જંગલનો કોલ (કેન્યા) – પિન્કી દલાલ 8


વર્ષો પહેલાં એક ફિલ્મ જોઈ હતી, આઉટ ઓફ આફ્રિકા, મેરિલ સ્ટ્રીપ અને રોબર્ટ રેડફોર્ડની આ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ્ઝ જીતીને રેકોર્ડ સર્જી દીધો હતો પણ એથી વિશેષ તો હતી આફ્રિકાની અદભૂત સૃષ્ટિની છાપ.

૧૯૮૫માં જોયેલી એ ફિલ્મની પ્રિન્ટ મન પર કદીય ઝાંખી નહોતી થતી એટલે જ વિદેશ ટ્રીપમાં સૌથી મોખરે આફ્રિકા રહેતું. જોગાનુજોગ એવું બનતું રહ્યું કે જયારે પણ આફ્રિકાની ટ્રીપ ગોઠવી હોય છેલ્લી ઘડીએ કેન્સલ થઇ જતી. પછી તો મનમાં વહેમ ઘર કરવા લાગ્યો કે આફ્રિકા નામનો ખંડ જ ઈચ્છે છે કે ત્યાં અમારે પગ ન મૂકવો.

છેલ્લે છેલ્લે તો આઉટ ઓફ આફ્રિકા ફિલ્મ પણ સ્મૃતિ પરથી વિસરાતી જતી હતી, અને ત્યારે જ અચાનક ગોઠવાઈ ગઈ ટ્રીપ કેન્યાની.

કેન્યાની ઓળખ મસાઇમારાથી છે. મસાઇ છે જંગલમાં વસતી એક પ્રજાતિ, જેમના નામ પરથી મસાઇ નામ અસ્તિત્વમાં આવ્યું, મારા છે ત્યાંની નદી અને એ ઉપરાંત મસાઇ ભાષામાં મારાનો અર્થ છે જોવા મળવું, એ પછી ઝાડ હોય, પ્રાણી હોય, પંખી હોય, માણસો હોય, એટલે જંગલનું નામ મસાઇમારા.

મસાઇમારા નામના ઉચ્ચારણ સાથે નજર સામે આવે પીળા ખડ એટલે કે સૂકાયેલાં ઊંચા ઘાસના વન, એમાં જમ્બો થડ, પાંખા ડાળખી ને પાન ધરાવતાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવા બાઓબાબ નામના વૃક્ષ અને બિગ ફાઈવ…

આ બિગ ફાઈવ એટલે જેનાથી મસાઇમારાની ઓળખ છે તે પાંચ મોટાં પ્રાણીઓ એટલે સિંહ, રહાઈનો, જિરાફ, હાથી અને ચિત્તા. આ ઉપરાંત ઝીબ્રા, જંગલી ભેંસ, બાઈસન, હરણાંની ગણતરી હમણાં નથી કરવી.

કોઈ પણ આફ્રિકન દેશમાં જવાનું થાય એટલે કે ખાસ કરીને વિષુવવૃત (ઈકવેટર) પાસે રહેલા જંગલવાળા દેશોમાં પ્રવાસ કરવો હોય ત્યારે યલો ફીવર અને પોલિયો વેક્સિન ફરજિયાત છે, અન્યથા પાછા ફરો ત્યારે ઇમિગ્રેશનમાં ન ઝડપાયા તો ઠીક પણ પકડાયા તો સરકારી હોસ્પિટલમાં એક અઠવાડિયું એકાંતવાસ વેઠવાની તૈયારી રાખવાની.

એ બધી તૈયારી કરીને અમે પહોંચ્યા નાઇરોબી.

શહેરની બહાર આવેલા વિસ્તારમાં અમારી હોટેલ સારી હતી પણ માત્ર રાતવાસો કરવાનો હતો. વહેલી સવારના મસાઇમારા જવા નીકળવાનું હતું.

નૈરોબીથી મસાઇમારાનું અંતર છે લગભગ ૨૮૦ કિલોમીટર. કોઈ પણ ટૂર ઓપરેટર, ગાઈડના કહેવા પ્રમાણે પાંચ થી સાડા પાંચ કલાક, અમને પણ એમ જ કહેવાયું હતું. પહેલા બે કલાક તો આરામથી પસાર થઇ ગયા પણ પછી શરૂ થયો મિક્સર ગ્રાઈન્ડર રાઉન્ડ. રસ્તા માત્ર કાચા નથી, પથરાળ પણ છે. પાકા રસ્તા બની રહ્યા છે અને એટલે સ્વાભાવિક છે કે ધૂળથી આચ્છદિત હોય જ. આફ્રિકા જઈ આવેલા એક્સપર્ટ મિત્રોના મત પ્રમાણે તો નાઈરોબીથી મસાઇમારા બાય કાર જવું જ બહેતર વિકલ્પ હતો કારણ કે તો જ “સીનસીનરી” જોવા મળે…. પણ કલાકમાં જ અમારી કલ્પનાનો મોક્ષ થઇ ગયો, રસ્તે ન તો સીન હોય ન સીનરી, બલ્કે નાક પાર રૂમાલ દાબીને બેઠા રહેવું પડે જો તમારું વાહન એ.સી ન હોય તો. મોટેભાગે જંગલ સફારી માટે નોન એસી વાહન જ ઉપલબ્ધ હોય છે.

બીજો એક વિકલ્પ છે નાઇરોબીથી મસાઇમારા ફ્લાઇટ લેવાનો. નાઇરોબીથી ઉપડતા નાનકડા ૮ સીટર, ૧૫ સીટર એરક્રાફ્ટ તમને મસાઇમારાના જંગલમાં માત્ર ૪૫ મિનિટમાં ઉતારી દે. એક સમસ્યા ખરી કે પેસેન્જરદીઠ માત્ર ૧૫ કિલો લગેજ લઇ જવાય છે. એટલે જો વધુ સમાન હોય તો નાઇરોબીની હોટેલમાં મૂકી દેવો પડે. પણ અમે તો અમારા મિત્રોની સલાહ અનુસાર રોડની મુસાફરી પસંદ કરી હતી એટલે અમારે આ બધું વિચારવાની જરૂર નહોતી અને આફ્રિકાની ધૂળ માથે ચઢાવ્યા વિના છૂટકો નહોતો.

નાઇરોબીથી મસાઇમારા જતી વખતે વચ્ચે આવે છે એક સુંદર વેલી વ્યુ. જેને રિફ્ટ વેલી કહે છે. આ રિફ્ટ વેલીનું મહત્વ માત્ર સિનિક હોવાને કારણે નથી. રિફ્ટ વેલીનું નામ એની ભૂમિકાને કારણે પડ્યું છે. એનું કામ છે કેન્યાની બે ભાગમાં વહેંચી કાઢવાનું, ઉત્તરથી દક્ષિણમાં વિસ્તરેલી આ વેલીને કારણે કેન્યાના બે ભાગ થઇ જાય છે એટલું જ નહીં એ ગ્રેટ રિફ્ટ વેલીનો એક હિસ્સો છે, એટલે કે તાન્ઝાનિયાથી ઇથોપિયા સુધી ફેલાયેલી ખીણનો એક ભાગ. ત્યાં અડધા કલાકનું રોકાણ પૂરતું છે. વધુ સમય પણ નહોતો અને ત્યારે આ ગ્રાઈન્ડર પથ શરુ પણ થયો નહોતો. કહેવાતો પાંચ છ કલાકનો રસ્તો લગભગ સાતથી આઠ કલાકનો હતો.

મસાઇમારામાં આમ તો ઘણી જંગલ લોજ ને હોટેલો છે પણ ગેમ પાર્કમાં જૂની, જાણીતી અને માનીતી હોટેલ અને લોજ થોડી છે. જે મોટેભાગે ઇન્ડિયન (ગુજરાતી એમ વાંચો) અને ગોરા પ્રવાસીઓથી ઉભરાતી હોય છે.

અમારી હતી કીકોરોક લોજ, મસાઇમારાની ટોપ ઓફ ધ લાઈન કહી શકાય એ, અને ખાસ તો પ્રિન્સ ચાર્લ્સના ઉતારાને કારણે વિખ્યાત બની ગયેલી કીકોરોકમાં અમારે પૂરા ત્રણ દિવસ કાઢવાના હતા. આરામદાયક બેડથી લઇ, રોમેન્ટિક મચ્છરદાની, સરસ બુફે અને એમાં પણ ઇન્ડિયન, પંજાબી વાનગીઓ. બાકી હતું તેમ એનું લોકેશન પણ પાર્કની હાર્દમાં અને એરપોર્ટથી પણ સૌથી નજીક કહી શકાય.

પૂરા સાત કલાકની રઝળપાટ કહી શકાય તેવી મુસાફરી કરી પહોંચ્યા ત્યારે તો થાકીને લોથ થઇ ગયા હતા છતાં જંગલનો કોલ સંભળાતો હતો. અમારો ડ્રાઈવર કમ ગાઈડ એવો સામી ભારે ઉત્સાહી હતો. એ તો અમે ફ્રેશ થઈએ એ જ તાકમાં હતો. એને પોતાના એક્સક્લુઝિવ કહી શકાય એવા સોર્સથી ખબર મળી ગયા હતા કે અમારી હોટેલની આસપાસ જ બિગ ફાઈવ ફેમિલીના ઘણાં સભ્યો ફરી રહ્યા છે એટલે સાંજ ઢળવા આવી રહી હતી છતાં વાહનને પૂરપાટ દોડાવતો રહ્યો. એના ન્યુઝ બિલકુલ સાચા હતા.

લગભગ ૧૧૦૦ કિલોમીટરમાં વિસ્તરેલા મસાઇમારા ગેમ પાર્કમાં સંદેશ વ્યવહારની નવી જ સિસ્ટમ જોવા મળી. તમામ ટુરિસ્ટ વેહિકલમાં વાયરલેસ ટ્રાન્સમીટર્સ હોવાથી ડ્રાયવર સતત અન્ય ડ્રાયવર્સ સાથે સંપર્કમાં રહી શકે છે. એ જોઈને મને ફેન્ટમની વાર્તામાં આવતી નગારાંથી થતો સંદેશ વ્યવહાર યાદ આવી ગયો.

સાંજ હતી ને વાઈલ્ડ લાઈફમાં કેટલાકનો ઉઠવાનો સમય થતો હતો, તો કેટલાકનો પોઢી જવાનો. સૌથી મહત્વની વાત હતી માઈગ્રેશનની.

હાથીનું જૂથ હોય કે હરણાંનું ટોળું, વાઇલ્ડ બિસ્ટનું ઝુંડ, ઝીબ્રા પાર્ટી, સહપરિવાર આરામ ફરમાવી રહેલું સિંંહફેમિલી, ચિત્તા, દીપડા, હિપ્પો, વાનરોની ટોળી… જે જોવા મળે તે માઈગ્રેશનનો એક ભાગ જ હોય.

એ વાત બનાવે છે મસાઇમારાને ખાસ.

મસાઇમારાની ખાસિયતને સમજવા એની ભૌગોલિક સ્થિતિ સમજાવી જરૂરી છે. કેન્યા અને તાન્ઝાનિયા બંને દેશ એક જ જંગલ ધરાવે છે. કેન્યામાં એ મસાઇમારાને નામે ઓળખાય છે ને તાન્ઝાનિયામાં સેરંગાટી તરીકે. વર્ષભર ચોક્કસ સમયગાળામાં બંને ભાગ વચ્ચે થતું રહે છે વિશ્વભરમાં પ્રખ્યાત એવું પ્રાણીઓનું સ્થળાંતર. જેને જોવા માટે દુનિયાભરના સહેલાણી પીક સીઝનમાં ઉતરી આવે છે. આ માઈગ્રેશનની શરૂઆત થાય છે આમ તો એપ્રિલ મે મહિનાથી પણ જો લાખોની સંખ્યામાં પ્રાણીઓને સ્થળાંતર કરતા જોવાનો લ્હાવો જોઈતો હોય તો જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં જવું રહ્યું.

આ માઈગ્રેશન ન જાણે કેટલા યુગથી ચાલતું હશે, જેની એક ખાસ પેટર્ન છે. સેરંગાટીથી મસાઇમારા જુલાઈથી ઓક્ટોબરમાં થયા પછી નવેમ્બરથી સેરંગાટી તરફ રિટર્ન જર્નીની પ્રારંભ થઇ જાય. એટલે કે ટૂંકમાં વરસાદ જે રીતે દક્ષિણથી ઉત્તર જાય તે રીતે એ દિશામાં માઈગ્રેશન થઇ જાય, જેના મૂળમાં ઘાસચારાની શોધ જ હોય છે.

લાખોની સંખ્યામાં વાઈલ્ડબિસ્ટ એટલે કે જંગલી ભેંસ, ઝીબ્રા, જિરાફ, વાંદરા, હરણાં, હાથી જેવા અલમસ્ત પ્રાણી ઘાસચારા માટે આગળ ચાલતા જાય તેમ તેમ તેનું પગલું દાબતાં સિંહ, ચિત્તા, દીપડા જેવા રાણી પ્રાણીઓ પણ એમનો પીછો કરતાં જાય.

જંગલમાં રાની પશુઓ ખાસ કરીને સિંહે કરેલા કિલ એટલે કે શિકારને સહકુટુંબ ખાતા જોવા સહેલાણીઓ માટે એક જોણું છે. સિંહ તો આરામપ્રિય રાજાપાઠમાં હોય, સિંહણ જ બધું ફોડી લે પણ ચિત્તા ને દીપડા તો એકલા જ ફરે. હરણાંમાં ઇમ્પાલા નામની રૂપકડી જાતિ તો ટુરિસ્ટની આંખો પહોળી કરી નાખે તો રાની પશુઓની જીભ કઈ રીતે કાબૂમાં રહે?

પહેલે દિવસે જ અમે ઘણાં પ્રાણીઓ જોઈ લીધા. એટલી હદે મન ધરાઈ ગયું કે આંખોને જાણે આ પ્રાણીઓની નવાઈ નહોતી રહી. નજર તો હવે નવીનતા શોધતી હતી, સફેદપોશ બગલા ઇગ્રેટસ દૂર છૂટાંછવાયા ઉભેલા વૃક્ષ પર આરામ ફરમાવતા બેઠા હતા. એમને ન તો સહેલાણીઓની જીપ પરેશાન કરતી હતી ન તો કેમેરાની ક્લિક. જેની પર આ બગભગત બેઠા હતા તે વૃક્ષ ક્યાં તો બાઓબાબ હોય, જેને સ્થાનિકો કહે છે, આપણે ત્યાં જેને રૂખડો કહે છે એ કુટુંબ.

બીજા વધુ જોવા મળે તે વૃક્ષ હતા અમ્બ્રેલા અકાસીઆ, ખૂલેલી છત્રી જેવું ઝાડ. આ ઝાડની બ્યુટી તો ત્યારે ખીલે એના પર ચિત્તો ટુરિસ્ટને પોઝ આપતો બેઠો હોય. કોઈક ઝાડ પર જોવા મળે આપણે ત્યાં એક સમયે જોવા મળતાં હતા એ ગીધના ટોળાં, જે કોઈ પ્રાણીએ કરેલા શિકારની છડી પોકારતાં બેઠા હોય. એટલે સમજાયું કે ડ્રાયવર્સ નેટવર્ક આ બધી સાઈન પર નભતું હતું, એક ડ્રાયવરને જો કોઈ ચિત્તો કે સિંહનું ફેમિલી દેખાયું કે તરત જ વાઇરલ થઇ જાય.

બીજો દિવસ હતો મસાઇ વિલેજ માટેનો. હોટેલની પાસે જ થોડા કિલોમીટર દૂર આવેલી એક મસાઇ વસ્તીમાં અમે ગયા. વીસ પચીસ ઝુંપડા ગોળાકારે બનાવ્યા હતા, વચ્ચે ખાલી જગ્યા, જ્યાં મસાઇ લોકો પોતાની ગાય અને મરઘીઓ રાખે છે. ઝૂંપડાની સાઈઝ હશે પાંચ ફુટ બાય પાંચ ફુટ. એ જોઈને અમને વિચાર એ આવતો રહ્યો કે છ ફુટ ઊંચા માણસો ટૂંટિયું વળી સુઈ તો પણ ન સમાઈ શકે, અને એમાં ઝૂંપડામાં થોડા તો ટુ બીએચકે હતા, ને વળી એક કિચન. મસાઇ ગામ જોવા લઇ ગયેલો મસાઇ યુવાન હોટેલ મેનેજમેન્ટ કરતો હતો, પણ જયારે ભણતો ન હોય ત્યારે ગામમાં મસાઇ પહેરવેશ ધારણ કરીને ટુરિસ્ટ ગાઈડ બની જતો હતો. આખી વાત જરા વધુ પડતી લાગી, ટુરિસ્ટ માટે ઉભા કરેલા જોણાં જેવી.

વાસ્તવમાં હવે કોઈ મસાઇ લોકો તેમની પરંપરાગત ઝૂંપડીમાં રહેતા હોય તે વાતમાં કોઈ માલ નથી. ત્યાં ખ્રિસ્તી ધર્મની આક્રમકતાએ મસાઇઓને તેમના દેવ દેવતા ભૂલવી દીધા છે. પણ છતાં હજી જન્મ, લગ્ન અને મરણ માટે તો એ જ જૂના રિવાજો છે. એક પુરુષ ચાહે તો ચાર પત્ની કરી શકે, શરત એટલી પહેલી પત્ની માબાપની પસંદ હોવી જોઈએ. બીજી, ત્રીજી, ચોથી…. ગાયનો કરિયાવર લઇ આવે એટલી સાથે પરણવામાં કોઈ વાંધો કે વિરોધ નહીં.

મસાઇ જાતિ વિષે ઘણી બધી ડોક્યુમેન્ટરી બની છે. એ જોવાથી આ ગરીબ પ્રજા માટે રહી સહી સહાનુભૂતિ ગાયબ થઇ જાય. એ માટે જવાબદાર છે એમની ખાણીપીણી. આ પ્રજા ક્યારેય ખેતી કરવાનું સમજી નથી. એમનો મુખ્ય ખોરાક છે ગાયનું દૂધ અને એ જ ગાયનું લોહી. સાંભળીને ઘૃણા થશે પણ ગાયના ગળામાં નાનું છિદ્ર કરીને લોહી કાઢી દૂધ સાથે મેળવી પી જતી આ પ્રજાને અરેરાટી જેવી કોઈ લાગણી જ ન સમજાય. બલ્કે એ તો ગર્વથી કહે કે અમે ગાયને મારી ન નાખીએ, બલ્કે માત્ર સોઈ જેટલું છિદ્ર કરી લોહી પીવાથી ગાય કદી ન મરે. આખી આ વાત ભારે અરુચિકર છે પણ એનો ઉલ્લેખ જગતમાં કેવી કેવી સંસ્કૃતિ છે એ દર્શાવવા એક દાખલા પૂરતો કર્યો છે.

જેમને મુંબઈ નાઇરોબીની એર ટિકિટના ભાવ જેટલી જ બલૂન રાઈડ લેવી હોય તેમને માટે વિહંગદર્શનની તક અનેરી છે. ગેસથી ઓપરેટ થતા બલૂનમાં ઉડીને પવનની ગતિએ હળવે હળવે વહીને નીચે ચાલતા માઈગ્રેશનને જોવા કરતાં વિડિઓગ્રાફી અને ફોટોગ્રાફી વધુ મહત્વના થઇ પડે છે. કીકોરોકમાં ત્રણ દિવસ સુધી મનભરીને સફારીદર્શન પૂરું કરીને અમારી સવારી ઉપડી લેક નાકુરુ.

લેક નાકુરુ નેશનલ પાર્ક પ્રખ્યાત છે ફ્લેમિંગો માટે. સફેદરંગી ગુલાબી ઝાંયવાળા ફ્લેમિંગોને જોવા એક ટ્રીટ છે. એમાં પણ જો સીઝનમાં જાઓ તો મોજ પડી જાય. લેક નાકુરુનું પાણી પણ ન દેખાય એટલા ફલેમિંગોની ભીડ થઇ જાય, જાણે ગંગા ઘાટ પર ઉતરી પડતાં શ્રદ્ધાળુઓ. સામાન્ય રીતે એ માટે સીઝન છે માર્ચથી જૂન, અમારી સીઝન માઈગ્રેશન માટેની હતી પણ ફ્લેમિંગો માટેની નહીં એટલે અમે માંડ થોડા અલપઝલપ ફ્લેમિંગોને જોઈ સંતોષ માની લેવો પડ્યો પણ ત્યાં બાકી હતું તેમ ફરી સિંહ, ચિત્તા, રહાઈનો સહકુટુંબ વિહારી રહ્યા હતા. રહાઈનોની ગેંગવોર, ઇમ્પાલા જાતિનો નર હરણ પોતાની પચ્ચીસથી વધુ માદાઓના જનાનખાનાને સાચવવા મથી રહ્યો હતો.

લેક નાકુરુ લગભગ ૧૦૦ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું અભ્યારણ છે. જેમાં પ્રવેશ પહેલા નાકુરુ સિટી પસાર કરવું પડે. આ શહેરમાંથી પસાર થતાં સૌથી પહેલું ધ્યાન ખેંચ્યું ગુજરાતી સાઈનબોર્ડે, એ પછી બીજું બોર્ડ જોયું ગુરુમુખીમાં. બજાર પસાર કરતાં ખ્યાલ આવ્યો કે બજારમાં મોટાભાગના વેપારી ભારતીય છે. કચ્છથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પટેલ અને ભૂરી પગડીધારી સરદાર. એ પછી તો ગુજરાતી સંઘનું ફળીવાળો ડેલો હોય તેવું મકાન પણ જોયું ને એવું જ મિની પંજાબ પણ. લેક નાકુરુમાં ઘણી હોટેલો હશે પણ અમારી રિસોર્ટ હતી હિલ પર. હિલ સ્ટેશન જેવી ક્લાઈમેટ અને હોટેલના રૂમમાંથી નજરે પડતો ૧૮૦ ડિગ્રીનો લેક વ્યુ સહુને ચકિત કરવા પૂરતો હતો. રોકાણ એક જ રાતનું હતું એટલે અમારી સવારી ઉપડી સ્વીટવોટર્સ ચિમ્પાન્ઝી કેમ્પ પર.

અદભૂત કહી શકાય એવી આ જગ્યા માત્ર અનવાઈન્ડ થવા માટે છે. લખ્યું હતું ટેન્ટ્સ પણ અમે તો ટેન્ટ્સની સાઈઝ ને એનો અસબાબ જોઈને દંગ રહી ગયા. મનમાં થયું કે કોઈ અમીર શેખ પોતાની ચાર બીબી લઈને આવે એ માટે આવો ટેન્ટ બનાવાયો લાગે છે. વાત તો મજાકમાં જ કરી હતી પણ એ ખરેખર સાચું નીકળ્યું. ટેન્ટમાં કિબ્લા (મક્કા કઈ બાજુ છે એ ચીંધતી સંજ્ઞા) સાઈન જોઈ. બીજું એક ફીચર હતું એક ઘરડું પેલીકન, મોટી ચપટી ચાંચ ધરાવતું આ પંખી પ્રાણીના કાળનું હોય છે. ને આ તો વળી જૈફ વયનું, એ ન તો કોઈથી બીએ ન કોઈ સાથે વધુ વાત કરે. તમે એને બિસ્કિટ ખવડાવો તો રાજી બાકી આવજો ટાટા બાય બાય કરીને મોઢું ફેરવી લે. સ્વીટવોટર્સમાં નાઈટ સફારી છે પણ મસાઇમારાથી ખાસ જૂદી નથી પણ ત્યાં એક ખાસ જોણું છે ચિમ્પાન્ઝી માટેનું અનાથાશ્રમ : ચિમ્પાન્ઝી ઓર્ફનેજ.

ઉત્ક્રાંતિનો સિદ્ધાંત માન્ય હોય તો એમ મનાય છે કે ચિમ્પાન્ઝી અને માનવ બંનેના પૂર્વજ એક જ હોવા રહ્યા. માનવ જેટલી જ કાબેલિયત અને સાથે ૯૩% મેચ થતાં ડીએનએ ધરાવતાં આ વાનરોનું મગજ, આંખ, કાન, સમજશક્તિ બિલકુલ માણસ જેવા હોય છે. માણસ જેવા જ ભાવાત્મક, એવા આ વાનર સાથે જે ક્રૂરતા આચરવામાં આવે છે એ તો નજરે જોવાથી માણસજાત તરીકે જન્મવા બદલ શરમ આવે.

એમને જંગલમાંથી પકડી જઈ પાલતુ જાનવરની જેમ વેચી દેવામાં આવે છે. આ વેપાર ખાસ કરીને આફ્રિકાના જ દેશોમાં મોટા પાયે ચાલે છે. સૌથી વધુ ચિમ્પાન્ઝીનું કિડનેપિંગ કોંગો રિપબ્લિકમાંથી થાય છે. બીજા નંબરે છે યુગાન્ડા, જેમ ડ્રગ અને દેહ વ્યાપાર કરતી ટોળકીઓ વિશ્વભરમાં છે એમ જ ચિમ્પાન્ઝીનું ટ્રાફિકિંગ થાય છે. માત્રને માત્ર કોઈ તાલેવંત ડ્રગ માફિયા કે ગેંગસ્ટરના ખાનગી ઝૂની શોભા વધારવા માટે. કરુણતા તો ત્યાં સર્જાય છે જયારે ખાનગી ઝૂમાં રહેલા આ ચિમ્પાન્ઝી ઘરડાં થઇ જાય, કે એની નવીનતા ખતમ થઇ જાય ત્યારે એ નકામા લાગે ત્યારે એમને ત્યજી દેવામાં આવે છે. જાણે કોઈ જૂનું તૂટી ગયેલું રમકડું હોય. સમસ્યા ત્યાં થાય છે કે આખી જિંદગી પિંજરે પૂરાયેલાં રહેવાથી આ ચિમ્પાન્ઝીઓમાં મૂળભૂત વાનર તરીકેની પોતાનો ખોરાક જાતે શોધી લેવાની જન્મજાત ખાસિયત વિકસિત થઇ જ નથી હોતી. કાં એ ભૂખે મરી જાય કાં તો અન્ય પ્રાણીઓનો શિકાર થઇ જાય. ચિમ્પાન્ઝી ઓર્ફનેજ એવા વાનરોને બચાવી જાળવવાનું કામ કરે છે. આ ઉપરાંત ઓર્ફનેજનાં ગાર્ડ પાસે તો અઢળક માહિતીઓ હોય છે જેમ કે ચિમ્પાન્ઝીઓ પણ માણસની જેમ પોતાની ગેંગ બનાવે, ગેંગવોર પણ થાય. લવ અફેર પણ થાય, ને માદા માટે મારામારી કરતાં નર માટે ઝગડા પણ થાય. કદાચ આ જ કારણસર ચિમ્પાન્ઝી ઓર્ફનેજ રસપ્રદ લાગ્યું.

થોડાં દિવસમાં પ્રાણીસભાના ભાગ બની ગયા હોવાનું લાગ્યું. હવે ટ્રીપ પૂરી થવાની હતી. શોપિંગમાં કશું મેજર કહી શકાય એવું મળવાનો અવકાશ પણ નથી એટલે રસ્તામાં આવતી ક્યૂરિઓ શોપમાં બેસ્ટ બાર્ગેઇન કરી શકાય.

અમે પહોંચ્યા હતા બરાબર વિષુવવૃત પર. એટલે કે ઈકવેટર પર. જયારે સ્કૂલમાં હતા ત્યારથી મનમાં એવો ખ્યાલ ઘૂસી ગયો હતો કે ઈકવેટર પર સૂર્યપ્રકાશ સીધો પડે એટલે અતિશય ગરમ પ્રદેશ હોય. જીવ્યા કરતા જોયું ભલું એ કહેવત સાર્થક થતી લાગી. કોઈ ગરમી જ નહીં બલ્કે રાત્રે ગરમ કપડાં પહેરવા પડે એવી ચીલ હતી.

માત્ર કેન્યા જ ફરવું હોય તો સાતથી દસ દિવસ પૂરતાં છે. ધૂળની એલર્જી ન હોય, સમય અને બજેટ લિમિટેડ ન હોય તો તાન્ઝાનિયાના ઝાંઝીબાર જતી ફ્લાઇટ માત્ર એક કલાકની છે.

અમારું લાસ્ટ ડેસ્ટિનેશન હતું ફેર માઉન્ટ, માઉન્ટ કેન્યા ક્લબ.

ગોરા સાહેબોની શેખીના દિવસોનો પુરાવો.. જો કે સ્વીટ વોટર્સ પાર્ક પણ એવું જ કઈંક પણ આ થોડું વધુ એમ કહી શકાય. ત્યાં છે એક એનિમલ ઓર્ફનેજ, જ્યાં રહેતા પ્રાણીઓને ખબર છે કે એમને સહુ સહેલાણીઓને એક યાદગાર પોઝ આપવાનો છે. ચિત્તાની પાસે બેસીને પણ પિક્ચર ક્લિક કરી શકાય, જાણે ચિત્તો કહેતો હોય કે ફોટોશોપ કરો ત્યારે મારા ચહેરા પરના રિન્કલ્સ પણ એડિટ કરજો હોં!!

અમારો નાઈરોબી પાછા ફરવાનો સમય થઇ રહ્યો હતો. બે ચાર ક્યૂરિઓ શોપ્સમાંથી કરેલું શોપિંગ પૂરતું ન હોય તેમ માત્ર ને માત્ર શોપિંગ માટે અમારે નૈરોબી શહેરમાં રોકાણ કરવું હતું. આવ્યા ત્યારે તો હોટેલ શહેર બહાર હતી એટલે અમે સિટી સેન્ટર કહી શકાય એવા વિસ્તારમાં હોટેલ પસંદ કરી હતી. જરા ગોઠવાયા પછી અમે નીકળ્યા તફરી કરવા. આખા શહેરમાં એક જિરાફ સેન્ટરની મુલાકાત ઠીક રહી. જિરાફમાં પણ રોથ્સચાઈલ્ડ કહી શકાય એવા પગે વ્હાઇટ મોજાં પહેર્યા હોય તે જિરાફને સહેલાણીઓ હાથમાંથી ખવડાવી શકે છે. આ સિવાય બહુ દિવસ ઈન્ડિયાથી દૂર રહીને ઘર મિસ કરતાં હો તો ગુજરાતી, પંજાબી રેસ્ટોરન્ટ છે.

એક મેજર ટેરર એટેક પછી નાઇરોબી ફરી ઉભું થઇ નથી શક્યું એમ લાગ્યું. મસાઈબજારમાં આંટો માર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં મળનાર આઈટમ ફાઈવસ્ટાર રિસોર્ટ્સની શોપ કરતા વધુ હતા. જો ભાવતાલ કરતાં આવડે અને કરી શકવાની તૈયારી હોય તો ઠીક બાકી ખાસ મજા ન આવે. કેન્યા સફારીનો નશો ચકનાચૂર કરવો હોય તો છેલ્લો દિવસ નાઇરોબી માટે રાખજો. એ અનુભવ અમારો રહ્યો.

એક તો હતો શનિવાર, એટલે કે હાફ ડે, બપોરનો એક પણ નહોતો થયો અને બજાર બંધ થવા માંડ્યું હતું. એક ફાઈવસ્ટાર હોટલના શોપિંગ મોલમાં બે સારી દુકાનો હતી એ પણ જામનગરના ગુજરાતીઓની. ગુજરાતી હોવાને નાતે અમને બંધ શટરમાંથી અંદર તો લીધા પણ ઝડપથી શોપિંગ પતાવી દેવાની શરતે. સાંજે પાંચ વાગ્યે તો જાણે કર્ફ્યુ લાગી ગયો હોય એમ શહેર જંપી ગયું.

અમને ખ્યાલ આવ્યો અમારા ટ્રાવેલ એજન્ટ આપેલી સૂચનાનો, પાંચ વાગ્યા પછી ધોળે દિવસે પણ રસ્તા પર ચાલવું સલામતીભર્યું નથી. ટૂંકમાં આપણાં પાટનગર દિલ્હીમાં સાંજે સાત પછી જેવી હાલત હોય છે તેવી હાલત હતી.

વાત ત્યાંથી પતતી નથી. તાજેતરમાં જ સુદાનનું ટેરરિસ્ટ ગ્રુપ નૈરોબીમાં ભારે સક્રિય થઇ રહ્યું છે એ પણ એક કારણ ખરું આ દહેશતનું, બધું ‘સેફ’ કહેવાય પણ હવે જયારે આખી દુનિયામાં સલામતી નથી રહી તો આ દેશો કેમ કરીને બાકાત રહેવાના?

સાઉથ આફ્રિકા, કેન્યા, તાન્ઝાનિયા – આફ્રિકાની ઓળખ આ થોડાં દેશોને આભારી છે. બાકી દુનિયાના સૌથી મોટા ખંડમાં બીજે સ્થાને આવતાં, ૫૪ દેશો ધરાવતાં આફ્રિકાના દેશોના નામ પણ જાણીતાં ન લાગે.

જો કે સોનેરી પીળાં, સૂકાં ઘાસ જેને સવાના લેખાય છે એ વનમાં જાજરમાન મસ્તમૌલા પ્રાણીઓની દુનિયા એકવાર તો આંખે જોવા જેવી ખરી. સુરતનું જમણ ને કાશીનું મરણ ઉપરાંત જો કોઈવાર શાંતિનું શરણ ચાહનારને જંગલનો કોલ કાને ન પડે એ શક્ય નથી.

– પિન્કી દલાલ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જંગલનો કોલ (કેન્યા) – પિન્કી દલાલ