પ્રવાસનો પરિતાપ! – હિરલ પંડ્યા 18


ક્યારેક કોઈક સ્થળો એવા હોય છે જે તમારા હૃદયમાં સ્પેશિયલ જગ્યા બનાવી જાય છે. જ્યાં તમે ખાલી હાથે જાવ છો અને સંસ્મરણો અને શીખ ખોબે ખોબે ભરીને લઈ આવો છો. મને ખબર ન હતી પણ આવો જ એક પ્રવાસ ખેડવા હું નીકળી પડ્યો હતો.

ગુલાબી ઠંડી હવા મારા કાનમાં કંઈક ગણગણી રહી હતી. અમારી બસ ધીરે ધીરે ચંબાના પહાડો તરફ વળાંકો લઈ રહી હતી. કેટલાય દિવસોથી અમે ત્રણે મિત્રો આ પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા, અંતે હું હિમાચલ આવી જ ગયો! હું આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું. પ્રવાસવર્ણન લખું છું, અને લોકોને મારા પ્રવાસના સંસ્મરણોમાં ભાગીદાર બનાવુ છું.

હિમાચલના એક અંતરિયાળ ગામમાં જવા માટે અમારે ચંબાથી રાજ્ય પરિવહનની બસ પકડવાની હતી, અને ત્યાંથી ચાર દિવસનું પર્વતારોહણ. કન્ડક્ટર ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા, અમને જોઈ બોલ્યા “બહુ ઓછા પર્યટકો આવે છે અહીં. સરસ. આવો.. અહીં પર્યટન વધે એ તો સરસ..”

એ ગામમાં પહોંચતા સાંજના પાંચ વાગી ગયા હતા. કકળીને ભૂખ લાગી હતી, બસમાંથી ઉતારતાજ પહેલા ખાવા માટે કોઈ ઢાબો કે ચાની ટપરી શોધવામાં લાગ્યા. ગામ નાનું હોવાથી એકજ ઢાબો હતો જેમાં હા..શ! કરીને બેઠા પછી ધ્યાને આવ્યું કે આપણે ક્યાં આવી ગયા છીયે. કેડી પૂરી થતી હતી ત્યાંજ ખળખળ ઝરણું વહી રહ્યું હતું. મેઘ વરસ્યા પછી લીલોતરીની ચાદર ઓઢેલી ખીણો નવોઢાએ કરેલા શણગાર જેવી મોહક દેખાઈ રહી હતી. મન તરબતર કરી દે એવી હળવી હવા વહી રહી હતી, ત્યાંજ અમારા ટ્રેક ગાઈડે પાછળથી આવી ટહુકો કર્યો “વેલકમ ટુ ચમ્બાવેલી!” અને ઢાબાનાં રેડિયોમાં પહાડી ગીત વાગ્યું –

माई नि मेरिये शिमले दी राहें चंबा कितनी की दूर,
ओ शिमले नी बसणा, कसौली नी बसणा ||
चम्बे जाणा जरूर !!

બેશક, આ યાત્રા અવિસ્મરણીય થવાની છે એનો અણસાર મને આવી ગયો હતો. અમારો ઉત્સાહ પણ અનોખો હતો.

ગામમાં રાતવાસો કરી પરોઢે અમે અમારા આગળના પ્રવાસનો આરંભ કર્યો. ઢાબાની સામે દેખાતી ખીણ(વેલી) ઓળંગી ડુંગર ચઢવાનું હતું. એક કલાક પછી તો ચઢાણ પડકારજનક અને થકવનારું લાગી રહયું હતું, પણ અમે હિંમત હારી નહીં. લીલા વૃક્ષો, કદાવર પહાડો અને એમની ટોચ પરનો સફેદ બરફ કોઈ અદ્રુત પ્રભામંડળ જેવો ભાસ આપી રહયો હતો. બરફની પીગળતી રેખાઓ જાણે ટોચથી અમને મળવા ઝરણું બની ખીણ સુધી દરેક વળાંકો પર સંતાકુકડી રમી રહી હતી. બીજા ત્રણ કલાકમાં વાંકાચૂકા પથ્થરોથી કંડરાયેલા રસ્તા પાર કરી અમે આજે જ્યાં કેમ્પ નાખવાના હતા એ સ્થળે પહોંચ્યા. થાકી ગયા હોવા છતાં પણ થાકનો અણસાર ન કરાવે એવું પરિસર હતું. આસપાસની કુદરતી સૌંદર્યસભર સૃષ્ટિને નિહાળતા રાતનાં ક્યારે આંખ લાગી ગઇ એ ખબરજ ન પડી.

બીજા દિવસે નવી સવાર, નવી આશાઓ સાથે અમે જોશભેર આગળનું ચઢાણ શરુ કર્યું. રસ્તામાં વચ્ચે અમને સ્થાનિક ગુજ્જરો જે ઢોર-ઢાંખર ચરાવવા નીકળ્યાં હતા, તે મળ્યા. ભોળા પ્રાણીઓ ઘાસની સાથે પ્લાસ્ટિકને પણ પેટમાં પધરાવી રહ્યા હતા. શહેરોના ટ્રાફિકથી દૂર અહીં અમે ઢોર-ઢાંખર દ્વારા જામેલા ટ્રાફિકનો આનંદ ઉઠાવ્યો. ટ્રાફિકજામમાંથી શહેરોમાં તો મોઢું ચઢાવીને બહાર નીકળતા હોઈયે છીએ પણ અહીં હસતા-રમતા બહાર નીકળ્યા અને આગળનો નઝારો જોતા શબ્દ સરી પડ્યો “અદભૂત!” આંખોને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે હું ચઢીને અહીં સુધી પહોંચી શક્યો. જોઇ જોઈને થાકી જવાય પણ પાંપણ પલકારવાનું મન ન થાય એવુ સૌંદર્ય હતું. દાંતાદાર પહાડોની હારમાળા આંખોની સમક્ષ દૂર સુધી દેખાઈ રહી હતી. તેના શિખરો જાણે આભને આંબવાની સ્પર્ધામાં ઉતર્યા હોય એવો આભાસ થતો હતો. વાદળો સાથે સંતાકુકડી રમતા બરફના એ ઢગલા જુઓ તો ખરેખર એના પ્રેમમાં જ પડી જાવ. અમે એમની તરફ ઉત્સાહથી પગલા માંડવા લાગ્યા.

હાંફતા હાંફતા અમે અંતે ટોચ પર પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય અતિવાસ્તવિક હતું! અગર ભગવાન ક્યાંય રહેતા હશે તો જરૂર અહીં જ વસવાનું મન થયું હોવું જોઈએ! આ જ તેમનું સ્વર્ગ હશે. બહુ જાણીતા કવિ અમીર ખુશરોએ કાશ્મીરની સુંદરતા જોઇ એક દુહો રજૂ કર્યો હતો તે મને મારી આંખ સમક્ષનું આ દ્રશ્ય જોઈ યાદ આવી ગયો.

“અગર ફિરદૌસ બર-રુએ ઝમીં અસ્ત,
હમી અસ્તો, હમી અસ્તો હમી અસ્ત”.
અગર ધરતી પર ક્યાંક સ્વર્ગ હશે તો તે અહીં છે, અહીં છે, અહીં છે, અને એના વિધાનમાં આ સ્થળને મૂકીએ તો જરાય અતિશયોક્તિ નથી.

પોસ્ટર પરફેક્ટ સીન હતો. લીલી ઘાસની ચૂંદડીમાં વાઈલ્ડ ફ્લાવરના (જંગલી ફૂલોના) આભલા મઢયા હોય એવા ઘાસના મેદાન (મેડોઝ) લાંબે સુધી વિસ્તરેલા હતા. આકાશમાં ઘેરાયેલા ભૂરા-કાળા વાદળોની મધ્યમાંથી નીકળતી એક સૂર્ય કિરણ જાણે પ્રકૃતિના ફોટો માટે ફ્લેશ આપતી હોય તેવો નજારો હતો. દૂર ક્યાંક લાકડાના એકલ દોકલ ઘર ગગનને ચુંમતા ભવ્ય પહાડોની સામે વામણાં દેખાતા હતા. તમને કહું દ્રશ્ય ફક્ત આંખોને ટાઢક આપે એવું ન હતું, શરીરના કણકણમાં આ સ્થળ પોતાની છાપ છોડી રહ્યું હતું. વાતાવરણમાં એક મહેક હતી ઝાકળથી ભીંજાયેલા ઘાસની, ફૂલોના મધમધતા સુવાસની. ઘાસપર ભમતા જીવજંતુઓનો ગણગણાટ અને નજીકમાં ક્યાંક વહી જતા ઝરણાના પાણીનો પથ્થરો સાથે ગળે ભેટવાથી થતો કલકલ નાદ. હું ભીંજાઈ ગયો હતો, વરસાદથી નહીં પણ પ્રકૃતિના સૌંદર્યથી!

રાત્રે કેમ્પ કરવા માટે અમે સ્થળ શોધવા આગળ વધ્યા અને ત્યાં એક લાકડાનું નાનું ઘર દેખાયું. અમે ત્યાં થોડો વિરામ કરવા રોકાયા. એક વૃદ્ધ ચાચા ત્યાં બેઠા હતા. કરચલીઓથી ભરેલો એમનો ચેહરો, અને આંખોમાં અજીબ તીખાશ. ઘરની પાછળ પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઢગલો ખડકાયેલો હતો.

તે જોઇ ઉત્સુકતાથી મિત્રએ પુછયું “નૂડલ્સ રાખો છો?”, ચાચા સાંભળી ભડકેલા જણાયા, કાંઈક બોલ્યા પણ અમે સમજી લીધુ અહીં કાંઈ નથી.
થોડે આગળ જઈ એક ઝાડ નજીક અમે કેમ્પ કરવાનું વિચાર્યું. રાત્રે તો જાણે પ્રકૃતિએ જાદૂઈ ખેલ કર્યો હોય એવું વાતાવરણ રચાયું હતું, જાણે કોઈએ ઝરીનો ભૂકો આકાશમાં ભભરાવ્યો હોય. નભ અગણિત તારાઓથી ટમટમી રહ્યું હતું. રાત્રિભોજન કર્યા પછી અમે તાપણું કરી અંતાક્ષરી રમવા બેઠા. મધરાત્રેતો આકાશગંગા નરી આંખે નજરે પડી રહ્યું હતું, જાણે તારાગૃહમાં ટીકીટ લઈ બેઠા હોઈએ.

આંખના પલકારામાં સવાર થઈ ગઇ. આજે નીચે ઉતરવાનો દિવસ, સવારે નવ વાગે અમે બધા સામાન ભરીને પહાડ ઉતરવા લાગ્યા. હજુ અડધો કિલોમીટર નીચે ઉતર્યા હોઈશું કે મને યાદ આવ્યો મારો મોબાઇલ! કાલે રાત્રે ઝાડ પાસે તાપણું કરી બેઠા હતા, પછી એતો ત્યાંજ રહી ગયો.
“હું ફટાફટ ઉપર જઈ આવુ છું”, મિત્રોને કહી હું પાછો ચઢવા લાગ્યો. ઉપર પહોંચી જોયુ તો ચાચા કેમ્પ સાઈટ પર ઝોલો લઈ ફરી રહ્યા હતા. ધ્યાનથી જોયુ તો તેઓ અમે ફેંકેલો પ્લાસ્ટિકનો કચરો ઉઠાવી રહ્યા હતા. ઝાડ પાસે બોટલ, વેફર અને ચોકલેટના પડીકા જે અમે આમ જ ફેંકી દીધા હતા. બીજા કોઇના નૂડલ્સના ખાલી પડીકા અને અન્ય કચરો પણ. હવે સ્મરણમાં આવ્યું એમની ઘરની પાછળ પડેલો કચરો!

કુતૂહલવશ હું તેમની નજીક ગયો. તેઓ બબડી રહયા હતા, “લોકોને કાંઇ ગમ પડતી નથી. બહુ મોટા કુદરતને માણવા ને ડુંગરા ખૂંદવા આવ્યા! પોતાના ઘરમાં ફેંકેલો આવો કચરો ચલાવી લે? પ્રકૃતિની તો હાલત બગાડવા જ બેઠા છે બધા.”

મેં એમના ખભે હાથ મૂકી કહ્યું “ચાચા! માફ કરજો, લાવો હું મદદ કરુ.”

“મદદ! મદદ કરવી હોય.. તો પાછા અહીં આવતા નહીં.” હું આ સાંભળી ચક્તિ થઈ ગયો, “આવું કેમ બોલો છો ચાચા?”

“હું નથી ચાહતો કે કોઈ અહીં આવે, હા હું સ્વાર્થી છું! કહી કહીને થાક્યો લોકોને, કચરો જેમતેમ ન ફેંકો. કેટલો સુંદર પ્રદેશ છે આ! પ્રકૃતિએ આપ્યું છે એનો આદર કરો, આટલા વર્ષોથી કોઈ સાંભળતુ જ નથી. અહીં શહેરોની જેમ પ્લાસ્ટિક રિસાયકલ કરવાના યંત્રો દૂર દૂર સુધી નથી. આ પ્લાસ્ટિક પ્રકૃતિ ગળી નથી શકતી, આ બધું અહીંજ વર્ષો સુધી પડ્યું રહેશે”. એમણે હતાશ થઈ આગળ ઉમેર્યું, “તમે શહેરોમાંથી અહીં શાંતિ મેળવવા આવો છો, ખબર નહી ક્યારે પ્રકૃતિને શાંતિ મળશે! તું ઇચ્છીશ તારા બાળકો જ્યારે અહીં પગ મૂકે ત્યારે તે કહેલા સંસ્મરણોમાંથી આ તમે જ ફેંકેલા કચરાને લીધે સુંદરતા ખોવાઈ ગઈ હોય?”

એમની વાત કડવી હતી, પણ મને ગળે ઉતરી. હું ઘરે જઈ મારા પ્રવાસના સ્મરણો લખવાનો હતો. ખુશ થતો હતો કે નવું સ્થળ લોકો સુધી પહોંચાડીશ. પણ શું હું અહીં પર્યટન વધારીને આ પ્રકૃતિને નષ્ટ કરવામાં સહભાગી નહી બનું? બહુજ ઓછા સ્થળો આવા સુંદર રહી ગયા છે. હા, હશે આ અમારું નાનું ખાનગી સ્વર્ગ.. પણ કેમ નહીં આ ખાનગી સ્થળને પ્રકૃતી પાસે રહેવા દઉં! થોડું તો થોડું, બધાને તો રોકી નથી શક્તા પણ મારા તરફથી તો પૂરતો પ્રયત્ન કરી જ શકું છું.

મનમાં નિશ્ચય કરી મેં ચાચાને કહ્યું, “લાવો, એક થી બે ભલા”, અને એમને આશ્વાસન આપ્યું કે ચંબા પહોંચી નગરપાલિકામાં જાણ કરાવીશ, જેટલો કચરો જમા થયો છે એનો કંઈક નિકાલ લાવે. અને મનોમન વિચારી લીધું. ‘હા, ઉતારીશ મારા સંસ્મરણોને સોશ્યિલ મિડિયાની પાટી પર, ત્યાંના સૌંદર્યનું પેટ ભરીને વર્ણન કરીશ, સાથે સાથે ત્યાંની સમસ્યાનો અરીસો પણ દેખાડીશ. પણ એ ભૂમિનું નામ નહી કહું. હોઇ શકે કે વાચકમિત્રોને મારું વલણ ખોટું લાગશે, પણ ઉમ્મીદ રાખીશ કે તેઓ મારી ભાવનાઓ સમજશે, કે કેટલાક સ્થળો આપણી પહોંચથી દૂર, ગુપ્ત રહે એમાંજ આપણી ભલાઇ છે.’

ના, ડુંગરા ખૂંદવાનું છોડે એવું તો કોઈને નહીં કહું, પણ એ પહેલા આપણે સૌ સાથે મળીને એક જવાબદાર પ્રવાસી તો બનીએ.

કારણ કે હા, હું પણ સ્વાર્થી છું!

– હિરલ પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “પ્રવાસનો પરિતાપ! – હિરલ પંડ્યા

 • Sarthak

  Excellent message Hiral, and the description of nature is just superb. Great post, looking forward to many more.
  And it was refreshing to read travel story from opposite gender’s point of view (it’s just my opinion)

 • જિગર

  સુંદર , “ઝરી નો ભૂકો આકાશ મા ભભરાવ્યો હોય” આ કલ્પના ઘણી સુંદર છે. ઘર નો અમરોટ ઓળંગતી વખતે આપણે આપણા ચપ્પલો બહાર મૂકી દેતા હોયછે, બહાર ની ગંદકી ઘરમાં ના થાય એનું ધ્યાન રાખવા તો કુદરત ના ખોળે બેસવા જઈ એ છીએ ત્યારે કેમ ઘરવખરો બહાર નથી મૂકી ને જતા એ વિચારવા જેવી વાત છે.

  ખૂબ સરસ હિરલ

  • Sanjay Pandya

   ગોપાલભાઈ,

   Hiral is daughter of my elder brother and grand daughter of Novelist Vithal Pandya . This form is of short story close to essay .
   Sanjay Pandya

   • Jignesh Adhyaru Post author

    There are sentences in the travelogue like,
    આવો જ એક પ્રવાસ ખેડવા હું નીકળી પડ્યો હતો.
    અંતે હું હિમાચલ આવી જ ગયો!
    હું આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું.

    I think possibly due to this Gopalbhai wrote so.. Will need necessary correction.

  • Hiral pandya

   ગોપાલ સર, પ્રોત્સાહન બદ્દલ તમારો આભાર.
   થોડું confusion થયું પ્રતિભાવમાં તેના માટે દિલગીર છું.
   લખવા પાછળનો સંદેશ સૌ સુધી પહોંચે એ મારા માટે મહત્વનું છે.

 • Sanjay Pandya

  Vaah Hiral
  Story nicely narrated . We all have responsibilities to preserve Mother Nature and that point has been perfectly highlighted.
  Very nice pics as well.
  Keep writing.

 • રીતેશ

  ખુબજ સુંદર રચના. પ્રવાસલેખ માં પર્યાવરણ ને સાંકળવું.. એ ખુબજ આવકાર્ય પ્રયોગ..