Daily Archives: May 7, 2017


‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ 28

એક પુસ્તક, ઓગણપચાસ લેખકો અને ૭૦થી વધુ વાર્તાઓ.. ઓગણપચાસમાંથી ચાલીસ પહેલી વખત પ્રિન્ટ થયા.. કાલે સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ ત્રિપાઠી હોલમાં સાથે બેસીને જ્યારે બધાના મનની વાતો નીકળતી રહી તેમ તેમ એ સમજાતું ગયું કે આ પુસ્તક ફક્ત એક પુસ્તક નથી, વાર્તાઓનું સંકલન માત્ર નથી, પણ આ પુસ્તક એક જવાબ છે એ તમામ લોકોને જેમણે ક્યાંકને ક્યાંક આ લોકોની અંદર રહેલા સર્જકને પડકાર્યો છે, અવગણ્યો છે, ધુત્કાર્યો છે. કોઈકને માટે ‘તું શું કરી લેવાનો?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોથી આપવાને બદલે બતાવી શકાય એવી ક્ષમતા વાળું આ પુસ્તક છે તો કોઈકને માટે પોતાના થીજી ગયેલા જીવનમાં ફરીથી વસંત લાવવાનો આ માર્ગ છે. એક બહેને કહ્યું કે વર્ષોથી કોઈ દિવસ તેઓ તેમના પતિ વગર એકલા નીકળ્યા નથી, પણ આજે સર્જન મેળાવડા માટે આવ્યા. કોઈક પોતાના સામાજીક પ્રસંગોને, કોઈક પોતાની પારિવારીક જવાબદારીઓને તો કોઈક પોતાની નોકરીને આ એક દિવસ માટે ગમે તેમ આઘા ઠેલીને કેમ ભેગા થયેલા? અહીં આવવું સ્વૈચ્છિક હતું, તો આ બધા દૂરદૂરથી કેમ આવ્યા?