આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5


૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.

અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.

આ સિવાય દીવ, દમણ અને ગોવામાં પોર્ચુગીઝ સરકારની અને પોંડીચેરીમાં ફ્રાંસની સરકારની હકુમત હતી, જે બ્રિટીશ સરકાર સાથે કરારબદ્ધ હતા.

બ્રિટીશ ઈન્ડિયા ૧૭ પ્રાંતોમાં વહેંચાયલો હતો. અજમેર, આન્દામાન-નિકોબાર, આસામ, બલુચિસ્તાન, બંગાલ, બિહાર, મુંબઈ, સેંટ્રલ પ્રોવિન્સ, કુર્ગ, દિલ્હી, મદ્રાસ, નોર્થ-વેસ્ટ ફ્રંટીયર, ઓરીસા, પાન્થ-પિપ્લોદા, પંજાબ, સિંધ અને યુનાઈટેડ પ્રોવિન્સ. પ્રાંતના વિસ્તાર પ્રમાણે ગવર્નર, લેફટેનન્ટ ગવર્નર કે કમીશનરની દ્વારા આ પ્રાંતોના વહીવટી માળખા ચાલતા. બધા પ્રાંતો અને પ્રિંન્સીસ્ટેટ્સ વાઈસરોયની સત્તા હેઠળ હતા.

રાજા-રજવાડાઓ સાથેની સંધિમાં ત્રણ મુખ્ય વાતો ઉપર અંગ્રેજોનો સંપુર્ણ અધિકાર હતો. આ ત્રણ વાતો એટલે
(૧) વિદેશ વ્યહવાર
(૨) સંરક્ષણ
(૩) રેલવે અને સંદેશ વ્યહવાર.

કોઈપણ રાજ્ય અંગ્રેજોની રજા વગર, પરદેશ સાથે કોઈપણ પ્રકારનો વ્યહવાર કરી ન શકતા, રાજ્યોને પોતાનું સૈન્ય, હવાઈ દળ કે નૌસેના રાખવાની છૂટ ન હતી, અને તાર ટપાલ અને રેલ્વે ખાતા ઉપર અંગ્રેજોનો કબ્જો હતો. દરેક મોટા અને મધ્યમ કદના રાજ્યમાં એક અંગ્રેજ અમલદાર (રેસિડ્ન્ટ) રહેતો, એ બધી વાતો ઉપર કડક નજર રાખતો. રાજાઓ રેસિડન્ટની રજા વગર કોઈપણ મોટા નિર્ણય લઈ શકતા નહિં. રાજ્યોને પોતાના કાયદા ઘડવાની છૂટ હતી, પણ અંગ્રેજોના કાયદાઓનું પણ પાલન કરવું પડતું. અંગ્રેજોની રજા લઈ, સ્થાનિક પોલીસ ખાતું રાખવાની છૂટ હતી. કેટલાક રાજ્યોમાં પોતાનું ચલણ હતું. દરેક રાજ્યે એક મુકરર રકમ બ્રિટીશ સરકારને દર વરસે આપવી પડતી.

બ્રિટીશ પ્રાંતોની જેમ આ રાજાઓના રાજ્યો પણ સીધા વાઈસરોયની આણ નીચે હતા. આ રાજા રજવાડાઓનું માન જાળવવા એમને જાત જાતના ઈલ્કાબ આપવામાં આવતા, અને એમને અલગ અલગ સંખ્યામાં તોપોની સલામી આપવામાં આવતી. તેઓ ઈંગ્લેંડ જાય ત્યારે બ્રિટનના રાજા કે રાણીને મળી શકતા.

બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની સૈન્ય શક્તિ અને આર્થિક શક્તિમાં ખૂબ ઘટાડો થયો હતો. વિશ્વના દેશોનું અને ખાસ કરીને અમેરિકાનું પણ બધા દેશોને સ્વતંત્રતા આપવાનું બ્રિટીશરો ઉપર દબાણ હતું. ગાંધીજી અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની સ્વતંત્ર માટેની લાંબી ચળવળ, નેતાજી સુભાષ બોઝની આઝાદ હિન્દ ફોજ, ૧૯૪૬ ના નૌસેનાનોબળવો, અને હિન્દુ-મુસલમાનોના કોમી દંગાથી પણ અંગ્રેજો ડરી ગયા હતા. આખરે ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના વડાપ્રધાન એટલીએ જાહેર કર્યું કે

(૧) બ્રિટીસ ઈન્ડિયાને મોડામાં મોડું જુન ૧૯૪૮ સુધીમાં સંપૂર્ણ સ્વાયતા આપવામાં આવશે.
(૨) રજવાડા સાથેના સંબંધોનો વિચાર બ્રિટીસ ઈન્ડિયાના હસ્તાંતરણની તારીખ નક્કી થાય પછી કરવામાં આવશે.

૩ જી જુન ૧૯૪૭ ના માઉંટાબેટન પ્લાનની જાહેરાત કરવામાં આવી. આ પ્લાન પ્રમાણે
(૧) હિન્દુસ્તાનના ભાગલા કરવાનો સિધ્ધાંત બ્રિટનને મંજૂર છે.
(૨) નવી સરકારને Dominion Status આપવામાં આવશે.
(૩) કોમનવેલ્થમાં રહેવું કે નહિં તેનો નિર્ણય ભારત અને પાકીસ્તાન કરી શકશે.
(૪) રાજા-રજવાડાના રાજ્યોને કોમનવેલ્થમાં સામીલ નહિં કરવામાં આવે.

કોંગ્રેસ અને મુસ્લીમલીગના નેતાઓ સાથેની અનેક વાટાઘાટો પછી, વાઈસરોય માઉન્ટબેટને સ્વતંત્રતા માટે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ની તારીખ નક્કી કરી.

હિન્દુસ્તાનના ભાગલા પડતાં બ્રિટીસ ઈન્ડિયાના ૧૭ માંથી ૧૧ પ્રાંત ભારતના તાબામાં આવ્યા, બલુચિસ્તાન, નોર્થ-વેસ્ટ ફ્રન્ટીયર અને સિંધ આ ૩ પ્રાંત પાકીસ્તાનના તાબામાં આવ્યા, અને પંજાબ, બંગલા અને આસામ આ ૩ પ્રાંતના ભાગલા પાડવામાં આવ્યા.

ભારતની સીમાઓમાં આવેલા બધા રાજા-રજવાડા, સરદાર પટેલેની કુનેહથી થોડા સમયમાં જ ભારતમાં વિલય થઈ ગયા, કેટલાક રજવાડા, જેવા કે જૂનાગઢ અને હૈદ્રાબાદ, સામે બળ વાપરવું પડેલું, કાશ્મીર ઉપર પાકીસ્તાને હુમલો કર્યો એટલે કાશ્મીરે પણ જોડાણ સ્વીકાર્યું. દિવ, દમણ, ગોવા સામે બળ વાપરવું પડેલું. ફ્રાન્સે પોંડીચેરી શાંતિથી સોંપી દીધું.

અને આ રીતે આજના ભારતની સીમાઓ અંકિત થઈ શકી.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા

  • shirish Dave

    મારા ખ્યાલ પ્રમાણે કચ્છ પણ વિસ્તાર પ્રમાણે મોટું રાજ્ય ગણાતું હતું. સૌરાષ્ટ્રના અમરેલી અને દ્વારકા રાજ્યના પ્રદેશો ને બાદ કરતાં સૌ રાજાઓ જુનાગઢના નવાબને ખાંડણી ભરતા. અમરેલી, દ્વારકા માં ગાયકવાડી હતું. ગુજરાતના બધા રાજ્યો ગાયકવાડને ખંડણી ભરતા હતા.
    ઉપરોક્ત વાત મારા સાંભળવા પ્રમાણે છે.
    રાજાઓને પ્રજામતના આધારે નક્કી કરવાનું હતું કે ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું. જુનાગઢ અને હૈદરાબાદમાં બહુમતિ હિન્દુઓની હતી અને પ્રજાની ઇચ્છાને જાણ્યા વગર આ બે રાજ્યોએ પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું. તે ગેરકાયદેસર હતું. સરદાર પટેલની કૂટનીતિને કારણે જુનાગઢ અને હૈદરાબાદ ભારતમાં જોડાયા.
    પીઓકે ને બાદ કરતાં, જે & કે માં ૧૯૫૨માં ચૂંટણી કરવામાં આવી અને તેના ચૂંટાયેલા સભ્યોએ ભારત સાથેના જોડાણને મંજુર રાખ્યું.

  • himmatlal aataa

    પ્રિય દાવડા ભાઈ તમે બહુ જાણવા જેવી માહિતી આપી . મને ઘણું જાણવા મળ્યું . તમારા જ્ઞાન ભંડારમાંથી આવી માહિતી આપતા રહેજો ધન્યવાદ