આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે? – મોહમ્મદ સઈદ શેખ 11


છેલ્લા કેટલાક માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓએ દેશના સમજુ નાગરિકોને વિચલિત કરી દીધા છે. પહેલા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયા અને હજી પણ ભાગી રહ્યા છે. આવા ડિફોલ્ટરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. આવા લોકોને લીધે બેંકોની એન.પી.એ. વધે છે પરિણામે ભાર તો સામાન્ય માનવી ઉપર જ આવે છે.

સ્ત્રીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર અને એમાંય નિર્દોષ બાળકીઓ ઉપર ગુજારાતા અમાનુષી બળાત્કારો અને ઠંડે કલેજે કરાતી એમની હત્યાઓએ સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે કે માનવતા મરી પરવારી તો નથીને? આપણે ચારિત્ર્યહીનતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ?

આ ઉપરાંત કોમી રમખાણો દ્વારા ફેલાવાતું ઘૃણાનું ઝેર.દેશમાં દરરોજ એવી ઘટના બને છે જેનાથી દેશવાસીઓના મન ઉચાટ થઈ જાય છે. કેટલાક મુઠ્ઠીભર તત્વો દ્વારા ખૂબ જ યોજનાબદ્ધ રીતે ફેલાવાતું ઘૃણાનું આ હળાહળ ઝેર સમાજ અને દેશને શિથિલ બનાવી દીધું છે. પ્રેમ ભાઈચારા અને શાંતિને જાણે લકવો મારી ગયો છે. લાંબા ગાળે આ બધું સમાજ અને દેશ માટે નુકસાનકારક જ સાબિત થશે.

મીડિયાની નકારાત્મક ભૂમિકા અને માથુ ફાડી નાખનારી વ્યર્થ ડિબેટોથી દેશને કોઈ લાભ થવાનું નથી. ઊલટું જે રીતે ડિબેટ થાય છે અને શાસક તથા વિરોધ પક્ષના લોકો જે ભાષા પ્રયોગ કરે છે એનાથી આપણે માનવતાની કે દાનવતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ એનો અંદાજ આવે છે. દેશમાં આજકાલ જે કાંઇ થઇ રહ્યું છે એ માટે લોકોના ચારિત્ર્યની શિથિલતાને જવાબદાર ગણી શકાય? કે પછી આપણી પાસે ચારિત્ર્ય જેવું કશું હતું જ નહિ? વર્ષો નહીં સદીઓથી ચાલ્યા આવતા પ્રેમ, ભાઈચારા અને સંબંધોની ઉષ્મા વરાળ કેમ થઇ ગયા? કે પછી મુઠ્ઠીભર તત્વોએ લોકોના બ્રેઇન વોશ કરી નાખ્યા છે? સાચા અને ખોટાની પરખ પણ જનતા ગુમાવી બેસી છે? આ પ્રશ્નો પ્રત્યે માત્ર સમાજશાસ્ત્રીઓએ જ નહિ આપણા સૌએ વિચારવાનો સમય આવી ગયો છે. એ માટે માત્ર મુઠ્ઠીભર તત્વો જવાબદાર છે કે આપણી લાલચ એ પણ એના માટે જવાબદાર છે?

અકબર બિરબલની એક કથામાં આવે છે એમ, અકબરે બિરબલને હુકમ કર્યો કે જનતાને ઢંઢેરો પીટે કાલ સવાર સુધીમાં હોજ દૂધથી ભરી દે. ઉત્સવમાં આવનારા લોકો માટે આ જ દુધ ઉપયોગમાં લેવાનું છે. હોજને ધોઈ સ્વચ્છ કરવામાં આવી. રાત્રે કેટલાક લોકો એક એક લોટો દૂધ નાખી આવ્યા. પરંતુ કેટલાક લોકોને વિચાર આવ્યો કે બધા લોકો દૂધ રેડશે અને હું એક લોટો પાણી નાખી દઈશ તો એમાં શું ફરક પડવાનો છે? આટલા બધા દૂધમાં મારો લોટો પાણી નહિ સમાય?

પરોઢના અંધકારમાં આ લોકોએ પાણીના લોટા રેડી આવવાનો નિશ્ચય કરી લીધો. બન્યું એવું કે આ લોકોની જેમ બધાને એવો જ વિચાર આવ્યો. લોકો દૂધને બદલે પાણી રેડી આવ્યા.
સવારે હોજમાં પાણી જેવું દૂધ હતું. અકબરે હુકમ કર્યો કે આ જ દૂધ પ્રજાજનોને જ ભોજનમાં ઉપયોગમાં લેવાનું છે. આ દૂધની ખીર બનાવીને પીરસો!
આ કાલ્પનિક દ્રષ્ટાંત લોકોની માનસિકતા સૂચવે છે. દૂધને બદલે પાણી રેડવાની મનોભાવનાથી આજે દેશનું રાષ્ટ્રીય ચારિત્ર્ય કથળી રહ્યું છે. દરેકના મનમાં એમ છે કે મારા એકલાથી દેશનું ચારિત્ર્ય કેવી રીતે ઉજ્વળ બનવાનું છે? બધા જ આવું વિચારે ત્યારે શું થાય?

વ્યક્તિગત સ્વાર્થ સમાજ અને દેશના ચારિત્ર્યને બટ્ટો લગાડે છે. જેના મનમાં ભૌતિકતાની તૃષ્ણા જાગે છે એને સારાનરસાનું ભાન નથી રહેતું. આજે આપણે જાઈએ છીએ કે સામાન્ય પટાવાળાથી લઈ ટોપ પર બેસેલા સીઈઓ સુધીના લોકો અનીતિથી કૌભાંડો આચરી પૈસો એકઠો કરવામાં લાગ્યા છે. નીતિ-ફીતિની વાતો છોડો અનીતિ એ જ ધર્મ બની ગયું છે. એવું કોઈ સરકારી ખાતું નહી હોય જયાં લાંચરૂશ્વત લેવાતી નહિ હોય, જયાં કૌભાંડો થતા નહીં હોય. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હદ તો એ છે કે દવાઓમાં પણ ભેળસેળ કરી વેચવામાં આવે છે. તો પછી મકાનો અને રસ્તાઓ બનાવવામાં કે પુલો બનાવવામાં ઓછી ગુણવત્તાનું માલ સામાન વાપરવામાં આવે એમાં શું નવાઈ?

એક જ ચોમાસામાં રસ્તા ધોવાઇ જાય છે. એ રસ્તા નહિ કોન્ટ્રાક્ટરોના ચારિત્ર્યની ધોલાઈ છે. ઉદ્દઘાટન ન થયું હોય એવા પુલ તૂટી પડે છે. આ પુલ નહીં આપણી નૈતિક સિસ્ટમનું તોડાણ છે. આખી સિસ્ટમ ઉપર અનૈતિકતાના જાળા બાઝી ગયા છે. એને સાફ કરનારા કેટલાક પ્રમાણિક વીરલાઓ મેદાને પડે છે ત્યારે એમને આ ધરતી ઉપરથી જ સાફ કરી દેવામાં આવે છે – હંમેશ માટે.

પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને અપ્રમાણિક લોકો સહન કરી શકતા નથી. એમની પ્રમાણિકતા સામે પોતાની અપ્રમાણિકતા નીચ ગર્તામાં ધકેલેલી જુએ છે. પરંતુ કંટકોને ગુલાબનો રંગ કદી લાગતો નથી એમ પ્રમાણિક માણસોની પ્રમાણિકતાનો રંગ આવા ભ્રષ્ટ લોકોને લાગતો નથી.તેથી ભ્રષ્ટાચારી હંમેશા ભ્રષ્ટાચારી જ રહે છે. એમની ભ્રષ્ટતા પણ એની સાથે જાય છે – રાખ થવા માટે.

આ નીતિથી ભેગા કરેલા પૈસા આવા લોકો ભલે ભૌતિક વસ્તુઓ વસાવી લે, પરંતુ એમના મનને સુખ શાંતિ મળતી નથી. એમનું અંત:કરણ ક્યાંકને ક્યાંક તો એમને કનડે છે. પરિણામે અખૂટ ધન દોલત હોવા છતાં આવા લોકો જીવનના સાચા આનંદ અને સુખથી વંચિત રહી જાય છે.

એની સામે પ્રમાણિકતાથી કમાનારા ભલે ઓછું કમાય તો પણ જીવનનો સાચો આનંદ માણે છે. પ્રમાણિક માણસોનું લક્ષ્ય પૈસા કરતા સારુ કામ કરવામાં વધુ હોય છે. સારું કામ કરવામાં એમને આનંદ આવે છે અને ખરાબ કામ કરતાં દુઃખ થાય છે.

એક વખત એક વ્યક્તિએ હઝરત મુહમ્મદ સાહેબ સ.અ.વ.ને પૂછ્યું કે ઈમાનદાર વ્યક્તિ કોને કહેવાય?

પયગંબર સાહેબે કહ્યુંઃ જેને સારું કામ કરતા આનંદ થાય અને ખરાબ કામ કરતાં દુઃખ થાય એ ઈમાનદાર માણસ છે એમ સમજવું.

ઈમાનદાર વ્યક્તિઓ જ દેશના ચારિત્ર્યને ઉજ્જવળ બનાવે છે. દેશની પ્રગતિ અને સુખ-સમૃદ્ધિમાં એમનો મોટો હિસ્સો હોય છે.

પ્લેટોએ સાચું જ કહ્યું છે કે ‘તમારે સુખી જીંદગી વિતાવવી હોય તો ઈમાનદારીથી વેપાર ધંધો કરો. જે ઈમાનદારીથી વર્તે છે તે જ શોક માંથી મુક્ત થાય છે.’ અંગ્રેજીમાં એક કહેવત છે ‘ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી’ એ હંમેશ સાચું છે અને રહેશે. પ્રસિધ્ધ બિઝનેસમેન હેન્રી ફોર્ડે પોતાનો જીવન સાર આપતા કહ્યું છે કે “તમે વેપારમાં જેમ વધારે પ્રામાણિક થાઓ તેમ વધુ નાણા મેળવી શકશો” સફળ વ્યાપારનો પાયો સત્ય અને પ્રમાણિકતા પર જ નભેલા છે. અમેરિકાના પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી વેલડનને કોઈએ પૂછ્યું કે ‘સંપત્તિનું સાચું સુખ કયું? એશઆરામ કે નીતિમય જીવન?.’

વેલ્ડનનો જવાબ હતોઃ “હું સંપત્તિ કરતાં નીતિમય જીવન ને વધુ પસંદ કરું છું. ગરીબાઈમાં વ્યતીત થતું નીતિમય જીવન જેટલું પવિત્ર અને ઉન્નત છે એટલું જ સંપત્તિવાળું એશ આરામવાળુ જીવન નથી.”

નીતિમય જીવનમાં સુખ છે. પોતાનું ચારિત્ર્ય તો ઉજ્વળ બને જ છે સાથે સાથે દેશનુંય પણ બને છે. એમ છતાંય આજે લાખો કરોડો લોકો અપ્રમાણિકતાથી બધું જ પ્રાપ્ત કરી લેવા માંગે છે. જાણે અપ્રમાણિકતા આપણો રાષ્ટ્રીય રોગ બની ગયો છે!.

રાષ્ટ્રીય ચારિત્ર્યને ઉજ્જ્વળ બનાવવું હોય તો બીજાને ઉપદેશ આપતા પહેલાં આપણે આપણી જાતથી શરૂઆત કરવી જોઈએ. સેનેકાએ કહ્યું હતું એ યાદ રાખવા જેવું છે “તારે દુનિયાને સુધારવી છે? તો પહેલાં તારી જાતને સુધાર. દુનિયા માંથી એક ભ્રષ્ટ ઓછો થશે.”

રાષ્ટ્રીય ચારિત્ર્યને ઉજ્જ્વળ બનાવવું હોય તો દરેક વ્યક્તિએ આ નિશ્ચય કરવો જોઈએ કે અત્યારથી ,આ ક્ષણથી જ હું ઈમાનદારીથી વર્તીશ. કોઈની સાથે દગો નહીં કરું. જે કાંઈ કામ કરીશ એમાં મારી અને દેશની પ્રતિષ્ઠા વધે એવું કરીશ. હું કોઈના અધિકાર ઉપર તરાપ નહીં મારું. કોઈને હક આપવાનું થશે તો થોડો વધુ આપીશ. હું કોઈની સ્વતંત્રતા નહિ છીનવું. જે લેણદારો હશે એમને હું પાઈએ પાઈ ચૂકવી દઈશ. હું કોઈપણ જાતની ચોરી નહી કરું. હું સત્ય બોલીશ. કોઈની બદગોઈ નહિ કરું. હું દરેક વ્યક્તિને ભલે ના ચાહી શકું તો કોઈની સાથે ઘૃણા નહીં જ કરું. હું જે કાંઈ કરીશ એ પ્રમાણિકતાથી પૂરી ઈમાનદારીથી કરીશ.

બેઈમાનીના આ યુગમાં આ સંકલ્પો થોડા આકરા લાગશે પરંતુ શરૂઆત તો કોઈએ કરવી જ પડશે ને!

– મોહમ્મદ સઈદ શેખ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે? – મોહમ્મદ સઈદ શેખ

 • shirish Dave

  જો આપણે હાલના સમયને જ, જો રાષ્ટ્રીય ચરિત્ર ખાડે ગયું છે તેમ જો કહીએ તો તે બરાબર નથી. રાષ્ટ્રીય ચરિત્ર ખાડે ગયું છે તેમ કહીએ તો તે સમય ઓગણીશો સાઠ નો પૂર્વાર્ધ આપણા હરિયાણાએ ચાલુ કરેલ. “આયારામ ગયા રામ ” નહેરુવીયન કોંગ્રેસ દ્વારા શરુ કરેલ ખરીદ-વેચાણ તેને યાદ કરી લેવું. અને ૧૯૭૦માં જ્યારે સાગમટે નેતાઓ નહેરુવીયન કોંગ્રેસમાં ભળ્યા ત્યારે તેને અધોગતિ સમજવી જોઇએ. પણ ખરી ચારિત્રની અધોગતિ તો ત્યારે જોવા મળી જ્યારે કાશ્મિરમાં ૩૦૦૦ કાશ્મિરીહિન્દુઓની ખુલ્લેઆમ હત્યા થઈ, હજારો હિન્દુ સ્ત્રીઓની લાજ લુંટાઈ, લાખો હિન્દુઓને બે ઘર કર્યા અને હિજરત કરવા ફરજ પડાઈ. તે સમયે અને તે પછી પણ, દેશના એ લોકો જેઓ પોતાને ચરિત્રની બાબતમાં સંવેદન શીલ માને છે તેઓ મૌન રહ્યા અને નિસ્ક્રીય રહ્યા. અને હવે આજ લોકો અત્યારે છૂટક થતી ઘટનાઓ ઉપર છાતી કૂટ્યા કરે છે અને ઋણાત્મક વાતાવરણ ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં અત્યારે જ સૌથી શ્રેષ્ઠ કામ કરતી સરકાર છે.

  • Saeed shaikh

   શિરીષભાઈ તમે જે વાત કરો છો એ રાજકીય ચારિત્ર્ય ની બાબત છે.મેં જાની જોઇને એ વિષય આમાં છેડ્યો નથી કારણકે આ નાનકડા લેખમાં આટલા મોટા વિષયને સમાવી શકાય નહી.મેં લોકોના નૈતિક ચારિત્ર્ય ઉપર ભાર આપ્યો છે.રાજકીય ચારિત્ર્ય ની ચર્ચા કરવી હોય તો પછી પુરુષોત્તમ શ્રીરામ થી તમે કહો છો એમ આયારામ ગયારામ અને હવે યેદુરપ્પા સુધી એક આખું પુસ્તક લખી શકાય……..રાજકારણમાં નૈતિક ચારિત્ર્ય હોય છે ખરું?કે પછી પ્રેમ અને યુદ્ધ ની જેમ એમાં બધું જ જાયજ છે?…..આ લાંબા વિષય ઉપર ફરી ક્યારેક ચર્ચા અથવા લેખ જરૂર લખીશ.આભાર.

 • સુરભિ રાવલ

  ખૂબજ સરસ લેખ
  પાયા નાં શિક્ષણ માં જ સડો એટલો લાગી ગયો છે..
  નીતિ નિયમ કરતાં વધારે ભૌતિકતા નું મહત્વ વધતું જ ચાલ્યું..આત્મીય ભાવ રહ્યો જ નથી

 • નવિનચંદ્ર ઉમરાણીયા

  પ્રણામ,બધાને એમજ લાગે છે કે ખોટુ કરીએ તો જ સફળ થવાય (કે ફદીયા) મળે.અને જે લોકોનુ કામ સમાજમા ઉચ્ચ મૂલ્યોનુ સ્થાપન કરવાનુ છે તે ની નૈતિકતા ભૂગર્ભ મા પેસી ગ્ઈ છે, કયાક ચનગારી જલે છે તે ઉદિત થાય તેવી પરમ પ્રાર્થના…….

 • જયેન્દ્ર

  મુરબ્બી મોહમદ સઈદ શેખ સાહેબે ફક્ત એકજ પાના માં દેશના હાલ હવાલ રજુ કર્યા. વિષય ખુબજ ગમ્યો.
  આપણે ત્યાં શાળાઓમાં નૈતિકતાનાં પાઠ વિદ્યાર્થીઓ બહુ નાના હોય ત્યારે ભણાવવામાં આવે છે. જ્યારે તેઓમાં સારા અને ખરાબ વિષેનો વિવેક નથી હોતો..
  સમાજ શાસ્ત્ર અને નૈતિકતાનો પાઠ્યક્રમ એવો હોવો જોઇએ કે તે તેમની ઉમર પ્રમાણે ગોઠવવો જોઈએ અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમ અને નિર્માણ વિષે પણ તેઓને શિક્ષણ આપવું જોઈએ. પેહલા તો સ્કોઉંટ, એન સી સી વિગેરે જેવી તાલીમ અપાતી જેમાં શિસ્ત નું શિક્ષણ મળતું અને વિદ્યાર્થી નું જીવન ઘડતર થતું.
  હવે તો તે પણ લુપ્ત થતું જાય છે. જ્યાં સુધી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણ વિષે શાળાઓ અને કોલેજોમાં તેના ઉપર જોર નહિ દેવાય ત્યાં સુધી કોઈ પણ સુધારાની અપેક્ષા રાખવી તે ભૂલ ભર્યું ગણાશે.. સ્વ-કેન્દ્રિત શિક્ષણ માંથી સમાજ લક્ષી શિક્ષણ ની જરૂર છે.