આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે.
ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખોરાક માટે મનુષ્ય જીવહત્યા કરતો આવ્યો છે. પરંતુ પેટની આગ ઓલવવા માટેની એ હત્યા બીજા માનવની જ હોય તો? માનવભક્ષણનો વિચાર જ કાળજું કંપાવનારો છે. શું આ માર્ગે કોઈ જઈ શકે ખરું? આવો કરીએ મને-કમને સંજોગોનો શિકાર થઈને માનવભક્ષી બનવું પડ્યું હોય એવા આઠ લોકોની વાત. (આશરે ૧૯૦ વર્ષ અગાઉની સત્યઘટના.)

Saturn Devouring His Son, from the Black Paintings series by Francisco de Goya, 1819
ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.
૧૮૨૦ના દાયકાની શરુઆતમાં ગ્રેટ બ્રીટનનાં કારાગૃહો નાના-મોટા ખીસ્સાકાતરૂઓથી માંડીને ખૂંખાર હત્યારાઓથી ઊભરાઈ રહ્યા હતા. આવા ગુનેગારોમાથી અધમ અપરાધીઓને સામાન્ય જનજીવનથી ખૂબ જ દૂર, ઓસ્ટ્રેલિયા ખાતેનાં તસ્માનિયા ટાપુનાં મેક્વાયર હાર્બર પર મોકલી સમાજ અને સંસ્કૃતિથી તદ્દન વિખૂટા પાડી દેવામાં આવતા. ખૂંખાર અપરાધીઓ ત્યાં રહીને જીવતા રહેવાને બદલે ફાંસીને માંચડે ચડવું પસંદ કરતાં. નિયમનો ભંગ કરનારને એક જ સજા હતી, કૃરતાપૂર્વકના ચાબુકનાં ફટકા. ૧૮૨૨નાં સપ્ટેમ્બર મહિનામાં આઠ અપરાધીઓને આ અસહ્ય સજા ફટકારવામાં આવી. અંતે તેઓની સહનશક્તિનો અંત આવ્યો ત્યારે તેઓ કોઈ રીતે નજર ચૂકાવી પોતે પહેરેલા એક જોડ કપડાં અને કોઈપણ સમયે પૂરો થઈ જાય એટલા ખોરાક સાથે ભાગી છૂટ્યાં. યોજના મૂજબ તેમણે ચોરેલી બોટ દ્વારા દરિયો પાર કરવાનો હતો. પરંતુ એમાં એમની કારી ન ફાવી. એમના ભાગી છૂટ્યાની જાણ થતાં જ સત્તાધિકારીઓએ ભાગેડુઓ દરિયાઈમાર્ગે જઈ ન શકે એ પ્રકારની વ્યવસ્થા કરી. નાસી છૂટેલા આ કેદીઓ પાસે જમીનમાર્ગ જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.
એ વિકલ્પ એટલે એક ઊજ્જડ અને વેરાન સ્થળ. શક્ય એટલી ઝડપથી તેઓ તસ્માનિયાનાં વસવાટ યોગ્ય સ્થળ પર પહોંચી જવા માગતા હતા. પણ એ માટે તેમણે પાર કરવાનાં હતા ૯૬ કિલોમીટર. તસ્માનિયાના આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એ છે કે ત્યાં ખોરાક મળવો અશક્ય છે. આ ઊજ્જડ વિસ્તારમાં સંઘર્ષ કરતાં-કરતાં ભાગેડું કેદીઓમાંનોં રોબર્ટ ગ્રીનહીલ નામનો અપરાધી તેમનો લીડર બની ચૂક્યો હતો. ખોરાકનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો. પ્રવાસના આઠમાં દિવસ સુધીમાં તો ભોજનનાં અભાવે તેઓ ખુબ અશક્ત થઈ ગયા હતા. બચી હતી તો એક માત્ર કુહાડી, જે તેમણે ભાગતી વખતે પોતાની સાથે લઈ લીધી હતી. તેમાંનું કોઈ જાણતું ન હતું કે આ જ કુહાડી તેમનાં જીવન માટે ખતરો બનવાની હતી. અંદરોઅંદર ફૂટ પડવી શરુ થઈ ચૂકી હતી. તેઓ બે દળમાં વહેંચાઈ ગયા. લીડર ગ્રીનહીલ, તેનો મિત્ર ટ્રેવર્સ, બોડેન્હમ, મેધર્સ અને પીયર્સનું એક ગ્રૂપ અને ડોલ્ટન, કેનર્લી અને બ્રાઊનનું બીજું પ્રમાણમાં નબળું અને અશક્ત ગ્રૂપ.
આવા સંજોગોમાં ગ્રીનહીલે “કસ્ટમ્સ ઓફ ધ સી” ની પરંપરાનો સુજાવ આપ્યો. તેણે કહ્યું કે ડ્રો કરીને તેમાં જે હારશે તેની હત્યા કરીને તેનો ખોરાક બનાવવો. તેનું કહેવું હતું કે કોઈ એકનું બલિદાન જરૂરી છે જેથી બાકીનાં લોકો જીવી શકે. ગ્રીનહીલનાં કેમ્પનાં લોકો તૈયાર થઈ ગયા પરંતુ ડ્રો ને બદલે એ ટુકડીએ તટસ્થ રહીને શિકારની પસંદગી કરી લીધી હતી. એ હતો બીજા ગ્રૂપનો ડોલ્ટન. ગ્રીનહીલે કુહાડીનાં એક જ ઘા સાથે ડોલ્ટનના માથાનાં કટકા કરી નાખ્યા. ગ્રીનહીલ અને ટ્રેવર્સે એ માંસથી પોતાની ભૂખ સંતોષી. ભૂખે મરી રહેલાં આ તમામ લોકો માટે આ પરિસ્થિતિ ખૂબ જ અઘરી હતી. બીજી સવારે ભૂખની પિડાએ બાકીનાં લોકોના ડર અને સંશયને તોડી નાખ્યા અને તેમણે પણ પોતાનું પેટ ભર્યું. ત્યારબાદ તેમણે બાકી બચેલા માંસની વહેંચણી કરી. ડોલ્ટનની હત્યા બાદ બીજા ગ્રૂપનાં બ્રાઊન અને કેનર્લીએ બચવા માટે ત્યાંથી ભાગી છૂટવાની યોજના બનાવી હતી. કુહાડીનો ઘા સહન કરવાને બદલે તેમણે મેક્વાયર હાર્બરની કૃર અને યાતના ભરેલી જીંદગી પસંદ કરી. તેઓ ધીમે-ધીમે છૂટા પડીને પાછાં ફર્યા.
બાકીનાં પાંચ અપરાધીઓ વસાહતી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતાં. હવે તેઓ જીવન-મરણની અત્યંત જોખમી રમતમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં. ગ્રીનહીલે કુહાડી પોતાના હાથમાં રાખીને પોતાની સત્તા ટકાવી રાખી હતી. ડોલ્ટનનું માંસ પણ પૂરું થઈ ગયું. ત્યારબાદ કરવામાં આવેલા ડ્રોમાં કમનસીબ શિકાર હતો બોડેન્હમ. તેની કૃરપણે કતલ કરી જીવિત રહેલા લોકોએ તેનું માંસ આરોગ્યું. હવે તેઓ, ગ્રીનહીલ-ટ્રેવર્સ અને મેધર્સ-પીયર્સ એમ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. પરંતુ પીયર્સ શક્તિશાળીને ઓળખી ગયો હતો. તે ગ્રીનહીલ અને ટ્રેવર્સ સાથે જોડાઈ ગયો. આથી આગલો શિકાર બન્યો મેધર્સ.
હવે માત્ર ત્રણ જણ બચ્યા હતાં, બે મિત્રો ગ્રીનહીલ-ટ્રેવર્સ અને એક બહારની વ્યક્તિ, એલેક્ઝાંડર પીયર્સ. એ જાણતો હતો કે ગ્રીનહીલ અને ટ્રેવર્સ મિત્રો હોવાને લીધે હવે પછીનો શિકાર એ પોતે જ બનવાનો છે. પરંતુ એનું નસીબ જોર કરતું હતું. ટ્રેવર્સથી અજાણતાં એક ખોટું પગલું ભરાઈ ગયું અને તેને એક ઝેરી સાપ ડંખી ગયો. ગ્રીનહીલ ટ્રેવર્સને છોડવા નહોતો માગતો. બન્ને જણ એને ટેકો આપીને આગળ વધી રહ્યા હતા. પરંતુ ખોરાકનાં અભાવે આ રીતે લાંબે સુધી આગળ વધવું અસંભવ હતું. ટ્રેવર્સને ગેંગરીન થવું શરુ થઈ ચૂક્યું હતું. એણે સામે ચાલીને પોતાને મારી નાખવા કહ્યું. તેમણે એમ કર્યું. હવે બચ્યાં માત્ર બે જ લોકો, ગ્રીનહીલ અને પીયર્સ. ટ્રેવર્સનાં માંસનાં સહારે તેઓ આગળ વધવા લાગ્યા. એક રસપ્રદ પણ ભયાનક પ્રશ્ન બન્નેના મનમાં સળવળી રહ્યો હતો, હવે શું થશે. બન્ને એકબીજાને ભરોસો આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે હવે તેઓ વસાહતની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. અને એકબીજાને ઈજા નહીં પહોંચાડીએ. પણ બન્નેમાંથી કોઈને એકબીજા પર વિશ્વાસ ન હતો.
સવાલ એ હતો કે કોણ કેટલી હદ સુધી જાગી શકે છે. લગભગ ત્રણ-ચાર દિવસ તેઓ સતત જાગતાં રહ્યાં. કોની આંખ મિચાય અને કોણ કોનું ધડ અલગ કરી દે. અંતે ગ્રીનહીલ ટકી ન શક્યો. ઊંઘને કારણે કુહાડી હાથમાંથી સરકી ગઈ અને પીયર્સે તે છીનવીને એનાં માથાની આરપાર કરી નાખી. તાજા માંસનાં સહારે એકમાત્ર બચેલો પીયર્સ વધુ એક અઠવાડિયું કાઢી શક્યો. ભાગી છૂટ્યાનાં અંદાજે પચાસેક દિવસ પછી છેવટે તે માનવ વસવાટમાં પહોંચી ગયો. પરંતુ અહીં તે લાંબો સમય સ્વતંત્રતાનો સ્વાદ ચાખી ન શક્યો. સત્તાધીશોને તેની માનવભક્ષણની વાત પર વિશ્વાસ ન બેઠો. તેમની ધારણા હતી કે પીયર્સનાં સાથીદારો કોઈ જગ્યાએ ઝાડી-ઝાખરાંમાં છૂપાઈને જીવી રહ્યા છે, અને છૂટકારો મેળવવા આ કાલ્પનિક વાત ફેલાવી રહ્યા છે. પીયર્સને ફરી મેક્વાયર હાર્બર મોકલી દેવામાં આવ્યો. અહીં તેનું સ્વાગત ખૂબ સારુ રહ્યું. અધિકારીઓ તરફથી નહીં પરંતુ અન્ય અપરાધીઓ તરફથી. એ જાણે તેમનો હીરો બની ચૂક્યો હતો. ખાસ કરીને એક યુવાન, થોમસ કોક્સ માટે. થોમસ ત્યાંથી ભાગી છૂટવા માટે તેની મદદ લેવા માગતો હતો. તેનું કહેવું હતું કે તેની પાસે એવા ઘણાં સાધનો છે જે ત્યાંથી નીકળવાં માટે ઊપયોગી હોય. પીયર્સના અનેકવારનાં ઇન્કાર પછી પણ થોમસનું ભાગી છૂટવાનું દબાણ વધી રહ્યું હતું. અંતે પીયર્સ ફરી ભાગી છૂટવા માટે રાજી થઈ ગયો અને બન્ને ગૃપમાંથી છટકીને જંગલનાં રસ્તે નીકળી પડ્યાં. પાંચેક દિવસનાં પ્રવાસ બાદ તેઓ વિશાળ નદી પાસે પહોંચ્યાં. અહીં પહોંચ્યા બાદ થોમસે પોતાને તરતાં નહીં આવડતું હોવાની વાત જણાવી. હવે તેમની પાસે માત્ર બે જ વિકલ્પો હતાં. પાછા ફરી જવું અને ચાબૂકનાં સણસણતાં ફટકાં ખાવા અથવા તો ફરીથી જમીનમાર્ગ પસંદ કરવો, જે અશક્ય હતું.
નિરાશાની આ ચરમસીમા પર ઊભેલા પીયર્સનાં હાથે થોમસનો ભોગ લીધો. હવે એ પણ પીયર્સના પેટની આગ સંતોષવા માટેનો ખોરાક બની ગયો હતો. બચેલા માંસ સાથે તે આગળ વધ્યો. બે-એક દિવસ વિત્યા બાદ તેની આસપાસની ભયાનક એકલતા તેને પ્રાયશ્ચિત તરફ દોરી ગઈ. હવે પસ્તાવો તેનો જીવ લઈ રહ્યો હતો. તે ફસડાઈ પડ્યો અને તેણે આત્મ સમર્પણ કર્યું. આત્મા પરનો બોજ હળવો કરવા માટે તેણે આદમખોર હોવાની કબૂલાત કરી. નિ:શંકપણે તેને હત્યા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો. હવે તે ધર્મનો આશરો શોધવા લાગ્યો પરંતુ એ જાણતો હતો કે પશ્ચાતાપ માટે તેની પાસે હવે લાંબું જીવન ન હતું. એલેક્ઝાંડર પીયર્સ, એક ભૂખ્યો અપરાધી, જે માનવમાંસનો આદિ થઈ ચૂક્યો હતો તેણે આખરે ૧૮૨૪ની ૧૯મી જુલાઈનાં રોજ ફાંસીને માંચડે ચડીને પોતાની યાત્રા પૂરી કરી.
– કુલદીપ લહેરુ
આ વાર્તા વાંચતી વખતે જાણે શબ્દો પણ જીવતા હોય એવું લાગ્યું.
આભાર રેખાબા!
ખરું કહું તો શબ્દો જીવતા જ હોય છે. અને લેખકો માટે તો પોતાના શબ્દો માટે સંતાન જેવી લાગણી હોય છે.
જય હો!
આપે ઉપર કહ્યું એ મુજબ “કસ્ટમ ઓફ ધ સી ” ની પરંપરા બવ જ જૂની છે.પરંતુ એકવીસ મી સદી નો માણસ પોતાના શોખ માટે અને માત્ર પોતાનો શોખ પૂરો કરવા માટે મનુષ્ય ની કતલ કરે છે અને તેમાં માંસ નં ભક્ષણ કરે છે.
શું આવા લોકો ને માફી આપવી જોયે?
હાલ ના સમય માં અમુક દેશ માં તો માનવ માંસ ખાવા નું ચલન ખુબ ફૂલ્યું ફાલ્યું છે.અને એના માટે હુમ્ન ડેડ બોડી વેચાતી મળે છે.અને આવા રેસ્ટોરેન્ટ ને ત્યાં ની ગવર્મેન્ટ મંજુરી પણ આપી ચુકી છે.કે જ્યાં અલગ અલગ હુમ્ન પાર્ટ પીરસવા માં આવે છે.
ભરતભાઈ, આપે જણાવ્યું એવા આદમખોર લોકો માટે આકરી સજા હોવી જોઈએ એ મતનો હું પણ છું. વ્યવસાયે પત્રકાર હોવાને નાતે આવા જ એક સ્થળની બાતમી થોડા વર્ષો અગાઉ મારા એક મિત્રને મળી હતી. એ સ્થાન વિષે મને જણાવ્યા બાદ અમે એ વાત બહાર લાવવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી પરંતુ કોઈ કારણસર એ જગ્યા વિષે જણાવનાર વ્યક્તિ અચાનક અદ્રશ્ય થઈ ગયો અને એ વાત પણ ત્યાં જ અધૂરી રહી ગઈ.
ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના!
જય હો!
ગુજરાતીમાં આવી જ એક સત્ય ઘટનાનો અનુવાદ પ્રગટ થયો હતો – જેમાં વિમાની અકસ્માતના કારણે થોડાક જ બચેલા યાત્રીઓએ અવસાન પામેલા સહયાત્રીઓના શબથી , કમને ગુજારો કરવો પડ્યો હતો.- તેની વાત હતી.
મારા બ્લોગ પર દસેક વર્ષ પહેલાં, એનો ઉલ્લેખ કરતી પોસ્ટ અનાવી હતી –
https://gadyasoor.wordpress.com/2007/09/02/cannibal/
એ પુસ્તકનું નામ “જિંદગી જિંદગી”, લેખક અને અનુવાદકઃ વિજયગુપ્ત મૌર્ય,
વાચકો એ પુસ્તક મેળવી જરૂર વાંચે.
આપના લેખ સાથે સહમત. એ સત્યઘટના પર અમે હિસ્ટ્રી ટીવ ૧૮ પર એક કાર્યક્રમ પણ પ્રદર્શિત કર્યો હતો.
લખતા રહો સુરેશભાઈ!
જય હો!
ધટના જાણે સામે જ ઘટી રહી હોય એવું તાદ્રશ્ય વર્ણન વાંચવા મળ્યું. આભાર.
તમારો પણ આભાર તન્વી.
જય હો!
વાહ. ડરામણો પણ જ્ઞાનવર્ધક લેખ. કસ્ટમ ઓફ ધ સી જેવી પ્રથાઓ પણ ખરેખર અસ્તિત્વમાં હશે એ વિચાર પણ ધ્રુજાવી મૂકે એવો છે. કુલદીપ સર અને અક્ષરનાદને ધન્યવાદ.
ધન્યવાદ પ્રિતમજી. વાચકોના અભિપ્રાયો વધુ લખવાની પ્રેરણા આપતા હોય છે.
જય હો!
સ્ક્રીન પરથી આંખો ખસી જ ન શકી. ‘હવે શું થશે?’ એવા ભાવને કારણે, મોડું થતું હોવા છતા, એક જ બેઠકે વાર્તા વાંચી ગઈ. મજા પડી.
પ્રાંજલી, આપનો ખુબ ખુબ આભાર!
જય હો!
Scientifically written aritcle.
Loved the way it is narreted. Kuldeep sir if I am not wrong this is third or forth article on aksharnaad.com. I would love to read more write-ups penned by you.
You are right. It is my third article on aksharnaad.com. Thank you so much for following my articles. Definitely you will get to read more stories that you would like to read.
Jay Ho!
ખુબ જ રોમાંચસભર વાર્તા છે.
આપનો આભાર !
જય હો!