કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા 4


‘કૃષ્ણના અંતિમ રહસ્યો’ શીર્ષક ધરાવતા પ્રકાશભાઈ પંડ્યાના પુસ્તકનું વિમોચન શ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે તા. ૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સાંજે બરોડા હાઈસ્કુલના ઑડિટોરીયમમાં થયું.

શ્રી પ્રકાશભાઈ પંડ્યા અને શ્રી હર્ષદભાઈનું સ્નેહભર્યું નિમંત્રણ હતું અને શ્રી શાહબુદ્દીન રાઠોડને રૂબરૂ મળવાનો અને સાંભળવાનો લહાવો મળવાનો હતો એટલે બરોડા હાઈસ્કુલના ઑડિટોરીયમમાં પહોંચવા અમદાવાદથી રીતસરની દોડાદોડી કરી મૂકેલી. આગલા દિવસનો અમારા પુસ્તક વિમોચન અને મેળાવડાનો ઉત્સાહ ઓસર્યો નહોતો, પણ શરીર થાક્યું હતું, છતાંય અમે ચાર મિત્રો આ વિમોચન માટે અધીરા હતાં. ટ્રાફિકને લીધે થોડા મોડા પહોંચ્યા. શ્રી મકરંદભાઈ મૂસળેના સંચાલનમાં શરૂ થયેલા કાર્યક્રમમાં અક્ષરનાદની નોંધ લેવાઈ, પ્રકાશભાઈના અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં મૂકાયેલા પુસ્તક ‘હવે તો ઉત્તર આપો કૃષ્ણ‘ ના ૧૪૦૦થી વધુ ડાઊનલોડ અને દેશ-વિદેશમાંથી એ માટે તેમને મળેલા પ્રતિભાવોનો પણ ત્યાં ઉલ્લેખ કરાયો. શ્રી પ્રકાશભાઈ, શ્રી હર્ષદભાઈ અને શ્રી મકરંદભાઈનો એ માટે ખૂબ આભાર.

પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ખૂબ મજેદાર રહ્યો. વિશાળ ઑડિટોરીયમમાં બેસવાની જગ્યા વધી નહોતી, અને એમાં શાહબુદ્દીનભાઈના વક્તવ્યમાં ખૂબ મજા પડી, એમાંના કેટલાક વિચારોને વીણીને ફેસબુક પર મૂકવાનો પ્રયત્ન એ જ દિવસે કરેલો.. એ ફરી અહીં મૂકી રહ્યો છું..

* અર્જુન બુદ્ધિનિષ્ઠ છે જેની બુદ્ધિમાં નિષ્ઠા છે, દુર્યોધન બુદ્ધિમાન છે, એને બુદ્ધિનું અભિમાન છે.. અને બુદ્ધિ વાસનાની દાસી છે.*
* અર્જુને પ્રશ્નો પૂછ્યા કારણકે એને વિષાદ હતો, વૈરાગ્ય હોત તો એ પૂછવા ન રોકાયો હોત.
* કર્મ પછી ઈબાદતનો સમય ન રહે તો કર્મ જ એ રીતે કરવું કે એ ઈબાદત બની જાય..
* માણસ સ્વભાવ નહીં પ્રભાવમાં, દર્શન નહીં પ્રદર્શનમાં જીવે છે.
* મોટા સત્ય માટે નાના સત્યનો ત્યાગ કરવો બરાબર હોય તો કૃષ્ણના જીવનનું મોટું સત્ય હતું પરિત્રાણાય સાધુનામ અને દુર્જનોનો નાશ કરવો..
* ભાગ્યને બદલી શકીએ, નિયતિને નહીં.. યાદવોનો વિનાશ તેમની નિયતિ હતી.
* જીવનમાં બુદ્ધિની નહીં વિશુદ્ધિની જરૂર છે..
* ઉંમર પ્રયત્ન વગર વધતો સદગુણ છે..
* ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા વ્યર્થ છે.
* માણસ ખડખડાટ હસે ત્યારે વિચારો બંધ થઈ જાય, મન નિર્વિકાર થાય; અને એ જ મેડિટેશન..
– શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી પ્રકાશ પંડ્યાના પુસ્તક “કૃષ્ણના અંતિમ રહસ્યો”ના વિમોચન વક્તવ્યમાંથી..

અને પ્રસ્તુત છે કૃષ્ણના અંતિમ રહસ્યો’માંથી એક પ્રકરણ.. પુસ્તક ભેટ કરવા બદલ શ્રી પ્રકાશભાઈ પંડ્યાનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

* * *

આચાર્યની સામેના આસન પર કૃષ્ણ બેઠા.

કૃષ્ણને એકાંત જોઈતું હતું. કોઈ પણ વ્યક્તિ જ્યારે વૈદ્ય સાથે પોતાની વાત કરે તો તે તેને ગુપ્ત રાખવા ઈચ્છે. કૃષ્ણે ઉદ્ધવને કહ્યું, “જ્યાં સુધી હું બોલાવું નહીં ત્યાં સુધી કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખજે.”

ઉદ્ધવ અને બધી રાણીઓ સંકેત સમજીને બહાર નીકળી ગયાં. હવે રહ્યાં બે જ, કૃષ્ણ અને આચાર્ય કનિક. થોડો સમય બંને મૌન રહ્યાં, પછી આચાર્ય બોલ્યા, “બોલો વાસુદેવ, મારી શી જરૂર પડી? હું તો આપની પાસે પામર માનવી છું. તમે રહ્યા જગતના તાત, વાસુદેવ, ધરાપતિ, અવતાર, ચમત્કારી અસ્તિત્વ..”

“ગુરુવર્ય, તમારી વાત સાચી પણ..” કૃષ્ણે નમ્રતાપૂર્વક કહ્યું, “મેં પણ મનુષ્યનો અવતાર લીધો છે, તેથી મારે અસંખ્ય મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડે છે. યુદ્ધ પછીની તારાજી તમે જોઈ હશે અને મેં પણ અનુભવી છે. હું તે સહન કરી શક્યો નથી. અને હા, આચાર્ય! એક સાવ અંગત વાત તમને કહેવા માંગુ છું. ગુરુ અને વૈદ્ય પાસે કાંઈ છુપાવવાનું ન હોય. જો છુપાવવામાં આવે તો સમસ્યા વધારે જટિલ બની જાય. મારી આંતરિક સ્થિતિની વાત ફક્ત હું અને મને શાપ આપનાર – અમે બે જ જાણીએ છીએ, હવે તમે જાણશો.” કૃષ્ણે થોડા ધીમા અવાજમાં કહ્યું.

“ગોવિંદ, એ વિશે તમે નિર્ભય રહો, આ બ્રાહ્મણ પાસે તમારી વાત સલામત રહેશે.” કનિકે કૃષ્ણને વિશ્વાસમાં લેતા કહ્યું.

હવે કૃષ્ણે નિશ્ચિંતપણે કહ્યું, “આચાર્ય, મને ગાંધારીએ શાપ આપ્યો છે.”

કનિક બોલ્યા, “એ વાતની તો મને અને જગતમાં સૌને જાણ છે, તમારા સર્વનાશનો શાપ અને તમે તે શાપ સ્વીકાર્યો છે. મને એ વાતનો આનંદ છે કે તમે સમર્થ હોવા છતાં એક માતાને વળતો શાપ ન આપ્યો. આ તમારો પસ્તાવો છે કે બીજુ કંઈ તેની મને ખબર નથી, પણ તમે એ શાપ સ્વીકારીને તમારું નિમિત્ત નક્કી કર્યું એ સારી વાત છે. મનુષ્યનો અવતાર લીધો છે તો મરવું તો પડશે. નામ તેનો નાશ છે, ઉલટાનું ગાંધારીએ તો તમારો રસ્તો સરળ કરી આપ્યો.”

“બરાબર આચાર્ય, મને એ ગમ્યું. તેમણે તેમનો ઊભરો મારી ઉપર કાઢ્યો. જો આ આક્રોશ તેમણે મનમાં દબાવી રાખ્યો હોત તો પૃથ્વી પર ભૂચાલ આવી જાત અને ઘણો અનર્થ સર્જાત. મેં પણ માનવસહજ ભૂલ તો કરી જ છે. ધર્મયુદ્ધમાં કોઈ એકને જીવતો રાખવાની જરૂર હતી. મારા મનમાં તેનું નામ પણ નક્કી હતું. વસ્ત્રાહરણ વખતે વિકર્ણે ધર્મની વાત કરી હતી.”

આચાર્ય બોલ્યા, “વાસુદેવ, જે થયું તે ખરું, પણ તમે એ ન ભૂલતાં કે સંકટ હજી ઉભું જ છે.”

“શાનું સંકટ?”

“યુયુત્સુ હજી જીવિત છે, ધૃતરાષ્ટ્રનો સુગંધાથી થયેલો પુત્ર. એ તો મહાત્મા છે, પણ એનો પુત્ર પવન હજુ નાનો છે. યુયુત્સુ પાસે કકળાટ કરીને ધૃતરાષ્ટ્રે યુયુત્સુ પાસેથી તેને માંગી લીધેલો છે અને અંધ રાજા એ પુત્રને વેરઝેરના પાઠ ભણાવે છે. જે ભૂલ કૌરવોથી થઈ તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખે છે. મને તેના આચાર્ય તરીકે સ્થાપ્યો છે. હું રાજાને વફાદાર છું. તમારા લીધે મેં પણ મારું સર્વસ્વ ગુમાવ્યું છે. હું રહ્યો બ્રાહ્મણ, મારી આંખમાં પણ વેર છે. હું પવનને એવો તૈયાર કરીશ કે પાંદવોને તેની કલ્પના પણ નહીં આવે. તેઓને એવી રીતે રિબાવીશ.. એમાં પણ ખાસ તો દ્રૌપદીને! આ યુદ્ધ તમે તેને લીધે જ કર્યું હતું અને આ પ્રલય માટે તમે જ જવાબદાર છો. ઉદ્ધવે જ્યારે મને તમારી સમસ્યાની વાત કરી ત્યારે જ મેં નિર્ણય લઈ લીધો હતો કે હું તમને બચાવીશ. તમને જીવાડીશ અને રિબાવીશ.”

“આચાર્ય!” ગળગળા અવાજે કૃષ્ણે કહ્યું, “મને ગાંધારીએ બીજો એક શાપ એવો આપ્યો છે કે જેની જાણ કોઈને નથી, તેણે કહ્યું છે, ‘આજથી તમારા મહાપ્રયાણપર્યંત તમારી દરેક રાત અજંપાભરી, બેચેનીભરી અને વ્યગ્રતાભરી વીતશે. તમે સૂઈ નહીં શકો, શય્યા પર પડખાં ફેરવતા રહેશો. તમને શાંતિ પ્રાપ્ત નહીં થાય અને મારી જેમ તમને પણ તમારો ભૂતકાળ સતાવ્યા કરશે.’ આ શાપથી હું ત્રસ્ત છું, મને તેમાં રાહત મળે તેવુ કંઈક કરો. મારા મનમાં યુદ્ધ પછીની સ્થિતિથી પણ વ્યગ્રતા અને બેચેની રહે છે. મારા મનમાં એની એ જ વાતો, એના એ જ દ્રશોય અને એ જ રુદન ઘોળાયા કરે છે, હું સૂઈ જ નથી શક્તો આચાર્ય..” કૃષ્ણ આગળ બોલી ન શક્યા અને આચાર્યના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એમ જ પડ્યા રહ્યાં.

કનિક ભગવાન કૃષ્ણને પોતાના ચરણોમાં આ રીતે જોઈને પણ દ્રવિત ન થયા. તેમણે કહ્યું, “હે અચ્યુત, તમે ગાંધારીની ઉંઘ હરામ કરી છે, બદલામાં તેણે તમારી ઉંઘ લઈ લીધી. હિસાબ બરાબર થઈ ગયો. છતાં પણ હું તમને રાહત મળે એવો કોઈક ઉપાય વિચારીશ. લાખો વિધવાઓના નિઃસાસા તમને સતત સંભળાતા રહે છે. તમે ઉંઘી નથી શક્તા, પણ જ્યાં સુધી તમે મારા જ્ઞાનને યાદ કરશો ત્યાં સુધી તમને માનસિક શાંતિ મળશે, પરંતુ પછી નહીં. અને હા, મારે કોઈ ગુરુદક્ષિણા નથી જોઈતી, તમે જીવો એ જ મારી ગુરુદક્ષિણા.”

“વાસુદેવ, તમને ખબર છે રાજમહેલમાં શી સ્થિતિ છે! એકબાજુ પાંડવોની જીતનો આનંદ ઉલ્લાસ, મેવા, મિઠાઈ, પકવાનની ઉજાણી, અને એ જ મહેલમાં બીજી બાજુ કૌરવોની ૧૦૦ વિધવા પત્નીઓ પોતાના નસીબને રડતી રહે છે. એક બાજુ ઉંડો શોક અને બીજી બાજુ થનગનતો ઉત્સવ, કોઈ મર્યાદા જ નથી! સૌ સમસમીને બેસી રહે છે વાસુદેવ! આ બધી કૌરવપત્નીઓ પવન પાછળ પૂરતો સમય આપે છે અને વેરના બીજને સીંચે છે.”

* * *

‘કૃષ્ણનાં અંતિમ રહસ્યો’, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પૃષ્ઠ સંખ્યા ૧૮૦, કિંમત રૂ. ૨૪૦/- (ઑડિયો સી.ડી. સાથે)
પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક – શ્રી પ્ર્કાશ પંડ્યા, ૯૮૯૮૦ ૨૬૧૦૦


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા

 • Suresh B. Jani

  Wonderful. I had always wondered what happened after the Great War of Mahabharaat. If this story is based on th great epic, I would make all efforts to get it from India.
  I was told by a friend that Shri Krishna became a leper in his last days
  ……
  Sorry, I do not have Gujarati type pad on my iPad

 • Anila Patel

  એક નવો વિષય અને નવા બે પાત્રો વિષે જાણવા મલ્યું આચાર્ય કનિક અને યુયુત્સુનો પુત્ર પવન, આ બે વિષે મને કોઇ માહિતી ન હતી. લાગે છે કે હવે ” કૃષ્ણના અંતિમ રહસ્યો” જરુર વાચવા પડશે.
  કૃષણને દોષિત ગણનાર આચાર્ય જો પાંડવો િરુધ્ધ પવનને તૈયાર કરે તો એ દોષિત ન ગણાય? એક ગરુ- આચાર્ય આવું અનીતિમય આચરણ કેવી રીતે કરી શકે? બીજા મહાભારત માટે એ નીમિત્ત ન ગણાય? કૃષ્ણએતો બન્ને પક્ષને સમજાવવાના પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરવા છતાં સફલતા ના મલી એટલે આંગલી વાંકી કરવી પડી હતી આટલી સીધી વાત વિદ્વાન આચાર્ય ના સમજી શકે?

 • હિમાંશુ જસવંતરાય ત્રિવેદી

  રજૂઆત ખરેખર પ્રસંશનીય છે. જો કે મને આજ પર્યંત એ નથી સમજાયું અને સમજાતું (હું એને મારી સમજણશક્તિનો અભાવ કહું છું) કે સતત ‘વેર-ઝેર’, ‘કાવા-દાવા’, ‘હિંસા’ – એજ શું કામ? અને દ્રૌપદીનો કદાચ થોડો દોષ પણ હશે પરંતુ શું એક પણ એવું પાત્ર છે મહાભારતમાં જેનો કોઈ દોષ ના હોય? આચાર્ય કનિક જે રીતે યુયુત્સુ ના પુત્રને જે રીતે “રાજા પ્રત્યેની વફાદારી” ને માટે તૈયાર કરે છે – તો કોઈ ની પ્રજા પ્રત્યેની કોઈ વફાદારી ખરી કે નહિ? …
  પણ કદાચ મને નહિ સમજાય. એક આડ-વાત. શ્રી ધર્મવીર ભારતી લિખિત હિન્દી નાટક “અંધા યુગ” અમે ભજવેલું, “હુસૈન-દોશી ગુફા” ના ઉદઘાટન સમયે, એ સમયે મને બહુજ ગમતું “યુયુત્સુ” નું પાત્ર ભજવવાની તક મળેલી – એ એક અદભુત અનુભૂતિ હતી અને યાદગીરી છે – એ ખરેખર “મહાત્મા” હતો. પુસ્તક માટે શ્રી પ્રકાશભાઈ નો ખુબ ખુબ આભાર. હું આ પુસ્તક જરૂરથી વાંચીશ. “અક્ષરનાદ” અને એના સર્વે સંચાલકો-સર્જકો નો ખુબ ખુબ આભાર.

 • ગોપાલ ખેતાણી

  તારિખ પાંચ અને છ અવિસ્મરણીય હતાં. શાહબુદ્દીનભાઈને સાંભળવા એ જીવનનો અનેરો લહાવો છે. કૃષ્ણના અંતિમ રહસ્યોનું આ પ્રકરણ વાચી ઉતસુક્તા વધી ગઈ છે. શ્રી પ્રકાશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ.