દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૭) – નીલમ દોશી 7


પ્રકરણ ૧૭ – યાદોના દીપ જલશે?

“કોઇ મારું ન થયું, કોઇ સંબંધો ન તૂટયા,
ડાળખી સાવ લીલી રહી, અને પર્ણો ન ફૂટયા.”

Dost Mane Maaf Karish ne

અરૂપે મંગળવાર શરૂ કર્યા હતા. તારાબહેન કહે તે મુજબ કોઇ દલીલ વિના તે કરતો રહેતો. માને કે ન માને પણ ઇતિ માટે તે જરૂર કરશે.

તારાબહેન કહેતા, ’સાહેબ, ઘણીવાર મોટા મોટા દાક્તરો ના પાડી દે ત્યારે કોઇ ચમત્કારની જેમ ચપટી ધૂળ પણ કામ કરી જાય.‘ ઇતિના મમ્મી પણ આવું કશુંક કહેતા હતા. અરૂપ બધું સ્વીકારતો રહે છે.. કરતો રહે છે.

‘તારાબહેન, તમે મંગળવાર ગણજો હોં. અને તમે આપેલા પેલા દાણા ઇતિને ખવડાવી દીધા છે. હવે તો ઇતિને સારું થઇ જશે ને? મમ્મી, મારી.. આપણી ઇતિ સારી થઇ જશે ને?’ કહેતાં અરૂપનો અવાજ ગળગળો થઇ જાય છે. તારાબહેનને સાહેબની દયા આવે છે. બહેનની માંદગીએ સાહેબને કેવા હલબલાવી નાખ્યા છે. નીતાબહેન અરૂપને પોતાની રીતે સધિયારો આપતા રહે છે.

હવે રોજ સવારે અરૂપ વહેલો ઉઠી જાય છે. ઇતિની જેમ જ તુલસીક્યારે પાણી રેડી, દીવો કરી ભાવથી નમી રહે છે. બગીચામાં એક આંટો મારે છે. પરંતુ બીજી કોઇ ગતાગમ પડતી નથી. ઇતિ અહીં બીજું શું કરતી તેની તેને જાણ ક્યાં હતી? પંખીઓને કે સસલા, ખિસકોલીને તો અરૂપ અપરિચિત લાગે છે. તેને જોઇને દોડીને ભાગી જાય છે. એક નિ:શ્વાસ સાથે અરૂપ ફકત તેમને જોઇ રહે છે. હજુ આ બધાને પ્રેમ કરતાં એ શીખ્યો નથી. પરિચયની કેડી ધીમે ધીમે પાંગરી રહી છે. વિશ્વાસ જનમવો બાકી છે. પ્રકૃતિ તરફથી હોંકારો મળવો હજુ બાકી છે.

ઇતિમાંથી જે કશુંક બાદ થઇ ગયું હતું. એ હવે અરૂપમાં ઉઘડતું હતું કે શું? ફૂલમાંથી ખુશ્બુ બાદ થાય પછી ફૂલ ખીલેલું તો દેખાય પણ એનું સત્વ, એનું પુષ્પત્વ ક્યાં? એ હોવા છતાં ગેરહાજર જ રહે છે. પાનખર વિના જ પર્ણ ખરી પડયાં હતાં. યાદોના સઘળા દીપ ઓલવાઇ ગયા હતા અને હવે અંધકારે જાણે ડેરો જમાવ્યો હતો. અરૂપના અનેક પ્રયત્નો ઇતિના અંતરમાં પડઘાયા વિના જ બૂમરેંગની જેમ પાછા ફરતાં હતાં.

ઇતિને તો હવે દરિયો પણ ક્યાં યાદ આવતો હતો? પરંતુ અરૂપને હવે દરિયો જરૂર યાદ આવી ગયો. જીવનના સમીકરણો બદલાઇ રહ્યા હતાં. ‘મમ્મી ચાલો, આજે આપણે બધા દરિયે જઇએ. ઘણાં સમયથી જવાયું નથી. મજા આવશે.’ ઇતિ સામે નજર કરતાં અરૂપે નીતાબહેનને કહ્યું. નીતાબહેને જમાઇની વાતમાં તુરત સાથ પૂરાવ્યો.

‘ચાલ ઇતિ, ઘણાં સમયથી હું પણ બહાર નીકળી નથી. જલદી તૈયાર થઇ જઇએ.’ ઇતિ કશું સમજી ન હોય તેમ મૂઢની માફક મમ્મી સામે જોઇ રહી.
નીતાબહેને ફરીથી કહ્યું, ’દરિયાની હવા ખાવાની મને તો આદત થઇ ગઇ છે. ચાલ જરા ફ્રેશ થઇ જવાશે.’ ઇતિએ ઉભા થવાની કોઇ ચેષ્ટા દર્શાવી નહીં.

શું કરવું તે નીતાબહેનને સમજાયું નહીં. તેણે થોડા મૂંઝાઇને અરૂપ સામે જોયું. અરૂપે કશું બોલ્યા સિવાય ઇતિનો હાથ પકડી તેને પ્રેમથી ઉભી કરી. ફરી એકવાર ચાવી દેવાઇ અને કઠપૂતળી ચાલી. સામાન્ય સંજોગોમાં તો ઇતિ દરિયાને દૂરથી જુએ ત્યાં જ તેના પગને જાણે પાંખ ફૂટે અને તે નાના બાળકની જેમ દોડી જાય. દરિયો તો ઇતિનો પ્રથમ પ્રેમ. દરિયા સાથે તેની અને અનિકેતની કેટકેટલી યાદો સંકળાયેલી છે. અરૂપને કદાચ તેથી જ દરિયે આવવું ગમતું નહીં. રવિવાર આવે અને દરિયે ન આવવું પડે માટે તેના અનેક પ્રોગ્રામ અગાઉથી બની જ ગયા હોય. ઇતિ કશું બોલ્યા સિવાય તેને અનુસરતી રહેતી. અનિકેત સાથે જોડાયેલી દરેક વાતથી ઇતિને દૂર રાખવાના કેટકેટલા પ્રયત્નો આટલા વરસો સુધી અરૂપે કર્યા હતા. આજે કાળની એવી તો થપાટ લાગી હતી કે તે આખો બદલાયો હતો. સમયની એક ફૂંકે પહેલાના અરૂપને અદ્રશ્ય કરી દીધો હતો અને હવે જાણે નવા જ અરૂપનો જન્મ થયો હતો.

આજે દરિયાએ પણ અરૂપનું કોઇ અલગ જ સ્વરૂપ જોયું. દરિયો એટલે ફકત ખારું પાણી જ નહીં.. એ અરૂપને સમજાયું હતું. દરિયાને જોઇ ઇતિને બદલે આજે અરૂપને પાંખો ફૂટી હતી. ઇતિનો હાથ પકડી તે રેતીમાં દોડયો હતો. હાંફતા હાંફતા તે નીચે ભીની રેતીમાં બેઠો હતો અને હાંફતી ઇતિને પણ નીચે બેસાડી હતી.

’ઇતિ, ચાલ, આપણે સરસ મજાનો બંગલો બનાવીએ. તારો વધારે સારો બને છે કે મારો? આપણી હરિફાઇ.. ચાલ કમ ઓન.. ઇતિ.’ ઇતિના હાથ પકડી રેતીને અડાડતા અરૂપે ઉમેર્યું, ’જો કે મને તો બંગલો બનાવતાય ક્યાં આવડે છે? મને શીખડાવીશને?’ કહી જવાબની રાહ જોયા સિવાય અરૂપે ભીની રેતી ભેગી કરવી શરૂ કરી. ઇતિ એકાદ ક્ષણ અરૂપ સામે, અરૂપના રેતીવાળા હાથ સામે અને પછી રેતીના ઢગલા સામે જોઇ રહી. તેની આંખો અનાયાસે મીંચાઇ ગઇ. અરૂપે ઇતિનો હાથ પકડી ભીની રેતીને અડાડયો. ’ઇતિ, તું તો બંગલો બનાવવામાં એક્સપર્ટ છે. બંધ આંખોએ પણ બંગલો બનાવી શકીશ. ચાલ..’ ઇતિના આંગળા અભાનપણે રેતીમાં ફરી રહ્યા. બંગલો તો ન બન્યો. પણ તેના આંગળા ભીની રેતી પર આડાઅવળા લીટા કરતા રહ્યા. અરૂપ માટે તો એ આશ્વાસન પણ કયાં ઓછું હતું? તે બંગલો બનાવતો રહ્યો. સામે દૂર આસમાનમાં… કોઇ ચિત્રકાર મનમાની તસ્વીર ન આલેખી શકયો હોવાથી ગુસ્સે થઇને, રંગો વેરીને ચાલી જાય તેમ વેરાયેલ સૂર્યકિરણોએ આકાશમાં એક અનોખી રંગછટા ઉભી કરેલી હતી. એનું અદભૂત પ્રતિબિંબ સમુદ્રના આછા નીરમાં પણ ઉભરતું હતું. જાણે કોઇ ઝળહળતું ઝૂમ્મર તૂટીને એના ટુકડા પાણીમાં ન વેરાઇ ગયા હોય! સૂર્યના કિરણોની લાલાશ દરિયાના પાણીમાં ઘેરાતી હતી. સાંધ્યરંગો ઇતિ અને અરૂપના ચહેરા પર ચમકી રહ્યા હતા. પાણીમાં ડૂબતા પહેલાં સૂરજ જાણે આકાશમાં પોતાની હયાતિના હસ્તાક્ષર કરતો હોય તેમ ક્ષિતિજે લાલ, પીળા રંગોની આભા ઉભરતી હતી. દૂરથી કાળા ટપકા જેવી દેખાતી કોઇ હોડી જલદીથી પાછા ફરવાની ઉતાવળમાં તેજ ગતિએ કિનારા તરફ ધસી રહી હતી. વૃક્ષોના પાણીમાં ઉભરતા લીલાછમ્મ પ્રતિબિંબથી પાણીનો રંગ પણ લીલેરી ઝાંય પકડતો હતો.

સંતાકૂકડી રમતા સૂરજે છેલ્લીવાર ડોકુ બહાર કાઢી ઇતિ સામે કરૂણાભરી નજર નાખી જાણે ઇતિની હાલત જોવાતી ન હોય તેમ પાણીમાં અંતિમ ડૂબકી મારી ગયો. અસ્ત થતાં સૂરજની તેજલીલા થોડીવાર સૂર્યના હોવાની સાક્ષી પૂરાવતી રહી.

અરૂપના પ્રયત્નો પર કાળદેવતાની નજર ઠરી હતી કે શું? તેને અરૂપની દયા આવી હતી કે શું? ઇતિના આંગળા પહેલીવાર જાતે રેતીમાં ફરતા હતા. કોઇ રેખાઓ રેતીમાં ઉગતી હતી કે ઇતિના અંતરમાં? સૂરજદાદા અહીં ભલે અસ્ત પામી ગયા હતા પરંતુ બીજે ક્યાંક ઉગવાની તૈયારી હતી જ. અહીં ન દેખાય તેથી તેના અસ્તિત્વનો ઇન્કાર થોડો થઇ શકે? એમ તો અનિકેત ઇતિના જીવનમાં વરસોથી ક્યાં દેખાયો હતો? પરંતુ તેથી તેનું અસ્તિત્વ નહોતું એમ કેમ કહી શકાય? ઇતિના હાથ ભીની રેતીમાં ઝાંખીપાંખી કોઇ રેખાઓ આંકતા રહ્યા.. અરૂપ ઇતિ સાથે વાતો કરતા કરતા બંગલો બનાવતો રહ્યો.

ઇતિની મમ્મી બાજુમાં બેસી અરૂપને બંગલો બનાવવવામાં મદદ કરવા લાગી ગયા. ‘અરૂપ બેટા, જો આમ કરીશ તો વધુ સરસ લાગશે. તને ખબર છે અનિકેતને યે બંગલો બનાવતા નહોતું આવડતું. તે તો ઇતિ બનાવે તેમાં ખાલી સલાહ સૂચના જ આપ્યા કરે. અને ઇતિનો બંગલો જ જોયા કરે. મારી ઇતિ બંગલો બનાવે ને સૌ બે ઘડી જોઇ રહે હોં. ઇતિ, જો તો ખરી આ અરૂપે પણ સરસ મજાનો બંગલો બનાવ્યો હોં.‘ ઇતિ તો બંધ આંખે ન જાણે શું જોઇ રહી હતી? કે પછી ફકત અંધકાર.. કશું દેખાતું નહોતું? સ્મૃતિઓના પાના ભૂંસાઇ ગયા હતા કે શું? કશું ઉઘડતું નહોતું. બંધ આંખે કયારેક જે આખી સૃષ્ટિ જોઇ શકતી ત્યાં આજે અંધકાર.. સંપૂર્ણ અંધકાર…! જીવન કોઇ એક બિંદુએ સ્થગિત થઇ ગયું હતું. આગળ કે પાછળ… ક્યાંય પણ નજર કરવાની ક્ષમતા ગુમ થઇ ગઇ હતી.

‘અરે, ઇતિ, તારે હીંચકા ખાવા છે? યાદ છે તું ને અનિ નાના હતા ત્યારે હીંચકા માટે કેવા ઝગડતા હતા? અનિકેત તને કેવા જોશથી હીંચકા નાખતો હતો અને તું ગભરાઇને ચીસો પાડી ઉઠતી. અરૂપ બેટા, તને ખબર છે? ઇતિ નાની હતી ને ત્યારે સાવ બીકણ હતી. અને અનિકેત તેને ડરાવવાનું ક્યારેય ચૂકતો નહીં. બંને વચ્ચે ઇટાકિટ્ટા.. રિસામણા, મનામણા ચાલ્યા જ કરતા. ઇતિનો વાંક હોય ને તો પણ અમારા આ બેનબાની છાપ જ એવી કે ઇતિ તો બહુ ડાહી.. એ તોફાન કરે જ નહીં અને ઠપકો તો અનિકેતને ભાગે જ આવે. અરે, સુલભાબહેન.. અનિકેતની મમ્મી પણ તેને જ ખીજાય. મારી ઇતિ તો બધાની લાડલી ને ચાગલી. અને બધા અનિકેતને ખીજાતા હોય ત્યારે આ બેનબા છાનામાના અનિકેતને અંગૂઠો બતાવતા ઉભા હોય. ઇતિનું ટીખળ બીજા કોઇને દેખાય નહીં. અને અનિકેતની પીપૂડી તો સાંભળે જ કોણ? સાચુંને ઇતિ?‘ બોલતા બોલતા નીતાબહેન અનિકેતની યાદથી ગળગળા થઇ ગયા. ઇતિ મટકુ પણ માર્યા સિવાય મમ્મી સામે જોઇ રહી હતી. શું સાંભળતી હતી એ સમજવાનો પ્રયત્ન કરતી હતી કે શું?

‘અને અરૂપ, અનિકેત જરાક કંઇક કરે ને ત્યાં બધાની આંખે ચડી જાય. અને સૌ તેને જ કહે, તું જ એવો છે.. તેં જ કંઇક તોફાન કર્યું હશે. ઇતિ તો બહું ડાહી છે. અનિકેતને વારંવાર આવું સાંભળવું પડતું. પણ હું તો મારી દીકરીને ઓળખું ને? એના પરાક્રમની મને તો જાણ હોય ને? મારે સુલભાબહેનને કહેવું પડતું, તમે નકામા અનિને ખીજાવ છો.. આ મારી દીકરી કંઇ ઓછી નથી. તેણે જરૂર કશુંક કર્યું જ હશે. આમ પણ અનિકેતને ચીડવવો એ તો ઇતિનું મનગમતું કામ. ખરુંને ઇતિ? સળી કરીને પોતે દૂર ભાગી જાય અને અનિ બિચારો ફસાઇ જાય.‘

ત્રાંસી આંખે ઇતિ સામે જોતા જોતા નીતાબહેન એકધારા બોલી રહ્યા હતા. અરૂપની નજર તો ઇતિ સામે જ ખોડાયેલી હતી. ઇતિના હાવભાવનું સૂક્ષ્મ નિરિક્ષણ તે કરી રહ્યો હતો. અને ઇતિ? ઇતિના કાન પર કોઇ શબ્દો અથડાતા હોય.. કોઇ ઝાંખી યાદ ઉભરી આવતી હોય તેમ વચ્ચે વચ્ચે એકાદ નાનો આછો ઝબકાર તેના ચહેરા પર છવાઇ જતો. અને ફરી પાછો ગાઢ અંધકાર. અને એ અંધકારે અરૂપ ફરી પાછો હતાશાની ગર્તામાં ધકેલાઇ જતો. પણ ના.. એમ હતાશ થયે કેમ ચાલશે? રાત સુધી એમ જ અરૂપ અને નીતાબહેન આડીઅવળી વાતો કરતા રહ્યા. તેમની વાતોમાં અનિકેત ડોકાયા કર્યો અને ઇતિની આંખોમાં વીજળીના ક્ષણિક ઝબકારની આવનજાવન ચાલુ રહી. અરૂપ આશા નિરાશા વચ્ચે ઝૂલતો રહ્યો. નીતાબહેન દીકરીની હાલતથી દુ:ખ અનુભવતા રહ્યા.

‘ઇતિ, ચાલ, આજે તો આપણે પણ ફરી એકવાર નાના બની જઇએ અને હીંચકા ખાઇએ.’ ઇતિનો હાથ પકડી અરૂપ તેને હીંચકા પાસે લઇ ગયો. અને ઇતિને હીંચકા પર બેસાડી તે ધીમેધીમે હીંચકા નાખવા લાગ્યો. ઇતિના હાથ મજબૂતીથી હીંચકાની સાંકળ પકડી રહ્યા. જાણે કશુંક છૂટી જતું હોય અને પોતે બાંધી રાખવા માગતી ન હોય! અરૂપે ધીમે ધીમે હીંચકાની ગતિ વધારી. ઇતિએ આંખો બંધ કરી દીધી. અરૂપના મનમાં હતું કે ઇતિ ડરની મારી હમણાં ચીસ પાડી ઉઠશે. પરંતુ તે આશા પણ ઠગારી નીકળી.

‘ઇતિ, આજે જમવા ક્યાં જશું?’ સામાન્ય રીતે અરૂપ કોઇ મોટી હોટેલ જ પસંદ કરતો. ઇતિને તો બહાર ભૈયાજી પાસે ઊભી પાણીપૂરી અને જાતજાતની ચાટ ખાવી બહુ ગમતી. પરંતુ અરૂપને એવું કયારેય ગમતું નહીં.

આજે અરૂપે સામેથી જ કહ્યું ’ઇતિ, તારા પેલા ફેવરીટ ભૈયાજીની ચાટ ખાવા જઇશું ને?’ અને ગાડી એક ખૂમચાવાળા પાસે ઉભી. ‘ઇતિ, તારે કઇ ચાટ ખાવી છે?‘ પરંતુ મેન્ટલી રીટાર્ડેડ બાળક શું જવાબ આપે? પ્રશ્ન સમજાય તો જવાબની આશા રાખી શકાયને?’ નીતાબહેન જમાઇની કાળજી જોઇ રહ્યા હતા. દીકરીનો કેટલો ખ્યાલ રાખે છે. ઇતિ નશીબદાર છે. માની ઇશ્વરનો આભાર માની રહ્યા. અંતે નીતાબહેને જ ઇતિની ફેવરીટ આલુ ચાટ અને પાણીપૂરી મગાવી. અરૂપે પણ હસતા હસતા અને સિસકારા બોલાવતા બોલાવતા પાણીપૂરીની મજા માણી. તે ઇતિના મોંમાં મૂકતો ગયો અને પોતે ખાતો ગયો.

‘અરે બાપ રે, ઇતિ, આ તો બહું તેજ છે. અરે, ભૈયાજી જરા કમ તેજ બનાઇયે..’ જોકે ઇતિને તીખી તમતમતી જ ભાવતી હતી એનાથી અરૂપ અજાણ્યો નહોતો જ. કદાચ ઇતિ ભૈયાજીને કોઇ સૂચના આપે તેમ માની અરૂપ કહેતો રહ્યો. કોને ખબર છે.. ક્યારે કઇ નાની સરખી વાત ઇતિની ચેતના જગાડી શકે. તે કોઇ તક છોડવા નહોતો માગતો. પરંતુ હજુ અરૂપના પાપનું પ્રાયશ્વિત પૂરુ નહોતું થયું. ક્યારેય થશે કે કેમ એ પણ શંકા હતી. પરંતુ અરૂપ પોતાના તરફથી કોઇ કચાશ નહીં જ રહેવા દે. પાપ કર્યું છે તો સજા પણ ભોગવશે જ.

તે રાત્રે ઇતિ પોતાની જાતે નીતાબહેનની સાડીનો છેડો પકડી નાનપણમાં સૂતી હતી એમ જ ટૂંટિયુ વાળીને સૂઇ રહી. નીતાબહેન પુત્રીને માથે સ્નેહથી હાથ ફેરવી રહ્યા. પુત્રીની આ દશા જોઇ તેમના દુ:ખનો પાર નહોતો. શું કરવું તે તેમને પણ સમજાતું નહોતું.

કશુંક કરવું જોઇએ. પણ શું? શું ઇતિ હમેશા આમ જ..? દીકરી ઉપર આ કોની નજર લાગી ગઇ છે? સૂઝે એટલી માનતા તે મનોમન માનતા રહ્યા. પુત્રી પર કોઇનો ઓછાયો પડી ગયો છે કે શું? નહીતર આવી ડાહી દીકરી આમ..? અનિકેતના જવાનું દુ:ખ જરૂર થાય પણ આમ કોઇ આ હદે ભાંગી પડે?

નીતાબહેનને કયાં જાણ હતી કે આ કંઇ અનિકેતની વિદાયનું જ દુ:ખ નહોતું. આ તો વરસોનો વિશ્વાસ તૂટયાની કરચો હતી જે ઇતિને અંદર સુધી ખૂંચી ગઇ હતી. જેનામાં પૂરી શ્રધ્ધા રાખી પૂર્ણ સમર્પણ કર્યું હતું તેનું આવું સ્વરૂપ અચાનક નજર સમક્ષ ઉઘડતાં અવાચક બની ગયેલ ઇતિની બધી ઇન્દ્રિયો સાન ભાન ગુમાવી બેઠી હતી. એક ક્ષણમાં ઇતિની આસપાસ, ચારે તરફ ફકત અંધકાર.. ઘોર અંધકારનું પૂર ફરી વળ્યું હતું. અને એ પૂરમાં ડૂબી ગયેલી ઇતિ હવે બહાર આવી શકતી નહોતી. ક્યારેય આવી શક્શે ખરી? અંધકારનું આ પૂર કયારેય ઇતિના જીવનમાંથી ઓસરી શકશે ખરું? અરૂપ બાજુના રૂમમાં સૂતા સૂતા મનમાં ને મનમાં સવાલ કરતો રહ્યો. ઇતિ તેની મમ્મી સાથે સૂવે તો કદાચ કોઇ વાત કરે એમ માની તે અલગ સૂતો હતો. જોકે તેનો જીવ તો ઇતિ આસપાસ જ મંડરાતો હતો. બાકી તેના પ્રશ્નોના જવાબ તો કાળદેવતા સિવાય કોણ આપી શકે? કાળદેવતાને હૈયા જેવું, દયા, માયા જેવું કશું હશે તો ખરું ને?

પ્રશ્નો.. પ્રશ્નો.. અનેક અનુત્તર પ્રશ્નોએ અરૂપની આંખોની ઉંઘ હરી લીધી હતી.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૭) – નીલમ દોશી

 • KETAN DESAI

  મારી મોસ્ટ ફેવરીટ માથી એક એવી “દોસ્ત મને માફ કરીશને?” નિલમદીદી હુ આ સ્ટોરી જેટલીવાર વાચુ છુ, મને તમારી ઇતિ સાથે પ્રેમ થઇ જાય છે.

  • Nilam Doshi

   કેતનભાઇ, વાર્તા લખાઇ ગયા પછી પાત્રો લેખકના રહેતા જ નથી. આભારએ તો વાચકના જ બની રહે છે.એથી ઇતિ હવે તમારી જ કહેવાય…ઇતિ માટે આવો જ સ્નેહ રાખશો..આભાર..

   કાજલ બેન, કુલદીપભાઇ, મિહિત ભાઇ, ગોપાલભાઇ,ઇસ્મતભાઇ,આપ સૌનો ખૂબ ખૂબ આભાર..વાંચીને પ્રતિભાવ આપવા બદલ..

 • kajal

  આટલે પહોચ્યાં પછી આટલું સમજાય છે, આ બધુ કોઈ કરતું નથી આ બધુ તો થાય છે………………………. અરૂપ ને પ્રેમની સાચી પરિભાષા સમજાતી જાય છે, ને સાથે જ નવા સત્યનો ઉદય.બહુ જ હદયદ્રાવક ક્ષણો સર્જાય રહી છે………………..