વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ 10


વિશ્વ માતૃભાષા દિવસ ગઈકાલે હતો, એના ઉપલક્ષમાં શ્રી ભરતભાઈ કાપડીઆનો આજનો લેખ વિચારતા કરી મૂકે એવો છે.

પ્રિયજન,

મને ક્યારેય આ દિવસવાળું તંત્ર સમજાયું નથી. ચાહે એ જન્મદિવસ હોય કે માતૃદિવસ કે પિતૃદિવસ. જો આપણે રોજેરોજ પૂરતાં ખુશમિજાજ અને આનંદિત રહેતાં હોઈએ તો કમ સ કમ આપણે પોતે જન્મદિવસ અલગથી ઉજવવાની જરૂર ન પડે. અન્યો અભિનંદન આપે એ અલગ વાત છે. ઉલટું, બને છે એવું કે જન્મદિવસે અપેક્ષિત શુભેચ્છાઓ કે ફોન કે સંદેશ ન આવે તો આપણે દુ:ખી દુ:ખી થઇ જઈએ અને માઠું લગાડી બેસીએ કે હજી આનો ફોન તો આવ્યો જ નહી. આપણી ખુશી એવી બળવત્તર હો કે એવા કોઈ અફસોસ કે વસવસાને મનમાં સ્થાન જ ના મળે. એ જ રીતે મધર્સ ડે અને ફાધર્સ ડે. આખું વરસ માવતરની અવહેલના કરતાં સમાજમાં એ દિવસનું ઔચિત્ય હોઈ શકે. જ્યાં માવતર સાથે રોજિંદો સંસ્પર્શ નથી, ત્યાં વરસમાં એક દિવસ એમને પુણ્યાંજલિ અર્પવાનો આ વિચાર એમની રીતે બરાબર હશે.

આપણે જરૂર છે, માવતર સાથેનું આપણું માનસિક અને ભૌતિક સાયુજ્ય સમુનમું કરવાની. બન્ને પેઢી એકમેકની care કરે, એકમેકનો અને એકમેકના વિચાર-આચારનો આદર કરે અને સવિશેષ એકમેક સાથે પ્રેમથી જોડાયેલા રહે. જો આમ આખું વરસ, રોજેરોજ ચાલતું હોય તો વરસના વચલે દિવસે કોઈ ખાસ દિવસ ઉજવીને તર્પણ કરવાની કે દેખાડો કરવાની અને એ બહાને એક વધુ સંબંધને “પતાવી” દેવાની જરૂર નહિ પડે. (બેસતા વરસે, જૂના દિવસોમાં બનતું ને કે “સાલ મુબારક” કરવા નીકળેલ યુગલ મોટા ભાગના ઘરની મુલાકાત પછી કહે કે છ ઘર પત્યાં, હવે ત્રણ જ બાકી છે.) પતાવી દેવાની આ ખતરનાક ભાવના હવે સંબંધોની પણ પતાવટ ઉપર ઊતરી આવી છે.

તો આ જ ફોર્મ્યુલા આપણી માતૃભાષાને પણ લાગુ પાડીએ. રોજેરોજ, ક્ષણેક્ષણ, માતૃભાષાનું ગૌરવ કે મહિમા કરતાં રહીએ તો વરસમાં એક વાર એના માટે કંઇક કરવાનો દેખાડો કરીને એને “પતાવી દેવાની” જરૂર નહીં પડે. આપણે પોતે હરરોજ ન બને તો ૩-૪ દિવસે કે પછી સપ્તાહમાં એક વાર એક સરસ મઝાની કવિતા, લેખ કે વારતા અંતરથી, અંદરથી વાંચીએ, એને હૃદયસ્થ કરીએ. એટલું જ નહીં. ગમતાં લોકોમાં share કરીએ. એથી વિશેષ, આપણા પછીની પેઢીમાં, દીકરા-દીકરી અને તેમના બાળકોને શક્ય હોય તો વાંચી સંભળાવીએ. અને આ બધું નિયમથી કરીએ.

બાળકો સાથેના વહેવારમાં બને તો એકી સમયે એક જ ભાષાનો પ્રયોગ કરીએ. અંગ્રેજીમાં વાત કરીએ તો ફક્ત અંગ્રેજી શબ્દો જ આવે. ગુજરાતીમાં બોલીએ ત્યારે કેવળ ગુજરાતીનો જ ઉપયોગ થાય. આમ કરીને આપણે માત્ર ગુજરાતી એટલે કે માતૃભાષાનો જ નહીં, અન્ય ભાષાઓનો પણ આદર કરી શકશું. જે તે સમયે ખૂટતા શબ્દો ગોતવા જે કષ્ટ પડશે, એને લઈને આપણી જે તે ભાષાની સમૃદ્ધિ વધશે.

યાર, ક્યાંકથી તો શરુ કરીએ. અત્યારે તો આપણે ક્યાંયના નથી. નથી પાકી અંગ્રેજી આવડતી, નથી પોતાની માતૃભાષાનો સ્વીકાર કરવો. માતૃભાષાને આપણે માવતરની જેમ જ “Neglected Sector” માં નાખીને પસ્તી બનાવી મૂકી છે. જે જે પરિવારોમાં માતાપિતાનો સ્વીકાર-આદર અને પ્રેમ છે, ત્યાં પણ માતૃભાષા બાબતે તો દુકાળ જ પ્રવર્તે છે. અંગ્રેજીમાં ભણવા-ભણાવવાની લાહ્યમાં આપણે માતૃભાષાનું નામું જ નાખી દીધું છે. કોઈ નવી મૈત્રી થાય, નવો પરિચય બંધાય તો એ જૂનાના ભોગે જ હોય, એવું થોડું છે? થોડું કષ્ટ પડે, કેટલાક અલગ વિચારના લોકો આપણને જૂનવાણીમાં ખપાવે તો કબૂલ. પણ, મારી “મા” નો આદર હું નહીં કરું તો બીજું કોઈ શું કામ કરશે? ઈંગ્લીશ માધ્યમમાં બાળકને ભણાવવા માટે ગુજરાતીને છોડી દેવાનું એ લોજિક એકે ખૂણાથી સમજાય એમ નથી.

આવો, આપણા માવતર અને માતૃભાષા સાથેનો સંપર્ક તાજો અને ગાઢ કરીએ. ચાલો હું મારો ભાગ અત્યારે જ અદા કરું. મારું એક ગમતું ગીત અને એક વાર્તા તમને આપું. તમે તમારો રોલ આ જ ઈમાનદારીથી નિભાવજો. રોજેરોજ નિભાવજો. જો આમ બનશે તો કોઈએ પણ ક્યારેય ગુજરાતીને બચાવવાની ફિકર કે જિકર કરવાનો વારો નહીં આવે.

લિખિતંગ

– ભરત કાપડીઆ

ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય
આ તો વરસે ગગનભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

– મકરંદ દવે

ઝૂમણાની ચોરી – ઝવેરચંદ મેઘાણી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ

  • bharat kapadia

    પ્રતિભાવો-પ્રોત્સાહન બદલ સહુ મિત્રોનો આભાર.

    ભરત કાપડીઆ

  • Patel sonal

    ખરેખર આપણે જેટલુ માતૃભાષા માં સમજી કે વિચારી શકીએ છીએ તેટલુ બીજી કોઈ ભાષા માં નથી વિચારી શકતા. મને ગર્વ છે કે હું ગુજરાતી છું.

  • siddhi

    ખૂબ સાચી વાત,

    દેખાદેખીમાં થોપાયેલ માધ્યમ ને લીધે બાળક , સાનુકૂળ વાતાવરણ તથા માવજતને અભાવે ન તો મા નો સ્નેહ પામી શકે છે ન તો માસીયાઈ ઘરનો આદર પામવા જેટલું સામર્થ્ય…… અને એટલે જ ઉદભવે છે વર્ણશંકર અભિવ્યક્તિ

  • તુષાર શાહ

    શ્રી ભરતભાઈને ખુબ અભિનંદન.
    ખૂબજ સુંદર રીતે વિચારો વ્યક્ત કર્યા છે. અંગ્રેજી શીખવા ગુજરાતી ભૂલી જવાની ક્યાં જરૂર છે? આપને જણાવતાં મને ખુબ આનંદ થાય છે કે મારી બે પૌત્રીઓ ઓસ્ટ્રેલિયા રહે છે અને બંને ગુજરાતી સરસ બોલે તો છે પણ વાંચી અને લખી પણ શકે છે. મારી દીકરી અને જમાઈ એ બાબતે મહેનત કરે છે. સ્વાધ્યાય પરિવાર દર રવિવારે બાળકોને ગુજરાતી શીખવાડવા માટે ક્લાસ ચલાવે છે, જે પ્રશંશનીય છે. અમે પણ બાળકોને વાંચવા ગુજરાતી પુસ્તકો અવાર નવાર મોકલીએ છીએ.

  • સુબોધભાઇ

    “ઝાઝેરૂ જાળવ્યુ તે વહાલેરૂ ખોઇને”

    પ્રભાવિત થઈ જવાયુ

  • Piyushkumar Subodhchandra Shah

    વાહ ભરતભાઈ …

    તમે તો એકદમ ઝંઝોળી નાખ્યા.. સાવ સ્પષ્ટ અને એકદમ ધારદાર ..તમારા જેવા ઘણા બંધુઓને લીધે હજીયે આપણી માતૃભાષા હજીયે એવી ને એવી ટકોરાબંધ છે ..
    અને, રહેશે જ ..
    અસ્તુ

    પીયૂષ

  • સંઞીતા ચાવડા

    સમજવા જેવી……………અરે! અપનાવવા જેવી વાત છે.
    મારે…તમારે…..સૌએ
    મારા તરફથી નાનકડુ હાઈકૂ
    ઘૂટ રે ઘૂટ
    પીઓ અમીરસ સૌ
    ભણતરના