દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૯) – નીલમ દોશી


પ્રકરણ ૯ – મારે માટે એટલું ન કરી શકે?

અહીં સાદ કોના નામના સંભળાય છે ગઇ કાલના,
આવ્યા કરે છે સાંભરણની વેલ પર ભીના ફૂલો.

Dost Mane Maaf Karish ne

બાળક માટેની ઇતિની ઝંખના અપૂર્ણ જ રહી. અરૂપે દત્તક લેવાની ના પાડયા પછી ઇતિ એકલી પડતી ત્યારે કદીક ઉદાસીનતા જરૂર અનુભવતી. નાનકડા શિશુની કિલકારીથી આ બંગલો વંચિત જ રહ્યો. બાળક માટેની ઇતિની હોંશ અધૂરી જ રહી. જોકે અરૂપને એ ઉદાસીની જાણ સુધ્ધાં કયારેય થવા ન પામતી. તે તો એવા ભ્રમમાં જ રહ્યો કે ઇતિ પણ હવે પોતાની માફક બાળકની વાત ભૂલી ગઇ છે.

સૂર્ય વાદળા પાછળ સંતાઇ ગયો હતો. જાણે દુનિયાના લોકોથી નારાજ થયો હોય અને પોતાના કિરણો તેને આપવા ન માગતો હોય તેમ જીદ કરીને વાદળની બહાર ન આવવા મથી રહ્યો હતો. નામ તો વાદળનું આવતું હતું કે તેણે સૂર્યને ઢાંકી દીધો હતો. પણ સાચી વાતની કોને જાણ હતી કે સૂર્ય ખુદ વાદળ પાછળ છૂપાઇ ગયો છે. આજે જાણે તેને વિશ્વને અજવાળવાની કોઇ તમન્ના નહોતી. આજે વિરામ…. તો જ વિશ્વને તેનું મહત્વ સમજાય…એવું વિચારતો હશે કે શું ?

સૂર્ય તો વિચારે કે નહીં.. પણ ઇતિ તો આવું જ કંઇક વિચારતી હતી. ઇતિની અંદર પણ કોઇ સ્મૃતિએ વિરામ લીધો હતો.. બહાર ન આવવાની જીદ પકડી હતી કે શું? જે દરિયો મનની અંદર ઉછળતો રહ્યો હોય.. એની જાણ હોય કે નહીં.. પરંતુ એ કયારેય દૂર જઇ શકે ખરો? ભલેને સવાર થઇ ગઇ હોય પરંતુ પાંપણને ખોલીને જોવું નથી, ઇતિના મનમાં એવી એક જીદ પ્રગટી હતી કે શું? પરંતુ ઇતિ તો કયારેય જીદી નહોતી. અને છતાં આજે આમ કેમ? પોતાની અંદર એક એક ક્ષણની છબી આજે દસ વરસ પછી પણ આટલી હદે જીવંત હતી? અને પોતે બેખબર હતી?

‘અનિકેત આવ્યો છે..’

આજે મમ્મીના આ એક વાકયે તેની સમગ્ર ચેતના જાગી ઉઠી હતી? એક ચિનગારી પરની રાખ ઊડી રહી હતી કે શું? મનની કિલ્લેબંદી તૂટી રહી હતી? એક શબ્દ..અને એ કિલ્લાના કાંગરા ખરવા લાગ્યા હતા કે શું? માટીની ઝાકળભીની ગંધ દિલની તિજોરીમા સચવાઇને પડી હતી ને તેનું ભાન પણ પોતાને નહોતું? આ કયો રંજ, કઇ ઉદાસી જિંદગીની સપાટી ઉપર તરી આવી હતી? જેને ભૂલી ચૂકી હોવાનો દાવો દસ વરસથી કરતી આવી છે એ ફકત એક ભ્રમ હતો? જાત પાસે કરેલી છેતરપિંડી માત્ર હતી? પોતે આજ સુધી આત્મવંચનામાં જ રાચતી હતી?

આ દસ વરસમાં તેના હોઠ પર કયારેય અનિકેતનું નામ સુધ્ધાં નથી આવ્યું. તે સંપૂર્ણ અરૂપમય બની રહી હતી. અરૂપ પણ તેનાથી ખુશ હતો. જીવન શાંત વહેતા પાણીની જેમ કોઇ અવાજ વિના વહેતું હતું કોઇ વમળ નહીં.. કોઇ આન્દોલન નહીં. ઇતિ કદાચ પૂર્ણ સમર્પણની ગાથા હતી અરૂપનો શબ્દ ઇતિની ઇચ્છા બની રહેતો. ઇતિના જીવનની એક એક પળ અરૂપની હતી.ઇતિના અસ્તિત્વની આસપાસ સુખ સગવડનો એક અભેદ કિલ્લો અરૂપે ચણી દીધો હતો. જયાં અંદર તો સઘળુ મોજુદ હતું. ફકત કિલ્લાની બહાર એકલા કશું જોઇ શકાતું નહોતું. જોવાની જરૂર જ કયાં પડતી હતી? ઇતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝિલતો. ઇતિ વિના તેને થોડી વાર પણ કયાં ચાલતું ? ‘ઇતિ, ઇતિ‘ કરતાં અરૂપ થાકતો નહીં. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. ઇતિને ખુશ રાખવા તે સતત મથતો. જોકે તેની દ્રષ્ટિ અને દુનિયા અલગ હતી. ઇતિની દ્રષ્ટિથી તે કયારેય જોઇ ન શકતો..તે વાત અલગ હતી. પરંતુ હવે ઇતિની દ્રષ્ટિ કે દુનિયા પણ અલગ કયાં રહી હતી ? અરૂપ તેને જેટલું બતાવવા ઇચ્છતો તેટલું જ તે જોતી. અને ઇતિના વધુ પડતા સરળ સ્વભાવને લીધે ઇતિને કોઇ ફરિયાદ નહોતી. કોઇ અભાવ નહીં..બસ..જીવન જીવાતું જતું હતું.. કોઇ અવરોધ વિના.

અરૂપ ઓફિસે જાય ત્યારે ઇતિને કંટાળો આવતો. તે એકલી એકલી શું કરે? કામ કરવા માટે ચોવીસ કલાકના કામવાળા ઘરમાં હતા. ઇતિને થયું પોતે નોકરી કરે.. થોડી બહાર નીકળે.. તો મજા આવે. તેણે અરૂપને વાત કરી જોઇ. અરૂપ તો જાણે કોઇ જોક સાંભળતો હોય તેમ ખડખડાટ હસવા લાગ્યો..

’નોકરી..? મારી ઇતિરાણી નોકરી કરે? અરે, તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઇએ..’

’ના, અરૂપ, એમ નહીં…પણ તું નથી હોતો ત્યારે આખો દિવસ ઘરમાં બોર થવાય છે.‘

’અરે, ટી,વી. જો.. છાપા મેગેઝિનો વાંચ.. ઘરમાં તારી બહેનપણીઓને બોલાવ.. કોઇ કલબમાં જવું હોય તો જા. મારી ઇતિરાણી જલસા કરે એ જ મને ગમે.‘

’પણ…’

’ઇતિ, મારે માટે તું એટલું ન કરી શકે?‘

અરૂપનું આ હમેશનું ધ્રુવ વાકય. ઇતિને કયારેક કોઇ વાત ન ગમે તો પણ અરૂપનું આ વાકય આવે અને ઇતિ ઓગળી જાય. બધું ભૂલી અરૂપમય.. તેના વિચારોમય બની રહે…

ઇતિને થયું પોતે ડાન્સ કલાસ ચાલુ કરે. એ બહાને પોતાને પણ થૉડી પ્રેકટીસ રહે અને પોતાનું મગમતું કામ કર્યાનો આનંદ અને સંતોષ પણ મળે.

પરંતુ ડાન્સનું નામ તો અરૂપની કોર્ટમાં દાખલ થતાની સાથે જ રીજેકટ થઇ ગયું.

‘ઇતિ, મને મારી પત્ની ડાન્સ કરે એ જરાયે ન ગમે. નાચવું એ કંઇ આપણા જેવા લોકોનું કામ છે?‘

અને ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને?

સોનાના મોટા પિંજરમાં પંખીને બધા લાડ લડાવવામાં આવતાં હતાં. પંખીને તો આ પિંજર છે એવો અહેસાસ સુધ્ધાં નહોતો. પાંખો જેટલી ફફડાવવી હોય, ફફડાવી શકાતી. અને આ જ ઉડ્ડયન છે.. આસમાન આવું અને આટલું જ હોય… એ સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેથી કોઇ અફસોસનો સવાલ જ નહોતો ઉઠયો.

જીવન જીવાતું ગયું…. અરૂપની રીતે…. કોઇ ખાસ ફરિયાદ સિવાય…

હા, વચ્ચે વચ્ચે મનોઆકાશમાં અનિનો.. અનિની યાદનો એક ઝબકાર જરૂર ઉઠતો. પરંતુ બહાર કયારેય ડોકાતો સુધ્ધાં નહીં. જીવન એટલે કલબ, પાર્ટી, પિકચર,પીકનીક, ઇતિ અને અરૂપ..!

ઇતિને પિયર નિરાંતે રોકાવાની કયારેક ઇચ્છા થાય પરંતુ અરૂપને ઇતિ વિના ગમે જ નહીં. તે પણ ઇતિ સાથે તેને ઘેર જાય અને બે દિવસમાં ઇતિને લઇને પાછો..! ઇતિના માતા પિતા જમાઇનો સ્નેહ જોઇ ખુશખુશાલ હતા. સૌ ખુશ હતા.. ક્યાંય કશો પ્રશ્ન જ કયાં હતો? ઇતિનું જીવન તો સાવ પ્રશ્નો વિનાનું, સીધા સપાટ મેદાનમાં વહેતી નદી જેવું. એક જ લક્ષ્ય.. આડે અવળે કશે નજર નાખ્યા સિવાય સાગરમાં ભળવાનું. ઓગળી જવાનું પોતાની મીઠાશ સુધ્ધાં મિટાવી દેવાનું.. ભૂલી જવાનું.. પૂર્ણ સમર્પણ…!

ઇતિને બાળકની તીવ્ર ઝંખના હતી. પરંતુ પોતાની એ ઝંખનાને પણ અરૂપની અનિચ્છા જોઇ તેણે વિસારી દીધી હતી. કે પછી વિસરી જવાનો છેતરામણો પ્રયત્ન કર્યો હતો. ક્યારેક કામવાળી બેનના નાના છોકરાને રમાડી લેતી હતી. બહાર જાય ત્યારે તેના માટે ઇતિ કશુંક ચોક્કસ લાવે. જોકે કામવાળા સાથે ઇતિ આમ આટલી ભળી જાય એ અરૂપને ગમતી વાત નહોતી જ. પરંતુ એવી કોઇ વાતમાં અરૂપ કશું બોલતો નહીં. ઇતિ ખુશ થાય છે ને? ઇતિને ખુશ રાખવા મથતો અરૂપ, ઇતિની ખુશી શેમાં છે તે વિસરી જતો. ખુશ થવાની દરેકની રીત અલગ જ હોય છે ને? દરેકની દ્રષ્ટિ અલગ અને દરેકની ખુશી પણ અલગ.. એ સત્યથી અરૂપ અજાણ હતો? કે પછી અણગમતા સત્યથી તે દૂર ભાગતો રહેતો? ખુશીની જરૂરિયાત પણ બધાની અલગ જ હોવાનીને?

આજે ઇતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી? હકીકતે ફોન લાગતો નહોતો અને ઇતિ એક અજંપાથી આમતેમ ફરતી હતી. શું કરવું તે સમજાતું નહોતું. કયારેય ન આવેલ વિચારો આજે મનમાં કેમ પડઘાતા હતા?
“અનિકેત“ આ એક શબ્દના ઉચ્ચારે તેની અંદર આ કયું પૂર ઉમટયું હતું? કયા પ્રવાહમાં તે તણાતી હતી? અંતરમાં કોઇ ઉજાસ ઉઘડયો હતો કે અંધકાર છવાયો હતો તેની સમજણ પણ નહોતી પડતી.

એકલી બેસીને કંટાળેલી ઇતિએ રેડિયો ચાલુ કર્યો. અને રેડિયોમાંથી ગીતના સૂર રેલાઇ રહ્યાં. ’કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ આ શબ્દો કાને પડતાં જ ઇતિનું મન ફરી એકવાર વરસો કૂદાવી ગયું.

ઇતિ, અનિકેતનું કોલેજનું એ છેલ્લું વરસ હતું. અને વરસનો છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ હતો. એકત્રીસ ડીસેમ્બરની રાત્રે સૌ કોઇ વિદાય લેતા વરસને આવજો અને આવનાર વરસને આવકારવાની ઉજવણીમાં પોતપોતાની આગવી રીતે વ્યસ્ત હતા. ઇતિ અને અનિકેતની કોલેજના કેમ્પસમાં પણ યૌવન હિલ્લોળે ચડયું હતું. વાતાવરણમાં ઠંડીની ચમક હતી. પરંતુ કેમ્પફાયરની ઉષ્મા તેને રંગીન બનાવતી હતી.

સાંજથી શરૂ થયેલ વિવિધ પ્રોગ્રામો છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા હતા. ખાણીપીણીની જયાફતો જામી હતી. સાંજે અંતાક્ષરીની રમઝટમાં આજે ઇતિ ખીલી ઉઠી હતી.

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ ઢળતા સૂર્યની સાક્ષીએ ગવાયેલ આ ગીતે ઇતિના ચહેરા પર એક આભા પ્રગટાવી હતી. અને તેનો ઉજાસ અનિકેતની આંખોમાં પ્રગટયો હતો. સુમધુર ગીતોની રમઝટ હમણાં જ પૂરી થઇ હતી. બધાને પ્રતીક્ષા હતી ઘડિયાળમાં બારના ટકોરાની… પ્રિયજનોને આવકારવા, અભિનન્દવા સૌ જાણે અધીર બન્યા હતા. અને હવે એ પ્રતીક્ષાનો અંત નજીક હતો. વીતેલ વરસને અલવિદા કરી, આવનાર વરસને વધાવવાનો એક અદમ્ય ઉત્સાહ સૌના મનમાં છલકતો હતો. વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. કેમ્પફાયરની ઉષ્મા સૌને મીઠી લાગતી હતી. ખુશનુમા વાતાવરણથી દરેક હૈયા છલોછલ હતા. કેમ્પફાયરની આસપાસ સંગીતના તાલે સૌના પગ થિરકતા હતા.

અચાનક ઇતિની ચીસ વાતાવરણમાં ગૂંજી ઉઠી. કેમ્પફાયરની આસપાસ ઘૂમતી ઇતિ અચાનક બેલેન્સ ગુમાવતા સીધી અંગારાની જવાળામાં જઇ પડી. એક ક્ષણ તો કોઇ કશું સમજી ન શકયું. અનિકેતે એક છલાંગ લગાવી.. સીધો અંગારામાં… અને બીજી જ ક્ષણે ઇતિને ઉપાડી બહાર.! ઇતિ તો ભય અને પીડાથી બેહોશ થઇ ગઇ હતી. અનિકેત પોતે પણ દાઝયો હતો..પણ કયાં..કેટલું તેનું તો અત્યારે તેને કયાં ભાન હતું ? વાતાવરણની પ્રસન્નતા એક પળમાં ગમગીનીમાં પલટાઇ હતી. સૌ બેબાકળા બની ગયાં હતાં.એમ્બ્યુલન્સ આવી અને ઇતિ, અનિકેતને લઇને ચાલી ત્યારે ઘડિયાળમાં બરાબર બારના ટકોરા પડતાં હતાં. નવા વરસની શરૂઆત થઇ ચૂકી હતી.

પૂરા પંદર દિવસ ઇતિને હોસ્પીટલમાં રહેવું પડયું. ઇતિના માતા પિતા ઇશ્વરનો આભાર માની રહ્યા.એક ઘાત ગઇ સમજીને. અને ઘાત અનિકેતને લીધે ટળી શકી હતી તેથી તેનો આભાર માન્યા સિવાય કેમ રહેવાય? પરંતુ અનિકેતને એવી કોઇ જરૂર કયાં હતી?

હોસ્પીટલમાં ઇતિનો ચાર્જ સ્વાભાવિક રીતે જ અનિકેતે લઇ લીધો હતો. અનિકેતને પણ થોડા દિવસ ડ્રેસીંગ કરાવવું પડયું હતું.
‘ઇતિ, એક દિવસ બે સરદારજી ચેસ રમવા બેઠા…’ ઇતિ ખડખડાટ હસી ઉઠતી.

અનિકેત ઇતિને જોક કહેતો રહેતો. સરદારજીના જોક સાંભળવા ઇતિને ખૂબ ગમતા. અને અનિકેત પાસે તેનો કયાં તૂટો હતો ?ડ્રેસીંગની અસહ્ય પીડા અનિકેતના જોકમાં થોડી વાર વિસરાઇ જતી.‘

‘અનિ, તને જરાયે બીક ન લાગી? આગમાં જંપ મારતા?’

‘એવો વિચાર કરવા જેટલો… બીક અનુભવવા જેટલો સમય કયાં હતો?’

‘તો પણ…! અનિ, તું કયાંક વધારે દાઝયો હોત તો?’

‘તો તારી સાથે હોસ્પીટલમાં રહીને આપણે બંને આખી હોસ્પીટલ માથે લેત. બીજું શું?‘ અને અનિકેત તરત વાતને બીજે પાટે વાળી દેતો.

‘ઇતિ, તેં મને ઓછો હેરાન કર્યો હતો? યાદ છે? હું નાનો હતો અને મને તાવ આવેલ ત્યારે કેવી દાદાગીરી મારી પર તેં કરેલી? મને હોળી પણ નહોતી રમવા દીધી. હું કંઇ ભૂલ્યો નથી હૉં.‘ ઇતિને દવા પીવડાવતી વખતે અનિકેત કહેતો.

’હા, તું નાનો હતો ત્યારે..! અને હું તો ત્યારે બહું મૉટી હતી ખરું ને?’ ઇતિ હસતી. અને પીડાને છૂપાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહેતી.

‘હવે હું તો ગણી ગણીને બદલો લેવાનો. માંડ આટલા વરસે મોકો મળ્યો છે.’

‘તું મને કેટલી પ્રાર્થના ગવડાવતો..! એ હું પણ કંઇ ભૂલી થોડી છું? ચાલ, હવે તારો વારો.’ ઇતિ ચહેકતી.

‘હું ગાઇશ ને તો આ હોસ્પીટલમાંથી બધા દર્દીઓ અહીં તારા રૂમમાં એકઠા થઇ જશે. અને મને મારશે… માથુ દુખાડવા બદલ’

‘હું કંઇ ન જાણું.‘ અને ઇતિની ફરમાઇશ અનિકેત પૂરી ન કરે તેવું તો આમ પણ કયારે બનતું હતું? તો અત્યારે તો ઇતિ રાજાપાઠમાં હતી.. તેનો હક્ક હતો.અને અનિકેત ધીમા અવાજે બે લાઇન ગણગણી રહેતો. ઇતિ આંખો બંધ કરી તેમાં ખોવાઇ જતી.‘તું પ્યારકા સાગર હૈ… તેરી એક બુંદ કે પ્યાસે હમ…’

આ ક્ષણે.. આ ગીત કયાંથી.. કઇ દિશાથી રેલાઇ રહ્યું? ઇતિના કાનમાં આ સ્વરો કયાંથી પડઘાઇ રહ્યા? આ તો અનિકેતનો અવાજ…!

‘આ શું રાગડા તાણવાના? મને તો અંતાક્ષરી જરાય ન ગમે. મન ફાવે તેમ ગમે તેવા અવાજે.. ગાતા આવડતું હોય કે નહીં.. બધા લલકારે… અરે, ગીતો સાંભળવા હોય તો કેસેટ કે સી.ડી.ની કયાં ખોટ છે?‘ અનિકેતના અવાજની સાથે આ બીજો કયો અવાજ ભળી ગયો ?

આ વરસે જ અરૂપને ઘેર નવા વરસની ઉજવણી માટે બધા મળ્યા હતા અને ઇતિએ અંતાક્ષરીનો પ્રસ્તાવ મૂકયો હતો ત્યારે અરૂપ બોલી ઉઠયો હતો. એક ક્ષણ ઇતિ ઝંખવાઇ ગઇ હતી. કશું ખૂંચ્યું હતું.. પણ શું..? એ વિચારવાનો સમય ત્યારે કયાં હતો? પછી અંતાક્ષરીને બદલે મ્યુઝિક્લ ચેરની રમત અરૂપે શરૂ કરાવી હતી. અને ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી. અરૂપ માટે ઇતિ એટલું તો કરી જ શકે ને?

અતીતની ટેપ આગળ ચાલે તે પહેલાં ઘડિયાળમાં નવના ટકોરા પડયા. અને ઇતિ ચોંકીને વર્તમાનની ભૂમિ પર આવી. અરૂપ હજુ આવ્યો નહોતો. રોજ કરતાં તેને મોડું થયું હતું.

ફોનની અને અરૂપની રાહ જોઇ જોઇને થાકેલી ઇતિ કંટાળતી બેઠી હતી. ફરી એકવાર ફોન કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. ફોને આજે તેની સાથે દુશ્મનાવટ આદરી હતી કે શું? કે પછી કિસ્મતની કોઇ અગોચર ક્ષણમાં નિમિત્ત બનવાનું તેને ફાળે આવ્યું હતું?

ઇતિએ થોડીવાર મેગેઝિનના પાનાઓ ફેરવ્યા.. પણ મજા ન આવી. ઘડિયાળનો કાંટો ખસતો જ નહોતો. ઊભા થઇ ટી.વી. ચાલુ કર્યું. આમતેમ ચેનલો બદલતી રહી. એક જગ્યાએ રામાયણની સીરીયલ આવતી દેખાઇ. બીજુ આડુઅવળું જોવાને બદલે તેણે તે ચેનલ ચાલુ રાખી.

સુવર્ણમૃગ પાછળ ગયેલ રામની બૂમ સંભળાતા સીતાજી લક્ષ્મણને રામની મદદે જવા વિનવતા હતા. લક્ષ્મણજી જવા તૈયાર નહોતાં થતાં. અંતે સીતાજીની જીદને લીધે જવા તૈયાર થયા. પરંતુ જતાં પહેલાં તેમણે સીતાજીને લક્ષ્મણરેખા દોરી આપી હતી.. અને તેની બહાર નીકળવાની મનાઇ કરીને ગયા હતા.

પોતાની આસપાસ પણ શું આવી કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા દોરાયેલી છે કે શું? અરૂપે દોરેલી લક્ષ્મણરેખા…! જેના દાયરામાં તે…. બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રિજયામાં તે ઘૂમતી રહી હતી કે શું? અને ક્યાંકથી અનિકેતની ચીસો તેને સંભળાતી હતી? તે ઇતિને પોકારી રહ્યો હતો કે શું? આજે આ વ્યાકુળતા શા માટે? આજે આવા વિચારો શા માટે?

નાનપણમાં તેના ઘરની સામે એક ભરવાડનું કુટુંબ રહેતું હતું. તેના ઘરમાં તેણે ઘણી બકરીઓ પાળી હતી. આ બકરીઓના પગમાં એક દોરી બાંધી હોય.. અને દોરીનો બીજો છેડો દૂર કોઇ મોટા પથ્થર સાથે કે કોઇ વૃક્ષ સાથે બાંધેલ હોય. કોઇની દોરી થોડી નાની હોય.. કોઇની થોડી મોટી. બકરી તે સીમિત દાયરામાં ફરતી રહેતી. અને સ્વતંત્રતાનો એહસાસ કદાચ કરતી રહેતી. પોતે પણ શું આવી જ કોઇ….

આજે આવી બધી વાતો મનમાં કેમ ઘૂમરાય છે ?

અને દોરી અરૂપના હાથમાં….!

શૈશવમાં જોયેલો પેલો કઠપૂતળીનો ખેલ, તે દિવસે સ્કૂલમાં પપેટ શોનો કાર્યક્રમ હતો. ઇતિ, અનિકેત અને બધા બાળકો હોંશે હોંશે નીરખી રહ્યા હતાં. પંચતંત્રની કેટલીય વાર્તાઓ કઠપૂતળીના માધ્યમથી બાળકો સમક્ષ રજૂ થઇ રહી હતી. બધાં ખુશખુશાલ બની તાળીઓ પાડતાં હતાં. તાળીઓના ગડગડાટ વચ્ચે નાચતું સસલું, દોડતું હરણ, બોલતો પોપટ અને ઉડાઉડ કરતાં ચકાચકીને જોઇ ઇતિ, અનિકેત પણ હરખાતાં હતાં. રાણીના કહ્યા મુજબ નાચતાં રાજાને જોઇ ઇતિનું હસવું રોકાતું નહોતું. રાજા પર રાણી કેવો રોફ, રૂઆબ જમાવે છે. પોતે પણ કયારેક અનિકેત ઉપર આમ જ રોફ મારે છે ને? ન જાણે દસ વરસની ઇતિના મનમાં ત્યારે આવો વિચાર કેમ ચમકી ગયો? તેણે અનિ સામે જોયું હતું. તે તો ખેલ જોવામાં મશગૂલ હતો. રાણીના દરેક હુકમનું પાલન કરતાં રાજાને ઇતિ પરમ આશ્ર્વર્ય અને આનંદથી નીરખી રહી હતી. હવામાં લટકતા રાજા, રાણીને જોવાની બધાને મજા પડી ગઇ હતી. ઇતિ તો જાણે પોતે એ રાણી હોય તેમ તેનો ચહેરો હસુ હસુ થઇ રહ્યો હતો.

રાણી…. રાણી તો તે જરૂર બની હતી. અરૂપના ઘરમાં તે રાણીની જેમ જ રહેતી હતી. તેનો પડયો બોલ ઝિલાતો રહેતો. પરંતુ કઠપૂતળીની દોરી થોડી એના હાથમાં હોય? એ તો સંચાલકના… અરૂપના હાથમાં હોય. તે દિવસે તો રાજાને હુકમ કરતી મહારાણી તેણે જોઇ હતી. આજે એ મહારાણી શું કોઇ એકદંડિયા મહેલમાં…! ઇતિ ચોંકી ઉઠી… આજે પોતાને આવા ગાંડા ઘેલા વિચારો કેમ આવે છે?

ચારે તરફથી અનિકેતનો સાદ કેમ સંભળાય છે? અનિ તેને બોલાવી રહ્યો હોય, તેને પોકારી રહ્યો હોય તેવું કેમ લાગે છે? કયાં છે અનિકેત? કઇ દિશામાંથી આ સાદ આવે છે? આ કયો પોકાર તેને હચમચાવી રહ્યો છે? પ્રાણમાં આટલી વ્યાકુળતા કેમ જાગી ઉઠી છે?

‘અનિ… અનિ..’ કોઇ પોકાર અને….? અને ત્યાં તો બારણે બેલનો ધડાધડ અવાજ..!

આપનો પ્રતિભાવ આપો....