દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૫) – નીલમ દોશી 3


પ્રકરણ ૧૫ – અરુપનું એકરારનામું…

“માર્ગ વચ્ચે જ અડાબીડ બનીને ઉભા છે
આંસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી.“

Dost Mane Maaf Karish ne

સર્પ જેવો સમય પોતાનો રોલ ભજવી વહી ગયો હતો. પરંતુ તેના લિસોટા રહી ગયા હતાં. પાણીમાં કોઇનું પ્રતિબિંબ ઝિલાય છે. વાયરો પોતાની સાથે કોઇની સૌરભ વહેતો રહે છે પરંતુ સમય તો કોઇ સંવેદન વિના પોતાની છાપ છોડી ચૂપચાપ સરકી જાય છે. સમયની ક્ષણો તો ખરી ગઇ હતી. પરંતુ તેની ભીનાશ અરૂપની પાંપણૉમાં અને વેરાની ઇતિની આંખોમાં છોડતી ગઇ હતી. વામન ક્ષણની વિરાટ અસરોમાંથી મુકત થવાનું આસાન કયારે હોય છે? પછી એ અસર સુખની હોય કે દુ:ખની હોય, આનંદની હોય કે વિષાદની હોય. માનવી એમાં અટવાતો રહે છે. ફરી બીજી કોઇ ક્ષણ આવીને મુક્તિ ન અપાવે ત્યાં સુધી ખાલી શીશીમાં તડકો ભરવાની આ રમત, આ ચકરાવો ચાલુ રહે છે.

અરૂપની આંખોથી હમણાં નિદ્રાદેવી રુઠયાં હતા અને અર્ધતન્દ્રામાં અરૂપના મનમાં આવા વિચારોની વણઝાર અવિરત ચાલુ રહેતી. આમાંથી કેમ છૂટકારો પામવો એ વિચારમાં અરૂપ ખુલ્લી આંખે બારીની બહાર તાકી રહેતો. સામે દેખાતા તારલાઓમાંથી જાણે કોઇ જવાબ મળવાનો હોય તેમ જોઇ રહેતો. આજે અરૂપની નજર કાચની મોટી બારીમાંથી દેખાતા વાદળો પર સ્થિર થઇ હતી. કાળા ડિબાંગ વાદળો કોઇ રખડું, સ્વચ્છંદ છોકરીની માફક આકાશમાં આમતેમ રખડતાં હતાં. વાતાવરણમાં અસહ્ય બાફ, ઉકળાટ હતા. રૂમમાં તો એ.સી. ચાલુ હતુ તેથી ઠંડક હતી. અરૂપને થયું બહારની મોસમને તો જીરવી શકાય કે અનુકૂળ બનાવી શકાય તેવી સગવડ વિજ્ઞાને કરી આપી છે. પરંતુ મનની મોસમને અનુકૂળ કેમ બનાવવી? મનની મોસમમાં આવેલ તોફાનને કેમ હેન્ડલ કરવું, જીરવવું? એનો ઉપાય વિજ્ઞાન પાસે કયાં છે? અરૂપની નજર બાજુમાં સૂતેલી ઇતિ પર પડી. ઇતિની આંખો બંધ હતી. કોઇ અજંપો અનુભવી શકવા પણ ઇતિ કયાં સમર્થ રહી હતી?

કોઇ સંબંધ નવો નવો બંધાય ત્યારે ઘણીવાર એની ભીનાશ અંદરથી ન સ્પર્શે એવું બની શકે. પરંતુ જયારે સંબંધો તૂટે ત્યારે એની તીક્ષ્ણ કરચો અંતરમાં ચૂભ્યા સિવાય રહી શકતી નથી. અને મનને ઉધઈની માફક અન્દરથી કોરતી રહે છે, તો કયારેક સમગ્ર અસ્તિત્વને લોહીલૂહાણ કરતી રહે છે. અમુક સંબંધોનું તૂટવું એટલે શું? એ તો રામબાણ વાગ્યા હોય તે જ જાણે. જીવનના અમુક સત્યોનો મર્મ સ્વાનુભવ વિના પમાતો નથી હોતો. અંતરકયારીમાં કોઇ સુગંધિત સંબંધનો સોનચંપો ખીલ્યો હોય અને અચાનક કોઇ પોતાની, સાવ જ પોતાની વ્યક્તિ જ તેને જડમૂળમાંથી કાપી નાખે ત્યારે એ વેદના જીરવવી આસાન નથી હોતી. માનવીનું મન અત્યંત સંકુલ છે. એકવાર જો કોઇ ભૂલભૂલમણીમાં ફસાયું તો પછી એનો કયાંય આરો કે ઓવારો મળતો નથી. પોતાના માનવી પાસેથી મળતી પીડા, વિશ્વાસઘાતની પીડા માનવીને પાગલ બનાવી દે કાં તો ફિલસૂફ બનાવી દે.

ઇતિ પાગલ કે ફિલસૂફ ન બની. તે બની ફકત જડ, ભાવશૂન્ય બની રહી. કશો વિચાર કરવાની, સમજવાની ક્ષમતા તે ખોઇ બેઠી. પાગલ બન્યા પહેલાની કે પછીની સ્થિતિ હતી આ?

વાદળોના વરસવાની પ્રતીક્ષામાં સમય વહેતો રહ્યો. કામવાળા બેન, તારાબેન સાથે ઇતિને માયા બંધાઇ હતી. તારાબેન પણ ઇતિની આ હાલતથી ગભરાઇને પોતાની રીતે તેને બોલાવવાના પ્રયત્નો કરતા રહેતા. બહેનને અચાનક આ શું થઇ ગયું તે તેને સમજાતું નહોતું. તેમને ઇતિ માટે મમતા હતી. આદર હતો. ઇતિ તેનો કેટલો ખ્યાલ રાખતી હતી. તેની જરૂરિયાતના સમયે ઇતિએ તેને કયારેય ના પાડી નથી. ઉદાર ઇતિ તારાબહેનને વગર માગ્યે જ તેમના બાળકો માટે કે તેમના માટે પગાર ઉપરાંત પણ અનેક વસ્તુઓ આપતી રહેતી. તારાબહેન સાથે તેણે કદી કામવાળા જેવો વહેવાર નહોતો રાખ્યો.

ઇતિની હાલત જોઇ તારાબહેનની આંખો ભીની બની. તેણે પોતાની રીતે અનેક માનતાઓ માની હતી. સાહેબનો તેને ખાસ પરિચય નહોતો થયો. પરંતુ હવે સાહેબ ઓફિસે પણ નથી જતા અને બહેનનું કેટલું ધ્યાન રાખે છે તે જોઇ સાહેબ માટે પણ તેને આદર જનમ્યો હતો. નહીંતર આમ કામકાજ છોડીને કયો પુરુષ પત્નીની આવી સેવા કરે? પોતે તો કદી આવું જોવા નહોતા પામ્યા. એમના સમાજના પત્નીની આવક પર જીવતા, પત્નીને ઝૂડતા રહેતા, અને એક વસ્તુની જેમ ઉપયોગ કરતાં દારૂડિયા પુરુષોનું તેમને આશ્ચર્ય નહોતું થતું. ઇતિબહેન તો આવો દેવ જેવો પુરુષ પામ્યા છે. નસીબદાર તો ખરા જ ને? પણ બહેનને શું થયું છે તે તેની સમજની બહારની વાત હતી.

એક દિવસ તેણે થોડી હિમત કરી અરૂપને કહ્યું, ’સાહેબ, મને ખબર છે તમે લોકો આવું બધું ન માનો. પણ…’

’પણ શું તારાબહેન?’

‘સાહેબ, મને લાગે છે કે બહેનનો પગ કોઇની છાયામાં આવી ગયો લાગે છે. અથવા કંઇ નડતર જેવું હોય, એ વિના સાજા સારા બહેન સાવ આમ મૂંગામંતર થોડા થઇ જાય? સાહેબ, અમારા જાણીતા એક બહેન છે. જેને માતાજી હાજરાહજૂર છે. અને આવા કેટલાયને તેણે સાજા કર્યા છે. સાહેબ, એકવાર આપણે બહેનને તેની પાસે લઇ જઇએ તો? તે દાણા આપશે અને જે હશે તે સાચેસાચું કહી દેશે.‘ ઇતિની આ હાલતના કારણની ખબર તારાબહેનને નહોતી પરંતુ અરૂપ કારણોથી કયાં અજાણ હતો? શું કહે તે તારાબહેનને?

છતાં તારાબહેનની લાગણી તેને સ્પર્શી ગઇ. ’તારાબહેન, તમે એક કામ કરી શકો?‘ તારાબહેન અરૂપ સામે જોઇ રહ્યા. ’તારાબહેન, ઇતિને તો આપણે ત્યાં લઇ જઇ શકીએ તેમ નથી. પરંતુ તમે તેને બધી વાત કરી જુઓ. તે કોઇ રસ્તો બતાવશે તો આપણે તે મુજબ જરૂર કરીશું.’

‘ઠીક છે સાહેબ હું વાત કરી જોઇશ.‘ કંઇક મૂંઝાતા તારાબહેન બોલ્યા અને નીચે ગયા..

અરૂપ ઇતિ પાસે જાતજાતની વાતો કર્યા કરતો. ઇતિ સાંભળે છે કે કેમ તેની પરવા કર્યા સિવાય, ક્યારેક કોઇ વાત તેને સ્પર્શી જશે અને તેને હોંકારો મળશે, કોઇ પ્રતિસાદ મળશે, ભલે ને પછી તે ગમે તેવો નેગેટીવ હોય. એ પછી જોઇ લેવાશે. બસ એકવાર ઇતિની ચેતના પાછી આવે એકવાર ઇતિ તેનો એકરાર સાંભળી લે, સમજી લે પછી તેને જે સજા કરવી હોય તે કરે. તે વિના અરૂપને ચેન પડે તેમ નહોતું. કોઇનું ચેન જાણ્યે અજાણ્યે છીનવી લેનારને કયારેક વહેલુ કે મોડુ બેચેન બન્યે જ છૂટકો થાય ને?

અરૂપને એક જ આશ્વાસન હતું કે ઇતિ પોતાની કોઇ પણ વાતનો વિરોધ કર્યા સિવાય તે જેમ કહે તેમ ભલે યાંત્રિકતાથી, પણ કરતી રહેતી. એક સવારે ચા પી લીધા બાદ ઇતિ રોજની માફક હીંચકે બેઠી હતી. અરૂપ પણ આવીને તેની પાસે બેઠો.

‘ઇતિ, તને ખબર છે? મારી ઓળખાણ અમેરિકામાં અનિકેત સાથે અચાનક જ થઇ હતી. અને તેમાં યે નિમિત્ત તો તું જ હતી. તારા અનિકેત પાસે ઇતિની વાત સિવાય બીજું શું હોય? તે દિવસે રવિવાર હતો. અમે પાંચ છ મિત્રો મીશીગન લેઇકમાં બોટીંગ માટે ગયેલ. અનિકેત મારા મિત્ર સંકેતનો મિત્ર હતો. અને સંકેત તેને પોતાની સાથે લાવ્યો હતો. અમારી એ પહેલી મુલાકાત. ત્યાં બોટમાં બધા પોતપોતાની ગર્લફ્રેન્ડની વાતો કરતા હતા. અનિકેત મૌન હતો. તેના ચહેરા પર એક ચમક હતી. બીજા બધા કહે આ શાંત, ઘરકૂકડા છોકરાને વળી ગર્લફ્રેંડ જ ન હોય તે બિચારો શું વાત કરે? દોસ્તોની આ મજાક સામે પણ અનિકેત મૌન જ રહ્યો અને કબૂલ કર્યું કે તેને કોઇ ગર્લફ્રેન્ડ નહોતી. પરંતુ તેના ચહેરા પરની ચમક હું પારખી ગયો હતો. છોકરીની વાત નીકળતા જ તેની આંખોમાં ઉઘડેલ ઉજાસમાં મને કોઇનું વણદીઠું પ્રતિબિંબ દેખાયું હતું. ન જાણે કેમ પણ હું તેની પાસેથી વાત કઢાવવા આતુર બની ગયો. મેં તેનો પરિચય વધાર્યો. દોસ્તી કેળવી. વિશ્વાસ હાંસિલ કર્યો અને અંતે તેને બોલતો કર્યો.

શરૂઆતમાં મને હતું કે કદાચ કોઇ છોકરીની બે ચાર વાતો હશે. સાંભળવાની, મસ્તી કરવાની મજા આવશે. તેને હેરાન કરીશું અને બે ઘડી મોજ માણીશું. પણ ના.. ત્યાં બે ચાર વાતો નહીં.. અનિકેતનું સમગ્ર અસ્તિત્વ… આખું જીવન હતું. તેની દરેક ક્ષણમાં તું સચવાયેલ હતી. ઇતિ, માત્ર તું. એક છોકરો આટલી હદે કોઇને ચાહી શકે એ મારે માટે નર્યું આશ્ચર્ય હતું. અમે બધા તો અત્યાર સુધી.’ અરૂપ પાણી પીવા બે ઘડી થોભ્યો. તેણે ઇતિ સામે નજર નાખી. પણ ત્યાં કોઇ ભાવ દેખાયા નહીં. પણ આજે અરૂપને કહ્યા સિવાય છૂટકો નહોતો. કયાંક આ વલોપાતના વમળમાં તે જ. અનિકેતની વાત આવતાં કદાચ ઇતિ તરફથી એકાદ શબ્દ, એકાદ પ્રશ્ન આવશે એવી પાંગળી શંકા, અર્થહીન આશા અરૂપના મનમાં ઉગી આવી. ડૂબતો માણસ તરણુ પણ ઝાલે એવી એ ઠગારી આશા પણ આ ક્ષણે તેને આશ્વાસન આપતી હતી. પણ..

એકાદ મિનિટના મૌન પછી ઇતિ તરફથી કોઇ પ્રશ્ન, કોઇ હોંકારો ન આવતા તેણે આગળ વાત ચાલુ રાખી. ‘ઇતિ, અનિકેતની વાતોમાં તારું પ્રતિબિંબ ઉભરતું ગયું. એ ઇતિમય બનીને કહેતો રહ્યો.અને હું ઇતિમય બનીને સાંભળતો રહ્યો. તમારા શૈશવની એક એક ક્ષણ તેની અંદર કેટલી હદે જીવંત હતી. ઇતિ, તું મને તારા શૈશવની વાતો કરતી અને હું અકળાતો. શા માટે? મને બધી જાણ હતી જ અને મારે તેનાથી દૂર જવું હતું, છૂટવું હતું. મારો અહમ ઘવાતો અને હું તને રોકતો. તું રોકાઇ જતી. તારો ઉત્સાહ રોકાઇ જતો. પણ! બસ એ પણની પેલે પારનું સત્ય હું કયારેય સમજી ન શક્યો.

‘ઇતિ, અનિકેતની વાતો હું કલાકો સુધી થાક્યા, કંટાળ્યા વિના સાંભળતો રહેતો. અનિની એ સાથીદારમાં, તારામાં અભાનપણે હું ખોવાતો રહ્યો. અનિકેતની વાતોમાંથી ઉભરતા તારા પ્રતિબિંબને હું મારા મનમાં અંકિત કરતો રહ્યો. તારી છબી અનાયાસે મારી અંદર ઉતરતી રહી. શ્રીમંતનું લાડકું, હઠીલું બાળક જેમ કોઇ વસ્તુ માટે જીદ કરે તેમ મારા મનમાં એક જીદ પ્રગટી હતી. ઇતિને હવે હું મારી જ બનાવીને જંપીશ. હવે એ મારે જ જોઇએ. અનિકેત પાસેથી હું ઇતિને છીનવીને જ રહીશ. એવો નિર્ણય મેં મૂરખે કર્યો હતો. કેવા ભ્રમમાં હતો હું!’

બોલતાં બોલતાં અરૂપનું ગળુ ભરાઇ આવ્યું. છલકતી આંખે અરૂપ બોલતો રહ્યો. તેની એક એક વાતમાં આજે દિલની પૂરી સચ્ચાઇ હતી. ઇતિ સાંભળે કે નહીં, સમજે કે નહીં, આજે તે ઠલવાઇ જશે. પૂરેપૂરો ઠલવાઇ જશે. ઇતિને જે માનવું હોય તે માને. પણ હવે અંતરના આગળિયા ભીડેલા રાખવા અશકય હતા.

‘ઇતિ, તું અહીં જે વાતો કરતી તે બધી વાતો મેં અનિકેત પાસેથી સાંભળી હતી. વારંવાર સાંભળી હતી. અને એ એક એક વાતે મારા મનની બાળહઠ વધુને વધુ ઘેરી બનતી જતી હતી. તેની અનિકેતને ક્યાં જાણ હતી? તે તો તદન નિખાલસતાથી એક સાચા મિત્ર આગળ પોતાનું હૈયુ ખોલી રહ્યો હતો. જેના પ્રત્યેક અણુમાં ઇતિ, અને ફકત ઇતિ જ હતી. અંદરથી હું એના પ્રેમની ઇર્ષ્યા કરતો. સખત ઇર્ષ્યા કરતો.. અને બહારથી તેના સાચા મિત્ર હોવાનો દંભ કરતો રહેતો. કેવી મોટી ભૂલ હું કરતો હતો તેનું મને કયાં ભાન હતું?

અનિકેત દેશમાં પાછો ફરે તે પહેલાં તને મળી, તને પામી લેવાની તીવ્ર ઝંખનામાં, હરિફાઇમાં જીદે ભરાયેલ બાળકની જેમ જ હું યુ.એસ. છોડી ભારત પાછો આવ્યો. અનિકેતે મને ઢીંગલી આપી હતી તને આપવા માટે અને તારું સરનામું આપ્યું હતું. મેં તેને મારી કોઇ વાત તને કરવાની ના પાડી હતી કે ‘આપણે ઇતિને સરપ્રાઇઝ આપીશું. આ ભેટની પણ કોઇ વાત કરીશ નહીં. એને અચાનક આ મળશે ત્યારે એ કેવી ખુશ થઇ જશે! અને તને શું કહેશે એ માણવાની ઇંતેજારી કર દોસ્ત…’

ભોળા અનિકેતને મારા મનના કપટની કલ્પના સુધ્ધાં ક્યાંથી હોય? તેણે તો મારી દરેક વાતો બિલકુલ સરળતા, સહજતાથી પૂરા વિશ્વાસથી માની લીધી હતી. તારી જેમ જ. આંખો બંધ કરીને તેણે એક મિત્ર પર વિશ્વાસ રાખ્યો હતો. ઇતિ, બિલકુલ તારી જેમ જ. હું કોઇના વિશ્વાસને લાયક નથી. ઇતિ, કોઇના વિશ્વાસને તોડવાનું મહાપાપ મેં કર્યું છે. ઇતિ, ઇતિ, આજે મને સમજાય છે. કે હું કેવડો મોટો ગુનેગાર છું. કુદરતે જોડેલ બે દિલને છૂટા પાડવાનું પાપ હરખાતે હૈયે, અને પૂરી સભાનતાથી હું કરી રહ્યો હતો. નાના બાળકની જેમ હું કોઇની ગમતી વસ્તુ ઝૂંટવી લેવાની જીદે ભરાયો હતો. ઇતિ, હું સાચું કહું છું, હું ખરાબ નહોતો, ક્યારેય આવો નહોતો. ખબર નહીં કયા ઓથાર હેઠળ હું આ પાપ આચરી બેઠો. તને મેળવવાની એક ઘેલછામાં હું સારાસારનું ભાન કે વિવેકબુધ્ધિ ખોઇ બેઠો હતો. મારી અંદર એક શેતાન જાગ્યો હતો. અને હું કોઇનો પ્રેમ, વિશ્વાસ ભૂંસી નાખવા કટિબધ્ધ બન્યો હતો. મને કોઇ ભાન નહોતું રહ્યું. યેનકેન પ્રકારે અનિકેત પાસેથી તને ઝૂંટીને મારે મેળવી લેવી એ એકમાત્ર મારું ધ્યેય બની ગયું હતું.

“Everything is fair in love and war.“ બસ એ વાક્ય જાણે મારે માટે બ્રહ્યજ્ઞાન બની ગયું હતું. હું મરણિયો બની ગયો હતો. અને એક મરણિયો માનવી જે કરે તે બધું જ મેં કર્યું. પૂરી સભાનતાથી, એક ક્રૂરતાથી કર્યું. હું હરખાતો હતો, અનિકેત આગળ મનોમન ગર્વ કરતો રહ્યો.. ‘કાં દોસ્ત, તારી ઇતિ ક્યાં? જો એ તો હવે મારી, સંપૂર્ણપણે મારી બની ગઇ છે.‘

હું અનિકેતની હાંસી કરતો હતો, પરંતુ હકીકતે કુદરત મારી હાંસી કરતી હતી એ મને મૂરખને કોણ સમજાવે? કેવો દંભી હતો હું. કેવા ભ્રમમાં રાચતો હતો! અમુક સંબધોને કાળ પણ છિનવી શકતો નથી એ સત્ય તો મને આજે સમજાય છે. ત્યારે તો હું મારી હોંશિયારીથી મનોમન ફૂલાતો હતો, હરખાતો હતો. ઇતિ, સાચું કહું? તારી વાતોમાં આવતું અનિકેતનું નામ હું ક્યારેય સહન નહોતો કરી શકતો. કદાચ એક અજ્ઞાત ડર, મારી અંદર રહેલ ગીલ્ટી ભાવ, કંઇક ખોટું કર્યું છે એ ગુનાની ભાવના મને અંદરથી જંપવા નહોતી દેતી. બીજા કોઇને જાણ હોય કે ન હોય પરંતુ મને તો જાણ હતી જ ને? માનવી દુનિયા આખીથી ભાગી શકે પરંતુ પોતાનાથી કેમ ભાગી શકે? તારી અંદરના અનિકેતનું નામોનિશાન મિટાવી દેવા પૂરી તાકાતથી હું ઝઝૂમી રહ્યો હતો.

હું તને ગમે તે ખુલાસાઓ આપીને મૌન કરી દેતો. અને તું તારી સરળતાથી મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકીને મારી દરેક વાતનો સ્વીકાર કરી રહેતી. મારો પુરુષ તરીકેનો અહમ સંતોષાતો. સ્ત્રીના પ્રેમને, સમર્પણને સમજી શકવાની શક્તિ કેટલા પુરુષોમાં હોય છે? મારામાં પણ નહોતી જ. પ્રેમ એટલે સ્ત્રી માટે પૂરું જીવન અને પુરુષ માટે એક ઘટના માત્ર. નાની કે મોટી પણ તેને માટે એ સર્વસ્વ નથી બની રહેતો.

મારા મનમાં સતત એક અજંપો જરૂર રહેતો. પણ એ અજંપો નેગેટીવ બનીને બહાર આવતો. તું મૌન થઇ જતી અને હું ખુશ થતો. હાશ! હવે તું અનિકેતની વાતો નહીં કર્યા કરે. હવે તું અનિકેતને ભૂલી જઇશ. માનવી કેટકેટલા ભ્રમો સાથે જીવતો હોય છે! મીઠા તોયે ભ્રમ માત્ર જ ને? ઇતિ, હું મૂરખ, પ્રેમ એટલે શું એ સમજી ન શકયો. હું બહુ ખરાબ છું ઇતિ, બહુ ખરાબ…’

એકીશ્વાસે હાંફતા, ત્રૂટક અવાજે બોલતા અરૂપની બંને આંખોમાંથી ગંગા જમના વહી રહી હતી. એના એક એક શબ્દમાં સચ્ચાઇનો, પશ્વાતાપનો, અહેસાસનો રણકો હતો અને છતાં મૂઢ બનેલી ઇતિને ઝકઝોરવા તે સમર્થ ન જ બની શકયો. ઇતિના હ્રદય આગળ લોખંડી કમાડ વસાઇ ગયા હતા. જે ભેદીને કોઇ સંવેદના અંદર જઇ શકતી નહોતી.

અરૂપ ઇચ્છતો હતો, અનિકેતની વાત સાંભળી ઇતિ રડે, ખૂબ રડે, પોતાને ખરું ખોટું ખૂબ સંભળાવે. ગમે તે રીતે ઇતિ ઠલવાય. પરંતુ ઇતિના મૌનના ખડકને અરૂપની આંખોના ખારા જળ ન તોડી ન શક્યા કે ન અંદર સ્પર્શી શક્યા. એ કાળમીંઢ ખડકને તોડીને કોઇ લીલી કૂંપળ ફૂટી ન શકી. કાળની એક જોરદાર થપાટે ઇતિના દિલના દરવાજા એવા તો સજ્જડ વાસી દીધા હતા કે હવે અરૂપ માટે તે ખોલવા અઘરા, અશકય થઇ પડયા હતા. જીવનના રંગમંચ પર ઇતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવ્યો હતો?


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૫) – નીલમ દોશી

  • kajal

    હકીકતે કોઈ ઈતિનો અનિ આવી રીતે છીનવાઈ જાય તો………………….આવી પરિસ્થિતિ દઝાડી જાય છે……ક્યાંક આમાં મારા હોવાની અનુભુતિ પણ થાય છે.

  • GOPAL KHETANI

    બ્રેવો.એક મનોચિકિત્સકની જેમ તમે પાત્રોના મનમાં ડોકિયું કરી વર્ણન અને સંવાદો રજુ કર્યા છે.