શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ 4


સર્જન વોટ્સએપ ગ્રૂપના ‘માઈક્રોસર્જન’ પુસ્તકમાં વ્યસ્તતાને લીધે આ શ્રેણીનો ત્રીજો હપ્તો મૂકવામાં વિલંબ થયો છે. પણ આજનો અને હવે પછીના હપ્તાઓમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શોર્ટફિલ્મ્સની કેટલીક નોંધપાત્ર ફિલ્મોને તેમની વિશેષતાઓ સાથે મૂકવાનો પ્રયત્ન રહેશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે ત્રણ ફિલ્મો, ત્રણેય લંબાઈ, વાર્તાકથન, ફિલ્માંકન અને પ્રકારની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન ફિલ્મો છે.

3 શેડ્સ – વિવેક જોશી

આપણી દંભી, ક્ષણિક અને અવસરવાદી દેશભક્તિ, મતલબી માનસિકતા અને શાહમૃગવૃત્તિ પર વિવેક જોશીની આ ફિલ્મ અનોખો કટાક્ષ કરી જાય છે. આ ફિલ્મમાં એ બધુંય છે જે આપણે નથી જોવું, જેને આપણો સમાજ પોતાના પર એક ડાઘ ગણે છે, અને છતાંય એને દૂર કરવાને બદલે આંખ આડા કાન કરવાનું આપણને વધારે ગોઠે છે. ફિલ્મનું કેમેરાવર્ક સરસ છે, પૂરતા એડિટિંગને લીધે એકેય ક્ષણ વેડફાતી નથી જે શોર્ટફિલ્મનું સૌથી વધુ મજબૂત પાસુ હોવું જોઈએ. અહીં એકેય ફ્રેમ નકામી નહીં લાગે. જે કહેવી છે એ વાત સ્પષ્ટ અને સચોટ રીતે કહેવાઈ છે. અનુભૂતિનો ખૂબ સરસ પ્રવાહ લઈને પાંચ મિનિટમાં પોતાની કહાની તાદ્દશ કરતી, વાચકને એ પ્રવાહમાંં ખેંચી જતી નાનકડી અને વિચારશીલ ફિલ્મ.

ટીસ્પૂન – અબાન ભરૂચા દેવહંસ

અનેક પુરસ્કાર જેને ફાળે છે એવી આ શોર્ટફિલ્મ ટીસ્પૂનમાં ગૃહિણીની પારિવારીક મર્યાદાઓની, એના માનસિક પરિતાપની, સ્વતંત્રતાની તેની ઈચ્છાની અને અંતે સંંજોગોનો શિકાર થઈને એના દ્વારા થતા બિભત્સ અપરાધની, અને ત્યાર બાદ પસ્તાવાની વાત કહેવાઈ છે. ફિલ્મ પંદર મિનિટની છે એટલે આપણી આ માઈક્રોફિલ્મની આ શ્રેણી માટે એ થોડીક લાંબી ખરી, પણ એની વાર્તાનું પોત એટલું મોટું છે કે એ લંબાઈ યથાર્થ ઠરે છે. ૧૯થી વધુ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય નોમિનેશન્સ / પુરસ્કારો વાળી આ શોર્ટફિલ્મ ભારતીય સમાજની ગૃહિણીઓના મનોમંથનને પણ ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવે છે. ચા માટેની ચમચીનો એક પ્રોપ તરીકે ઉપયોગ અદ્રુત રીતે થયો છે, બેય મુખ્ય પાત્રો, શ્રી સ્વરા અને બોમી દોતિવાલાનો અભિનય કાબિલેદાદ છે. એટલે જ જ્યારે ફિલ્મને અંતે ચમચીનો રણકાર ફરી સંભળાય ત્યારે પ્રેક્ષકોના રુંવાડા ઊભા થવા સ્વભાવિક છે. અહલ્યા પછી કદાચ આ ફિલ્મે મને સૌથી વધુ પ્રભાવિત કરેલો, સ્વભાવગત વિશેષતાઓનું વિશિષ્ટ અને બારીક નિરુપણ, ખૂબ જ નાની વાતોને પણ મહત્વપૂર્ણ રીતે વણવાની ખાસિયત આ ફિલ્મને વિશેષ બનાવે છે.

https://youtu.be/ZmVPCnxN-1A

ધ મૅજિક ડાઇનર – નિકોલસ લાર્સન

ત્રણ મિનિટથી નાની આ ખૂબ ટૂંકી ફિલ્મ માઈક્રોફિક્શન સ્વરૂપનું તાદ્દશ ફિલ્માંકન છે. અલિસીયા એક નાનકડી હોટલમાં છે, અને એના ટેબલ પર પ્રશ્નોના જવાબ આપતું એક યંત્ર છે. શરૂઆતના સામાન્ય સવાલથી લઈને આખરી સવાલ સુધી દરેક ક્ષણે આ ફિલ્મ અનેકગણું સસ્પેન્સ વધારતી જાય છે. 18th edition : International Competition – a Très Court આયોજિત આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ૧૮મા સંસ્કરણમાં આ ફિલ્મ વિજેતા બની છે. માઈક્રોફિલ્મ વિશે મેક્રોમાં લખવું ક્યાં ઉચિત છે? કારણકે આ ફકરો વાંચવા જેટલા સમયમાં તો આ ફિલ્મ જોવાઈ જશે..

ત્રણ શોર્ટફિલ્મોનો આ ત્રીજો ભાગ આપને કેવો લાગ્યો? આપને કેવા પ્રકારની શોર્ટફિલ્મ્સ વિશે જાણવું ગમશે? આપના મતે કઈ લંબાઈની ફિલ્મ શોર્ટફિલ્મની શ્રેણીમાં પૂરેપૂરી બંધબેસતી આવે? આપના પ્રતિભાવો આ શ્રેણીના આગામી ભાગને રસપ્રદ બનાવશે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ

 • gopal khetani

  ધ મેજીક ડાઈનર એકદમ ક્રિસ્પ. ૩ શેડ્સનું કેમેરા વર્ક જબરદસ્ત. આ બન્ને ફિલ્મો જોયા બાદ ટિ-સ્પુનની લંબાઈ વધુ લાગી. પણ એક્ટીંગ અને સ્ટોરી જબરદસ્ત!

 • Sushma k sheth.

  Short film- 3 shades was viral on whatsapp.
  2 nd one- teaspoon, very touchy, would like to watch again and again,
  The 3rd film ends before we start thinking about it. Very interesting, enjoyed.

 • Nirupam chhaya

  લઘુફિલ્મોનું પોતાનું એક આગવું સ્થાન છે. ટૂંકમાં પણ હૃદયમાં ઊતરી જાય સોંસરવું ઊતરી જાય એવાં કથાનક સાથે એની પ્રસ્તુતિ માટે આનુષાગિક પાસાં જોડાઈને એ કૃતિ આપણી સામે આવે ત્યારે એક સમર્થ અને સમૃદ્ધ કલાકૃતિનો જાણે સ્પર્શ થાય છે. મારી વિનંતી છે કે આવી જ એક કૃતિ bus no 44 સહુ જુએ અને અક્ષરનાદની આ શ્રેણીમાં પણ મુકાય.

 • SUBODHCHANDRA

  Excellent Selection. 3 shades and Teaspoon fascinated most. The Magic Diner requires a lot more to come to the conclusion as to message.