દેવોને દુર્લભ : છાશ – ગોપાલ ખેતાણી 34


માડી પૂરી કરજો આશ,
ઉનાળે બધાંને પા’જો છાશ!
જય માતાજી!

નાનપણમાં એક વાર્તા વાંચેલી, એક બ્રાહ્મણને કોઈ શેઠના ઘરે જમવાનું હોય છે. બ્રાહ્મણ પોતાના ઘરે પરત આવે છે એટલે ગોરાણી પૂછે કે કેવું હતું જમવાનું? કઈ કઈ વાનગીઓ હતી? કંજૂસ શેઠના ઘરેથી નિરાશ થઈને આવેલો બ્રાહ્મણ કહે છે કે ત્યાં તો દેવોને દુર્લભ એવી ધરતી પરનું અમૃત છાશ પણ પીવા ન મળી.

એક મિનિટ હો.. હું જરા છાશ પી લઉં. આહા.. ગળું અને મન તૃપ્ત થયું. હવે છાશનો મહિમાગાન ગાવાની મજા પડશે.

છાશ, ઘોરવું અને લચ્છી; આ ત્રણેય કાકા-બાપાના ભાયું. પણ છાશ જ્યેષ્ઠ સંતાન… કોનું? તે દહીંનું જ ને વળી. શું? એ રે’વા દેજો બાપલિયા… દૂધ તો છાશના દાદા થાય! આપણે છાશ પર ચિત્ત ચોંટાડીયે.

મારો અને છાશનો સંબંધ બહુ જૂનો. એમ માનોને કે, જમણવારમાં હજુ કેટરર્સપ્રથા દાખલ નહોતી થઈ તેટલો જૂનો. મોસાળ પક્ષમાં જ્યારે પણ લગ્નપ્રસંગ હોય ત્યારે મને અને મારા મામાના દીકરા જયને છાશ અને પાણી પિવડાવવાની ફરજ સોંપાતી. અમે બહું હરખાતા. પિરસણિયા તરીકે જે ફ્રેશર જોઈન થાય ત્યારે આ ફરજ અપાય એ અમને પછીથી જાણવા મળ્યું. ભિખારી ભોજનપ્રથા એટલે કે બુફે જમણ શરુ થયું ત્યારે અમને પાણી અને છાશના કાઉન્ટર અપાતાં. અફસોસ કે પિરસણિયા અને કાઉન્ટર સંભાળવામાં પ્રમોશન મળવાનું હતું ‘ને કેટરર્સપ્રથા શરુ થઈ ગઈ. પણ અમે પ્રસંગો દરમિયાન છાશ પિવડાવીને ઘણાંના હૈયા ઠાર્યા છે. (થોડામાં ઘણું!)

મને હજુ યાદ છે કે મારા ઘરે એક નાકા વગરનો જગ હતો. એ જગમાં આખો વાટકો દહીં અને બે લોટા પાણી નાખી, જગને બે પગના તળિયા વચ્ચે રાખીને. લાકડાની જરણીથી દહીં બરાબર વલોવી છાશ બનાવતો. બહુ મહેનતથી છાશ બનાવતો. તો પણ રસોડામાંથી મમ્મીની બૂમ આવતી, “પાણી ઓછું નાખતો જા. છાશ પાણી જેવી જ બને છે.” પણ બે –ત્રણ ગ્લાસ છાશ તો મારે જ જોઈએ પછી ‘ભેળસેળ’ તો કરવી ને?!!!

આવી સમસ્યા મારે વડોદરા ટ્રેનિંગ દરમિયાન પણ થઈ. અમે છ મિત્રો સાથે રહેતા ત્યારે મારા પરમ મિત્ર પિયુષને (મને એવું લાગે છે કે પેલી વાર્તાવાળો બ્રાહ્મણ આ જ) પણ છાશ પ્રત્યે અગાધ પ્રેમ. તે દરરોજ અડધો કિલો દહીં લઈ આવે અને પોતે વલોવી ઘોરવા જેવી જ છાશ બનાવીને પોતાનો એક ગ્લાસ કાઢી લે. પછી ઠાવકો થઈને મને કહે, “હવે તારે જેટલું પાણી નાખવું હોય એટલું નાખ..”

અમારે રાજકોટમાં ઈશ્વરભાઈના ઘૂઘરા વખણાય. ત્યાં ઘૂઘરા જોડે છાશ પણ મળે. મસ્ત મજાની ઠંડી હો! હવે એ પ્રથા શહેરના બધાં ઘૂઘરાવાળાઓએ ચાલું કરી દીધી છે. જ્યારથી અમૂલની છાશ મળવા લાગી છે ત્યારથી અમારા જેવા છાશ પ્રેમીઓને રાહત થઈ છે.

છાશ ખરેખર ગરીબોનું અમૃત છે. ઉનાળામાં ગુજરાતમાં ઠેર ઠેર છાશના પરબ પણ ચાલે છે. ગરીબોને છાશ વિનામૂલ્ય અપાય છે.

છાશનું સાહિત્યજગતમાં મહત્વ ઘણું. અરે પેલો રૂઢિપ્રયોગ છે ને…”દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે.” બરોબર ને? હું કંઈ એમ ને એમ છાશના ગુણગાન નથી ગાતો.

“ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે
શ્યામ આવીને મારી મટુકી ફોડે.”

ભાઈ ભાઈ.. જમાવટ હો! જુઓ, આ છાશ જ્યાં સુધી આ ધરા પર છે ત્યાં સુધી વલોણું, જરણી, વલોવવું વગેરે શબ્દો આપણી આવનારી પેઢી સાંભળી શકશે..બાકી તો “શેઇક ઈટ શેઈક ઈટ!” એવું જ સાંભળવું પડે. અને ગામડાની ગોરીઓ સામ સામે ઊભી રહી દોરડાથી વલોણું વલોવતી હોય એવું દ્ગશ્ય તો હવે ટીવી સિરિયલ કે ગુજરાતી આલ્બમમાં જ નજરે પડે છે. પણ હશે.. પરિવર્તન સંસારનો નિયમ છે. છતાં ડાર્વિનભાઈના નિયમ “સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ”ને અનુસરી છાશ પોતાનું સ્થાન ટકાવી રાખીને ગુજરાતી થાળીને શોભાવી રહી છે.

મિત્રો શિયાળો તો આ વખતે જોઈ એવો જામ્યો નથી એટલે લાગે છે ઉનાળો જમાવટ કરશે. તો આ ઉનાળામાં કેમીકલવાળા પીણાઓ કરતાં છાશ ગટગટાવશો તો શરીરને ફાયદો થશે. તમારાં વ્હાલાઓને જમવામાં છાશ જરૂરથી આપશો. સ્વાગત લીંબુ પાણી કે વરિયાળીના શરબતથી કરજો.
છેલ્લે એટલું જ કહીશ “ઓન્લી છાશ બુજાયે પ્યાસ, બાકી સબ બકવાસ!”

બિલિપત્ર

સતયુગ મેં અમૃત મીલે, દ્વાપર યુગ મેં ઘી,
કલિયુગ મેં છાશ ભયો, તું ફૂંક માર કે પી!

– ગોપાલ ખેતાણી
(વ્યવસાયે મિકેનિકલ સોફ્ટવેર એડમિન, નોઈડા. અક્ષરનાદ અને રિડ ગુજરાતીની પ્રેરણાથી માઇક્રોફિક્શન, હળવા હાસ્ય લેખ, પ્રવાસ વર્ણન અને ટૂંકી વાર્તાઓ લખું છું. gopalkhetani@gmail.com)


Leave a Reply to ગોપાલ ખેતાણી Cancel reply

34 thoughts on “દેવોને દુર્લભ : છાશ – ગોપાલ ખેતાણી