દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૮) – નીલમ દોશી 6


પ્રકરણ ૮ – લગ્ન અને હનીમુન…

“કેસરિયાળો સાફો ઘરનું ફળિયુ લઇને ચાલ્યો,
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત
પૈડુ સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે..”

Dost Mane Maaf Karish ne

દરેક છોકરીના જીવનમાં એક સવાર ઉગે છે. તેના શમણાંનો રાજકુંવર આવે છે અને માતાપિતાનો વરસોનો સંગાથ છોડી, છોકરી તે રાજકુંવર સાથે પોતાની અલગ દુનિયા વસાવવા હોંશે હોંશે જાય છે. હવે તેનો એક આગવો માળો રચાય છે અને તે પિયાના ઘરની રાણી બની રહે છે.

ઇતિના શમણાનો રાજકુંવર આવ્યો કે નહીં એની તો ઇતિને પૂરી સમજણ પડી નહીં પરંતુ તેના જીવનમાં પણ એ દિવસ તો જરૂર આવી પહોંચ્યો. દરેક છોકરીની જેમ તેના જીવનમાં પણ પીઠીવરણું પ્રાગડ અચાનક ઉઘડ્યું. Marriages are made in heaven. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે એ કદાચ સત્ય જ હશે. નહીંતર જેને કદી જોયો કે જાણ્યો નહોતો.. જીવનના બાવીસ વરસો સુધી જે કયારેય ડોકાયેલ નહીં એ અરૂપ કયા પાતાળમાંથી આપમેળે ફૂટી નીકળ્યો? અને હજુ તો ઇતિ કંઇ સમજે.. વિચારે તે પહેલાં તેની સાથે લગ્નના પડઘમ વાગવા પણ લાગ્યાં. અને બે વરસની ઉમરથી જેને જાણતી હતી. જે તેની ક્ષણેક્ષણમાં સમાયેલ હતો એ અનિકેત કયા આકાશમાં અદ્રશ્ય થઇ ગયો હતો. કાળદેવતાએ પણ તેની ભાળ ન જ આપી.

આ કઇ વેળા હતી.. પાંદડુ ખરવાની કે કૂંપળ ફૂટ્યાની? એક પાંદડું ખર્યું કે એક કૂંપળ ફૂટી તે સમજવું, અનુભવવું ઇતિ માટે આસાન નહોતું. આછા અંધકાર અને આછા પ્રકાશ વચ્ચેની એ ક્ષણો હતી. નહીં ઉજાસ… નહીં અંધાર..! વાદળછાયો ગોરંભો ઇતિના મનમાં ઘૂંટાતો હતો. એક ગોપી પોતાની યે જાણ બહાર અંતરમાં કોના વહાલનું વૃન્દાવન સંગોપીને બેઠી હતી? આ ક્ષણે સાજનના સપનાએ અંતરકયારી તરબતર થઇ મહેકી ઉઠવી જોઇએ. આંખોમાં શમણાં અંજાવા જોઇતા હતા. પણ… પણ એ બધું અનુભવવાનો, સમજવાનો સમય જ કયાં મળ્યો હતો?

જલદી અમેરિકા જવાનું છે એમ અરૂપે કહેવાથી લગ્ન તાત્કાલિક લેવા પડયા. ચટ્ મંગની.. પટ્ટ વ્યાહ..! ખરીદી, તૈયારી, સગાવહાલાઓની ધમાલ.. ઇતિને તો જાણે કશું સમજાતું જ નહોતું. કશું સ્પર્શતું નહોતું. બધા કહે તેમ તેણે કરવાનું હતું.. એ જ એકમાત્ર સત્ય હતું. તે ઉદાસ નહોતી તો એવી ખાસ ખુશી પણ નહોતી અનુભવી શકાતી.

વરસો પહેલાં એક દિવસ અનિકેતની બહેન સાસરે જતી હતી ત્યારે તેની જેવી જ તૈયાર થવાનું નક્કી કરતી ઇતિએ આજે સોળે શણગાર સજયા હતા. છતાં આયનામાં પોતે ફિક્કી કેમ લાગતી હતી..! હાથમાં મહેંદી મૂકાઇ હતી. પરંતુ તેમાં કોઇ ચહેરો સ્પષ્ટ ઉપસ્યો નહોતો. મહેંદીનો રંગ અંતરમાં ઉઘડ્યો જ નહીં. બહાર ઢોલ જરૂર ધબકયા પણ ઇતિનું હૈયુ કેમ ધબકયું નહીં કે તેનો રણકાર ઇતિને કેમ સ્પર્શ્યો નહીં તેની જાણ ઇતિને પણ કયાં થવા પામી? કશુંક ખૂટતું હતું પરંતુ શું? તે તેને સમજાતું નહોતું. કશુંક બહાર આવવા મથી રહ્યું હતું. પરંતુ એ સમજી શકાય કે શોધી શકાય તેટલો સમય.. તેટલું એકાંત ઇતિને મળ્યા જ નહીં.

ઇતિના ઘરનાએ આ પ્રસંગે અનિકેત અને તેના ઘરના હાજર રહી શકે તે માટે તેને શોધવાના ઘણાં નિષ્ફળ પ્રયત્નો કર્યા. અંતે એક દિવસ ઇતિના લગ્ન બહું જલદીથી થઇ ગયા. અનિકેત વિના જ થઇ ગયા. જેમ અનિકેત ગયો ત્યારે વિચારવાનો સમય નહોતો મળ્યો તેમ જ આ દિવસોમાં પણ ઇતિને કશું વિચારવાનો સમય જ ન મળ્યો. કેટકેટલા કામો અને સમયનો અભાવ…

અરૂપના હાથમાં તેનો મહેંદીવાળો હાથ મૂકાયો. હસ્તમેળાપની એ મંગલ ઘડી આવી. ઇતિના ગળામાં અરૂપના નામનું મંગલસૂત્ર ઝગમગી ઉઠ્યું. ક્યારે કેમ થયું ઇતિને તો પૂરું સમજાયું પણ નહીં. ગોરમહારાજ કહે તેમ તે કરતી રહી. જે સૂચનાઓ મળે તેનું મૌન પાલન થતું રહ્યું. ખુશી કે ઉદાસી કશું ખાસ અનુભવાયું નહીં.

હા, માતા પિતાની વિદાય લીધી ત્યારે ઇતિ ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી. નીતાબહેનના આંસુ પણ રોકાતાં નહોતાં. જીવની જેમ જાજેરા જતન કરીને ઉછરેલ તુલસીક્યારો આજે અન્યને આંગણે રોપાવા જઇ રહ્યો હતો. કેસરિયાળો સાફો ઘરનો ઉજાસ લઇને ચાલ્યો. ઇતિના રુદનમાં અનેક રંગો ભળ્યાં હતાં. આ આંસુમાં કોઇ એક ચહેરો, કોઇની એક ઝલક અદ્રશ્ય જ રહી. અને છતાં….

દીવાલ પર કંકુવાળા હાથના થાપા કરી, પોતાની હાજરી અને વિદાય બંનેની સહી કરી ઇતિએ શણગારેલી મોટરમાં પગ મૂક્યો ત્યારે વાતાવરણ હીબકે ચડયું હતું. શરણાઇના કરૂણ મંગલ સૂર રેલાતા હતાં. પંખીઓ, વૃક્ષો પણ ઇતિને વિદાય આપી રહ્યા. કણ્વમુનિ જાણે શકુંતલાને વિદાય આપી રહ્યા હોય અને એક એક કળી, વિરહના શોકમાં સંતપ્ત બની હોય તેમ આજે ઇતિની વિદાયથી સમસ્ત વાતાવરણમાં ઘેરા શોકની છાયા છવાઇ હતી. પૈડુ સિંચાયું અને અરૂપની ગાડી નીતાબહેનના ઘરનો આ અણમોલ ખજાનો લઇને ચાલી.

ઇતિ અરૂપની ગૃહલક્ષ્મી બનીને અરૂપને ઘેર આવી. સાસરે આવી..

લગ્ન પછી તુરત અમેરિકા જવાનું છે એમ કહી લગ્નની ઉતાવળ તો અરૂપે કરાવી હતી પરંતુ લગ્ન પછી તેનો નિર્ણય બદલાઇ ગયો. લગ્ન પછી અરૂપે અમેરિકા જવાને બદલે હમેશ માટે દેશમાં જ રહેવાનું નક્કી કર્યું. ઇતિના મમ્મી, પપ્પા તો દીકરી દૂર નહીં જાય એ વિચારે ખુશ થયાં. ઇતિને તો હજુ સુધી પૂરી ખબર જ નહોતી પડતી. જેમ બધા કહે તેમ તે કરતી ગઇ હતી. વિચારવાની શક્તિ જાણે તે ખોઇ બેઠી હતી. એક ધરામાંથી ઉખેડેલ તુલસીક્યારો બીજી ધરામાં ધરબાઇ રહ્યો હતો. હવે તેને ત્યાં જ વિકસવાનું હતું. ફૂલવા ફાલવાનું હતું. ફૂલવા ફાલવા માટે જરૂરી ખાતર, પાણી, હવા ઉજાસ મળશે કે કેમ? એ તો સમય સિવાય કોણ કહી શકે?

હનીમુન માટે કેરાલાની રમ્ય વનરાજિમાં અરૂપ સાથે ઘૂમતા ઇતિના મનોપ્રદેશમાં વીજળીની જેમ અનિકેત કયારેક ચમકી જતો. અત્યારે કયાં હશે એ?નાળિયેરીના ઝૂંડમાંથી ચળાઇને આવતા સૂર્યના કિરણોના પ્રકાશ કે પાંદડાઓમાંથી ટપકતા વરસાદના પાણીના ટીપાઓની સાથે અનિકેતની યાદ મહેકી ઉઠતી. કેરાલાના રમણીય સાગર કિનારે તેને પ્રસન્નતા અર્પી. આમ પણ દરિયો તો તેનો શૈશવનો સાથીદાર. તેની ભીની રેતી કે ઊછળતા મોજા સાથે તે કલાકો સુધી વાતો કરી શકતી. અરૂપ તેને ખુશ કરવાના સઘળા પ્રયત્નો કરતો. ઇતિ માટે તેની આંખોમાં સ્નેહ છલકતો રહેતો. પહેલી જ નજરે ઇતિને જોઇ ત્યારથી જ તેને ઇતિ ગમી ગઇ હતી. અને હવે ઇતિ તેની હતી.. તેના એકલાની.. તેથી તે સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ હતો. યૌવનનો ઉન્માદ, મનગમતો સાથી.. પ્રકૃતિનું અનુપમ સૌન્દર્ય.. અને પોતાનો પ્રેમ.. અરૂપના મનમાં કોયલના ટહુકાર.. અને મયૂરના કેકારવ…! અરૂપને તો હમણાં કાગડાંનો કર્કશ અવાજ પણ મીઠો લાગે તેમ હતું.

અરૂપ પોતાના શૈશવની અગણિત વાતો કરતો રહેતો. અને ઇતિને પણ તેની શૈશવની વાતો પૂછતો. ઇતિ અથાહ ઉત્સાહથી વાતો કરતાં થાકતી નહીં. અને ઇતિના શૈશવની વાતો અનિકેત સિવાય તો થઇ જ કેવી રીતે શકે ? તેની એક એક વાતમાં ઇતિ ઇચ્છે કે ન ઇચ્છે અનિકેતની હાજરી ડોકિયા કરતી રહે એ સ્વાભાવિક જ હતું ને!

અરૂપ અકળાઇને કહેતો, ‘હું તારી વાત પૂછું છું. અને તારી વાતમાં તારા કરતાં તો આ અનિકેતની વાતો જ વધારે હોય છે. એ સિવાય કોઇ વાત નથી તારી પાસે?’

તેના અવાજમાં અનિચ્છાએ પણ એક ચીડ ભળી જ જતી.

‘પણ અરૂપ, અમે સાથે જ મોટા થયા.. સાથે જ સ્કૂલે જતા આવતા.. સાથે જ…’

‘બસ,..બીજું શું શું સાથે કરતા?’ અરૂપના પ્રશ્નની ધાર સમજયા વિના જ ઇતિ ઉત્સાહથી બોલી ઉઠતી.

‘અરે, બધું… બધું જ તો સાથે કરતાં હું ને અનિકેત… અને એટલે જ મારી વાતમાં અનિકેતની વાત આવે જ ને?’ નિર્દોષતાથી ઇતિ ચહેકી ઉઠતી. તેની વિશાળ આંખોમાં એક ચમક પ્રગટતી. તેને થતું તે વાતો.. અનિકેતની વાતો કર્યા કરે… અંતરના દ્વાર ખોલી નાખે. અને પછી અરૂપમય બની રહે. પણ… ‘તો નથી સાંભળવી મારે તારા અનિકેતની વાત..’

પોતે અનિકેતની વાત કયાં કરતી હતી? તે તો પોતાની વાત કરતી હતી. અરૂપ શા માટે ગુસ્સે થતો હતો એ ઇતિની સમજમાં કેમેય ન આવતું. અને શૈશવની જ નહીં તેની ડાન્સની કે તેની કોલેજની.. કે તેની કોઇ પણ ક્ષણની વાત કરે ત્યારે અનિકેતને તેમાંથી બાકાત રાખવો એ ઇતિ માટે ક્યાં શકય હતું? જોકે અરૂપનો ગુસ્સો કંઇ લાંબો ચાલતો નહીં. ઇતિને તે ખૂબ પ્રેમ કરતો. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. છતાં….

એક દિવસ સવારે ઇતિ અને અરૂપ હાથમાં ચાનો કપ લઇ બહાર ગાર્ડનમાં બેઠાં હતાં. ત્યારે પોતે કેવી રીતે ડાન્સ ક્લાસમાં જતી. અનિકેત તેને મૂકવા આવતો અને બિચારો બહાર બેસીને ઇતિની રાહ જોયા કરતો. તે બધી વાત હોંશથી અરૂપને કરતી ઇતિ છલકતી હતી. કેવી રીતે અનિકેતે તેના આરંગેત્રમની તૈયારીઓ કરી હતી. અને દિવસો સુધી તે કેટલો હેરાન થયો હતો, પછી આખો કાર્યક્રમ કેવો સરસ થયો હતો. તે બધી વાતો ઉત્સાહથી અરૂપ પાસે ઠાલવી રહી હતી. અરૂપ એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય બધી વાતો સાંભળતો હતો. ઇતિની આંખમાં અનિકેતના નામના ઉચ્ચાર સાથે પ્રગટતી એક સ્વાભાવિક ચમક અરૂપે જોઇ હતી.. અનુભવી હતી.. પણ સમજી નહોતી.

ઇતિ પાસે તો અનિકેતની વાતોનો વણખૂટયો ખજાનો હતો.

‘અરૂપ, તને ખબર છે ઇશાદીદીના એટલેકે અનિકેતની બહેનના લગ્ન થયાં ત્યારે સાસરે જતી વખતે તે ખૂબ રડી હતી. મને આંટી પર એવો તો ગુસ્સો આવ્યો હતો કે દીદી આટલું રડે છે તો પણ આંટી તેને સાસરે કેમ મોકલી દે છે. અને અનિકેતે મને પહેલીવાર કહ્યું હતું.. કે જો મારી બહેન પણ સાસરે જવાની છે. અને બધી છોકરીઓએ સાસરે જવાનું હોય. ત્યારે અમે પૂરા દસ વર્ષના પણ નહોતા. અરૂપ, મને તો સાસરું એટલે શું એની પણ કયાં ભાન હતી? અનિ તો હમેશા મારી મસ્તી કરતો રહેતો. જોકે એક વાત કહું? તેને ખીજવવાનો એક પણ મોકો હું ય ચૂકતી નહીં. અને આંટી હમેશા મારી જ વાત માનતા અને બિચારા અનિને બધાં ખીજાતાં.’

ઉત્સાહથી કહેતી ઇતિ ખડખડાટ હસી રહેતી. અને કોઇ પ્રતિભાવ વિના અરૂપ મૌન. પરંતુ બહું જલદીથી ઇતિએ અનુભવ્યું કે અનિકેતની વાત આવે છે અને અરૂપ તુરત વાત બદલાવી નાખે છે. બે ચાર વાર અરૂપનો ગુસ્સો જોઇ ધીમે ધીમે કાચબો અંગો સંકોરી લે તેમ ઇતિએ પોતાની વાતો સંકોરી લીધી. અરૂપને અનિકેતની વાત નથી ગમતી એ તો સમજાયુ.. પરંતુ શા માટે નથી ગમતી? એ ઇતિની સમજ બહાર જ રહ્યું. ઇતિની વાતો બહાર આવતી બંધ થઇ ગઇ. એક આખી સૃષ્ટિ મનને તળિયે લપાઇ ગઇ. અરૂપની ખુશીને જ તેણે પોતાની ખુશી બનાવી દીધી. કોઇ ફરિયાદ વિના. હા, કયારેક ઉદાસીના પંખીઓ ઘડીભર આવીને પાંખો જરૂર ફફડાવી ઉઠતાં. પરંતુ ઇતિ એની ઉપેક્ષા કરતી. જાણે પોતે એ ફફડાટ સાંભળ્યો જ નથી.

છતાં તકલીફ તો થતી જ. ઇતિની વાતોમાં આવતા અનિકેતને અરૂપ કેમે ય સહન નહોતો કરી શકતો. અનિકેત જેમાં હોય તે કોઇ વાત અરૂપને ગમતી નહોતી જ. અને ઇતિ પોતાની કોઇ પણ વાત કરવા જાય અનિકેત આવ્યા સિવાય કેમ રહી શકે? ઇતિની ઇચ્છા, અનિચ્છાનો કોઇ સવાલ જ કયાં હતો? હવે ઉપાય ફકત એક જ બચ્યો હતો. ઇતિએ પોતાની વાતો.. શૈશવની વાતો કે અતીતની કોઇ વાતો કરવાની જ નહીં. જે જિંદગી જીવાઇ હતી એને ભૂલી ન શકાય તો કયાંક ઉંડે.. ખૂબ ઉંડે દાટી દેવાની હતી.

અરૂપને અનિકેતની વાતો નથી ગમતી એ સમજી ચૂકેલ ઇતિ મૌન બની રહેતી. અરૂપ સમજવા છતાં ન સમજતો. તે ઇતિને ભરપૂર પ્રેમ કરતો રહેતો. પોતે અનેક વાતો કરતો રહેતો. ઇતિને ખુશ કરવાના, પ્રસન્ન રાખવાના સઘળાં પ્રયત્નો પોતાની રીતે કરતો રહેતો. જાતજાતની રમૂજો કરી તે ઇતિને હસાવતો રહેતો. ઇતિ પાણી માગે ત્યાં દૂધ હાજર કરતો અરૂપ અનિકેતની વાત આવે અને આખો બદલાઇ જાય. કશું બોલે નહીં. પરંતુ એ મૌન એવું તો ધારદાર હોય કે ઇતિને ખૂંચ્યા સિવાય ન રહી શકે. અને તેથી ઇતિએ એ દરવાજો બંધ કરી દીધો હતો. બસ..બધું ભૂલી અરૂપ અને ફકત અરૂપમય તે બની રહી. પાછળ ફરીને જોવાનું કદી વિચાર્યું જ નહી. જીવન સપાટી શાંત… સાવ શાંત.. કોઈ વમળો વિનાની…

હનીમુનથી પાછા આવ્યા બાદ અરૂપ તેના બીઝનેસમાં થોડો બીઝી જરૂર થઇ ગયો. પરંતુ ઇતિનો ખ્યાલ તે સતત રાખતો. ઓફિસમાંથી પણ ઇતિને ફોન કરતો રહેતો. શકય તેટલો સમય ઇતિ સાથે વીતાવી શકાય તેવા પ્રયત્નો તે કરતો રહેતો. ઇતિ તેના માટે અણમોલ હતી.

ઘરમાં ઇતિ આખો દિવસ એકલી પડી જતી. સ્વભાવિક રીતે જ અનિકેતની વાત, તેની યાદ તેના દિલમાં ચમકી ઉઠતી. પરંતુ અરૂપને નથી ગમતું તેથી ધીમેધીમે ઇતિના જીવનનું એ પાત્ર બહારથી અદ્ર્શ્ય થતું ગયું. અનિકેતની સ્મૃતિઓ દિલના અતલ ઉંડાણમાં ધરબાઇ રહી. ઇતિને મોઢે કયારેય હવે અનિકેતનું નામ નથી આવતું. તે અરૂપમય સંપૂર્ણરીતે અરૂપમય બની રહી. કોઇ ફરિયાદ વિના સરળતાથી ઇતિનું જીવન વહેતું રહ્યું. અરૂપનો સ્નેહ ઇતિની જિંદગી બની રહ્યો. ઇતિની જિંદગીમાં અનિકેત નામે કોઇ પાત્ર હતું એ પણ ભૂલાતું ગયું કે પછી…

કાળદેવતા ઇતિ સામે કયારેક હસી લેતા એટલું જ. તેને એકને જ કદાચ ખ્યાલ હતો કે ઇતિ જાતને છેતરી રહી છે.. અનિકેત તો આ બેઠો તેના દિલના તળિયે… પણ કોઇ વાત ફોડ પાડીને કહેવા કાળદેવતા થોડા રોકાય છે? સમય સમયનું કામ કરશે અને એક દિવસ…

અને સમય સરતો રહ્યો…સરતો રહ્યો…

અરૂપના સ્નેહમાં કોઇ કમી ક્યાં હતી? ઇતિ જીવનમાં ગોઠવાતી ગઈ. કોઇ અફસોસ વિના.. હજારો લાખો સ્ત્રીની માફક.. તદન સહજતાથી.. સરળતાથી..! પરંતુ કેટલાક સત્યો કે કેટલાંક પાત્રો, કેટલાક સંબંધો વરસો પછી પણ એની એ જ કુમાશ, મુગ્ધતા અને ઋજુતા સાથે જીવતા હોય છે. તેને નથી કાટ લાગતો કે નથી ઉધઇ લાગતી કે નથી તેનો ચળકાટ ઝાંખો પડતો. એ દેખાય કે ન દેખાય પરંતુ એ હોય છે જરૂર. એ સત્યથી ઇતિ કદાચ અજાણ હતી.

લગ્ન પછી અરૂપને બાળકની ખૂબ ઉતાવળ હતી. પણ પિતા બનવાની તેની હોંશ લગ્નજીવનના આટલા વરસો બાદ પણ પૂરી ન થઇ. ઇતિ પણ શિશુને આવકારવા ઉત્સુક હતી. આમ પણ ઇતિને તો બાળકો ખૂબ વહાલા હતાં. માતૃત્વની સ્વાભાવિક ઝ્ંખનાથી ઇતિ બાકાત નહોતી. અનેક ડોક્ટરો પાસે બંને ફરી વળ્યા. પણ… બંનેના બધા રીપોર્ટ નોર્મલ આવતા હતા. અને તેથી નસીબ સિવાય કોને દોષ આપી શકાય?

ઇતિએ એકવાર કોઇ શિશુને દત્તક લેવાની વાત અરૂપ પાસે મૂકી જોઇ.

‘અરૂપ, બાળક વિના ઘર કેવું સૂનું લાગે છે. આપણે કોઇ નાનકડાં શિશુને અપનાવીએ તો?’

પરંતુ અરૂપને એ વાત ગળે ઉતરી નહીં. બાળક હોય તો આપણું પોતાનું જ… નહીંતર બાળક વિના પણ ચાલશે.

‘ઇતિ, મને તો તારું..આપણું જ બાળક જોઇએ.. પારકા કદી પોતાના થઇ શકે નહીં. અને અનાથાશ્રમમાંથી લીધેલ બાળક કોનું હોય.. કેવું હોય… તે કેમ ખબર પડે?’

ઇતિને દલીલ કરવાનું મન તો થયું. પરંતુ હમેશની જેમ તે ચૂપ જ રહી. અરૂપને ન ગમતી કોઇ વાત કરવાની તેને ઇચ્છા જ ન થતી. થોડી ગમગીન તો તે જરૂર બની. પરંતુ મનને મનાવી લીધું. બાળકનું સુખ તેના નસીબમાં નહીં હોય.

જે નથી મળી શકતું એ માટે નશીબ જેવું હાથવગુ અને આસાનીથી સ્વીકારી શકાય તેવું કારણ બીજું કયું હોઇ શકે?

અરૂપને ખાસ કોઇ ફરક ન પડયો. તેને માટે તો ઇતિ જ સર્વસ્વ હતી અને રહેશે. તેની જિંદગીમાં તેનું કામ અને તેની ઇતિ.. બે જ વાતનું અસ્તિત્વ હતું. દુનિયાની દરેક સુખ સગવડ તેની ઇતિને મળવી જોઇએ. ઇતિ માટે તેણે શહેરની બહાર, થોડે દૂર શાંત વાતાવરણમાં એક સરસ બંગલો બનાવવો શરૂ કર્યો હતો.

બાળક માટે ઇતિને સમજાવવામાં થોડી તકલીફ જરૂર પડી હતી. પરંતુ અંતે ઇતિની સરળતા તેને મદદરૂપ બની. ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને?

‘તું કહીશ એમ જ હું કરીશ.’

‘હમેશા?’

‘હા, હા, હમેશા..’

‘પ્રોમીસ?’ નાનકડાં ઇતિ, અનિકેતનો અવાજ આ કયાંથી, કોણ આવીને કાનમાં કહી ગયું? કાળની ઘેરી ગુફામાં એ પ્રોમીસ અને પ્રોમીસ આપવાવાળો હાથ કયાં અદ્રશ્ય થઇ ગયાં હતાં? ઇતિ કહે તેમ તો અનિકેતે કરવાનું હતું. અહીં અનિકેત ક્યાં?

ઇતિએ તો અરૂપ કહે તેમ જ કરવાનું ને? ઇતિ, અરૂપ, અનિકેત…

જીવનના તાણવાણા કોણ ઉકેલી શકયું છે?


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૮) – નીલમ દોશી

  • Nilam Doshi

    આભાર્ ગોપાલભાઇ,, બિપેીન ભાઇ,દર્શનાબેન, ક્રીશ્નાબેન..આપને વાર્તા ગમે છે એ જાણી મને પણ એ ગમ્યું.
    વાંચતા રહેશો અને જણાવતા પણ રહેશો ને ?

    • Vishal Parekh

      Great job, Nilamji! I couldn’t resist to comment! If I had money. I would definitely make a movie on this story! It wouldn’t justify as effective as your writing but but still more people would experience it compared to reading. Keep it up!

  • krishana

    ઘણી ય કહાનીઓ સાંભળી મે,
    ઇતિ થી અંત સુધી.
    પ્રેમ નું આ નવુ રૂપ જાણેે,
    “અનિ” થી” ઇતિ” સુધી.