યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4


આત્માના આંસુ – લેખક અને દિર્ગદર્શક શ્રી બાબુભાઇ વ્યાસ

(યંગ ક્લબ, ભાવનગર નું એકાંકી પહેલી વખત ભજવાયું 10 ઓક્ટોબર 1948)

એક હ્રદયસ્પર્શી વાત, એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,

પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.

બિંદુ: (ફૂલો ગોઠવાતાં) – કેવા સરસ ફૂલો છે?

રામુ: (ખુરશીઓ સાફ કરતા) જી, મારી વડીના છે.

બિંદુ:તે તું અહીં નોકરી કરેછે તો વાડીનું ધ્યાન કોણ રાખે છે?

રામુ: જી – માં બાપ તો હોય જ ને! એક મોટો ભાઈ પણ છે.

(બહારથી કોલબેલ વાગે છે, રામુ દરવાજો ખોલવા બહાર જાય છે.)

બિંદુ:(વિચારતી હોઈ તેમ) હં, …બધાના નસીબમાં એવું સુખ નથી હોતું.

(બિંદુ ફ્લાવરવાઝ ટેબલ પર ગોઠવીને એક ખુરશી પાસે ઉભી રહે છે. રામુ પહેલા નંબરના અખબારના પ્રતિનિધિને લઈને અંદર આવેછે)

પ્રતિનિધિ – 1: નમસ્તે… (બિંદુને હાથ જોડે છે) આજે પ્રોફેસર અભિજિતે મને બોલાવ્યો છે.

બિંદુ:તમે કયું પેપર રેપ્રિઝેન્ટ કરો છો?

પ્રતિનિધિ – 1: (નોટ પેન્સિલ કાઢી પોતાનું કાર્ડ આપતાં) હું અભ્યુદયનો ખબરપત્રી છું. ગઈકાલે મેં પ્રોફેસરનાં પરિચય અને રૂબરૂ મુલાકાત માટે વખત માંગેલો….અને આજે સવારના સાડા આઠનો સમય આપ્યો છે.

બિંદુ: હું જાણુંછું…મેં જ આપને એ ખબર આપેલા. બીજા બે ખબરપત્રીઓ પણ આવવાનાછે.

પ્રતિનિધિ – 1: જી, માફ કરજો આપ પ્રોફેસર સાહેબનાં પ્રાઇવેટ સેક્રેટરી છો?

બિંદુ: (હસતાં) હું તેમનું કામ કરું છું પણ સેક્રેટરી નથી. ( ફરી કોલબેલ વાગે છે, રામુ દરવાજા તરફ જાય છે) હું તેમની દીકરી છું. મારુ નામ બિંદુ.

પ્રતિનિધિ – 1: માફ કરજો બિન્દુબેન, મેં તમને ઓળખ્યા નહિ.

(ઉપર વાક્ય પૂરું થાય કે તુરતજ બે પ્રતિનિધિઓ આવે છે. એક પારસી છે.)

બિંદુ: આવો ગ્રહસ્થો, અમે તમારીજ વાટ જોઈએ છીએ,

પારસી પ્રતિનિધિ: માફ કરજો બાનું, પણ આંય મેં ટો સાંભળ્યું છ કે પ્રોફેસર અભિજિતનાં વાઈફ ટો ઘન્ના જ વારસો પહેલાં ગૂજર્યા છે…..ટો …આપ?

બિંદુ: (હસતાં) હાજી, પ્રોફેસર સાહેબનાં પત્ની – ગુજરી ગયેલા, વાઈફ – મને બે વર્ષની મૂકીને ગુજરી ગયેલાં.

પારસી પ્રતિનિધિ: ઓહ ! તમે રમુજ ભી કરી શકો છો ને શું?

પ્રતિનિધિ – 1: અને દિકરા જામસ, તેમનું નામ મિસ બિંદુ છે. કોલમમાં અવારનવાર નજરે પડે છે તે…

પારસી પ્રતિનિધિ: નમસ્તે (બિંદુ સામ નમસ્કાર કરે છે)

બિંદુ: હવે કોઈ આવવાનું બાકી નથી – તો હું પ્રોફેસર સાહેબને આપના આવ્યાના ખબર આપું છું. (જવા માટે ફરે છે પણ અચાનક કઈંક યાદ આવ્યું હોઈ તેમ પાછી ફરીને…) એક વાત તરફ આપનું જો લક્ષ દોરું તો ખોટું ન લગાડતા – પણ આપ પ્રોફેસર સાહેબને તેમની શોધ વિષે જે પૂછજો – પરંતુ, એ શોધ કઈ રીતે થઇ એ ન પૂછતા, કારણ એ તેમની અંગત બાબત છે અને તેઓ લાગણીવશ થઈને ઉશ્કેરાઈ જાય છે. હું પછીથી બધું આપને સમજાવીશ.

પારસી પ્રતિનિધિ: વારુ. (બિંદુ જાય છે) – જોયું બુચી છે ચબરાક ! આપણે અહીં વીસમી સડીના જમાનામાં સાઇન્સનાં એક પ્રોફેસરનાં ઇન્ટરવ્યું માટે આવીયા છીએ કે મોગલ રંગ મહેલનાં ભેદભરમો જાણવા એ સમજવા દેટા નથી।

પ્રતિનિધિ – 1: તે તમારા પારસીઓમાં છોકરીઓને ક્યાં સુધી “બુચી” કહે છે?

પ્રતિનિધિ – 2: આ જામસજીને તો બધું ભેદી દેખાયછે। મિસ બિંદુએ એટલા માટેજ આપણને ધ્યાન રાખવા કહ્યું છે કારણકે પ્રોફેસર સાહેબનો દીકરો ગવર્નમેન્ટ તરફથી ચાઈના માં જે રીલીફ માટે મિશન મોકલવામાં આવ્યું હતું તેમાં ગયો હતો – અને ત્યાંથી અચાનક કશીક લડાઈ થતાં અચાનક તેના ગુજરી જવાના સમાચાર આવ્યા….એ હકીકત મને રેડક્રોસ તરફથી મળી છે. પરંતુ ત્યાર પછી પ્રોફેસરે આ શોધ કરીછે।

પારસી પ્રતિનિધિ: પ્રોફેસર સાહેબનો ડીકરો ટો ચીનમાં ડૉક્ટર કોટનિસની મિસાલ હીરો થઈને મારીયો હોંસે પન આંય આપરે ભુંજાયને મરી જઈસું તેનું કેમ? પેલો પટ્ટાવાળો ક્યાં મરીયો છે. તેને જરા ફેન ચાલુ કરવાનું કહેને!!

પ્રતિનિધિ – 2: ફેનની કશીયે જરૂર નથી. અને તું મરી જાય તો પણ નરકનો ખાસ ખબરપત્રી થઇ શકશે.

પારસી પ્રતિનિધિ: મોં સામલ ……હું ટમારા નરકમાં શા માટે જાઉં?

પ્રતિનિધિ – 2: કેમ નહિ? છાપામાં કામ કરનારો કયો આદમી સ્વર્ગે ગયો છે કે વળી તું જા?

પ્રતિનિધિ – 1: લડો નહિં – આપણૅ પ્રેસની ડીગ્નીટી જાળવવી જોઈએ।

પ્રતિનિધિ – 2: હિન્દીમાં બોલ – તારું પત્ર તો તદ્દન રાષ્ટ્રીય છે.

પારસી પ્રતિનિધિ: પન આંય ડીગ્નીટીનું હિન્દી શું?

પ્રતિનિધિ – 2: એ વાત જવાદો, તમે લોકો બધાની મશ્કરી કરો છો પણ મારી જેવા કોઈ ખીજાઈ જશે તો કોઈને મારી બેસશે.

પારસી પ્રતિનિધિ: અરે સાહેબ, એમાં છેરાઇ શું પરીયા? અને હું તમોને પૂછું છું કે આંય પ્રોફેસર અભિજિતની શોધ પછી મરવાનો ભય કાં રહ્યો છે? જેમ એરોપ્લેન આવતાં અમદાવાદ અને ભાવનગર બોમ્બેનાં પરાં જેવાં બની ગયાં છે ટેમ આંય પ્રોફેસરની શોધ પછી તમારા હિન્દૂ શાસ્તરના આયલોક અને પરલોક બન્ને સરખા જ બની ગયા છ. આપ સમજીયા કે આય થિયરી ?

પ્રતિનિધિ – 1: તમને એ થિયરીની જરા જેટલી પણ સમજ પડે છે?

પારસી પ્રતિનિધિ: ટો હું ટમોને પૂંછું છું કે ટમને એ થિયરીના નામ સિવાય જરા જેટલીબી સમાજ પરે છે?

પ્રતિનિધિ – 2: અરે જામસ।. જો તે લોકો આવ્યા.

( બિંદુને ખભે હાથ મૂકીને પ્રોફેસર અભિજીત, 60/65 વરસનાં વૃધ્ધ અને અંધ આવેછે, બિંદુ ના હાથમાં ન્યૂઝપેપર, કટીંગ્સ અને એક ફાઈલ છે. તે ખુરશીમાં પ્રોફેસરને બેસારે છે. બેસતાં પહેલાં પ્રોફેસર નમસ્કાર કરે છે. આ સમયે
પ્રતિનિધિઓ કેમેરા ક્લિક કરેછે )

પ્રોફેસર: મને બિંદુએ હમણાજ તમારા આવવાના સમાચાર આપ્યા. બોલો મારી પાસેથી તમે શું જાણવા માગો છો?

પારસી પ્રતિનિધિ: આપની શોધ વિષે સ્તો

(બિંદુ પણ નોટ કરતી જાય છે)

પ્રોફેસર: એટલે!

પ્રતિનિધિ – 2: આપે મરેલાંની સાથે પણ વાતચીત કરવાનો જે અખતરો કર્યો તે ક્યા સિદ્ધાંત પર ? અમો તે જાણવા માંગીએ છીએ.

પ્રોફેસર: હું સમજ્યો, જુઓ તમને સમજાવું ( ત્રણે લખવા માંડે છે) તમે જાણતા હશો કે આલોક અને પરલોક વચ્ચે “મૅન્ટલ ટેલીપથી” – બિંદુ આનું ગુજરાતી શું?

બિંદુ: ચક્ષુચેતના વ્યવહાર.

પ્રોફેસર: હા, તેનાથી સંદેશાઓ ચલાવવામાં આવતા પરંતુ તેમાં સામેની બાજુનો માણસ જોઈ શકાતો નથી. હવે ટેલિવિઝન અને આધુનિક ટેક્નોલોજી આવવાથી જેમ સંદેશો આપનારને આપણે જોઇ શકીએ છીએ તેમ મારા સિદ્ધાંત પ્રમાણે બે આત્મા વચ્ચેના વ્યવહારમાં પણ આપણે સામા આત્માને જોઇ શકીએ છીએ.

પ્રતિનિધિ – 1: એ આત્માને શરીર કે આકાર હોયછે?

પ્રોફેસર: બેશક……

પ્રતિનિધિ – 1: તો એ આપણી જેવા જ છે કે ..કે જુદી જાતના?

પ્રોફેસર: હું કહું……..માણસ ગુજરી જાય છે ત્યારે કાંતો તેનું શરીર માટીમાં અગર તો આગમાં બાળીને ખાક થાય છે. પણ તેમ થતાં પહેલાં તેનો આત્મા તો એ શરીરને છોડીને ચાલ્યો જાય છે, હવે આપણી સાથે વાત કરનાર તો આત્મા છે અને તે પણ આપણા સ્વજનો….એટલે આપણી કલ્પના મુજબ આપણા સ્વજનો નો આત્મા આપણને દેખાય છે.

પ્રતિનિધિ – 2: એ કેવી રીતે?

પ્રોફેસર: તમે છાપામાં હિરોશીમાની વાત તો વાંચી હશે! (ત્રણે પ્રતિનિધિઓ એકબીજા સામે જુએ છે.)

પારસી પ્રતિનિધિ: માફ કરજો પ્રોફેસર સાહેબ,….પન અમે આંય છાપાં ભમતા ભૂતો પોતાના લખાણ સિવાય બીજું કશું વાંચતા નથી.

પ્રોફેસર: વારુ. હિરોશીમા પર એટમ બૉમ્બ ફેંકાયા પછી ત્યાં જીવતા રહેલા લોકોને મરેલા માણસોની અને નાશપામેલી આકૃતિઓ દેખાતી હતી તે વાત તો તમે જાણો છો ને?

પ્રતિનિધિ – 2: અમે તો એ અમેરિકન છાપાં નો એક સ્ટન્ટ માનેલો.

પ્રોફેસર: (હસતાં) ના ના એ સ્ટન્ટ ન હતો. જાપાની આર્મી હેડક્વાર્ટરે પોતાની હેરફેર માટે ત્યાં કામચલાઉ પૂલ બંધાય હતો. જે વખતે બૉમ્બ પડ્યો તે વખતે તે પૂલ ઉપરથી એક માલગાડી પસાર થતી હતી એટલે પૂલ તથા ટ્રેઈનનાં ફૂરચેફૂરચા ઉડી ગયેલા, પણ “રેડિયો એક્ટિવ વેવ” ને લઈને આખી આકૃતિ હવામાં રહી ગયેલી અને પછી ઘણા વખત સુધી ત્યાંના લોકોને તે દેખાયા કરતીહતી… અરે બિંદુ પેલાં કટીંગ્સ તથા ફાઈલ લાવ તો…

પ્રતિનિધિ – 2: જી, એની કશીય જરૂર નથી. અમે આપનું ક્હેવું બરાબર સમજીયે છીએ.

પ્રોફેસર: તો પછી હવે તમને મારી શોધ સમજવામાં મુશ્કેલી નહિ પડે. ખરેખર એ તદ્દન સહેલી જ છે. આ લોક અને પરલોક – જો કે આ વાત મારી વાતમાં અવારનવાર આવ્યા કરેછે તેથી તમને કંટાળો તો નથી આવતોને?

પારસી પ્રતિનિધિ: જી નહિ ટો. ધંધો કરવો કાળા બજારનો અને ઈન્ક્મટેક્ષવાળા ની બીક રાખવી એ કેમ બને?

બિંદુ: ઓહ….તમે રમૂજ કરી શકો છો ને શું?

પ્રોફેસર: તમારી કહેવતછે તદ્દન મોર્ડન, પણ જરા અસ્થાને છે. પણ હવે આગળ – આ લોક અને પરલોકના માણસોને ટેલિવિઝનની જેમ જોઈ શકાએ તેટલું કરવાનું બાકી રહેલું હતું. એ વાત ખરી છે કે હું જો આંધળો ન થયો હોત તો કદાચ આ શોધ મારાથી ન થઇ હોત કેમકે આંખે જોયેલું બધું રેટીના ઉપર પડે છે ત્યારે આત્મા રેટીના થી જોઈ શકતો નથી. એટલે થોડા રોજમાં હું મારો શોધનો પહેલો પ્રયોગ દુનિયા સમક્ષ મૂકીશ કે જેમાં મારા સિદ્ધાંત અનુસાર અંતરિક્ષમાં ફરતા આત્માઓ નરી આંખે જોઈ શકાશે અને આજનાં વૈજ્ઞાનિક સાધનો વડે તેની સાથે વાતચીત કરી શકાશે.

પ્રતિનિધિ – 1: અજબ! આપણે આજ સુધી જેને ગપગોળા માનતા હતાતે પિતૃલોક તો વિજ્ઞાનનું સત્ય ઠર્યુ ! પ્રોફેસર સાહેબ,..આપણી આ શોધ માત્ર ભૂગોળની નહીં, ખગોળની પણ મોટામાં મોટી શોધ છે.

પ્રતિનિધિ – 2: આપણી આ શોધ ફતેહમંદ નીવડો અને દુનિયાના લોકને સાંત્વન આપનારી બનો. જેમનાં સ્વજનો અકસ્માતે આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં હશે તે આપને આ શોધ બદલ દુઆ દેશે .

પ્રોફેસર: જો કે હું મારા મરેલા પુત્રને મેળવવા માંગતો હતો અને તેમાં કુદરતની કૃપાથી આ શોધ થઇ ગઈ.

પ્રતિનિધિ – 1: એ તો આપની નમ્રતા છે સાહેબ! પણ એક જુવાનજોધ દીકરાને ખોવાનો ગમ ભૂલીને કાંઈ બધા સાયન્ટિસ્ટો શોધ કરી શકતા નથી.

પ્રોફેસર: પુત્રને તો ક્યાંથી ભુલાય ? ભગ્યે જ એવી ક્ષણ ગઈ હશે કે જેમાં હું શેખરને ભૂલી ગયો હોઈશ. અહર્નિશ એ મને દેખાયા જ કરે છે. એ મોટી ચપળ આંખો, ગોળ મજાનું મોઢું। અને ખાખી પોષાકમાં કેવો ખુબસુરત લાગતો હતો! નાનપણમાં હું તેને ઘણીવાર વાઢ્યો હોઈશ, પણ બીજી મિનિટે એ બધું ભૂલીને મારા ગળે વળગી પડતો..એ બધું કેમ ભૂલાય? આંખો ગયી છે પણ યાદદાસ્ત કાંઈ ગઈ છે?

પારસી પ્રતિનિધિ : પ્રોફેસરસા’બ, આંઈ એક છેલ્લો સવાલ – ટો આપ હવે આપ આનો બધો ટાઈમ આપણા પોરીયા સાઠે વાતચીતમાં જ ગાળવાના કે ? ( પ્રોફેસર ખુરશીમાં ટટ્ટાર થાય છે બિંદુ અને બીજા બે પ્રતિનિધિઓ પારસી તરફ મૂંગામૂંગા ગુસ્સામાં જોઈ રહેછે)

પ્રોફેસર: (જરા ગુસ્સાથી) તમે મારી શોધની બાબતમાં જરૂરી વિગતો માગેલી તે મેં કહી – હવે હું કોની સાથે વાત કરવાનો છું તે જાણવાની જરૂર નથી. (ઉભા થતાં) એક ખ્યાલ રાખજો કે જો જનતાનું કલ્યાણ મારી શોધથી થતું હશે તો એ વાત મને મારા પુત્ર કરતાં પણ વધુ મહત્વની છે, ગ્રહસ્થો, મારે કામ પર ચડવાનો વખત થઇ ગયો છે….નમસ્તે ….(બિંદુ નોકરને ઈશારો કરેછે એટલે તે પ્રોફેસર ને દોરીને અંદર જાય છે)

બિંદુ: મેં તમારું લક્ષ દોર્યું હતું તેજ ભૂલ તમે કરી? જોયું તે કેવા ગુસ્સે થયા?

પારસી પ્રતિનિધિ: હું દિલગીર છવ મિસ બિંદુ

પ્રતિનિધિ – 1: પણ બિન્દુબેન, પ્રોફેસર સાહેબની શોધમાં એક બે કડીઓ ખૂટે છે તે જરા…

બિંદુ: હું જાણું છું… તમે એજ પૂછવા માંગો છો ને કે આ શોધ કઈ રીતે થઇ? હં.. અ.. અ…

પ્રતિનિધિ – 1: બરોબર..

પારસી પ્રતિનિધિ: સાપેક્ષતાવાદ.

પ્રતિનિધિ – 2: પ્રોફેસર સાહેબ જે તેમના સિદ્ધાંત કહેછે તે આ જ કે?

પારસી પ્રતિનિધિ: જરૂર।.. મેન્ટલ ટેલીપથી…

બિંદુ: બસ આથી વધારે વિગત હું આપી શકું તેમ નથી. તમે જાણતા હશો કે ભાઈનાં ચીન માં ગુજરી ગયાના સમાચાર મળ્યા પછી બાપાજી આંધળા થયા…ત્યારબાદ તેમને સ્વપ્નું આવ્યું કે શેખર તેમનેબોલાવી રહ્યો છે અને કહેછે કે મારા કાવ્યોની ચોપડી છાપવો…બીજે દિવસે સવારમાં ઉઠીને તેમને મને તે કવિતાની નોટબુક ગોતવાનું કહ્યું, પણ મને તે જડી નહિ. ત્યારબાદ બીજે દિવસે ફરી એનું સ્વપ્નું આવ્યું અને ભાઈએ એ નોટબુક ક્યાં પડી છે એ કહ્યું……સવારમાં એ મુજબ નોટબુક શોધી તો મળી પણ ખરી…અને બસ પછી તો બાપાજી રોજ રાત્રે ભાઈનું ચિંતન કર્યા કરતા અને રોજ સવારમાં મને ભાઈની નવી નવી વાતો કરતા(ફાઈલ દેખાડી) આમાં એ બધાનો પહેલેથી છેલ્લે સુધીનો અહેવાલ છે.

પ્રતિનિધિ – 1: એની જરૂર પણ નથી.

પ્રતિનિધિ – 2: આટલું ઘણું છે, અને તમે પણ તમારા પિતાની જે સેવા બજાવી રહ્યા છો એ પ્રસંશનીય છે.

બિંદુ: જરૂર હોઈ તો ફોટો મોકલાવું?

પ્રતિનિધિ – 1: ઘણું મજાનું….આપની છબી આમારું પેપર ઘણી ખુશીથી છપાશે.

બિંદુ: ના ના હું તો બાપાજીના ફોટાની વાત કરું છું…

પ્રતિનિધિ – 1: હાજી જરૂર જરૂર

બિંદુ: વારુ ત્યારે..નમસ્તે.

(બિંદુ અંદર જાય છે અને તે પહેલાં નોકર અને પાછળ પ્રતિનિધિઓ બહાર જાય છે)

પારસી પ્રતિનિધિ: (જતાં જતાં) આંય મેં શું કીધેલું? બુચી છે ચબરાક. ટને કેવો બનાવીઓ! (જાય છે)

(બિંદુ કટિંગ્સ ની ફાઈલ લેવા પરત અંદરથી આવે છે)

પ્રોફેસર: (અંદરથી અવાજ) બિંદુ….

બિંદુ: જી.. આવી… (પાછા ફરી નોકરને ફાઈલ વગેરે બતાવી) આ બધું જરા બરાબર મુકજો તો.

(બિંદુ અંદર જાય છે નોકર કટીંગ્સ ને ફાઈલ જોતા જોતા બધું સરખું ગોઠવે છે, ત્યાં ડોરબેલ વાગે છે)

નોકર: વળી પાછું કોણ આવ્યું? આજ તો સવારથી મળવા આવનારા શરુ થઇ ગયા છે.

(નોકર બહાર જાય છે અને તરતજ એક કદરૂપો મેલોઘેલો આર્મી નો ડ્રેસ પહેરેલો જુવાન અંદર દાખલ થાય છે – તે શેખર છે – પાછળ નોકર દાખલ થાય છે)

અરે ભાઈ! પણ એમ તમે કાંઈ પૂછ્યા ગાછ્યા વિના બસ હાલ્યા આવોછો અંદર!!

શેખર: પ્રોફેસર સાહેબ છે ને?

નોકર: (ગભરાતાં) છે.. કામમાં છે.

શેખર: તેમનાં દીકરી છે?

નોકર: હા…તે પણ કામમાં જ હશે.

શેખર: મારે પ્રોફેસર સાહેબને મળવું છે.

નોકર: તે તમે કયા છાપા તરફથી આવો છો?

શેખર: હું છાપાવાળા તરફથી નથી આવતો, મારે તો અંગત કામ છે।

નોકર: તે તમને મળવાનો ટેમ આપ્યો છે?

શેખર: ના, મને મળવાનો ટાયમ તો નથી આપ્યો પણ. જો તું એક કામ કર, પ્રોફેસર સાહેબ કામ માં હોઈ તો એમનાં દીકરીને બોલાવ. મને જોઈને રાજી થશે.

નોકર: આપણું નામ પૂછે તો શું કહું? આપ ક્યાંથી આવો છો?

શેખર: એ બધી પંચાત મૂકી દે.. તને ખબરછે આ ઘરમાં મને રજા વગર જવાનો પણ હક્ક છે?

નોકર: તે હશે – પણ મારાથી એમને એમ ના જવા દેવાય.

શેખર: તો તું તારે કર પંચાત…હું તો જાઉં છું અંદર..

નોકર: અરે સાબ – તમારું માન સાચવું છું ત્યાં સુધી ઠીક છે નીકર પછી થાશે જોયા જેવી.

(શેખર અંદર ના રૂમમાં જવા પ્રયત્ન કરે છે, નોકર આડો ફરે છે)

શેખર : (હડસેલો મારી) ચાલ આઘો ખસ.

નોકર: (આજીજી કરતાં) આવા કાંઈ સમાજે નહિ. ભાઈ મારો રોટલો જશે.

(દરમ્યાન બિંદુ પ્રવેશે છે)

બિંદુ: તમે કોણ છો? કોનું કામ છે?

શેખર: (જે દૂર હતો અને પીઠ હતી તે ફેરવી ને પાસે આવતાં) અરે બિંદુ.. મને ન ઓળખ્યો?

બિંદુ: કોણ? ભાઈ? (ડઘાઈ ગઇ હોઈ તેમ) તારો ચહેરો આવો?

(શેખર બિંદુ સાથે હાથ મિલાવવા હાથ લંબાવે છે પરંતુ બિંદુ એકાએક વિચારમાં પડીને નોકરને)

તમે અંદર જાઓ તો, બાપાજી પાસે.

(નોકર અંદર જાય છે)

શેખર: કેમ? બાપાજીની તબિયત કેમ છે?

બિંદુ: (વિચાર કરતાં) સારી છે.

શેખર: તો તું ચિંતામાં કેમ જણાય છે? આટલા વર્ષે મળતા ભાઈનું આવું ઠંડુ સ્વાગત?

બિંદુ: એમ ન બોલીશ…હું તો બીજો વિચાર કરતી હતી.

શેખર: શું? કોઈ ગંભીર બનાવ બની ગયોછે?

બિંદુ: (ચિંતિત અવાજે) ના – ના બનાવ તો ગંભીર હવે થતો જાય છે.

શેખર: કંઈ સમજાય તેવું બોલને!

બિંદુ: (થોડા ભઇભીત અવાજ માં) તને ખબર નથી લાગતી…પણ…અમેતો તને… મરેલો માનીયે છીએ.

શેખર: એટલે?

બિંદુ: (ફાઈલમાંથી એક પત્ર બતાવતાં) જો આ વાંચ આ કાગળ.

શેખર: (કાગળ વાંચતા) બસ – આ એક કાગળ પરથી માની લીધું કે હું ગુજરી ગયો છું?

બિંદુ: ગવર્નમેન્ટ તરફથી જયારે ઓફિશ્યલ ખબર મળે કે તમારો પુત્ર દુશ્મનોની શેલનો ભોગ બન્યો છે ત્યરે તો તે ખાતરીવાળા હોઈ ને! એ લોકો આવી મશ્કરી તો ન જ કરે.

શેખર: મને ભયંકર અકસ્માત નંડેલો..હા,, પણ પછી તેમને મારુ શરીર હાથ નહિ લાગ્યું હોય એટલે તેમણે આવા ખબર આપ્યા હશે.

બિંદુ: તને શોઅકસ્માત નડેલો?

શેખર: તિબેટના પાછળના ભાગમાં અમારી ટુકડી રિલીફ વર્ક કરતી હતી ત્યાં જાપાનીઝ સૈન્યનો ધસારો પાણીના પૂરની માફક આવ્યો – અમને તેની ખબર પણ નહિ પડેલી કારણકે તે દિવસે બરફ અને વરસાદનું વાવાઝોડું સખત હતું. એક ચમકારો…એક ભયકંર અવાજ…અને હું જમીન પર પટકાયને પડ્યો .પછી શું થયું તેન ભાન નહતું રહ્યું.પણ જયારે જાગ્યો ત્યારે મારી આસપાસ ત્રણચાર ભગવા રંગના કપડા પહેરેલા પુરુષો હતા, તેઓ લામાઓ હતા અને મને એક લામાંસારાઈમાં રાખવામાં આવ્યો હતો, તેઓના કહેવા મુજબ મારુ શરીર તેમને એક ખડક નીચે થી મળી આવેલું,. – ચહેરો તો લગભગ દાઝી ગયેલો હતો… જીવન અને મરણ વચ્ચે બે માસ ઝોલાં ખાધા પછી તેમની સુંદર માવજતને લીધે હું હરતો ફરતો થયો, અને તારી અને બાપાજીની યાદ કે પછી પૂર્વજોનાં પુણ્યે આજે અહીં આવી પહોંચ્યો છું.

બિંદુ: તું તારા હેડ ઓફિસરને મળ્યો ?

શેખર: ના…ના, પણ મળવું તો પડશે જ ને! પછી મળી લઈશ.

બિંદુ: તો મહેરબાની કરીને મળતો નહિ.

શેખર: કેમ? એમાં વાંધો શું છે?

બિંદુ: એ તો હું તને સમજાવી શકું તેમ નથી, પણ…પણ…એક બીજી વાત પણ કહેવાની છે.

શેખર: તો કહે ને!

બિંદુ: (શેખર સામે થોડી ક્ષણ જોઈ રહેછે, પછી આસ્તેથી) હું કે વિચાર કરતી હતી કે…(ઝડપથી) બાપાજીનાં આંધળા થયાનાં સમાચાર તને કેમ આપવા?

શેખર: બાપાજી આંધળા થયા છે? કેમ કરતાં ?

બિંદુ: એ બહુ લાંબી વાત છે (નિસાસો નાખતાં) એ દિવસે હું કોલેજ ગઈ હતી. બપોરે મને ફોન આવ્યો કે જલ્દી હોસ્પિટલ આવો, હું ત્યાં ગઈ…ત્યાં ડોક્ટર યૌધે મને જણાવ્યું કે બાપાજીને કશોક પત્ર મળતાં લેબોરેટરીમાં જ બેહોશ થઇ ગયા છે. એક અઠવાડિયાની સતત સારવાર પછી જયારે તેઓ બેભાન અવસ્થા માંથી જાગ્યા ત્યારે તેમની આંખોમાં નૂર ન હતું. ડૉક્ટર યોધે કહ્યું કે કાં તો સતત આંસુ નીકળ્યા કરવાથી અગર તો લેબોરેટરીમાં ટેબલ ઉપર બેભાન થયા ત્યારે કશીક દવા આંખમાં પડી ગઈ હોઈ….એ અંધાપાનું કારણ છે.

શેખર: તો પછી ચાલ આપણે અંદર જઈએ…મારે બાપાજીને જોવા છે.

બિંદુ: એમાં પણ એક તકલીફ છે…

શેખર: તકલીફ?

બિંદુ: કારણ કે એમણે તને મરેલો માન્યો છે.

શેખર: પણ હવે જયારે જાણશે કે હું જીવતો છું ત્યારે કેટલા બધા ખુશ થશે!

બિંદુ: (વિચારતી હોય તેમ) ખુશ તો થશે પણ…..

શેખર: એમાં અચકાય છે શું? કહી દેને જે કહેવાનું હોઈ તે…

બિંદુ: તને ખબર નથી પણ…બાપાજી નાં જીવનમાં જે એક નવો ફેરફાર થયો છે એમાં જીવતો પુત્ર જોવા કરતાં મૃત પુત્રનું વધારે મહત્વ છે.

શેખર: એ કાંઈ ન સમજાયું.

બિંદુ: તારા મૃત્યુ પછી એ આંધળા થયા અને ત્યારબાદ તેઓ સ્વપ્નમાં તારા આત્મા સાથે વાતો કરતા અને અત્યારે તે એટલી હદે આગળ વધ્યું છે કે “મરેલા સાથે વાતચીત” ના પ્રયોગો કરવા તૈયાર થયા છે. તે માને છે કે તેઓ ગમે ત્યારે તારા આત્મા સાથે વાતચીત કરી શકે છે, અને દુનિયા તેમની આ શોધ માટે તેમને મહાન ગણે છે.

શેખર: આ શોધ બાબત માં તને શું લાગે છે?

બિંદુ:મારે કશું લાગવા ન લાગવાનું છે જ નહિ…કારણ કે મારે તેની મીટીંગો ગોઠવી દેવી, ભાષણો ગોઠવવાં, મુલાકાતો ગોઠવી આપવી વગેરે કરવાનું હોઈ મને પણ તે એક મહાન શોધ છે તેમ લાગ્યા કરેછે.

શેખર: પણ આતે કઈ જાત ની શોધ?

બિંદુ: બાપાજી તેમની શોધમાં એટલે સુધી આગળ વધ્યા છે કે તારા આત્મા સાથે વાતચીત કરીને તારા કાવ્યો પણ છપાવ્યા છે.

શેખર: મને તો એક જાતના વિલપાવરનું કારણ લાગે છે.

બિંદુ: નવાઈ જેવું તો એ છે કે આ શોધ એ તેમના જીવનનું એક મહાન ધ્યેય બની રહી છે.

શેખર: પણ બિંદુ, બાપાજીને મળવામાં ખાસ વાંધો તો નહિ આવે. હું તેમને કહીશ કે તમારા સતત ચિંતવનથી જ કદાચ હું જીવતો રહ્યો હોઈશ કારણકે તારી વાત ઉપરથી લાગે છે કે બાપાજી સ્વપ્નામાં મને જોવા લાગ્યા તે વખતે બનતા સુધી હું બેભાનીમાં જ હતો.

બિંદુ: એ બધી વાત તારી સાચી, પણ હું ઇચ્છું છું કે તું બાપાજીને ન મળ તો સારૂ !

શેખર: આટ-આટલી વીટમ્બણાઓ ભોગવી, મોતની સામે લડતો, હિમાલય પાર કરીને હું જયારે તેમને મળવા અહીં આવ્યો ત્યારે તું શું કામ ના પાડે છે?

બિંદુ: હું તને મળવાની ના નથી પાડતી, અને મારાથી તને ના પડાય પણ કેમ કરીને ? કારણકે ઘરમાં મારા કરતા તારો હક્ક વધારે છે.

શેખર: બિંદુ! દીકરી કરતા દીકરાનો હક્ક ઝાઝો એ જમાનો ગયો – પણ ચાલ મને અંદર લઇ જા.

(શેખર અંદર જવા જાય છે, બિંદુ આડી ઉભી રહેછે)

બિંદુ: હું બાપાજીને નહિ કહું કે તું શેખર છે..

શેખર: કેમ?

નોકર : (પ્રવેશતાં) બેન- બાપાજી પુછાવે છે કે આજ સાંજનું ભાષણ તૈયાર થયું?

બિંદુ: બાપાજીને કહો કે હું આવું છું (નોકર જાય છે, બિંદુ ઉભી થઇને) ભાઈ! એ બાબત હું તને કશી સલાહ આપી શકું તેમ નથી પરંતુ ફરી ફરીને કહું છું કે આજે બાપાજી ની શોધ એ જ એમના જીવનનો સૌથી મોટો ટેકો છે.

(બિંદુ આંસુ લૂછતી અંદર જાય છે – શેખર વિચારમાં એકાદ બે આંટા માર્યા પછી ટેબલ ઉપરના ના કાચ સામું જુએ છે)

શેખર: (કાચમાં જોઈને સહસા) અરે! હું આટલો કદરૂપો થઇ ગયો છું? કદાચ એટલે બિંદુ બાપાજીને મળવાની ના પાડતી તો નહિ હોઈ? ના-ના બાપાજી ક્યાં મારો આ ચહેરો જોઈ શકવાના હતા…ત્યારે? કદાચ બિંદુ બાપાજીના વારસા માટે તો ના નહી પાડતી હોઈ ? (અરીસામનું પ્રતિબિંબ હશે છે, પ્રતિબિંબ ના હસવાનો આવજ)

પ્રતિબિંબ: અરે કદરૂપા – તૂ તો આંધળો પણ છે.

શેખર: ના, ના, હું કુરૂપ છું આંધળો નહિ..

પ્રતિબિંબ: તારો અંઘાપો તો તારા કુરૂપ ચહેરાને પણ સારો કહેરાવે તેવો છે.

શેખર: એટલે?

પ્રતિબિંબ: તું જ વિચાર કરને?

શેખર : (વિચારતાં) બાપાજી આંધળાં છે એ ખરું, પણ

પ્રતિબિંબ: આંધળા પ્રોફેસર કરતા પણ તું વધારે આંધળો છે.. તે આંખથી જોઈ શકતા નથી… તો તું હૃદયથી જોઈ શક્તો નથી.. વધારે આંધળો તો તું છે.

શેખર: (ખીજાયને ફલાવરવાઝ લઇ મારવા ઉગામે છે) હું આંધળો એમ? (પ્રતિબિંબ હશે છે) એમાં હસે છે શું? આ એક ઘા ભેગા ટુકડે ટુકડા કરી નાખીશ

પ્રતિબિંબ: અને એક એક ટુકડો તને કહેશે – આંધળો – આંધળો!

શેખર: (ફલાવરવાઝને નીચે મૂકતાં) પણ આમ ગાળો દેવાનું કઈ કારણ?

પ્રતિબિંબ: તું વિચારતો કર, જે બહેન પોતાનો સ્વાર્થ ત્યાગ કરીને એક વૃધ્ધ બાપ માટે ભાઈનો પણ ત્યાગ કરવા બેઠી છે – તે એક મામૂલી વારસા માટે? ક્યાં જીગરથી એ તને આ ઘરમાંથી જવાનું કહી રહી છે એ તો સમજ ?

શેખર: તો પછી પિતાજીને મળવાની ના શામાટે પાડે છે?

પ્રતિબિંબ: એટલા માટે કે જેવી તારા પિતાને ખબર પડી કે તું જીવતો છે એવી એમની શોધ વિશેની શ્રધ્ધા ડગી જવાની, પરિણામે તેમને લાગશે કે અત્યાર સુધીના બધા અખતરાઓ, સ્વપ્નાંઓ જુઠા હતા.

શેખર: પણ સાથોસાથ મને જીવતો જોવાનો આનંદ તો થશે તે?

પ્રતિબિંબ: જરૂર, એમને આનંદ તો થશે પણ તે સાથે તેમના જીવનનો અંત પણ —-

શેખર: જીવનનો અંત? શા માટે?

પ્રતિબિંબ:આજે તેમને મહાન વૈજ્ઞાનિક તરીકે માં આપતી દુનિયાને જેવી ખબર પડી કે તું જીવતો છે —— ત્યારે ખબર છે એ તારા પિતાને શું કહેશે તે? “આ આંધળાએ આપણને ઠગ્યા છે — જોયો ન હોઈ તો મોટો આત્મા સાથે વાતો કરનારો બદમાશ ! અને પેલી તેની દીકરી પણ ઠગાઈ કરવામાં સાથેજ હતી — પકડો એ બંને બદમાશોને… પછી પોલીસ કેઈસ, બદનામી, જેલ! તું માને છે કે, આવું અપમાનિત જીવન તારા પિતા કે બહેન જીવશે? અને એટલે —- આપઘાત —-

શેખર: (વચ્ચેથી) ના —- ના નહિ જ માત્ર મારે ખાતર થઇ ને તો હું એવું નહીંજ થવા દઉં, હું સમજ્યો છું કે બિંદુ શા માટે મને ના કહેછે — અને એ બિચારી મને સમજાવે પણ શી રીતે?

(નોકર આવેછે)

નોકર: સાહેબ — આવેછે।

(બિંદુને ખભે હાથ મૂકી પ્રોફેસર આવેછે)

પ્રોફેસર: બિંદુએ મને હમણાંજ કહ્યું કે કોઈ મુલાકાતે આવ્યું છે, — શું કામ છે આપણે?

શેખર: (પાસે જવા ન જવાના ખચકાટ સાથે સંયમથી) જી…..હું તો એક સાદો સૈનિક છું, શેખરભાઈ અને હું ચીન માં સાથઈ હતા.

પ્રોફેસર:(ઉત્સાહમાં આવી) અરે બિંદુ, તું તો મને કહેતી હતી પણ નથી….આ તો શેખરના ભાઈબંધ છે…કહો તો છેલ્લા તમે શેખરને ક્યારે મળેલા?

શેખર: આખરી ઘડી સુધી અમે બંને સાથેજ હતા.

પ્રોફેસર: વીરને છજે તેવું મૃત્યુ તે પામ્યો હતો ને?

શેખર: હાજી સુધી તેના જેવું મૃત્યુ બીજું થયું જ નથી.

પ્રોફેસર:અરે બિંદુ.. આ ભાઈને શેખરની પેલી કવિતાની ચોપડી ભેટ આપને …તેમને પણ શેખર તરફથી એક યાદગીરી રહેશે.. (બિંદુ ચોપડી લેવા અંદર જાય છે)

પ્રોફેસર:તમે છાપાં તો વાંચતા હશો?

શેખર: હાજી, મેં આપણી શોધ વિષે વાંચ્યું.

પ્રોફેસર: દેશના ઘણા બધા ભાગોમાંથી મને અભનંદનના પાત્રો એ માટે આવેછે..

શેખર: આપે એ શોધથી લોકો ઉપર ઉપકાર કર્યો છે!

(બિંદુ ચોપડી લઈને આવેછે ને પ્રોફેસરને આપે છે)

પ્રોફેસર : (બિંદુંપાસેથી પુસ્તક ઝાલતાં) લ્યો આ કવિતાનું પુસ્તક. મારી શોધની પહેલી સાબિતી. એ શેખરે લખેલું છે. એમાં તેનો ફોટો પણ મુક્યો છે. (શેખરને પુસ્તક આપે છે) ફોટો કેવો છે?

શેખર: ઘણો જ સ્માર્ટ છે.

પ્રોફેસર : તમે તો એને જુવાનીમાં જોયેલો પરંતુ નાનો હતો ત્યારે પણ એવોજ ચાલાક હતો…કેવો ખૂબસુરત હતો…એના વાંકડિયા વાળ, મોટી અને ચપળ આંખો, ગોળ મજાનું મોઢું અને ભરાવદાર શરીર! અને બિંદુ, એ ચીન જવા ઉપાડ્યો ત્યરે લશ્કરી પોષાકમાં કેવો સુંદર લાગતો હતો? તેની માં મારી ગઈ એટલે મારેજ એને મોટો કરવો પાડ્યો હતો, ઘણી વાર તેને વાંઢ્યો પણ હોઈશ.સ્લેટ પેન ખોઈ નાખે, કોઈ વાર રેંકડી માંથી કઈ ખાઈ લે, કોઈવાર નાહ્યા વિનાનો જમવા બેસી જાય; કોઈવાર કપડા ગમેં ત્યાં ફગાવીદે; એટલે હું તેની ઉપર ગુસ્સે થતો. એક પ્રસંગ મને બરોબર યાદ છે, હું સવારમાં છાઓઆ વાંચવામાં મહાગુલ હતો અને તે મારા ઓરડામાં આવ્યો, મારાં વાંચનમાં ખલેલ પડી, મેં તેને દબડાવ્યો, ” કેમ આવ્યોછે ?” તે કઈ બોલ્યો નહિ. ધીમે ધીમે…મારી પાસે આવ્યો। મારા ખોળામાં ચડી તેમાં બંને હાથ મારા ગાળાની આસપાસ વીંટાળ્યાં, હુઈ ગુસ્સે થયો. મેં તેને તરછોડી કાઢયો . અને વિલે મોંએ તે પાછો ફર્યો. શી ખબર કે અંતરમાં કેવો ભાવ ભરીને તે મારી પોએસે આવ્યો હશે…

શેખર: સાહેબ, બાળક તો બધું ભૂલી જાય ..એમાં દુઃખી થવાની જરરૂર નથી.

પ્રોફેસર: બીજી એક વખત હું લેબોરેટોરીમાંથી થાકીને ઘરે આવતો હતો. શેરીની અંદર ગટરનું પાણી પડી કાદવ થયો હતો. ચાર પાંચ છોકરાઓ જોડે શેખરે પણ કાદવના રમકડાં બનાવ્યા હતાં, મને આવતૉજોઈ એ નવ વરસનો બાળક પોતના રમકડાં બતાવવા દોડ્યો આવ્યો .તેનાં મોં પાર કાદવના ડાઘ પડેલા હતા. વાંકડિયા વાળ ગંદા થયા હતા. કપડાં ભીંજાઈ ગયેલા હતા અને આખો કાદવ કાદવ થઇ ગયો હતો. પણ તેની આંખમાં નવું સર્જન કર્યાની ઝલક હતી. મેં તેની આંખ કે ભાવો ન જોયા; જોયા માત્ર તેણે બગાડેલાં કપડા, અને ગુસ્સે થઈને મેં તેને તમાચો માર્યો ….રમકડાં ફેંકાવી દીધા અને કહ્યું ” આવો કદરૂપો થઈને આવ્યો છે તરો ચાલ્યો જા મારી સામેથી”

બિંદુ: પિતાજી!

પ્રોફેસર: એના મિત્રોએ તો માણેલું કે તેને ઇનામ મળશે. પણ તેને બદલે આ જાહેરમાં અપમાન થયેલું જોઈને તેઓ સ્તબ્ધ બની ગયા. એ બનાવ પછી તેનું હૃદય એવું તો ઘાયલ થયેલું કે થોડો વખત સુધી તેને મારીસાથે વાત પણ નહિ કરેલી..

શેખર :(આવેશમાં આવી જઈને) બા…પા…જી (કળ વળતાં) સાહેબ, પ્રોફેસર સાહેબ…મેં કહ્યુંને કે બાળકો એવું બધું જલદી ભૂલી જાય છે. કદાચ એજ રાત્રે તેણે તમારા ગળા આસપાસ હાથ ભેરવીને શાંત નિંદ્રા લીધી હશે.

પ્રોફેસર: તમે શું કહ્યું?

શેખર: ઠીક છે સાહેબ, હું જાઉં છું (પ્રોફેસર સાથે શેહેન્ડ કરી ચાલવા લાગે છે – બિંદુ તેને બારણા સુધી વળાવવા જાય છે ત્યાંથી પછી ફરતા)

બિંદુ: (શેખરને જતો જોઈ) અમને યાદ તો કરશો ને?

પ્રોફેસર: એને મને શું કહ્યું? બાપાજી? શેખર પણ આમ જ કહેતો! (પોતાના જમણા હાથ પાર ડાબો હાથ ફેરવીને) એના હાથ નો સ્પર્શ પણ કેટલો જાણીતો મને લાગ્યો! બિંદુ…..ઓ….બિંદુ।..કેમ કોઈ નથી અહીં? એને કહો કે તે રોકાય……

બિંદુ: (ગળગળી થઇ ને) એ તો ગયા.

પ્રોફેસર: ગયો.. બસ ચાલી ગયો? (રોઈ પડે છે)

બિંદુ: આ શું પિતાજી! તમારી આંખ માં આંસુ?

પ્રોફેસર: આંખ દેખે નહિ પણ તેથી તેનો હૃદય સાથેનો સંબંધ કઈ ઓછો તૂટી જાય છે? અત્યાર સુધી હું આત્માઓ સાથે વાત કરી શકતો… પણ મને લાગે છે કે હું મારા આત્માનેજ નથી ઓળખી શક્યો, અને બિંદુ, આ તારો બાપ નથી રડતો પણ એનો આત્મા રડે છે. જયારે હૃદયમાં લાગણીઓના મોજાં વધી જાય ત્યારે આંખ વાટે તેનું પાણી બહાર નીકળે છે….લોકો તેને આંસુ કહે છે.

બિંદુ: પણ એ નકામાં શા માટે વહાવવાં ?

પ્રોફેસર: ગાંડી નહિ તો ! તને એમ છે કે તારા બાપને એ આંધળો છે માટે તું છેતરી શકીશ? કહેતો….એ જુવાન કોણ હતો?

બિંદુ: (ચમકીને) પિતાજી એ વાત હવે મૂકી દો.

પ્રોફેસર: કહે કોણ હતો એ ? શેખર નો મિત્ર કે શેખર નું ભૂત?

બિંદુ: (રડી પડી ને) પિતાજી ! હવે શીદને યાદ કરો છો? તેના જીવતર ઉપરતો છરી ફેરવાઈ ગયી છે.( આ વખતે પ્રોફેસર સ્ટેજની મધ્ય માં આવ્યા હોઈ છે)

પ્રોફેસર: સાચું, જીવતર પર છરી ફેરવાઈ ગયી તે સાચું…..પણ કોના જીવતર પર? ઇતિહાસ! તેનો નિર્ણય તમે કરજો….

(ધીરે ધીરે પડદો પડે છે)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ

  • Prasanna Kane

    વાર્તા વાન્ચ્યા પચ્ચ્ચિ મને યાદ આવે ચ્હે કે પ્રોફ્વ્સરનુ પાત્ર ડો.અરવિન્દ ભાઈ મહેતાએ ભજવેલુ.

  • H S PAREKH

    અદભૂત સંવેદનશીલ,

    અંતરમાં ઉદ્ભવતા લાગણીઓનાં તાંડવ અંગે વાચકને કલ્પના, અસમંજસ, વિસામણ તેમજ ઘેરા શોકમાં મૂકી દેતું આ નાટક કોઈ કાબેલ, અનુભવસિદ્ધ અને ઊર્મિપ્રધાન કલાકાર જ નિભાવી શકે તેવું છે.

    લેખક-દિગ્દર્શક શ્રી બાબુભાઈ વ્યાસ પ્રસંગો આલેખતી વખતે પોતાની આગવી આવડત છતાં સહજ સ્વાભાવિક પોતાની ઉર્મીઓ પર નિયંત્રણ રાખી શક્યા હશે !

    હિમતભાઇ પારેખ, અમદાવાદ