કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” મહાકાવ્યમાં લખ્યું છે કે “પ્રકૃતિના વિવિધ રંગ-રૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.”
ખરેખર પ્રકૃતિ અને પ્રેમનો ગાઢ નાતો છે. વિક્રમ સંવત અનુસાર કાર્તિક – કારતક મહિનાથી આસો મહિના સુધીના બાર મહિના અનુસાર ઋતુકલ્પનો વૈભવ આપણને માણવા મળે છે.
બાર મહિના યાને સાહીઠ દિવસ સુધી એક ઋતુ મુજબ છ ઋતુનો ઋતુકલ્પ
(૧) શરદ,
(૨) હેમંત,
(૩) શિશિર,
(૪) વસંત,
(૫) ગ્રીષ્મ અને
(૬) વર્ષા
મળીને મોસમના આ ગુચ્છ પોતપોતાના અંદાજમાં આપણને જાણે પ્રેમનો સંદેશ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય આ દરેક મોસમમાં જુદો જુદો મિજાજ પ્રગટ કરે છે. પ્રેમની મોસમ તો બારે માસ જામતી હોય છે. પ્રકૃતિ સ્વયં પ્રેમનું પ્રતીક બની રહે છે.
મહત્વનું છે કે આપણે ત્યાં આ ઋતુઓના નામ ઉપરથી જ નામકરણ પણ થાય છે. વર્ષા સિવાય તમામ પાંચ ઋતુના નામ પુલ્લિંગ છે. કન્યાઓમાં વર્ષા નામકરણ કરવામાં આવે છે એમ જ ગ્રીષ્મ નામ પુલ્લિંગ હોવા છતા કન્યાઓમાં ગ્રીષ્મા નામકરણ પણ કરવામાં આવે છે.
શરદ ઋતુની સૌપ્રથમ વાત કરીએ. આસો મહિનો અને કારતક મહિનો એટલે શરદ ઋતુ. કન્યાનો સૂર્ય થાય ત્યારે શરદ ઋતુ શરુ થાય અને વૃશ્ચિકનો સૂર્ય થાય ત્યારે શરદ ઋતુ પૂર્ણ થાય. દિવસ ટૂંકો થવાનો શરુ થાય અને રાત લંબાતી જાય. શરદ એટલે શીતકાળ – શિયાળાનો આરંભ. શરદ ઋતુને ઋતુઓની રાજકુમારી પણ ગણવામાં આવે છે. શરદના દિવસો મનોરમ હોય છે. શરદપૂનમ, શરદપૂર્ણિમા આ મોસમમાં જ આવે છે. વર્ષમાં એક જ વાર સુંદર અને મોટો પૂર્ણ ચંદ્ર, શીતળ ચંદ્રની ચાંદની માણવા મળે છે. શરદની પૂનમ એટલે રોમાન્સની પરાકાષ્ઠા. આપણે ત્યાં વડીલોના આશીર્વાદ લેવામાં આવે ત્યારે વડીલો એમ કહે છે કે “શતમ્ જીવમ્ શરદઃ” એટલે કે “100 શરદ ઋતુ સુધી તમે જીવો.” 100 શરદ ઋતુ તમે માણી શકો ત્યાં સુધી જીવો, એમ કહેવામાં આવે છે.
હેમંત ઋતુ એટલે વૃશ્ચિકનો સૂર્ય થાય ત્યારથી લઈને મકરનો સૂર્ય થાય ત્યાં સુધીનો ગાળો. આ મોસમમાં શીતકાળ પૂરબહારમાં ખીલે અને છેલ્લે છેલ્લે ઠંડી વિદાય લેવાનું પણ શરુ કરે. માગશર અને પોષ મહિનો એટલે હેમંત ઋતુ.
શિશિર ઋતુનો આરંભ એટલે મકરનો સૂર્ય થાય અથવા બીજા શબ્દોમાં સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ. સૂર્યનું મીન રાશિમાં પરિભ્રમણ શરુ થાય ત્યારે શિશિર ઋતુ પુરી થાય. સરળ અર્થમાં શિયાળાની વિદાય અને ગરમીના દિવસોની શરુઆત યાને મહા અને ફાગણ એટલે શિશિર ઋતુ. શિશિરના દિવસો એટલે પાનખરના દિવસો. શિશિર એટલે જ પાનખર. પ્રકૃતિ આપણને માનવજીવનની ક્ષણભંગુરતાનો સંદેશ આપે છે. દરેક વૃક્ષ યા છોડ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના ઉપદેશ અનુસાર જૂનાં પર્ણ ત્યજીને નવાં પર્ણ ધારણ કરે છે. માણસ જેમ મૃત્યુ પામે છે અને આત્મા એક શરીર ત્યજીને નવું ખોળિયું ધારણ કરે છે.
ફાગણી પુનમ એટલે શિશિરનો છેલ્લો દિવસ. આ જ દિવસે રંગ-પર્વની ઉજવણી થતી હોય છે. એ સાથે પ્રેમની પરાકાષ્ઠા માણવાની અને અનુભવવાની મોસમ એટલે કે વસંતનો આરંભ પણ થઈ જતો હોય છે. પ્રિયજનને પ્રેમના રંગમાં રંગવા અને તરબોળ કરવાનું રંગ-પર્વ આ દિવસોમાં જ આવતું હોય છે.
વસંત ઋતુનો આરંભ સૂર્યના મીન-પ્રવેશ સાથે થાય છે અને વૃષભનો સૂર્ય થાય ત્યારે વસંત ઋતુ વિદાય લેતી હોય છે. જેમ શિશિરમાં ગરમીનો આરંભ થાય છે, એમ જ વસંત ઋતુમાં પણ ઉનાળો છવાયેલો રહે છે. વસંત ઋતુને ઋતુઓનો રાજા યાને ઋતુરાજ વસંત કહે છે. પ્રકૃતિમાં ચારેકોર વસંતનો વૈભવ છવાઈ જતો હોય છે. કેસુડો અને ગુલમહોર અનુક્રમે ગેરુવા અને લાલ રંગથી પ્રકૃતિને નવોઢાની જેમ સજાવી દે છે. ચૈતર-વૈશાખના વાયરા એટલે વસંત.
ગુજરાતી સાહિત્યમાં અને દરેક ભાષાસાહિત્યમાં ઋતુકાવ્યો છે. એમાં સૌથી વધુ ઋતુકાવ્યો ઋતુરાજ વસંતને લઈને લખાયાં છે. વસંત એક રાગનું નામ છે અને વસંતતિલકા છંદ ગુજરાતી સાહિત્યમાં એક છંદનું નામ પણ છે. વસંત એટલે વર તરફથી કન્યાને અથવા પ્રિયજન તરફથી પોતાની પ્રિયાને આપવામાં આવતી વસ્ત્રાલંકાર વગેરેની ભેટ. વસંતસખા એટલે કામદેવ. વસંતક એટલે વિદુષક. વસંત નામની અટક વણિક અને લોહાણા સમુદાયમાં જોવા મળે છે. વસંતસંપાત એટલે દિવસ અને રાતનો સમય એકસરખો હોય. વસંત ઋતુમાં વર્ષનો એક દિવસ એવો આવે છે કે જ્યારે દિવસ અને રાતનો સમય સરખો હોય.
ગ્રીષ્મનો આરંભ સૂર્યના વૃષભ પરિભ્રમણ સાથે થાય છે અને સૂર્ય જ્યારે કર્કમાં ભ્રમણ શરુ કરે છે ત્યારે ગ્રીષ્મ ઋતુ પૂરી થાય છે. ગ્રીષ્મના છેલ્લા દિવસો એટલે વરસાદના આગમનના દિવસો. જેઠ અને અષાઢ એટલે ગ્રીષ્મ ઋતુ. જેઠ મહિનાનો આકરો તાપ અને “જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ” ઉક્તિ મુજબ જેઠના તાપ પછી અષાઢી મેઘાડંબર ગાજે છે અને મેહૂલિયો મન મૂકીને વરસે છે.
વર્ષાઋતુને ઋતુઓની રાણી કહે છે, જેમ વસંતને ઋતુરાજ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે કર્કનો થાય છે ત્યારે વર્ષાનો આરંભ થાય છે અને સૂર્યનું કન્યા રાશિમાં પરિભ્રમણ શરુ થાય છે ત્યારે વર્ષાઋતુ સમાપ્ત થાય છે. શ્રાવણ અને ભાદરવો એટલે વર્ષાઋતુ. પ્રણયમાં વિરહનું મહત્વ પણ ઓછું આંકવામાં આવ્યું નથી. જ્યારે વિરહનો તાપ ભરચોમાસે બાળી મૂકે ત્યારે આંખોમાંથી અશ્રુધારા જાણે શ્રાવણ-ભાદરવાની જેમ ટપકતી રહે છે, વહેતી રહે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ જેમ ગેરુઆ-લાલ રંગે રંગાઈ જાય છે, એમ વર્ષાઋતુમાં પ્રકૃતિ હરિયાળા રંગે રંગાઈને લીલીછમ બની જાય છે.
તમામ છ ઋતુઓની તાસીરનું વર્ણન કરતું કવિ દલપતરામનું કાવ્ય અહીં પ્રાસંગિક બની રહે છે-
“શિયાળે શીતળ વા વાય,
પાન ખરે ઘઉં પેદા થાય.
પાકે ગોળ, કપાસ, કઠોળ,
તેલ ધરે, ચાવે તંબોળ.
ઘટે દિવસ, ઘણી મોટી રાત,
તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય,
નદી, સરોવર જળ સૂકાય.
પામે વનસ્પતિ સૌ પાન,
કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ, ફૂવારા, બાગ,
પ્યારાં ચંદન, પંખા લાગ.
બોલે કોયલ મીઠા બોલ,
તાપ પડે, તે તો વણતોલ.
ચોમાસું તો ખાસું ખૂબ,
દીસે દુનિયા ડૂબા ડૂબ.
લોક ઉચારે રાગ મલાર,
ખેતર વાવે ખેતીકાર.
ચંપા, ચંબેલી, જૂઈ જાય,
ફૂલ ગુલાબ ભલાં ફૂલાય.
છત્રી ચોમાસે સુખમાર,
ચાખડીઓ હિંડોળા ખાટ.”
જ્યારે તમને કોઈ પ્રેમ કરે ત્યારે તમારી શક્તિ વધે છે, પરંતુ જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિંમત વધી જતી હોય છે. પ્રેમ જીવનનું ચાલકબળ છે અને પ્રત્યેક મોસમ જિંદગી માટે પણ જરુરી છે.
– દિનેશ દેસાઈ
બિલિપત્ર –
“હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ ઝરે તો સાવન;
મોસમ મારી તું જ તું, કાળની મિથ્યા આવન-જાવન.”
– કવિ હરિન્દ્ર દવે
શ્રી દિનેશ દેસાઈ ૧૯૮૯થી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જુદા જુદા સામયિકોમાં ૬૫૦થી વધુ પુસ્તક વિશે તેઓએ લખેલા અવલોકન-વિવેચનના પુસ્તક પરિચયના લેખોના ૩ પુસ્તક, ગુજરાતી પત્રકારત્વમાં તેમણે જુદા જુદા ૧૦૦થી વધુ વિષય ઉપર લખેલા ૫,૫૦૦થી વધુ લેખ પ્રગટ થયા છે. સમભાવ, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, જનસત્તા, સંદેશ, Tv-9 (નવી દિલ્હી – બ્યુરો ચીફ), અને “અભિયાન”ના ડેપ્યુટી એડિટર તરીકે પ્રદાન કર્યા બાદ ૨૦૧૧માં ગુજરાત સરકારમાં જોડાયા. હાલ તેઓ ગાંધીનગર સમાચાર અને ઓસ્ટ્રેલિયાના જય ગરવી ગુજરાતમાં કટારલેખન કરી રહ્યા છે. કાવ્ય, ગીત- ગઝલ સંગ્રહો, નવલકથા, નવલિકા, વિવેચન, જીવનચરિત્ર, કાયદો, પર્યાવરણ, લલિતનિબંધ, ગુજરાતલક્ષી, માહિતીલક્ષી વગેરે વિવિધ વિષય ઉપરના ૫૦થી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. અક્ષરનાદ સાથે સંકળાઈને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો આભાર અને અક્ષરનાદમાં સ્વાગત છે.
ખુબ જ સુંદર….
બાળપણ માં સાંભળેલું… શીખેલું એક ગીત
કારતક માં ટાઢ આવી
માગશર માં મ્હા લી
પોષ મહિને પતંગ લઈને
ટાઢ ને ભગાડી
મહા મહિને વસંત પંચમી
ઉડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી
રંગ ગુલાબી ગાલ
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો
Vacation વૈશાખ
જેઠ મહિને ગિલ્લી દંડા
રમતા લાગે થાક
અષાઢ મહિને આંધી સાથે
વાદળ વરસે ઝાઝા
શ્રાવણ મહિનો સરોવર છલકે
શાકભાજી છે તાજા
ભાદરવા માં ભીંડા મકાઈ
લોકો હોંશે હોંશે ખાય
આસો મહિને દિવાળી નાં
ફટાકડા fodaay….
એક બીજું ગીત
કારતક katare
માગશર મહાલે
પોષ મડિયા ખોશ
મહા માધે કામર ખંધે
ફાગણ ફાલ્ો
ચૈત્ર chatare
વૈશાખ વેતરે
જેઠ કરાવે વેઠ
અષાઢે આંધી
શ્રવણે ઝરમર
ભાદરવો શ્રાદ્ધ
આશો ઉલ્લાસ
ભાવના મિસ્ત્રી
Liked.
ઋતુઓની રંગમાળા સરસ વર્ણવી દિનેશભાઈએ, –
પણ મહિનાઓના વર્ણનમાં જરા અટવાઈ ગયા –
વસંત એટલે ચૈત્ર – વૈશાખ નહીં, ફાગણ ચૈત્ર ફાગના રંગ વસંતની વાત લાવેેેે
એવીજ રીતે ગ્રીષ્મમાં આષાઢ ન આવે એને તો વૈશાખ જેઠ જોઈએ.
વર્ષામાં ભાદરવો ન આવે – એને આષાઢ- શ્રાવણ જોઈએ
આપણે હેમંતને કારતક-માગશરથી શરુ કરીએ તો એ બરાબર થાય અને
બીજી બધી ભૂલો પણ સુધરી જશે
કાર્તિક માગશર હેમંત
પોષ મહા શિશિર
ફાગણ ચૈત્ર વસંત
વૈશાખ જેઠ ગ્રીષ્મ
આષાઢ શ્રાવણ વર્ષા
ભાદરવો આસો શરદ
સુધાકર શાહ
Nice article..
the ending lines of ‘Bilipatra’ is beautiful….
અદભુત.. અદભુત વર્ણન.. સુર્યનો રાશી પ્રવેષ અંગેની સંપુર્ણ માહીતી આજે જાણવા મળી.