લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ 7


એક વખત એક દુઃખી માણસ એક વૃદ્ધ પાસે આવ્યો અને કહ્યું; ‘જિંદગીમાં તેના જેવો દુઃખી માનવી નહીં હોય. આ દુઃખ દૂર કરવાનો કોઈ ઉકેલ ખરો?’ વૃદ્ધ માનવીએ તેને મુઠ્ઠીભર મીઠું લઈને એક પાણીના ગ્લાસમાં નાખી પી જવાનું કહ્યું અને પછી પૂછ્યું, ‘પાણીનો સ્વાદ તને કેવો લાગ્યો?’ પેલા માણસે થુ.. થુ.. કરીને જવાબ આપ્યો ‘ભયંકર’. વૃદ્ધ માણસ હસ્યો અને ફરીથી મૂઠીભર મીઠું લઈને નજીક આવેલા સરોવરમાં નાખવાનું કહ્યું. બન્ને નજીક આવેલા સરોવર તરફ ગયા અને પેલા માણસે સરોવરમાં મૂઠી મીઠું નાખ્યું. વૃદ્ધે એને તે સરોવરના પાણીનો ઘૂંટડો પી જોવા કહ્યું. જેવું તેણે સરોવરનું પાણી પીધું કે વૃદ્ધે તેને પૂછ્યું, ‘તને આ પાણીનો સ્વાદ કેવો લાગ્યો?’

‘સરસ’ તેનો જવાબ હતો.

‘તે તેમાં મીઠાની ખારાશ, અનુભવી?’ વૃદ્ધે પૂછ્યું.

‘ના’ તેણે કહ્યું.

વૃદ્ધ આ દુઃખી માનવીની બાજુમાં બેઠો અને કહ્યું, ‘જિંદગીનું દુઃખ શુદ્ધ મીઠાં જેવું છે. વધુ પણ નહિ અને ઓછું પણ નહિ. જિંદગીના દર્દની માત્રા એકસરખી જ રહે છે. પરંતુ આપણે જે દર્દને અનુભવીએ છીએ તેનો આધાર જેમાં તે ઘર કરી ગયેલ છે તે પાત્ર પર રહેલો છે. તમે દુઃખી હો ત્યારે તમે ફક્ત તમારી સમજણને વધારી શકો છો. ગ્લાસ બનવાને બદલે સરોવર બનવા પ્રયત્ન કરો. જિંદગીમાં આવતું સુખ કે દુઃખ તમે ધારો તો ક્ષણિક હોય છે. જ્યારે આનંદની પળ હોય ત્યારે તેને બરાબર માણી લો, કારણકે તે શાશ્વત નથી અને તેવી જ રીતે દુઃખ આવે ત્યારે તેની ચિંતા કરવાનું છોડી દો. જો તમે ધારો તો તમારું મનોબળ તેની માત્રાને ઓછી કરવાનું કાર્ય સારી રીતે કરી શકે છે. તમે તમારા દુઃખ પર એક અનોખા અભિગમથી જીત મેળવી શકો છો.’

આપણા ઘરે મોટા ભાગનું ઘરકામ મા કરતી હોય છે. આપણા નાના હોઈએ ત્યારે આપણી સંભાળ મા લેતી હોય છે. મા એક એવી હસ્તી છે જે જિંદગીમાં આપણી તકલીફોના સમયે આપણને કદી ત્યાગતી નથી. પણ મા પોતે જ અશક્ત હોય કે માંદી હોય તો શું થાય? આ પ્રશ્નનો કદી વિચાર આવ્યો છે?

લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.

લિન્ડા જન્મી તે પહેલાં તેનાં માતા-પિતાને તેની સ્થિતિ અંગે કોઈ જાણ ન હતી. તે હૉલ્ટ-ઓરમ (Holt-Oram) નામનાં લક્ષણો સાથે જન્મી હતી, આ એક વારસાગત સ્થિતિ છે કે જેમાં હાડકાંના વિકાસને અસર પહોંચે છે અને હ્યદયની સમસ્યા ઊભી કરે છે. લિન્ડા શિકાગોમાં તેનાં માતા-પિતા અને ચાર નાનાં ભાઈ-બહેનો સાથે ઊછરતી હતી. તે હાથ વગર જન્મી હોવા છતાં તેના માતા-પિતા અને ભાઈ-બહેનો સહજતાથી તેનો ઉછેર કરતાં હતાં. તેને એઓએ કદી તેના તરફ અલગ રીતનો વર્તાવ કર્યો ન હતો. તેઓ તેને ચાલવામાં અને પહેરવેશ પહેરવામાં મદદ પણ કરતા. તેના માતા-પિતાએ તેના માટે પ્રોસ્થેટિક હાથ બનાવરાવ્યા પણ તે તેના માટે સુખદાયક ન હતા તેથી ૧૨ વર્ષની ઉંમર સુધી તો તેનું દરેક કામ તેના પગથી કરતી હતી. શાળામાં તેને ચીડવવામાં આવતી પણ મિત્રોએ તેને ટેકો આપ્યો હતો.

શાળાનો અભ્યાસ પૂરો કરી તેણે પ્રાથમિઅક શાળાની શિક્ષિકા તરીકેનો વ્યવસાય સ્વીકાર લીધો. ૨૪ વર્ષની ઉંમરે તેને એક જીમમાં રિચાર્ડ સાથે ભેટો થઈ ગયો. બન્નેને એકસાથે સારું ફાવી ગયું. તેઓના પ્રેમમાં તેમને તેની વિકલાંગતા નડતરરૂપ ન હતી. રિચાર્ડને તેની સ્વતંત્રતા પસંદ હતી. જુલાઈ ૨૦૦૪માં બન્ને પરણી ગયાં અને બાળક માટે યોજના ઘડવા લાગ્યાં. લિન્ડાને ખબર પડી કે તે ગર્ભવતી હતી ત્યારે તેને કહેવામાં આવ્યું કે જન્મ આપનાર તેના બાળકમાં તેના જેવાં વારસાગત લક્ષણો આવવાની શક્યતા પચાસ ટકા હતી. તેના મનમાં પ્રશ્ન થતો કે તે બાળકને જન્મ આપી સાચા રસ્તે જતી હતી કે કેમ? પણ તેને ખરે ખર કુટુંબ જોઈતું હતું અને બન્ને મક્કમ રહ્યા અને લિન્ડાએ ટિમીને જન્મ આપ્યો હાથ વગરના ટિમી જન્મ્યો ત્યારે ડૉક્ટરોએ લિન્ડા અને રિચાર્ડને કહ્યું કે બાળકના હદયમાં છિદ્ર હતું. નવા જન્મેલ બાળકે બે મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પર સર્જરી કરવામાં આવી અને તે પૂર્ણ રીતે સાજો થયો અને તેને ઘેર લઈ જવાની છૂટ આપવામાં આવી. લિન્ડા માતા તરીકેની ભૂમિકા બજાવવા સજ્જ થઈ ગઈ અને ગળે વીંટાળેલા ટિમીને ઘરે લઈ આવી.

જેવો ટિમી સમજણો થયો કે શ્રીમતી બેનન પોતે જે શીખી હતી તે બધું જ તેને શીખવવા લાગી. ઘરનું કાર્ય બેનન માટે આકરી કસોટી રૂપ હતું. સાંજનું ભોજન બનાવવું, વાસણ-કપડાં ધોવાં, પથારી સજ્જ કરવી આ બધાં કાર્યો તેના માટે પડકારરૂપ હતાં. પણ ૩૫ વર્ષની થયેલ બેનન તેની વિકલાંગતાને સામાન્ય જિંદગી જીવવામાં અડચણરૂપ ન બને તેનો તેને ખ્યાલ રાખી જિંદગી સામે આવતા બધા જ પડકારોને સહજતાથી ઝીલી લીધા.

પ્રેરણાદાયક અભિગમથી દીકરો સહેજ પણ પરતંત્ર બની ન રહે તે માટે તેણે કમર કસી. આજે ટિમી તરી શકે છે. ટેકવોન્ડોના નિયમિત વર્ગો ભરે છે અને તેની ઉંમરના કિશોરોની જેમ તે વીડિયો ગેમ રમી શકે છે. પોતાના પંજાની પક્કડ તેણે એટલી મજબૂત કરી દીધી છે કે હાથનાં આંગળાની માફક તે પગનાં આંગળાથી કમ્પ્યુટર પર અંકુશ ધરાવતો થયો છે. પોતાની માતાના અથાગ પ્રયત્નોએ આજે ટિમીને પોતાનું દરેક કાર્ય પોતાની જાતે કરતો કરી દીધો છે.

જે રીતે બેનન પોતાની જાતે પગના પંજા વડે સીવવાનું શીખી ગઈ તેમજ છરી-ચપ્પાં, કાંટા અને ચમચા ઈત્યાદિ ઘર વપરાશની ચીજોનો ઉપયોગ કરતાં શીખી ગઈ હતી તે રીતે તેણે ટિમીને પણ પગના પંજાનો ઉપયોગ કરવા માટે કાબેલ બનાવી દીધો છે. તે કહે છે, ‘ટિમી બીજા સાજા છોકરા જેવો કાબેલ છે. તે કોઈનો પણ ઓશિયાળો બની ન રહે તેવી તેણે કેળવણી આપી છે.’

પોતાના પગ વડે ટિમી પોતાનું ગૃહકાર્ય પોતાની જાતે કરે છે. તેની માતા સાથે લેગો (lego) રમે છે. પોતાના ઓરડાને જાતે સાફ કરે છે. બેનન કહે છે. ‘ઘણી વાર ટિમી પોતાનાં બટન બંધ કરવામાં નાસીપાસ થાય છે પણ તેનિ અભિગમ હકારાત્મક રહ્યો છે તેનું મને ગૌરવ છે.’

બન્ને પગનો ઉપયોગ કરી પોતાન પગ વડે ટિમી જાતે કરતા શીખી ગયો છે. ક્યારેક બાઈક ન ચલાવી શકવાના કારણે હતોત્સાહ થાય છે પણ લાંબા સમય સુધી તે ઉદાસીનતા રહેતી નથી. બેનન કહે છે, ‘મારે બીજું બાળક હમણાં નથી જોઈતું. ટિમીની જે કદાચ બીજા બાળકને પણ હદયની સમસ્યા ઊભી થાય અને આ પરિસ્થિતિ તેને પણ ભોગવવી પડે.’ બેનન પોતાના જેવા વિકલાંગો માટે પ્રોત્સાહક-પ્રેરક વક્તા બનવાની યોજના ઘડી રહી છે. વિકલાંગતાનો સામનો કરી સામાન્ય માનવીની જેમ જીવી શકાય છે તેવું પોતાના ઉદાહરણથી લોકોને તે બતાવવા ઈચ્છે છે. ટિમી પણ શા માટે પરણી ન શકે કે તેને પણ પોતાનું કુટુંબ ન હોઈ શકે તેવી વિચારસરણી તે ધરાવે છે. ગમે તેવી પરિસ્થિતિ માં ટિમી ખુશ અને સુખી બની શકે છે તે પોતાના વક્તવ્ય દ્રારા હંમેશા કહે છે. રિચાર્ડ પણ તેની સાથે કદમ મેળવી તેમને ભરપૂર સુખ મળી રહે તે માટે હંમેશા તત્પર રહ્યો છે.

આજે આ મા-બેટાએ પોતાની શારીરિક મર્યાદાઓને નજર અંદાજ કરીને ઈશ્વરે આપેલી મર્યાદાઓનો અસ્વીકાર કર્યો છે અને દુનિયાને બતાવી આપ્યું છે કે અમે વિકલાંગ ભલે હોઈએ પણ અમારા અભિગમથી દુનિયાને જીતી શકીએ છીએ. માનવી જિંદગીમાં આવી પડેલ સમસ્યાઓ અને તકલીફોનો હસતા મુખે સામનો કરે તો જ જિંદગી જીવી શકે. પોતાની તકલીફોને કારણરૂપ બનાવી જિંદગી માણવાનો આનંદ ગુમાવી બેસે તો તે જિંદગી શા કામની?

પ્રતિકૂળ સંજોગો હોવા છતાં હસો, દર્દને હસતાં-હસતાં સહન કરો. ખબર નહિ પડે દર્દ ક્યાં ચાલ્યું ગયું. જિંદગી પુષ્કળ પ્રતિકૂળતાથી ભરેલી છે. પણ તમે તેની સાથે કેવી રીતે પેશ આવો છો તેનાથી તમારી ઓળખ બને છે. જિંદગી કંઈ ફૂલોની સેજ નથી! જોકે તે આપણે ઈચ્છીએ તે હંમેશા આપતી નથી પણ આપણે ઈચ્છા મુજબ મેળવવા માટે કે સેવેલા સ્વપ્નોને સાકાર કરવા અંતે જિંદગીમાં અદમ્ય ઝંખના સેવવી પડે છે અને અથાગ પ્રયત્નો કરવા પડે છે. કોઈપણ સમયે જિંદગી નિરાશા તરફ આપણને ધકેલી શકે છે. પણ આપણે જિંદગીમાં સેવેલા સ્વપ્નો તરફના માર્ગથી ચલિત થવું ન જોઈએ. આપણી નિરાશાને જ આગળ વધવા માટેનું સોપાન બનાવી આપણા ધ્યેયને સિદ્ધ કરવા મથવું પડે. ઓછા મુશ્કેલ માર્ગ પર મુસાફરી કરવા માટે મનમાં લાલચ થઈ આવે, સરળ રસ્તો અપનાવવાની ઈચ્છા થાય, સ્થિરતા બનાવી રાખવા માટે નિરાશાને કારણે અઘરા માર્ગને છોડી દેવા તત્પર બની જઈએ, પણ તે વાસ્તવિક નથી. અવરોધ વગરનો માર્ગ, પડકાર વગરની જિંદગી કોઈ પણ ધ્યેય સુધી પહોંચવા આપણને સક્ષમ બનાવતી નથી. જ્યારે જે માર્ગ આપણને પડકારો ફેંકે છે અને આપણે તે પડકારો ઝીલી લઈને વિજય મેળવીએ છીએ ત્યારે તેનું વળતર ન ધારેલું હોય છે. લિન્ડા બેનન અને તેના બેટા જેવા માનવીઓને ભગવાનના અસીમ આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના!

– ડૉ. જનક શાહ અને ભારતી શાહ

(‘હોંસલોંકી ઊડાન’પુસ્તકમાંથી સાભાર. પુસ્તકો અક્ષરનાદને સમીક્ષા માટે ભેટ આપવા બદલ શ્રી ડૉ. જનક શાહનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ