પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2


(કવિમિત્ર શ્રી જિતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જિતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..)

૧. વરદાનમાં આવી…

તમે ચાલ્યા ગયા તો એ અચાનક તાનમાં આવી;
ઘણા વર્ષો પછી આજે ઉદાસી ભાનમાં આવી.

પહેરીને વળાવી દીકરી જે શાનથી બાપે;
પ્રથમ તે પાઘડી ગીરવે તે દુકાનમાં આવી

દિવાના ખૂનનો આરોપ અંધારા પર લાગ્યો;
હવાની હાજરી ત્યાં કોઈને ના ધ્યાનમાં આવી?

સતત વેઠે એ પથ્થર, પાનખર ને ઘા કુહાડીના;
વ્યથા સો વૃક્ષન જાણે અહીં વરદાનમાં આવી!

સ્વયંના બળ ઉપર સઘળુંય સૌએ વશ કરી લીધું!
જણાવો, ભૂખ ક્યારેય કોઈના પણ બાનમાં આવી.
(૨૮/૪/૨૦૧૫)

૨. આગના દસ્તૂર….

આછરીને દૂર થાતાં જાય છે
નીર સઘળા ક્રૂર થાતા જાય છે.

એમને કહો; ઝટ હવે આવી મળે;
વાયદા ઘેઘૂર થાતા જાય છે!

સ્વપ્ન ના સચવાય એવું પણ બને;
આંખ અંદર પૂર થાતા જાય છે

હે પીડાઓ! બસ હવે પાછી વળો;
હોશ ચકનાચૂર થાતા જાય છે.

બ્હાર હો કે હો પછી ભીતર હવે;
આગના દસ્તૂર થાતા જાય છે.
(૧૯/૭/૨૦૧૫)

૩. રવાના…

હાથે કંપે છે હવાના;
હાલ મારા શું થવાના?

આંખમાં તણખા ઊડે છે;
આજ સપના દાઝવાના.

આગ તો ઠારી દીધી છે;
હું પણું પણ ઠારવાના?

પત્રના ઉત્તર સ્વરૂપે;
મેં કરી ક્ષણને રવાના.

જીતશે છેવટ વ્યથાઓ;
ઘા સઘળા હારવાના.
(૧૦/૯/૨૦૧૪)

૪. એ ભીંત છે!….

મૌન તરફડતી રહી એ ભીંત છે;
ખીંટીએ રડતી રહી એ ભીંત છે.

બારણે ચિંધ્યા કરી છે હરવખત;
કે મને લડતી રહી એ ભીંત છે.

છત વગર પણ ક્યાંક જોઈ છે અમે;
સાવ આથડતી રહી એ ભીંત છે.

એ નથી માલિકી કૈ મારી ફક્ત;
વેલ જ્યાં ચડતી રહી એ ભીંત છે!

આંખ મારી જ્યાં કદી છલકી પડી;
હૂંફ લઈ અડતી રહી એ ભીંત છે.

ચાલ સંબંધો તપાસી જોઈએ;
રક્તમાં સડતી રહી એ ભીંત છે!

વેદનાનો એ હતી પર્યાય દોસ્ત;
નિત્ય દડદડતી રહી એ ભીંત છે.
(૨૫/૦૨/૨૦૧૪)

૫. અક્સ્માતમાં…

ભીતરના અજવાળા છૂટ્યા;
એક પછી એક જાળા તૂટ્યા.

પડછાયાએ પોત પ્રકાશ્યું;
કિરણોના જ્યાં અંજળ ખૂટ્યા.

ખૂબ સાચવ્યા તા આખોમાં;
કોણે મારા મોતી લૂટ્યાં?

ભલા! તમે આને ફૂલ કહો છો!
અરે તમે તો શ્વાસો ચૂંટ્યા.

અકસ્માતમાં હવા બચી ગઈ;
પરપોટાના ક્યારા ફૂટ્યા.
(૨૯/૪/૨૦૧૫)

– જિતેન્દ્ર પ્રજાપતિ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ