પતિ-પત્નિ અને ખરીદીપુરાણ – ધવલ સોની 4


વાત જ્યારે શોપિંગની થઈ રહી હોય ત્યારે જો સ્ત્રીઓની વાત ન નીકળે તે કેમ ચાલે? સ્ત્રી અને શોપિંગ આમ જૂઓ તો બંને એકબીજાના પૂરક છે. ખરીદી કરવા ન જતી સ્ત્રી અને સ્ત્રી વગરની ખરીદી બંને કાયમ અધૂરા લાગ્યા કરે. પતિના પૈસાથી ઘરમાં વ્યવહાર ચાલતો હોય છે જ્યારે પત્નીના આયોજનથી ઘરની આખી વ્યવસ્થા ચાલતી હોય છે એમ કહીએ તો ખોટું નથી. પતિ ભલે વડાપ્રધાન રહ્યો પણ પત્ની ઘરની ગૃહપ્રધાન હોય છે. જો કે વડાપ્રધાનની આ પદવી તો શોભા માત્ર. બાકી તો ઘરમાં ગૃહપ્રધાનની આગળ પતિસાહેબને મનમોહનસિંહની જેમ મૌન જ બની રહેવું પડે છે.

પત્નિના આટલા બધા વખાણ કરવાનું કારણ માત્ર એટલું જ કે હમણાં થોડા સમય પહેલા એક ભાઈ સાથે સરસ મજાનો પ્રસંગ બની ગયો. જો કે લગ્ન પછી પતિઓ સાથે પ્રસંગો ન બને તો જ નવાઈ. કાં તો પતિઓ સાથે ઘટના બની જતી હોય છે કાં તો પતિઓ પોતે (મૂર્ખ…) બની જતાં હોય છે. કોઈપણ કેસમાં એવું સાંભળ્યું કે પત્નીઓ…!!

આ તો એક આડવાત. પ્રસંગ ખરેખર એવો બન્યો કે ત્રણેક દિવસ પહેલા એ ભાઈને સોસાયટીની બહાર આવેલી કરિયાણાની દુકાને અમુક વસ્તુઓ લેવા જવાનું થયું. હવે આમાં કાંઈ ખોટું તો છે નહીં. ઘરના કામ જો ઘરની વ્યક્તિ નહીં કરે તો કોણ કરશે તેવું વિચારીને દરેક પુરુષ પત્ની ચીંધે તે કામ કરવા તૈયાર થઈ જતો હોય છે. જો કે અમુક નિર્ણયોની અસર મોડી થતી હોય છે તે વાતની ખબર પુરુષોને પણ મોડી પડે છે. બાકી લગ્ન કરનાર દરેક પુરુષ લગ્ન પછી જ કેમ પસ્તાતો હોય છે!

લગ્ન પહેલા ઘરના કામ કરવામાં જરાય ભોંઠપ ના અનુભવનાર પુરુષ લગ્ન પછી બિચારો પોતાની હાલત માટે જ ભોંઠપ અનુભવતો થઈ જાય છે. પત્નીને ખુશ કરવાનાં કે તેનું કામ વહેલું પતાવવાના ચક્કરમાં, તેણે ચીંધેલું કામ કરવા પુરુષ તરત તૈયાર થઈ જાય છે અને તેના ખરીદપુરાણની ઈતિશ્રી મંડાય છે. શાન કે સાથ થેલી પકડીને હોંશથી ખરીદી કરવા નીકળેલા, પોતાને બાહુબલી સમજતાં પુરુષના માથે પહેલો જ યોર્કર આવે સોસાયટીની બહાર ઉભેલા તેના મિત્રો તરફથી…

‘આવી ગયો ને બેટા લાઈન પર…’

‘શું ભઈ, બહુ જલ્દી હોમસર્વિસ ચાલુ કરી દીધી.’

‘વાહ શું વાત છે, ભાભીએ જલ્દી ટ્રેનિંગ આપી દીધી.’ અને મિત્રોના ટોળા વચ્ચે ઠઠ્ઠામશ્કરીનો ભોગ બનતાં પુરુષને પહેલા તો જવાબ દેવાની ઈચ્છા થઈ આવે પણ મેચ શરું થતાં પહેલા ઓપનીંગ ખેલાડીને કોચ સૂચનાઓ આપે તેમ ઘરેથી નીકળતાં પહેલા પત્નીશ્રી તરફથી આપવામાં આવેલી સૂચનાઓ યાદ આવી જાય. ‘મારે ઢગલો કામ બાકી છે. વહેલા આવજો, પાછા ભાઈબંધો સાથે પંચાત કરવા ઉભા ન રહી જતાં.’ અને મિત્રોના યોર્કર સામે બેટ ઘૂમાવવાની ઈચ્છા હોવા છતાં પુરુષે ધીરે રહીને સામેથી જ વિકેટ છોડી દેવી પડે.

જવાબ આપ્યા વગર ભાગી જતાં મિત્રને જોઈને મશ્કરી કરનારાં મિત્રોને વધારે પાનો ચડતો હોય છે પણ તેમના પાનાંપક્કડ તેમની જ પત્નીઓની સામે અલરેડી કટાઈ ચૂક્યા હોય છે. સોસાયટીના નાકે મળતાં મિત્રોના ટોળા લગ્ન પછી પોતાના અનુભવોનું ભાથું એકબીજા વ્હેંચીને તેમાંથી નીકળવાનો માર્ગ શોધતાં હોય તેવા લાગે. જો કે કરોળિયાના જાળામાંથી નીકળવાનો માર્ગ હોય શકે પણ પત્નીની પક્કડમાંથી નીકળવાનો માર્ગ કોઈ પુરુષ પાસે ન હોઈ શકે.

‘હવે તો કદી ખરીદી કરવા જઈશ જ નહીં’ એવું તે જ ઘડીએ મનોમન નક્કી કરતાં પુરુષને ફરીથી ખરીદી કરવા તો નીકળવું જ પડે છે એ અલગ વાત છે. (આને માટે પત્નીઓને ખરા અર્થમાં લીડર કહેવી જોઈએ કે નહીં??) પેલી કહેવત છે કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તેમ પહેલીવાર થેલી લઈને વસ્તુઓ ખરીદવા નીકળેલો પુરુષ પછી શરમ અને સંકોચના કારણે કાયમ માટે થેલી લઈ જતાં ડરતો રહે. ઘણીવાર તો પત્ની સાથે હોવા છતાં પણ પતિ થેલી હાથમાં રાખતાં નાનમ અનુભવતો રહે છે. રખે ને જો કોઈ મિત્ર જોઈ જાય!

પુરુષોની એક કાયમની આવડત (પત્નીઓની દ્રષ્ટિએ તકલીફ..) રહી છે કે તેઓ એક વસ્તુ ખરીદવા જાય અને સાથે બીજી વસ્તુઓ પણ લેતાં આવે. આમ જૂઓ તો એમાં પુરુષોનો કોઈ વાંક નથી. તેમનો બિચારાઓનો મત એવો હોય છે કે ‘એક ધક્કે કામ પતે. આમ પણ ઘરમાં એ વસ્તુની જરૂર તો છે જ.’ અને હોંશેહોંશે એ વધારાની વસ્તુ ખરીદતાં પુરુષને ખબર નથી હોતી કે ઘરે પહોંચ્યા બાદ બેહોંશ થવાનો વારો આવશે.

દરવાજે પહોંચતા સુધીમાં તો મનમાં કેટલીય કલ્પનાઓ ઉડવા લાગે કે પોતાની શોપિંગની આવડતથી પત્ની કેવી ખુશ થઈ જશે! ઘરમાં જરૂર હતી તે વસ્તુ કહ્યા વગર લઈ આવ્યા તે જોઈને પત્ની બે મીઠાં બોલ બોલશે તેવી કલ્પનામાં રાચતા પુરુષના માથે ઘરમાં પ્રવેશતાંવેંત સીધો બાઉન્સર જ વાગે, ‘કેટલી બધી વાર કરી. આનાં કરતાં તો હું જઈ આવી હોત તો સારું હતું.’ આત્મશ્લાઘામાં રાચતા પુરુષના માથે આવા વિધાનો વજ્રાઘાત થઈ પડે છે. પત્નીઓની આ બહુ મોટી ખૂબી હોય છે. તેમણે જવું ન પડે એટલે પતિઓને મોકલે અને પછી તેમને મોકલવા બદલ અફસોસ કરે. આમાં ને આમાં પતિ બિચારો નર્વસ ન થાય તો શું થાય?

વર્ષો સુધી પોતાના ગંજી-બનિયાનની ખરીદી પણ લ્હેરથી કરતા પુરુષે લગ્ન પછી પહેલીવાર કોઈ વસ્તુની ખરીદી આટલી ઝડપથી કરી હોય ત્યારે આ પ્રકારના વિધાનો સાંભળીને પહેલીવાર તેને એમ થઈ આવે કે ‘કાશ, પોતાના લગ્નની ખરીદીમાં થોડી વધારે વાર લાગી હોત!’ એ અલગ વાત છે કે આવનારાં સંકટની ઘડી કોઈ ટાળી શક્યું નથી.

હમણાં થોડીવાર પહેલાં પોતાના મિત્રોની મશ્કરીઓનો જવાબ આપી શકવાની ક્ષમતા હોવા છતાં પોતે તેમને કંઈ કહ્યું નહીં તેનો વસવસો તે ઘરે જઈને કાઢે તે પહેલા જ વસ્તુઓ અંગેનો બળાપો પત્નીઓ તરફથી શરૂ થઈ જતો હોય છે. પત્નીના પહેલા બાઉન્સરથી તેને કળ વળે તે પહેલા તો થેલી ખોલવાની સાથે બીજો બાઉન્સર તૈયાર જ હોય છે, ‘તમને તો ખરીદી કરતાં જ નથી આવડતું. બળ્યા ભોગ કે મેં તમને કીધું.’ પાછું બોલતી વખતે પત્ની રોષ એટલો દેખાડે કે જાણે પુરુષથી મોટો ગુનો થઈ ગયો હોય.’ હવે આમાં પુરુષની હાલત સાપ સૂંઘી લીધો હોય તેવી ન થાય તો કેવી થાય. પહેલીવાર મળવા જતી વખતે સાસરે વટ પડે એ માટે ખરીદેલા શર્ટના જે પત્ની વખાણ કરતાં થાકતી ન નહોતી તે પત્નીના આજના વિધાનો સાંભળીને પુરુષને રડવું કે હસવું એ ખ્યાલ ન આવે એટલે મનોમન બોલીને મંદમંદ હસી પડે, ‘સાચી વાત, મને જ ખરીદી કરતાં ન આવડ્યું’

જો કે હમણાં થોડીવારમાં કહ્યા વગર લઈ આવેલી વસ્તુ જોઈને ઉકળતો લાવા શાંત થઈ જશે એમ માનીને પુરુષ થોડો હળવો થવાની કોશિશ કરે છે. પત્નીના રોષ અને ગુસ્સા મિશ્રીત ચહેરા પર નાનકડી સ્માઈલ જોવા માટે તડપતો પુરુષ પેલી થેલીમાંથી પત્ની બહાર નહીં જ આવે તે સમજાઈ જતા, માટલામાંથી જાતે પાણીનો ગ્લાસ ભરીને હજી તો મોંઢે માંડે ત્યાં…

‘આ શું લઈ આવ્યા. મેં કીધું’તું આ લાવવાનું?’ પાણીનો ગ્લાસ હાથમાં અને શ્વાસ ગળામાં અટકી જાય તેમ પુરુષ હતપ્રભ થઈને શું બોલવું તેની અસમંજસમાં સ્ટેચ્યૂ બની જાય અને વિકેટ ખેરવી નાખતો છેલ્લો બોલ છનનન કરતો છૂટે, ‘તમારા લોકોની આ જ તકલીફ છે. પૈસા પાસે હોય એટલે કૂદ્યા કરે. હોય એ બધા વાપરી નાખવાનાં પછી ઠનઠન ગોપાલ.’ આ સમયે પુરુષને એમ થાય કે ધરતી મારગ આપે તો આને સમાવી દઉં (કોઈ પુરુષ એટલી જલ્દી હાર થોડી માની લે કે પોતે જ સમાઈ જાય!) કાપો તો’ય લોહી ન નીકળે તેવી હાલતમાં પોતાના જ ઘરમાં અજાણ્યો બની જતો પુરુષ સંતાવા માટે પછી દિવાલો શોધતો ફરે.

ભલભલા ચમરબંધીઓ જે કામ ન કરાવી શકે તે પત્નીઓ કરાવી દેતી હોય છે. પોસ્ટ, એલ.આઈ.સી અને બીજી અનેક સ્કીમોમાં રોકાણ કરતાં પુરુષને પૈસા વાપરતાં જ નથી આવડતું તેવું બેધડક કહી શકવાની હિંમત પત્ની સિવાય બીજા કોઈમાં ન થઈ શકે. દુઃખતી નસ દબાવવાનું પત્નીઓ બહુ સારી રીતે જાણે છે પછી એ પતિની હોય કે ઘરની બહાર બીજા કોઈની. તમે શાકબકાલાવાળા કે કરિયાણાવાળા ભાઈ કે બહેન સાથે બે-પાંચ રૂપિયા માટે રકઝક કરતી સ્ત્રીઓને જુઓ તો તમને તેમની સાચી લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એકાઉન્ટન્ટ પણ ગૂંચવાઈ જાય તે રીતે મોંઢે હિસાબો કરીને સ્ત્રીઓ લારી કે દુકાનવાળાને રીતસર છેતરી જતી હોય એવું લાગે. ખરીદીનો ગુણધર્મ સદીઓથી પચાવી ગઈ એમ સ્ત્રીઓ ચાણક્ય કરતાં’ય ચાર ચાસણી ચઢે તેવી હોય છે. વસ્તુ એક જ લેવાની હોય પણ ભાવ બધાનાં પૂછીને દુકાનદારને હંફાવી નાખવાની રીતમાં તેમની વર્ષો જૂની આવડતના દર્શન થઈ આવે. અમૂક સ્ત્રીઓ તો ભાવતાલ કરાવવામાં એટલી માથાભારે હોય છે કે દુકાનદાર બિચારો ગાય બનીને તે જે કહે એ ભાવ ગણી આપતો હોય છે. (જો કે સ્ત્રીઓની નાડ બરાબર પારખતા દુકાનદારને ખબર જ હોય છે કે પોતાને સસ્તું પડશે તે જાણીને સ્ત્રીઓ બીજી દસ સખીઓને ખેંચી લાવશે.) ઘણીવાર તો પત્નીઓની ખરીદી કરવાની રીત જોઈને ગુસ્સે થઈ જતાં પતિઓને સ્વાભાવિક રીતે એ સવાલ થઈ આવે કે આ દુકાનદારને સાલાને ગુસ્સો નહીં આવતો હોય? જો કે ઘાત-પ્રતિઘાતના નિયમ મુજબ અહીં વિન-વિન સિચ્યુએશન તમને જોવા મળે. ઘરે કારેલાના રસ ભરેલી કાતરની જેમ ચાલતી જીભ મધમાં બોળીબોળીને ભાવતાલ કરતી હોય ત્યારે દુકાનદાર માથે બરફ અને મોંમા સાકર ભરી રાખીને શેર માથે સવાશેર સાબિત થતાં હોય છે.

એ અલગ વાત છે કે પતિઓ લ્હેરથી ખરીદી કરતાં હોય છે પણ તેમની પસંદગી બાબતે તેઓ બહુ ચોક્કસ હોય છે જ્યારે પોતાને શું ખરીદવું છે એ જ નક્કી કરી ન શકતી (બજારમાં ફ્લાવર લેવા ગયેલી સ્ત્રી ગવાર કે કોબી લઈ આવે તો તેને શું કહેવાય!) સ્ત્રીઓ ખરીદી કરતાં લપ વધારે કરતી હોય તેવું લાગ્યા કરે. એટલે જ ધીરજલાલના ગુણોવાળા પુરુષોને સ્ત્રીઓની ખરીદીપુરાણ પર સહુથી વધારે ગુસ્સો આવતો હોય છે. સ્ત્રીઓ પણ પતિને બાળકની જેમ સાથે ફેરવવું ન પડે (પુરુષોનું આમ પણ ખરીદીમાં કામ શું હોય છે, પૈસા આપવા સિવાય!) અને છૂટથી આખું બજાર ફરી શકાય તે માટે એકલપંડે સાહસ કરવા નીકળી પડે છે. ‘જાતે સાહસ લઈને હેરાન થવા કરતાં આવાં આંધળુકિયા સાહસ બીજાને કરવા દેવા વધારે સારાં’ એમ માનીને આંખ આડા કાન કરતાં પતિઓ માટે બજારમાંથી જઈ આવતી પત્નીઓનો નિઃસાસો તૈયાર જ હોય છે, ‘શું કામનાં, ધોઈ પીવાનાં. એક ખરીદી કરતાં’ય નથી આવડતું તમને.’ હવે તમે બોલો, ડબલ સ્ટાન્ડર્ડ રાખતી સ્ત્રીઓથી મોઢું સંતાડીને પુરુષ જાય તો જાય ક્યાં?

વળી, ખરીદી કરવા નીકળેલી પત્નીઓ માટે ઘરે પાછા ફરતાં પહેલા મનગમતી પાણીપૂરી ખાવી એ જન્મસિદ્ધ અધિકાર છે. દુકાનોવાળાને ત્યાં ભીડ ન હોય તેટલી ભીડ તમને આ પાણીપૂરીવાળી લારી પર જોવા મળે. જો કે ત્યાં પણ તમને સ્ત્રીઓની જન્મજાત હોંશિયારીના દર્શન થયા વિના ન રહે. હોટલમાં જમતાં પહેલા સૂપ આવે તેમ મોળી પૂરીથી શરૂ થતા મેનુમાં પાણીપૂરીનો મેઈન કોર્સ ઓછો અને ફ્રી માં મેળવાતી મસાલા/મોળી પૂરીનો ડેઝર્ટ વધારે રહે.

જો કે સ્ત્રીઓ પોતાનાં બચાવેલા પૈસા કદી પોતાની પાછળ નથી વાપરતી એ પણ એક મધમીઠું સત્ય છે. કટોકટીના સમયમાં બે-પાંચ રૂપિયા બે-પાંચ હજાર થઈને કામમાં આવે ત્યારે સ્ત્રીઓને સાચા અર્થમાં વંદન કરવાનું મન થઈ આવે. પતિ, બાળકો અને ઘર માટે જીવતી સ્ત્રીઓ પોતાને માટે ક્ષણવાર પણ વિચારતી નથી તે જાણીને અજાણતાં જ પ્રેમ ઉમટી આવે. પૈસો મારો પરમેશ્વર (અહીં પત્નીના ઈશ્વર થવા માગતા પતિઓને ખોટું ચોક્કસ લાગશે.) માનતી સ્ત્રીઓ એક નોટ બચાવવા દસદસ લારીઓના ધક્કા ખાતી હોય ત્યારે દિવસમાં સો રૂપિયા પાનમસાલા, સિગારેટ કે ચા-નાસ્તા પાછળ વાપરી નાખતાં પુરુષો એવું જ માનતાં રહે છે કે ‘આવડી અમથી નાની બચતો કરીને શું ફાયદો?’ આવાં પુરુષોએ ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ એ કહેવત કાં તો સાંભળી નથી હોતી, કાં તો માત્ર સાંભળી જ હોય છે.

જેમ પાયા વગર મકાન ટકી ન શકે તેમ સ્ત્રી વગર ઘરની વ્યવસ્થા પડી ભાંગે. પુરુષ લાખ ચાહે કરોડો કમાતો હોય પણ નાનીનાની બચત કરવામાં સ્ત્રીઓને કદી ન પહોંચી શકે. દસવીસ રૂપિયા ભેગા કરનારી સ્ત્રીઓ પાસે એકસાથે દસવીસ હજાર કઈ રીતે મળી આવે છે તે અર્થશાસ્ત્રીઓ માટે પણ માથું ખંજવાળવા જેવો સવાલ છે. સ્ત્રીઓની પિયરમાંથી આપેલી તિજોરી એ અર્થમાં સાચે જ કોઈ જાદુઈ ચિરાગ હોય છે. બિચારા પુરુષને ક્યારેય ખબર નથી પડતી કે તિજોરીના ક્યા ખૂણામાં કેટલા ચોરખાના આવેલા છે. કદાચ ચોરખાનાની ખબર મળી પણ જાય તો તેની અંદર શું હશે તેની ખબર તેને આજીવન નથી પડતી.

ગમેતેવી (એટલે કે ‘ગમે તેવી!’) હોય, પતિના હ્રદયમાં જેમ પત્ની બિરાજમાન હોય છે તેમ તિજોરીના આ ચોરખાનામાં પત્નીને મન હંમેશા પતિ પ્રત્યેનો પ્રેમ જળવાયેલો હોય છે. સ્ત્રીઓના હ્રદયને કોઈ માપી ન શકે તે કહેવત કદાચ એમ ને એમ તો નહીં જ પડી હોય ને!

અચ્છા તો આપણે વાત કરતા હતા પેલા ભાઈની. થયું એવું કે કરિયાણાની દુકાને પહોંચ્યા બાદ એ ભાઈએ ખરીદી કરીને કશા ભાવતાલ વગર દુકાનદારે જે કહ્યા એ પૈસા ચૂકવી દીધા. એ જોઈને દુકાનદાર બિચારો ભાવવિભોર થઈને આ ભાઈને લગભગ ભેટી જ પડ્યો, “ભાઈ, હવે કાયમ તમે જ આવતાં રહેજો. ભાભી તો અમને કશું કમાવા જ નથી દેતાં. એ આવે તો ભાડું પણ માંડ નીકળે છે.’

હવે આને પત્નીની ટીકા ગણવી કે પોતાનાં વખાણ, તેની અસમંજસમાં પેલા ભાઈ માથું ખંજવાળતા રહે છે. જમાનાનો એક નિયમ છે કે તમે ગમે એટલાં દુઃખી હોવ, બીજાને વધારે દુઃખી જોવાથી તમારું દુઃખ હળવું જઈ જાય છે, એ ન્યાયે પેલા ભાઈ દુકાનદારની હાલત જોઈને મંદમંદ હસી પડે છે.

તમે શેના મંદમંદ હશો છો? ખરીદીપુરાણની આ કથા સાંભળ્યા પછી આજે સાંજે પત્નીને બાઈક (કારમાં મજા ન આવે, સમજા કરો યાર!) પાછળ બેસાડીને શોપિંગનો પ્રસાદ ખવડાવવા લઈ જવાનું ભૂલતાં નહીં. અને હા થેલી લેવાનું નો ભૂલાય હોં કે.

– ધવલ સોની

બિલિપત્ર

ઈરા લોંઢેએ તેમના પતિને આપેલી ખરીદી માટેની વસ્તુઓની યાદી..


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પતિ-પત્નિ અને ખરીદીપુરાણ – ધવલ સોની