Sarjan Microfiction Magazine, Issue 9; Diwali Special – To Download the pdf Click Here
* * *
सुमन्त्रिते सुविक्रान्ते सुकृते सुविचारिते ।
सिध्यन्त्यर्था महाबाहो दैवं चात्र प्रदक्षिणम् ।।
– आरण्यकपर्वम्, महाभारत
‘સર્જન’ ગ્રૂપ આજે તેના અસ્તિત્વના બીજા દિપોત્સવીને આંગણે આવીને ઉભું છે ત્યારે માઇક્રોફિક્શનના કારણે એકબીજા સાથે જોડાયેલા અને આજે અંગત ઉપલબ્ધિઓ, તકલીફો, આશા – નિરાશા, મંતવ્યો અને વિચારોને અભિવ્યક્ત કરતા, એકબીજાના મતને પૂરેપૂરું સન્માન આપતા અને તંદુરસ્ત ચર્ચા કરતા મિત્રોનો મેળાવડો બની રહ્યો છે એ વાતનો અતિશય આનંદ છે. દર અઠવાડીયે આવતી નવી થીમ, નવા પ્રોમ્પ્ટ, સમયાંતરે થતા મેળાવડાઓ અને એક પછી એક ઉપલબ્ધિઓની સફરમાં સતત સર્જનાત્મક અભિગમ રાખી, નકામા વિવાદોથી દૂર રહી, એકબીજાને સુધારતા, મઠારતા રહીને લેખનરત રહેતા આ મિત્રો દોઢ વર્ષ પહેલા એકબીજાનું નામ પણ ભાગ્યે જ જાણતા હતા એ કોણ માની શકે? સાહિત્યનો એક તદ્દન નવો પ્રકાર આટલા બધા સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં વ્યવસાયરત લોકોને વોટ્સએપ જેવા આજના ટેકલોનોજીના આશિર્વાદે સર્જનનો અનેરો અવસર આપે છે.
સાહિત્ય સતત ઝરણાંથી નદી અને એમાંથી સાગર તરફના પ્રવાસનું પ્રતીક છે. સાહિત્યના અનેક સ્વરૂપો આખરે તો એ સર્જનાત્મકતાના સાગરમાં જ સર્વેને દોરી જાય છે. જીવનના ક્યારેક ખૂબ વિશાળ અને ક્યારેક અતિશય ઉંડા એવા અર્થ તરફનો સાહિત્યના માધ્યમે થતો પ્રવાસ આખરે શબ્દબ્રહ્મને પામવાનો જ પ્રયાસ છે. સાહિત્ય જીવનની વૈતરણીને પસાર કરવાનો માર્ગ છે, ‘સર્જન’નો સાહિત્યના અનેકવિધ સ્વરૂપોની જેમ, નદીમાં મળતા ઝરાઓની માફક માઇક્રોફિક્શનના માધ્યમે, શબ્દબ્રહ્મ સુધી પહોંચવાનો માર્ગ શોધતા મુસાફર જેવો પ્રવાસ છે. અનેક સહયાત્રીઓના ઉત્સાહ, પ્રેરણા અને સ્નેહ પ્રવાસને વધુ આનંદદાયક અને સંતોષપ્રદ બનાવે છે, પણ અહીં મજા સફરની છે.
સર્જનના પહેલા પ્રોમ્પ્ટ, ‘પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?‘થી શરૂ થયેલી માઇક્રોફિક્શન યાત્રાના આજે દોઢ વર્ષના પડાવે, ભવિષ્ય જોયાનો ફાયદો જરુર થયો છે, બધા મિત્રોને વત્તે ઓછો અંશે માઇક્રોફિક્શન મળી છે. પ્રોમ્પ્ટ કે થીમ અપાયા પછીનો સમય વિચારબીજનો, એની અનેક શક્યતાઓને શોધવાનો, સમજવાનો સમય હોય છે, શબ્દગર્ભના અંધકારમાંથી પ્રગટતો એ વિચાર એક તદ્દન નવા ઉર્જાસંચાર, એક તદ્દન નવી રચનાના પ્રાગટ્યની ક્ષણ આપે છે. સામાજિક નિસ્બતની વાત હોય કે તદ્દન કાલ્પનિક વિશ્વની સફર હોય, ભયાનક રસનો રુંવાડા ઉભા કરી દેતો અનુભવ હોય કે હાસ્યરસનો તદ્દન હળવો અર્થસભર અનુભવ હોય, માઇક્રોફિક્શન નવરસના દરેક પ્રકારને સ્પર્શે છે, સ્પર્શી શકે એવા પ્રયત્ન થાય છે અને એનું નિખાલસ અને સ્પષ્ટ વિવેચન થાય છે. સર્જકને જો યોગ્ય લાગે તો એ જરૂરી ફેરફાર કરીને માઇક્રોફિક્શનને મઠારે છે અને અંતે એ ગ્રૂપના ભંડારમાં પ્રકાશન માટે તૈયાર રહે છે. સર્જનની કાર્યપદ્ધતિનો કદાચ સૌથી મોટો ફાયદો એ છે કે અહીં રચનાની વ્યક્તિકેન્દ્રી નહીં પણ ગુણવત્તાકેન્દ્રી પસંદગી હોય છે.
‘સર્જન’ એકબીજાથી તદ્દન અજાણ્યા લોકોનો સમૂહ હતો, હવે અનેક મુલાકાતો, મેળાવડા તથા અંગત સંપર્કને લીધે બધા એકબીજાથી ઠીકઠીક પરિચિત થયા છે, પણ તે છતાંય મતભેદો તો છે જ. કુટુંબમાં બધા સભ્યોના મત પણ જો એક ન થતા હોય તો આ તો સર્જકોનો સમૂહ. પણ મતભેદ ઉછરીને મનભેદ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનો પ્રયત્ન અમે બહુધા કર્યો છે. સર્જનની નિયમિતતા સાથે કદમતાલ ન મિલાવી શકનાર કે અન્ય વોટ્સએપ ગ્રૂપની જેમ ફક્ત આતુરતા સંતોષવા અહીં જોડાતા મિત્રોને નિરાશા જ હાથ લાગે છે, કારણકે ‘સર્જન’ પોતાના નિયમોમાં પ્રથમ દિવસથી જ સ્પષ્ટ છે. છતાંય પહેલા દિવસથી જોડાયેલા અને આજ સુધી સભ્ય એવા અનેક મિત્રો અહીં સતત સાથ આપે છે, અંગત મુશ્કેલીઓ વચ્ચે પણ સર્જનને અને પોતાની સર્જનાત્મકતાને વળગી રહેનારા આવા મિત્રો જ સર્જનના પાયાની ઈંટ છે. આ પાયો મજબૂત છે, અને એની ઉપર ઉભી થઈ રહેલી ઈમારત પણ એટલી જ મજબૂત થઈ રહી છે એ વાતનો શાહેદી ‘સર્જન’નો આ નવમો અંક પૂરે છે. ગત વર્ષમાં સર્જને ઘણું મેળવ્યું છે, ઘણું ગુમાવ્યું છે, ઘણું શીખ્યું છે અને ઘણું ‘અન્લર્ન’ પણ કર્યું છે. સફરની, તેના દરેક પડાવની, દરેક માઈલસ્ટૉનની મજા અમે લઈએ છીએ. તણાવગ્રસ્ત વ્યવસાયિક જીવનમાં સર્જન મારા જેવા અનેક મિત્રો માટે ‘હાશ’નો ઓટલો બનીને ઉભું છે, અને અન્ય કોઈ ઉપલબ્ધિ ધ્યાને ન લઈએ તો આ એક કારણ પણ સર્જનના સાતત્યસભર પ્રવાસમાં જોડાવા માટે પૂરતું છે.
ગત વર્ષે ‘સર્જન’ અનેક પ્રિન્ટ સામયિકોમાં તેના સર્જનોના માધ્યમે ચમક્યું, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં માઈક્રોફિક્શન વર્કશૉપ અને ખુલ્લા મંચ પર માઈક્રોફિક્શનની ચર્ચા જેવા બબ્બે કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળ્યો, અમદાવાદ બુકફેરમાં સર્જનના પ્રથમ પુસ્તક ‘માઈક્રોસર્જન ૧’નું લોકાર્પણ શ્રી દોલતભાઈ ભટ્ટ, શ્રી રાઘવજીભાઈ માઘડ અને શ્રી રજનીકુમાર પંડ્યાના આશિર્વાદ સાથે મહિપતરામ રૂપરામ આશ્રમની બાળાઓના હસ્તે વિમોચન થયું. વર્ષમાં લગભગ દરેક મહીને સર્જનમિત્રોના અનેકવિધ શહેરોમાં મેળાવડા થયા, ભરૂચમાં સૌપ્રથમ વખત ફક્ત માઇક્રોફિક્શનની શિબિર કરી. સ્નેહ, સર્જનાત્મકતા અને ખુલ્લા હ્રદયે પોતાની રચનાને માટે વિવેચન સ્વીકારતા મિત્રો સાથે આટલા સુંદર કાર્યક્રમો કરવા મળ્યા એથી વધુ ઈશ્વર પાસે શું માંગવું? સર્જનના સર્વે સ્નેહાળ મિત્રો, સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપતા શુભેચ્છક વડીલ સાહિત્યકારો, પ્રશ્નો અને નિતનવા વિચારોને સતત સહન કરતા અને ઉત્તર આપતા અનેક અંગ્રેજી માઇક્રોફિક્શન લેખકો, સતત પડખે ઉભા રહેનાર યુવા લેખક મિત્રો – આજના આ દિપોત્સવીના પ્રસંગે સર્વેનો નતમસ્તક આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. ઈતિહાસમાં ‘સર્જન’નું નામ લખાય કે ન લખાય, આપના વાત્સલ્ય અને ઉષ્માસભર પ્રતિભાવો અમારા હૈયામાં સ્વર્ણાક્ષરે અંકિત રહેશે જ!
પ્રસ્તુત અંકથી સર્જન સામયિકના માળખામાં થોડો ફેરફાર કરીએ છીએ. હવેથી માઇક્રોફિક્શનની સાથે સાથે અમારી એ અંગેની સમજણ, વિચારો, સંદર્ભોમાંથી કાઢેલા તારણો, માઇક્રોફિક્શન સ્વરૂપની વાર્તાના અન્ય સ્વરૂપો સાથે સરખામણી અને તેમની સમાનતા તથા ભેદ વગેરે પણ વિગતે મૂકવાનો અને એ અંગે ચર્ચા શરૂ કરવાનો પ્રયત્ન થશે. પ્રસ્તુત અંકમાં જાણીતા ગુજરાતી ફિલ્મકાર દિગ્દર્શક શ્રી અભિષેક જૈનની મુલાકાત પ્રસ્તુત કરી છે જેમાં અમે તેમના માઇક્રોફિક્શન તથા શૉર્ટફિલ્મ અંગેના વિચારો જાણવાઓ પ્રયત્ન કર્યો છે. સર્જનના જ મિત્રોની માઈક્રોફિક્શન અંગેની સમજણ વિશેના વિવેચનાત્મક લેખ, મારો તથા શ્રી નીલમબેન દોશીનો માઇક્રોફિક્શન અને લઘુકથા વચ્ચેની સમાનતા તથા તફાવતને શોધવાના યત્નરૂપ લેખ તથા કેટલીક જાણીતી અંગ્રેજી માઇક્રોફિક્શનના સર્જન મિત્રોએ કરાવેલા અનુવાદ-આસ્વાદ પણ મૂક્યા છે. આગામી અંકોમાં પણ પ્રસ્તુત થતી સામગ્રીને વધુ સાતત્યપૂર્ણ અને વિવેચનાત્મક બનાવવાનો સભાન પ્રયત્ન રહેશે. વાચકોની અનેક માઇક્રોફિક્શન પણ સામયિક માટે મળે છે, પણ ઘણી વખત એ માઇક્રોફિક્શન તો દૂર, વાર્તા પણ નથી હોતી. તેમને વિનંતિ કે સર્જનના અંકોમાં પ્રસ્તુત માઇક્રોફિક્શન વિશેના લેખ વાંચે, અને લેખનને એ માળખામાં વધુ ચોકસાઈપૂર્વક અને સ્વરૂપગત વિશેષતાઓ સહ પ્રસ્તુત કરે.
‘સર્જન’નો ભવિષ્યનો રાહ પણ સ્પષ્ટપણે અમારા માનસમાં અંકિત છે. ‘માઇક્રોસર્જન-૧’ની ૩૦૦ પ્રત છપાવી હતી, જે તરત જ પૂરી થઈ ગઈ. ત્યારબાદ અનેકોને મોકલવાની હોવા છતાં અને અનેક મિત્રોની ખરીદવાની ઈચ્છા છતાં એ પુનઃમુદ્રણમાં અમારી અક્ષમતાને લઈને ઉપલબ્ધ નહોતી, હવે એ પૂરતી પ્રત સાથે ઉપલબ્ધ છે અને દિવાળી પછી લગભગ બધા જ નોંધપાત્ર બુકસ્ટોર્સ અને ઓનલાઈન વેચાણકેન્દ્રો પર મળતી થઈ જશે. ‘માઈક્રોસર્જન-૨’નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જાન્યુઆરીની આસપાસ તેને પણ પ્રકાશિત કરી માઇક્રોફિક્શનના ચાહકો સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય છે. આ ઉપરાંત ફક્ત માઇક્રોફિક્શનની એક સાહિત્ય સ્વરૂપ તરીકેની વાત કહેતી, તેને વાર્તાના અન્ય સ્વરુપો સાથે સમાનતા અને ભેદ સ્પષ્ટ કરતી એક પુસ્તિકા પ્રકાશિત કરવાનું ધ્યેય છે. સર્જનમિત્રો આ માટે સતત અનેકવિધ અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો, પેપર્સ અને થિસિસનો અભ્યાસ કરી રહ્યાં છે, પણ એ માટે અમે કોઈ સમયરેખા નક્કી કરી શક્યા નથી.
આ ઉપરાંત પણ અનેકવિધ રીતે ‘સર્જન’ અહીં લખાયેલી વાર્તાઓના પ્રકાશન, પ્રસારણ માટે અત્યારે પ્રયત્નશીલ છે. આવનારા થોડાક જ દિવસોમાં આ પ્રયત્નોના પરિણામ આપ સૌની સમક્ષ આવશે. પ્રિન્ટ માધ્યમોમાં તો સર્જન સતત ચમકી રહ્યું છે જ, એ સિવાય પણ અન્ય માધ્યમોમાં એ આવવાની તૈયારી કરી રહ્યું છે. આગળ ઈશ્વરેચ્છા બલિયસી..
૨૦૧૦માં મેં અને ડૉ. હાર્દિક યાજ્ઞિકે માઇક્રોફિક્શન સમજવા અને સર્જવાનો જે પ્રવાસ આરંભ્યો હતો એ માર્ગે હવે આખો કાફલો ચાલી નીકળ્યો છે. કાલે કદાચ અમે હોઈએ કે ન હોઈએ, આ પ્રવાસ તો સતત ચાલતો જ રહેવાનો એ ચોક્કસ. ‘સર્જન’ના એકેએક સાથીઓ પોતે આ સફર ખેડવા અને માર્ગ પ્રશસ્ત કરવા સક્ષમ છે, તેઓ અમારા મોહતાજ નથી. સાહિત્યના આ સ્વરૂપનો કેડી જેવો સાંકડો અને કાંટાળો રસ્તો આગળ જતાં રાજમાર્ગ બનશે જ, સફરમાંથી ભટકતા ઘણાંયની ભ્રામક માન્યતાઓ તૂટશે અને તેમને પણ ફક્ત મંઝિલને પામવાને બદલે સફરની મજા લેવાનું મન થશે. ઈશ્વર સતત સર્વેને સર્જનરત રાખે, જ્ઞાનનો પ્રકાશ સદાય તેમની આસપાસ ફેલાતો રહે એ જ પ્રાર્થના.
દિવાળી એટલે ઉત્સાહનો અને ઉત્સવનો સમય, સરસ્વતી, લક્ષ્મી અને પ્રકાશના પૂજનનું પર્વ. દીપપૂજનને આપણે ત્યાં પ્રકાશના અંધકાર પરના વિજયના પર્વ તરીકે, સત્યના અસત્ય પરના વિજય તરીકે ઉજવાય છે. તમસો મા જ્યોતિર્ગમયની આપણી સંસ્કૃતિ મનના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો અને સમજણનો પ્રકાશ ફેલાય એ માટેની પ્રાર્થના કરે છે. નૈતિક અને આધ્યાત્મિક જ્ઞાનની લક્ષ્મી આપણા જીવનને સતત સમૃદ્ધ રાખે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે સૌને દિપોત્સવીનો આ ઉત્સવ ખૂબ મુબારક અને નવા વર્ષના સાલ મુબારક..
सत्याधारस्तपस्तैलं दयावर्ति: क्षमाशिखा।
अंधकारे प्रवेष्टव्ये दीपो यत्नेन वार्यताम्॥
( જ્યારે ગાઢ અંંધકાર ફેલાઈ રહ્યો હોય, તોફાની પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે આપણે જે પ્રગટાવીએ તેની દીવો સત્યની હોય, તેમાં તપનું તેલ હોય, દયાની વાટ હોય અને ક્ષમાનું તેજ હોય, સમાજમાં ફેલાયેલા અંધકારને નષ્ટ કરવા આવા જ દીપ પ્રગટાવવાની જરૂરત છે.)
– જીજ્ઞેશ અધ્યારૂ
ઘણાં સમય પછી જોવાનો સમય મળ્યો.. ખુબ સુંદર અંક.મા સરસ્વતી ની કૃપા બની રહે તે શુભકામના…
અભિનંદન. ઉત્તમ ભાવના, ઉત્તમ લેખન અને સર્જન કાર્ય. અપ્પો દીપો ભવની અલગારી યાત્રા એટલે ‘સર્જન’ – માઈક્રોસર્જન. આવકાર અને મંગલ કામના સહ. – હર્ષદ દવે.
હાર્દિક અભિનંદન . સૌ સહયોગીઓને મુબારકબાદી
‘સર્જન’ના દિવાળી અંકનું મુખ્ય પૃષ્ઠ, તંત્રીલેખ, ટચૂકડા તોફાન જેવી માઈક્રોફિક્શન વાર્તાઓ, શ્રી અભિષેક જૈનનો ઈન્ટર્વ્યુ, શ્રી કાફ્કાની ફેબલનો અનુવાદ + આસ્વાદ, નીલમદીદી અને તમારો માઈક્રોફિક્શન અને લઘુકથા વિષેનો લેખ એન્ની મેકમોહનની વાર્તા + આસ્વાદ, હેમલબેનનો અછાંદસ તથા માઈક્રોફિક્શન પરનો મસ્ત લેખ, સંકેતભાઈ અને એન્જલબેનની માઈક્રોફિક્શન વિષેની છણાવટ… અહા.. એક જ અંકમાં સાહિત્યનો જબરદસ્ત ઘુઘવાટ સાંભળવા અને માણવા મણ્યો. ‘સર્જન’ના સર્જકો આમ જ ‘સર્જન’ મય બની રહે તેવી શુભકામનાઓ અને સૌ પર મા સરસ્વતી અને મા લક્ષ્મીના આશિર્વાદ બની રહે તેવી અભ્યર્થના!