દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ અંતિમ) – નીલમ દોશી 20


પ્રકરણ ૨૩ – દોસ્ત, મને માફ કરીશ ને?

“સૂર્યને ઝંખના છે દર્શનની
પાંપણો એણે પાથરી,
આવો મૌનનો બરફ ઓગળે આખર…”

Dost Mane Maaf Karish ne

કોઇ નાનકડી, કોમળ કૂંપળ કાળમીંઢ ખડકને તોડીને પણ બહાર આવી શકે છે. અને ત્યારે પથ્થર જેવો પથ્થર પણ લીલોછમ્મ બની જાય છે. એ માટે ખડકે ધીરજ રાખવી રહી. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી રહી. એ એની કસોટી છે. અને એ કસોટીમાંથી એ સાંગોપાંગ પાર ઉતરી શકે તો અને ત્યારે એ લીલોછમ્મ બની શકે.

અરૂપ પણ અત્યારે કાળની કસોટીની એરણે ચડયો હતો. એમાં ધીરજ કે શ્રધ્ધા ગુમાવવી પાલવે તેમ નહોતી. કોઇ પ્રાયશ્વિત કયારેય આસાન નથી હોતું. આવનાર ક્ષણની કલ્પનાથી અરૂપ અસ્વસ્થ બન્યો હતો. પરમ, પરિનિ જશે ત્યારે ઇતિ સહન કરી શક્શે? સંભાળી શક્શે એ પોતાની જાતને? કે પછી પોતે તેને સંભાળી શકશે ખરો? કાશ! સમય અહીં જ રોકાઇ જાય તો? આ પળ કયારેય ન ખૂટે તો?

પરંતુ એ શકય નહોતું. એનાથી તે ક્યાં અજાણ હતો? જે સમયનો ડર માનવીના મનમાં હોય તે સમય માનવીની ઇચ્છા હોય કે ન હોય આવી જ પહોંચે છે ને?

અરૂપ ધારે તો પણ આવનાર ક્ષણને કેમ રોકી શકે? છેલ્લા ત્રણ દિવસની માફક આજે પણ સવાર તો પરમ, પરિનિ અને ઇતિના કિલકિલાટથી ચહેકી રહી. રોજની જેમ ઇતિ પરમ, પરિનિમાં ગૂંથાયેલી રહી. વૈશાલી અને અંકુર સામાન પેક કરતાં હતાં એ જોઇ પરમ, પરિનિને મજા ન આવી. થોડીવાર તો ધમાલ પણ કરી જોઇ. પરંતુ આજે તો તેઓ પણ સમજતાં હતાં કે હવે પોતાનું કશું ચાલવાનું નથી. ગમે કે ન ગમે આજે જવું જ પડશે. તેથી થોડા ઉદાસ થઇ ગયા. ઇતિએ પરિનિને નવડાવી, દૂધ પીવડાવ્યું અને તૈયાર કરી. તે ઇતિને ચોંટેલી જ રહી. તૈયાર થઇ થોડું બાકી રહી ગયેલું શોપીંગ પતાવવા બધા બહાર નીકળ્યાં.

અરૂપે પરમ, પરિનિ માટે પણ ઘણી ખરીદી કરી.

‘ઇતિ, જો તો આ ફ્રોક પરિનિને સારું લાગશે? કે પછી આ કલર તેને વધારે સારો લાગશે?’ અરૂપે હાથમાં લાલ અને સફેદ રંગના બે ફ્રોક લઇને પૂછયું. ઇતિ જોઇ રહી. તેણે બંને ફ્રોક હાથમાં પકડયા. પરંતુ કશું સમજાયું નહીં. ત્યાં પરિનિનું ધ્યાન જતાં તે બોલી ઉઠી, ‘રેડ.. આંટી, મને રેડ કલર ગમે છે.‘ અને તેણે ઇતિના હાથમાંથી રેડ ફ્રોક લઇ લીધું. વૈશાલી, અંકુર ના,ના, કહેતા રહ્યા અને અરૂપ ઇતિને બતાવી બતાવીને પરમ, પરિનિ માટે ખરીદી કરતો રહ્યો. આજે ખરીદીમાં તેને જે આનંદ આવતો હતો તે જીવનમાં પહેલાં ક્યારેય નહોતો આવ્યો. જોકે પહેલાં કયારેય આવી કોઇ ખરીદી કરવાનું પણ ક્યાં આવ્યું હતું? ખરીદી માટે નાના બાળકના સેક્શનમાં જવાનું નસીબમાં કયારેય આવ્યું જ નહીં. આજે ખરીદી કરતી વખતે ઇતિના ચહેરા પર એક ચમક અરૂપે જોઇ હતી. અને એ ચમક તેના ઉત્સાહને વધારતો રહ્યો હતો. વૈશાલીએ પણ ઇતિ માટે એક સુંદર ડ્રેસ લીધો હતો.

પૂરા ત્રણ કલાક ખરીદીમાં વીત્યાં. બધા ખુશ હતા. જમીને આવ્યા ત્યારે સાંજ થવા આવી હતી. અને અંકુર, વૈશાલીને જવાનો સમય થઇ ગયો હતો.

‘અરૂપ મને લાગે છે કે હવે અમારે નીકળવું જ રહ્યું. મન તો નથી થતું. છોકરાઓની સ્કૂલનો પ્રોબ્લેમ ન હોત તો જરૂર હજુ થોડા દિવસો રોકાઇ જાત. શું કરું દોસ્ત?‘

’અંકુર, હું સમજી શકું છું. તમારા આવવાથી ઇતિના ચહેરા પર જે ચમક આવી છે.. જે હાસ્ય આવ્યું છે તે માટે હું તમારા બંનેનો આભાર કયા શબ્દોમાં માનું?’ બોલતાં બોલતાં અરૂપનો અવાજ રુંધાયો.

‘દોસ્ત કહીને આભાર માનવાની ફોર્માલીટી કરીશ?‘ અંકુર અને અરૂપ ભેટી પડયા.

’એક કામ કરો.. થોડાં દિવસો તમે બંને અમારે ત્યાં આવો. મને લાગે છે.. ઇતિની દવા આપણે કોઇ નહીં, પરંતુ પરમ, પરિનિ જ બની શકશે. તમે બંને ચોક્કસ આવો. અમે રાહ જોઇએ છીએ.‘ વૈશાલીએ પ્રેમથી કહ્યું ’હા, મને પણ તમારી વાત સાચી લાગે છે. કાલે ઇતિની પરિસ્થિતિ જોઇ પછી શું કરવું તે નક્કી કરીશું. અરે, પણ ઇતિ ક્યાં?‘

’ઇતિ બીજે ક્યાં હોય? પરિનિ તેને બહાર હીંચકા પર ખેંચી ગઇ હશે. જતાં જતાં જેટલો લાભ લેવાય તેટલો લઇ લે ને.. પરિનિને તો ઇતિ પાસેથી લેવી પણ સહેલી નહીં થાય. ભેંકડો તાણવાની જ. તેને મનાવવી પડશે. તમે બંને સામાન લઇ બહાર આવો ત્યાં હું પરિનિને જરા ફોસલાવતી થાઉં.’ કહેતાં વૈશાલી બહાર ગાર્ડનમાં ગઇ. પરિનિ, તેં આંટીને આપણા ઘેર આવવાનું કહ્યું કે નહીં?‘ ધીમેથી ઇતિ પાસેથી પરિનિને લેતાં વૈશાલીએ કહ્યું. પરિનિએ જવાબ ન આપ્યો. મોં ફૂલાવી બેસી રહી. ઇતિના ચહેરા પરની ચમક ગાયબ.

અંતે થોડીવારે અંકુર, વૈશાલી – પરમ, પરિનિને લઇને નીકળ્યા ત્યારે ઇતિની આંખો છલકી રહી. એક પણ શબ્દ તે બોલી નહી. શબ્દોમાં દરેક વખતે અભિવ્યક્તિનું સામર્થ્ય ક્યાં હોય છે? આજે પણ ફરી એકવાર શબ્દો વામણા.. સાવ વામણા બનીને, ચૂપ થઇ ગયાં.

પરમ, પરિનિને પણ તેના વહાલા આંટી પાસેથી જવું નહોતું.

‘ચાલો, પરમ, આંટીને બાય કરો. પરમે બાય બાય કહેતાં ઇતિને કહ્યું, ‘આંટી, તમે આવશોને અમારે ઘેર? હું તમને મારી બધી ગેઇમ્સ, બુક્સ અને બધું બતાવીશ. મારી પાસે બહુ બધી બુક્સ છે.‘

પરિનિ તો ઇતિને વહાલથી વળગી જ રહી. ઇતિ પાસેથી પરિનિને લેતા વૈશાલીની આંખ પણ ભરાઇ આવી.

‘પરિનિ, આંટીને બાય કરો. આંટી આપણે ઘેર આવવાના છે હોં.‘ પરિનિએ મોં ફૂલાવી પરાણે હાથ હલાવ્યો.

‘ઇતિ, હવે તું અને અરૂપ અમારે ત્યાં આવો છો હોં. આ છોકરાઓને તારી એવી માયા તેં લગાડી છે ને કે મારે તો હવે તેમને સાચવવા પણ ભારે થઇ પડશે.‘ કહેતી વૈશાલી ઇતિને ભેટી રહી.

અરૂપને કહેવાનું મન થઇ ગયું. ‘મને પણ હવે ઇતિને સાચવવી ભારે પડશે. બાળકો તો કાલે ભૂલી જશે. દરેક પરિસ્થિતિમાં બાળક જેટલું એડજેસ્ટ કોઇ નથી થઇ શક્તું. કેમકે બાળકના મનમાં અતીતની કોઇ ભૂતાવળ કે ભવિષ્યનો કોઇ તણાવ નથી હોતા. તે સંપૂર્ણપણે આજમાં જીવે છે. તેના મનમાં કોઇ આગલી, પાછલી ભૂમિકા, કોઇ આગ્રહો કે પૂર્વગ્રહો નથી હોતા. પ્રત્યેક ક્ષણે વર્તમાનમાં જીવતું બાળક સહજતા અને સરળતાથી અનુકૂલન સાધી શકે છે. કાશ! આપણે સૌ બાળકની માફક ફકત આજમાં જીવી શકતા હોઇએ તો?‘

આવા વિચારોમાં અટવાયેલ અરૂપને અંકુરે બાય કર્યું ત્યારે તે સફાળો ભાનમાં આવ્યો. થોડાં દિવસોમાં આવવાનો વાયદો લઇ અંકુરની કાર ઉપડી ત્યારે ઇતિ ચિત્રવત્ દરવાજામાં ઉભી હતી. પરમ, પરિનિ બારીમાંથી હાથ હલાવીને બાય કરતાં કરતાં ન જાણે શું બોલી રહ્યાં હતાં? ધીમેથી ઇતિનો હાથ ઉંચકાયો. બે ચાર ભારી ભરખમ ક્ષણો… અંકુરથી પણ ગાડી જલદીથી સ્ટાર્ટ ક્યાં થતી હતી?

પાછળ ધૂમાડાના લિસોટા છોડતી કાર નજરથી અદ્રશ્ય થઇ. હવે? હવે ખાલીખમ્મ ક્ષણો અને ખાલીખમ્મ ઇતિ…! શું કરવું તે અરૂપને પણ સમજાયું નહીં. બે પાંચ મિનિટ સમય થીજી ગયો.

અરૂપે ધીમેથી ઇતિનો હાથ પકડયો. અને બંને ઉપર ગયા. ફરી પાછો એ જ પ્રશ્ન… હવે?

અરૂપની નજર બારીની બહાર દેખાતા ખુલ્લા આસમાન પર પડી. સ્વચ્છ આકાશમાં ફરીથી વાદળો ઘેરાયાં હતાં.

‘ઇતિ, આપણે થોડા દિવસો પછી પરમ, પરિનિ પાસે જઇશુંને? એમના વિના ઘર કેવું સૂનુ લાગે છે? ઘરની રોનક જતી રહી નહીં? મને પણ આજે નથી ગમતું.’

અરૂપ બાળકોની વાતો કરતો રહ્યો. ઇતિ એમ જ સાંભળતી રહી. જોકે ક્યારેક માથુ હલાવી સમજ્યાનો સાદ પૂરાવતી રહી. અને અરૂપને થોડો હાશકારો મળતો રહ્યો. ’ઇતિ, તારું ફેવરીટ પિક્ચર લગાડીશું? હમણાં ઘણાં સમયથી આપણે નથી જોયું.‘ ઇતિ પ્રશ્નાર્થ ભરી નજરે જોઇ રહી. તેનું ફેવરીટ પિક્ચર કયું હતું?

અરૂપ ખુશ થયો. એટલીસ્ટ ઇતિની આંખોની એ પથરીલી શૂન્યતા અદ્રશ્ય થઇ શકી હતી. તેની આંખમાં પ્રશ્ન જાગતા હતા. અને અરૂપ માટે એ આશ્વાસન પણ કયાં ઓછું હતું?

આ ત્રણ દિવસમાં અરૂપ, અંકુર કે વૈશાલી સાથે ઇતિ ભાગ્યે જ કશું બોલી હતી. મોટે ભાગે પરમ, પરિનિ સાથે મસ્તીમાં જ રહી હતી. પરમ, પરિનિની પણ બધી વાતોના જવાબ તે ક્યાં આપી શકી હતી? જલદીથી શબ્દો સૂઝતા નહોતા. તે તો બસ.. પરમ, પરિનિ સાથે હસતી રહી હતી. દોડતી રહી હતી. તેનું બધું કામ તેઓ કહે તે મુજબ કરતી રહી હતી. તેના ગળામાંથી બહુ ઓછા શબ્દો સરી શક્યાં હતા. પરંતુ બાળકોને એવી જરૂર કે ખબર પણ ક્યાં હતી? તેમની જીભ સતત ચાલુ રહેતી હતી. બંને ભાઇ બહેન અંદરો અંદર વાતો કરીને કે લડી, ઝગડીને મસ્તીમાં જ રહેતા અને ઇતિને પણ એ જ મસ્તીમાં ઇનવોલ્વ કરતાં રહેતાં.

અરૂપ, વૈશાલી કે અંકુર પણ ઇતિને બહું બોલાવવાના પ્રયત્નો કરી તેને મૂંઝાવવાને બદલે ઇતિ આ રીતે પણ કશાકમાં ઇનવોલ્વ રહે છે તેથી ખુશ હતા. ઇતિ ખુશ છે, હસે છે. આટલું આશ્વાસન તેમને માટે પૂરતું હતું. અને બાળકોને તો આંટી પોતાની સાથે રમે છે, તેમની વાતો સાંભળે છે અને બધી ફરમાઇશ પૂરી કરે છે એથી વિશેષ શું જોઇએ?

ઇતિ તરફથી કશો જવાબ ન મળતા અરૂપે ફરી પૂછયું, ’ઇતિ, આપણે પિક્ચર જોઇશું?‘ કહેતાં અરૂપે ‘બેબીઝ ડે આઉટ‘ પિકચરની સી.ડી. લગાડી. ઇતિનું આ ઓલટાઇમ ફેવરીટ પિકચર હતું. એ પિક્ચરની નાનકડી બેબી તેને ખૂબ ગમતી. તેના નખરા જોઇ તે તાળી પાડી ઉઠતી. નાના બાળકની જેમ હોંશથી તેણે કેટલીયે વાર આ પિકચર જોયું હતું. ત્યારે અરૂપને ક્યારેય ન સમજાતું કે આ પિકચરમાં એવું છે શું? તેને થતું આ ઇતિ પણ ખરી છે. ગાંડાની જેમ આ એક જ પિકચર પાછળ પડી છે. પણ આજે આ ક્ષણે કદાચ એક વધારે સત્ય અરૂપની સામે ઉઘડયું હતું. ઇતિને આ પિક્ચર કેમ ગમતું હતું તેનો અરૂપને અચાનક ખ્યાલ આવ્યો હતો. તેનું રહસ્ય, મર્મ આજે અરૂપ સમજી શકયો હતો. અને આ સમજણે અરૂપને વિચારતો કરી મૂકયો.. ઇતિ પિકચરમાં મશગૂલ બની રહી. અને અરૂપ હવે આગળ શું કરવું જોઇએ તેના વિચારોમાં ખોવાઇ રહ્યો.

પિક્ચર પૂરું થતાં બંને સૂતા ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અરૂપની આંખોથી ઉંઘ કોસો દૂર હતી. ઇતિ તો નાનકડા બાળકની જેમ તુરત ઘસઘસાટ ઉંઘી ગઇ હતી. અરૂપના મનમાં અનેક વિચારોની ઉથલપાથલ ચાલુ રહી. અને કોઇ નિર્ણય સપનામાં લેવાયો કે જાગતામાં તે સમજ તેને પોતાને પણ ન પડી. પરંતુ મનમાં પહેલીવાર એક સંતોષ કે સમજ જાગ્યા. અને અંતરમાં જાગી એક શાંતિ.

સિમલાથી આવ્યા બાદ અરૂપ આજે પહેલીવાર થોડો રીલેક્ષ થઇને સૂઇ શકયો. બીજે દિવસે સવારે અરૂપની આંખ ખૂલી ત્યારે બાજુમાં ઇતિ નહોતી. અરૂપ સફાળો ઉભો થઇ ગયો.

ઇતિ.. ઇતિ ક્યાં? તેણે બારીમાંથી નીચે નજર કરી. હીંચકા પર કે બગીચામાં ઇતિ દેખાઇ નહીં. બાલ્કનીના હીંચકા પર પણ ન દેખાઇ. અરૂપે બાથરૂમમાં નજર કરી. બાથરૂમ ખુલ્લો હતો અને તેમાં કોઇ નહોતું. અરૂપ બધે ફરી વળ્યો. ઉપર કયાંય ઇતિ દેખાઇ નહીં. હવે તે ગભરાયો. બે બે પગથિયા એકી સાથે ઉતરતાં તે નીચે આવ્યો.

‘ઇતિ‘ નીચે ઉતરતાં ઉતરતાં જ તેનાથી મોટેથી બૂમ પડાઇ ગઇ. તેના અવાજનો રઘવાટ સાંભળીને ઇતિ તો નહીં, પરંતુ તારાબેન દોડી આવ્યા. જરા હસીને તેણે સમાચાર આપ્યા.. ’બેન રસોડામાં આવ્યા છે.‘

’શું કરે છે? કશું બોલ્યા?‘ અરૂપે અધીરતાથી પૂછયું. ’હજુ તો કશું બોલ્યા નથી. પણ સાહેબ, તમે ચિંતા ન કરો. હવે જરૂર સાજા થઇ જશે. આજે સામેથી રસોડામાં આવ્યા છે. અને ચા બનાવે છે.’ તારાબેને વિગતવાર સમાચાર આપ્યા. અરૂપને માન્યામાં ન આવ્યું.

ઇતિ.. ઇતિ રસોડામાં? શું તે નોર્મલ બની ગઇ હતી? એકસાથે બે બે પગથિયા ઉતરતો તે નીચે આવી રસોડામાં ઘૂસ્યો. ગેસ પર તપેલીમાંથી ચા ઉભરાતી હતી અને ઇતિ હાથમાં સાણસી પકડી બેધ્યાન ઉભી હતી. અરૂપે જલદીથી ગેસ બંધ કર્યો. ઇતિના હાથમાંથી સાણસી લીધી. ’ઇતિ, તારી તબિયત સારી નથી. તું કેમ રસોડામાં આવી?‘

તારાબેનને ચા ગાળવાનું કહી તે ઇતિને લઇને બહાર આવ્યો. બંને બહાર ઇતિની પ્રિય જગ્યા હીંચકા પર બેઠા. અચાનક અરૂપનું ધ્યાન સામે ટીંગાતા કેલેન્ડર પર ગયું. ૨૧ જુલાઇ… ઓહ.. આ તો અનિકેતનો બર્થ ડે. ઇતિને તો કયાં કશું યાદ હતું? નહીંતર આ દિવસે તે અચૂક અનિકેતને યાદ કરતી અને કહેતી, ’અરૂપ, આજે અનિકેતનો બર્થ ડે છે. તે તો ન જાણે કઇ દુનિયામાં ખોવાઇ ગયો છે. મને એકવાર પણ યાદ નથી કરતો. જોને તે એક ફોન પણ નથી કરતો.‘ આ દિવસે તો ઇતિથી અરૂપને જરૂર ફરિયાદ થઇ જ જતી. અને અરૂપ તેને ગમે તેમ સમજાવીને બીજી વાતોએ ચડાવી દેતો. આજે અરૂપને આ બધું યાદ આવી ગયું. પોતે કેવો… તેનાથી એક નિઃશ્વાસ નખાઇ ગયો. જરાવારે થોડા શાંત બન્યા પછી તેણે ઇતિને પૂછ્યું, ‘ઇતિ, આજે કઇ તારીખ છે તને યાદ છે?’

ઇતિ અનિકેત સામે જોઇ રહી. ’ઇતિ, આજે ૨૧ જુલાઇ.. આજે શું છે? કોનો બર્થ ડે છે?‘ હમેશા જે તારીખ ઇતિને ભૂલાવવાની કોશિશ કરતો હતો તે તારીખ ઇતિને યાદ અપાવવા આજે અરૂપ મથી રહ્યો. સમયની સાથે કેટકેટલું બદલાય છે!

’ઇતિ, એક મિનિટ.’ કહી અરૂપ ઇતિનો હાથ પકડી તેને પૂજારૂમમાં લાવ્યો.

‘ઇતિ, આજે અનિકેતનો બર્થ ડે છે ને?‘ ઇતિ મૌન… એકીટશે ફોટા સામે ચકળવકળ જોઇ રહી. અરૂપે ફોટા ઉપર ચાંદલો કર્યો. ગુલાબનું ફૂલ ચડાવ્યું. પછી વંદન કરી ધીમેથી બોલી રહ્યો, ’ઇતિ, તારા અનિને કહેને કે મને માફ કરી દે.. ઇતિ, હું તમારા બંનેનો ગુનેગાર છું. પાપી છું. ઇતિ, આજે અનિનો જન્મદિવસ છે. ઇતિ, મને માફી નહીં.. જે સજા આપવી હોય તે આપ. હું ખરાબ છું.. ઇતિ, બહુ ખરાબ..’

અરૂપનું ગળુ રુંધાઇ આવ્યું. ઇતિના ખોળામાં માથું રાખી તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. ઇતિ અવાચક.. તે થોડીવાર અનિકેતના ફોટા સામે તો થોડીવાર રડતા અરૂપ સામે જોઇ રહી…. તેનો હાથ અનાયાસે અરૂપના માથામાં ફરી રહ્યો. તેની આંખમાંથી પણ ગંગા જમના વહી રહી હતી. તેને શું સમજાયું હતું એ ખબર નહોતી. પણ આ ક્ષણે અરૂપ કે અનિકેતના ભેદભાવ મટી ગયા હતા કે શું? અરૂપના સાચા પશ્વાતાપમાં ભીતરનો બધો મેલ ધોવાઇ ગયો હતો. કયાંય સુધી બંને એમ જ…

થોડીવારે અરૂપ શાંત થયો. ‘ઇતિ, આપણે નાસ્તો કરી લઇએ પછી તૈયાર થઇ જા. બહાર જવું છે.’ ઇતિ પ્રશ્નાર્થભરી નજરે તેની સામે જોઇ રહી. સાન, ભાન તો આવ્યા હતા. પરંતુ શબ્દો ન જાણે ક્યાં ખોવાઇ ગયા હતા.

ઇતિની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું, ‘એ સરપ્રાઇઝ છે. તું નાહીને તૈયાર થઇ જા.. આજે અનિકેતનો બર્થ ડે છે ને? તે ઉજવવા જવું છે. અનિને બદલે આજે હું તને સરસ મજાની ગીફ્ટ આપીશ ચાલ, જલદી..’ થોડીવારમાં ઇતિ ઉપર નહાવા ગઇ. આજે ઇતિ પહેલીવાર એકલી જાતે ઉપર ગઇ હતી. એ નિહાળી રહેલ અરૂપે ફોન જોડ્યો.

કલાક પછી અરૂપ અને ઇતિ બહાર નીકળ્યા. ક્યાં જવાનું છે તે ઇતિએ કશું પૂછયું નહીં અને અરૂપે કહ્યું નહીં. કદાચ ઇતિએ માની લીધું હશે કે અરૂપની કોઇ પ્રિય જગ્યાએ લંચ માટે જતા હશે. જોકે આમ તો આવું કશું વિચારવાની ક્ષમતા ઇતિમાં ફરીથી આવી હતી કે કેમ? તેની જાણ ક્યાં હતી?

થોડીવારમાં ગાડી શહેરના એક અનાથાશ્રમ પાસે આવીને ઉભી. અરૂપ નીચે ઉતર્યો. ઇતિ જોઇ રહી આ કયાં આવ્યા તે તેને કદાચ સમજાયું નહોતું. પરંતુ હમેશની જેમ મૌન બની તે અરૂપની પાછળ ચાલી. અહીં કોઇ ફંકશન હતું કે શું?

ત્યાં અરૂપને જોઇ અનાથાશ્રમના સંચાલિકા બહેન આવ્યા. તેને ટ્રસ્ટી તરફથી કદાચ સૂચના મળી ગઇ હતી. તેથી તે અરૂપ, ઇતિને માનપૂર્વક ઓફિસમાં લઇ ગયા.

‘અમે થોડીવાર અહીં બેઠા છીએ. પછી તમને કહીએ.‘

‘તમે આરામથી બેસો. હું તમારે માટે પાણી મોકલું.‘ કહી અરૂપનો સંકેત સમજી જઇ બહેન ઓફિસમાંથી બહાર નીકળ્યા.

ઇતિ, અરૂપ બેઠા. ઇતિ ત્યાં ટીંગાડેલ બાળકોના ફોટા સામે જોઇ રહી. અહીથી દત્તક અપાયેલ બાળકોના એ ફોટા હતા. ‘ઇતિ, અહીં પરમ, પરિનિ જેવા સરસ મજાના ઘણાં બાળકો છે. આપણે એક લઇશું હમેશ માટે?‘ ઇતિ સમજી ન શકી કે પછી જે સમજી તે સ્વીકારી ન શકી. તે અરૂપ સામે એકીટશે જોઇ રહી. ’હા, ઇતિ, તેં એકવાર કહ્યું હતું ને કે આપણે બાળક દત્તક લઇએ તો? આજે આપણે એ માટે જ અહીં આવ્યા છીએ..’ ઇતિ મૌન. પણ મૌન રહેવું હવે અરૂપને કયાં પાલવે તેમ હતું?

‘હા, ઇતિ આપણે અહીંથી કોઇ પરિનિ કે પરમને દત્તક લઇશું. તું મમ્મી બનીશ અને હું પપ્પા.. ઇતિ, હું તારી વાત.. તારી ઝંખના સમજી ન શક્યો.‘ બોલતા બોલતા અરૂપનો અવાજ રુંધાયો.

‘ઇતિ, આપણે બાળક જોઇશું? પરમ જેવો છોકરો લેશું કે પરિનિ જેવી મીઠ્ડી છોકરી..?‘ ઇતિની આંખોમાં પાણી તગતગી રહ્યા. તે કશુંક બોલવા ગઇ પરંતુ ગળામાં થીજી ગયેલ શબ્દોએ સાથ ન આપ્યો.

‘એક મિનિટ. હું આવું.‘ અરૂપ બહાર નીકળ્યો. અને થોડીવારમાં પાછો આવ્યો ત્યારે તેની સાથે પેલા બહેન અને બે થી ત્રણ વરસની ઉમરના લાગતા પાંચ બાળકો હતા. ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ કશું સમજયા વિના ત્યાં ઉભા રહી ગયા.

‘ઇતિ જો તો.. તને કોણ જોઇએ છે?‘ ઇતિ બધા સામે જોઇ રહી. આ બધું શું થઇ રહ્યું હતું? તેની આંખમાં દરિયો છલકાણો. અચાનક એક છોકરો ઇતિ પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, ’તમે કેમ રડો છો?‘ ઇતિ જોઇ જ રહી. અચાનક તેના હાથ આપોઆપ લંબાયા. અને બીજી જ પળે તેણે છોકરાને ઉંચકી લીધો. અને કશું બોલ્યા સિવાય જાણે પરમને તેડ્યો હોય તેમ ઓફિસની બહાર નીકળી ગઇ. અરૂપ પણ જલદીથી તે બહેનને કશુંક કહી ઇતિની પાછળ બહાર નીકળ્યો.

ઇતિ બાળકને તેડીને લોબીમાં ચાલતી હતી. ત્યાં પાછળથી એક નાની છોકરીએ તેનો છેડો પકડયો. ઇતિએ પાછળ ફરીને જોયું. એક મિનિટ ઉભી રહી ગઇ. છોકરી થોડી ગભરાઇ હોય તેવું લાગ્યું. તેના નાનકડા હાથમાં હજુ છેડો પકડેલ હતો. ઇતિએ અરૂપ સામે જોયું.

‘આ છોકરીને લેવી છે?‘ ઇતિએ હકારમાં ડોકુ હલાવ્યું.

‘ઓકે તો લાવ, આને પાછો આપી આવીએ અને આને લઇએ. ઓ.કે?‘ અને અરૂપે છોકરાને ઇતિના હાથમાંથી લેવા હાથ લંબાવ્યો.

’ના‘ કહેતી ઇતિ પાછી હટી ગઇ. અને છોકરાને પકડી રાખ્યો. ક્યાંક કોઇ લઇ લેશે તો? છોકરો પણ ઇતિ પાસેથી જવા ન માગતો હોય તેમ ઇતિને વળગી રહ્યો. અરૂપ મૂંઝાયો. ’ઓ.કે ઇતિ, આ જ જોઇએ છીએ ને? તારી પાસેથી કોઇ તેને નહીં લઇ લે બસ.. ચાલ, આપણે જઇશું?‘ ઇતિએ નકારમાં માથુ ધૂણાવ્યું. ‘તો?’

‘આ.. આ..’ ઇતિના ગળામાંથી શબ્દ નીકળ્યો ‘..આને ..આને પણ…’

ઇતિએ છોકરી સામે આંગળી કરી. ’આને પણ લેવી છે?‘ ઇતિએ માથુ હલાવી હા પાડી અને અરૂપ સામે જોઇ રહી.

અરૂપે કશું બોલ્યા સિવાય હસીને પેલી બાળકીને ઉંચકી લીધી. ઇતિની આંખોમાં ઉજાસ અંજાયો. અરૂપે પેલા બહેનને કશુંક કહ્યું.. અને પોતે કાલે આવીને બધી વાત કરીને ફોર્માલીટી પૂરી કરી જશે એમ જણાવ્યું. ટ્રસ્ટીની ભલામણ હોવાથી તે બહેનને કશું કહેવાનું હતું નહીં.
અરૂપ “પરિનિ” ને તેડીને અને ઇતિ “પરમ” ને તેડીને બહાર નીકળ્યા ત્યારે ઇતિની આંખો ચમકતી હતી. અરૂપ છલકતો હતો. બાળકો કશું સમજયા સિવાય બંનેને ચોંટી રહ્યા હતા.

સમય પણ આજે સાક્ષીભાવે નિર્લિપ્ત રહી શકયો હશે કે પછી તેણે પણ આ ચારે પર વહાલ વરસાવ્યું હશે?

હવે તો સમયને બે નહીં અસંખ્ય પાંખો ફૂટી. અને તેની ગતિ ઝડપી… અતિ ઝડપી બની રહી. અને એક મહિનામાં તો કાળદેવતા એક સરસ મજાના, અનુપમ દ્રશ્યના સાક્ષી બની રહ્યાં.

મહિના પછી અરૂપ અને ઇતિ તેમના વહાલા બાળકો “અમી” અને “ઉજાસ” ને લઇને વૈશાલીને ત્યાં ગયા. પરમ, પરિનિ તો અમી, ઉજાસને જોઇ જે છલકાણા.. જે છલકાણા.. કે ઇતિને પણ ભૂલી ગયા. થોડીવારમાં તો ચારે બાળકોના કિલકિલાટથી વાતાવરણ લીલુછમ્મ..

સાથે સાથે કાળદેવતાએ એ પણ જોયું કે ઇતિ હસતાં હસતાં વૈશાલી સાથે કોઇ વાત કરી રહી હતી અને પછી ઇતિ અને વૈશાલી બંને સાથે મોટેથી કોઇ ગીત લલકારી રહ્યા હતાં.

અરૂપે ઉંચે આકાશમાં જોયું.

રાત્રિના નીરવ અન્ધકારમાં દૂર દૂર એક તારો ચમકતો દેખાતો હતો.

અરૂપને એ તારામાં અનિકેત કેમ દેખાયો ?

તેના રુંધાયેલ ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો.

‘દોસ્ત, મને માફ કરીશ ને?‘

(સંપૂર્ણ)

અક્ષરનાદને પ્રસ્તુત નવલકથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ આદરણીય નીલમબેન દોશીનો ખૂબ આભાર. તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ અંતિમ) – નીલમ દોશી