ગામડાની ગરિમા – મથુર વસાવા 6


એક વખત શિક્ષકખંડમાં નવોદિત શિક્ષક કોમ્પ્યુટરમાં પ્રશ્નપત્ર ટાઇપ કરી રહ્યા હતા. કોમ્પ્યુટર જ્ઞાન તેમના માટે ઓછું અને નવું હતું પણ અંગ્રેજી વિષયનું જ્ઞાન તેમના માટે ઓછું અને નવું નહોતું. જ્યારે જ્યારે પ્રશ્નપત્ર ટાઇપ કરવા બેસે ત્યારે ત્યારે ફકરામાં નવી નવી આફતો આવી પડે, એક સાંધે ત્યા તેર તૂટે. તેમના પ્રયત્નો વારેવારે નિષ્ફળ જતા હતા તેથી તેમનું મોં વિલાઇ જતું હતું. ટાઇપમાં વારંવાર ક્ષતિ થતી તેથી તેમણે મને કહ્યું, ‘સાહેબ, આ ફકરો યોગ્ય રીતે ગોઠવી આપો.’ મેં તે ફકરાને થોડી ક્ષણમાં ગોઠવી આપ્યો. નવોદિત શિક્ષક મારી તરફ દૃષ્ટિ કરી હરખાવા લાગ્યા. આથી મેં તેમને કહ્યું, ‘સાહેબ, આ ગામડિયાનો હાથ પડે એટલે બધુ સરખુ થઇ જાય.’ મારું વાક્ય પૂરું કરું તે પહેલા તેમણે વળતો જવાબ મને આપ્યો ‘સાહેબ, હું પણ ગામડિયો જ છું.’

ઘણાખરા લોકો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સામેની વ્યક્તિને ‘તું તો સાવ ગામડિયો જ છે, ના સુધરે’ તેવો શબ્દપ્રયોગ કરતા હોય છે પણ ગામડિયો શબ્દમાં દેશનો ખજાનો છે, અને ગામડા થકી જ શહેરનું હદય ધબકતું હોય છે. કરિયાણાની દુકાનમાં આપણે બાસમતી ચોખાનો ભાવતાલ પૂછીએ છીએ તે બાસમતી ચોખા ગામડાનાને પ્રતાપે છે. બાસમતી ચોખાના એક એક દાણા પાછળ ખેડૂતની અઢળક પરિશ્રમના ટીપાં હોય છે. વિવિધ પ્રસંગોના ભોજન સમારંભમાં બત્રીસ પ્રકારની વાનગીઓ આરોગીએ છીએ તે પણ ખેડૂતના પ્રતાપે જ હોય છે. એક એક વાનગીમાં ખેડૂત જીવે છે. ખેડૂત વિનાની દુનિયા કલ્પી શકાય તેમ નથી. તેના વિના કેટકેટલું ખૂટી પડે? આથી જ તેને ધરતીનો તાત કહેવામાં આવે છે.

ઊનામાં રહીને મને ‘ગામ’ શબ્દ મોંઢે થઇ ગયો છે. અહીંના લોકો ગામ શબ્દ વારંવાર બોલતા હોય છે. કોઇ વ્યક્તિને સામેની વ્યક્તિ પૂછે કે ક્યાં જાય છે તો તે જવાબ આપે, ‘ગામમાં જાઉ છું.’ ગામ શબ્દ સાંભળીને મને ગામનો મહિમા થતો હોય તેમ મને લાગે છે. મુસાફરી દરમિયાન ટ્રેન કે બસમાં કોઇ પૂછે ત્યારે પણ વતન કે ગામડે જઇએ છીએ તેમ કહેતા હોય છે. ગામડું કેવું અદભુત કહેવાય! સહુને એ પોતાની તરફ ખેંચે છે. ‘મારે ઘેર જવું છે’ પાઠમાં ચાંદો ગામડાનો જીવ છે. ચાંદો ગામડેથી શહેરમાં જાય છે. શહેરમાં લીલાભાભીના ઘરે ટકી રહે, ચાંદો ઘર યાદ ના કરે તે માટે લીલાભાભી ચાંદાને ભલભલા પ્રલભનો આપે છે. ચાંદો ત્યાં રહે છે ખરો પણ ઝાઝો ટકી શકતો નથી. ચાંદાના હદયમાં આખેઆખુ ગામડું જીવતું હતુ આથી એક દિવસ એકાએક ગામડું યાદ આવી જાય છે. અને લીલાભાભીને ચાંદો રડતા સાદે કહે છે, ‘મારે ઘેર જવું છે.’ કવિ ઉશનસે કાવ્યમાં ગામડાનો મહિમા સમજાવ્યો છે, તેથી જ કહેવામાં આવ્યું છે ‘સાચું ભારત ગામડામાં વસે છે’.

તળાજા ગામનો વતની પાણીકળો પણ એક ગામડાનો જીવ હતો. પાણીકળો એટલે જમીનમાં પાણી ક્યાં છે કળવાની આવડતવાળો માણસ. નાનાભાઇ ભટ્ટને મકાનોનું બાંધકામ શરૂ કરતા પહેલાં એક કૂવો ખોદવો હતો ત્યારે પાણીકળાને બોલાવ્યો હતો. પાણીકળાએ જે જગ્યા બાતાવી હતી તેજ જગ્યાએ પાણી નીકળ્યું. કૂવો ખોદતા પહેલાં નાનાભાઇ ભટ્ટને પાણીકળાએ કહ્યું હતું કે મેં બતાવી તે જ્ગ્યા પર પાણી ન નીકળે તો એ ખાડામાં મને ઊભો દાટજો. પાણીકળાને એટલો બધો વિશ્વાસ હતો કે આભ પણ નાનું પડે. પાણીકળાને પાણી કળવાની વિદ્યા તેમના ગુરુ પાસેથી મળી હતી. પાણી નીકળ્યું તે બદલ લોકોએ ખુશ થઇને પાણીકળાને કંઇક આપવાનો ખૂબ પ્રયત્નો કર્યો હતો. પણ તેણે ના પાડી. તેણે સવા રૂપિયો માગીને લીધો પણ તેણે હરિજનોને વહેંચવા માટે પાછો આપ્યો. મેં બાળપણમાં એક આદિવાસી પાણીકળાને જોયો હતો. તેમની પાસે પણ પાણી કળવાની અદભુત શક્તિ હતી. એકવાર તેમનો એકાએક રસ્તે ભેટો થઇ ગયો ત્યારે મને તેમણે કહ્યું, ‘આ લે બેટા પાંચ રૂપિયા, છાત્રાલયમાં જવા માટે ભાડુ.’ આજે તે પાણીકળો આ દુનિયામાં નથી. તેમનું મરણ થયું આજે ઘણા વરસો વીતી ગયા પણ હું તેમના અમૂલ્ય પાંચ રૂપિયાનું ઋણ ચૂકવી શક્યો નહી તેથી મનનો ઓરતો મનમાં જ રહી ગયો. આજના આધુનિક જમાનામાં મેં એક જુવાન પાણીકળાને જોયો છે. તેમનામાં પણ પાણી ક્યાં છે તે કળવાની ભરપૂર વિદ્યા છે.

ગામડાના માણસને નિમ્ન કક્ષાએ ન મૂકી શકાય. તેમનું હદય સદા ભોળું અને નિર્મળ હોય છે. ગામડાની સંસ્કૃતિ મનોહારી છે. ગામડાનો માનવી છે તેમ સમજીને તેને ઓછું ન આંકી શકાય. ગામડાની સંસ્કૃતિ તેમના હદયમાં સોળે કળાએ ખીલી હોય છે. તેઓનો પ્રકૃતિ સાથે નજીકનો નાતો હોય છે. આજે ટ્વીટર જીવ, વોટ્સએપ જીવ, ફેસબુક જીવ બનીએ છીએ તેના કરતા ગામડાનો જીવ બનીએ તો કુદરત સાથેનું નેટવોર્ક ઝડપી ન બની શકે?

– મથુર વસાવા
સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ઊના. તા.ઉના જી. ગીર સોમનાથ – ૩૬૨૫૬


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ગામડાની ગરિમા – મથુર વસાવા

  • Ramesh M Amodwala

    વસાવા સાહેબ
    ગામ કોને કહેવાય એ સમાજાવ્યુ.આભાર.
    આવા લેખ આપશો.

  • Meera Joshi

    ખુબ જ હ્ર્દયસ્પર્શિ લેખ્.
    ગામ એટલે ખુદને મળવાનું સ્થાન.. શહેરમાં રહીને સેલ્ફીશ થઈ ગયેલા લોકોએ એક વખત ગામડાની કાચી ધૂળમાં રખડવાની જરૂર છે.

  • ગોપાલ ખેતાણી

    મારે તે ગામડે એક વાર આવજો. – અમારા બાપદાદાને કોઈ ગામ નથી તેનો મને ખરેખર વસવસો છે. પણ જ્યારે પણ કુળદેવી દર્શને રાણપુર (કુવાડવા – વાંકાનેર રોડ પર, કુવાડવા પાસે) જઈએ ત્યારે એ મારુ ગામ હોવાનીઆનુભૂતી થાય. કુદરતના ખોળે તમારે ચિંતામુક્ત થવું હોય તો ગામડે જવું. બહુ સરસ લેખ.