પ્રવાસનો પરિતાપ! – હિરલ પંડ્યા 18
ક્યારેક કોઈક સ્થળો એવા હોય છે જે તમારા હૃદયમાં સ્પેશિયલ જગ્યા બનાવી જાય છે. જ્યાં તમે ખાલી હાથે જાવ છો અને સંસ્મરણો અને શીખ ખોબે ખોબે ભરીને લઈ આવો છો. મને ખબર ન હતી પણ આવો જ એક પ્રવાસ ખેડવા હું નીકળી પડ્યો હતો.
ગુલાબી ઠંડી હવા મારા કાનમાં કંઈક ગણગણી રહી હતી. અમારી બસ ધીરે ધીરે ચંબાના પહાડો તરફ વળાંકો લઈ રહી હતી. કેટલાય દિવસોથી અમે ત્રણે મિત્રો આ પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા, અંતે હું હિમાચલ આવી જ ગયો! હું આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું. પ્રવાસવર્ણન લખું છું, અને લોકોને મારા પ્રવાસના સંસ્મરણોમાં ભાગીદાર બનાવુ છું.
હિમાચલના એક અંતરિયાળ ગામમાં જવા માટે અમારે ચંબાથી રાજ્ય પરિવહનની બસ પકડવાની હતી, અને ત્યાંથી ચાર દિવસનું પર્વતારોહણ. કન્ડક્ટર ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા, અમને જોઈ બોલ્યા “બહુ ઓછા પર્યટકો આવે છે અહીં. સરસ. આવો.. અહીં પર્યટન વધે એ તો સરસ..”