રોલ નંબર એક..
રોજના ક્રમ પ્રમાણે મેં મારા ૭ ઈંચના ટેબ્લેટમાં વર્ગની હાજરી પૂરવાનું ચાલુ કર્યું.
‘યસ્સ સર.’
રોલ નંબર એક બોલ્યો કે તરત જ મેં તેના નામની સામેના ખાનામાં તેની હાજરી નોંધી. મારા ક્લાસરૂમની ઍપમાં તેના નામ સામે બધી જ વિગતો દેખાય અને ફૂટડો ને નિખાલસ ચહેરાવાળો તેનો ફોટો પણ. મેં તેના પર ટચ કર્યું ને ફોટો ઝૂમ થયો.
બાળકોના ચહેરા કેટલા નિર્દોષ હોય છે… નહિં! આજકાલ આટલા નિર્દોષ ચહેરા બહુ ઓછા જોવા મળતા હોય છે, એટલે એમ થાય કે જોયા જ કરીએ.
આટલા વર્ષોના અનુભવે બાળકોની ખુશીનું કારણ મેં શોધી કાઢ્યું હતું. યુવાનો ભવિષ્યની ચિંતામાં હોય છે એટલે ખુશ નથી હોતા, વૃદ્ધો ભૂતકાળ વાગોળતા હોય છે એટલે ખુશ નથી હોતા. પણ બાળકો હંમેશા વર્તમાનમાં જ ઓતપ્રોત થઈ જીવતા હોય છે માટે જ તેઓ આટલા ખુશ હોય છે! આ રોજેરોજ મારી નજરે જોવાતું સત્ય છે!
હું રોલ નંબર એકનું પ્રોફાઈલ ખોલી બેઠો. વિવિધ સ્કીલ્સની કસોટીએ મેં એને ચડાવ્યો છે ને એની ક્ષમતા પ્રમાણે ગ્રેડ પણ આપ્યા છે. થોડો આડો અવળો, ઉપર-નીચે ફંટાતો, તેની જેમ જ નાચી રહેલો તેનો વિકાસ ગ્રાફ નોર્મલ છે, જે હવે આ વર્ષે પાંચમાં ધોરણમાં જરા જરા ઉપરની તરફ જતો જણાય છે. પ્રોગ્રેસ સાધારણ દેખાય છે, એની શીખવાની ગતિ સામાન્ય રહી છે. પહેલા ધોરણમાં દાખલ થયો ત્યારે તેનો ચહેરો આજના કરતા પણ વધુ માસૂમ હતો. આજે પાંચમાં ધોરણમાં પણ એનામાં બહુ મોટો ફેરફાર થયો નથી.
ટચસ્ક્રીનના ફાયદા ગણો તો ફાયદા અને સમયની બરબાદી ગણો તો એમ, પણ જુઓ મેં બનાવેલા તેના કેટલાક વિડીયો પણ ખોલી બેઠો. આ વિડીયો તેની વિલક્ષણતાઓને કેદ કરવા અને તેના અભ્યાસના ભાગરૂપે મેં બનાવ્યા છે. મારી ઍપની મદદથી કેટલાક સાચા દૃશ્યો સાથે મેં એની તાસીરને મારી કલ્પનાના એનીમેશનમાં પણ ઢાળવા કોશીશ કરી છે. મારી આંખ સામે પાંચ વરસની નાની નાની પગલીઓ પડતી આવે છે જેના પર રોલ નંબર એક લખેલું છે.
એ પગલીઓ પર ક્યાંક સહેજ અમથો દફતરનો ભાર આવે ને આડીઅવળી પડવા માંડે, તેમ છતાં જાતને અને ચાલને એવી રીતે સંભાળે જાણે કોઈ જ ભાર નથી. પાટી પર એકડો માંડતા તો એના ચહેરા પર અનેક ખુશીઓ દોડી જાય. એક્ડા, શબ્દો, જોડકણાં, વાર્તા અને ગમ્મતોમાં ગોઠવાઈ જતા એને વાર લાગી જ નથી.
એકવાર પેંડો લઈને પરાણે મારા મોંમાં મૂકતા કહે, ‘જલમદિન છે મારો, માએ તમારા હારુ જ મોકલ્યો તો, તમે મોડા આયા તે જરાક મે ચાખી લીધો… હી… હી…!’
એની લાગણી ચોખ્ખી હતી. આખા ક્લાસરૂમમાં ‘હેપી બર્થ ડે’ ગવાયું ત્યારે એના ચહેરા પરની અપાર ખુશીઓ હું જોતો જ રહી ગયેલો.
‘જરાય તોફાન કરે તો તમતમારે આને મારજો, લેશન નો કરે તોયે ઠપકારજો, મારી ફરિયાદ નહિ આવે.’ એની મમ્મીએ પહેલા જ દિવસે મને ભલામણ કરતા કહેલું, ‘ઘરમાં મારા સાસુએ જરા લાડકો વધારે કર્યો છે તે જરા બગડી ગયો છે, હવે તમારે સુધારવાનો બીજું શું!’
પણ એ માસૂમને ક્યારેય ઠપકારવાની જરૂર જ નહોતી પડી. પોતાની ક્ષમતા અનુસાર તો એણે મને પરિણામ લાવી બતાવ્યું એટલે મને એના માટે કશી ફરિયાદ નહોતી. આમ પણ આટલા વરસના અનુભવે મને એટલું શિખવ્યું છે કે ક્યારેય કોઈ કોઈને કશુંયે શિખવી શકતું નથી હોતું, માત્ર દિશા બતાવી શકે છે, એ દિશામા જઈ શિખવાનું તો માણસે જાતે જ હોય છે. એટલે મારું કામ માત્ર અંગૂલિનિર્દેશ પૂરતું જ હોય છે જે હું સંતોષપૂર્વક કરું છું.
રોલ નંબર બે..
‘યસ સર્..’ લકી ઊભી થઈને જરા મોટેથી બોલી. આમેય એનો અવાજ મોટો ને બોલકી પણ ભારે. હાજરીપત્રકે તો એનું નામ લક્ષ્મી જ હતું પણ ઘરમાં બધા એને લખી કહેતા, હું એને જરા વધારે સુધારીને લકી કહેવા માંડ્યો!
એકવાર બાજુના વર્ગવાળા શિક્ષિકા બહેને મને પૂછેલું પણ ખરું, ‘તમે એને લકી કેમ કહો છો?’
દરેકને આપતો એ જ જવાબ મેં તેમને પણ આપેલો, ‘એ મારા માટે લકી છે. એ જ્યારથી મારા વર્ગમાં આવી ત્યારે આપણને પગારપંચનો લાભ મળેલો ને? એટલે આપણા બધા માટે એ લકી જ ગણાય!’
ટેબ્લેટમાં એનું પ્રોફાઈલ પિક્ચર જોતાં મને હસવું આવ્યું. તેણે ચશ્મા સાથે ફોટો પડાવેલો. કેવી ભદ્દી લાગતી હતી! હા, એ વખતે એ ચશ્મા પહેરતી. જો કે હવે એને ચશ્માથી આઝાદી મળી ગઈ છે.
મારા વર્ગમાં એ અરધા સત્રથી આવી હતી. આમ તો તેનો વર્ગ ઉપરના માળે હતો પણ એને પગની કોઈ કાયમી તકલીફ હતી એટલે તેના વર્ગશિક્ષકે મારા વર્ગમાં બેસડવા વિનંતી કરી અને ભલામણ પણ કરી, ‘ત્રણ મહિના આને પગમાં પાટો રહેવાનો છે ત્યાં સુધી એનું નામ તમારામાં રાખો. પછી જોઈએ. અને હા, ચશ્માના કૅમ્પમાં એને મફત ચશ્મા મળ્યા છે, આ છોકરી જરા આળસુ છે, જો તમે ઢીલા રહેશો તો એ ચશ્મા પહેરશે નહિ.’
‘બરાબર.’ કહી મેં એનું નામ મારા રજીસ્ટરમાં લઈ લીધું.
બીજે દિવસે એ ચશ્મા વગર જ આવી. મેં પૂછ્યું, ‘લકી, ચશ્મા ક્યાં?’
‘મારે ચશ્મા નથી પહેરવા સાયબ.’ જરા પગ પછાડતા એ પહેલે જ દિવસે મારાથી રીસાણી. મને થયું એક દિવસ જવા દઉં.
‘ચાલ આજે તારે સૌથી આગળ બેસવાનું, કાલે ચશ્મા લાવજે હોં.’ મેં તેને આગળ બેસાડી. પણ થોડી વાર પછી મેં જોયું કે કોઈ કારણસર એ પાછળ જઈને બેસી ગઈ.
મેં પૂછ્યું, ‘કેમ પાછળ બેઠી? આજે તારી પાસે ચશ્મા નથી એટલે મેં તને આગળ બેસાડી છે.’
‘સાયબ મને તો આઘેથીયે બધું બરાબર દેખાય છે.’ એ બોલી.
મને થયું એને ભણવામાં જ રસ નહિ હોય એટલે પાછળ બેસવા આમ બોલે છે. નિશાળમાંથી મફત મળ્યા છે એ ચશ્મા એને પહેરવા જ નથી. એને બરાબર દેખાય છે કે નહિ એની મેં મારી સૂઝ પ્રમાણે કસોટી કરવાનું ચાલુ કર્યું. મારા આશ્ચર્ય વચ્ચે હું ખોટો સાબિત થયો. એણે તો દૂરથી પણ બધું સ્પષ્ટ વાંચી બતાવ્યું ત્યારે મને નવાઈ લાગી. આંખની તપાસમાં ડૉક્ટરલોકો પણ સ્ટુડન્ટ્સને ભરોસે બધું છોડી દે તો જ આવું થાય. જોકે સામાન્ય આરોગ્ય તપાસ માટે મેડીકલ સ્ટુડન્ટ્સ આવતા હોય છે પણ આંખ માટે?
મને વધુ એક ઝબકાર થયો ને હું તરત લક્ષ્મીના જૂના વર્ગશિક્ષક પાસે ગયો. તેમના વર્ગમાં તપાસ કરતા મારી શંકા સાચી પડી. એ વર્ગમાં બીજી એક લક્ષ્મી નામની વિદ્યાર્થિનિ હતી અને તેની તપાસ કરતા તેને જ દૂરનું ઓછું દેખાતું હોવાનું જણાયું. તેને નામે આવેલા ચશ્મા એ વર્ગશિક્ષકે આ લક્ષ્મીને છ મહિના ધરાર પહેરાવ્યે રાખ્યા!
ખેર, મેં એ ભૂલ સુધારી નાખી. પણ એ ભૂલ ભૂલાય નહિ એ માટે ચશ્માવાળો ફોટો જ ટેબ્લેટમાં તેના પ્રોફાઈલમાં મેં રાખ્યો છે.
– અજય ઓઝા
(મો- ૯૮૨૫૨૫૨૮૧૧) ૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)
એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?
આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ.
બહુ જ સરસ છે બાળપણ ના શિક્ષકોની યાદ આવી ગઈ.
તમારી કૃતિ રોલ નંબર એક અને બે વાંચી ખરેખર મારી શાળાના દિવસ યાદ આવી ગયા.બાળપણના એ શાળાના
દિવસો ખૂબજરૂરી યાદગાર હોત છે તમારી આ કૃતિ વાંચીને ફરીથી આ યાદોની ગલિયોમા ફરવાનુ મળ્યુ.અને ફરીથી જીવવા માટે નુ બહાનુ મળ્યુ.
અજયભાઈ, મારા પિતાશ્રી પણ પ્રાથમિક શિક્ષક હતા. એ વખતની વાત જુદી જ હતી. પણ તમે જ કહો કે એવા શિક્ષકોને તૈયાર કરવા માટે
શાળાનો પાયો ક્યાં નાખવો, અને ડૉનેશન લેવું કે નહી?1.
આલેખન સચોટ, રસપ્રદ, તાજગી સભર. શિક્ષકની સંવેદન ભરી દ્રષ્ટિ
વાચકને પ્રભાવિત કરે છે. લેખકને અભિનંદન.
Very new subject, and nicely written Ajaybhai.. Congratulations!
પહેલા જ વાક્યથી હું ફરીથી બાળપણની દુનિયામાં પહોંચી ગયો. એમ થયું વાચતા જ જઈએ. ખૂબ જ સરસ કન્સેપ્ટ અને રસાળ શૈલી. અક્ષરનાદ અને અજયભાઈનો ખૂબ ખૂબ આભાર.
ખુબ જ સરસ વાર્તા, મન સાચે ભુતકાળમા સરી ગયુ. અભિનન્દન.
વાહ ખૂબ સરસ…રોલ ન.. બાળકોના મનોભાવો …
મસ્ત.. તમારા વિદ્યાર્થીઓ વિષે જાણવું ગમ્યું.. આગળ પણ ગમશે..
સરસ અજયભાઈ ને ખરેખર ધન્યવાદ આજના શિક્ષણ માળખા મા આટલુ ધ્યાન આપતા શિક્ષકમિત્રો કેટલા?
દિલ બાગ બાગ હો ગયા. ..વાહ. …સાહેબ
વિદ્યાર્થી ની સાચી ઓળખ આપવા બદલ ધન્યવાદ@અજય ઓઝા