પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો

૧. વતરણું – દિવ્યેશ વિ. સોડવડીયા

“નિયતિ ! હું તારી પાસે રંગીન વતરણું માંગું છું ને તું દરવખતે મને સફેદ વતરણું જ પકડાવી જાય છે. શા માટે? મારે મારી જિંદગીની કાળી કોરી પાટીમાં રંગીન ચિત્રો દોરવા છે ને તું મને આવું ફિક્કું સફેદ વતરણું..! હવે તો હું રંગીન વતરણું લઈને જ જંપીશ. જો તું નહી આપે તો હું ઝૂંટવી લઈશ.” વંશ નિયતિની સામે હ્રદયની વેદના ઠાલવતો રહ્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. મળે પણ ક્યાંથી? આ તો નિયતિ હતી. હંમેશા પોતાની મનમાની કરનારી, તદ્દન જિદ્દી.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો તો શું! પ્રત્યેક હિસ્સો આવો વર્ણહીન હતો. છતાં તેને રંગીન બનાવવાની સ્વયંની હોડમાં તે કાયમ તત્પર રહેતો.
“પપ્પા, મને એકડો લખી દ્યો ને ! પછી હું ઘૂંટ્યાં કરીશ.” દીકરી નિયતિએ પાટી પર સફેદ વતરણું મૂકી હાથ લંબાવ્યો, ને ત્યાં જ તેના મોંમાંથી લોહીનાં કોગળાં નીકળી ગયાં. પળભરમાં સફેદ વતરણું રક્તવર્ણું રંગાઈ ગયું ને વંશ-વંશિકાની જિંદગીમાં કાયમી ફિક્કો શ્વેતવર્ણ ઘૂંટાઈ ગયો.
અસાધ્ય રોગથી પીડિત નિયતિને ગુમાવી આક્રંદ રૂદન સાથે વંશ બાંગ પાડીને બોલી ઉઠ્યો, “નિયતિ, મેં તારી પાસે રંગીન વતરણું ક્યાં માંગ્યું હતું? મેં તો નિયતિ પાસે…” ને તેણે પાંચ વર્ષની નિયતિને હીબકાં ભરતા હ્રદયનાં ખોળામાં સંતાડી દીધી.

– દિવ્યેશ વિ. સોડવડીયા

૨. ભિખારણ – ધવલ સોની

“ઓહ, તું એ ભિખારણ સાથે શું કરતો હતો ત્યાં ? મને.. મને વિશ્વાસ નથી અવતો કે તું ત્યાં હોટલમાં એક ભિખારણ સાથે. ઓહ ગોડ. બ્લડી ફૂલ.” ચાર્મીનો ગુસ્સો તેના ગુલાબી નાક પર રાતોચોળ થઈ રહ્યો હતો પણ વંશનું ધ્યાન એની પર ક્યાં હતું. એ તો હજી પણ પેલી ભિખારણના જ વિચારોમાં ખોવાયેલો હતો. એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એ આ રીતે ફરી એની સામે આવશે.
તેનું ધ્યાન ચાર્મી પર પડ્યું. ચાર્મી તેને કશુંક કહી રહી હતી પણ તેને તો ચાર્મીમાં પણ પેલી હોટલવાળી ભિખારણ નજર આવી. તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તેની આંખ સામે પાંચ વર્ષ પહેલાની ઘટના તરી આવી. હોસ્ટેલની એક સૂમસામ રાતે તેની નજર સામે એક છોકરીના દેહ સાથે શેતાનો રમી રહ્યા હતા ત્યારે પોતાનો જીવ બચાવવા એક પાતળો દેહ ત્યાંથી ભાગી છૂટેલો.
એ ગોઝારા દિવસનો પશ્ચાતાપ ત્યારપછી જીમમાં પરસેવાની જેમ વહ્યો હતો. અને વંશ આજે દેશનો ફર્સ્ટ નંબરનો હેવીવેઈટ ચેમ્પિયન હતો. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો બની ગયેલી એ ઘટના આજે ફરી બની રહી હતી. જૂના દર્દ પર જાણે કોઈએ મીઠુ ભરાવ્યું. સામેવાળાને મારીમારીને તેણે અધમૂઓ કરી નાખ્યો. એણે એ યુવતીને બચાવી તો લીધી પણ એને ક્યાં ખબર હતી કે એ પાગલ સ્ત્રી બીજું કોઈ નહીં પણ…

– ધવલ સોની

૩. ઉમ્મીદ – અનસુયા દેસાઈ

વારુણીએ રૂમની લાઈટ બંધ કરી પણ ખટખટ અવાજ સાંભળી વંશે જ દરવાજો ખોલવા જવું પડ્યું. દરવાજો ખોલતા પ્રમાણપત્રોની ફાઈલ લઈ બહાર ઉભેલો અમર દબાતે પગલે અંદર આવ્યો અને મોટાભાઈને ભેટી રડી પડ્યો… નોકરી માટે ભટકતા રહેતા અમરની આશા પર આજે પણ પાણી ફરી વળ્યું લાગતું હતું.
વારુણીના કાન બંને ભાઈઓની થતી વાત પર હતા.
“શું થયું?” વંશની આંખોનો મૌન પ્રશ્ન…
“ભાઈ, દયાળસાહેબ કહે છે ઈન્ટરવ્યૂ પહેલા પચાસ હજાર…..”
અમરનું વાક્ય પૂરું થાય ત્યાં.. “અરે, સૂઈ જાઓ. નવાબસાહેબ અડધી રાત્રે આવ્યા છે. તમારે તો સવારે વહેલા ઑફિસ જવાનું છે.”
વંશ બિચારો રાત્રે ઘરમાં શાંતિ જાળવી રાખવા ચૂપચાપ બેડરૂમમાં આવી ગયો.
“સાંભળો, મારા ઘરેણાં અને તમારા પી.એફ તરફ નજર ના કરશો, અત્યારથી કહી દઉં છું.”
“હમણાં સૂઈ જા, સવારે વાત કરીશું.” લાઈટ બંધ કરતા બોલ્યો.
અમર પણ ફાઈલ મૂકી, કપડા બદલી સાથે લાવેલ બોટલનું પ્રવાહી પી બીજા રૂમમાં જઈ સૂઈ ગયો.
વંશ પરિવારની આર્થિક દુર્દશા સમજતો પણ પત્ની હંમેશાં આ જવાબદારીથી મુક્ત રાખવા પ્રયત્નશીલ રહેતી. કરજ કરી ભણાવેલ લાડલો ભાઈ હવે ઑફિસર બનશે એવી ઉમ્મીદ રાખતો એ સૂતા સૂતા પણ અમરની જોબ માટે લાંચની રકમ ક્યાંથી ભેગી કરવી વિચારી રહ્યો હતો. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો, એક ઉમ્મીદ ..કાલનો સૂર્યોદય જોશે ?

– અનસુયા દેસાઈ

૪. લોંગ ડ્રાઈવ – ભાવિક રાદડિયા

“બસ હો, આટલા બધાં વખાણ સારાં નહીં.” રીનાએ કાર ડાબી તરફ વાળતાં કહ્યું.
“આટલા ઓછાં એમ કે…” ફ્લર્ટ કરવાનાં ઈરાદે વંશે આંખો નાની કરી સ્મિત રેલાવ્યું…
આ પ્રેમી યુગલે પ્રકૃતિના સૌંદર્યને ભરપૂર માણેલું. ફોટોગ્રાફીના સમાન શોખના લીધે સાત સાત વર્ષથી સંબંધો હંમેશ જીવંત રહેલા. આજે પણ તેઓ ફોટોશુટ માટે પોલો ફોરેસ્ટ જતાં હતાં.
અચાનક રીનાનાં લાંબા ચહેરાને નીખારતી અણીદાર આંખો પહોળી થઈ. ગાલ પર જાણે લોહીની ટશરો ફૂટી નીકળી હોય એટલા લાલ થયાં.
“વંશ… વંશ બ્રેક નથી લાગતી.”
રીનાની કારમી ચીસ સંભળાય… સદ્દનસીબે તેઓ શહેરથી વધુ દૂર નહોતાં. રીનાને જેમ તેમ કરી હૉસ્પિટલ ખસેડી.
પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો હંમેશ માટે સમાપ્ત અને હવે…
વંશને તેની બહેન યાદ આવતા સફાળો બેઠો થયો…
“અરે, કાવ્યા તો મારી કાર લઇને લોંગ ડ્રાઈવ પર જવાની હતી, પણ કારમાં….”
તેનો મોબાઇલ રણકતાં જ તે કાંપી ઉઠ્યો.

– ભાવિક રાદડિયા ‘પ્રિયભ’

૫. સોદો – આરતી આંત્રોલીયા

તેને સારા દિવસો જઈ રહ્યા હતા, સારા એટલા કેવા સારા, પાણી માંગે ત્યાં દૂધ હાજર. ખુદ રાજમાતાની નજર હેઠળ તેની કાળજી લેવાતી હતી॰ પોતાના ઊપસેલા પેટ પર હાથ ફેરવતી તે ન જાણે કઈ કેટલીયે વાતો કરતી રહેતી પોતાના અંશ સાથે; પોતાના ઉદરમાં પાંગરી રહેલા રાજવી કુટુંબનાં આ વંશ સાથે. તે ખૂબ ખુશ હતી. પણ રાજવી કુટુંબના આ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો અને તે પણ અહમ હિસ્સો, તેની મા સાથેનો તેનો લોહીનો સંબંધ તો જનમતાં વેંત જ, નાળની સાથે-સાથે જ કપાઈ જવાનો હતો.
પ્રસવ બાદ ભાનમાં આવતાં જ ભૂખ્યા થયેલા તેના લાડલાનો રડવાનો અવાજ તેના કાનોમાં ગુંજી રહ્યો, ખાટલામાં પડ્યા-પડ્યા તે હાથ વડે આજુ-બાજુ ફંફોસી રહી, પણ તેના ઉદરની જેમ તે જગ્યા તો ખાલી હતી. ખરું પૂછો તો, પોતાની કૂખ ભાડે આપનાર એ પોતે પણ નહોતી જાણતી કે આમ પોતાના લોહી-માંસનાં બનેલા આ પિંડને જનમતાંની સાથે જ, બીજાને સોંપી દેવું આટલું સહેલું નહીં હોય. નહિતર આવો સોદો તે ક્યારેય કરત ખરી?

– આરતી આંત્રોલીયા

૬. વીરગતિ – ધર્મેશ ગાંધી

‘”એ..ય..થોભ..” બૂમ સાંભળીને વીરે ગભરામણમાં બાઇકની ઝડપ વધારી.
“મગજમારી-ઝઘડો કરશે.. શકલ પરથી જ ગુંડા જેવો.., તું ભગાવ..” ગતિએ ઇંધણ પૂરું પાડ્યું.
થોડીવાર પહેલાં જ કેવી આહલાદક અનુભૂતિ થઇ રહી હતી વીરને, પાછળ ચીપકીને બેઠેલી ગતિના ઉભારની. મનોમન એણે ગ્રામપંચાયતનો આભાર માન્યો, ભાંગેલાં-તૂટેલાં રસ્તાઓ માટે. બાઇકનો વેગ વધારી, ઓચિંતી બ્રેક મારવાની મજા લઇ રહ્યો હતો..!
પ્રેમરૂપી ઘર્ષણે બાઇકને ડોલાવ્યું, ને વળાંકમાં અન્ય વાહનચાલક સાથે અડફેટ થતાં બચ્યાં.
પેલો વાહનચાલક રસ્તા પરથી ઉતરી પડતાં, ગુસ્સે થઈને પાછળ પડ્યો; જોરશોરથી હોર્ન વગાડતો, બૂમો પાડતો, લાઈટ બતાવતો એ જાણે વીર-ગતિનો પીછો કરી રહ્યો.
થોડીવારે ગુંડો ધીમો પડ્યો, પણ વીર ગતિમાન જ..!
..ને આગળ જતાં જ, ગુંડાએ જોયું તો..
વીરની બાઇક રસ્તા પર આડી પડેલી; વીરનું માથું ડિવાઈડર પર લોહીલુહાણ;
ગતિ આઘાતમાં સુન્ન.
ગુંડા જેવાં લાગતાં શખ્શે એમ્બ્યુલન્સ બોલાવી, પોતાને દોષિત ઠરાવ્યો.. ખાસ કરીને પોતાના ખૂંખાર, કપાયેલાં હોઠવાળા ચહેરાને, જેને જોઈને ‘આ લોકો’ ભાગ્યાં, ને..
“સરકારે ‘હેલ્મેટ’નો કાયદો અમસ્તો બનાવ્યો..?” ટોળું બોલ્યું.
“હેલ્મેટની જરૂર તો મારા ચહેરાને..ઢંકાઈ રહેવા માટે..હું તો આ બહેનના લટકતાં દુપટ્ટાને પૈંડામાં આવી જતો અટકાવવા..” ગુંડાએ અપરાધજનક અફસોસ ઠાલવ્યો..
*
“આ ગતિ જ આપણો વંશ આગળ વધારશે..” થનારા સાસુના શબ્દો ગતિના કાને પડઘાયાં, ને ગતિનું ડૂસકું.. “વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો… રસ્તે વેરવિખેર..!”

– ધર્મેશ ગાંધી

૭. ન્યાયી નિયતિ – જાહ્નવી અંતાણી

“વંશ, આજે મારી દવા ખલાસ છે, લાવવાની છે.” બાપુ બોલ્યા. ત્યાં તો મા સહેજ ઊંચા અવાજે તાડૂકી, “હવે તમારી દવામાં જ પૈસા જાય છે, ઘરમાં થોડું વધારાનું રંગરોગાન અને સમારકામ માટે તો ભેગું થતું જ નથી.” વંશે ચિંતિત સ્વરે પણ મીઠો જવાબ આપ્યો, “થઇ જશે ચિંતા ન કરો.”
કુટુંબની જવાબદારીઓથી ઘેરાયેલા વંશે ફાટેલા મોજા પહેરતા બહેન વિશાલાને પૂછ્યું, “તને શું જોઈએ બેના?” બહેને કહ્યું, “વહેલો આવજે.”
નોકરીમાં ખંત અને લગનથી કામ કરતો વંશ ઓફિસેથી પાછા ફરતા ઉદાસ હતો. મન મૂંઝવણમાં હતું.
કંપનીનું અહીંનું યુનિટ બંધ થશે એવું સંભળાતું હતું. આવતીકાલે મુંબઈથી આવતા બોસ અને કર્મચારીઓની મિટીંગ હતી. ‘શું થશે? નવી નોકરી ક્યાં શોધીશ? મા-બાપુને કેમ કહીશ!’ રાત્રે સૂતી વખતે ડાબે જમણે પડખાં ફેરવતાં વંશની નીંદર વેરણ થઇ હતી. એના ઓશીકાને, મનની વેદના ભીંજવી રહી હતી.
પરંતુ નિયતિમાં શું છે એ કોઈ જાણી શક્યું છે? વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો આવતીકાલે સોળે કળાએ ખીલવાનો હતો. અત્યાર સુધીના પરિશ્રમનું એક મીઠું ફળ એની રાહ જોઈ રહ્યું હતું.
બોસની બેગમાં યુનિટ બંધ થવાની ફાઈલની સાથે, વંશના નામનો મુંબઈના યુનિટમાં આસિસ્ટન્ટ મેનેજરના હોદ્દાનો પ્રમોશન પત્ર પણ હતો.

– જાહ્નવી અંતાણી

૮. પાનખર – જલ્પા જૈન

“મિસ્ટર વંશ ત્રિવેદી?” આ અવાજે તેને કૅબિનમાં ધકેલ્યો.
કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડૉ. કશ્યપે વંશની ફાઇલનો ધ્યાનથી અભ્યાસ કર્યો.
“વેલ મિસ્ટર વંશ આપની આ કેન્સરની ગાંઠનું ઓપરેશન વહેલી તકે કરાવવું પડશે. તમારે આજે જ એડમીટ થવું પડશે.”
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી. એના જીવનનો એક હિસ્સો, આજે અહીંયા, આવી રીતે? પાનખરમાં પાંદડા ખરી ગયેલાં વૃક્ષ પર હસતું એક પીળું ફુલ.
લોન્જમાં મુકેલા આ સુંદર પેઇન્ટીંગે વંશના પગ રોક્યા.
“ડોકટર રૂમ નં. 2ના દર્દી ?” નર્સે સમાચાર આપ્યા.
*
આજે ફરી મેડીકલ કોલેજની જેમ જ મેડીકલ ટ્રીટમેન્ટ પણ અધવચ્ચે જ.
હંમેશની જેમ સ્વભાવિક પણે ડૉ. કશ્યપે પોતાની પત્ની ડૉ. રીમા સાથે કેસની ચર્ચા કરી.
દર્દીના નામનો ઉલ્લેખ થતાં જ રીમા હેબતાઈ.
આ બધું એટલુ ત્વરિત અને આઘાતજનક હતું કે થોડી ક્ષણો તો તે મૂઢ બની ગઇ.
કૉલેજ છોડી અધવચ્ચે ભાગી જવાનું કારણ…
‘કેન્સર ?’ રીમાને હવે વાતની કળ વળી.
હૉસ્પિટલની લોન્જમાં આવી એ સ્તબ્ધ થઈને ઊભી.
વિષાદ નીતરતી આંખો સામે એક વૃક્ષ પાનખરની મોસમમાં પત્તા ખેરવતું ઊભું હતુ.
એ પત્તાં ખેરવી રહેલા વૃક્ષ પર એક પીળું ફૂલ હસતાં હસતાં, ખરવાની રાહમાં હતું અને ખૂણામાં, તારીખ સાથે નામ હતું “વંશ ….”
“હે ઈશ્વર !!” એ ફક્ત આટલુ જ બોલી શકી.

– જલ્પા જૈન

૯. ગેમ ઓવર – ગોપાલ ખેતાણી

“વિધવા પુનઃલગ્નનો હું હિમાયતી છું. આજે ડિનરનું આમંત્રણ છે, અને હા, હું તેનો સાથ નિભાવીશ.”
વંશે કામિનીના વકીલ મિત્ર રાજને જણાવી ફોન મૂક્યો અને કામિનીને મળવા નીકળ્યો.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઇ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો આજે અજબ સંભારણું બની જવાનો હતો.
“યુ લુક હેન્ડસમ!” કામિનીએ વંશનું સ્વાગત કર્યું. બન્નેએ સોફ્ટ ડ્રિંક લીધું.
લાંબી નીંદરમાંથી ઊઠ્યો હોય એમ કામિનીના બેડ પરથી વંશ ઊઠ્યો, માથું ભારે હતું.
વસ્ત્રો આમ-તેમ પડ્યા હતા. કામિની ડૂસકાં ભરતી હતી.
“શું થયું?” અંશ બરાડ્યો.
“નરાધમ.. મોઢું કાળું કર્યું તે!”
ત્યાં તો રાજ પોલીસને લઇને આવી પહોંચ્યો.
રાજ બોલ્યો, “લઈ જાઓ હરામખોરને.”
વંશ ઉભો થતાં બોલ્યો “હા, ચાલો.” રાજ થોડો તરડાયો.
વંશને બાજુ પર લઈ બોલ્યો “તું બચી જાય જો તુંકામિનીને ૧૦ લાખ આપી દે; એટલે તે બિચારી આ શહેર છોડી દેશે. બન્ને બદનામીમાંથી ઉગરી જશો. પોલીસને હું સંભાળી લઈશ.”
ત્યાં ફરી એક બીજી પોલીસવાન આવી પહોંચી.
વંશ બોલી ઊઠ્યો, “હેય રમન, પરફેક્ટ ટાઇમિંગ.”
રમન વંશના કાનમાં ગણગણ્યો.
“રાજ – કામિની ગેમ ઓવર. ઇન્સ્પેકટર,નકલી પોલીસને પણ ગિરફ્તાર કરી લો.” વંશ ચિલ્લાયો.
“ઓ.કે. સર”
“સર !!?” કામિની જોતી રહી ગઈ.
“યસ.. એમ સી.આઈ.ડી. ઇન્સપેક્ટર! તમારી રમતોની ફરિયાદ મળી એટલે મારે જ આ ગેમ ઓવર કરવા આવવું પડ્યું. રમન, ઘરમાંથી સિક્રેટ કેમેરા કાઢી લે.”

– ગોપાલ ખેતાણી

૧૦. સરહદ પાર – હેતલ પરમાર

મુંબઈનાં પોશ વિસ્તારમાં આલિશાન મહેલ જેવો બંગલો, દોમદોમ સાહ્યબી, અઢળક સંપતિનો માલિક વંશ ખુરાના..
આજે સાવ એકલતા અનુભવતો હતો. એની આ સાહ્યબી ભોગવનાર હવે રહ્યો ન હતો.
“વિની, હું ગાર્ડનમાં જાઉં છું.” કહેતો વંશ ઉદાસ ચહેરે ત્યાંથી નીકળી ગયો.
વિની તો જાણે જીવતી લાશ હોય એમ બેઠેલી જ રહેતી દરવાજા સામે.
વંશ ગાર્ડનમાં આવી પોતાનાં મિત્રો સાથે લોન પર બેઠો રોજની જેમ ઉદાસ.
બધાની ચર્ચામાં વંશનું ધ્યાન ન હતું.
માત્ર એટલું સંભળાયું કે, “સરહદ પાર”
અને ફટ દઈને ન્યુઝપેપર આંચકીને જોવા લાગ્યો.
હેડલાઈન હતી “સરહદ પાર જે ભારતીયોને દસ વરસ પહેલા પકડેલા તેમાંથી અડધાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અને અડધાને ત્યાંની સરકારે છોડી મુકવાનો આદેશ આપ્યો છે.”
નીચે આપેલી તસ્વીરમાં નજર કરી તો પોતાનો પુત્ર આરવ દેખાયો.
ગાંડોઘેલો થતો દોડ્યો ઘર તરફ.
વંશને ક્યાં ખબર હતી નિયતિએ કઈ રમત આદરી હતી એના જીવનનો એક હિસ્સો આમ આટલા વરસે પણ સરહદ પાર ધબકતો હતો.
“વિની, જો કીધું હતું ને આપણો આરવ જીવે છે. જો, જો આપણો દીકરો….”
આંખમાં હર્ષાશ્રુ સાથે બન્ને ભેટી પડ્યા.
વિનીનાં શરીરનો હિસ્સો જાણે ધબકવા લાગ્યો.

– હેતલ પરમાર

૧૧. નિયતિ – જાગૃતિ પારડીવાલા

“વંશ, તમારી વાઇફનું એકસીડન્ટ થયું છે અને એમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરેલા છે.”
આટલું સાંભળતા જ વંશનું શરીર ધ્રુજવા લાગ્યું ને એણે કાર હૉસ્પિટલ તરફ વાળી. મનમાં કંઈ કેટલીયે અટકળો આવતી હતી કે કોનું કામ હશે?
“રઘલો.. ના એતો રાધાને પોતાની બેન માનતો હતો. રાણો… ના એ ભલે મારો દુશ્મન હોય પણ દુશ્મની આવી રીતે ન ઉતારે.. નિ… યતિ.. હા એ જ..”
વંશ ને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એનાં જીવનનો એક હિસ્સો હતી નિયતિ.. બન્ને એક જ ગેંગના આગેવાન હતાં. કેટકેટલી મોટી લૂંટનાં અંજામો બન્નેએ સાથે આપ્યાં હતાં. બંનેને એકબીજાનું આકર્ષણ પણ હતું પણ સુંદરતાનું અભિમાન અને પૈસા પાછળની દોડને કારણે વંશે નિયતિ સાથે નાતો છોડી દીધો. જે નિયતિને પસંદ ના પડયું. નિયતિએ વંશને સાથે રહેવા ધણું સમજાવ્યું .નિયતિએ ધમકીઓ પણ આપી, પણ વંશે પોતાની અલગ દુનિયા શરૂ કરી. રાધા સાથે લગ્ન અને લગ્નના ત્રણ વર્ષ બાદ રાધાને મા બનવાનો મોકો મળ્યો.બન્ને બહુજ ખુશ હતાં પણ..
વંશ હૉસ્પિટલ પહોંચ્યો.
“ડોકટર.. મારી વાઇફ કેમ છે? એનું બાળક..?”
“તમારી, વાઇફ બરાબર છે પણ તમારા બાળકને અમે નહીં બચાવી શક્યાં. આ બાજુમાં ખાટલામાં જે બેન છે એમણે તમારી વાઇફની જિંદગી બચાવવા જતા પોતાની જિંદગી ખોય છે. આ એમની જ છોકરી…”
વંશે ડોક ફેરવી ” આતો ….નિ..યતિ..”

– જાગૃતિ પારડીવાલા

૧૨. નિયતિ – મીરા જોશી

શહેરમાં ભણતર પૂરું કરીને વંશ સાત વર્ષ બાદ પોતાના ગામ આવી રહ્યો હતો. છેલ્લા બે વર્ષથી તો બાને પત્ર લખવાનું પણ નહીંવત્ થઇ ગયું હતું. એટલે તેણે ગામ જવાનું નક્કી કર્યું. વંશ પોતાની પ્રિયતમાની વાત બાને કરવા માટે પણ ઉત્સાહિત હતો. આખરે એના વિના જીવવુંય દુષ્કર જ હતું. પણ, વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી!.. એના જીવનનો એક હિસ્સો હતી એની ‘બા’. પોતાની બધી જ ટેવ, આદતો, પસંદ-નાપસંદ એમની જ પ્રતિકૃતિ હતી.
ગામના નવા-જૂના ચહેરાઓને ઓળંગતા વંશ એના માટી લીંપ્યા ઘરે પહોંચ્યો.
“આવ, દીકરા..! તારા વિના તો..” કહેતાં બાની આંખો ભરાઈ આવી.
પણ, ત્યાં જ…
“વંશ, આ પૂજા, તારી બહેન.” વંશના હૃદયને થપાટ વાગી. પૂજા પણ વંશને જોતા અચંબિત રહી ગઈ.
“બા, પૂજાને હું…” કહેવા જાય એ પહેલા જ બાએ એક ઘટસ્ફોટ કર્યો.
“વંશ, તારાથી એક વાત હંમેશા છુપાવી છે. જુવાનીમાં તારી માસીનો પગ ક્યાંક આડો પડી ગયો હતો. બહેનને દગો મળ્યો, ને એ ભારે પગે આપઘાત કરવા નીકળી ત્યારે મેં બળ આપ્યું, ને પૂજાના જન્મ પછી અમે એને શહેરના અનાથશ્રમમાં મૂકી આવ્યા. હવે બેનનું અવસાન થતાં મને થયું એ દીકરીને મારી દીકરી બનાવી લઉં. એને પરિવાર મળી જાય ને તને….!”
વંશ આભો બનીને નિયતિના ખેલને જોઈ રહ્યો…

– મીરા જોશી

૧૩. જંગલ – મીરા જોશી

બહુ વહાલા હતાં તેને ફરફરતા છોડવાઓ, ફૂલો ને અડીખમ વૃક્ષો. એટલે તો એણે જંગલ વાવ્યું હતું. હા, રીતસર જંગલ જ.. કોઈ વ્યક્તિ બાગ-બગીચા વાવે, પણ વારસામાં મળેલી જમીનમાં એણે એકલે હાથે જાત-જાતના વૃક્ષોનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. શહેરથી જોજનો દૂર, વંશ અહીં એક નાના છોકરાને સાથે રાખી આખો દિવસ જંગલને સમર્પિત રહેતો. ક્યારેક વનરાઈઓ સાથે એ વાત કરતો, તો ક્યારેક ફૂલ-છોડને પાણી પાતાં એ મુગ્ધ હસી પડતો. વંશની પોતાની અલગ જ દુનિયા હતી, કહો કે બાકી દુનિયાથી એ સંપૂર્ણ અલિપ્ત હતો.
પણ એક અમાસની રાત્રીએ તેના જીવનનો વળાંક સર્જી દીધો. જંગલની બહાર હાઈ-વે પડતો, જ્યાં વંશે ઝાડીઓમાંથી કોઈ છોકરીની ચીસાચીસ સાથે બે પુરુષોની અફડાતફડી થતી જોઈ. તુરંત વંશનુ ખમીર જાગી ઉઠ્યું. એ નિર્ભયાને બચાવવા દોડયો, પણ બંને પુરુષો નાસી છૂટ્યા. નિર્ભયાએ વંશનો આભાર માન્યો, ને આખી રાત તે વંશના આશ્રયસ્થાને રહી.
બીજા દિવસે તેને ગંતવ્યસ્થાને મૂકીને વંશ ખુશખુશાલ ચિત્તે જંગલ ભણી આવતો હતો, ત્યારે વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી, એના જીવનનો એક હિસ્સો- એનું જંગલ, હૃદયમાં ઘેઘુર છટાની જેમ છવાયેલા એ વૃક્ષો અગ્નિની પ્રચંડ જ્વાળામાં સળગી રહ્યા હતા. વંશ બરાડી ઉઠ્યો.. એ રોક્કળ છેક અનંત આકાશે સંભળાય એટલી તીવ્ર પીડામય હતી.
પણ ત્યાં જ એણે ગઈરાત્રે જોયેલી બે માનવ આકૃતિ જતી જોઈ… ને !

– મીરા જોશી

૧૪. શીલા મર્ડર કેસ – કલ્પેશ જયસ્વાલ

શીલાના મર્ડર પછી વંશ છ મહિને એના જીવનના એક હિસ્સા સમાન એની પત્ની શીલાના મકાનને વેચીને કરોડોનો સોદો પાર પાડવા ગયો અને પછી પૈસા માટે ભાગતી જિંદગીને આરામ!
મકાનમાં પ્રવેશતા જ એની આંખો અચરજ પામી ગઈ. છ માહિનાથી બંધ પડ્યું હોવા છતાં મકાન ચોખ્ખું ચણાક! અને પછી અચાનક એ ધુણની પાતળી પરતમાં ગરકાવ થઈ ગયું. વંશ ગભરાઈને ભાગ્યો પણ દરવાજા કાન ફાડી નાખતા અવાજ સાથે બંધ થઈ ગયા અને એક સ્ત્રીનું અટ્ટહાસ્ય ગુંજવા લાગ્યું. લાઈટો ચાલુ બંધ થઈને ધડાકાભેર ફૂટી ગઈ. એક તીણી ચીસ ગુંજી અને નાક-કાનમાંથી લોહી નીકળી ગયું. બધું સુન્ન થઈ ગયું માત્ર તીણી સિસોટી વાગવા લાગી. એ હાંફળો ફાંફળો થઈને સીડીઓ તરફ દોડ્યો પણ કોઈ અગમ્ય શક્તિએ એના પગ જકડી લીધા. એક ગરમ શ્વાસની લહેર એની પીઠથી ગરદન સુધી ગઈ. કંઈ વિચારે એ પહેલા તો એની ગરદન અદ્રશ્ય હાથોમાં જકડાઈ ગઈ અને એક પ્રચંડ ઝટકા સાથે ૧૮૦ અંશના ખૂણે ઉંધી થઈ ગઈ. એ ત્યાં જ ઢળી પડ્યો અને ફરીથી એના પગના તળિયા ૧૮૦ અંશના ખૂણે ફર્યા.
વંશ આવતા તો આવી ગયો પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો આ મકાન એનો જ ભોગ લેશે.
દરવાજો ખુલ્યો અને પાડોશીઓ લાશને ઘેરીને ગણગણવા લાગ્યા, “શીલા પણ આ જ રીતે મરી હતી.”

– કલ્પેશ જયસ્વાલ

૧૫. નિયતિ – ડૉ. નિલય પંડ્યા

રાતનાં બે વાગ્યા હતાં પણ વંશની આંખોમાં ઊંઘનું નામોનિશાન ન હતું. પોતે જેને જીવથી પણ વધારે ચાહતો હતો એ, તેની પત્ની અવની દસ દિવસથી ગાયબ થઈ ગઈ હતી.
પત્નીનું અપહરણ થયું હોવાની શંકા પડતાં વંશે પોતે જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એનાં જીવનનો એક હિસ્સો બની ગયેલી પ્રેમાળ પત્નીને ખોયા પછી ખરો આઘાત તો તેને હવે લાગવાનો હતો.
અઠવાડીયાની પ્રાથમિક તપાસ પછી અવનીનાં અપહરણમાં મુખ્ય આરોપી તરીકે જે નામ બહાર આવ્યું તે હતું – વંશ!
બીજે દિવસે તેને અદાલતમાં હાજર કરવામાં આવ્યો. વકીલની ધારદાર દલીલો અને સબૂતોએ વંશને ગુનેગાર સાબિત કરી દીધો. પહેલાં પત્નીને ખોવાનો અને પછી જેલની સજાનો બેવડો આઘાત ન જીરવી શકવાથી વંશ અદાલતમાં જ રડી પડ્યો.
હજી તો પોલીસ વંશને લઈ જાય એ પહેલાં જ સૌનાં આશ્ચર્ય વચ્ચે અવની ત્યાં આવી પહોંચી. આખો કેસ રફેદફે થઈ ગયો અને વંશ પણ નિર્દોષ છુટી ગયો. મનમાં કંઈક ગડમથલ સાથે તે સીધો ઘર તરફ ભાગ્યો..
ફરીથી રાતનાં બે વાગ્યા હતાં, અને આજે પણ વંશની આંખોમાં ઊંઘ ન હતી. પોતાનાં જ હાથે ભંડકિયામાં છુપાવેલી અવનીની લાશ ગાયબ હતી!

– ડૉ. નિલય પંડ્યા

૧૬. સ્વર્ગ – નિમિષ વોરા

વાસુદેવ અને વંશ, પડોશીઓને ઈર્ષા આવે તેવી બાપ-બેટાની જોડી. વંશની મમ્મી તેને બે વર્ષનો મૂકીને દુનિયા છોડી ચૂકી હતી. ત્યારબાદ અપરણીત રહેલો વાસુદેવ વંશનો બાપ, મિત્ર, ગાઈડ જે કહો તે.
પોતાના નાનકડા એવા ઘરમાં મોટું હ્રદય રાખી બન્ને ખુશીથી રહેતા. ઘરનું નામ પણ તેઓએ સાથે મળી આપ્યું હતું ‘સ્વર્ગ’. પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક જેવી પોસ્ટ ધરાવતા વાસુદેવ પાસે બચત થઈ શકે તેવી તો કોઈ આવક નહીં છતાં વંશનું સામાન્ય શિક્ષણ અને ઘર ખર્ચ નીકળી શકે તે પણ તેઓ માટે ઘણું હતું.
વર્ષો વીતતા ગયા. બાર સાયન્સમાં ભણતો વંશ ડાયરી લખવાનો શોખીન તે વાસુદેવને ખ્યાલ. આજે અચાનક ઘર સાફ કરતાં વંશની ડાયરી નીચે પડી અને તેનું એક ફાટેલું પાનું હાથમાં આવતાં વાસુદેવ ખળભળી ઉઠ્યો.
બીજે દિવસે વંશ ટ્યુશનથી આવતાં જ તેના હાથમાં વાસુદેવે ડાયરી સાથે કેટલાય રૂપિયા ભરેલું હેન્ડ-બેગ પકડાવી એટલું જ કહ્યું, “ખબરદાર હવે ફક્ત રૂપિયાને કારણે જો તે ઓછા ટકા લાવવાનું વિચાર્યું છે તો, તું ડૉક્ટર બને તે મારી નહિ પણ તારી કેન્સરગ્રસ્ત મમ્મીની છેલ્લી ઇચ્છા હતી.” વાસુદેવના ગળે ડૂમો બાજ્યો.
વંશ ડાયરી અને રૂપિયા સામે જોઇ રડી રહ્યો સાથે મુશળધાર વરસાદમાં ઘરની ચાર દિવાલો પણ રડી રહી. વંશને કયાં ખબર હતી કે નિયતિ એ કઇ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો એવું આ ‘સ્વર્ગ’ ગિરવે મુકાઈ ગયું હતું.

– નિમિષ વોરા

૧૭. જાંબલી બૂકે – નીવારાજ

રુચાનાં માથે હાથ ફેરવતા વંશે વિચાર્યુ, ‘બધાની જીદે ઝૂકવું પડ્યું બાકી જોવાલાયક સ્થળોની કયાં કમી છે.’
ટોળી હવે ઝોલે ચડી હતી. અંતાક્ષરીનાં ગીતો વંશના મગજમાં ઘુમરાઇ રહ્યા હતાં. ‘સુનસાયબા’. પહાડ પર જતાં વખતે બધા આવા ગીતો જ કેમ ગાય ?
બંધ આંખો સામે એ ગેસ્ટ હાઉસ અને જાંબલી બૂકે આપતી રીસેપ્શનિસ્ટ વિદ્યા ઝબક્યા. વાંકાચૂંકા રસ્તાઓ અને ઢાળો પર શિસ્તબધ્ધ ઉગી નીકળેલા ચાનાં બગીચાઓ.
વંશ અકળાઈ ગયો. વિધિએ રુચાનું માથું પોતાનાં ખોળામાં લઈ લીધું.
ધીમી ગતિએ પહાડ ચડી રહેલી બસમાંથી દેખાતા રબરનાં લાંબા વૃક્ષો, મરી, ઈલાઇચીનાં વેલ/છોડ તરફ વંશે નજર માંડી. મુન્નાર, એક સ્વર્ગ.
બસ ધીમી પડતા લગોલગ દોડી રહેલા છોકરા પર વંશની નજર પડી. જાંબલી રંગનાં ઘંટડી જેવા ફૂલોથી બનેલ બૂકે. ઓહ! બસ થોભતા જ ઝડપભેર ઉતરી પડેલા વંશે એક બૂકે હાથમાં લીધો.
“સાબ, ઐસા બૂકે યહાં સિર્ફ મેરી અમ્મા બનાતી હૈ. લે લોના.” વંશની આંખોમાં અવિશ્વાસ ફેલાયેલો જોઇ એણે આગળ બોલ્યે રાખ્યું. “અમ્મા બોત બીમાર હૈ. સાબ, પ્લીઝ લે લો. મેરે કો પૈસા ચાહીયે.”
“તેરા નામ ?”
“વેદાંશ, સાબ.”
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો કુંવારી મા બનવાના દોષમાં ઘરનિકાલ થઈ ફૂલો વેચતો હતો.
“બિચારો ! બધા બૂકે લ્યો.” વિધિનાં અવાજે વંશની આંખો ઊભરાઈ.
“તારી અમ્માને જરૂર મળીશ.” વંશ ધીમેથી બોલ્યો.

– નીવારાજ

૧૮. નિયતિ – મીતલ પટેલ

ડૉક્ટર બની ઘરે જતી નેહાના વિચારોની ગતિ ટ્રેનથી પણ વધુ હતી. ભૂત-ભવિષ્યના જીવનસપનાની સ્લાઇડો નજરો સામે.. વૈભવી બાળપણ, તેજસ્વી વિદ્યાર્થી જીવન, વંશનો પ્રેમભર્યો સહવાસ, ઇન્ટર્નશીપ, લગ્ન કરી હૉસ્પિટલ ખોલી ગરીબોની સેવાનું વચન..
“તમે લેશો?”
સ્વપ્નોમાં ખલેલ પહોંચી.
સુંદર યુવાન કપલ બિસ્કિટનું પેકેટ ધરી આગ્રહ કરતું હતું. વિનમ્રતાથી ના પાડી. સ્ત્રીએ વાતચીતનો દોર આરંભ્યો. મજાનું યુગલ હતું. અજાણ્યાથી મિત્રતાના તાંતણે બંધાઈ રહ્યાં હતા. નાસ્તાના આગ્રહને નેહા અવગણી ન શકી. સ્ટેશન આવ્યું, ત્રણે ઊતરી પોતપોતાની મંજિલ તરફ ચાલી નીકળ્યાં..
આંખ ખૂલી ત્યારે નેહા એક વિશાળ ઓરડામાં સજાવેલા પલંગ પર દુલ્હનના પરિવેશમાં હતી….
અચાનક બારણું ખૂલ્યું..
“એય ઉઠ, મંડપ તૈયાર છે.”
જબરદસ્તી, મારપીટ, ધાકધમકીથી ૩૦-૩૨ વર્ષના યુવક સાથે લગ્ન કરાવ્યા.. નજરકેદ રાખી પાશવી બળાત્કાર…
પોતાની વગ, પૈસો, ડૉક્ટરીનું ભણતર, ઉચ્ચ વિચારો, સુરક્ષિત સમાજથી વિખૂટા પડી; બે વર્ષથી અભણ, ઘાતકી પુરૂષપ્રધાન ગામમાં રહેતી નેહાને જીવતર વ્યર્થ લાગતું.
‘નિયતિ એને ક્યાંથી ક્યાં લઈ આવી..’ હજુ એ દ્વિધામાં જ..
અચાનક ઘરના મોભીની તબિયત ખરાબ થતાં પ્રથમ વખત નેહાએ આંગણે ગાડી જોઈ, ડૉક્ટરને બતાવવાની વાત જાણી. ડૉક્ટરી દિમાગમાં ભાગવાનો એક ઉપાય ઝબૂક્યો..
બીજી બાજુ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો નેહા આજે આતતાયીના અંશને પોતાની યાતનાઓના ગર્ભાશયમાં લઈને, નવેસરથી પોતાની નિયતિ લખવા એના દવાખાનાની દિશામાં કદમ માંડી ચૂકેલો હતો.

– મીતલ પટેલ

૧૯. વ્યંગ – મીનાક્ષી વખારિયા

એકાએક તેણે તેજ રફતાર જઈ રહેલી ગાડીને બ્રેક મારી.. ગાડીમાંથી નીચે ઉતરી રોડની પડખે આવેલી ખાઈને જોઈ રહ્યો.. એ વંશ હતો. તેણે આ જ જગ્યાએથી તેની પત્ની રિયાને ધક્કો મારીને એક દુઃખી લગ્નજીવનને અંત આણ્યો હતો. તેના ચહેરા પર ખંધુ સ્મિત રમી રહ્યું. નફરતથી ખાઈમાં થૂંકી, ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો ને ગાડી ભગાવી મૂકી.
આજે સુવાવડ માટે પિયર ગયેલી પત્નીને મળવા જઈ રહ્યો હતો. સુભાંગીએ સુંદર પુત્રને જન્મ આપીને વંશની બાપ બનવાની ઇચ્છાને સંતોષી હતી. રિયા ભલે ડૉક્ટર હતી પણ વંશની ઇચ્છા સંતોષવામાં નિષ્ફળ નીવડેલી. તેના માથા પર કેરિયરનું ભૂત સવાર હતું ને વંશમાં ધીરજનો અભાવ.. રિયાના મૃત્યુને અકસ્માતમાં ખપાવી, તેણે રિયાથી થોડી ઓછી દેખાવડી, ઓછા ભણતરવાળી સુભાંગીને પસંદ કરી મન મનાવી લીધેલું. આજે બાપ બની જતાં એ બધી ખામીઓનું સાટું વળી ગયું..
ખુશખુશાલ વંશ હાથમાં ગાડીની ચાવી રમાડતો હોસ્પિટલનાં પગથિયાં ચડી ડૉ.મિસીસ.શાહની કૅબિન પાસેથી પસાર થતો હતો ત્યારે કાને જાણીતો અવાજ અથડાયો, તેણે કૅબિનનો દરવાજો જરાક ખોલીને જોયું તો લેડી ડૉક્ટર એક બેએક વર્ષના બાળક સાથે કાલીઘેલી ભાષામાં વાતો કરી રહ્યા હતા. તેની અને ડૉક્ટરની નજર મળી.. તેણે બાળક તરફ જોયું.. બાળક આબેહૂબ પોતાની કાર્બન કોપી.. ડૉ.શાહના સ્મિતમાં વ્યંગ ભળ્યું. તે વિચારી રહી, “વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એના જીવનનો એક હિસ્સો..”

– મીનાક્ષી વખારિયા

૨૦. ક્યા આપ ભી ? – મીનાક્ષી વખારિયા

કહે છે કે આપણી પૃથ્વી લોક જેવી સાત પૃથ્વી છે. એ દરેક ભૂલોક જિંદગીથી ધબકી રહેલા. ક્યાંક અહીં કરતાં આગળનો સમય વહેતો હશે તો ક્યાંક પછીનો..
આવા જ એક ભૂલોક પર અનારકલીની યાદમાં શાહજાદો સલીમ ગમગીન હાલતમાં, જંગલમાં વચ્ચે ફરી રહ્યો હતો. અચાનક તેની નજર એક ટાઈમ મશીન જેવી વસ્તુ પર પડી. કુતૂહલવશ તે તેમાં જઈને બેઠો॰ લાલલીલા બટનો દબાવતા જ ટાઈમ મશીન તો ધણધણી ઊઠયું અને મોટા અવાજ અને ધુમાડા ઓકતું ઊંચે તરફ ઉડવા માંડ્યુ.. ધરતીથી દૂર આકાશને વીંધતું એક નવા જ ભૂલોક પર જઈ અટક્યું.
હક્કોબક્કો થઈ મશીનમાંથી બહાર આવ્યો.. અહીં લોકોની ચહલપહલ હતી.. ગાડી-મોટર રસ્તા પર દોડી રહ્યાં હતા, લોકોના પહેરવેશ બદલાયેલા લાગ્યા. અચંભિત હાલતમાં સલીમ ફરતો ફરતો એક આલિશાન, લાઈટોથી ઝળહળતી ઈમારત પાસે આવી પહોંચ્યો. બહાર ઉભેલો દરવાને સલીમના ઠાઠ જોઈ દરવાજો ખોલી આપ્યો. એ ઈમારતમાં ફરતો સલીમ એક તરણહોજ પાસે આવી પહોંચ્યો. એમાં એક પુરુષ અને સ્ત્રી જલક્રીડા કરી રહ્યાં હતા. એ પુરુષ વયસ્ક પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો, પેલી સ્ત્રી સંગેમરમર જેવું હુસ્ન ધરાવતી કોઈ હૂર..
વધુ નજદીક ગયો ત્યારે તે અકબર બાદશાહના વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો…
અનારકલી બાદશાહની ગોદમાં બેસીને નિઃસંકોચ જલક્રીડા કરી રહી હતી.
સલીમ માયુસીથી બોલી ઉઠ્યો, “આલમપનાહ આપ ભી ?”

– મીનાક્ષી વખારિયા

૨૧. છક્કો – સંજય થોરાત

“એય… છક્કા!”
જો વંશ, તને કહી દીધું, ખબરદાર જો મને…
“તો શું કરીશ? આમેય તું ક્યાં કશું કરી શકે એમ છે?”
વંશની આ કોમેન્ટ પર બધાં મિત્રો ખડખડાટ હસી પડ્યાં. બધાને ખબર હતી કે પ્રવીણ બહુચર માતાના સેવકના ગુણ ધરાવતો હતો. કૉલેજમાં પ્રવીણની મશ્કરી કરવામાં વંશ સૌથી આગળ હતો.
કૉલેજ પત્યા બાદ પ્રવીણ કોઈને દેખાયો કે મળ્યો નહોતો. હા, મિત્રો ક્યારેક મળતાં ત્યારે પેલો છક્કો શું કરતો હશે? કહીને યાદ કરી લેતાં હતાં.
સુંદર પત્ની વંશિકા અને દીકરી દીપિકા ધરાવતાં વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો કયા અંજામે જઈને પહોંચવાનો હતો.
વંશને દીકરો અવતર્યો અને પરિવારમાં ખુશી ફરી વળી. સવા મહિના બાદ એની નામકરણ વિધિ ધામધૂમથી કરવામાં આવી.
“મા બહુચર તમારું ભલું કરે…” ચંપામાસીએ જોરથી તાળીઓ ઠોકી.
“વંશિકા, માસીબા આવ્યાં છે, કાનાને લાવો.” સાસુએ બૂમ પાડી.
“આય…હાય… શું દીકરો છે.” ચંપાએ ટચાકા ફોડ્યાં.
“બા, સાલ્લો અને પુરા એક હજાર રોકડા લઈશ.” બીજા માસીબાએ ઓવારણા લીધાં.
એટલામાં વંશ ત્યાં આવીને ઉભો રહ્યો.
“અમે એને આશીર્વાદ આપી દીધાં છે.”
વંશ અને વંશિકા ખુશખુશાલ હતાં.
“વંશ, મેં તારા કાનાની ‘…..’ની નસ દાબી દીધી છે. હવે, એ પણ… છક્કો! બહુ શોખ હતો ને તને…”
મણ મણની બે જોખાવી તાળીઓ પાડતો માસીબા બનેલો પ્રવીણ સડસડાટ ભાગી ગયો.

– સંજય થોરાત

૨૨. પ્રક્ષુબ્ધ પ્રકરણ – સંજય ગુંદલાવકર

વંશની કઠોરતાને કારણભૂત એવા સ્ત્રીપાત્રોમાં એની દાદી મોખરે હતી. કે જેણે કેરોસીન છંટકોરીને બચપનની પાટીમાંથી માતાને ભૂંસી નાંખી હતી. ‘બચાવો’ ‘બચાવો’ની બૂમો કાને અથડાતાં જ સ્મરણશક્તિમાંથી આંખોમાં ઝાળ ને આગમાં બળબળતી માતા પ્રત્યક્ષ થતી ને મગજ સુન્ન થઈ જાતું. ત્યારે પિતા ક્યાં હતાં? એ અકબંધ રહસ્ય સ્વર્ગસ્થ હતું. દાદીના કર્મોની સજા મામી પર થોપવામાં આવી. મામીએ એવો ચાકડે ચઢાવ્યો, કે વંશ સ્ત્રીપાત્રોથી નફરત કરવા લાગ્યો.
ચુંમાળીસી વીતાવેલ વંશ નિરભ્ર નિશામાં ઘર તરફ પગલા માંડી રહ્યો હતો. એક નિર્જન સ્થાને નીરવ વાતાવરણમાં ધીરે ધીરે મોટી થતી “બચાવો” “બચાવો”ની બૂમો કાને અથડાઈ. સ્મરણશક્તિમાંથી આંખોમાં ઝાળ નીકળે એ પહેલાં, સ્ત્રીનો કાકલૂદીભર્યો સ્વર સાક્ષાત સામે, ને સાથે ચાર પુરુષોનું અટ્ટહાસ્ય પણ. વંશના બાવડાએ હવસખોરોની પાંસળીઓ ખોંખરી કરી. એ એકવીસ વર્ષના સ્ત્રીપાત્રે, નિયતિએ વંશને બાહુપાશમાં જકડી લીધો.
એકની એક દીકરી નિયતિને બચાવનારા વંશ પર વિશ્વાસ ન હતો. વંશના પ્રક્ષુબ્ધ પ્રકરણોમાંથી સ્ત્રીપાત્રોની પ્રતિમા પખાળવામાં નિયતિને બે વર્ષ વીતી ગયા. લીલીછમ્મ લાગણીશીલ નિયતિ જોડે થડ જેવા કઠણ વંશને જોઈને માતતાતના મૂળિયા હચમચી ગયા. વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો, સ્ત્રીપાત્રો પ્રતિ તિરસ્કાર નહીંવત રહ્યો.
નિયતિએ વંશ સાથે લગ્નનો પ્રસ્તાવ માંડ્યો. ઘણી કાવકાવ થઈ. કાગડો દહીંથરું લઈ ગયો. મેળવણ પર આંગળી ચિંધાઈ.
“બચાવો” નિયતિની બૂમ કાને અથડાઈ.. “બચાવો”

– સંજય ગુંદલાવકર

૨૩. તાળો – રક્ષા બારૈયા

“ખબરદાર આજ પછી કોઈ મને અહીં મળવા આવ્યું છે તો.” સમીરે બધા મુલાકાતીઓને તગેડી મૂક્યા. દરવાજા બંધ કરીને તે કેતકી દેવીના ચરણો પાસે આવીને ઉભડક જીવે ફસડાઈ પડયો. “માફ કરજો દેવી, એ બધાં મારી ચિંતામાં અહીં આવી પહોંચ્યા. બાર દિવસથી એમને મારો કોઈ સંપર્ક જ નહોતો.” તેના અવાજની ધ્રુજારી કેતકીના સ્પર્શથી શમી ગઇ.
*
અરુણા વંશ પાસે ઉભરો ઠાલવી રહી હતી. “કેટલું સમજાવ્યા એમને, કોઈનું સાંભળવા જ તૈયાર નથી. ગામની જમીનમાંથી હિસ્સો લઇને અહીં દુકાન નાખી હતી પણ છેલ્લાં કેટલાંય દિવસથી દુકાને પગ પણ નથી મૂક્યો. વિભા અને મનનની સ્કૂલ પણ છોડવી પડે એવાં દિવસો આવી ગયા. ભાઈ, તું જ તારા કાકાને પાછા વાળ.”
કાકીને સાંત્વના આપીને વંશ સમીર કાકાને મળવા પહોંચ્યો. મોહાંધ સમીરે વંશને મળવાની પણ મનાઈ કરી દીધી. અકળાયેલો વંશ કેતકી અને તેનાં મળતિયાંને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપીને ત્યાંથી નીકળ્યો. કાકીને ધરપત આપી કે બધુ જલદી ઠીક થઈ જશે. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો જેલમાં ઓગળી જવાનો હતો!
*
અરુણા અને વંશ અવૈદ્ય સબંધનાં આરોપથી હેબતાઈ ગયા હતાં. સમીરે સ્યુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
*
ઇન્સપેક્ટર ખાન અને કેતકી દેવીની મુલાકાતો ઘણી વધી ગઇ છે.

– રક્ષા બારૈયા

૨૪. C.M. – સુષ્મા શેઠ

સર્વત્ર રાજાજીનો જયજયકાર થઇ રહ્યો હતો. આ વખતના ઇલેકશનમાં ભારે બહુમતથી તેઓ જીતી ગયા હતા. રાજ્યના સી.એમ. તરીકે તેમની વરણી નિશ્ચિત હતી.
હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ફટાકડા ફૂટી રહ્યા હતા, મીઠાઈ વહેંચાઈ રહી હતી અને અભિનંદનની વર્ષા થઇ રહેલી, ત્યાં અચાનક ભીડને ચીરતી ઉમા તેમની સામે આવીને ઉભી રહી ગઈ.
“હવે તો આપણા પુત્ર વંશને કબૂલ કરો રાજાજી.” તેની આંખમાં આંસુ ધસી આવ્યા.
મીડિયાકર્મીઓ તેની તરફ ફર્યા અને ચપોચપ કેમેરાની ફ્લેશ લાઈટો ઝબકી. ઘોંઘાટિયા વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો.
રાજાજી સહેજ ઓછપાઈ ગયા. લોકમેદની વચ્ચે આવું બોલી જનારી ઉમાને એમણે ક્રોધાવેશમાં ભાન ભૂલી ગાલે એક તમાચો મારી દીધો. સટ્ટાક અને…
લોકોમાં ગણગણાટ વધ્યો.
“હવે ડી.એન.એ. ટેસ્ટ થઈને જ રહેશે.” તે બબડી.
કેન્સરપીડિત ઉમા, સોળવર્ષીય વંશને તેના પિતાને હવાલે કરી દેવા માંગતી હતી.
પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એના જીવનનો એક હિસ્સો એવો હતો જેનાથી તે તદ્દન અજાણ હતો.
સ્વ. જયપાલ મિશ્રા. જેને તે પિતા માનતો, તેમની સાથે લોહીનો કોઈ જ સંબંધ ન હતો. અને છાપામાં રોજ જેના ફોટા જોતો, મિત્રો સાથે ચર્ચા કરતો તે રંગીન મિજાજના પીઢ રાજકારણી નેતાનો તે..
ડી.એન.એ.નો ટેસ્ટ થતા પહેલા અખબારમાં એક સમાચાર ચમક્યા..
“તરવરિયા આશાસ્પદ યુવાન વંશે વધુ પડતી ઘેનની ગોળીઓ ગળી જઈ કરેલ આપઘાત”
પોલીસ તપાસ તો થઇ પરંતુ…

– સુષ્મા શેઠ

૨૫. કોરું મન – સરલા સુતરિયા

ગામડે સાત ધોરણ ભણ્યા પછી વંશ શહેરમાં આગળ ભણવા ગયો ત્યારથી ગામના સંબંધોમાં ઓટ આવી ગયેલી. માત્ર મીની એના હ્રદયમાં અકબંધ હતી.
શહેરમાં એને મિત્રો મળી ગયા હતા. બધા જ ધનાઢ્ય પરિવારના. એક વંશ જ સામાન્ય સ્થિતિનો હતો. તેથી થોડી લઘુતાગ્રંથી અનુભવતો… વેકેશનમાં એ ગામ જવાનુંય ટાળતો.
એક તો જવાનીનું જોશ, બીજુ વેકેશન અને ત્રીજુ પૈસા… મિત્રોના દિમાગમાં શેતાની આઈડિયા આવ્યો. “ચાલો કમાટીપુરા જઈએ.”
“કમાટીપુરા એટલે શું”” એનાથી અનભિજ્ઞ વંશ “હા હા! ચાલો જઈએ..” કહેતો ઊભો થઈ ગયો. બધા મિત્રો હસી પડ્યા.
વિનીતે હાથ પકડી એને બેસાડી દીધો. “ધીરજ રાખ વંશ, રાતે જવાનું છે. અત્યારે નહી…”
“ઓહ્હ્હ” વંશ પણ હસી પડ્યો.
રાતે બધા મિત્રો કમાટીપુરા પહોંચી માસીએ ફાળવેલી ઓરડીઓમાં પુરાઈ ગયા ને પોતપોતાના સાથીદાર સાથે વ્યસ્ત થઈ ગયા.
વંશને ભાગે જે ઓરડી આવી હતી તેમાં એ પ્રવેશ્યો ને સ્તબ્ધ થઈ ગયો.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો એની મીની સામે પલંગ પર બેઠી હતી. વંશને જોઈ મીની દોડીને એને વળગીને ચોધાર આંસુએ રડી પડી.
“મને અહીંથી બચાવ વંશ… નહીં તો હું આ રોજ રોજની યાતનાથી મરી જઈશ.”
પળવાર વંશ ભાવુક થઈ ગયો, પણ તરત, “તો અત્યાર સુધીમાં મરી કેમ ન ગઈ?” કહી મીનીને ધક્કો મારી કોરા ધાકોર મન સાથે બહાર નીકળી ગયો.

– સરલા સુતરિયા

૨૬. જુનુન – પૂર્વી બાબરીયા

વંશે આજે એ જુનુન એની આંખોમાં જોયું.
વંશે થોડી હિંમત કરીને એને જ પૂછ્યું તો એ ખડખડાટ હસવા લાગીને બોલી, ”સાહેબ, તમારું ચસકી ગયું છે કે..?? ”
પાંચ દિવસ પીછો કરીને એને સમજાવી લીધી. ઝૂંપડપટ્ટીમાં એના મા-બાપને વંશે જયારે રૂપિયાની લાલચ આપી ત્યારે માન્યા.
જુડો કોચ વંશની ખરી કસોટી હવે શરૂ થતી હતી. ડોંપિગ ટેસ્ટમાં એ પોઝેટિવ સાબિત થયો હતો. એની કારકિર્દીને લાગેલ લાંછન ભુલાવવાની આ સુંદર તક હતી.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..
વંશે સેવેલ ગોલ્ડ મેડલનું સ્વપ્ન હવે એ એની આંખોમાં જોતો.
રાતદિવસ જોયા વિના મલ્લીકુમારીની ટ્રેંનિગ શરૂ થઇ. પણ મલ્લીને કોચ વંશ ગમી ગયોને એનું ધ્યાન જુડો પરથી હટવા લાગ્યુ ત્યારે વંશે એને હા કહી પણ..
એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવનાર દેશની એક માત્ર ખેલાડી મલ્લીકુમારી બની.
વંશે જયારે પોતે પરણીત છે એ જણાવ્યું ત્યારે મલ્લીની આંખોમાં એ જ જુનુન દેખાયું જે..

– પૂર્વી બાબરીયા

૨૭. રૂસ્તમ – પરીક્ષિત જોશી

જીવનરાયનું અવસાન થયું.
જીવતેજીવ ચર્ચાનો વિષય ન બની શક્યાં એ જીવનરાય મુએલા હાથીની જેમ અચાનક જ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં…
જીવનનું જીવન આમ તો સાવ સરલ, સાદુંસીધુ. જાહેર સ્થળો પર ભીખ માંગતા-માંગતા ક્યારે એમનો વ્યવસાય ભિખારીઓની કરાર આધારિત જાહેર ગોઠવણ કરવાનો થઈ ગયો, એનીય એમને સરત ન રહી. ભીખ મગાવવામાં એમની કોઈ સીમા ન હતી. જ્યાં જ્યાં નજર તમારી પડે, ત્યાં ત્યાં જીવનરાયના ભિખારી ખડે, એવી હાલત કરી મૂકી હતી એમણે. એમની આ બિઝનેસ સ્કીલના પાઠ તો હવે મેનેજમેન્ટ સ્ટડી કોર્સમાં પણ આવી ગયાં હતાં. આ બધાંમાંથી અઢળક કમાણી કરી, સમાજમાં માન અકરામ મળ્યાં એ જુદું.
જીવનરાયે વૈભવી જીવન સાથે એની બદીઓય યથાતથ અપનાવી. જીવનભર ધંધો અને પછી મોજમજામાં ઘર માંડવાનું જ ભુલાઈ ગયું હતું, એ ખોટ પૂરવામાં જ.. બાકી, લથબથ સુખી જીવનરાયને ક્યાં વંશ હતો કે એમને નીતિ-નિયતિનો વિચાર કરવો પડે..
પણ એમનું વસિયતનામું વંચાય એ ક્ષણે, અચાનક બે માનવ આકૃતિઓ ઉપસી આવી બેસણામાં. કરોડોની મિલકત ટ્રસ્ટમાં જાય બરાબર એ પહેલાં. વકીલ સહિત બધાં આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં, એક નહીં ને બે-બે વારસદાર. “છૂપો રૂસ્તમ નીકળ્યો જીવન તો… કયારે, ક્યાં ઓવરટાઈમ કરી આવ્યો.. માળો.. અઘરો.”
પણ, ખેલના ખરા રૂસ્તમ, વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..
..તો..આ ચાલ્યો.

– પરીક્ષિત જોશી

૨૮. અજન્મા – શૈલેશ પંડ્યા

“પપ્પા.. પપ્પા, બચાવી લ્યો મને, પપ્પા.. હું તમારો અંશ છું.. પ્લીઝ. પપ્પા.. મારો વાંક…?
વંશ પરસેવે રેબઝેબ, બેબાકળો થઇ ઊઠી ગયો. છાતીમાં એક ટીસ ઉઠી.
ભયંકર સ્વપ્ન ! ‘પપ્પા બચાવોની..’ આજીજી અને રડવાનો અવાજ.
કૈક અમંગળની આશંકાએ અને બેચેની ઘેરી વળી અને વિચારોએ એની ઊંઘનું સ્થાન લીધું. માત્ર નાનકડી ગેર-સમજણને કારણે વિધિએ વિચાર્યા વિના જ મધુરા લગ્નજીવનમાં કડવાશના ઝેર ઘોળ્યા હતા. પિયરમાં ચાલી ગયેલી પત્ની, વિધિના પેટમાં વંશનો અંશ ઉછરી રહ્યો હતો. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એના જીવનનો એક હિસ્સો જે વિધિના ઉદરમાં રોપાયો હતો, જન્મ્યા વિના જ અનંતમાં વિલીન થવાનો હતો. નિયતિએ તો માત્ર સ્વપ્ન દ્વારા સંકેત આપ્યો હતો.
ફટાફટ સસરાને ઘરે પહોચ્યો તો ખબર પડી કે વિધિને હૉસ્પિટલમાં દાખલ કરેલી છે.
“બેટા, પેલા ખોળે તો દીકરો જ હોવો જોઈએ, બાકી દીકરી તો સાપનો ભારો કેવાય.” સાસુમાના શબ્દો સંભાળતા જ એનાં પગ નીચેની જમીન સરકી ગઈ.
“પપ્પા..પપ્પા..” રક્ત-રંજીત માંસના લોચામાંથી શબ્દો સંભળાયા.
“દીકરી મારે બહુ મોડું થઇ ગ્યું, માફ કરજે, બેટા.” એ ફસડાઈ પડ્યો. એના હોઠ ભીડાયા, ચહેરો સખ્ત થયો.
“સ્ત્રી-ભ્રુણહત્યા કેસમાં માતા, પુત્રી અને ડૉક્ટરને ૧ વર્ષની જેલ” છાપાની હેડલાઈન જોઈ ધ્રુસકે ધ્રુસકે રડતા અજન્મા દીકરીને એણે શ્રદ્ધાંજલિ આપી.

– શૈલેષ પંડ્યા

૨૯. વંશ – શૈલેશ પંડ્યા

વંશ એટલે રંગીન મેઘધનુષ્ય, રંગોની વસંત.. એના હાથમાં પીંછી જાણે કે કૃષ્ણના હાથની મોરલી જ જોઈ લો. જાદુ છે એના હાથમાં! કાગળ પર માત્ર પીંછી છંટકોરે ત્યાં કાગળ જીવંત બને. આખી દુનિયા એના કેનવાસના રંગીનવિશ્વની ઘેલી. રંગો એના ઈશ્વર અને કેનવાસ એની પૂજા.
ચિત્ર એના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું હતું. ‘હું શ્વાસ લેવાનું ભૂલી શકું પણ ચિત્ર દોરવાનું નહીં.’ એની આંગળીઓના સ્પર્શમાત્રથી કેનવાસમાં રંગો ફૂટતા. ચિત્ર જ ખુદ કાવ્ય બની મહોરી ઉઠે એવા ચિત્રકાર વંશનું નામ આજ ભારત તરફથી “ઘી વર્લ્ડ બેસ્ટ આર્ટીસ્ટ”માં નોમીનેટ થયું ત્યારે આખા ભારતને જાણે કે રંગ અને રોમાંચની હેલી ચઢી. ચારે બાજુ મોટા-મોટા હોર્ડીન્ગ્સ અને બેનરમાં એ રંગીન વ્યક્તિત્વ જાણે કે ઉષાના સૂરજની લાલીમા. પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એના જીવનનો એક હિસ્સો એની કલા, એનો ઈશ્વર જ કદી એનાથી રૂઠશે.
અમેરિકા જતી ફ્લાઈટને લેન્ડીંગ વખતે નડેલા અકસ્માતે લાગેલી આગ એના રંગીનવિશ્વને ભરખી ગઈ. ભયંકર દાઝેલા હાથ કાપવા પડ્યા ત્યારે એની આંખોમાંથી જાણે કે એક ઘૂઘવતો મહાસાગર છલકાયો.
“ઘીવર્લ્ડ બેસ્ટ આર્ટીસ્ટ અવોર્ડ ગોઝ ટૂ એન ઇન્ડિયન મેજીશિયન આર્ટીસ્ટ મિસ્ટર વંશ.” તાળીઓનો ગડગડાટ….
લાઈટ ઓફ, પ્રકાશના રંગીન ચમકારા સાથે વંશ શ્વેત શાલ ઓઢીને સ્ટેજ પર આવતા ભારતીયોનો ઉત્સાહ પરાકાષ્ઠાએ અને વંશના અશ્રુ.
રંગીન વ્યક્તિત્વ વચ્ચે શ્વેત માણસ..

– શૈલેશ પંડ્યા

૩૦. લાલસા – શીતલ ગઢવી

“બેટા, વહુ આ વખતે પેંડા ખવડાવશે કે જલેબી? જલેબી ખાઈને મારાં દાંત સડી ગયા છે. મારે પેંડા ખાઈ મોં મીઠું કરવું છે. સમજે છે ને શું કહું છું.”
“મા શાંતિ રાખ. કાયદા કડક થઈ ગયા છે. છતાંય હું ડૉક્ટરને પૂછીશ. એમ પણ એનો શું વાંક!”
“પૂછી તો જો. નહીંતર મને ઘૉ ઉખાડતાં આવડે છે. નદીએ કપડાં ધોવા જતાં રસ્તામાં કેટલીય ઉખાડી ફેંકી. તને બીજી સારી મળી જશે.”
વંશે માને ખૂબ સમજાવી. બધું જ પથ્થર પર પાણી. વંશ એની પત્ની નિયતાને ખૂબ પ્રેમ કરતો હતો. એનાં થકી એ બે દીકરીનો પિતા બન્યો. જેનાં લીધે એની મા નારાજ હતી. આજે નારાજગી એ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. માએ દીકરાના ભાવિને હાથમાં લીધું.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો હતી એની પત્ની નિયતા. જે આજે એક કિસ્સો બની ચૂકી હતી.

– શીતલ ગઢવી

૩૧. વિધિની વક્રતા – શીતલ ગઢવી

“કર્મણ્યે વાધિકારસ્તે મા ફ્લેષુ ક્દાચન્” આશ્રમમાંથી આવતો શ્લોક વંશના ઉદ્વિગ્ન મનને અફળાયો. શાંત વાતાવરણમાં એનું ધ્યાન એ તરફ વળ્યું. પોતે કયું ફળ મેળવી રહ્યો હતો એ વિષે મનોમંથનમાં ઘેરાયો.
અત્યાર સુધી સજ્જન વ્યક્તિત્વના ખિતાબ સાથે ફરતો, સરકારી ‘વ્હાઇટ કૉલર જૉબ’ કરતો વંશ અચાનક આવેલાં જીવનનાં વળાંકને એ એન્જિનિર થઈને પણ યોગ્ય દિશામાં વાળી નહીં શકવાનો રંજ હતો.
“વંશ આજકાલ ઘેર આવતા તને મોડું થાય છે. આ નવો પ્રોજેક્ટ મારી સૌતન થઈને આવ્યો છે.”
“બસ થોડો સમય મારી વ્હાલી. પછી હું સિનીયર થઈ જઈશ. તું મિસિસ સિનીયર વિરોહી વંશ મેહતા.”
એકલતામાં વિરોહી કલબો અને પાર્ટીનાં રવાડે ખેંચાઈ ગઈ. રોજ એની આંખો રાતોનાં ઉજાગરામાં લાલ રહેવા લાગી.
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એનો જીવનનો એક હિસ્સો આજે નશાના રવાડે ચઢી ગયો.
આશ્રમની પ્રકૃતિ આજે એને ઘણાં માર્મિક અર્થો સૂચવતી હોય એવું લાગ્યું. વડમાં એની નજર ગઈ. લીલાં લાગતાં પાનમાં થોડાંક સુકાઈ ગયેલાં પાન પણ હતાં. નવી કૂંપળો આકાર લઈ રહી હતી. એ જોઈ વંશને પણ વસંત આવવાની આશા જાગી.

– શીતલ ગઢવી

૩૨. વેર – શિલ્પા સોની

કૉલેજમાં સાથે ભણતા વંશ અને નિયતિનો પ્રેમ પૂરબહારમાં પાંગરી રહ્યો હતો.
બંને ફિલ્મો, હૉટલોમાં જ નહીં, આબુરોડ પણ ફરવા જતા.
આબુનું આહલાદક ખુશનુમા વાતાવરણ, ચોતરફ કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં પ્રેમીપંખીડા એકમેકમાં એકાકાર થઇ જતા.
આબુમાં હૉટલની રૂમમાં નિયતિના સુંવાળા વાળમાં હાથ ફેરવતા વંશ બોલ્યો,
“નિયતિ, ચાલ આપણે લગ્ન કરી લઈએ!”
“શું વંશ, હજી આપણી ઉંમર જ શું છે.. આટલા જલ્દી તે કંઈ લગ્ન થતા હોય! તું પહેલા કોઈ કામધંધો કર, પછી લગ્નનું વિચારશું.”
અને બે દિવસ મોજમજા કરી બંને પરત આવી ગયા હતા.
સમય સરી રહ્યો હતો. વંશને ઝીણો તાવ રહેવા માંડ્યો. ખાવામાં પણ અરુચિ રહેતી. ઘણા દિવસો સુધી કૉલેજ નહોતો જઇ શકતો.
દિવસે-દિવસે એની તબિયત લથડી રહી હતી.
પણ વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઇ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો જેને માન્યો હતો, એ જ એની જીંદગી સાથે ખતરનાક ખેલ ખેલી ગઈ હતી, માત્ર પુરુષો તરફના અણગમાને લઈને…
બે વર્ષ અગાઉ એ જેને પ્રેમ કરતી હતી, તે રાહુલ તેની સાથે ઐયાશી કરી, ભેટમાં જીવલેણ બીમારી આપી ગયો હતો. કોઈ જ વાંક વગર નિયતિએ આ યાતના ભોગવવાની હતી. હા, નિયતિ એઇડ્સગ્રસ્ત હતી.
ખૂબ પીડા ભોગવતી નિયતિનો વેર વાળવાનો નિર્ધાર…. પોતાની સાથે ઘટેલી ઘટનાનો બદલો તેને સીધાસાદા વંશને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લીધો. એક વિકૃત હાસ્ય એના મુખે રમી રહ્યું….

– શિલ્પા સોની

૩૩. નિયતિ – વિભાવન મહેતા

પ્રેમલગ્નના પહેલા જ વર્ષે જોડીયા બાળકો જન્મ્યા. કિશોર કુંજલતાના જીવનમાં ખુશીઓની કોઈ સીમા ન રહી.
કિશોરના વેપારે પણ હરણફાળ ભરી.
છ મહિનામાં એનો વેપાર પરદેશમાં ઑફિસ અને ઘર સુધી વિસ્તર્યો. એક દિવસ એક નાના કૌટુંબિક ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે કિશોરભાઈ વંશને લઈ અમેરિકા સ્થાયી થઈ ગયા.
આજે એ વાતને વર્ષોનાં વ્હાણાં વાઈ ગયાં. કિશોરભાઈને અચાનક વેપારના કામ અર્થે મુંબઈ આવવાનું થયું. એક ફાઈવસ્ટાર હોટલમાંથી ડીનર લઈ કિશોરભાઈનું નીકળવું અને અંશનું હોટલમાં દાખલ થવું જાણે નિયતિની જ ગોઠવણ હતી. હોટલના પગથિયે કિશોરભાઈને હાર્ટએટેક આવ્યો અને અંશ તાત્કાલિક એમ્બયુલન્સ બોલાવી તેમને હૉસ્પિટલ લઈ ગયો જયાં એની મા કુંજલતા હાઉસકીપીંગ ઈન્ચાર્જ હતી. કિશોરભાઈએ જાણ કરતાં વંશે તાત્કાલિક ટિકિટની વ્યવસ્થા કરી અને બાયપાસના આગલા દિવસે તે મુંબઈ પહોંચી ગયો. અંશ અને કુંજલતા બન્નેએ હાઉસકીપીંગ ઑફિસમાં સીસીટીવી કેંમેરામાં વંશને ટ્રોલીબેગ સાથે હૉસ્પિટલના રૂમ નં. ૧૪૦૧માં જતો જોયો.
કુંજલતાનું હ્રદય કેટલા ધબકારા ચૂકી ગયું તે તો ભગવાન જાણે પણ તે અંશનો હાથ પકડી લગભગ દોડતાં રૂમ નં. ૧૪૦૧ પર પહોંચી બારણે ટકોરા માર્યા. વંશ બારણું ખોલવા ઉભો થયો. વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી ! એના જીવનનો એક હિસ્સો, એક ભૂલાયેલ હિસ્સો, બારણાની પેલી બાજુથી અંદર આવવા ઉતાવળો હતો. વંશે બારણું ખોલ્યું અને નિયતિ મંદ મંદ મલકી રહી.

– વિભાવન મહેતા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત