોનો ઘૂઘવાટ આજે પણ ભીતરમાં એવો જ અકબંધ પડયો છે એનું ભાન તો જયારે ફરી એકવાર અહીં આવવાનું થયું ત્યારે જ થયું. અને ખૂલ જા સિમસિમ કરતા મનના સઘળા યે આગળિયા ફટાક દેતા ખૂલી પડયા. અને એમાંથી હરખઘેલી બનીને કૂદી પડી ખળખળ કરતી વહી ગયેલી ક્ષણો.
વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર, પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી જ રહે છે ને ? સમયે કરવટ બદલી અને અમે અચાનક.. સાવ અચાનક આવી ગયા મારી જન્મભૂમિમાં જે હવે બની અમારી કર્મભૂમિ.
ભીતરમાં શબ્દો ગૂંજી ઉઠ્યા, “એક પુરાના મૌસમ લોટા, યાદભરી પૂરવાઇ ભી..“
આંખો ચકળવકળ બનીને ચારે તરફ ફરતી રહે. શું બદલાયું છે અને શું નથી બદલાયું એના લેખા જોખા મનમાં અનાયાસે ચાલતા રહે. આંખો કશુંક જૂનું શોધવા ઝંખી રહે. જૂના દ્રશ્યો પણ નવા વાઘા પહેરીને સામે આવે ત્યારે મૌન બનીને જોઇ રહેવા સિવાય શું બીજું શું થઇ શકે? મારી આંખોમાં પણ શૈશવ સમું વિસ્મય અંજાઇ રહ્યું. ઘણું બદલાયું છે. અલબત્ત બદલાયું છે એનો અફસોસ ન થયો. બલ્કે ગૌરવ જ અનુભવ્યું કે ના, મારું શહેર પણ સમયની સાથે પરિવર્તન પામ્યું છે ખરું. એ સમયથી પાછળ કે પછાત નથી રહી ગયું. પ્રગતિ ભણી પાપા પગલી તો જરૂર ભરી છે. બહું દોડયું નથી પણ ચાલ્યું જરૂર છે એની ઝાંખી ચારે તરફ જોવા મળી રહી છે. જે બદલાય નહીં એ કાળની ગર્તામાં વિલીન થઇ જાય. પણ મારું શહેર તો ખાસ્સું બદલાયું છે. અલબત્ત હજુ મોલ કે મલ્ટીપ્લેક્ષ કલ્ચર વિકસ્યું નથી. પણ ફકત મોલ કે મલ્ટીપ્લેક્ષ જ શું બદલાવની સાબિતી છે?
કેટકેટલા દ્રશ્યો પરિવર્તનની એંધાણી આપી રહ્યા છે! જે ગલીઓમાં અસંખ્ય વાર ઘૂમી હતી એ ગલી આજે અપરિચિતની જેમ મારી સામે તાકી રહી છે. એની આંખોમાં કયાંય ઝાંખો પાંખો ઓળખાણનો અણસાર સુદ્ધાં નહીં? જોકે એમાં એનો દોષ પણ કેમ કાઢી શકાય? એણે તો જોઇ છે ટચુકડું ફ્રોક પહેરીને ઘૂમતી એક નાદાન છોકરી, એની ઓળખાણ તો એ છોકરી સાથેની. આ પ્રૌઢ સ્ત્રીને એ ગલીઓ કયાંથી ઓળખવાની? એ જાણવા છતાં મનમાં થોડું ઓછું તો જરૂર આવી જાય છે. આંખમાં ભીના ભીના વાદળ તરવરી રહે છે.
ત્યાં તો.. ના, ના બેન, એમ મનમાં ઓછું ન આણીએ..અમે છીએ ને તને હોંકારો દેવા.
એકાદી જૂની શેરીમાંથી ટહુકો ફૂટી નીકળે છે અને મારે રોમ રોમ જાણે દીવા પ્રગટે છે. મન વરસો કૂદાવીને શૈશવનો મધમીઠો રોમાંચ માણવા તલપાપડ બની ગયું. થોડું જૂનું પણ હજુ અડીખમ ઉભું છે એનો આનંદ પણ કયાં ઓછો છે? ચાલીસ વરસ પહેલાની જૂની દુકાન પરના બોર્ડમાં હજુ પણ એ જ શબ્દો દેખા દે છે અને મારે માટે તો જાણે શબ્દે શબ્દે ઝિલમિલ દીપ પ્રજવલી ઉઠે છે.
આમ પણ નથી તેની વાત છોડીને, જે છે તેનું સુખ માણવું એ જ તો જીવન કહેવાયને? એ ન્યાયે જે થોડા જૂના સંભારણાઓ બચ્યા છે એનો આનંદ માણી રહું છું.
અમને મળેલા કોલોનીના ઘરમાં હજુ કલરકામ અને એવું બીજું નાનું મોટું કામ ચાલતું હતું તેનો પરોક્ષ લાભ થયો. કેવી રીતે?
ઘૂઘવતા સમુદ્રની સામે વરસોથી અડીખમ ઉભેલ, એ સમયે તો રાજમહેલ જેવા દીસંતા “વિલા” જેના પગથિયા ઉતરચડ કરવાની સ્પર્ધા શૈશવમાં અનેક વાર કરેલી એ જ વિલામાં અત્યારે એક બે મહિના માટે અમારો મુકામ ગોઠવાયો.
મારે માટે એ કંઇ ઓછા રોમાંચની વાત નહોતી. મને તો હજુ એક શમણાં જેવું જ લાગતું હતું. ટચુકડું ફ્રોક પહેરીને, જે પગથિયા કૂદતા હતા એ આ જ પગથિયા છે? આ વીલા શૈશવના એ સમયે રાજમહેલ બનીને અમારી કલ્પના સૃષ્ટિમાં વિહરતા. મસમોટા દેખાતા આ મહેલ અંદરથી કેવા હશે તેની માત્ર કલ્પના જ કરેલી. કોઇ દિવસ એમાં રહીશું એની કયાં ખબર હતી? વાહ નસીબ! ભાગ્યની બલિહારી જ કે બીજું કંઇ?
અહીં ઘૂઘવતા સમુદ્રની સામે, ડૂબતા સૂર્યનારાયણની સાખે પપ્પાએ અનેક વાર ગાયત્રી મંત્રના જાપ કરાવ્યા હતા.આજે પણ મનમાં આપોઆપ એ જાપ ચાલુ થઇ ગયો. કદાચ પરમ લોકમાંથી પપ્પા સાંભળે તો કેવા ખુશ થાય! મન ન જાણે કેવી યે આસ્થાથી છલોછલ થઇ ઉઠ્યું. વીતેલા વરસોની ભરતી, હજુ ભીતરમાંથી કયાં ઓસરી છે?
દરિયાના મોજા સામે બાથ ભીડતા આ કાળમીંઢ ખડકોને શૈશવમાં અનેક વાર દોડી દોડીને કૂદાવ્યા હતા. આજે જીવનના આ પડાવે ધીમે ધીમે સાચવીને એક એક ડગ ભરીને ઉતરી રહી છું ત્યારે મારી અંદર સૂતેલી છોકરી મને આશ્વર્યથી નીરખી રહી છે. કદાચ મારી ઉપર હસી રહી છે.
‘જો, કેવી ભાગતી હતી. “બેટા, ધીમે ધીમે..“ માબાપ એમ બૂમો પાડતા હતા ત્યારે એમનું કહ્યું કદી માન્યું હતું? આજે વગર કહ્યે ગતિ પર બ્રેક લાગી ગઇને?‘
હા, સમય ભલભલાની ગતિ પર બ્રેક લગાવી દે છે. એ સત્યથી હું બાકાત કેમ રહી શકું?
પણ જે બ્રેક લાગી છે તે તો પગની ગતિ પર જ. મનની ગતિ પર કાળ પણ જલદીથી બ્રેક લગાવી શકતો નથી. કેટકેટલા દ્રશ્યો નજર સામેથી પસાર થઇ રહ્યાં છે. સમયની સાથે દરેક વસ્તુને ઘસારો લાગે છે.
મારી વરસો જૂની ચોપાટીએ હજુ ખાસ કોઇ નવા શણગાર સજયા નથી. વીલાનો પણ એ જ લીલો રંગ આજે યે જળવાયો છે. મરીનાનું એજ ભેળ હાઉસ હાઉકલી કરી રહ્યું છે. પણ હવે એમાં ભેળને બદલે પીઝા અને પાઉંભાજી મળે છે. જયાં બેસીને દર રવિવારે ભેળ ખાધી છે ત્યાં પીઝા ખાવાનું મન ન જ થયું. પતિદેવના કહેવા છતાં ધરાર ખાધા સિવાય પગથિયા ઉતરી ગઇ. સહજતાથી બધા પરિવર્તન સ્વીકાર્યા પછી પણ આ ક્ષણે, આ જગ્યાએ મન ન જાણે કેમ અવળચંડુ બની બેઠું. ના, અહીં પીઝા તો નથી જ ખાવા. આમ પણ મનના કારણ સાવ અકારણ જ હોય ને?
મન મતવાલું માને શેણે?
ઘાવ ઝિલે એ વજ્જ્રરના,
ને ભાંગી પડે એક વેણે..
ચોપાટીનો દરિયો છોડીને હવે અમારી કાર પૂ.બાપુના જન્મ સ્થળ તરફ દોડી રહી. ના, ના દોડી નહીં પણ ધીમી ગતિના સમાચારની જેમ ચાલી રહી. ડ્રાઇવરને ગાડી સાવ ધીમી ગતિએ ચલાવવાનું કહ્યું હતું જેથી કોઇ પણ દ્રશ્ય ચૂકી ન જવાય. આમ તો ચાલીને પગપાળા જ આ બધા રસ્તેથી પસાર થવું હતું પણ સાંજ થવા આવી હતી અને અધીરા મનને આજ ને આજ બધાને મળી લેવું હતું. સૂર્યદેવતા કંઇ મારે લીધે રોકાય એમ થોડા હતા? એ તો પોતાની કેસરિયાળી રંગ છટા વેરતા ઝડપભેર પશ્વિમ આકાશ તરફ દોડી રહ્યા હતા.
“દેવ, ધીમા તપો.. એમ નહીં પણ દેવ જરા ધીમા ચાલો.“ એમ કહું તો પણ એ કંઇ મારી વાત થોડી સાંભળવાના? મહાભારતના યુધ્ધમાં કૃષ્ણ ભગવાને તેના પ્રિય સખા અર્જુન માટે થઇને થોડી ક્ષણો વાદળમાં સૂર્યદેવને સંતાડી રાખ્યા હતા પણ મારું એવું ગજું, એવી પાત્રતા ક્યાં?
શૈશવમાં કીર્તિમંદિરની લાઇબેરીમાંથી જ પહેલીવાર શબ્દોનો પરિચય પામી હતી. એ મને કેમ વિસરે? એ નાદાન ઉંમરે સમજાય કે ન સમજાય તો પણ કેટકેટલા પુસ્તકો વાંચ્યા હતા! ગ્રન્થપાલ અનંતાબહેનનો ગૌરવર્ણો ચહેરો આજે પણ નજર સામે તરવરી ઉઠ્યો. અમુક દ્રશ્યો કાળના ઘસારાથી પર હોય છે.
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લહાવો..
કીર્તિમંદિરમાં બાપુના ફોટાઓ જોતા ઇતિહાસના પાનાઓમાં વાંચેલી ગાથા નજર સામે તરતી રહી. કેવા પુનિત દ્રશ્યો સર્જાયા હશે? એ ક્ષણે.. કેવા કેવા સંભારણાઓ.. કેવા કેવા સંવાદો રચાયા હશે એ બધી વિભુતિઓ વચ્ચે? કેવી ઐતિહાસિક ક્ષણો સર્જાઇ હશે? કલ્પના માત્રથી મન અભિભૂત થઇ રહ્યું. ભર્યા ભર્યા મન સાથે સ્મરણોની કુંજગલીમાં એક ભીની લટાર માર્યા બાદ ત્યાં રાખેલા ચોપડામાં મનની સંવેદના શબ્દોમાં પણ ટપકાવી.
ઢળતી સાંજ આંખમાં અઢળક યાદ આંજી રહી હતી. હવે અમારી સવારી ઉપડી સુદામા મંદિર તરફ. સુદામા મંદિર, કીર્તિમંદિર અને ચોપાટી આ ત્રણ તો પોરબંદરની આગવી ઓળખ. (હવે કદાચ એમાં સાંદિપનીનું નામ ઉમેરાયું છે.) સુદામા મંદિરના ચોગાનમાં પહોંચતા જ સ્મૃતિઓના પારેવા ઘૂ ઘૂ કરી ઉઠ્યા. અહીં પાંચ પૈસાની જુવારના દાણા નાની નાની હથેળીમાં રાખીને બહેનપણીઓ સાથે કલાકો તપ કરીને આ ગભરુ પંખીડાઓની પ્રતીક્ષા કરી છે. અમારો વિશ્વાસ કરતા તે કદી અચકાયા નથી. ઘડીકમાં ખભ્ભા પર, તો ઘડીકમાં હાથ પર બેસીને જુવારનો દાણો લઇ ઝટપટ ભાગી જતા એ પારેવાઓ આ ક્ષણે પણ ભીતરમાં પાંખો ફફડાવી ઉઠ્યા. આજે એ કબૂતરો ક્યાંય દેખાયા નહીં. તે પંખીની ઉપર કોઇએ કદીક પથરો ફેંકી દીધો હશે કે શું? તેથી તેઓ પણ અમારામાંથી, માનવજાતમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા છે કે શું? અને એક વાર શ્રદ્ધા, વિશ્વાસ ગુમાવ્યા પછી તો..
રે રે શ્રધ્ધા ગત થઇ, પછી કોઇ કાળે ન આવે રે..
એક છાનો નિશ્વાસ નાખી અમે સુદામાના મંદિરમાં પ્રવેશ્યા. ખાસ કોઇ ફરક ન વર્તાયો. ભાવથી નમીને,પૌંઆનો પ્રસાદ લઇને હું તો દોડી.. ભૂલભૂલામણીમાં.. વાહ..કેટકેટલી વાર આ ભૂલભૂલામણીમાં ફરી વળ્યા હતા. આજે પણ ફરી એકવાર એમાં ઘૂસ્યા. એ જ ઉમંગ અને ઉત્સાહથી, જરા યે અટવાયા સિવાય એમાંથી બહાર આવ્યા. સંસારની ભૂલભૂલામણીમાં અનેક વાર અટવાયા છીએ.પણ અહીં તો વિના વિઘ્ને પસાર થઇ જવાયું. શૈશવનો આનંદ ફરી એકવાર અંકે કરી હવે અમે ઉપડયા બજાર તરફ.
ધીમી ગતિએ ચાલતી કારની બારીમાંથી કુતૂહલભેર રસ્તા પરના બોર્ડ વાંચતી રહી. અચાનક નજર એક બોર્ડ પર પડી. “અરૂણ ફોટો સ્ટુડિયો..”
યાદોની વાવના પગથિયે ટહુકા ફૂટી નીકળ્યા. ઓહ..માય ગોડ..આ એ સ્ટુડિયો હતો.. જેમાં જિંદગીનો પહેલો ફોટો પડાવ્યો હતો.પપ્પા હોંશે હોંશે ત્યાં ફોટો પડાવવા લઇ ગયા હતા. એ દિવસે પહેલી વાર નાનકડા ચણિયા ચોલી પહેર્યા હતા. છ કે સાત વરસની એ ઉંમર..એ વખતના ફોટોગ્રાફરના શબ્દો આજે પણ ભૂલાયા નથી. ‘ બેટા, સરસ મજાનું હસવાનું. હસીએ ને તો ફોટો સરસ આવે.’
ઓહ..ફોટો સરસ આવવાનો ઉપાય આટલો સીધો સાદો અને સહેલો..!
હું તો ખડખડાટ હસી પડી હતી. અને ફોટો બહું મજાનો આવ્યો હતો એમ બધાએ એકી અવાજે કહ્યું હતું. આજે પણ જૂના આલ્બમમાં કેદ થયેલો ફોટો એ વાતની સાક્ષી પૂરે છે. આ બોર્ડ જોતાની સાથે જ અસ્તિત્વમાં જાણે કશુંક ઓગળી રહ્યું.
“વહી ગયેલ કો ક્ષણ ઓગળે,
ભીતર ભીના સ્મરણ ઓગળે”
ત્યારે સાવ સહેલો લાગતો આ ઉપાય જીવનના દરેક પડાવે એવો સહેલો નથી બનતો હોતો એ વાત અનુભવે સમજાવી છે પણ સાથે સાથે એ પણ અચૂક સમજાવ્યું છે કે એ ઉપાય જો કરી શકીએ, જીવનમાં સાચુકલું હસી શકીએ તો હમેશા સુંદર જ લાગીએ અને જીવનપથના અનેક વિઘ્નો આસાનીથી પાર કરી શકાય. જોકે કહેવું કે લખવું સહેલું છે, પરંતુ કોઇ પણ વાતનો અમલ જીવનમાં કયાં એટલો સહેલો હોય છે ? હસવા જેવી સામાન્ય વાત પણ જીવનમાં કેવી અઘરી બની ગઇ છે. એ માટે પણ સજાગ રહીને પ્રયત્ન કરવા પડે છે. એ જીવનની એક વિડંબના જ કહેવાય ને ? સહજ રીતે હસવાનું જાણે ભૂલાઇ ગયું છે.જે હસાય છે એ પણ પ્લાસ્ટીકિયું, ફોર્મલ સ્માઇલ..
એ ખોવાયેલા સ્મિતની શોધ મારે કરવી છે. મારી આ જૂની ગલીઓમાં.. મારી આ જન્મભૂમિ, ગાંધીના ગામમાં. ગાંધીજીના ગામનું ગૌરવ તો એને જરૂર મળ્યું છે પણ એ ગૌરવ જાળવવું એ તો ખાંડાના ખેલ. આજકાલ તો એવા ખેલનાર કયાં મળવાના ? પણ છતાં યે આશા ગુમાવવી કેમ પાલવે ? આશાની ઉજમાળી લકીર અને શ્રધ્ધાના તાંતણા તો જીવનના અવલંબનો..આજે નથી એ આવતી કાલે પણ નહીં હોય એવો નેગેટીવ વિચાર શા માટે ?
આખરે તો જીવનનું એક માત્ર સત્ય..
હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂં હી ગુઝરતી રહે.
ખુશી મિલે યા ગમ, દુનિયા ચાહે બદલતી રહે..
(નવચેતનના દિવાળી અંક ૨૦૧૬માં પ્રકાશિત લલિત નિબંધ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નીલમબેન દોશીનો ખૂબ આભાર)
આહા હા… શબ્દોની સંરચના વાંચી આનંદ થયો઼… ગુજરાતી એકદમ લોહીમાં પ્રસરી ગયું… Reminds me my own childhood….
આ વાંચીને મને પણ મારો વર્ષો પહેલાનો અનુભવ યાદ આવી ગયો. પોરબંદર ની ભુમી જે મારી પણ જન્મ ભૂમી જનેતા છે.
આપની કલમ ને, વિચારો ને અને આપને અભિનંદન આપ્યા વગર આ પાનુ ફેરવી શકાય નહી.
ખુબ ગમયુ.
આવું વર્ણન તો નિલમબેન જ વર્ણવી શકે! અટક્યા વિના વાંચી ગયો! આભાર સાથે.
Neelamben is such a good writer- I wish I can write like this,
I also visited my ‘Matru-Bhumi’ after long time —last year
& got over-whelmed with emotions
Thanks Karuna ben.
Where is yr native ?
Neelamben is such a good writer
સોરેી. પહેલી લીટી ફરીથી વાંચી અને મારી ભુલ પકડાઈ .
બહુ જ સરસ ફ્લેશ બેક. નીલમબહેન તો એક કાળે ‘અંતરની વાણી’ ના સહ સંચાલક. એ મધુર કાળ યાદ આવી ગયો.
————-
જગ્યા પોરબંદર છે, એમ માની લઉં છું. પણ એ ચોખવટ પહેલા પેરા માં જ કરી હોત તો ઠીક રહેત. ૨૦૧૨માં મારી બહેનની સાથે અમારા ઘેર ગયો હતો. એની યાદ અહીં કરું તો ઔચિત્ય ભંગ ન સમજતા. પણ નીલમબહેન જેવી ઉદાત્ત બહેનો નેટ પર મળી જાય છે, ત્યારે મારી એ સ્વર્ગસ્થ બહેન યાદ આવી જાય છે.
૨૦૧૨, ડિસેમ્બર
રણછોડજીની પોળ
સારંગપુર
અમદાવાદ
મારી બહેનને મેં કહેલું કે, આપણું મૂળ મકાન એક વાર જોવું છે. એણે કહ્યું , “જોઈને શું કરશો? એ તો વેચાઈ ગયે પણ દસ વરસ થયાં. અને પછી એમણે પણ વેચી નાંખ્યું. નવા ખરીદનારાએ આખું પડાવી નવેસરથી બંધાવ્યું છે.” પણ મનનો ભાવ હતો એટલે અમે તો ગયા. સાવ નવું નક્કોર મકાન હતું. પણ પ્રવેશ દ્વાર અમારી પછીતે આવેલા રસ્તા પર બદલેલું હતું. અમારો દરવાજો હતો ત્યાં તો એક બંધ બારી જ હતી. અમે પછીત વાળા રસ્તા પર ગયા. પાછળ વાળા પાડોશીને અમારા મનની વાત કહી. એમણે કહ્યું, ” એ લોકો કોક જ વખત અહીં આવે છે. ઉત્તર પ્રદેશમાં ક્યાંક રહે છે. પણ બાજુના ‘રામભવન’ વાળા પાસે એની ચાવી છે.”
સદભાગ્યે રામભવનમાં રહેતા સ્વ. સીતારામ શાસ્ત્રીજીનો ભત્રીજો હજી ત્યાં રહેતો હતો. એ અમને ઓળખી ગયો. એના કોઈ સંબંધીએ અમારું એ જૂનું મકાન ખરીદ્યું હતું. એ ચાવી લઈ આવ્યા અને અમને ખોલીને બતાવ્યું. સરસ હવા ઉજાસ, નવું નક્કોર આધુનિક ફર્નિચર, બીજા માળે સરસ મજાનો ઝરૂખો.
પણ અમને એમાંનું કશું જ ન દેખાયું . અમને તો દેખાયું …
એના પાયામાં દટાયેલું અમારું શૈશવ
અમે ભારે હૈયે , જૂની યાદોને વાગોળતાં મારી બહેનના ઘેર પાછા આવ્યા. આખા રસ્તે એ જૂની યાદો મહેંકતી રહી. હવે એ ઘર અમારું નથી રહ્યું એનો તસુભાર પણ ખેદ અમને ન હતો. નીચલા મધ્યમ વર્ગના એ પૂણ્યશાળી મહાત્માઓનાં સંતાન, એવા અમે પાંચે ભાઈ બહેન બહુ જ સુખી છીએ. દરેકને સરસ મઝાનાં પોતાનાં ઘર છે.
પણ એ ઘર જેવી યાદો હજી નવા ઘરોમાં ભેગી નથી થઈ. એ બધાં ઘર હજુ ‘ખાલી’ જ છે. નવી યાદો એના નવા કબાટોમાં ધીમે ધીમે …… હોલે હોલે ….. હળુ હળુ….. ભરાતી જાય છે.
Thanks Dada,tamari feelings vanchvani maja padi.
Remembering you .
બાળપણની સ્મૃતિયાત્રા રળિયામણા બાગમાં સંગાથે કલ્લોલ કરવાનો લ્હાવો મળ્યાનો આકંઠ આનંદ…આભારના મોજાંને તાણી જવા નહિ દઉં…..
પોતાના વતન, જન્મભૂમી કે ગામમાં આવવાની અનુભૂતી જ કંઈક અદભૂત હોય છે. ક્યાંક વાંચેલું કે પારકે ગામ રહેતી વહુને પોતાના ગામનું કુતરું યે વહાલું લાગે. અમારા જેવા અર્વાચીન વણઝારાઓના (ગામે ગામ નોકરી કરતાં લોકોના) મનમાં તમારો લેખ લાગણીના ઝંઝાવાત પેદા ન કરે તો જ નવાઈ નીલમદી!
Thanks Gopal bhai, Harshad bhai
And all.
And of course jignesh bhai..