દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૮) – નીલમ દોશી 1


પ્રકરણ ૧૮ – જન્મદિવસની ગીફટ..

“ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ..”

Dost Mane Maaf Karish ne

હમણાં અરૂપની સવાર રોજ વહેલી પડી જતી હતી. આખી રાત તેનું મન વિચારોના વમળમાં ચકરાવા લેતું રહેતું. અર્જુનને દેખાતી પક્ષીની એક આંખની માફક અરૂપને ઇતિ માટે શું થઇ શકે એ એક જ વાતનો વિચાર મનમાં સતત ઘૂમતો રહેતો અને થાકેલી આંખો વહેલી સવારે અલપઝલપ બે ચાર ઝોકા ખાઇ લેતી. બાકી તો ઉંઘ અરૂપથી કોસો દૂર જ રહેતી.

બાલ્કનીમાંથી બે કબૂતર પાંખમાં કૂમળા સૂર્યકિરણોને ભરીને આવ્યા અને અરૂપ ઉપર ઠાલવ્યા. છેક વહેલી સવારે મીંચાયેલી અરૂપની આંખો તુરત ખૂલી ગઇ. કબૂતરોએ તેને જોઇ ઘૂ ઘૂ કરતાં કશુંક કહ્યું. પરંતુ તેમના કલરવને સાંભળવાની આદત તો ઇતિને હતી. અને ઇતિ તો હમણાં પોતાની જાતથી પણ બેખબર હતી. ગુલમહોરના રાતા રંગની ઝાંય સાથે ઉષાએ પણ ધીમેથી અંદર ડોકિયું કર્યું. ઇતિને સૂતેલી જોઇ તેને મજા ન આવી. અરૂપ સાથે હજુ નાતો ક્યાં બંધાયો હતો? ઇતિ વિના સ્વાગતની આશા રાખવી વ્યર્થ છે એ ખ્યાલ આવતાં તેણે રિસાઇને જલદી જલદી વિદાય લીધી. અરૂપ તો ઇતિના વિચારોમાં ખોવાયેલ જ રહ્યો.

આજે ઇતિનો જન્મદિવસ હતો. જોકે ઇતિને તો હમણાંથી તારીખ, વારનું કોઇ ભાન ક્યાં રહ્યું હતું?

અરૂપ બે દિવસથી વિચારતો હતો કે શું કરું? શું કરું તો ઇતિ ખુશ થાય? તે ખુશી અનુભવી શકે એવું શું કરી શકાય? આટલા વરસ સુધી તો બધું કેવું સહેલું હતું! ઇતિને એક સરસ મજાની ગીફ્ટ આપવાની. કયારેક હીરાની વીંટી.. કે બુટ્ટી, મોંઘી સાડી કે એવું કશું. સાંજે મોટી પાર્ટી રાખવાની. બધું પોતાની પસંદગીનું. ઇતિને ગમે તેવું તેમાં કશું જ નહોતું એ અહેસાસ તો આજે અચાનક અરૂપને થયો. જોકે ઇતિએ તો “નથી ગમતું” એવું પણ ક્યારેય નહોતું કહ્યું. અરૂપની પસંદગીને પોતાની પસંદગી બનાવીને જ ઇતિ આટલા વરસો પોતામય થઇને જીવી હતી.. કોઇ ફરિયાદ વિના હસીને જીવી હતી. પોતે મૂરખ, ક્યારેય આ સમર્પણને સમજી ન શકયો. આ પ્રેમને લાયક તે ક્યાં હતો? તે તો મનોમન હરખાતો હતો કે પોતે ઇતિને અનિકેતથી અલગ પાડી શક્યો છે. અનિકેતને ગમતું કશું નથી થતું.

અને હવે ઇતિ પણ અનિકેતને ભૂલી ગઇ છે માનીને શાંતિ લેતો રહ્યો.

આજે એ જ અરૂપ વિચારતો થયો હતો કે સ્ત્રીના આંતરમનને પુરુષ ક્યારે ઓળખી શક્શે? ક્યારે સાંભળી શક્શે એના ન બોલાયેલ શબ્દોને? એની આંખોની લિપિ કયારે ઉકેલી શકશે? સાચા અર્થમાં એને કયારે પામી શક્શે? ક્યારેય ન આવેલ વિચારો આજે મનમાં છલકતા હતા જે અરૂપના બદલાયેલ સ્વરૂપની સાક્ષી પૂરાવતાં હતાં.

ઇતિ માટે શું કરવું તે વિચારતા આજે અરૂપના મન:ચક્ષુ સમક્ષ જૂની યાદો ઉભરાઇ આવી. પોતે ઇતિને કેટલો અન્યાય કર્યો હતો તે આજે દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. ઇતિએ તો અરૂપની ઇચ્છામાં પોતાની જાત ઓગાળી નાખી હતી. પૂરા સ્નેહથી કોઇ ફરિયાદ સિવાય હસતા મોઢે અરૂપને ગમતું બધું કરતી રહી હતી. જયારે પોતે? ઇતિને શું ગમે છે તે જાણવા છતાં કયારેય કશું કર્યું નહીં કે કરવા દીધું નહીં. કેમકે એ બધા સાથે એક કે બીજી રીતે અનિકેત સંકળાયેલ હતો. અને અનિકેતને ઇતિના જીવનમાંથી કેમ દૂર કરવો તે જ એકમાત્ર તેનું ધ્યેય બની ગયું હતું. અને એ ધ્યેયમાં તે સફળ પણ થયો હતો! અનિકેતને હમેશ માટે ઇતિથી દૂર કરી દીધો. હવે ઇતિ અને અનિકેત ક્યારેય નહીં મળી શકે.. ક્યારેય નહીં.. તેણે તો ખુશ થવું જોઇએ.

કેવો મોટો ભ્રમ..! તે સફળ નહોતો થયો. આ તો તેના જીવનની સૌથી મોટી નિષ્ફળતા હતી. આજે તેની ઇતિ વેદનાના ઓથાર હેઠળ છે.. ફક્ત અને ફક્ત તેને લીધે. અરૂપને માથા પછાડવાનું મન થતું હતું. પરંતુ એમ કરીનેય તે અનિકેતને પાછો લાવી શકે તેમ ક્યાં હતો? ઇતિની ચેતના પાછી લાવી શકે એમ ક્યાં હતો? જીવનભર ઇતિને અન્યાય કરતો રહ્યો. આટલો ખરાબ હતો પોતે? ઇતિના સમર્પણને પણ ન સમજી શક્યો. અરૂપના મનને ક્યાંય જંપ નહોતો વળતો. ના, પોતે ગમે તેમ કરીને ઇતિને ખુશ કરશે. તેની ચેતના પાછી લાવશે. તેને ખૂબ હસાવશે.. સાચા દિલથી હસાવશે. ઇતિ.. ઇતિ… એકવાર.. બસ એકવાર…

અને અરૂપની આંખો ચૂઇ પડી. આંખોમાં જાણે લીકેજ થઇ ગયું હતું. હમણાં વારંવાર છલકી ઉઠતી હતી.

આજે શું કરે તે? ઇતિને શું આપે તો ઇતિ ખુશ થાય? એ વિચારમાં ન જાણે તે કેટલીવાર એમ જ બેસી રહ્યો. દસ વરસમાં પહેલીવાર… ઇતિને શું ગમે છે તેનો વિચાર આવી રહ્યો હતો. અચાનક તેને એક વસ્તુ યાદ આવી. પેલી ઢીંગલી.. યસ… ખોટું બોલીને પોતાને નામે તેણે ઇતિને આપી હતી. ઇતિએ તે સાચવીને રાખી હતી તેની તેને જાણ હતી જ. તક મળ્યે ઇતિના કબાટમાં ખાંખાખોળા તે જરૂર કરતો રહેતો. ક્યાંક અનિકેત કોઇ રીતે ઇતિના સંપર્કમાં તો નથીને? આજે તેને પોતાની જાતની શરમ આવતી હતી. કેટલો નીચો ઉતરી ગયો હતો પોતે? અને ઇતિ? કદાચ મૌન સમર્પણની જીવતી જાગતી ગાથા? એક ફળફળતો નિ:શ્વાસ સરી પડ્યો.

પરંતુ ના.. અત્યારે તેને દુ:ખી થવાનો કે આંસુ સારવાનો પણ હક્ક નથી. ઇતિ સાજી થાય, નોર્મલ બને એ જ એકમાત્ર તેના જીવનનું ધ્યેય.. ઇતિ કેમ ખુશ થાય એ જ હવે તેનું લક્ષ્ય.

મનને સમજાવી તેણે ઉપર જઇ ઇતિનો કબાટ ખોલ્યો. સૌથી નીચેના ખાનામાં ઢીંગલી અને એક ઘડિયાળ પડ્યા હતા. યસ.. એ ઘડિયાળ અનિકેતે ઇતિના આરંગેત્રમને દિવસે તેને ભેટ આપી હતી.

એકાદ ક્ષણ અરૂપ બંને વસ્તુ સામે જોઇ રહ્યો. આંખ બંધ કરી મનોમન ઇતિ અને અનિકેતની માફી માગી. ધીમેથી કબાટ બંધ કર્યો. કેટલા જતનથી ઇતિએ અનિકેતની આ યાદગીરી સાચવી રાખી હતી. ઢીંગલી તો જોકે પોતે પોતાના નામથી ઇતિને આપી હતી. ઇતિએ તે માની લીધું હતું કે પછી? ઘડિયાળ વરસોથી બંધ પડી હતી. સમયને.. અતીતની સ્મૃતિઓને પોતાની અંદર કેદ કરીને તે પણ મૌન બની ગઇ હતી. અરૂપે ઘડિયાળમાં સેલ નાખી તેને ચાલુ કરી. ઘડિયાળનો ટીક ટીક અવાજ તેના કાનમાં પડઘાઇ રહ્યો.

ઢીંગલી અને ઘડિયાળ બંને સરસ રેપરમાં પેક કરી તે નીચે આવ્યો. બસ આનાથી સારી ગીફ્ટ આજે બીજી કોઇ હોઇ શકે નહીં અને આજે પાર્ટી ઘેર નહીં.. દરિયે રાખવી છે. આમ તો કોઇને બોલાવવાની ઇચ્છા નહોતી. પરંતુ નહીં બોલાવે તો પણ બધા આવવાના જ કેમકે બધા મિત્રો વચ્ચે આ વણલખ્યો નિયમ હતો. પહેલા તો થયું કે ઇતિની તબિયત સારી નથી એમ સૌને કહી દઉં. પણ પછી કંઇક વિચાર આવતાં તેણે માંડી વાળ્યું. આજે બધા સાથે દરિયે જશું. થોડીવાર તે એમ જ આંખ બંધ કરી બેસી રહ્યો..

ઇતિ હજુ નીતાબહેન સાથે સૂતી હતી. નીતાબહેને ઇતિને પ્રેમથી ઉઠાડી. આજે પુત્રીનો જન્મદિવસ હતો. પરંતુ ઇતિને તો પોતાનો જન્મદિવસ આજે ક્યાં યાદ આવવાનો હતો? એવા સાનભાન કયાં બચ્યા હતાં? પુત્રીની હાલત એક માથી જોવાતી નહોતી. સદાની હસતી, રમતી, ચંચળ પુત્રી આ હદે નિર્જીવ થઇ ગઇ હતી? માને કે પતિને સુધ્ધાં નથી ઓળખી શક્તી. પોતે શું કરી શકે? જમાઇએ કેવી આશાથી બોલાવ્યા હતા. પરંતુ કઇ રીતે જમાઇને મદદરૂપ બની શકે તે સમજાતું નહોતું. હવે તો કોઇ ચમત્કાર જ… પોતે કશું કરી શક્તા નથી એ વિચારે નીતાબહેન અફસોસ કરી રહ્યા.

ઇતિનું બધું કામ કરવાની જવાબદારી તો અરૂપે પોતે જ રાખી હતી. એ કામ તે કોઇને સોંપી શકે તેમ નહોતો. સોંપવા માગતો જ નહોતો. ઓફિસે જવાનું પણ તેણે બંધ કરી દીધું હતું. ક્યારેક ફોનથી ખપ પૂરતી વાત કરી લેતો બાકી કોઇ રસ તેને રહ્યો નહોતો. ઇતિ સિવાય કોઇ પ્રાયોરીટી તેના જીવનમાં રહી નહોતી.

નીતાબહેન જમાઇનો પુત્રી પ્રત્યેનો પ્રેમ જોઇ હરખાઇ રહેતા. કેટલી સાચવે છે મારી દીકરીને! કોઇ પુરુષ દોસ્તના અવસાનના સમાચારે પુત્રી આ હદે ભાંગી પડે અને છતાં પુરુષ, એક પતિ આટલા સ્નેહથી પત્નીને સાચવે.. સંભાળે.. તેમને માટે આ બહુ મોટી વાત હતી. સવારે ઇતિને ચા પીવડાવી અરૂપે તેને સરસ પેક કરેલ ગીફ્ટબોક્સ આપ્યું.

’ઇતિ, આજે તારો બર્થ ડે છે ભૂલી ગઇ? મારી ઇતિરાણીનો આજે હેપી બથડે છે. મમ્મી, તમને યાદ છે કે તમેય ભૂલી ગયા? ઇતિ, મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે..’ કહી અરૂપે ઇતિનો હાથ પકડયો. અને કહ્યું, ’ઇતિ, લે આ તારી ગીફ્ટ…’

કહી ઇતિના હાથમાં બોક્ષ પકડાવ્યું. ઇતિ ઘડીકમાં અરૂપ સામે ને ઘડીકમાં બોક્ષ સામે જોઇ રહી.

’ઇતિ, જો તો ખરી.. બોક્સમાં શું છે? જમાઇરાજે શું આપ્યું છે એ મનેય ખબર તો પડે.’ નીતાબહેને હસતા હસતાં કહ્યું. ’ઇતિ, આપણે બોક્સ ખોલીશું? તારી મનપસંદ વસ્તુ છે હોં. એકવાર બોક્સ ખોલીને જોઇશ? મને વિશ્વાસ છે તને ગીફ્ટ ગમશે જ.’ ઇતિની આંખોમાં કોઇ ચમક ઉભરી નહીં. એ જ નિસ્પ્રુહતા.

નીતાબહેનને થયું કયાંક જમાઇને ખોટું લાગી જશે.

‘ઇતિ બેટા, અરૂપ આટલા પ્રેમથી તારે માટે કશુંક લાવ્યો છે. જરા ખોલીને જો તો ખરી.’ ઇતિ મૌન. ત્યાં નીતાબહેનને યાદ આવ્યું. પોતે ઇતિ માટે ગીફ્ટ લાવેલા તે તો ઉપર જ રહી ગઇ હતી.

‘એક મિનિટ… હું આવું હોં.‘ કહેતા તે ઇતિની વસ્તુ લેવા ઉપર ગયા.

ઇતિ હાથમાં રહેલ બોક્સ સામે જોઇ રહી હતી. આ બધું શું છે તે સમજાતું નહોતું. ’ઇતિ, બોક્સ તું ખોલીશ કે હું જ ખોલીને મારી ઇતિને બતાવું? ઓકે.. ઓકે.. આજે જાતે ખોલવાની મહેનત થોડી કરાય? આજે તો ઇતિરાણી રાજાપાઠમાં હોય. બરાબરને? લાવ, હું જ ખોલીને બતાવું.‘

ઇતિના હાથમાંથી બોક્ષ લઇ અરૂપે ખોલ્યું. અંદરથી દુલ્હન બનેલી ઢીંગલી અને અનિકેતે આપેલી ઘડિયાળ… ઇતિ એકીટશે નીરખી રહી. કંઇક ઓળખવા જાણે મથી રહી. કશુંક ઉઘડતું હતું? પણ શું? એ સમજાતું નહોતું. કોઇ ધૂંધળી, ઝાંખી યાદ…? ત્રાટક કરતી હોય તેમ ઇતિ બંને વસ્તુ તરફ વારાફરતી જોઇ રહી.

’ઇતિ, આ ઢીંગલી અનિકેતે તારા માટે મોકલેલી. યાદ છે? અને મેં કેવી બનાવટ કરેલી મારા નામે તને આપીને? હું બહું ખરાબ છું નહીં? ઇતિ તારો અરૂપ બહું ખરાબ છે ખરુંને? અને ઇતિ, આ ઘડિયાળ.. તને યાદ છે? અનિકેતે તારું આરંગેત્રમ પૂરું થયું ત્યારે તને આપેલીને? મને અનિકેતે વાત કરેલી. આજે તારા કબાટમાંથી કેવી શોધી કાઢી. ઇતિ, કેવી સરસ લાગે છે?’ અરૂપે ધીમેથી ઘડિયાળ ઇતિના કાંડામાં પહેરાવતા કહ્યું, ’વાહ! ઘડિયાળ શોભે છે કે મારી ઇતિરાણી?‘ એ સંગીતમય ઘડિયાળની ટીકટીકનો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ શક્યો કે શુંં? કશુંક ઉછળી ઉછળીને બહાર આવવા મથી રહ્યું હતું. ખબર નહીં પરંતુ ઇતિનો હાથ અનાયાસે ધીમેધીમે ઘડિયાળ પર ફરી રહ્યો હતો. કયો સ્પર્શ હતો આ? તેની નજર ઘડીક ઘડિયાળ પર, ઘડીક ઢીંગલી પર અને ઘડીક અરૂપ પર ફરી રહી. આ બધું શું ભેળસેળ થઇ રહ્યું હતું? અતીત કે વર્તમાન? આ કયા ગૂંચવાડા હતા? અરૂપે તેના હાથમાં ઢીંગલી મૂકી. ઇતિ એકીટશે ઢીંગલી સામે નીરખી રહી. તેની આંખો ભીની બની હતી કે અરૂપને એવો ભ્રમ થયો હતો? ત્યાં નીતાબહેન ઇતિની ગીફ્ટ લઇને નીચે આવ્યા.

‘ઇતિ, જો તો આમા શુંં છે?‘ અરૂપે આગળ આવી નીતાબહેનના હાથમાંથી પેકેટ લીધું. ’મમ્મી, ઇતિને બદલે હું ખોલું? નીતાબહેને મૌન રહી ધીમેથી માથુ હલાવ્યું. અરૂપે પેકેટ ખોલ્યું. અંદરથી ઇતિનું આખું શૈશવ સજીવ થઇ ઉઠયું. ઇતિના શૈશવના અનેક ફોટાઓ સુન્દર આલ્બમમાં ક્રમવાર ગોઠવી તે દરેકની નીચે નીતાબહેને કશુંક લખ્યું હતું. અને ઇતિના શૈશવમાં અનિકેતની હાજરી સ્વાભાવિકપણે હોય જ ને? અરૂપ એક પછી એક પાનુ ફેરવતો ગયો. ઇતિને બતાવતો ગયો. નીચે લખેલ લખાણ મોટેથી વાંચતો ગયો. અને આંસુથી છલકતો રહ્યો. આ નિર્વ્યાજ સ્નેહને સમજયા.. જાણ્યા સિવાય જ તેણે.. ઇતિને ચક્કર આવતા હોય તેમ ત્યાં જ બેસી પડી. પોતે આ શું જોતી હતી? સાવ જ પરિચિત પાત્રો.. આજે અપરિચિત બની બેઠાં હતા. કશુંક બહાર આવવા ઉછાળા મારી રહ્યું હતું.

ઇતિની હાલત જોઇ નીતાબહેન ગભરાઇ ગયા. તેમને હતું કે કદાચ આ બધું જોઇ ઇતિની યાદદાસ્ત પાછી આવી જશે. તેમને તો એમ જ હતું કે આઘાતને લીધે ઇતિ પોતાની યાદશક્તિ ખોઇ બેઠી છે. તે અરૂપ સામે જોઇ રહ્યા. અરૂપે આલ્બમ બાજુ પર મૂકી તેમને ચિંતા ન કરવા કહ્યું. અને ઇતિને પાણી પીવડાવી શાંત કરી. થોડીવારે ઇતિ જરા સ્વસ્થ થઇ.

‘ઇતિ, એક વસ્તુ બતાવું?’ આજે અરૂપ ઉપર ભૂત સવાર થયું હતું કે શું?

ઇતિનો હાથ પકડી અરૂપ તેને ઉપર લઇ ગયો. અરૂપે પૂજારૂમમાં અનિકેતનો ફોટો થોડા દિવસ પહેલાં જ લગાડયો હતો. ‘ઇતિ, જો અનિકેતને તેની આ ઘડિયાળ અને ઢીંગલી બતાવીશું? આજે અનિકેત જ્યાં પણ હશે તને અચૂક યાદ કરતો હશે.’ અનિકેતના ફૉટા પાસે દીપ પ્રગટાવી, અગરબત્તી કરી, હાથ જોડતાં અરૂપ ગળગળો બની ગયો. દોસ્તની માફી માગવા સિવાય તે શું કરી શકે? અને ઇતિ..? ઇતિ અનિકેતના ફોટા સામે એકીટશે જોઇ રહી. તેની આંખ જાણે મટકુ મારવાનું પણ ભૂલી ગઇ હતી. ઇતિના અંતરમાં કોઇ ઉથલપાથલ મચી શકી કે નહીં એ અરૂપને સમજાયું નહીં. ક્યાંય સુધી ઇતિ એમ જ બેઠી રહી. ઘડીકમાં અનિકેતના ફોટા સામે તો ઘડીકમાં અરૂપ સામે તેની કીકીઓ ચકળવકળ ફરતી રહી. હવે અરૂપને ડર લાગ્યો. તેણે ધીમેથી ઇતિને ઊભી કરી અને નીચે લઇ આવ્યો. ઇતિની નજર એકાદ બે વાર આપમેળે પાછળ ફરી ખરી. તેની પાંપણે ખારા પાણીનું એકાદ બુંદ બાઝ્યું હતું કે એ પણ પોતાનો વહેમ માત્ર? ઘડીયાળની ટીકટીકનો અવાજ વાતાવરણની નિઃસ્તબ્ધતામાં ખલેલ પહોંચાડી રહ્યો હતો.

તે રાત્રે દરિયાકિનારે મિત્રો સાથે પાર્ટી ચાલી. ઇતિની તબિયત હમણાં સારી નથી એવું અરૂપે બધાને સમજાવી દીધેલ. આજે હંમેશની જેમ મ્યુઝીકલ ચેર કે એવું કશું નહીં.. પરંતુ અંતાક્ષરીની રમઝટ જામી હતી.અને સૌથી નવાઇની વાત એ હતી કે કયારેય ન ગાનાર અરૂપ આજે ઇતિનો હાથ પકડીને મોટેમોટેથી લલકારી રહ્યો હતો. ઇતિની તબિયત હમણાં સારી નથી તેથી ઇતિને બદલે પણ પોતે જ ગાશે એમ કહી અરૂપ જિંદગીમાં પહેલીવાર અંતાક્ષરીમાં ભાગ લઇ રહ્યો હતો અને ઇતિના પ્રિય ગીત ગાઇ રહ્યો હતો. કદાચ કોઇ ગીત, કોઇ કડી, કોઇ શબ્દો ઇતિના અંતરના આગળા ઉઘાડી જાય એ શ્રદ્ધા અને આશાથી અરૂપ ઉઘડી રહ્યો હતો.. છલકી રહ્યો હતો. ઇતિની પાંપણે ક્યારેક ચમકી ઉઠતા મોતી સમા બે બુંદ અરૂપના હૈયામાં આશાનો દીપ પ્રગટાવતા રહ્યા હતા.
રાત્રિના અંધકારમાં ગીતોના શબ્દો પડઘાતા હતા.

“આઈના મુઝસે મેરી પહેલી સી તસ્વીર માગે..
મેરે અપને મેરે હોનેકી નિશાની માગે…”

દરિયાના ઉછળતા મોજા પણ તેમાં સાદ પૂરાવતા રહ્યા. અરૂપને પણ પહેલાની ઇતિની તલાશ હતી. પોતે પામી શક્શે ફરી એક્વાર એ ઇતિને? અચાનક અરૂપની નજર દૂર દેખાતા એક ચમકતા તારા પર પડી. અરૂપ જોઇ જ રહ્યો. એ તારામાં તેને અનિકેતનનો ચહેરો કેમ દેખાતો હતો?

‘અનિ, અનિ તું સાંભળે છે દોસ્ત? મને માફ કરી શકીશ દોસ્ત? હું તારો ગુનેગાર છું. તારો ગુનેગાર. ઇતિ તારી જ હતી, તારી જ છે. હું તો વચ્ચે આવી ગયો હતો. હું પાપી છું અનિકેત, પાપી છું. પરંતુ મારા કર્મની સજા ઇતિને શા માટે? તને ઇતિ દેખાય છે? દોસ્ત, મને માફ કરીશને? ઇતિ સારી થઇ જશે ને?‘ અરૂપ એ તારા સામે જોઇ અનિકેતની માફી માંગતો શુંં નુ શુંં બબડતો રહ્યો.

અરૂપ આજે મનજીવો કે મરજીવો બન્યો હતો અને પોતાના મનમાં જ ખૂબ ઉંડે ડૂબકી મારનારને હમેશા પ્રતીતિ થાય છે કે પોતાની અંદર એક ઘૂઘવતો દરિયો પણ છે અને અવકાશની અખિલાઇ પણ છે. પોતાની અંદરના એક પરમ તત્વની પહેચાન અરૂપ પામ્યો હતો.

ભીની આંખે તે આજે સાચા દિલથી અનિકેતને સ્મરી રહ્યો હતો.

આ ક્ષણે અનિકેત તારામાંથી બહાર આવે તો હસતા હસતાં ઇતિ તેને સોંપી દે. અને પોતે તેની જિંદગીથી દૂર ચાલ્યો જાય. કાશ! પોતાની ભૂલનું પ્રાયશ્વિત કરવાનો એક મોકો ઇશ્વર તેને આપે. પણ.. તે મોડો હતો.. બહુ મોડો…

અરૂપ વિચારમાં લીન હતો. ત્યાં કોઇએ ગીત શરૂ કર્યું

“મેરે દોસ્ત, તુઝે તેરા મીત મુબારક,
યે સાલ નયા,નયા ગીત મુબારક..”

ગીતના શબ્દો દૂર દૂર ગૂંજતા રહ્યા. કોઇ શબ્દો અનિકેત સુધી પહોંચ્યા હશે? કોઇ શબ્દો ઇતિના હૈયાને ઢંઢોળી શક્યા હશે? આખરે ક્યાં સુધી? ક્યાં સુધી? આનો કોઇ ઉપાય નહીં મળે? ઇતિ હમેશ માટે આમ જ લાશ બનીને જ જીવશે? અરૂપના અનુત્તર પ્રશ્નોનો ઉતર કોણ આપે? સમય આપી શકે કદાચ. પરંતુ જવાબ ન આપવો પડે માટે તે પણ મૌન રહીને ધીમે પગલે ચૂપચાપ ત્યાંથી ચૂપચાપ સરકી ગયો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૮) – નીલમ દોશી

  • gopal khetani

    અરુપ માટે ઈતિનો આ એક જ જન્મદિવસ પિડાદાયક રહેશે એવું ઇચ્છું. સુપર્બ્લી ડીસ્ક્રાઈબીંગ!