ફાગણ ફોરમતો… – દિનેશ જગાણી 9



બે દિવસ પહેલાં હાથીદ્રા ગયેલા ત્યારે ગામના મંદિરની ટેકરી (નાના પર્વત) પરથી નીચે જોતાં દૂર દૂર સુધી ફેલાયેલા ઘઉંના ખેતરો જાણે સુતરફેણીના ચોસલાઓ ગોઠવ્યા હોય એવા લાગતા હતા. પીળા-લીલા રંગથી સભર ઘઉંના ખેતરો અમારા વિસ્તારનું નામ ‘ધાનધાર(દાર)’ એવું યાદ અપાવી રહ્યા હતાં. એમાંય વચ્ચે-વચ્ચે ઉગેલા ખજૂરીના વૃક્ષો, દૂર પર્વતોમાંથી આવતો સુકાઈ ગયેલી નદીનો પટ ખેતરો વચ્ચેથી ગામ તરફ જતો; આસપાસ ખજૂરીના વૃક્ષોથી શોભતો વહેળો-રસ્તો, ટેકરી નીચેનું મંદિર પરિસર અને આખા વિસ્તારને ત્રણ તરફથી ઘેરીને ઉભેલી અરવલ્લીની ગિરિમાળા. એવું થતું હતું કે અહિયાં રહેવા એક ઘર અને ગમતું કામ મળી જાય! મને હાથીદ્રા ગામના લોકોની સહેજ ઈર્ષા આવી! એમને આ વૈભવ સહજપ્રાપ્ય છે. હાથીદ્રાથી ગોઢ ગામ થઇ ધાણધા ગામ સુધીનો રસ્તો પણ સુંદર. ગોઢ ગામતો આખું પર્વતોમાં વસેલું છે.

અત્યારે આખી પ્રકૃતિ વસંતના રંગોમાં રંગાઈ ગઈ છે. મને પ્રિય એવા રોયડાના (રોહીડાના) વૃક્ષો તો છેલ્લા પંદર-વીસ દિવસથી કેસરી-પીળા પુષ્પો ધારણ કરી હોળી રમવાની તૈયારી કરી રહ્યા છે. અમારા આખા વિસ્તારમાં આ વૃક્ષો સારા પ્રમાણમાં છે. ખેતરોની વાડે, શેઢા પર કે પછી સીમ-વગડામાં આપમેળે જ ઉગી નીકળે. આમ તો આખું વર્ષ એમની હાજરી ખાસ વર્તાય નહીં પણ જેવો ફાગણ આવવા થાય કે એમને જાણે શૂરાતન ચડે. રણે ચડેલા કોઈ યોદ્ધાની જેમ કે પછી પરણવા નીકળેલા વરરાજાની જેમ કેસરી સાફો (પુષ્પો) ધારણ કરી તૈયાર થઇ જાય. ખૂબ ઓછુ પાણી જોઈએ એમને. એટલેતો એ રાજસ્થાનનું રાજ્યપુષ્પ છે. હમણાં મારા એક મિત્ર ધીરુ ચૌધરીનો એક સામયિકમાં આવેલ “મહેક મહેક મંજરી ના દા’ડા” નામનો વસંત પર લખાયેલો સરસ લેખ વાંચતો હતો. એમાં ધીરુભાઈએ એમના ગામની સીમમાં સુકાઈ ગયેલા તળાવને કિનારે ઊભેલા પુષ્પધારી રોયડાની વાત કરેલી. સાથે એમણે તેને કેસુડાનો પિતરાઈ ભાઈ પણ કહેલો. હું ધીરુભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું. અમારે ત્યાં કેટલાય લોકો રોયડાને જ કેસુડો સમજે છે. જોકે મારા મતે એ કેસુડા કરતાં સહેજ પણ ઉતરતો નથી. મને તો ઉલટાનું કેસુડાના આક્રમક લાલ રંગ કરતાં રોયડાનો સૌમ્ય પીળાશ પડતો કેસરી રંગ વધું ગમે! આશ્ચર્ય તો એ વાતે થાય કે આપણા ત્યાં કેસુડા વિશે ઘણું બધું લખાયેલું છે ત્યારે રોયડો કેમ ઉપેક્ષિત છે? એ પણ ફાગણનું પુષ્પ છે!

આજે ગામડે આવતો હતો ત્યારે રસ્તાની બંને તરફ વસંતના વાહન એવા આંબાના વૃક્ષો જોયા હતા. એમને મંજરીઓ બેઠી છે. ક્યાંક ક્યાંક નાની કેરીઓ પણ ખરી. અત્યારે એમણે આછો લીલો, પોપટી, બદામી, ઘેરો લીલો, આછો લાલ એવા જુદાજુદા રંગો ધારણ કર્યા છે. આંબાને જોઇને જ આવનારો ઉનાળો સહ્ય લાગે છે. આ વૃક્ષો માટે મને ખૂબ લગાવ છે. અમારા વિસ્તારમાં પહેલા ઘણાંબધા આંબા હતા પણ અત્યારે ખેડૂતો પોતાના સ્વાર્થ માટે માથે રહી એમને કાપી-કપાવી રહ્યા છે. પિતાજી પાસેથી આંબાઓ અને કેરીઓ વિશે ઘણી વાતો સાંભળેલી. થોડા વર્ષો અગાઉ ગામમાં ને આસપાસના વિસ્તારમાં કેરીઓ જે તે આંબાના નામથી વેચાતી! કેરીઓના નામ હોય એમ આંબાઓના પણ નામ! ‘મોર વાળા’ આંબાની વાત યાદ આવે છે. ચૈત્ર મહિનામાં અમારે ગામના વગડામાં આવેલા રેપડી માતાના મંદિરે હવન થતો ત્યારે ત્યાં ચાલતા જવા માટે આકર્ષણ રસ્તામાં આવેલા આંબા અને આંબલીના વૃક્ષો રહેતા! આંબાના પાનને બંને છેડે જુદીજુદી બાજુએથી અડધું ફાડી વચ્ચે બાવળની શૂળ ભરાવી રમવા માટે પંખો (ફરકડી) બનાવતા એ યાદ આવે છે.

વસાહતના મેદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી સુષુપ્ત રહેલા ચંપાના છોડ પર નાની કળીઓ બેઠી છે. ચોમાસા પછી ઉંઘી ગયેલા મોગરાને પણ નવા પાન ફૂટ્યા છે. કદાચ એક કળી પણ! કણજીઓના પાનની જગ્યા પોપટી રંગની ફુંન્દીઓએ (વૃક્ષનું ફળ} લઈ લીધી છે. મારા ઘરની સામે વાડ બહાર કણજીનું વિશાળ વૃક્ષ હતું. નાના હતા ત્યારે એની સુકાઈ ગયેલી ફુંન્દીઓ વીણી, દાણા કાઢી ખાવાની મઝા આવતી! કેટલીક ઉત્સાહી છોકરીઓ તો અંદર ગોળ મેળવી સુખડી પણ બનાવતી! એ વૃક્ષનું એક મૂળ જમીનથી થોડું અધ્ધર રહી ખુરશી જેવો આકાર બનાવતું. બચપણમાં ઘર-ઘર રમત રમતા ત્યારે એ રાજા માટેના સિંહાસન તરીકે ઉપયોગમાં આવતું. કેટલીય વાર ત્યાં બેસી રાજપાઠ ભોગવ્યા છે. હવે તો એ વૃક્ષ કપાઈ ગયું ને રાજ્ય પણ લૂટાઈ ગયું છે. ત્યાં દુકાનો બની ગઈ..

 

ઘર પાસેના લીમડાને નવી મંજરીઓ બેઠી છે. નાનપણથી એ મારો હમસફર રહ્યો છે. ચૈત્ર માસમાં તો એનામાંથી તરબતર કરી દેતી સુગંધ આવશે. એના પર એક કાગડાએ માળો કર્યો છે. પોપટ માટે તો એ કાયમી ઘર છે.

વસંતને સોળમું બેઠું છે. આખી પ્રકૃતિ નશામાં હોય એવું લાગે છે. ક્યાંક એવું વાંચેલું કે વસંતનો સમય એ માણસ જાત માટે ‘મેટીંગ પીરીયડ’ છે. જો કે માણસ જાતને આ વૈભવ બારેમાસ ઉપલબ્ધ છે. પણ આ ઋતુમાં કૈક ‘એક્સ્ટ્રા ફિલ’ થતું હોય એવું હોઈ શકે!! વસંતની વાત નીકળી છે તો સંસ્કૃત સાહિત્ય કેમ ભૂલાય? વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ વાંચતો હતો. એમાં વસંતોત્સવનો ઉલ્લેખ આવે છે. પ્રાચીન ભારતમાં વસંત ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો. રાજા પોતે એની તૈયારીમાં રસ લેતા. પર્ણ, પુષ્પ, સુગંધી દ્રવ્યો ધારણ કરી યુવક-યુવતીઓ વગડા તરફ નીકળી પડતાં! પ્રકૃતિ તરફ કેટલો આદર હતો એ સમયે! અને ‘કામ’નો પણ સહજ સ્વીકાર! ક્યાંક વાચેલું કે એ સમયે (પ્રાચીન ભારતમાં) કોઈ વૃક્ષને(આંબાને) ફળ ન આવતા હોય તો કોઈ સુંદર યુવતી પોતાના હાથનો (કે સ્તનનો?) સ્પર્શ કરતી તો એને ફળ આવી જતા! કેવી અદભૂત કલ્પના! આજકાલ તો કોઈ યુવતીના સ્પર્શથી તુલસી બળી ગઈ હોય એવી વાતો સ્ત્રી વૃંદ વચ્ચેથી ક્યારેક કાને અથડાઈ જાય છે.

ફાગ ગાવાવાળા આવ્યા છે. હંમેશાં તો આ લોકો હોળીના અઠવાડિયા પહેલાં આવી જતા. આ વખતે મોડા છે. એક ચાલીસ આસપાસનો પુરુષ અને સાથે બે યૌવનમાં પ્રવેશતી છોકરીઓ છે. બે નાનાં છોકરાં પણ સાથે છે. ઊંચું કદ, વધેલી કાળી દાઢી અને માથા પરની રંગીન પાઘડીને લીધે પુરુષનો દેખાવ કોઈ વણઝારના નાયક જેવો લાગે છે. છોકરીઓએ રાજસ્થાની કપડા પહેર્યા છે. પૈસા આપતા પહેલાં મેં આખું ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યાં પુરુષનો પહાડી સ્વર ડફલીના ધીર ગંભીર અવાજ સાથે સૂતેલી બપોરને જગાડી દે છે. ન સમજાય એવું રાજસ્થાની ગીત છે. પુરુષ ડફલી વગાડતાં ગાતો જાય છે અને એનો અવાજ પેલી બે છોકરીઓ ઝીલે છે. અમારી આ ગીત સંગીતની પ્રવૃત્તિ જોઈ કેટલાક પાડોશી પણ આવી ગયા છે. બા મોઢા પર સ્મિત સાથે અમારી આ પ્રવૃત્તિ નિહાળી રહી છે. ગીત ચાલું હતું એ દરમિયાન મોબાઈલથી એ લોકોના એક-બે ફોટો લેવા પ્રયત્ન કરું છું ત્યાં તો પેલી છોકરીઓ શરમાઈ જાય છે. આ લોકો ન આવ્યા હોત તો ફાગણનો અનુભવ અધૂરો રહી ગયો હોત કદાચ.

આવતી કાલે હોળી છે છતાં કોઈ ચહેરા પર એવું કઈ લાગતું નથી. પહેલાં તો હોળીના પંદર દિવસ અગાઉ એના આગમનની ખબર પડી જતી. હવે લોકો પાસે જાણે સમય નથી. મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને કહેવાતી જવાબદારીઓમાં બધાએ પોતાની મુગ્ધતા ગુમાવી દીધી છે. પહેલાંની જેમ કોઈ ટોળું આવી કોઈને હકથી ઘર બહાર ખેચી જતું નથી. નાના છોકરાંઓ હવે કોઈ અજાણ્યા પર કલર ફેકતાં ડરે છે. છોકરા-છોકરીઓ એક બીજા સાથે રમે એ તો ગોકુળ-મથુરાની વાત રહી હવે તો દિયર-ભાભી વાળી હોળી પણ ભુલાતી જાય છે. સભ્યતા નામની બીમારીએ હોળીના રંગ ફિક્કા કરી દીધા છે. આવતીકાલે સાંજના સમયે મારા ગામમાં હોળી પ્રગટશે પણ ઢગલાઓનો આકાર કદાચ ગઈ સાલ કરતાં નાનો હોવાનો..

– દિનેશ જગાણી


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ફાગણ ફોરમતો… – દિનેશ જગાણી

  • જગદીશ કરંગીયા ‘સમય’

    સરસ નિબંધ.

    ~~~~~~~~~

    ચાલ ને ગોરી, આજે રમીએ રંગેરંગમાં હોળી,
    એકલાંએકલાં નહીં, રમીએ સંગેસંગમાં હોળી;
    પીળાની પીઠી ચોળીશું, લીલાની મૂકીશું મહેંદી,
    રાતાનું સિંદૂર પૂરીને, રમીએ અંગેઅંગમાં હોળી.

    ~Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  • Anila Patel

    આપે તો બાલપણમાં લઇ જઇને બેસાડી દીધા, એક પછી એક યાદોના પડ ઉપર નીચે થવા માંડ્યા.
    ખરેખર જેને બાલપણ ગામડામાં વિતાવ્યુંછે એ ખૂબજ નસીબદાર છે.

    • દિનેશ

      આભાર આપનો…
      શહેર હોય કે ગામડું જીવનની ગુણવત્તા જે તે વ્યક્તિ પોતે નક્કી કરતી હોય છે. છતાં ગામડાઓમાં પ્રકૃતિની નજીક હોઈ પ્રમાણમાં હળવાશ અનુભવી શકીએ. હજું અહીં એવા લોકો છે જે તમને કોઈ પણ ઓળખ વિના ચા પીવા આગ્રહ કરી શકે કે જમવા બેસાડી શકે. જોકે ગામડાઓ પણ હવે હાઈબ્રીડ બનતા જાય છે છતાં કેટલાક લોકો છે જેમણે પોતાની ઓળખ જાળવી રાખી છે. તમારે ચાંદની સભર રાતો કે પછી અમાસની તારા ભરેલી રાતો નો આનંદ લેવો હોય તો ગામડાં માં જવું પડે….

  • સુરેશ જાની

    પ્ર્વાસના બધા લેખો બહુ જ ગમે છે. આપણે બધે જઈ શકતા નથી હોતા, પણ આવા લેખ એ ખોટ પૂરી પાડે છે. ખુબ ખુબ આભાર.
    ————————–
    અમારા જેવા જેને ઉત્તર ગુજરાત વિશે ઊંડાણથી જ્ઞાન ન હોય, તેમને સ્થળ વિશે થોડીક સામાન્ય માહિતી આપવી જોઈએ.

    આ જુઓ –

    https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0,_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%82%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0

    http://www.wikiwand.com/gu/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)

    • દિનેશ

      મુરબ્બીશ્રી સુરેશભાઈ,
      ખૂબ ખૂબ આભાર. ઉત્તર ગુજરાતના ફરવાલાયક સ્થળો, સંસ્કૃતિ કે અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપ મારા mail id: dmjagani@gmail.com પર સંપર્ક કરી શકો. મને આનંદ થશે. ભવિષ્યમાં આ વિશે અક્ષરનાદ પર એક લેખ લખવા પ્રયત્ન કરીશ.

  • ગોપાલ ખેતાણી

    દિનેશભાઈ, આપની લાગણીઓ શબ્દ રૂપે વહી નીકળી અને અમે તેમાં ભિંજાયા પણ ખરા! અત્યારે તો એટલું જ સારું લગાડવાનું કે તહેવાર ભૂલાયો નથી. મને – કમને ઊજવે તો છે!