મરક મરમ.. – સંકલિત 6


“તમારી દીકરીને પચ્ચીસ વર્ષ થયા છતાં એ વીસ કેમ કહે છે? આટલુ બધું જુઠ્ઠું?”

“ના, એ જુઠ્ઠું નહીં બોલી હોય, પણ તે પાંચ વરસની થઈ ત્યાર પછી જ ગણતા શીખી હોવાથી તેણે વીસ વરસ કહ્યાં છે.”

* * *

પતિ ઉપર ખુરશીનો છુટ્ટો ઘા કરવાના આરોપસર અદાલતમાં ખડી કરવામાં આવેલી પત્નીને મેજીસ્ટ્રેટે પૂછ્યું, “તમે તમારા ધણી ઉપર ખુરશી શા માટે ફેંકી?”

પત્નીએ નિઃશ્વાસ નાખીને કહ્યું, “સાહેબ, ટેબલ મારાથી ઉપડ્યું નહીં!”

* * *

પતિ (ખિજાઈને) – “તેં હજી રસોઈ બનાવી નથી? અહીં રાહ જોવી એના કરતા તો હું હોટલમાં જમી લઉં એ જ સારું છે.”

એ બહાર જવા તૈયાર થવા લાગ્યો કે પત્ની બોલી, “બસ પાંચ મિનિટ રાહ જુઓ.”

પતિ – “પાંચ મિનિટમાં રસોઈ તૈયાર થઈ જશે?”

પત્ની – “ના, હુંય કપડા બદલીને તમારી સાથે આવું છું.”

* * *

એકવાર એક વર્તમાનપત્રમાં શહેરના આગેવાન વકીલ જીવતા હોવા છતાં એના મૃત્યુના સમાચાર પ્રગટ થયા. એણે સમાચારપત્રની ઓફિસમાં આવીને તંત્રીને કહ્યું, “હું જીવતો હોવા છતાં આપે ઉતાવળથી મારા મૃત્યુના સમાચાર પ્રગટ કર્યા તેથી મને ખેદ થાય છે.”

બીજે દિવસે વર્તમાનપત્રે ખુલાસો પ્રગટ કર્યો, “આપણા શહેરના આગેવાન વકીલ શ્રી ….. ના મૃત્યુના સમાચાર જે અમે ગઈ કાલે પ્રગટ કર્યા એ ખોટા છે એમ જણાવતા અમને દિલગીરી થાય છે.”

* * *

“પ્રાણલાલ આજકાલ સાવ કડકો બની ગયો લાગે છે..” રાજુએ અતુલને કહ્યું,

“કેમ? એ તારી પાસે ઉધાર માંગવા આવ્યો હતો?” અતુલે આઘાતથી પૂછ્યું.

“ના રે, હું તેની પાસે માંગવા ગયો હતો.”

* * *

એક પ્રાથમિક શાળામા વર્ગમાં શિક્ષિકા બહેન સૂઈ ગયેલાં, તપાસ અધિકારી આવ્યા.

ઉઠતાવેંત શિક્ષિકાબેન બાળકોને કહે, “તો કુંભકર્ણ આમ ઉંઘતો હતો..”

* * *

સવાસો કરોડ ભારતીયોના નવા વર્ષના સંકલ્પનો કોઈ અર્થ નથી જ્યાં સુધી,

તેમને નરેન્દ્ર મોદીનો નવા વર્ષનો સંકલ્પ ખબર ન પડે..

* * *

નિષ્ફિકર રહેવાની હદ –

બે વિદ્યાર્થીઓ કોલેજના પરીક્ષાખંડમાંથી હાથમાં વેફર અને કોલ્ડડ્રિંક સાથે બહાર આવ્યા.

પહેલો – કયું પેપર હતું?

બીજો – કદાચ ગણિતનું

પહેલો (આશ્ચર્યચક્તિ થઈને) – તેં પ્રશ્નપત્ર વાંચ્યુ?

બીજો – ના રે, બાજુમાં છોકરી હતી એ કેલ્ક્યુલેટરથી કંઈક કરતી હતી, એટલે એમ લાગ્યું.

* * *

હિરોઈન (મેકઅપ મેનને) – પહેલા તું મારો એવો મેક અપ કરતો કે લોકો મને જોઈને મુગ્ધ થઈ જતાં, હવે તારા હાથમાં એવો જાદુ રહ્યો નથી, તને શું થઈ ગયું છે?

મેકઅપ મેન – મારી ઉંમર હવે દસ વર્ષ વધી ગઈ છે.

* * *

મોટા શહેરના કમિશ્નરે એક નામચીન ડાકુના છ જુદા જુદા પોઝના ફોટા આજુબાજુના ગામના પોલિસ ઈન્સ્પેક્ટરોને મોકલ્યા.

બે દિવસ પછી એક ગામમાંથી પોલિસ ઈન્સ્પેક્ટરનો ફોન આવ્યો, “સર્ક્યુલર મળ્યો, અમે છ માંથી પાંચને પકડી લીધા છે, છઠ્ઠાની શોધ ચાલુ છે.”

* * *

વાણિયો અને વ્હોરો પડોશી હતા. વાણિયો રોજ સવારે પ્રભુને પ્રાર્થના કરે, “હે ભગવાન, મને સો રૂપિયા આપ, નવ્વાણું પણ નહીં લઉં અને એકસો એક પણ નહીં લઉં.”

વ્હોરાને તેની પરીક્ષા કરવાનું મન થયું, તેણે નવ્વાણું રૂપિયા રૂમાલમાં બાંધીને વાણિયાના ઘરમાં ફેંક્યા.

વાણીયાએ ગણ્યા તો નવ્વાણું નીકળ્યા. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો એ કહે, “તું કેવો દયાળુ છો ભગવાન, હિસાબમાંય પાક્કો, નવ્વાણું રોકડા ને રૂપિયાનો રૂમાલ..”

* * *

કોઈકે પૂછ્યું, પચવામાં ભારી ખોરાક કયો?

બકો કહે, ગોળધાણા, આટલે વર્ષે હજીય પચ્યા નથી!

* * *

પાકિસ્તાનમાં ગયે અઠવાડીયે સર્વદલિય બેઠક મળી અને પ્રસ્તાવ પાસ કરાયો,

મનમોહનસિંહ ખરેખર ભગવાનના માણસ હતા..

* * *

ગમે તેટલું ઓનલાઈન ખરીદો, મારી પાસે તો સાક્ષાત આવવું જ પડશે.. એટલે એ ચાળો રહેવા દેજો..
લિ. પ્રો. બિલ્લુ બાર્બર

* * *

પત્ની – હું થોડાક દિવસ પિયર જાઉં છું.

પતિ – પણ પાછી કઈ તારીખે આવીશ?

પત્ની – એ તો હું તમને સરપ્રાઈઝ આપીશ.

પતિ – કહી દે.. ક્યાંક તને જ સરપ્રાઈઝ ન મળે..

* * *

એક રાજકીય પાર્ટીની બહાર બોર્ડ,
‘જરૂર છે,
તદ્દન નવા, મૌલિક અને લોકો સજ્જડ વિશ્વાસ કરી લે
એવા વચનો લખી આપનાર લેખકની,
અમે વચન આપીએ છીએ કે
ચૂંટણી જીત્યે માલામાલ કરી દેવામાં આવશે..’

અને લાઈન આઠ નવેમ્બર પછી એટીએમની બહાર
લાગેલી લાઈન કરતાંય મોટી છે..

* * *

મહુવાના એક રસ્તા પરના વળાંકને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટનો ખિતાબ આપ્યો.

તપાસ કરતા ખબર પડી કે ત્યાંનો ખાડો હડપ્પા સંસ્કૃતિથી પણ જૂનો હતો..

બિલિપત્ર

રંગીન હોલ.. તેજ મઢ્યાં ઉપવનોનું શું,
કાર્યક્રમોનું શું અને શ્રોતાજનોનું શું,
મારાં જવાથી કાવ્યને તો કંઈ થશે નહીં,
કિન્તુ સભારો, સંગ્રહો, સંચાલનોનું શું?
– સુરેશ દલાલ

(આનંદ ઉત્સવ સામયિક અને ક્વોલિટી સક્સેસ પત્રમાંથી સંકલિત)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મરક મરમ.. – સંકલિત