માડી પૂરી કરજો આશ,
ઉનાળે બધાંને પા’જો છાશ!
જય માતાજી!
નાનપણમાં એક વાર્તા વાંચેલી, એક બ્રાહ્મણને કોઈ શેઠના ઘરે જમવાનું હોય છે. બ્રાહ્મણ પોતાના ઘરે પરત આવે છે એટલે ગોરાણી પૂછે કે કેવું હતું જમવાનું? કઈ કઈ વાનગીઓ હતી? કંજૂસ શેઠના ઘરેથી નિરાશ થઈને આવેલો બ્રાહ્મણ કહે છે કે ત્યાં તો દેવોને દુર્લભ એવી ધરતી પરનું અમૃત છાશ પણ પીવા ન મળી.
એક મિનિટ હો.. હું જરા છાશ પી લઉં. આહા.. ગળું અને મન તૃપ્ત થયું. હવે છાશનો મહિમાગાન ગાવાની મજા પડશે.
છાશ, ઘોરવું અને લચ્છી; આ ત્રણેય કાકા-બાપાના ભાયું. પણ છાશ જ્યેષ્ઠ સંતાન… કોનું? તે દહીંનું જ ને વળી. શું? એ રે’વા દેજો બાપલિયા… દૂધ તો છાશના દાદા થાય! આપણે છાશ પર ચિત્ત ચોંટાડીયે.
મારો અને છાશનો સંબંધ બહુ જૂનો. એમ માનોને કે, જમણવારમાં હજુ કેટરર્સપ્રથા દાખલ નહોતી થઈ તેટલો જૂનો. મોસાળ પક્ષમાં જ્યારે પણ લગ્નપ્રસંગ હોય ત્યારે મને અને મારા મામાના દીકરા જયને છાશ અને પાણી પિવડાવવાની ફરજ સોંપાતી. અમે બહું હરખાતા. પિરસણિયા તરીકે જે ફ્રેશર જોઈન થાય ત્યારે આ ફરજ અપાય એ અમને પછીથી જાણવા મળ્યું. ભિખારી ભોજનપ્રથા એટલે કે બુફે જમણ શરુ થયું ત્યારે અમને પાણી અને છાશના કાઉન્ટર અપાતાં. અફસોસ કે પિરસણિયા અને કાઉન્ટર સંભાળવામાં પ્રમોશન મળવાનું હતું ‘ને કેટરર્સપ્રથા શરુ થઈ ગઈ. પણ અમે પ્રસંગો દરમિયાન છાશ પિવડાવીને ઘણાંના હૈયા ઠાર્યા છે. (થોડામાં ઘણું!)
મને હજુ યાદ છે કે મારા ઘરે એક નાકા વગરનો જગ હતો. એ જગમાં આખો વાટકો દહીં અને બે લોટા પાણી નાખી, જગને બે પગના તળિયા વચ્ચે રાખીને. લાકડાની જરણીથી દહીં બરાબર વલોવી છાશ બનાવતો. બહુ મહેનતથી છાશ બનાવતો. તો પણ રસોડામાંથી મમ્મીની બૂમ આવતી, “પાણી ઓછું નાખતો જા. છાશ પાણી જેવી જ બને છે.” પણ બે –ત્રણ ગ્લાસ છાશ તો મારે જ જોઈએ પછી ‘ભેળસેળ’ તો કરવી ને?!!!
આવી સમસ્યા મારે વડોદરા ટ્રેનિંગ દરમિયાન પણ થઈ. અમે છ મિત્રો સાથે રહેતા ત્યારે મારા પરમ મિત્ર પિયુષને (મને એવું લાગે છે કે પેલી વાર્તાવાળો બ્રાહ્મણ આ જ) પણ છાશ પ્રત્યે અગાધ પ્રેમ. તે દરરોજ અડધો કિલો દહીં લઈ આવે અને પોતે વલોવી ઘોરવા જેવી જ છાશ બનાવીને પોતાનો એક ગ્લાસ કાઢી લે. પછી ઠાવકો થઈને મને કહે, “હવે તારે જેટલું પાણી નાખવું હોય એટલું નાખ..”
અમારે રાજકોટમાં ઈશ્વરભાઈના ઘૂઘરા વખણાય. ત્યાં ઘૂઘરા જોડે છાશ પણ મળે. મસ્ત મજાની ઠંડી હો! હવે એ પ્રથા શહેરના બધાં ઘૂઘરાવાળાઓએ ચાલું કરી દીધી છે. જ્યારથી અમૂલની છાશ મળવા લાગી છે ત્યારથી અમારા જેવા છાશ પ્રેમીઓને રાહત થઈ છે.
છાશ ખરેખર ગરીબોનું અમૃત છે. ઉનાળામાં ગુજરાતમાં ઠેર ઠેર છાશના પરબ પણ ચાલે છે. ગરીબોને છાશ વિનામૂલ્ય અપાય છે.
છાશનું સાહિત્યજગતમાં મહત્વ ઘણું. અરે પેલો રૂઢિપ્રયોગ છે ને…”દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે.” બરોબર ને? હું કંઈ એમ ને એમ છાશના ગુણગાન નથી ગાતો.
“ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે.”
ભાઈ ભાઈ.. જમાવટ હો! જુઓ, આ છાશ જ્યાં સુધી આ ધરા પર છે ત્યાં સુધી વલોણું, જરણી, વલોવવું વગેરે શબ્દો આપણી આવનારી પેઢી સાંભળી શકશે..બાકી તો “શેઇક ઈટ શેઈક ઈટ!” એવું જ સાંભળવું પડે. અને ગામડાની ગોરીઓ સામ સામે ઊભી રહી દોરડાથી વલોણું વલોવતી હોય એવું દ્ગશ્ય તો હવે ટીવી સિરિયલ કે ગુજરાતી આલ્બમમાં જ નજરે પડે છે. પણ હશે.. પરિવર્તન સંસારનો નિયમ છે. છતાં ડાર્વિનભાઈના નિયમ “સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ”ને અનુસરી છાશ પોતાનું સ્થાન ટકાવી રાખીને ગુજરાતી થાળીને શોભાવી રહી છે.
મિત્રો શિયાળો તો આ વખતે જોઈ એવો જામ્યો નથી એટલે લાગે છે ઉનાળો જમાવટ કરશે. તો આ ઉનાળામાં કેમીકલવાળા પીણાઓ કરતાં છાશ ગટગટાવશો તો શરીરને ફાયદો થશે. તમારાં વ્હાલાઓને જમવામાં છાશ જરૂરથી આપશો. સ્વાગત લીંબુ પાણી કે વરિયાળીના શરબતથી કરજો.
છેલ્લે એટલું જ કહીશ “ઓન્લી છાશ બુજાયે પ્યાસ, બાકી સબ બકવાસ!”
બિલિપત્ર
સતયુગ મેં અમૃત મીલે, દ્વાપર યુગ મેં ઘી,
કલિયુગ મેં છાશ ભયો, તું ફૂંક માર કે પી!
– ગોપાલ ખેતાણી
(વ્યવસાયે મિકેનિકલ સોફ્ટવેર એડમિન, નોઈડા. અક્ષરનાદ અને રિડ ગુજરાતીની પ્રેરણાથી માઇક્રોફિક્શન, હળવા હાસ્ય લેખ, પ્રવાસ વર્ણન અને ટૂંકી વાર્તાઓ લખું છું. gopalkhetani@gmail.com)
વાહ ..અમૃત પીણાંના રસનું લ્હાણુ પણ એવાજ ટાઢક ભર્યા લેખથી કર્યું.અભિનંદન..
nice..
આપનો આભાર દિનેશભાઈ.
કુદરત ની આ ભેટ છે ખાસ
અનમોલ પીણું છે આ છાશ.
પ્રસંગ કોઈ પણ હોઈ, ગરબા કે રાસ,
અધૂરો રહે, જો હોઈ ના છાસ.
પિતૃઓ માટે હોઈ જો કાગ વાસ,
એમને પણ જોઈએ આ અનમોલ છાસ,
અમે ગુજરાતીઓ છે આણા દાસ,
દિવસ હોઈ કે રાત, જોઈએ છાસ.
ગોપાલ પૂછે છે મને કે તું ક્યાં જાસ,
દર્શન કહે કે મિત્ર, હું જાવ છુ લેવા છાસ.
વાહ દર્શન… છાશ પર આ કવિતા રૂપી પ્રતિભાવ વાચી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. આફરીન! ખૂબ ખૂબ આભાર!
છાસ વિના સૌરાષ્ટ્રમાં તો ભોજન અધુરૂં જ ગણાય.
સરસ લેખ.ગોપાલભાઈ…
સાચી વાત…સૌરાષ્ટ્રમાં સુકો રોટલો ચાલે પણ છાશ ના હોય તો ના ચાલે! ખૂબ ખૂબ આભાર
ભાઇ ભાઇ…..આ છાશ ચડી હો
ભાઈ ભાઈ! જમાવટ
તમે છાંસ દ્વારા બહુ જુના સ્મરણો જગાડી દીધા. નાનપણમાં જયારે વલોણાનો વારો હોય ત્યારે ઉઠવાની આળસ થાય. એટલી વહેલી સવારે ને એ પણ ઠંડીમાં ગરમ કપડા તો હોય નહિ. ત્યારે વલોણુ ત્રેડ મિલ જેવુ નહોતુ લાગતુ જે અત્યારે સપંન્ન લોકો પૈસા ખર્ચીને કસરત તરીકે વાપરે છે. એ સમયે લગભગ દરેક ખેડુતના ત્યા દુઘાળા ઢોર ગાય ભેંસ હોય જ. ગામના વસવાયા ને ઉભડ લોકોના બૈરા છાણવાસીદુ ને પાણી ભરી આપવાના બદલામાં છાંસ લઇ જતા. ત્યારે દુધ વેચવાનુ વેપાર ચાલુ નહોતો થયો. એટલે ગરીબગુરબાને જરુર પડે પળીપાવળુ મફત મળતુ. એ બદલાયુ જ્યારે ખેડુતને ઢોરોનુ ખાણ કપાસીયા ને ખોળ બહારથી ખરીદવાની જરુર પડી ને કુવા ઉપર ક્રુડઓઇલથી ચાલતા મશીન ને છેવટે વીજળીથી ચાલતા મશીન આવ્યા ને રોકડનો વ્યવહાર શરુ થયો. હવે એને દુધ બહાર વેચીને નાણા ઉભા કરવાની
જરુર પડી. એટલે મફત મળતી છાંસ બંધ થઇ. આ પણ વિકાસની એક આડઅસર કહેવાય ને. આજે તો વલોણાની જગ્યાએ ઇલેકત્રીક વલોણા આવી ગયા છે. એટલે હવે ગામડામાં ઘમ્મર વલોણાનુ સંગીત નહિ સંભળાય. કમનસીબે કહેવુ પડે છે કે ખુદ ગામડા જ ખાલી થઇ ગયા છે. હવે છાંસને લગતી થોડી કહેવતો. છાંસના માવતર ઢુકડા. છાંસ લેવા જવુ ને દોણી સંતાડવી. દુધનો દાઝેલો છાંસ પણ ફુંકી ફુંકીને પીવે. છોકરાથી છાંસ થોડી પીવાય?
બાકી તો સૌરાષ્ટમાંં છાંસ પી ને મોટા થયા છીએ. એ જ વિમળા હિરપરા
વિમળા બેન્ તમારેી કોમેન્ટ અહેીં વાંચેીને આનંદ થયો. કદાચ તમે ફોન કરતા હશો.પણ મારા નંબર બદલાઈ ગયા હોવાથેી ઘણાં સમયથેી આપણે વાત થઈ શકેી નથેી. તમારા નંબર આ નવા મોબાઈલમાંથેી મળતા નથેી.
બાકેી તમને, તમારા સ્નેહને યાદ કરું ચ્હું. મજામાં હશો.
આટલો સરસ વિગતે પ્રતિભાવ આપવા બદલ વિમળાબહેનનો દિલથી આભાર. આ પ્રતિભાવ જાણે લેખના અનુસંધાનમાં જ હોય એવું લાગે. ખૂબ ખૂબ આભાર!
વાહ ગોપાલભાઈ ! છાશ પીવડાવીને તમે સૌને તૃપ્ત કરી દીધા. છાશને ધરતી પરનું અમૃત કહેવું યથાયોગ્ય જ છે.
આપના પ્રતિભાવ માટે ખરેખર દિલથી આભાર!
Chhas is very basic and popular drink. And my favourite too. It’s admire and enjoyed in many countries. In Turkish it’s called Ayran and in Iran it’s Doogh. It’s their local drink. In Iran they add soda in chhas.
What an amazing article Gopal. Need to have a glass of chhas now.
અહા.. ભાઈ જતીન..તે ખૂબ સરસ માહિતી આપી. છાશ સોડા જો કે હવે સૌરાષ્ટ્રમાં પણ મળવા લાગી છે. ખૂબ ખૂબ આભાર ભાઈ.
છાશ ની જેમ જ ઠંડક આપે તેવો લેખ..!!
ખૂબ ખૂ આભાર કૃપેશભાઈ!
અદભુત, શું વણૅન કર્યું છે છાસ નું, મોં માં પાણી આવી ગયું. ખુબ સરસ.
પી નાખો એક ગ્લાસ છાશ તો પછી! ખૂબ ખૂબ આભાર!
જમ્યા પછી એકજ આશ મળી જાય એક ગલાસ છાશ તો હૈયે થાય હાશ.
રાખો છાશમાં વિશ્વાસ તો રોગ ન આવે પાસ!! ખૂબ ખૂબ આભાર!
Every secret of a your soul, every experience of your life, every quality of your mind, is written here.
Keep it up..!
બહુ સરસ લેખ. આરોગ્ય માટે લાભદાયી છાશની વાત એટલી હળવી શૈલીમાં ચોટદાર રીતે રજૂ કરી કે વૈદરાજનું પણ કહ્યું માનતા ના હોય, તેવા લોકો પણ આ લેખ વાંચ્યા પછી છાશ પીતા થઇ જશે!
ભગવાનને માખણ પણ છોકરાં માટે છાશ !
બસ એક વિનમ્ર પ્રયાસ માત્ર! આપને લેખ પસંદ પડ્યો એ જ મારા માટે સૌભાગ્ય! ખૂબ ખૂબ આભાર!
મજા પડી ગઈ છાશનું ગુણગાન વાચીને!! આજે બપોરે અમુલની છાશ ગટગટાવામા આવશે. અમદાવાદ શહેરમાં જલારામ ની છાશ ખૂબ પ્રખ્યાત છે. લસ્સી કરતા છાશ વઘુ વેચાય. આવો અમદાવાદ એટલે જઇએ અમ્રુતપાન કરવા.
ટેસ્ટ ઓફ ઇન્ડિયા!! ચોક્ક્સ ..જલારામનું નામ હોય ત્યાં તો જવું જ પડશે ભાઈ! ખૂબ ખૂબ આભાર!
વાહ, જોરદાર ભાઈ. ગોપાલભાઈ તમારી હળવી શૈલી છાશમાંથી ઉભરાઈને બહાર દેખાઈ રહી છે. જાણે નજર સામે આવીને આખો લેખ તમારા મોંઢે સાંભળ્યો હોય તેવો આનંદ થયો. . વિષયપસંદગી બહુ જ સરસ..
તમારી શુભકામનાઓના લીધે જ આ શૈલી જળવાઈ રહી છે. ખૂબ ખૂબ આભાર.
સાચું કહ્યું.. બ્રાહ્મણને છાશ વિના બધું ફિક્કું…!
સરસ લેખ ગોપાલભાઈ
બ્રહ્મભોજનનું પુણ્ય છાશ પીવડાવ્યા પછી જ થાય એવું મારા એક પરમ મિત્ર કહેતા હતાં. 😛 😛 ખૂબ ખૂબ આભાર
घृतं न श्रूयते कर्णे दधि स्वप्नेऽपि दुर्लभम् |
मुग्धे दुग्धस्य का वार्ता तक्रं शक्रस्य दुर्लभम् ||
છાશ( તક્ર ) તો ઈન્દ્રને (શક્ર) પણ દુર્લભ છે !
અહાહા.. પરફેક્ટ કમેન્ટ… ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ!
વાહ… આ નવું જાણવા મળ્યું.